પોતાની મૂડીની પાઈએ પાઈ દાનમાં આપી દેનાર દોરાબજી તાતા
૧૯૧૧ના ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખની બપોરે લોનાવાલા ખાતે યોજાયેલા તાતા પાવરના શીલાન્યાસ સમારંભમાં બોલવા માટે સર દોરાબજી તાતા ઊભા થયા અને કહ્યું :
આજે જો મારે સૌથી પહેલાં કોઈનો આભાર માનવાનો હોય તો તે મારા બાવા સર જમશેદજી નસરવાનજી તાતાનો. હા, એવને આ ફાની જિંદગાનીમાં પૈસા ઘન્ના બનાવિયા એની ના નહિ. પન એવનના એકુ પોરિયા તરીકે જ નહિ, એક હમસફર તરીકે બી બોલું છું એટલે જરૂરથી કહેવસ કે પૈસા બનાવવા એ કબ્બી બી એવનની જિન્દગાનીનો પહેલો મકસદ હૂતો નહિ. પોતાના માદરેવતનને વેપાર-ઉદ્યોગની બાબતમાં કેમ કરીને બને તેટલો આગલ વધારવો એ એક જ વાત તેમના દિલોદિમાગમાં હતી. આય પાવર પ્લાન્ટ શુરુ કરવાનું ડ્રીમ તેઓ પોતાની ફાની જિંદગાનીમાં તો પૂરું કરી સાકિયા નહિ, પણ મુને ખાતરી છે કે આજે એવનની રૂહ જેથે બી હોસે, એને હાસકારો થસે.
સર દોરાબજી તાતા
બીજી કબૂલાત મારે એ કરવાની છે કે એવા દિવસો બી આવિયા હુતા કે જ્યારે મુને લાગતું હુતું કે બાવાજીનું આય ડ્રીમ હું કે વારે બી પૂરું કરી સકસ નહિ. કેમ કે આય દેશમાં હજી આવા મોટ્ટા ઉદ્યોગો બહુ ઓછા સુરુ થયેલા છે. એટલે અહીંના લોક તેમાં પોતાના પૈસા રોકવા તૈયાર થતા નથી છે. બરાબર એ જ તાણે નેકનામદાર ગવર્નર સર જ્યોર્જ ક્લાર્ક સીડનહામ, જેઓ આજે અહીં પધારિયા છે, તેમની મદદ અમોને મળી. પોતાના ભાષણોમાં એવને ‘દેશી’ લોકોને અમારા આ સાહસમાં પૈસા રોકવા ઉશ્કેર્યા. આજે અહીં જે પાવર પ્લાન્ટનું બાંધકામ સુરુ થવાનું છે તેની પાછળ જે મૂડી રોકવામાં આવશે તેનો ઘન્નો મોટ્ટો હિસ્સો આપરા દેસના લોકોએ અમુને આપેલો છે. એ લોકોને મારે ખાતરી આપવી જોઈએ કે જે વિસવાસ તમે અમારી કંપનીમાં મૂકિયો છે તેને રોશન કરવાની મહેનત હું પોત્તે અને મારી પછી આવનારી અમારી પેઢીઓ બી કરશે.
બેઠેલા: જમશેદજી તાતા, આર.ડી. તાતા અને દોરાબજી તાતા. ઊભેલા: રતન તાતા
દોરાબજી બોલી રહ્યા વેરે એવન નામદાર ગવર્નર અને લેડીસાહેબા અને બીજા થોરા માનવંતા મહેમાનોને લઈને થોરે દૂર બનાવેલા માંચડા પર લઈ ગિયા. સૌથી પેલ્લી તો દોરાબજીએ સલાહકાર એન્જિનિયર આલ્ફ્રેડ ડિકીન્સન અને કંપનીના જનરલ મનેજર હેરી પાર્કર ગીબ્સની ઓળખ નામદાર ગવર્નર સાથે કરાવી. એ પછી તુરત જ દારૂગોળાના ભડાકા કરવામાં આવિયા હુતા. તેના એકો આખી ખીણમાં પડિયા હુતા. એ પછી નામદાર અને લેડી ગવર્નરના માનવંતા હાથ વરે પાયાનો પથ્થર એની જગોએ મૂકવામાં આવીયો. તાર બાદ ગવર્નર સાહેબ બોલવા ઊભા થીયા. એવાને દોરાબજીની શાબાસગી આપી અને કહ્યું :
સરકારની ઇન્કમ ટેક્સની આવક જુઓ, બેન્કોની વધતી જતી ફિક્ષ્ડ ડિપોઝીટ જુઓ, કોલસા, મેંગેનીઝ, સોનું, પેટ્રોલ, વગેરે જણસોનું ઉત્પાદન પણ સતત વધતું રહ્યું છે. અને એવું પણ નથી કે ખેતીવાડીને ભોગે આ ઔદ્યોગિક પ્રગતિ થઈ રહી છે. દસ વરસ પહેલાં ૧૮૦ મિલિયન એકરમાં ખેતી થતી હતી. આજે ૨૧૮ મિલિયન એકર જેટલી જમીનમાં ખેતી થાય છે. અને આ બધાની સાથોસાથ – તેમને બદલે કે તેમને ભોગે નહિ – હિન્દુસ્તાનનો ઔદ્યોગિક વિકાસ પણ થઈ રહ્યો છે. માનવંતા મહેમાનો, આપને થતું હશે કે આ બધી વાતોને અને આજના આ કાર્યક્રમને શો સંબંધ? અને આ ગમાર ગવર્નર આજે આ બધી વાત કેમ બોલી રહ્યો છે! તો મને કહેવા દો કી આજે જે પાવર પ્લાન્ટનો પાયાનો પથ્થર મૂકવાનું કામ મારે હાથે થયું છે તે પોતે તો હિન્દુસ્તાનની ઔદ્યોગિક પ્રગતિનો એક બુલંદ સિતારો છે જ. પણ આ પાવર પ્લાન્ટમાં જે વીજળી પેદા થશે તેને પરિણામે મુંબઈ અને બીજા કેટલાક પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસની ઝડપ પણ ઘણી વધશે.
તાતા કંપનીનો પહેલો પાવર પ્લાન્ટ
હું જાણું છું કે છેલ્લાં કેટલાંક વખતથી આ દેશમાં ‘સ્વદેશી’ની હિમાયત જોરશોરથી થઈ રહી છે. પણ ‘સ્વદેશી’ એ વિશેષણ માત્ર નાના નાના કે ઘરઘરાઉ ઉદ્યોગોને જ લાગુ પડે છે એવું નથી. હમણાં મેં જેનો પાયાનો પથ્થર મૂક્યો તેવા મોટા ઉદ્યોગોને પણ આ વિશેષણ લાગુ પડે છે. આપણા પોતાના ખિસ્સામાં પૈસા હોય તો બીજા પાસેથી ઉધાર ન લઈએ એમાં જેમ ડહાપણ છે, તેમ જ જો દેશમાંથી જ જરૂરી પૈસા ઊભા થઈ શકતા હોય તો વિદેશી મદદ ન લેવી જોઈએ એટલું તો કોઈ પણ સમજે. પિતા જમશેદજીનું સપનું સ્વદેશી મૂડી વડે સાકાર કરવા માટે દોરાબજીએ જે જહેમત ઉઠાવી છે તેનો હું સાક્ષી છું. અને એ જહેમતને પરિણામે આજનો દિવસ આપણે જોઈ શક્યા છીએ તે માટે તેમનો આભાર માનું છું. અને હા, આજે મારે હાથે જે મૂકાયો છે તે માત્ર કોઈ બાંધકામનો પાયાનો પથ્થર જ નથી. હિન્દુસ્તાનના લોકોની પોતાની જાતમાં રહેલી શ્રદ્ધાનો પાયો પણ તે છે. મને ખાતરી છે કે એક દિવસ અહીં પેદા થયેલી વીજળી તાર દ્વારા મુંબઈ સુધી પહોંચશે અને ત્યાંના વેપાર-ઉદ્યોગને જ નહિ, ત્યાંના લોકોના જીવનને પણ ઉજાળશે.
*
જમશેદજી વારસામાં સારી એવી પૂંજી મૂકી ગયા હુતા. અને દોરાબજીએ તેમાં ઘન્નો વધારો કીધો. પન એ ધન ન પોતાને માટે રાખિયું, ન પોતાના વારસો માટે. એવને એક ટ્રસ્ટ શુરુ કીધું અને પોતાની બધ્ધી મિલકત – પોતે પહેરતા તે મોતી મઢેલી ટાઈ-પીન સિક્કે – એ ટ્રસ્ટને લખી આપી. એવનનાં ધનિયાની ગુજરી ગયા વેરે એવને આય ટ્રસ્ટ કીધું. અને એવને લખી જનાવિયું કે દેશ, જાત, ધરમ, કે બીજા કોઈ બી ભેદ ભાવ વગર આ ટ્રસ્ટના પૈસા વિદ્યા અને સંશોધનનાં કામોમાં, આફતગ્રસ્ત લોકોની મદદ માટે, અને બીજા જાહેર સખાવતી કામોમાં વાપરવા. આય ટ્રસ્ટ તે સર દોરાબજી તાતા ટ્રસ્ટ.
પત્ની મહેરબાઈ સાથે દોરાબજી તાતા
દોરાબજીનાં ધનીયાની મેહેરબાઈ લુકેમિયાના રોગનો ભોગ બની આય ફાની દુનિયામાંથી સીધાવિયા હુતા. એટલે આય રોગ અંગે અભ્યાસ-સંશોધન કરવા માટે દોરાબજીએ લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ બનાવિયું. મેહેરબાઈનો અંતકાલ ઈંગલન્ડમાં આવીયો હૂતો. એવનની કબરના દિદાર કરવા દોરાબજી ૧૯૩૨ના એપ્રિલની ૧૧મી તારીખે મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા નીકલીઆ. પન ખોદાયજીએ કૈંક જુદું જ ભાયેગમાં લખિયું હોસે. તે ૧૯૩૨ના જૂનની ત્રીજી તારીખે મુસાફરી દરમ્યાન જ જર્મનીમાં એવન બી ખોદાયજીને પ્યારા થઈ ગયા. એવનનાં રૂઆનને ઈંગલન્ડ લઇ જઈ ધનીયાનીની કબ્રની બાજુમાં દફનાવવામાં આવિયું.
જેને લીધે ‘તાતા’નું નામ હિન્દુસ્તાનના ઘર ઘરમાં જાણીતું અને માનીતું થયું એવી એકુ કંપનીની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 ડિસેમ્બર 2024