Opinion Magazine
Number of visits: 9954001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી જન્મેલી મા

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|3 March 2025

વર્ષોથી કેનેડામાં વસી ગયેલી પન્નાએ બહુ હોંશ કરીને બાને અહીં બોલાવ્યાં હતાં. બાની વધતી જતી ઉંમર જોતાં એને થતું હતું કે, હમણાં નહીં આવે તો બા ક્યારે ય એનો સુખી સંસાર જોવા નહીં આવી શકે. થોડી આનાકાની પછી બા આવવા તૈયાર થયાં હતાં અને આવીને ખુશ પણ હતાં. પહેલેથી જ એમને દરેક વસ્તુમાં રસ એટલે પન્નાનાં બાળકો પાસે રોજ અંગ્રેજી શીખવાની કોશિશ કરતાં અને પન્ના સાથે મોલમાં પણ જતાં.

બાને આનંદમાં જોઈને પન્ના રાજી હતી કે, ચાલો, અહીં બાનો સમય સરસ પસાર થઈ જશે. એના પતિ વિપુલને અમેરિકા જવાનું થયું ત્યારે પન્નાએ કહ્યું, “તું તારે નિરાંતે જા. અહીંની ચિંતા ન કરીશ. બાને ફાવી ગયું છે,” પણ હજી તો એને ગયાને માંડ બે દિવસ થયા ત્યાં અડધી રાતે બાને પેટમાં દુ:ખાવો ઊપડ્યો. એટલો સખત દુ:ખાવો કે એ બેવડ વળીને રડવા લાગ્યાં. પન્નાનો જીવ તાળવે ચોંટી ગયો. હંમેશાં હસતાં રહેતાં બા આ રીતે રડે એ ચિંતા ઉપજાવે એવું હતું. જે સૂઝ્યા એ બધા ઘરના ઉપચાર કરી જોયા પણ એમની સ્થિતિમાં કંઈ ફરક ન પડ્યો.

સવાર પડતાં સુધીમાં તો સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે, પન્નાએ એમને હૉસ્પિટલમાં લઈ જવાં પડ્યાં. ફરજ પરના ડોક્ટરે તપાસીને કહ્યું, “એમને સ્ટમક ફ્લુ થયો છે. બહુ હેવી ઈંફેક્શન છે, વળી ઉંમર પણ વધારે છે એટલે અહીં રાખીને જ સારવાર આપવી પડશે. ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ તો રહેવું જ પડશે.”

પન્ના ગભરાઈ ગઈ. હવે શું કરીશ? વિપુલ પણ નથી, છોકરાંઓને સ્કૂલે મોકલવાં, રસોઈ બનાવવી, જોબ પર જવું – આ બધામાં મારાથી આખો દિવસ બા પાસે થોડું બેસી રહેવાશે? એક મીઠડી નર્સે એને હિંમત આપતાં કહ્યું, “ડોંટ વરી. વી વીલ ટેક કેર ઓફ હર.”

પન્ના જાણતી હતી કે, બાને આ નવા વાતાવરણમાં સ્પેશિયલ રૂમમાં તદ્દન એકલાં રહેવું નહીં ફાવે. એ પોતે તો હવે જોબ પરથી છૂટીને સાંજે જ આવી શકશે. એણે બાને પૂછ્યું, “બા, તમને બીજા કોઈ સાથે રૂમ શેર કરવાનું ગમશે?”

અત્યાર સુધીમાં મળેલી સારવારને કારણે બાને થોડી રાહત લાગતી હતી. એમણે કહ્યું, “હા હોં બાપા, હાવ એકલાં પડ્યાં રે’વાનું તો મને જરા ય નો ગમે. કોઈ રૂમમાં હોય તો જરા વસ્તી ય લાગે ને બોલો-ચાલો ય રે.’

વસ્તી લાગે એ તો બરાબર, પણ બોલવા-ચાલવાનું રહે એવી બાની અપેક્ષા ફળે એમ નહોતું કેમ કે, બાના રૂમના બીજા ખાટલામાં એક ચીનો હતો. કદાચ એ થોડું-ઘણું અંગ્રેજી જાણતો હતો પણ બોલતો એવી રીતે કે, ચીની ભાષા બોલતો હોય એવું જ લાગતું. પહેલો દિવસ તો બંનેના જાત જાતના ટેસ્ટ અને સારવારમાં ગયો એટલે એકમેક વિશે જાણવાની જિજ્ઞાસા થાય એવું નહોતું. સાંજે પન્ના આવી એ ભેગી બાએ ફરિયાદ કરી, “આ ચીનાનું નામ શું હશે, ભગવાન જાણે પણ આખો વખત બેલ મારી મારીને નર્સને જ બોલાવ્યા કરે છે. વારે-ઘડીએ પથારી પણ બગાડી મૂકે છે. પેલી ય બચાડી થાકે કે નઈ?”

પન્નાએ હસીને કહ્યું, “એનું નામ તો મને ય નથી ખબર, પણ ચીનો છે એટલે આપણે એને ચેન કહીશું, ને બા, તમને એની સાથે ન ફાવતું હોય તો રૂમ બદલાવી નાખીએ.”

“ના રે, ઈ મને કંઈ નડતો નથ, ને મારે ક્યાં એની હારે જન્મારો કાઢવો છે?”

બીજે દિવસે બાની તબિયતમાં સારો એવો સુધારો લાગતો હતો એટલે એ ચેન વિશે વિચારવા લાગ્યાં. ‘કોણ જાણે કેટલા દિવસથી અહીં પડ્યો હશે! એને કોઈ મળવા ય આવતું હોય એવું લાગતું નથી. એને એકલતા લાગતી હશે એટલે જ વારે-ઘડીએ વગર કારણે નર્સને બોલાવ બોલાવ કર્યા કરે છે. હશે, એનું એ જાણે, મારે શું?’ આવું બધું વિચારતાં બપોરના સમયે બાની આંખ જરા મળી ત્યાં તો ચેને એકધારી બેલ વગાડીને એમની ઊંઘ ઉડાડી મૂકી.

“એ ય ચેન્યા, ચૂપ કર. તારા સિવાય રૂમમાં બીજું પણ કોઈ છે એનું ભાન નથી?” બાના ગુજરાતીમાં બોલાયેલા વાક્યમાં તો ચેનને કંઈ સમજ ન પડી પણ એમણે જે રીતે હોઠ પર આંગળી મૂકીને ગુસ્સાથી કહ્યું એનાથી એ ગભરાઈને શાંત થઈ ગયો. એના ચૂપ થવાથી બાને તાન ચઢ્યું હોય એમ બોલ્યાં, “ખબરદાર જો હવે મારી ઊંઘ ખરાબ કરી છે તો! ઊંચકીને રૂમની બહાર ફેંકી દઈશ.”

જાણે ચમત્કાર થયો હોય એમ બીજા દિવસથી ચેને બેલ મારવાનું સાવ ઓછું કરી નાખ્યું. પોતાનાથી આ અજાણ્યા છોકરા પર ગુસ્સો થઈ ગયો એ બદલ પસ્તાતાં હોય એમ બાએ ઈશારાથી પૂછ્યું, “તને કાં કોઈ મળવા નથી આવતું?”

હવે બેઉ વચ્ચે ભાષા અંતરાયરૂપ નહોતી બનતી. એણે કહ્યું, “મારું કોઈ નથી. આ દુનિયામાં સાવ એકલો છું. બાને લાગ્યું, જાણે બોલતી વખતે એની આંખો ભીની થઈ ગઈ હતી.”

“હશે ભાઈ, આ દુનિયામાં જેનું કોઈ નથી એનો ઉપરવાળો છે. ચાલ, ચેનુડા, હવે થોડી વાર સૂવાની કોશિશ કર.”

“કેવી રીતે સૂઉં? ઊંઘ નથી આવતી.”

“જો, આમ કરીને આમ.” બાએ આંખો મીંચીને એવી રીતે બતાવ્યું જાણે એ નાનું બાળક હોય.

“તમને જોઈને મને મા યાદ આવે છે. એ પણ તમારી જેમ જ મને ધમકાવતી ને પછી આમ જ પ્રેમથી સમજાવતી. આ મા પોતાના સંતાનને મૂકીને જતી કેમ રહેતી હશે?”

“મા કદી પોતાના બાળકથી દૂર જતી નથી. જો, તું આંખો બંધ કર. જ્યાં સુધી તારી માનો ચહેરો ન દેખાય ત્યાં સુધી ખોલતો નહીં.”

થોડી વારમાં તો બાને ચેનનાં નસકોરાંનો અવાજ સંભળાયો. બાએ ઊંડા સંતોષથી ગાઢ નીંદરમાં સૂતેલા ચેન સામે જોયું અને મનોમન બોલ્યાં, “રોયા, મને મા કહીને તેં તો મને બાંધી લીધી. એવું લાગ્યું કે, જાણે આજે જ મારી સુવાવડ થઈ છે ને આજે ફરીથી હું મા બની છું – દીકરાને ઠપકો આપવામાંથી જન્મેલી એક મા.”

એમના ચહેરા પર મમતાભર્યું સ્મિત હતું.

(હંસા દીપની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2025; પૃ. 24

Loading

આગ ન લાગે એવું કૈં સુરતમાં થાય છે ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 March 2025

રવીન્દ્ર પારેખ

એક કાળે સુરત આગ અને રેલથી બરબાદ થતું હતું. 2006માં સુરતે અભૂતપૂર્વ રેલ જોઈ, હવે અભૂતપૂર્વ આગ જુએ છે. બાઈકમાં, બસમાં, મકાનોમાં ભડકા ઊઠવાની નવાઈ નથી. વેસુ વિસ્તારમાં થોડા વખત પર ફાસ્ટફૂડ સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી. થોડા મહિનાઓ પર અમરોલીમાં દોડતી બાઈકમાં આગ ભભૂકી ઊઠી હતી તો એ જ દિવસે ડિંડોલીમાં ચાર્જિંગમાં મૂકેલી બેટરીમાં આગે દેખા દીધી હતી. સુરતના વરાછા મીની બજાર પાસે શ્રી લક્ષ્મીબા સોસાયટીના એક મકાનમાં ત્રણેક અઠવાડિયા પર આગ લાગી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. 20 ફેબ્રુઆરીએ અશ્વનિકુમાર રોડ પરની એક શાળાની લાઇબ્રેરીમાં એ.સી. ચાલુ કરવા જતાં ધડાકા સાથે આગ લાગી હતી. 24 મે, 2019ને રોજ સુરતના તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 બાળકોને આગ એવી લપેટાઈ હતી કે અગ્નિસંસ્કારની ય ગરજ ન રહે. 

25 ફેબ્રુઆરી, 2025ની બપોરે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ એવી ભડકી કે 38 કલાકમાં 80 લાખ લિટર પાણી પણ તેને પૂરી હોલવી ન શક્યું. આટલા સમયમાં આટલું પાણી કદાચ પહેલી વાર વપરાયું હશે. 25મીએ લાગેલી આગ હોલવાઈ તો ખરી, પણ 26મીની સવારે કોઈક કારણસર સવારે ફરી ભડકો થયો ને જોતજોતામાં એવી ફેલાઈ કે મ.ન.પા.ની 22 સ્ટેશનની 35 ગાડી, હજીરા સહિતની કંપનીની 7 ગાડી, 150થી વધુ ફાયર લાશ્કરો, 25 જેટલા ફાયર ઓફિસરોની ભારે જહેમત પછી માંડ પરિસ્થિતિ થાળે પડી. કેટલાક ફાયર જવાનો તો ઑક્સિજન માસ્ક લગાવીને જીવને જોખમે ફરજ બજાવતા હતા. તેમાં એક જવાનને તો હાથમાં ઇજા થતાં હોસ્પિટલે ખસેડવા પડ્યા. કેટલાકને તો ધુમાડાની અસર પણ થઈ. 

5 માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 843 દુકાનો છે ને તેમાંથી 700 દુકાનો આગની લપેટમાં આવી છે, જેણે 850 કરોડનાં નુક્સાનનો આંકડો પાડ્યો છે. આ દુકાનોમાં સાડીઓ, કાપડ ને તેને લગતો માલસામાન હતો. તેને તો નુકસાન થયું જ છે, પણ આગની પ્રચંડ ગરમીને કારણે કૉલમ ફાટી ગયાં ને ચોથા, પાંચમાં માળના આર.સી.સી.ના સ્લેબના પોપડા પણ ખરી પડ્યા. આગ એ હદે ફેલાઈ કે ફાયર વિભાગના 25થી 30 લાખનાં સાધનો પણ એમાં ફૂંકાઈ ગયાં. કૂલિંગની કામગીરી પણ ચાલી, પણ પ્રશ્ન હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો છે, એટલે બિલ્ડિંગને સીલ કરી દેવાયું છે. એકવાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કન્ફર્મ થાય પછી જ માર્કેટમાં પ્રવેશ અપાશે. 

આગ કયાં કારણે લાગી એનો જવાબ કોઇની પાસે નથી. તંત્રો તો પોલ ખૂલવા માટે જ હોય છે, તે અહીં પણ છે. રંગીન કાપડ રાખમાં ફેરવાયું છે, એટલું જ નહીં, એક વેપારીના રોકડા 20 કરોડની રાખ પડી ગઈ હોવાની દહેશત છે. એ રૂપિયા પાછા બીજા વેપારીઓના છે, એ કેવી બરબાદી નોતરશે તે તો એ જ જાણે ! માર્કેટના લગભગ તમામ વેપારીઓને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ફોસ્ટા-ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન-મદદમાં છે, પણ કેટલાક વેપારીઓને માલ તો ઠીક, પણ હિસાબકિતાબની વિગતો ને ચૂકવણી કે ઉઘરાણીના કોઈ પુરાવા પણ બચ્યા નથી. એથી માર્કેટમાં ફરતાં નાણાં પર પણ બ્રેક લાગી છે. સંજોગો એવા છે કે કોઈ આપી શકે એમ નથી ને કોઈ માંગી શકે એમ નથી. વેપારીઓ દુકાનોમાં જઈને માલસામાનની ને નુકસાનની વિગતો જાણવા ઈચ્છે છે, પણ પોલીસ અધિકારીઓ તેમને એ જોખમ ખેડવાની ના પાડે છે. વિચારવાનું તો એ પણ છે કે ઠરી ગયેલી આગ ફરી કેમ ભડકી?

થોડો વખત ફાયર એન.ઓ.સી.ના, ઇમ્પેક્ટ ફીના, ગેરકાયદે દુકાનોના એ જ ચવાયેલા, ચૂંથાયેલા પ્રશ્નો પુછાશે ને ફરી ભડકો ન થાય ત્યાં સુધી બધું અભરાઈએ ચડી જશે ને ફરી આગ લાગશે તો એ જ ચૂંથાચૂંથ ! ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે ગેંડાની ચામડી પાતળી લાગે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની જ વાત કરીએ તો 2001માં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ 1.55 કરોડ રૂપિયા ભરીને ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવામાં આવ્યું. માર્કેટના સંચાલકોએ કાયદાનો લાભ લઈને બેઝમેન્ટમાં એ.સી. પ્લાન્ટ અને ટેરેસ પર હૉલ મંજૂર કર્યા. એ પછી બેઝમેન્ટમાં 130 અને ટેરેસ પર 26 દુકાનો બની ગઈ. પાલિકાનું પણ કહેવું છે કે 1998થી 2001 વચ્ચે ગેરકાયદે બાંધકામ થયું હશે. એ સાચું હોય તો 2001થી 2025 સુધીમાં મ.ન.પા., સુરતને એ તરફ નીકળવાનું જ નહીં થયું હોય ને હમણાં જ આગનો સામનો કરવાનો આવ્યો હશે, એવું? 

ઘણીવાર ગેરકાયદે બાંધકામો ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. શિવશક્તિ સુધી પહોંચવાનું ફાયર વેહિકલ્સને એવું મુશ્કેલ થયું કે બે જે.સી.બી.નો ઉપયોગ કરીને અવરોધો દૂર કરવા પડ્યા. માર્કેટમાં વેન્ટિલેશનની બારીઓ ઈંટથી કવર કરવામાં આવી હોય ને ત્યાં પણ કાપડ કે સાડીઓ ઠૂંસવામાં આવી હોય કે માર્કેટનું વાયરિંગ પણ પચીસથી વધુ વર્ષનું જૂનું હોય, તો નથી લાગતું કે જોખમો સામે ચાલીને ઊભાં કરવામાં આવ્યાં છે? સવાલ તો એવો પણ છે કે મંગળવારે પાવર બંધ કરાયો હતો તો બુધવારે શોર્ટ સર્કિટ થઈ કેવી રીતે? 

દુર્ઘટનાને ચોથે દિવસે FSL અને SVNITની ટીમ આગ લાગવાનું કારણ જાણવા સ્થળ પર પહોંચી એ દરમિયાન પોલીસ અને ટ્રાફિક રાબેતા મુજબ વર્તતાં જોવાં મળ્યાં. આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું, પણ આગ લાગવાની દહેશત હજી હોય તેમ ફાયરની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વેપારીઓ એ આશામાં ભેગા થાય છે કે દુકાનમાં કેટલી નુકસાની થઈ તે જોવા પરનું પોલીસનું નિયંત્રણ દૂર થાય. વધારે નુકસાન એ કારણે પણ થયું છે કે રમજાન માસ સામે હતો, એટલે વેપારીઓએ સ્ટોક ફુલ કરી દીધો હતો. એક દુકાનમાં તો 20,000 સાડીઓ સ્ટોક કરી રાખી હતી. એ જ રીતે એક વેપારીની દુકાનમાં જુદા જુદા વેપારીઓના 20 કરોડ પડ્યા હતા તે લેવા જવા દેવાની વાત વેપારીએ તંત્રને એમ કહીને કરી કે રૂપિયાને કૈં થયું તો પોતે બરબાદ થઈ જશે, પણ તેવી છૂટ આપવામાં ન આવી. એક ધારાસભ્યે મુખ્ય મંત્રીને વેપારીઓને સહાય માટે પત્ર પણ લખ્યો છે. 

રાબેતા મુજબ મદદ તો મળશે, પણ સવાલ એ છે કે ગેરકાયદેસર બાંધકામને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કોણ કરે છે? ને ઇમ્પેક્ટ ફી ભરવાથી ગેરકાયદેસર, કાયદેસર કેવી રીતે થઈ જાય છે? બેઝમેન્ટમાં ને ટેરેસ પર દુકાનો કયા જોર પર કમાણી કરવા લાગે છે? પતરાંના શેડમાં કઈ રીતે ને કોને જોખમે દુકાનો શરૂ થાય છે? સિન્થેટિક કાપડ પેટ્રોલની ગરજ સારે છે, છતાં જરૂર કરતાં સિન્થેટિક કાપડ ઠેર ઠેર ઠાંસવામાં આવે ને વેન્ટિલેશન જ વેન્ટિલેટર પર મુકાય એવી ગીચતા જોખમમાં કેવી રીતે ઉપકારક નીવડે તે નથી સમજાતું. ફાયર એન.ઓ.સી. તેની ગંભીરતા ગુમાવીને કમાણીનું સાધન બની ગયું છે. કમાણીની લહાયમાં જાત પરનું જોખમ વધે ને તેની ખબર જ ન પડે, એટલું ભોળપણ તો બાળકમાં ય નથી બચ્યું, તો, આ તો વેપારીઓ છે, તે આવું જોખમ અગાઉથી ઓળખી ન શકે એ શક્ય છે? 

કોઈ પણ કમાણી કરે ને વિકાસ કરે એનો તો આનંદ જ હોય, પણ સવાલોનો સવાલ એ છે કે અમર્યાદ કમાણીની લહાયમાં કમાણી જ રાખ થવા પર આવે તો તેટલું જોખમ ઉઠાવવા જેવું ખરું? રાખ થવા સુધી લોભ જ ન ઘટે એ હદે કમાણી કરવાનો કોઈ અર્થ ખરો? ઢગલો કમાયા પછી પણ રાખ જ હાથમાં આવે તો એવા રૂપિયાનો કોઈ મતલબ ખરો? આપણા લોભને તો થોભ જ નથી, એટલે આપણી જ બેવકૂફીનો ઉપયોગ કરીને કુદરત પાઠ ભણાવે છે, પણ આટલું વીતવા છતાં આપણે શીખતા નથી, નહિતર આટલી ઠોકર વાગ્યા પછી તો ફેર પડેને ! 

જોખમ વખતે જે બચાવી શકે એ ફાયરની ગાડીઓ આગ સુધી પહોંચી જ ન શકે, એટલા સાંકડા રસ્તાઓ ને આડેધડ પાર્ક કરેલાં વાહનો એ કુદરતે કરેલી વ્યવસ્થા છે? તો, આનો વર્ષો પછી પણ વેપારીઓને કે ફોસ્ટાને વિચાર જ ન આવે એ કેવું? ગેરકાયદે દુકાનો, જૂનું વાયરિંગ વગેરે વાતો ફોસ્ટાને ખબર જ નથી કે એ જોવાની તેની જવાબદારી જ નથી? 850 કરોડનું રાખોડી નુકસાન થયું હોય ત્યારે સૌ વેપારીઓ માટે સહાનુભૂતિ જ હોય ને એવે વખતે પડતાં પર પાટુ ન જ મરાય, પણ ધમધોકાર કમાણી વખતે આવી વાતોનો કોઈ વિચાર જ નથી કરતું એ પણ હકીકત છે. ફાયર એન.ઓ.સી. આપે કે ગેરકાયદેસરને કાયદેસર કરી આપે તે પછી ક્યારે ય એના પર નજર નાખવાની તંત્રોની ફરજ હોય છે કે ‘નજર બગાડવા’માં જ બધું પૂરું થઈ જાય છે? 

કોણ જાણે કેમ પણ, પ્રજા તરીકેની આપણી અપ્રમાણિકતા અને તંત્રોની ભ્રષ્ટતા ઉત્તરોત્તર વધતી જ આવે છે ને તંત્રો તો એનાથી તગડાં જ થાય છે, પણ પ્રજાના હાથમાં છેવટે તો રાખ જ આવતી હોય છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 માર્ચ 2025

Loading

કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ : ઇતિહાસનું એક ભૂલાવી દેવાયેલું પૃષ્ઠ

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|2 March 2025

વિરાગ સૂતરિયા

આપણી સ્વાતંત્ર્ય ચળવળમાં સત્યાગ્રહોનું વિશિષ્ટ સ્થાન છે. લોકજાગૃતિ માટે આ સત્યાગ્રહોએ ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી. દાંડી, બારડોલી, ચંપારણ વગેરે સત્યાગ્રહોને અર્વાચીન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. લોકો પણ આ સત્યાગ્રહો વિશે સારા એવા માહિતગાર છે. આપણા દેશના અર્વાચીન ઇતિહાસના બે સત્યાગ્રહો એવા છે કે જે માનવઅધિકારો માટે લડાયેલા. પણ એ ઇતિહાસમાં કે લોકજીવનમાં એટલા યાદ કરાતા નથી. કે એના વિશે અભ્યાસક્રમોમાં પણ એટલું ભણાવાતું નથી. આ બંને સત્યાગ્રહોનું નેતૃત્વ બાબાસાહેબ આંબેડકરે કર્યું હતું. આ બંને સત્યાગ્રહો મહારાષ્ટ્રમાં થયા હતા. એમાંથી એક મહાડ – ચવદાર તળાવમાંથી દલિતોને પાણી પીવા માટેના અધિકાર માટે કરવામાં આવ્યો હતો. અને બીજો નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે.

1930માં બીજી માર્ચના દિવસે રાજનૈતિક આઝાદી મેળવવા સવિનય કાનૂનભંગની ચળવળ ચાલુ કરવા અંગે ગાંધીજીએ વાઇસરૉયને પત્ર લખીને દેશભરમાં આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તે સમયે બાબાસાહેબ આંબેડકર અસ્પૃશ્યોને સામાજિક આઝાદી મળે એ માટે મથતા હતા.

2જી માર્ચ 1930ના દિવસે નાસિકમાં બાબાસાહેબના નેતૃત્ત્વમાં મોટી સભા થઇ. જેમાં નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે ત્રીજી માર્ચનો દિવસ નક્કી થયો.

મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પહેલાંથી જ સત્યાગ્રહની સૂચના આપી દેવાઇ હતી કે જેથી તેઓ નિર્ણય કરી શકે. ધર્મ સમાનતા શીખવતો હોય તો મંદિરમાં દરેકને પ્રવેશ હોય. અને જો ચોક્કસવર્ગને પ્રવેશ ન હોય તો એ કલંક ગણાવું જોઇએ. બાબાસાહેબના નેતૃત્વમાં અસ્પૃશ્યો પોતાના અધિકારની પ્રાપ્તિ માટે સજ્જ હતા. બાબાસાહેબ સનાતનીઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ ઇચ્છતા હતા. આ અગાઉ 1929માં પુનાના પાર્વતી મંદિર અને મુંબઇના મુંબાદેવી મંદિર પ્રવેશના પ્રસંગો બાબાસાહેબના નેતૃત્વમાં સફળ રહ્યા હતા.

ત્રીજી માર્ચના રોજ બપોરે ત્રણ વાગે મંદિર પ્રવેશ માટે વિશાળ સરઘસ ચારચારની હરોળમાં ગોઠવાઇ ગયું. નાસિક ભાઉરાવ ગાયકવાડની કર્મભૂમિ હોઇ બાબાસાહેબના અનુયાયીઓ વિશેષ સંખ્યામાં હતા, એટલે 20-25 હજાર માણસો ભેગા થયા હતા. કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે સમગ્ર નાસિકમાં પોલીસ ખડકી દેવાઇ હતી. ડો. આંબેડકરની આગેવાનીમાં એક માઇલ લાંબું સરઘસ મંદિર પ્રવેશ માટે નિકળ્યું. સરઘસની મોખરે સૈનિક બેન્ડ ચાલતું હતું જ્યારે પાછળ સ્કાઉટ એન્ડ ગાઇડની ટૂકડી હતી. જેની પાછળ 500 સત્યાગ્રહીઓની ટૂકડી હતી. બધાના મનમાં હતું કે મંદિરના દરવાજા ખુલ્લા હશે, પૂજારીઓ સામેથી સ્વાગત કરશે. પણ સરઘસ જોઇને પૂજારીઓએ દરવાજા બંધ કરી દીધા. સંચાલકોના એવી ફિરાકમાં હતા કે મંદિરના દરવાજા બંધ જોઇને સરઘસમાં રહેલા માણસો હુમલો કરશે જેથી ધાંધલ-ધમાલ થશે અને વ્યવસ્થા જાળવવા પોલીસ બળપ્રયોગ કરશે. જેથી મંદિર પ્રવેશની જગ્યાએ અસ્પૃશ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થશે. પણ  બાબાસાહેબના નેતૃત્વમાં રહેલા લોકો બિલકુલ શાંત અને અહિંસક રહ્યા. 

બાબાસાહેબ એમને ગોદાવરીના ઘાટ પર દોરી ગયા. ત્યાં સભા ભરાઇ અને નક્કી થયું કે જ્યાં સુધી મંદિરના દરવાજા ના ખૂલે ત્યાં સુધી મંદિરના દરેક દરવાજે બેસીને શાંત ધરણાં કરવાં. લોકોએ સત્યાગ્રહ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. આ રીતે સત્યાગ્રહ ચાલુ રખાયો. 125 પુરુષો અને 25 સ્ત્રીઓ મંદિરના દરવાજે ઘેરો ઘાલીને બેઠાં હતાં. મંદિરની ચારેબાજુ પોલીસ ગોઠવી દેવાઇ હતી. સત્યાગ્રહીઓની એક ટૂકડી જાય એટલે બીજી ટૂકડી ધરણાં માટે આવતી. પણ મંદિરના દરવાજા ન ખૂલ્યા તે ન જ ખૂલ્યા. આમને આમ એક મહિનો વિત્યો. સમગ્ર દેશમાં મંદિર સત્યાગ્રહ ચર્ચામાં હતો. દેશભરમાંથી ઘણા લોકોએ બાબાસાહેબને સમર્થન આપ્યું. મંદિર બંધ હતું અને રામનવમી નજીક આવતી હતી. નગરયાત્રા કાઢવાનો સમય આવી ગયો હતો. એવામાં સત્યાગ્રહીઓએ સંચાલકોને વિનંતી કરી કે જે રીતે મંદિરનો રથ હિંદુ યુવાનો ખેંચે છે એવી રીતે જ રથ ખેંચવાની છૂટ અસ્પૃશ્યોને પણ આપવી જોઇએ. સીટી મેજિસ્ટ્રેટે બંને પક્ષોને સાથે રાખીને  એક બાજુ હિંદુ યુવાનો રથ ખેંચે અને એક બાજુ અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચે એવું સમાધાન કરાવ્યું.

આ દરમિયાન બાબાસાહેબના કાર્યકર્તાઓને એવું જાણવા મળ્યું કે, ભીડમાં અંધાધૂંધીનો લાભ લઇને કેટલાક લોકો બાબાસાહેબની હત્યા કરવાનું આયોજન કરી રહ્યા છે. દાદાસાહેબ ગાયકવાડે આ વાત જણાવી બાબાસાહેબને કહ્યું કે, “ગાડી તૈયાર છે આપ નીકળી જાઓ”. ત્યારે બાબાસાહેબે કહ્યું કે, હું સૈનિકનો દીકરો છું એમ જીવ બચાવવા ભાગું નહીં. એના કરતાં તો મૃત્યુ સારુ.”

આ નગરયાત્રા જોવા માટે લગભગ એક લાખની મેદની એકઠી થઇ હતી. આ બાજુ હિંદુ યુવાનોએ સમાધાનનો ભંગ કરીને અસ્પૃશ્ય યુવાનો પર હુમલો કર્યો. જેના પરિણામે ધાંધલ- ધમાલ થઇ જેનો લાભ લઇ બીજા હિંદુઓ રથને લઇને દોડ્યા અને રથ એક સાંકડી ગલીમાં ઊભો કરી દીધો. જ્યાં સશસ્ત્ર પોલીસ તૈયાર હતી. અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચવાની રસમ પૂરી કરવા માગતા હતા. પણ જેવા એ રથની નજીક જાય કે તરત તેમના પર હુમલો થતો. આમ, હુલ્લડની સ્થિતિ પેદા થઇ. 

બાબાસાહેબને આ ખબર પડતાં તેઓ ભીડમાંથી માર્ગ કરતા ઘટનાસ્થળે આવ્યા. એમને જોઇને તોફાનીઓએ પથ્થરમારો કર્યો. બાબાસાહેબ લોહીલુહાણ થઇ ગયા. અસ્પૃશ્ય યુવાનોએ બાબાસાહેબને ચારેબાજુથી ઘેરીને એમનું રક્ષણ કર્યું. બાબાસાહેબને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. રામનવમી લોહિયાળ બની ગઇ. નાસિકમાં અસ્પૃશ્યો અને રૂઢિચુસ્ત હિંદુઓ વચ્ચે હુલ્લડ ફાટી નીકળ્યું. રામનવમી પૂરી થઇ, બીજે દિવસે પણ સત્યાગ્રહ ચાલુ થઇ ગયો. અસ્પૃશ્યો મંદિર પ્રવેશ માટે જ્યારે રૂઢિચુસ્તો મંદિરમાં અસ્પૃશ્યો ન પ્રવેશે તે માટે મક્કમ હતા. રોજે રોજ સત્યાગ્રહીઓની ટુકડીઓ મંદિરના બંધ દરવાજે આવી જતી. પોલીસ આવીને એમની ધરપકડ કરતી તો બીજી ટુકડી આવતી. સરકાર સજા કરતી એમ સત્યાગ્રહીઓ વધુ મજબૂત બનતા. આમને આમ એક વર્ષ સુધી મંદિરના દરવાજા બંધ રહ્યા. આખરે રથયાત્રાની પ્રથા જ બંધ કરી દેવામાં આવી કારણ કે બાબાસાહેબના અનુયાયીઓ સત્યાગ્રહની ઘોષણા કરી દેતા હતા. સમય વીતતો ગયો બાબાસાહેબ બીજાં કામોમાં વ્યસ્ત રહેતા હોવાથી નાસિક સત્યાગ્રહને પૂરતો સમય આપી શકતા નહોતા.

આખરે 1935ના ઑક્ટોબર માસમાં મંદિર પ્રવેશનો કાયદો બનતાં મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે ખૂલ્યા. બાબાસાહેબે હિંદુઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ મેળવવા સત્યાગ્રહ આરંભેલો. હ્રદય પરિવર્તન તો ન થયું પણ કાયદો થયો એટલે દ્વાર ખૂલ્યાં. સત્યાગ્રહમાં હ્રદય પરિવર્તન મુખ્ય ગણાય પણ પોતાના જ દેશબાંધવો માટે અન્ય દેશબાંધવોનું હ્રદય પરિવર્તન ન થયું એ કેટલું દુઃખદ. 

૨૦૨૨ના ડિસેમ્બરમાં નાસિક જવાનું થયું હતું.  ત્રિરશ્મિ ગુફાઓ જોયા બાદ ખાસ કાલારામ મંદિરે ગયો હતો. મંદિરના પટાંગણની દીવાલ પર મંદિર અને તે ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવતી વિગતો છે. પણ એમાં આ સત્યાગ્રહનો ઉલ્લેખ ન જ હોય ને !?!?! હા, મંદિરના પટાંગણની બહારની દીવાલ પર કર્મવીર દાદાસાહેબ ગાયકવાડની જન્મશતાબ્દી(2001-૦2)ના ઉપલક્ષ્યમાં ઇ.સ. 2008માં તત્કાલિન સરકાર દ્વારા એક શિલાલેખ કોતરાવવામાં આવ્યો છે. જેમાં સત્યાગ્રહ સમિતિના તમામ સભ્યોનાં નામ છે. કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ અને મહાડ ચવદાર તળાવ સત્યાગ્રહ માનવ અધિકારો અને દેશના વંચિતોના ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠ તરીકે કાયમ યાદ રહેશે. 

e.mail : viragsutariya@gmail.com

Loading

...102030...446447448449...460470480...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved