‘મેં યુવાનોને તર્ક, પૃથક્કરણ અને બુદ્ધિથી વિચારતા શીખવ્યું છે. વિચારો માણસ જેવા ભંગુર નથી હોતા. વિચારોને ઝેર પાઈ શકાતું નથી. મારા વિચારો જીવશે. એક ઉદાહરણ બનીને હું પણ જીવીશ, પણ એથેન્સની પ્રતિષ્ઠા પર કાળો ડાઘ લાગશે. શરમ તમારી છે, મારી નથી.’
— સોક્રેટિસ
વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં બંધારણ મુજબ શાસન-વ્યવસ્થા ચાલે છે એ આપણે જાણીએ છીએ. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. 2019 થી 2021 સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશપદે બિરાજનાર શરદ બોબડેએ શપથવિધિ પહેલા ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ને આપેલી મુલાકાતમાં કરેલી રસપ્રદ વાતો દરમ્યાન સૌથી વધારે ભાર બંધારણમાં અપાયેલા વાણીસ્વાતંત્ર્ય પર મૂકેલો અને કહેલું કે ‘આપણા દેશનું વાણીસ્વાતંત્ર્ય અજબ છે. અમુક વ્યક્તિઓ જાહેરમાં કે સોશ્યલ મીડિયા પર ગમે તે કહે છે અને અમુક જરા મોઢું ખોલે ત્યાં એમના પર પસ્તાળ પડે છે.’ ઈંડિયન ફ્રીડમ રિપોર્ટ અનુસાર ભારતમાં મુક્ત અભિવ્યક્તિનું વાતાવરણ નથી. પ્રચલિત માળખાથી જુદો અભિપ્રાય ધરાવનરને દેશનો દુ:શ્મન ગણવામાં આવે છે. બુદ્ધિશાળી વર્ગ મોં બંધ કરીને બેસી ગયો છે. વડા પ્રધાન મુક્ત અભિવ્યક્તિને પાયાનો માનવઅધિકાર કહે છે પણ આ અધિકારનો દુરુપયોગ અને હનન તેઓ રોકી શક્યા નથી.
બંધારણની કલમ 19(1)એ આપણને વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપ્યું છે. ભારતના દરેક નાગરિકને અભિપ્રાય રાખવાનો, અભિવ્યક્તિનો, માહિતી શોધવા-મેળવવા-આપવાનો અધિકાર આપ્યો છે. ત્યાર પછીની કલમ 19(2)માં ‘ભારતનું સ્વાતંત્ર્ય, એકતાં અખંડતા, સલામતી કે નૈતિક ધોરણો જોખમાય કે અદાલતનું અપમાન થાય તેવી’ અભિવ્યક્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. મરાઠી કવિ વસંત દત્તાત્રેય ગુર્જર પર મહાત્મા ગાંધીના મોંમાં અણછાજતી ઉક્તિઓ મૂકવા બદલ કેસ થયો હતો. એમનું ‘ગાંધી મલા ભેટલા હોતા’ કાવ્ય જેણે છાપ્યું એ સામયિક અને તેના તંત્રી પર પણ અદાલતે પ્રશ્નો ઉઠાવ્યા હતા. નિરપેક્ષ, પૂર્ણ, અબાધિત, એબ્સોલ્યુટ વાણીસ્વાતંત્ર્ય આપી કે લઇ શકાવું શક્ય નથી હોતું તેથી વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર વિવાદો સર્જાતાં રહેતા હોય છે. કટોકટી પછી સુપ્રીમ કોર્ટે વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની જોરદાર હિમાયત કર્યા કરી છે, પણ દરેક બગડતા રાજનૈતિક માહોલ સાથે આ કલમ ફરી ફરીને ચર્ચાતી રહી છે.
લોકશાહીનો પાયો ગણાતા વિચાર, વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો આજે તો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર થઈ ચૂક્યો છે. અમેરિકાના બંધારણમાં થયેલા પહેલા દસ સુધારાને બિલ ઑફ રાઇટ્સ કહે છે. એમનો પહેલો સુધારો – ફર્સ્ટ એમન્ડમેન્ટ નાગરિકને વાણીસ્વાતંત્ર્ય આપે છે. 1791નો આ ‘ફર્સ્ટ એમન્ડમેન્ટ’ અમેરિકાની ગળથૂથીમાં એવો ઊતરી ગયો છે કે ત્યાંની અદાલત હેટ સ્પીચ એટલે કે કોઈ જૂથ, વંશ, ધર્મ. રાસજતર, લિંગ કે અપંગત્વને નિશાન બનાવીને કરાતાં પૂર્વગ્રહક્ત કે બેજવાબદાર વિધાનોને પણ ‘લિગલ’ ગણે છે. તેનો વિરોધ કરવાનું સ્વાતંત્ર્ય સૌને છે, પણ તેમને રોકવાનો અધિકાર કોઈને નથી. 1991માં આ સુધારાને 200 વર્ષ થયાં ત્યારે અમેરિકાનાં અખબારોના તંત્રીઓએ ‘ફર્સ્ટ એમન્ડમેન્ટ બુક’ નામનું પુસ્તક બહાર પાડ્યું અને સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિને અર્પણ કર્યું. અહીં નોંધવું જોઈએ કે ફર્સ્ટ એમન્ડમેન્ટમાં વાણીસ્વાતંત્ર્ય સાથે અખબારી સ્વાતંત્ર્યનો સમાવેશ છે, જ્યારે આપણી 19મી કલમમાં તેનો સમાવેશ નથી
અઢી હજાર વર્ષ પહેલા સોક્રેટિસ પર મુકાયેલા આરોપમાં પણ મુખ્ય મુદ્દો વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો જ હતો. ઇસુ પૂર્વે પંચમી છઠ્ઠી સદી પહેલાનું એથેન્સ એટલે વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પુરસ્કારનારો વિશ્વનો પહેલો સમાજ. એટલાં વર્ષો પહેલા ત્યાં લોકશાહીના પ્રયોગો થયા હતા. તેઓ માનતા કે કોઈપણ સમાજ ગમે તેટલા ઉમદા હેતુઓ માટે કામ કરતો હોય, પણ જ્યાં સુધી તેના સભ્યોને પોતાના વિચાર વ્યક્ત કરવાની છૂટ નથી આપતો ત્યાં સુધી અધૂરો છે. તો પછી આ જ સમાજે સોક્રેટિસને તેના વિચારો વ્યક્ત કરવા માટે ઝેર કેમ આપ્યું? થોડી વાત કરીએ આઈ.એફ. સ્ટોનના પ્રસિદ્ધ પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ સોક્રેટિસ’ની.
આઈ.એફ. સ્ટોન બહુ મોટા ગજાનો પોલિટિકલ પ્રોગ્રેસિવ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ અને પબ્લિક ઈન્ટેલેક્ચ્યુઅલ. એક સમયે તેના સાપ્તાહિક આઈ.એફ. સ્ટોન્સ વિકલીનું વાંચન વ્હાઇટ હાઉસમાં ફરજિયાત હતું. હૃદયની તકલીફને કારણે સોક્રેટિસ પર કામ કર્યું અને ‘ધ ટ્રાયલ ઑફ સોક્રેટિસ’ લખાયા પછી તરત જીવનકાર્ય પૂરું થયું હોય એમ જીવન સંકેલી લીધું.
સોક્રેટિસ પર બે આરોપ હતા – એક તો યુવાનોના મગજ ભ્રષ્ટ કરવાનો અને બીજો દેવોને ન માનવાનો. એ વખત એથેન્સની પડતીનો હતો. સ્પાર્ટા સાથેના યુદ્ધમાં થયેલા પરાજય પછી એ સ્થિર થવા મથતું હતું. સોક્રેટિસ એથેન્સના વફાદાર પણ લોકશાહીના આલોચક હતા. એમના શિક્ષણથી યુવાનો લોકશાહી વિરુદ્ધ પ્રશ્નો કરતાં થઈ જાય તે શાસકોને મટી વાત ન હતી. એમને ઝેર આપી મારી નાખવામાં આવ્યા.
આઈ. એફ. સ્ટોનના પુસ્તકમાં ‘સોક્રેટિસે શું કહેવું જોઈતું હતું?’ એવું એક પ્રકરણ છે. દરેક જાગૃત વ્યક્તિને રસ પડે એવો વિચાર એમાં છે.
લેખક કહે છે, જો સોક્રેટિસ પોતાના માટે જ નહીં, સમગ્ર એથેન્સ માટે વાણીસ્વાતંત્ર્યનો અધિકાર ઈચ્છતો હોત તો તે આમ કહેત, ‘આ સોક્રેટિસની નહીં; વિચારોની, એથેન્સની પરીક્ષા છે. મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે, એથેન્સને નુકસાન થાય એવું કશું કર્યું નથી. આનો અર્થ એ કે મેં જે કર્યું છે તે માટે નહીં, પણ જે વિચાર્યું છે, જે કહ્યું છે તેને માટે મને ગુનેગાર ગણવામાં આવે છે. આવું તો એથેન્સમાં કદી બન્યું નથી. વાણીસ્વાતંત્ર્યનો પુરસ્કર્તા હું હોઉં કે નહીં, તમે તો છો. એક મોચી ગમે તેટલો સારો હોય, હું તેની પાસે જોડા બનાવવા જાઉં વિચારો મેળવવા નહીં. હું માંનું છું કે શાસન એણે જ કરવાનું હોય જે લાયક હોય. બીજા બધાએ પોતાના ભલા માટે જ એના શાસનને સ્વીકારવાનું હોય. લાયકાત વિનાના માણસોના અભિપ્રાયને મહત્ત્વ આપતી લોકશાહીમાં હું માનતો નથી, તમે તો માનો છો. જો તમારું વાણીસ્વાતંત્ર્ય એવી ધારણા પર બંધાયેલું છે કે દરેકના અભિપ્રાયની એક કિંમત છે તો તમે મને મારો મત પ્રગટ કરતા કેમ અટકાવો છો? તમે એક મોચીને સાંભળશો, પણ જેણે સત્યની શોધમાં આખી જિંદગી ગાળી છે તેવા મને નહીં સાંભળો? આજે બહારનું વિશ્વ જંગલી યુદ્ધોમાં અટવાયેલું છે ત્યારે એથેન્સે ફિલોસોફરોને આવકાર્યા છે. આ જ એથેન્સ તેના પોતાના ફિલોસોફરને બોલવા નહીં દે?’
ત્યાર પછી તે જે કહે છે તેમાં શાશ્વત સત્યનો રણકાર છે. તેના શબ્દો છે, ‘મેં યુવાનોને તર્ક, પૃથક્કરણ અને બુદ્ધિથી વિચારતા શીખવ્યું છે. વિચારો માણસ જેવા ભંગુર નથી હોતા. વિચારોને ઝેર પાઈ શકાતું નથી. મારા વિચારો જીવશે. એક ઉદાહરણ બનીને હું પણ જીવીશ, પણ એથેન્સની પ્રતિષ્ઠા પર કાળો ડાઘ લાગશે. શરમ તમારી છે, મારી નથી.’
ઇતિહાસ કહે છે કે સોક્રેટિસ ભાગી શકત. તેના શિષ્યોએ તૈયારી કરી હતી. પણ તેણે કહ્યું, ‘મારા એથેન્સને મારા વિચારો ન પચ્યા, બીજા કોને પચશે? ભાગીને ક્યાં જઈશ? ઝેર પી લઉં, તેમાં જ મારી શોભા છે.’ સોક્રેટિસ જ્ઞાનને સૈદ્ધાંતિક રૂપે જોતી ફિલોસોફીની શાખા એપિસ્ટેમોલૉજી અને વર્તનની યોગ્યયોગીત પ્રમાન્ટિ મૉરલ ફિલોસોફીના પ્રણેતા હતા. ઝેર પીધું ત્યારે એમની ઉંમર 70 વર્ષની હતી. ઈ.સ. પૂર્વે 470 એ એમના જન્મનું વર્ષ.
અભ્યાસીઓ માને છે કે ભારતની પ્રજાના લોહીમાં સ્વતંત્ર વિચાર કે જુદા અભિપ્રાયને સ્વીકારવાની તંદુરસ્ત પ્રકૃતિ ઘણા ઓછા પ્રમાણમાં છે. ભારતમાં વિચારોની દરિદ્રતા છે અને મુક્ત વિચારો તો એથી પણ દુર્લભ છે. આઈન્સ્ટાઈન કહેતા કે વિશ્વનો નાશ દુષ્ટ તત્ત્વો વડે નહીં, દુષ્ટતાના મૂક સાક્ષી બની રહેનારા તત્ત્વો વડે થવાનો છે. રામધારીસિંહ દિનકરની પંક્તિ આ જ કહે છે, ‘સમર શેષ હૈ, નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ; જો તટસ્થ હૈ, સમય લિખેગા ઉસકા ભી અપરાધ’.
સમજીશું? વિચારીશુ?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 નવેમ્બર 2024