અંતે મહારાષ્ટ્રને સરકાર મળી. દેવેન્દ્ર ફડનવીસને ફરી એકવાર મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ૨૩મી નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં હતાં અને પછી બે દિવસમાં સરકાર રચાઈ શકતી હતી, પરંતુ સરકાર રચવામાં દસ દિવસ લાગ્યા. આપસમાં સત્તા માટેની સાઠમારી ચાલતી હતી એમ કહેવામાં આવતું હતું. કોઈ કહે વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરીવાર મુખ્ય પ્રધાન બનવા માગે છે અને રિસાઈને બેઠા છે. તેઓ પોતાને ગામથી પાછા નથી ફરતા. કોઈ કહે ભા.જ.પ.ની અંદર દેવેન્દ્ર ફડનવીસ અને વિનોદ તાવડે વચ્ચે સાઠમારી ચાલી રહી છે. આ આની નજીક છે, આ આની નજીક છે, વગેરે વગેરે. લોકો તો એમ પણ કહેવા લાગ્યા હતા કે ઈ.વી.એમ. મશિનમાં કોઈક ગડબડ કરવામાં આવી છે એ વિષે થઈ રહેલી ચર્ચા તરફથી લોકોનું ધ્યાન ભટકાવવા જાણીબૂજીને સરકાર રચવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે અને આંતરિક સાઠમારીની વાતો વહેતી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના આદરણીય લોકસેવક બાબા આઢવે ઈ.વી.એમ.ના વિરોધમાં પ્રતીકાત્મક ઉપવાસ કર્યા હતા અને ઈ.વી.એમ. બંધ કરવા આંદોલન કરવાનું વિચારે છે. છેલ્લી ઈ.વી.એમ.વાળી સંભાવના પણ ગળે ઉતરે એવી હતી. ખેર, પૂરા દસ દિવસ રાહ જોવડાવ્યા પછી મહારાષ્ટ્રને સરકાર મળી છે અને તે ૨૦૧૪-૨૦૧૯ની દેવેન્દ્ર ફડનવીસની સરકાર કરતાં પણ વધુ મજબૂત હશે.
એમાં કોઈ શંકા નથી કે મહારાષ્ટ્રમાં બી.જે.પી.ના મોરચાને અને તેનાથી વધુ અંગત રીતે બી.જે.પી.ને વિજય અપાવવામાં એકનાથ શિંદેનો મોટો ફાળો છે. પહેલો ઉપકાર તેમણે શિવસેનાને તોડીને કર્યો હતો. બીજો ઉપકાર તેમણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાસેથી ધનના સ્રોત છીનવી લઈને કર્યો હતો. એકનાથ શિંદે અવિભાજિત શિવસેનાના કુબેર હતા. આ સિવાય એક શાસક તરીકે તેઓ અનોખા હતા. ખૂબ મહેનત કરે, ખૂબ પ્રવાસ કરે, પ્રોટોકોલ તોડીને લોકોને મળે, ત્યાંને ત્યાં સ્થળ પર જ લોકોને સહાય કરે, કોઈ વાયદા નહીં, રોકડી સહાય, નવીનવી યોજનાઓ લઈ આવે, વગેરે. આમાં મધ્ય પ્રદેશ સરકાર પાસેથી ઉછીની લીધેલી લાડકી બહિણ યોજનાએ એન.ડી.એ.ને ન્યાલ કરી દીધો હતો.
પણ એનો અર્થ એવો નથી કે જીતનો શ્રેય એકલા શિંદેને જાય છે. બૂથ લેવલે સંઘપરિવારના મેનેજમેન્ટનો ફાળો ઘણો મોટો છે. આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચૂંટણીનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું હતું અને તેનાં બે કારણ હતાં. એક તો એ કે મહારાષ્ટ્ર એક અગત્યનું રાજ્ય છે, સંઘની જન્મભૂમિ છે, સંઘનું શતાબ્દીવર્ષ છે અને એવામાં લોકસભામાં મળેલા પરાજય પછી મહારાષ્ટ્રની વિધાનસભામાં એન.ડી.એ.નો જો ભૂંડો પરાજય થાય તો ખોટો સંકેત જાય. બીજું કારણ એ કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં બી.જે.પી.ને આજ સુધી જોઈએ એવો વિજય મળ્યો નથી. ૧૯૭૭ની લોકસભાની વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રે કાઁગ્રેસનો હાથ નહોતો છોડ્યો. મહારાષ્ટ્ર કાઁગ્રેસનો ગઢ રહ્યો છે. વિભાજન દ્વારા શિવસેના અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીને કમજોર કર્યા પછી આ વખતે કાઁગ્રેસ પર હુમલો કરવાનો અવસર છે. ભા.જ.પ. કરતાં સંઘને મહારાષ્ટ્ર કબજે કરવામાં રસ હતો.
બીજું રાજકારણમાં કોઈ કોઈનો ઉપકાર માનતું નથી અને યાદ રાખતું નથી. એકનાથ શિંદે ઉપર ઠાકરે પરિવારના ઉપકાર ઓછા છે? અજીત પવાર પર કાકા શરદ પવારના ઉપકાર ઓછા છે? શરદ પવાર પર કાઁગ્રેસ અને યશવંતરાવ ચવ્હાણના ઉપકાર ઓછા હતા? જે પોતાનું ઘર ફોડી શકે એ બીજા પાસે ઉપકારના બદલાની અપેક્ષા રાખે એ વધારે પડતું છે. ભા.જ.પ. ઉપર બાળ ઠાકરે અને શિવસેનાના ઉપકાર ઓછા છે? કાઁગ્રેસ માટે અનુકૂળ અને ભા.જ.પ. માટે પ્રતિકૂળ રાજ્ય મહારાષ્ટ્રમાં ભા.જ.પ. માટે પગ મૂકવાની જગ્યા બાળ ઠાકરેએ કરી આપી હતી. આમ રાજકારણમાં ઉપકાર અને મહેનતાણાની અપેક્ષા કોઈની ફળી નથી અને એમાં આ તો ભા.જ.પ. છે. પોષનારના જ પ્રાણ હરે. એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એન.સી.પી. ૨૦૨૯ સુધીમાં એવી સ્થિતિમાં હશે જેવી સ્થિતિમાં આજે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે. ૧૯૭૮-૧૯૮૫નાં વર્ષોમાં શરદ પવારે ભા.જ.પ.ને પોષણ પૂરું પાડ્યું હતું. ૧૮૮૫થી ૨૦૧૪ સુધી શિવસેનાએ ભા.જ.પ.નું પોષણ કર્યું હતું અને ૨૦૨૨ પછી એકનાથ શિંદે અને અજીત પાવરે મદદ કરી. તેમના નસીબમાં પણ એ જ લખાયેલું છે જે ઠાકરે અને પવારના નસીબમાં લખાયેલું હતું. ૨૦૨૯ આવતા સુધીમાં આ વાત સાબિત થઈ જશે.
એક સમયનો મુખ્ય પ્રધાન નાયબ મુખ્ય પ્રધાન થયો હોય એ કોઈ નવી વાત નથી. મહારાષ્ટ્રમાં નારાયણ રાણે આનું ઉદાહરણ છે. બીજાં આવાં અનેક ઉદાહરણો છે. નાયબ મુખ્ય પ્રધાન તો ઠીક સાધારણ કેબીનેટ પ્રધાન પણ બન્યા છે. વળી એકનાથ શિંદેને સ્વમાન વહાલું હોય તો પ્રધાન નહીં બનવાનો વિકલ્પ ઉપલબ્ધ હતો. બીજું ડેપ્યુટી ચીફ મિનીસ્ટર કે ડેપ્યુટી પ્રાઈમ મિનીસ્ટર જેવો કોઈ બંધારણીય હોદ્દો જ નથી. આ તો સત્તાભૂખ્યા રાજકારણીઓએ પોતાના માટે પેદા કરેલા હોદ્દા છે. એકનાથ શિંદે અને અજીત પાવર બન્ને ઓશિયાળા છે. ભા.જ.પ. પાસે ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ૧૩૨ બેઠકો છે અને સાદી બહુમતી માટે માત્ર ૧૩ બેઠકો ખૂટે છે. એકનાથ શિંદે શિવસેનાની ૫૭ વિધાનસભ્યોને લઈને જતા રહે તો અજીત પવાર ૪૧ વિધાનસભ્યો સાથે ઉપલબ્ધ છે અને અજીત પવાર જાય તો એકનાથ શિંદે છે. આમાં અજીત પવારને બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી ગયું છે. તેમની ચિંતા એ વાતની હશે કે તેમના ૪૧ વિધાનસભ્યોમાંથી ૧૫-૨૦ બી.જે.પી.માં ન જતા રહે.
તો વાતનો સાર એ કે આ બન્ને જણે પોતાનું ઘર ફોડીને બી.જે.પી.નું ઘર ભરી આપ્યું છે અને હવે તેમનો જ કોઈ ખપ રહ્યો નથી. બીજો સાર એ કે મહારાષ્ટ્રમાં કહેવા પૂરતી યુતિ સરકાર છે, વ્યવહારમાં બી.જે.પી.ની સરકાર છે. એકનાથ શિંદે અને અજીત પવાર આ જાણે છે અને શિંદેને સમજ નહીં હોય તો આવી જશે. અહીં પ્રારંભમાં પૂછેલો પ્રશ્ન પ્રસ્તુત છે. સરકાર રચવામાં આટલા બધા દિવસ કેમ લાગ્યા? ના, એનું કારણ એકનાથ શિંદેને મનાવવાનું નહોતું. જે બીજાની પીઠમાં ખંજર મારે એ ખંજર ખાવા મનોમન તૈયાર હોવાનો. એનું કારણ ઈ.વી.એમ. તરફથી ધ્યાન ભટકાવવાનું હતું.
મહારાષ્ટ્રને બી.જે.પી.ની સરકાર બીજી વાર મળી છે. બીજી વાર દેવેન્દ્ર ફડનવીસ મુખ્ય પ્રધાન તરીકે મળ્યા છે. સરકાર પહેલી મુદ્દત કરતાં પણ વધુ શક્તિશાળી છે. આનો ઉપયોગ લોકતાંત્રિક માનમર્યાદા વિનાની દાદાગીરી માટે કરવામાં આવે છે કે વિકાસ માટે એ થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2024