આજની તારીખે
‘ચાલો,
જીવનમાંથી એક વર્ષ
ઓછું થયું !’
એવી વાત કરવી
એ
તદ્દન બોગસ વાત છે.
જિંદગી એ કંઈ
બજાર ને વેપારની
જમા-ઉધારની
રૂપિયાબાજી છે ?
જ્યાં જમા જ નથી
ત્યાં ઉધાર ની કેવી તે
વાત ?
એનો એવો પણ
અર્થ નથી જ
કે
ભૂતકાળને જનાવરની
જેમ વાગોળ્યા કરવો.
“અમે નાનાં હતાં ત્યારે આમ હતું ને તેમ ન હતું ..
અમારાં જમાનામાં તો એવું હતું ને તેવું ન હતું ..
અમે જ્યારે જવાન હતા ત્યારે તો …”
આવો ભૂતકાળનો બકવાસ
એટલે પતી ગયાની, ખુદ ખતમ થઈ ગયાની વાત,
જાણે
પોતાની જ શોકસભામાં
માઈક ખેંચી
પોતે જ લાંબું ભાષણ
ઠોકવા જેવી વાત !
ખરેખર તો
બારી ખોલીને,
બહાર જોઈને,
પોતાની જાતને
એકાદ સવાલ પૂછવો ના જોઈએ કે
ગયા વર્ષે તેં શું કર્યું ?
પોતે જ પોતાની જાતને,
ખુદને સવાલ પૂછવો
એ મને મુશ્કેલ, અઘરી વાત લાગે છે
પણ
જન્મદિનની કેક
કાપવાથી ય
વિશેષ
આનંદ
ખુદને સવાલ પૂછવાથી
કદાચ મળી શકે,
એવું ખરું કે નહીં ?
(08 ડિસેમ્બર 2018)
સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર