Opinion Magazine
Number of visits: 9843879
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહેતર સ્ત્રી, બહેતર મનુષ્ય, બહેતર સંતુલન, બહેતર વિશ્વ … 

સોનલ પરીખ|Opinion - Opinion|7 March 2025

પુરુષોની દુનિયામાં સ્ત્રી હોવું એ શું છે તે સ્ત્રીને પણ કદાચ પૂરેપૂરું સમજાતું હોતું નથી કારણ કે સિમોન દ બુવા કહે છે તેમ સ્ત્રી જન્મતી નથી, બને છે. સ્ત્રી શું ‘છે’ તેના કરતાં સ્ત્રીએ શું ‘થવાનું છે’ તે વધારે અગત્યનું હોય છે. સ્ત્રીએ પોતાનો સાચો ચહેરો શોધવાનો હજુ બાકી છે. 

સોનલ પરીખ

ગયા મહિને ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર અભિષેકની ‘ઉંબરો’ ફિલ્મ રિલિઝ થઈ. આ પહેલા એમણે 2019ની નેશનલ ઍવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ આપી હતી. બંને ફિલ્મોના કેન્દ્રમાં સ્ત્રીઓ છે. નારીવાદને વચ્ચે ન લાવીએ તો પણ સ્ત્રી હોવાને કારણે એમના અનેક પ્રત્યક્ષ-પરોક્ષ બંધનો લદાયેલાં હોય છે અને એમાંથી મુક્ત થવાની એમની મથામણ કદાચ જીવનના અંત સુધી પૂરી થતી નથી. આમ છતાં સમય બદલાયો છે અને સ્ત્રીઓ પણ બદલાઈ છે એવું તો લાગે જ છે. હકીકત શું છે?

પુરુષોની દુનિયામાં સ્ત્રી હોવું એ શું છે તે સ્ત્રીને પણ કદાચ પૂરેપૂરું સમજાતું હોતું નથી કારણ કે સિમોન દ બુવા કહે છે તેમ સ્ત્રી જન્મતી નથી, બને છે. સ્ત્રી શું છે તેના કરતાં સ્ત્રીએ શું થવાનું છે તે વધારે અગત્યનું હોય છે. એટલે સ્ત્રીનું જીવન સમાજે ને પરિવારે તેને જે ચોક્ક્સ ભૂમિકા આપી છે તેને અનુરૂપ થવામાં જ ચાલ્યું જાય છે. આ ભૂમિકાઓ પાછી બદલાય પણ છે. વર્ષે વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિન આવે છે ને ઊજવાય છે પણ હજી સ્ત્રીએ પોતાનો સાચો ચહેરો શોધવાનો બાકી છે. 

તોપણ સ્ત્રી હોવું સુંદર છે, અદ્દભુત છે. હું માનું છું કે દરેક સ્ત્રીને પોતાના સ્ત્રીત્વને માણવાનું, સ્ત્રી હોવાનો પડકાર ઝીલવાનું ગમે છે. પુરુષોના વિશ્વમાં સ્ત્રી થવાનું એક સુખ એ છે કે તે પુરુષસમોવડી થઈ શકે છે ને પોતાને પુરુષસમોવડી કહી શકે છે જ્યારે પુરુષે સ્ત્રીસમોવડા થવાનું હજી બાકી છે. અને પુરુષોના વિશ્વમાં સ્ત્રી થવાનું એક દુ:ખ એ છે કે તેને હંમેશાં પુરુષો સાથે કામ લેવાનું હોય છે. કહેવાય છે કે એક પુરુષને ઓળખી લો તો બધા જ પુરુષો ઓળખાઈ જાય અને એક સ્ત્રીને ઓળખી લો તો એક જ સ્ત્રી ઓળખાય – પણ એવું નથી. સ્ત્રીની વેદનાને વાચા આપતું ‘ઔરતને જનમ દિયા મરદોં કો મરદોંને ઉસે બાઝાર દિયા’ અને સ્ત્રીને પોતાની ઓળખ મેળવવા પ્રેરતું ‘ઊઠ મેરી જાન મેરે સાથ હી ચલના હૈ તુઝે’ ગીત પુરુષોએ જ લખ્યાં છે. સ્ત્રીને રસોડામાં બાંધનાર જો પુરુષ છે તો રસોઈમાં ઉપયોગી ઉપકરણો શોધનાર પણ પુરુષ જ છે. સ્ત્રી પર અત્યાચાર કરનાર જો પુરુષ છે તો સ્ત્રી-અધિકાર માટે લડનાર પણ પુરુષ જ છે. હકીકત તો એ છે કે સ્ત્રીની જેમ પુરુષ પણ પિતૃસત્તાક વ્યવસ્થાનો શિકાર છે. ફરક એટલો છે કે એક લોહીલુહાણ છે, બીજું થોડા ઉઝરડામાં બચી ગયું છે. 

મહિલા દિનને હજી વાર છે, પણ વાત નીકળી છે તો યાદ આવે કે 2020ના મહિલા દિનની થીમ હતી, ‘આઈ એમ જેંડર ઈક્વાલિટી’. સ્ત્રીપુરુષ સમાનતા તે માત્ર એક સ્ત્રીની કે બધી સ્ત્રીઓની નહીં, તે માનવઅધિકારની ખેવના કરનાર તમામની માગણી છે કારણ કે દુનિયાની અડધી વસતી જ્યારે પોતાની ઓળખ મેળવવા ઝઝૂમી રહી હોય ત્યારે બાકીની અડધીનો વિકાસ પણ જોખમાઈ જાય છે. 2020નો મહિલા દિન ઊજવાયો ત્યાર પછી દુનિયા કોરોના મહામારીમાં પ્રવેશી. મહામારી સામેનું યુદ્ધ ચાલતું હતું ત્યાં જ 2021નો મહિલા દિન આવ્યો. તેની થીમ હતી ‘વિમેન ઇન લિડરશીપ : અચિવિંગ એન ઇક્વલ ફ્યુચર ઇન અ કોવિદ-19 વર્લ્ડ’ આમ વાત ફરી ‘ઇક્વલ’ પર આવી. યુ.એન. સંશોધન કહે છે કે મહામારીના ગાળામાં આખી દુનિયામાં સ્ત્રીઓ પર હિંસાનું પ્રમાણ વધ્યું હતું – એઝ અ શેડો પેનાડેમિક. ઘરેલુ હિંસાના કેસમાં લગભગ 20 ટકા જેટલો વધારો થયો. આ વધારો થવાનું કારણ એ હતું કે આ દરમ્યાન ‘ધે વેર ટ્રેપ્ડ એટ હોમ વિથ ધેર એબ્યુઝર.’ તો તારણ એ નીકળ્યું કે થીમો ભલે ‘ઇક્વલ’ની વાત કરે, સ્ત્રી માટે પોતાનું સ્થાન અને પોતાનો ચહેરો શોધવાનું હજી બાકી જ છે.  

દુનિયાનો ઇતિહાસ જુઓ – કોઈ પણ આફત આવે, સહન કરવાનું સ્ત્રીના ભાગે આવે છે. પછી એ યુદ્ધ હોય, હુલ્લડ હોય કે રોગચાળો. અને આફત ન આવી હોય ત્યારે પણ સ્ત્રીને એ સ્ત્રી છે તે માટે જ સહેવા પડતાં જાતીય આક્રમણો, દુ:ખો કે અન્યાયોની યાદી લાંબી જ હોય છે. એટલું ઓછું હોય તેમ પરંપરા, સંસ્કૃતિ, સમાજ અને પરિવાર તરફથી લાદવામાં આવતા ભેદભાવ, જેનો સામનો માત્ર ભારતની નહીં, દુનિયાના કોઈ પણ ખૂણે વસતી સ્ત્રીને કરવો પડે છે. 

1879ના ડિસેમ્બર મહિનામાં ડૅન્માર્કના કોપનહેગનમાં રૉયલ થિયેટરમાં નૉર્વેના એક નાટકકાર હેંરિક ઇબ્સનનું એક ત્રિઅંકી નાટક ભજવાયું, ‘એટ ડુક્કજ્યામ’. આ નાટક ‘અ ડોલ્સ હાઉસ’ નામથી ખૂબ પ્રસિદ્ધ થયું. અમુક સ્કોલરો તેનું ભાષાંતર ‘અ ડોલહાઉસ’ એવું પણ કરે છે. બન્નેની અર્થછાયાઓમાં સૂચક તફાવત છે અને સૂચક સામ્ય પણ. આ નાટકે ઓગણીસમી સદીના યુરોપીય લગ્નજીવનમાં સ્ત્રી અને પુરુષની જે પરંપરાગત ભૂમિકા હતી તેના પર પ્રશ્નચિહન લગાવ્યું હતું. પછીની સદીમાં નાટક જુદીજુદી ભાષામાં દુનિયાભરમાં પહોંચ્યું, ભજવાયું, વખોડાયું, વખણાયું અને નારીવાદના ઇતિહાસમાં અમર બન્યું.  

ઇલા આરબ મહેતા

ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ચંદ્રકાંત ટોપીવાળાએ જેને ‘નારીલક્ષી વિચારણાની પહેલી નવલકથા’ તરીકે ઓળખાવી છે તે ઇલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’ 1982માં પ્રગટ થઈ. ‘સાત પગલાં આકાશમાં’ ત્યાર પછી બે વર્ષે આવી. ‘બત્રીસ પૂતળીની વેદના’ શીર્ષક અર્થપૂર્ણ છે. જે સમાજમાં પરાક્રમ પુરુષ કરે છે અને સ્ત્રી એના સિંહાસનની શોભા વધારતી અને એનું ગુણગાન કરતી પૂતળી છે એ સમાજની સ્ત્રીની વેદના જો મોં ખોલે તો ? ‘અ ડોલ્સ હાઉસ’ અને ‘બત્રીસ પૂતળીની વેદના’ વચ્ચે એક સદીનું અને બે ખંડનું અંતર છે, પણ સવાલ જેમનો તેમ અને જ્યાંનો ત્યાં જ છે.

‘અ ડોલ્સ હાઉસ’નો નાયક સ્ત્રીને ઢીંગલી માને છે. ‘બત્રીસ પૂતળીની વેદના’નાં બધાં સ્ત્રીપાત્રોની પીડા એ છે કે પુરુષ તેમને માણસ નહીં પણ શોભાની પૂતળી જ ગણે છે. પણ આ સ્ત્રીપાત્રો સંબંધ તોડવા તૈયાર નથી. તેમને અધિકાર જોઈએ છે, વિચ્છેદ નહીં, જ્યારે ઇબ્સ્નની નાયિકા સંબંધ તોડે છે, ઘર છોડે છે. પૂર્વ-પશ્ચિમ સંસ્કૃતિનો આ ભેદ છે. ઇબ્સને પોતાની કૃતિ નારીવાદી હેતુથી લખાઈ હોવાનો ઇન્‌કાર કર્યો છે, ઇલાબહેન પણ ‘નારીવાદી’ના લેબલમાં બાંધી શકાય એવાં નથી. 2020માં ઇલાબહેને ‘નારીવાદી વિચારણા’ નામનું પુસ્તક આપ્યું છે. નારીચેતનાથી માંડીને ઉગ્ર નારીવાદ સુધીનો અને સ્ત્રીની પાયાની જરૂરિયાતો(સ્વતંત્રતા, સ્વયંસંચાલન, શક્તિનો પૂર્ણ વિકાસ થાય તેવી મોકળાશ અને પસંદગીની તકો)થી ‘મી ટુ’ સુધીનો પ્રવાસ ખેડીને ઇલાબહેન એક પ્રશ્ન મૂકે છે – વિમુક્તિ કોની, કોનાથી ? જો પુરુષથી મુક્તિ તો પુરુષ પોતે પણ મુક્ત ક્યાં છે ?

એટલે પુરુષ પર ટોપલો ઢોળવાથી ઉકેલ આવવાનો નથી. અને પુરુષ પર આધાર રાખવાથી પણ રસ્તો નીકળવાનો નથી. સ્ત્રીએ પોતાની હોડી આ બધા વચ્ચે પોતે જ હંકારવાની છે. દરિયાઓ ખેડીને સ્ત્રી ક્યાં પહોંચશે ? ક્યાં અટકશે ? કેવો વળાંક લેશે ? ક્યાં નીકળશે ? 

સવાલોને સમય પર છોડી એટલું જ કહીએ કે યાત્રા કપરી છે, પણ જવાનું બહેતરની દિશામાં છે. બહેતર સ્ત્રી એટલે બહેતર મનુષ્ય. બહેતર મનુષ્ય એટલે બહેતર સંતુલન અને બહેતર સંતુલન એટલે  બહેતર વિશ્વ … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ફેબ્રુઆરી  2025

Loading

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે …

નેહા શાહ|Opinion - Opinion|7 March 2025

નેહા શાહ

આ ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ કોઈને હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ સ્ત્રીઓના સંઘર્ષને યાદ કરવાનો છે. સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે મહિલાઓએ કરેલી પ્રગતિને બિરદાવવાનો દિવસ છે જે સ્ત્રી અને પુરુષ – સૌને સમાન અધિકાર મળતા હોય એવા પ્રગતિશીલ સમાજની રચના તરફ આગળ લઇ જાય. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો ઉદ્દભવ ૨૦મી સદીની શરૂઆતમાં શ્રમજીવી સ્રીઓના સંઘર્ષમાંથી થયો. ૧૯૦૮માં યુ.એસ.માં હજારો સ્ત્રીઓ શેરીઓ પર ઉતરી આવી જેની મુખ્ય માંગ કામના કલાકો ઘટાડવાની, સમાન કામ માટે સમાન વેતનની હતી તેમ જ કામની શરતો સુધારવાની હતી. ૧૯૦૯થી યુ.એસમાં ફેબ્રુઆરીના છેલ્લાં અઠવાડિયામાં મહિલા દિન ઉજવવાની શરૂઆત થઇ. ૧૯૧૩-૧૪ દરમ્યાન પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થઇ ચુક્યું હતું. આ અરસામાં રશિયામાં સ્ત્રીઓએ ફેબ્રુઆરી મહિનાના અંતમાં મહિલા દિવસ મનાવ્યો જેના મંચ પરથી યુદ્ધનો વિરોધ કર્યો. આ જ અરસામાં યુરોપના ઘણાં દેશોની સ્ત્રીઓએ યુદ્ધનો વિરોધ કર્યો. ૧૯૧૭ સુધી પ્રથમ વિશ્વ યુદ્ધમાં બે  મિલિયનથી વધુ રશિયન સૈનિકો મૃત્યુ પામ્યા હતાં. આ માહોલમાં રશિયન સ્ત્રીઓએ ‘પીસ એન્ડ બ્રેડ’ એટલેકે ‘શાંતિ અને રોટી’ માટેની ચળવળ ચલાવી, જેની શરૂઆત જ્યોર્જિયન કેલેન્ડર પ્રમાણે ૮મી માર્ચે થઇ. એના ચાર જ દિવસ પછી રશિયાના ઝારે રાજીનામું આપ્યું અને ત્યારબાદની તત્કાલ સરકારે સ્ત્રીઓના મતાધિકારને મંજુરી આપી. સમાનાધિકારની દિશામાં આ એક મોટી સફળતા હતી. એટલે જ જ્યારે ૧૯૭૫માં યુ.એન.એ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાનું નક્કી કર્યું ત્યારે ૮ માર્ચનો દિવસ પસંદ કરવામાં આવ્યો. ત્યારથી મહિલા દિનની ઉજવણી સ્ત્રીઓના મૂળભૂત પ્રશ્નોને સંબોધવાનો અગત્યનો મંચ રહી છે. આ દિવસે સ્ત્રી સશક્તિકરણના પ્રયત્નોને સુદૃઢ અને સુગઠિત કરતાં નવા સંકલ્પો થાય અને નવા કાર્યક્રમો માટે નવી દિશા ખુલે.  

લૈંગિક સમાનતાના સંઘર્ષનાં પ્રવાસમાં એક મહત્ત્વનો પડાવ ૧૯૯૫માં આવ્યો. જ્યારે ચીનના બેજિંગ ખાતે યોજાયેલી મહિલાઓ અંગેની ચોથી વૈશ્વિક કોન્ફરન્સના ઉપક્રમે ભેગા થયેલા વિશ્વના ૧૮૯ દેશોનાં પ્રતિનિધિઓએ લૈંગિક સમાનતાની દિશામાં યોગ્ય પગલાં લેવા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. ‘બેજિંગ ઘોષણા પત્ર’ તરીકે ઓળખાતો આ દસ્તાવેજ અને એ સાથે ઊભો થયેલ કાર્યમંચ આટલાં વર્ષો પછી આજે પણ મહિલાઓના અધિકાર માટે સૌથી પ્રગતિશીલ બ્લુપ્રિન્ટ ગણાય છે જેને વિશ્વ વ્યાપી સમર્થન મળેલું છે. શિક્ષણ, આરોગ્ય, શાંતિ, રાજકીય ભાગીદારી, આર્થિક સશક્તિકરણ તેમ જ મહિલા વિરોધી હિંસાને નાબૂદ કરવા માટેનાં કાયદા ઘડવામાં, કાર્યક્રમ તૈયાર કરવામાં તેમ જ નીતિ તૈયાર કરવામાં બેજિંગ ઘોષણાનો ઘણો મોટો ફાળો છે.

મહિલા સશક્તિકરણનાં ત્રીસ વર્ષની આ યાત્રામાં ઘણું પ્રાપ્ત થયું છે, ઘણું બાકી રહ્યું છે અને ઘણી જગ્યાએ પગલાં પાછા પણ પડ્યાં છે! સમાન હક તરફ જતો રસ્તો સીધો અને સરળ નથી. કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત સંકટની અસર પુરુષની સરખામણીએ સ્ત્રીઓ પર અનેક ગણી વધારે પડતી હોય છે. પૂર કે ધરતીકંપ જેવી કુદરતી હોનારત હોય કે પછી યુદ્ધમાં થયેલી તારાજી હોય, મૃત નાગરિકોમાં સ્ત્રીઓની  સંખ્યા વધુ રહેવાની. વળી સંકટ સમયે ઊભી થતી અછતનો ભોગ પણ સ્ત્રીઓ જ વધારે બને છે. ખોરવાયેલા જનજીવનમાં સ્ત્રીઓના જ શિક્ષણની કુરબાની લેવાય છે. દરેક સંકટ સમયે મહિલાઓ વિરુદ્ધ હિંસા પણ વધી જાય છે. કોરોના મહામારી સમયે આપણે જોયું કે ઘરેલુ હિંસા એક બીજી મહામારી તરીકે બહાર આવી. આજે પણ દર ત્રણમાંથી એક સ્ત્રી ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે અને એ પણ ત્યારે કે જ્યારે બેજિંગ ઘોષણા પછી વિશ્વના દેશો સામૂહિક રીતે મહિલા વિરોધી હિંસાનો પ્રતિકાર કરી રહ્યા છે. ૧૯૯૫ પહેલા માત્ર ૧૨ દેશોમાં ઘરેલું હિંસા વિરુદ્ધ કાયદો હતો. આજે, ૧૯૩ દેશોમાં અલગ અલગ કાયદાઓ મળીને કુલ ૧,૫૮૩ કાયદા છે, જેમાંથી ૩૫૪ સીધા ઘરેલું હિંસા વિરુદ્ધ છે. છતાં ઘરેલું હિંસા કાબૂમાં આવતી નથી.  

વળી, બજાર તો પોતાની તક ચૂકતું નથી. બજારના પ્રવાહોએ મહિલા દિવસને સંઘર્ષના પ્રતીકમાંથી એક ઉપભોગતાવાદી દિવસમાં જ બદલી નાખ્યો છે. કાર્ડ, કેક, ગુલાબ, હોટેલ, કપડાં કે ઘરેણાં જેવી અનેક વસ્તુઓ પર મહિલા દિવસનું ડિસ્કાઉન્ટ આપી સ્ત્રીની અંદરના ગ્રાહક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મધ્યમ વર્ગની ઘણી સ્ત્રીઓ મહિલા દિવસને પોતાના ભાગે આવેલો એક માત્ર દિવસ સમજી એક દિવસની આઝાદી માણી લેવા આ ઓફરોનો છૂટથી ઉપયોગ કરે, ફરવા જાય, હોટેલમાં જમવા જાય અને આનંદ કરે. એનો મતલબ સ્ત્રીની આનંદ કરવાની આઝાદી એક દિવસ પૂરતી પ્રતીકાત્મક જ! બાકીના દિવસોમાં તો ઠેર ના ઠેર. મહિલા દિનના વ્યાપારીકરણથી એની ઉજવણી પાછળનો ઝુઝારુ મિજાજ મોળો પડી રહ્યો છે. નાની મોટી ખરીદી થકી સશક્તિકરણનો અહેસાસ પામતાં વર્ગને અસમાન તક, અસમાન વેતન, અસંગઠિત ક્ષેત્રમાં લંબાતા કામના કલાકો, વધતી જતી અસલામતી, વધતી જતી હિંસા, વિશ્વના અનેક ખૂણે ચાલી રહેલાં યુદ્ધ, પર્યાવરણના બદલાવ જેવા પ્રશ્નો સામે અવાજ ઉઠાવવાનું જરૂરી નથી લાગતું. કારણ કે આ બધાં પ્રશ્નોને એકબીજા સાથે જોડતી કડી જોવાનું ચુકી જાય છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ નહીં, પણ મરણફાળ ભરી રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 March 2025

રવીન્દ્ર પારેખ

વિધાનસભામાં શિક્ષણ મંત્રી ડિંડોરે, આચાર્યની ભરતી સંદર્ભે પુછાયેલા પ્રશ્નના જવાબમાં, ભરતી પ્રક્રિયાની પારદર્શકતા દર્શાવવા, પહેલાં ‘સેટિંગ’ ચાલતું હતું, પણ હવે નથી ચાલતું, એવું કહ્યું, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલે સંભળાવતાં કહ્યું કે ‘ખેલે ગુજરાત’ની વાત કરો છો, તો રમતગમતના શિક્ષકો નથી, તેનું કૈં કરોને ! ટૂંકમાં પારદર્શકતા એટલે છે કે ભરતી થતી નથી. હવે તો દુનિયા જાણે છે કે સરકાર શિક્ષકો વગર સ્કૂલો ચલાવવાનો પુરુષાર્થ કરી રહી છે. હજારો શિક્ષકોની ભરતી કરવાને બદલે કામચલાઉ શિક્ષકોથી કામ કાઢવામાં સરકાર એટલી વ્યસ્ત છે કે 2017થી કાયમી શિક્ષકોની ભરતીમાં તે  અખાડા જ કરી રહી છે. વિધાનસભામાં સરકાર જ કહે છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં 2,317 શિક્ષકોની ખાલી પડેલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલે છે. અમદાવાદની જ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં વય નિવૃત્તિને લીધે 278 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. 2023-’24માં કહેવાતી ભરતી છતાં આચાર્યોની 900 જગ્યાઓ ખાલી છે. એમાં પણ ભરતી પ્રક્રિયા ચાલે છે. ભરતી પ્રક્રિયા ચાલે છે ને ચમત્કાર એ છે કે ભરતીને બદલે ઓટ જ દેખાય છે.

ગુજરાતમાં વિવિધ વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી છે, પણ સરકાર કાયમીને બદલે, કોન્ટ્રાક્ટ પર, ઓછા પગારે કર્મચારીઓની ભરતી કરે છે ને એ રીતે શિક્ષિત યુવાઓનું ભરપટ્ટે શોષણ કરે છે. ટી.આર.બી. જવાનો, જ્ઞાનસહાયકો, કારકૂનો વગેરેને એક જ લાકડીએ હાંકીને સરકાર 8થી 15 હજારનો પગાર ચૂકવી કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખે છે. કોન્ટ્રાક્ટ પર રાખવા કોન્ટ્રાકટરો રખાય છે ને તેમને કરોડો રૂપિયા ચૂકવાય છે. એ ચૂકવાય છે, પણ શિક્ષકોને ચૂકવતાં ચૂંક ઊપડે છે. સરકાર કામચલાઉ નથી, તો શિક્ષકો કામચલાઉ કઈ રીતે હોય? સરકાર પોતાનો પગાર ને ભથ્થાં મનમરજી વસૂલે છે ને ફિક્સ પગારદારો પગાર વધારવા 5,228 અરજીઓ કરે છે, પણ રૂપિયાનો ય વધારો થતો નથી. સરકાર અંગત લાભો મેળવવામાં અમીર છે ને કર્મચારીઓ, શિક્ષકોને લાભ આપવામાં ગરીબ છે. 

એ ગરીબી વખતોવખત જાહેર માધ્યમોએ ગાઈ-બજાવીને બતાવી છે. શિક્ષકોની ભરતીમાં તો દારિદ્રય છે જ, પણ સ્કૂલોનું, વર્ગોનું દળદર પણ દૂર થતું નથી. કેટલી ય સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે, તો કેટલી ય સ્કૂલો એક જ વર્ગમાં ચાલે છે. સરકાર ગમે તેવી હશે, પણ તે પ્રમાણિક છે તે ખરું. શિક્ષણ વિભાગ જ વિધાનસભા ગૃહમાં જાહેર કરે છે કે રાજ્યમાં 327 સરકારી પ્રાથમિક શાળામાં એક જ ઓરડો છે. બડાશ એવી હાંકવામાં આવે છે કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, પણ એનું સાદું ગુજરાતી એવું થાય કે ગુજરાત હરણફાળ નહીં, પણ મરણફાળ ભરી રહ્યું છે. 

327 પ્રાથમિક શાળાઓ એવી હોય જ્યાં એક જ ઓરડામાં સ્કૂલને બેસવાની શિક્ષણ વિભાગ ફરજ પાડે, તો તેને જુદી જુદી એ.સી. કેબિનોમાં બેસવાનો અધિકાર કેટલો તે વિચારવાનું રહે. આ સ્થિતિ સ્વીકારવાને બદલે વિભાગ એવો બચાવ કરે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પૂરતા નથી. તો, સવાલ એ થાય કે પૂરતા શિક્ષકો કોને લીધે નથી? વિદ્યાર્થીઓ નથી, તો પ્રવેશોત્સવ ઊજવીને, મંત્રીઓ ને ધારાસભ્યો ને સરકારી અધિકારીઓ ગામડે ગામડે ફરીને પ્રવેશ કોને અપાવે છે? ને કોઈ પણ સ્કૂલ એક જ ઓરડામાં સમાઈ જાય એટલી નાની કે સાંકડી કઈ રીતે હોય? એક બાજુ સ્માર્ટ ક્લાસની વાતો થતી હોય ને બીજી બાજુ સ્કૂલને બેસવા એક જ ઓરડો હોય એનો કોઈને સંકોચ જ ન હોય એ કેવું? 

ઉપરથી સરકાર ઉમેરે છે કે ઓરડા માટે હજી વાટ જોવી પડશે. આગામી વર્ષોમાં તબક્કાવાર ઓરડા બનાવવામાં આવશે. સરસ, પણ ત્યાં સુધી શું? તેનો જવાબ નથી. ખરેખર તો યુદ્ધને ધોરણે વર્ગો તૈયાર કરાવવા જોઈએ, તેને બદલે સરકાર પૂરી ખંધાઈથી કહે છે કે આગામી વર્ષ, નહીં, વર્ષોમાં ઓરડા તબક્કાવાર બનાવાશે. આ તો શૈક્ષણિક અછતની, કેળવેલા દુકાળની વાતો થઈ, પણ જે શિક્ષકો સ્કૂલોમાં રખાય છે, એનો કેવોક ઉપયોગ થાય છે તે જોવા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઉદાહરણ જ પૂરતું થઈ પડશે.

દેખીતું છે કે રાજ્યમાં જ શિક્ષકોની ઘટ હોય, તો સુરતની શિક્ષણ સમિતિમાં ન હોય એવું તો ન બને. આ ઘટ વચ્ચે શિક્ષકો બિનશૈક્ષણિક કામગીરીનો બોજ વેંઢારે તે ખાતર પર દિવેલ જ ને ! હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલે છે, એવામાં 700થી વધુ શિક્ષકોને પરીક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. સમગ્ર શિક્ષામાં પણ 250થી 300 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે. રમતોત્સવમાં 100 જેટલા શિક્ષકો રોકાયેલા છે. એ ઉપરાંત લગભગ દરેક શાળામાંથી ચાર-પાંચ શિક્ષકો વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે લાવવા લઈ જવાની કામગીરી કરે છે. આટલું ઓછું હોય તેમ RTEની કામગીરી માટે 65 શિક્ષકોની માંગ કરવામાં આવી છે. આ ત્રાસથી ગળે આવી જતાં યુનિયને ઉચિત રીતે જ તેનો વિરોધ નોંધાવ્યો. RTEની કામગીરીમાંથી શિક્ષકોને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં નહીં આવે તો તેવી કામગીરીના બહિષ્કારની ચીમકી યુનિયને આપી છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો નોકરીની આશામાં સુકાઈ રહ્યા છે ને બીજી તરફ શિક્ષકોની ઘટ છતાં, છે તે શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં જોતરીને, વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત કરવામાં આવી રહ્યા છે. આ આખા વેપલામાં વિદ્યાર્થીઓનો ક્યાં ય વિચાર પણ થતો નથી તે દુ:ખદ અને શરમજનક છે.

RTEની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે એટલે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગરે શાસનાધિકારીને પત્ર લખ્યો છે. પત્રમાં એ ઉલ્લેખ પણ છે કે આ શિક્ષકોને ગયે વર્ષે પણ RTEની કામગીરી સોંપવામાં આવી હતી. RTEની કામગીરી લાંબો સમય ચાલનારી પ્રવૃત્તિ છે ને જ્યારે પરીક્ષાઓ નજીક હોય ત્યારે અભ્યાસક્રમ પૂરો કરવાનું વધારે જરૂરી છે. આ વાત શિક્ષણ સમિતિની ધ્યાન બહાર ન જ હોય, છતાં RTEની કામગીરી સોંપીને, સમિતિ, વિદ્યાર્થીઓનાં ભણતરને ભોગે શિક્ષકોને આવી પ્રવૃત્તિમાં જોતરે એ અક્ષમ્ય છે. શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં શિક્ષકોને જોતરવાની શિક્ષણ સમિતિને નવાઈ નથી. આ બધી કામગીરી શિક્ષિત બેકારોને સોંપવામાં આવે તો તેમને આવક થાય, પણ તેવું ન કરતાં શિક્ષકોને આવાં કામોમાં રોકીને, સમિતિ, પોતાને ‘શિક્ષણ સમિતિ’ તરીકે ઓળખાવે તેનું આશ્ચર્ય છે. ખરેખર તો સરકારે, સરકારી કામો માટેના શિક્ષકો અને શિક્ષણ માટેના શિક્ષકો એવી અલગ કેટેગરી ઊભી કરવાની જરૂર છે, જેથી વર્ગમાં ભણાવે તે પણ શિક્ષક હોય તેનો ખ્યાલ રહે. મહાસંઘે ઈતર પ્રવૃત્તિમાં શિક્ષકોને જોતરવા સંબંધી બહિષ્કારની ચીમકી આપી છે તે યોગ્ય જ છે. એ બહાને મહાસંઘને પણ બહાર આવવાનું થયું તે ય ઓછું નથી.

– તો, આ હાલત છે પ્રાથમિક શિક્ષણની ! શિક્ષણ વિભાગને શિક્ષણ કઈ રીતે હરણફાળ ભરતું લાગે છે તે એ જાણે, પણ ભાગ્યે જ કોઈ રાજ્યમાં શિક્ષણ આટલું કથળેલું હશે. શિક્ષણ વિભાગ ઘોરતો હોય એવું તો નથી, કારણ પોતાની પરિસ્થિતિનો ગૃહમાં ચિતાર તો શિક્ષણ વિભાગ જ આપે છે. એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે કે એક જ ઓરડામાં સ્કૂલ ચાલે છે એવા અહેવાલો વિભાગ જ આપે છે. શિક્ષકો ખાઈબદેલા કે ખુશામતખોરો હશે, પગાર ઉપરાંતનો કારભાર પણ કરતા હશે, પણ મોટે ભાગના ભણાવવા માંગે છે ને તેમણે પરિપત્રો ને ડેટામાં ખોવાઈ જવું પડે છે તે બરાબર નથી. શિક્ષકે રસી પાવા જવું પડે છે, વસ્તી ગણતરી કરવા જવું પડે છે, મતદાનમાં બૂથ સાચવવું પડે છે, આદેશ થતાંમાં કોઈ સભામાં સ્કૂલને લઈને હાજર થવું પડે છે … આવું આવું તો ઘણું કરવું પડે છે. આ કામ શિક્ષકોએ કરવાનાં છે ને તે પણ બાળકોનું શિક્ષણ જોખમાય એ રીતે? આ યોગ્ય છે? અભણ માણસ પણ એને યોગ્ય નહીં ઠેરવે, તો શિક્ષિતોના રાજમા એ યોગ્ય કઈ રીતે હોય? ને છતાં એને સુધારવાનું નથી વિચારાતું. વિચારાતું હોત તો છતે શિક્ષકે ભરતી પૂરતી સંખ્યામાં થઈ હોત ! એક વિધાનસભ્યની સીટ ખાલી પડે તો તેની અલગ ચૂંટણી થાય છે, તો વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતી ન થતી હોય તો કૈં નહીં કરવાનું? શિક્ષકો હોય ને તે વર્ગમાં ભણાવવા ન પામે તો તે છે શેને માટે? 

શિક્ષણ પ્રદૂષણ તો ન હોયને ! હોય તો એ અટકવું જોઈએ ને કોઈ પણ ભોગે અટકવું જોઈએ … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 માર્ચ 2025

Loading

...102030...413414415416...420430440...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved