Opinion Magazine
Number of visits: 9843964
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ બહાર રહ્યા બાદ સ્વાતંત્ર્યની લડાઈમાં સક્રિય એમ.એન. રોય

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 March 2025

રોયના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ લગી લઈ ગયું

પ્રો. જયંતીલાલ કે. પટેલ

બારમી ફેબ્રુઆરીના દિવસે જોગાનુજોગ ગાંધી શ્રાદ્ધ પર્વે જે.કે. (પ્રોફેસર જયંતી કે. પટેલ) ગયા. બાણુમે વરસે એટલે કે પાકટ પાન સહજ ખરે તે રીતે એ ગયા. વર્ષોથી એક પ્રકારે ઘરબંધ જિંદગી બસર કરી રહ્યા હતા, પણ એક મસ્તી અને સોશિયલ મીડિયા સાથે એ વ્યાપક સંપર્કોમાંયે હતા. ખાસ કરીને, રેશનલિસ્ટ વર્તુળમાં એ કંઈક ખાસંખાસ જેવા હતા.

જો કે, મારો અને એમનો પહેલો પરિચય રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકેનો, અને સ્વાધ્યાય ક્ષેત્રે એ રૂસોના ‘સોશિયલ કોન્ટ્રેક્ટ’ના અનુવાદથી માંડી આગળ ચાલતાં આફ્રિકાના વિશેષ અભ્યાસથી ઝળક્યા. અહીં ઝળકવાની જિકર કરી તે સાથે એમનો એક ઝબકાર પણ સાંભરી આવ્યો – તેવીસેક વરસ પર બે હજાર બેના ઘટનાક્રમ સંબંધે ત્યારના રાજકીય નેતૃત્વને એમણે પોતાના પૂર્વ વિદ્યાર્થી તરીકે ધરાર ‘ડિસઓન’ કર્યું હતું, સરા જાહેર.

રહો, હું અહીં કોઈ વૈયક્તિક વિશેષાંજલિ આપવા નથી ઈચ્છતો. એમ તો, જનતા મોરચાને ધોરણે અમે 1975ની ધારાસભાની ચૂંટણી લડ્યા ત્યારે પાટડી-દસાડા પંથકમાં ભીમાભાઈ રાઠોડની ઉમેદવારીને યશસ્વી બનાવવા એ મહિનો માસ મચી પડ્યા હતા એ પણ કેમ ન સંભારું? પણ એમને વિશે નહીં પરંતુ એમને મિશે લખવા કલમ ઉપાડી છે, એ તો ગુજરાતમાં એક આખી ચળવળ, નાની પણ રાઈના દાણા શી એક મળતાં મળે એવી બિરાદરી પરત્વે આદર ને કૃતજ્ઞતા વ્યક્ત કરવા વાસ્તે : ‘મહાગુજરાત આંદોલનમાં જયન્તિ દલાલ આદિના સથવારાથી માંડી કટોકટી પ્રતિકાર સહિત આ બધી જે જે.કે.ની સંડોવણી રહી એની પૂંઠે એમનું રેડિકલ હ્યુમેનિસ્ટ હોવું એ ચાલના ઓછેવત્તે અંશે હતી. આ રેડિકલ હ્યુમેનિસ્ટ વિચારધારાના અગ્નયાયી એમ.એન. રોય (1887-1954) હતા એટલે રોયિસ્ટ તરીકે ઓળખવાનો ચાલ છે.

એમ.એન. રોય

બે શબ્દો કહું રોય વિશે. સ્વાતંત્ર્ય ચળવળના શરૂ શરૂના અંગાર અને બંકિમ-વિવેકાનંદના સંસ્કાર, આગળ ચાલતાં ક્રાંતિકારી ચળવળમાં ભળ્યા અને શસ્ત્રખોજ સારુ દેશ બહાર ગયા. અમેરિકામાં ત્યારે દેશનિકાલ લાજપતરાય પણ હતા. એમણે સંભાર્યું છે કે મને મળેલા ક્રાંતિકારી તરુણોમાં રોય એમની મેધા અને સમર્પિતતાથી જુદા તરી આવતા. આખી દાસ્તાંમાં તો અહીં ક્યાંથી જઈ શકાવાનું હતું, પણ મારતી કલમે એટલું જરૂર કહી દઉં કે એમના રાષ્ટ્રવાદી ધક્કાને માર્ક્સવિચારના સંપર્કવશ એક વ્યાપક વિશ્વસંદર્ભ સાંપડ્યો. મેક્સિકોની સમાજવાદી હિલચાલનું એમનું નેતૃત્વ એમને લેનિન થકી નિમંત્રાઈ કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) લગી લઈ ગયું. લાંબા વિદેશવાસ પછી પરત થઈ એ કાઁગ્રેસ મારફતે સ્વાતંત્ર્યલડતમાં સક્રિય બન્યા પણ એમનું વિચારવલોણું એમને માર્ક્સવાદની પેલી મેર (બિયોન્ડ માર્ક્સિઝમ) લઈ ગયું અને એમાંથી મૂળગામી માનવવાદ(રેડિકલ હ્યુમેનિઝમ)નો ઉદ્દભવ થયો. કોઈ ઈશ્વરની આસપાસ અગર ‘રાષ્ટ્ર’ની ફરતે અગર તો એવી કોઈ બીજી ‘કલેક્ટિવિટી’માં નહીં પડતાં માનવકેન્દ્રી ચિંતન એ એમનો મૂળગામી અભિગમ હતો.

એમનો આ વિચારઝુકાવ ગુજરાતમાં પહેલવહેલો તૈયબ શેખ મારફતે આવ્યો. શેખ એમના વિદેશવાસ દરમ્યાન સંપર્કમાં આવેલા વિચારબંધુ તરીકે વિકસી રહ્યા હતા. મૂળે કપડવંજના ગુજરાતી, વોરા. અસહકારની ચળવળ દરમ્યાન જેલવાસી થયેલા કેટલાક ગુજરાતી યુવાનોની ભાળ મેળવી, પોતે અંગ્રેજ સરકારના વોરંટ હેઠળ હતા એ દિવસોમાં ગુજરાતની મુલાકાત લીધી હતી.

એ રીતે શરૂઆતમાં રોયમાં ભરતી થયેલા પૈકી ચંપકલાલ ભટ્ટ, ભગવતીપ્રસાદ ભટ્ટ, દશરથલાલ ઠાકર અને ઠાકોરપ્રસાદ પંડ્યા હતા. વાંસોવાંસ, આગળપાછળ, ચંદ્રકાન્ત દરુ ને થોડે અંતરે નડિયાદના વિનુભાઈ પટેલ (બાબુભાઈ જશભાઈના ભાઈ) પણ ખરા. કાઁગ્રેસની અંદર એક સમાંતર વિચારકેન્દ્ર તરીકે રોયની પ્રતિભા ખાસી ઊંચકાઈ એ અરસામાં એમણે અમદાવાદનીયે મુલાકાત લીધી હશે. (ઉમાશંકર લાંબા સમય લગી એ એક સોનેરી સંભારણું ટાંકતા કે પોતે એક રૂપિયાની ટિકિટ લઈને પ્રેમાભાઈ હૉલમાં રોયને સાંભળ‌ા ગયા હતા.)

આ આરંભકારો કેવુંક ગજું કાઢી શક્યા હશે એનો એક દાખલો આપું. ગુજરાત કાઁગ્રેસમાં ડેલિગટની ચૂંટણીમાં દરબાર ગોપાળદાસ અને ભક્તિબાને હરાવીને ચંપકલાલ ચૂંટાઈ આવ્યા હતા! પહેલી ઘાલના રોય સાથીઓમાં એમ તો જેમ દરુ-દશરથલાલ તેમ દુર્ગાશંકર ત્રિવેદી પણ ખરા. સરખેજના આ યશસ્વી સરપંચ પાછા પ્રવૃત્તિ સારુ પ્રેસ ચલાવી જાણે અને પાછલાં વર્ષોમાં જરૂર પડ્યે રોય દંપતીનું દફતર (આર્કાઈવ્ઝ) તૈયાર કરવામાંયે ખૂંપી શકે. પ્રોપાયટરી (દીવાન બલ્લુભાઈ) હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક દરુ કાયદો ભણી બંધારણીય ક્ષેત્રે અકુતોભય વિલસ્યા ને કટોકટી દરમ્યાન ‘ભૂમિપુત્ર’ને ‘સાધના’ના કેસોમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને મુદ્દે એક રાષ્ટ્રીય સ્તરે પ્રતિમાન પુરુષ તરીકે ઉભર્યા.

આ બધા સીનિયર રોયમાર્ગીઓ પછીની અગ્રપેઢીમાં જયંતી પટેલ અને બિપિન શ્રોફનું સહજ સ્મરણ થઈ આવે. કટોકટી પછી બિપિન શ્રોફે પોતાના જિલ્લામાં જનતા નેતૃત્વ સાહ્યું અને તે પછી તરતનાં વરસોમાં પ્રગતિશીલ ને વૈજ્ઞાનિક કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રયોગ પણ કર્યો. છેલ્લાં પંદર-વીસ વરસથી સંયોગવશ ને સ્વાસ્થ્યવશ એ અમેરિકામાં વધુ સમય ગાળે છે, પણ વૈશ્વિક માનવવાદથી માંડી લોકશાહી દૃષ્ટિએ વર્તમાન શાસનસમીક્ષા સહિતની લેખી સામગ્રીની એમની સાતત્યમંડિત સોશિયલ મીડિયાઈ, વધતી વય અને ઘટતી સક્રિયતાના સમીકરણને ભોંઠું પાડે છે.

કોને સંભારું, કોને ભૂલું. પ્રસન્નદાસ પટવારી શા કર્મશીલ, ‘ભૂમિપુત્ર’નો ઐતિહાસિક ચુકાદાના પ્રકાશક તરીકે પકડાવું નક્કી હતું. બુઝુર્ગ રમેશ કોરડે હજુ થોડાં વરસ પર જ ગયા. બીજા પણ હશે બલકે છે. પણ જે.કે. અને શ્રોફ પછીની પેઢીના, મુકાબલે વહેલા ગયેલા ગૌતમ ઠાકરનો ઉલ્લેખ તો કરું જ. 

નટવરલાલ શાહ વિધાનસભાના અધ્યક્ષપદે ગયા ત્યારે એમના પછી બેંક યુનિયનના પ્રમુખ તરીકે ઊપસી રહેલું નામ ગૌતમભાઈનું હતું. ઠીક ઠીક વરસો એમણે જનતંત્ર સમાજ (સી.એફ.ડી.), નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન વગેરેમાં પ્રબંધન સેવા આપી. નામોની યાદી અને થોડાએક પ્રવૃત્તિ નિર્દેશ, હું જાણે એમ જ ગગડાવી ગયો! ભાઈ, રાજકીય રંગમંચ પર કે સામાજિક તડકભડકની રુશનાઈમાં રહેનારા અચ્છાસચ્ચા અને લચ્છેલચ્છા મળી આવે છે. એમને આ કટારચી જેવાની અછો અછો ગાયકીનીયે જરૂર નથી હોતી. તેઓ તો એ બાબતે સ્વાવલંબનસિદ્ધ હોય છે. પણ જેઓ પ્રકૃતિએ ને પ્રવૃત્તિએ દોમ દોમ સત્તાપાયરીએ નથી હોતા એવાં વસુધાનાં વહાલાં, ઓછામાં ઓછું એમનાં નામ તો લઈએ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 માર્ચ 2025

Loading

વર્ડઝવર્થનું ‘ડેફોડિલ્સ’ એટલે પ્રકૃતિ અને જીવનના અનુબંધનો ઉઘાડ

સોનલ પરીખ|Opinion - Opinion|5 March 2025

અંકુરિત થવું, ખીલવું અને ખરી જવું : ઉત્પત્તિ અને લય બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ    

દ્રુમા: સપુષ્પા: સલિલં સપદ્મં, સ્ત્રિય: સકામા: પવન: સુગંધિ: । 

સુખા: પ્રદોષા દિવસાશ્ચ રમ્યા:, સર્વં પ્રિયે ચારુતરં વસંતે ।। 

(હે પ્રિયે, સર્વનું પ્રિય કરનાર વસંતનાં આગમનથી વૃક્ષો પુષ્પોવાળા બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, સ્ત્રીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે) 

આ સુંદર પંક્તિ કાલિદાસના પ્રારંભના સર્જન ઋતુસંહારની છે. સંહાર એટલે સમૂહ. ગીતિકાવ્ય ‘ઋતુસંહાર’ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એમ છ ઋતુઓનું અનુપમ વર્ણન કરતી એક સુંદર કૃતિ છે. 

વસંત એટલે શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક દિવસોમાં અને દક્ષિણ ગોળાર્ધમાં સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી વસંત ઋતુ હોય છે. ભારતમાં મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં વસંતઋતુ હોય છે. દિવસના પ્રકાશના વધતા કલાકો, ખુશનુમા આબોહવા, મહોરી ઊઠતી કુદરત, ખીલતાં ફૂલોની શોભા અને સ્ફૂર્તિમય બનતું માનવમન. આવી વસંતઋતુનો ઉત્સવ કેમ ન ઉજવાય? ભારતમાં વસંતપંચમી સૌથી શુભ દિવસોમાંનો એક ગણાય છે. ‘લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલયસમીરે’ જેવી મધુર પંક્તિઓ આપનાર ‘વસંત વિલાસ’ અને અન્ય મધ્યકાલીન ફાગુકાવ્યો વસંતવર્ણન નિમિત્તે જીવનનો ઉલ્લાસ અને શૃંગારરસની નિષ્પત્તિ સાધે છે.

ભારતમાં પણ વસંતનો આટલો મહિમા છે તો યુરોપમાં કાતિલ શિયાળા પછી આવતી હૂંફાળી વસંતઋતુનું અને મહિનાઓ સુધી પથરાયેલી બરફની ચાદરો પીગળ્યાં પછી ખીલતાં ફૂલોનું કેટલું મહત્ત્વ હશે! આ સંદર્ભે પ્રશિષ્ટ કવિ વિલિયમ વર્ડઝવર્થનું કાવ્ય ‘ડેફોડિલ્સ’ યાદ કરવાનું ગમે. 

વિલિયમ વર્ડઝ્વર્થ

વર્ડઝવર્થ અને કોલરિજ રોમેન્ટિક કવિતાના જનક ગણાય છે. તેમનાં ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વિલિયમને ત્રણ ભાઈ અને એક બહેન હતાં. પિતા બહાર ફરતા રહેતા. માતા દ્વારા બાળકોને વાંચનની ટેવ કેળવાઈ. વિલિયમ આઠ વર્ષના હતા ત્યારે માતાનું અને ત્યાર પછી પાંચ વર્ષે પિતાનું અવસાન થયેલું. માતાના મૃત્યુ પછી એકની એક બહેન ડોરોથીથી જુદા રહેવાનું થયું. જે પ્રેમ અને હૂંફ તેઓ ઝંખતા હતા તે તેમને પ્રકૃતિએ ભરપેટ પૂરાં પાડ્યાં. એકાંત જ તેમનું કુટુંબ બન્યું, મિત્ર બન્યું. 

વર્ડઝવર્થને ‘વૉકિંગ ટૂર’ લઇ સુંદર પ્રાકૃતિક સ્થાનો પર જવાનું ગમતું. 1790માં આ રીતે એક મિત્ર સાથે ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મનીનો પગપાળા પ્રવાસ કર્યો. લગભગ ત્રણ વર્ષ સુધી વર્ડ્ઝવર્થને ન હતું પોતાનું ઘર કે ન હતી કોઈ સ્થાયી આમદાની. રિવોલ્યુશનરી ફ્રાન્સના તેઓ ચાહક હતા, પણ એમનો એ ભ્રમ પણ ભાંગી ચૂક્યો હતો. જીવનમાં ઘોર નિરાશા વ્યાપી હતી. આ સમયે વિલિયમ ગૉડવિનના ‘પૉલિટિકલ જસ્ટિસ’ નામના પુસ્તકના વિચારોએ તેમના મનને ઘેરી લીધું. 

વર્ડ્ઝવર્થ, કૉલરિજ અને રૉબર્ટ સધે ‘લેક પોએટ્સ’ તરીકે જાણીતા છે. 1799ના ડિસેમ્બરમાં ડોરોથી અને વર્ડ્ઝવર્થ લેક ડિસ્ટ્રિક્ટમાં આવ્યાં અને ગ્રાસમિયરના ‘ડવ કૉટેજ’માં સ્થાયી થયાં. વિલિયમે ડોરોથીની પ્રિય સખી મેરી હચિન્સસન સાથે લગ્ન કર્યું. ‘ડવ કૉટેજ’માં વર્ડ્ઝવર્થનાં ત્રણ બાળકોનો જન્મ થયો હતો. આજે આ કોટેજમાં વર્ડઝવર્થ મ્યુઝિયમ છે. 

કવિનો ઉત્તમ સર્જનકાળનો દશકો 1796થી 1806નો હતો. ‘ડેફોડિલ્સ’ કાવ્ય 1802માં રચાયેલું. છ પંક્તિનો એક એવા ચાર અંતરામાં લખાયેલું આ કાવ્ય કલ્પનાની નહીં, ‘એક્ચુઅલ વિઝ્યુલઆઇઝેશન’ની નીપજ છે. તે વખતે તેઓ બહેન ડોરોથી સાથે લેક ડિસ્ટ્રિક્ટના ઉલ્સવોટરમાં ફરી રહ્યા હતા. સામે દૂર દૂર સુધી કુદરતની શાંત શોભા વિસ્તરેલી હતી. જલાશયના શાંત પાણીમાં પહાડોનાં શિખર ડોકાઈ રહ્યાં હતાં. કિનારા પર લાંબે સુધી ફેલાયેલો ડેફોડિલ્સ ફૂલોનો પહોળો પટ્ટો હતો. સુંદર પીળા રંગનાં, સૂર્યનાં કિરણોમાં ચમકતાં અને પવનની લહેરોમાં નૃત્ય કરતાં હજારો ડેફોડિલ્સ ખૂબ આકર્ષક દૃશ્ય સર્જતાં હતાં. 

ડેફોડિલને ટ્રમ્પેટ નાર્સીસસ પણ કહેવામાં આવે છે. આ ફૂલો ઉત્તર યુરોપના વતની છે અને ત્યાં તેમ જ ઉત્તર અમેરિકામાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. જો કે આ ફૂલોનો ઉલ્લેખ અમુક ઈરાનિયન કાવ્યોમાં પણ અને ઈ.સ. પૂર્વેની રચનાઓમાં પણ મળે છે. ખૂલેલી છ પાંખડી અને વચ્ચે ઘંટડીના આકારની ઝીણી ઝાલરવાળી ગોળ પાંખડી ધરાવતાં મૂળ પીળા રંગના આ ફૂલો હવે સફેદ, ગુલાબી અથવા નારંગી રંગના પણ જોવા મળે છે. 14થી 16 ઈંચના સુંદર છોડની ટોચે આ ફૂલો ખીલે છે. 

કવિ કહે છે, ‘વેલ્સની ટેકરીઓ ઉપર તરતા વાદળની જેમ હું એક્લવાયો ફરતો હતો ત્યાં અચાનક દેખાયાં આનંદભર્યાં, મારું સ્વાગત કરતાં હોય એવાં હજારો સોનેરી ડેફોડિલ્સ પુષ્પો. જલાશયની બાજુમાં વૃક્ષોની ઘટાની નીચે ઝૂમતાં, પ્રસન્ન નર્તન કરતાં ડેફોડિલ્સની એ દીર્ઘ પહોળી પંક્તિ એવી લાગતી હતી જાણે આકાશગંગાના તેજસ્વી તારાઓ. દસેક હજારને હું માંડ મારી આંખોમાં સમાવી શક્યો છું, પણ એ સુદીર્ઘ પુષ્પપંથનો કોઈ અંત નથી. બાજુના જલાશયની ચમકતી લહેરોનું તેજ પણ ડેફોડિલ્સને કારણે જાણે વધી ગયું છે. હું કવિ – શું કરી શકું, આ ધન્ય મૈત્રીપૂર્ણ દૃશ્યથી ચકિત થાઉં છું, આનંદિત થાઉં છું અને જોયા કરું છું – બસ, જોયા જ કરું છું. ખરેખર શું પામ્યો તે કહી શકતો નથી. પણ ઘણીવાર, જ્યારે હું ઉદાસ હોઉં છું, એક ખાલીપણું મને ઘેરી વળ્યું હોય છે એવાં સમયે મારી અંદરની આંખો સામે એક ઝબકારની જેમ એ સુંદર દૃશ્ય ચમકી જાય છે. મસ્તીમાં ડોલતાં એ ડેફોડિલ્સ જોતાં મારું એકાંત વરદાન જેવું બની જાય છે ને મારું હૃદય હળવું અને પ્રસન્ન થઈ ડેફોડિલ્સની સાથે નાચી ઊઠે છે.’ 

વર્ડઝવર્થની સૌથી વધુ વિવેચન-પ્રશંસા પામેલી કૃતિ એ તેમનું દીર્ઘકાવ્ય ‘ધ પ્રિલ્યુડ’ છે. આ કાવ્ય પર તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન કામ કર્યું હતું અને તે મરણોત્તર પ્રકાશિત થયું હતું. પણ વર્ડઝવર્થની સૌથી જાણીતી અને સૌથી વધુ વંચાયેલી કૃતિ એ તેમનું 24 પંક્તિનું સાદું કાવ્ય ‘ડેફોડિલ્સ’ છે. સૌંદર્યની એક ક્ષણ કેવી રીતે શાશ્વત બની જાય છે તેની અનુભૂતિ આ કાવ્ય આપે છે. જીવન પણ આવું જ નથી? ભંગુરતા અને અમરત્વ, ક્ષણ અને શાશ્વત એમાં સાથે સાથે નથી વસતાં? રોબર્ટ હેરિક નામના કવિએ એક કાવ્ય લખ્યું છે જેમાં તે ડેફોડિલ્સને સંબોધીને કહે છે કે તમે આટલાં ઉતાવળાં કેમ છો? હજી તો બપોર પણ નથી પડી અને કરમાવા કેમ લાગ્યાં છો? કમ સે કમ સાંજ પડે ત્યાં સુધી તો રોકાવું હતું તો સાંધ્યપ્રાર્થના કરીને અમે પણ તમારી સાથે જ આવત … દેખીતું છે કે આ જીવનના મધ્યાહન અને સાંજની વાત છે. પન્ના નાયક કહે છે, ‘વાસંતી સવારે પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય ત્યારે બારીમાંથી પ્રવેશી કુમળો તડકો આંખ બંધ કરી દે એમ જ નીરવ પગલે આવે મૃત્યુ’ અને મકરંદ દવે કહે છે, ‘એક ખૂણે આ આયખું નાનું, કેવું વીતી જાય મજાનું, કોઇનું નહીં ફરિયાદી ને કોઇનું નહીં કાજી, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.’ જીવન અને મરણ બંનેનું રહસ્ય સમજાવી જાય છે ફૂલો અને ફૂલોની ઋતુ – વસંત પર લખાયેલાં અનેક કાવ્યો એની સાક્ષી પૂરે છે. 

‘ડેફોડિલ્સ’ની પંક્તિથી જ વિરમીએ : ‘ધે ફ્લેશ ઓન ધેટ ઇનવર્ડ આઈ વિચ ઈઝ ધ બ્લિસ ઑફ સોલિટ્યૂડ’ અંતરની આંખો ઉઘડે અને એકાંતના ભવ્ય વરદાનને માણતાં શીખી શકાય તો સમજાય કે પ્રકૃતિ આપણા માટે આશ્રય છે, આશ્વાસન પણ, આરામ પણ અને વિરામ પણ; કારણ કે આપણે પ્રકૃતિનાં જ સંતાન છીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ફેબ્રુઆરી  2025

Loading

મારો ન્યાય, સરળ અને સમજાય તેવી મારી ભાષામાં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 March 2025

ચંદુ મહેરિયા

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન રસ્મ-અદાયગી નિભાવતો આવ્યો અને ગયો.  આ વરસ તેની સિલ્વર જ્યુબિલી કહેતાં પા સદીનું છે. માતૃભાષા દિવસની પહેલી પચીસીના રજત વરસની થીમ વૈશ્વિક સ્તરે અધિક સમાવેશી અને ટકાઉ વિશ્વના નિર્માણ માટે ભાષાની વિવિધતા પર પ્રગતિમાં ગતિ આણવાની આવશ્યકતા છે. મૂળે તો વિભાજન પૂર્વેના પાકિસ્તાનના બંગભાષીઓએ બંગાળી ભાષાના અસ્તિત્વને ટકાવવા કરેલા દીર્ઘ ભાષા આંદોલનની સ્મૃતિનો આ દિવસ છે. ૨૧મી ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ ઢાકા યુનિવર્સિટીના છાત્રો અને લોકોએ માતૃભાષા બંગાળીના રક્ષણ માટે આદરેલી લડત સામેના સરકારી દમનમાં ૧૬ લોકો શહીદ થયા હતા. તેની સ્મૃતિમાં ૨૦૦૦ના વરસથી આખી દુનિયામાં એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય અવકાશનો ઓણનો માતૃભાષા દિવસ બાંગ્લાદેશે તેની ભાષાકીય ઓળખને બદલે ધાર્મિક ઓળખને પ્રાધાન્ય આપતા બદલાયેલા રાજકીય માહોલમાં કઈ રીતે ઉજવ્યો હશે? ન જાને. 

૨૦૨૨થી ૨૦૩૨નો દાયકો સ્વદેશી ભાષાઓના દાયકા તરીકે મનાવવાની નેમ ધરાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘને એ વાતે ચિંતા છે કે વિશ્વમાં દર બે અઠવાડિયે એક ભાષા વિલુપ્ત થઈ જાય છે. તેથી વિશ્વ એક સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસો ગુમાવે છે. શિક્ષણના માર્ગમાં ભાષા અવરોધક ન બનવી જોઈએ. પણ ખરેખર એવું છે ખરું? ‘યુનેસ્કો’નું કહેવું છે કે દુનિયાની બાળવસ્તીના ચાળીસ ટકા બાળકોને તેઓ જે ભાષા બોલે છે તે ભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધા મળતી નથી. એટલે માતૃભાષામાં શિક્ષણ એટલે ખરેખર કઈ માતૃભાષા અને કોની માતૃભાષા તે પણ લાખેણો સવાલ છે. ઓડિશાની કેવળ છ જ જનજાતિ ભાષાઓને લિપિ છે. આવું ઘણી આદિવાસી ભાષાઓમાં છે. એટલે તે વર્ગ સાહિત્ય અને શિક્ષણની સામગ્રીની પહોંચથી વંચિત રહે છે. 

૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને વડી અદાલતોના ન્યાયાધીશોની પરિષદમાં વડી અદાલતોને તેના વિવિધ કામો સ્થાનિક ભાષામાં કરવા અપીલ કરી હતી. ન્યાયનો આધાર જો સુરાજ હોય તો ન્યાય જનતાની ભાષા સાથે જોડાયેલો હોવો જોઈએ તેવી વડા પ્રધાનની વાત સાથે કોણ અસંમત થશે, ભલા? આ સંમેલનમાં તત્કાલીન સી.જે.આઈ. એન.વી. રમન્નાએ પણ અદાલતોનું કામકાજ સ્થાનિક ભાષામાં કરવાનું જરૂરી તો માન્યું જ હતું પણ આગળ વધીને તેમણે ન્યાય પ્રણાલીનું દેશીકરણ કે ભારતીયકરણ થાય તેવી ઈચ્છા જાહેર કરી હતી. ન્યાયપાલિકા અને વિધાયિકા બંને રાજ્યોની વડી અદાલતોની ન્યાયિક પ્રક્રિયા રાજ્યોની રાજભાષામાં થવી જોઈએ તેમ સ્વીકારતી હોય તો પછી મારો ન્યાય, મારી ભાષામાં એવા અભિયાનોની જરૂર શું છે? 

આપણા દેશની તાલુકા અને જિલ્લા અદાલતોની કામગીરી તો સ્થાનિક ભાષામાં ચાલે છે પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કામગીરી અંગ્રેજીમાં અને માત્ર અંગ્રેજીમાં જ ચાલે છે. અદાલતોની કામગીરી અને ચુકાદાની મોટી સામાજિક, રાજકીય, આર્થિક  અસરો હોય છે. જો તે લોકોની ભાષામાં ન હોય તો દેશની બહુમતી જનતા તે સમજી શકતી નથી. કાયદાની અને અદાલતોના ચુકાદાની ભાષા પોતે કરીને જ આમ આદમીની સમજની બહારની વસ્તુ હોય ત્યારે જો તે અંગ્રેજીમાં જ હોય તો તે કાળા અક્ષર ભેંસ બરાબર જ બની રહે છે. જો લોકોને કાયદાની  કે અદાલતના ચુકાદાની ભાષા જ ન ઉકેલાય તો તેના અમલની આશા કેમ રાખી શકાય ? 

કેન્દ્ર સરકારે કાયદાઓને સરળ કરવા ઉપરાંત તેને લોકોપયોગી બનાવવા કાયદાકીય પારિભાષિક અને ટેકનિકલ શબ્દો બાદ કરીને જનતાને સમજાય તેવી સરળ અને સહજ ભાષાની આવૃત્તિઓ બનાવવા પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ અદાલતો તે બાબતમાં હજુ પ્રગતિ સાધી શકી નથી. હવે એ.આઈ.(આર્ટિફીસિયલ ઈન્ટેલિજન્સ)ની મદદથી ચુકાદાના અનુવાદનું કાર્ય હાથ ધરાયું છે. પરંતુ મૂળ ચુકાદા તો અંગ્રેજીમાં જ રહેશે.

પોલીસ એફ.આઈ.આર. એટલે ગુનાનો પ્રથમ દર્શનીય અહેવાલ સ્થાનિક ભાષામાં લખે છે. પોલીસ તપાસ પણ સ્થાનિક ભાષામાં થાય છે. સુનાવણી દરમિયાન આરોપી, ફરિયાદી અને સાક્ષીની જુબાની સ્થાનિક ભાષામાં લેવાય છે, પરંતુ વકીલોની દલીલો અંગ્રેજીમાં થાય છે. પિટિશનથી માંડીને કેસ સાથેના આધારો,  પુરાવા, દસ્તાવેજો જો સ્થાનિક ભાષામાં હોય તો તેનો અંગ્રેજી અનુવાદ કરાવવો પડે છે. વળી ન્યાયિક કાર્યવાહી અને ચુકાદા અંગ્રેજીમાં હોય સામાન્ય માણસને કશી ખબર પડતી નથી. તેને અંગ્રેજી જાણતા વ્યક્તિ કે વકીલ જેટલું સમજાવે તેટલું તે સમજે છે. ખરેખર આ અરજદાર અને આરોપી બંને સાથે અન્યાય છે.

વડી અદાલતોની ન્યાયિક કાર્યવાહી અંગ્રેજીમાં હોય છે તે તો સવાલ છે જ એથી પણ વધુ મોટો સવાલ કાયદાની અને ચુકાદાની ભાષાનો છે. ખુદ અદાલતની ભાષા જ ન્યાયના કઠેડામાં ઊભી હોય તેવી સ્થિતિ છે. થોડા સમય પૂર્વે જ સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોની પીઠે એક રાજ્યની વડી અદાલતનો ચુકાદો માથું દુખાડનારો ગણાવ્યો હતો. ચુકાદાની ભાષા એટલી તો ક્લિષ્ટ હતી કે જજસાહેબે કહેવું પડ્યું કે આ જજમેન્ટ વાંચ્યા પછી મારે બામ ઘસવી પડી હતી. સુપ્રીમે આ ચુકાદા સંદર્ભે એવી લિખિત ટિપ્પણી કરી હતી કે આ ચુકાદામાં સાચી અને સહજ ભાષાનો પ્રયોગ ન થવાથી ન્યાયનો હેતુ  જ માર્યો ગયો છે. ચુકાદાએ ન્યાયના ઉદ્દેશને જ ક્ષતિ પહોંચાડી છે.  એટલે મારો ન્યાય મારી ભાષામાં તો ખરો જ પરંતુ મને સમજાય તેવી સરળ અને સહજ ભાષામાં પણ હોવો જોઈએ. 

ભારતીય બંધારણના ચેપ્ટર ૩(લેંગ્વેજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટસ)ના આર્ટિકલ ૩૪૮માં સંસદ કાયદા દ્વારા ફેરફાર ના કરે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલત, વડી અદાલતોની કાર્યવાહી અંગ્રેજીમાં થશે તેવી જોગવાઈ છે. આ જોગવાઈ પંદર વરસ સુધી જ હતી. પરંતુ હજુ તેમાં ફેરફાર થતો નથી. ૨૦૨૨માં વડા પ્રધાન અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બંને સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહીની આવશ્યકતા સ્વીકારે છે. પરંતુ અમલની દિશામાં કોઈ આગળ વધતું નથી. કહે છે કે ૧૯૬૫માં સુપ્રીમ કોર્ટે ફેરફાર માટે સી.જે.આઈ.ની મંજૂરી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે એકાધિક વખત અનુચ્છેદ ૩૪૮(૨) હેઠળ હાઈકોર્ટની કામગીરી ગુજરાતીમાં થાય તેવી માંગણી કરતી જાહેર હિતની અરજીઓ ફગાવી દીધી છે. એટલે દડો કેન્દ્ર સરકારના દરબારમાં છે. 

સુપ્રીમ કોર્ટના શાહબાનુ ચુકાદાને કે તાજેતરમાં ઈલેકશન કમિશનરોની નિમણૂક માટેની સમિતિના સભ્યો અંગેના ચુકાદાને સરકારોએ ઘડીમાં પલટ્યા છે. તો સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહી પંદર વરસ પછી કાયદા દ્વારા સ્થાપિત કરી શકાય છે તે બાબતે તેનું વલણ કેમ આવું છે? 

દેશના ચાર રાજ્યોની હાઈકોર્ટસમાં અંગ્રેજી ઉપરાંત હિંદીનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ નહીં તો મહત્ત્વના ચુકાદાના સ્થાનિક ભાષામાં અનુવાદો ઉપલબ્ધ કરાવાય છે. આંરભે દેશની રાજભાષા હિંદી વડી અદાલતો અપનાવે અને ધીરે ધીરે રાજ્યોની રાજભાષા તરફ વળે તો મારી ભાષામાં મારો ન્યાય વિલંબથી ય શક્ય બનશે, પણ આંટીઘૂંટીભરી અને ક્લિષ્ટને બદલે સહજ, સરળ અને સમજાય તેવી ભાષામાં ન્યાય ઉપલબ્ધ થાય તે તેથી પણ વધુ કે તેના બરાબર જરૂરી છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...415416417418...430440450...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved