Opinion Magazine
Number of visits: 9456864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૫)

સુમન શાહ|Opinion - Opinion|5 October 2024

અમિતાભ બચ્ચન ‘કે.બી.સી.’-માં માહિતીને જ્ઞાન કહે છે, એમને મને ઇન્ફર્મેશન, નૉલેજ છે. હકીકત એ છે કે સામાન્ય જન માટે માહિતી તો જ્ઞાનની માત્ર શરૂઆત છે. એટલું જ નહીં, બચ્ચન એમ કહે છે કે એ જ્ઞાનથી ધન મળે છે. એમના પ્રશ્નોના સાચા ઉત્તરદાતાને રૂપિયા ૭ કરોડ, ૧ કરોડ, ૫૦ લાખ કે છેવટે ૧૦ હજાર મળી શકે છે. 

વૈકલ્પિક પ્રશ્નોના એકાદ કલાકના કાર્યક્રમમાં માણસ ‘ઢેર સારા ધનરાશિ લે કે જાયે’, એ તો સારું જ છે ને વળી! 

પણ શોમાં બેઠેલી જનતા, શો જોનારા દર્શક-શ્રોતા પ્રજાજનો, બધા જ ટૅક્નિશ્યન્સ, બચ્ચન પોતે, એક બજારમાં બેઠા હોય એવું લાગે છે, ભલે એ બજાર ઍક્ચ્યુઅલ નથી, વર્ચ્યુઅલ છે. 

બચ્ચન પ્રશ્નો પૂછે છે એટલી સંખ્યામાં કે એથી નાની સંખ્યામાં વિવિધ કમ્પનીઓની જાહેરાતો કરે છે. જાહેરાતો કાર-ઇન્સ્યૉરન્સ, બૅન્ક, ટૂથપેસ્ટ, પંખા, સિમૅન્ટ, તાળું કે જરઝવેરાત બનાવનારી કમ્પનીઓ માટે હોય છે. જાહેરાતો ચતુરાઇથી કરવામાં આવે છે – આપ કે ખેલ કી ગાડી આગે બઢાને કે લિયે … કલ્યાણ ભવ … આપ હી કી તરહ સ્માર્ટ … વગેરે.

બચ્ચન આ ઉમ્મરે પણ દોડતા પ્રવેશે છે. સામે બેઠેલી જનતા બચ્ચન માટે ઊભા થઈ તાળીઓ સાથે એમના દર્શનનો આનન્દ વ્યક્ત કરે છે, જાણે બચ્ચન કોઈ વિભૂતિ હોય. વારંવાર બચ્ચન પણ તાળીઓ ઉઘરાવે છે. જનતાએ આપેલો ઉત્તર, ખરેખર તો, સહિયારો હોય છે, બલકે એ ઉત્તર લઘુતમ સાધારણ પદ્ધતિથી મળેલી ઓછીવત્તી ટકાવારી હોય છે! પણ બચ્ચન એ જનતાને ‘બડી જ્ઞાની જનતા’ કહીને તેનાં ભરપેટ વખાણ કરે છે.

સ્વબચાવ માટે પોતાના એ કામને બચ્ચન ‘નોકરી’ કહે છે. પણ પગાર કેટલો તે નથી જણાવતા. કહેવાય છે કે ૧૦-મી સીઝનમાં દરેક ઍપિસોડ માટે રૂપિયા ૩ કરોડ લેતા હતા, હવે ૫ કરોડ લે છે. સીઝન ૧૫-માં ૧૦૦ ઍપિસોડ થયેલા, સીઝન ૧૬ ચાલુ છે, ૪૦ ઍપિસોડ થયા છે, હિસાબ ગણો તો, એમની કમાણીનો!  પેલા કેટલાયે કન્ટેસ્ટન્ટ્સમાંથી કોઈને હજી ૭ કરોડ તો શું, માંડ ૧ કરોડ મળ્યા છે. બચ્ચનને પૂછો તો કહેશે, કહે છે પણ ખરા, કે પેટ કે લિયે કરના પડતા હૈ. કેવું અને કેવડું મોટું હશે એમનું એ પેટ?

ફિલ્મ-અભિનેતા બચ્ચનનો હું પ્રશંસક છું. આ શો-માં એમના શુદ્ધ ઉચ્ચારો, મિત્રતાભર્યું વર્તન, એમને યોગ્ય પ્રશ્નકાર ઠેરવે છે. જો કે, આખ્ખા શો દરમ્યાન હું સતત ‘સારા’ પ્રશ્નની રાહ જોતો હોઉં છું, અને અલબત્ત, આવે ત્યારે ઘડીભર મને સારું પણ લાગે છે. 

કે.બી.સી.’-ના કમ્પ્યુટરને પ્રશ્નો પૂરા પાડનારી વ્યક્તિ કે ટીમ માટે મને માન થાય છે.

આ માહિતીયુગમાં એ કામ મુશ્કેલ નથી તો પણ શ્રમ માગી લેનારું તો છે જ. 

શો-થી માહિતીનું પ્રસારણ જરૂર થાય છે, પણ એથી પ્રજાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે એમ નહીં કહી શકાય; એટલું તો સામાન્ય દર્શક-શ્રોતા પણ સમજે છે. એ માહિતી ઉઘાડા રૂપે ગેમ છે, પ્રચ્છન્ન રૂપે વેપાર છે. “સોની” અને સંલગ્ન કમ્પનીઓ કેટલું લાભે છે, તે કોઈ જાણતું નથી.

એ માહિતી-જાળની – ઇન્ફર્મેશન નેટવર્કની – આવી સમીક્ષા કરીએ તો સમજાય કે શો મનુષ્યની જ્ઞાનપિપાસા પર નહીં પણ ધન-લાલસા અથવા લાલચ અને લોભવૃત્તિ પર ચાલે છે. એ જાળથી કમ્પનીઓના હેતુઓની દિશામાં ગ્રાહકોની દોરવણી થાય છે, ગ્રાહક-વર્ગ વિસ્તરે છે. શો-નું એ ગુપ્ત સત્ય છે, દેખાતું નથી, કેમ કે, બધું મનોરંજન અને મૉજમજાની રીતે થાય છે.

+ +

હરારીએ પોતાના તાજેતરનાં પુસ્તક “Nexus”-માં અનેક માહિતી-જાળની વાત, ચર્ચા અને ભરપૂર સમીક્ષા પીરસી છે. ‘નેક્સસ’ એટલે જોડાણ માટેની કડી અથવા અનેક કડીઓ. વિષયવસ્તુ સાથે હરારી પોતે જોડાયા છે, આ પુસ્તકના માધ્યમથી પોતાના વિચારો સાથે વાચકોને જોડવા ચાહે છે. 

પુસ્તકનું પેટા-શીર્ષક છે, A brief history of information networks from the stone age to AI. માહિતી-જાળની પાષાણયુગથી AI સુધીની વાતમાં હરારી એનું સ્વરૂપ, કાર્ય, એની ગૂંથણીનાં પરિબળો, એનો સારામાઠો પ્રભાવ અને એનાં પરિણામોની રસપ્રદ વિવેચના કે તીખી ટીકાટિપ્પણી કરે છે. 

પુસ્તકમાં ૩ વિભાગ છે : Human Networks, Inorganic Network, Computer Politics. 

Prologue-માં, પ્રસ્તાવનામાં, હરારી પહેલા જ વાક્યમાં કહે છે : આપણે આપણી પ્રજાતિને Homo sapiens કહીએ છીએ, એટલે કે, the wise human, શાણો મનુષ્ય; પણ એ નામને શોભે એવું જીવ્યા છીએ ખરા?

હરારી જણાવે છે કે છેલ્લાં ૧ લાખ વર્ષથી મનુષ્યે અઢળક શક્તિ હાંસલ કરી છે, એ સત્તાધીશ થયો છે, પણ એ સત્તાને શાણપણ નહીં કહેવાય. કહે છે, ખરેખર તો, એ ૧ લાખ વર્ષ દરમ્યાનની શોધખોળો અને સિદ્ધિઓએ મનુષ્યજાતિ માટે અસ્તિત્વની કટોકટી સરજી છે. 

તેઓ કહે છે કે આપણી જ શક્તિના દુરુપયોગને કારણે આજે આપણે પર્યાવરણપરક પતનને માર્ગે છીએ. આપણે AI જેવી, એવી નૂતન ટૅક્નોલૉજિનું સર્જન કરવામાં વ્યસ્ત છીએ, કે જે આપણા નિયન્ત્રણમાંથી છટકી જઈને આપણને ગુલામ બનાવવાની કે વિલુપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. 

કહે છે, આ અસ્તિત્વપરક પડકારો સામે આપણે મનુષ્યો સંગઠિત થઈએ તો પણ આન્તરરાષ્ટ્રીય તંગદિલી તો સરજાઇ જ રહી છે, ગ્લોબલ કોઑપરેશન વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે, દેશો એકબીજાની સ્પર્ધાએ ચડીને, કયામત આપણને નજીક વરતાય એવાં વિનાશક શસ્ત્રોનો સંઘરો કરી રહ્યા છે, અને નવ્ય વિશ્વયુદ્ધ અસંભવ નથી ભાસતું. 

હરારી પૂછે છે : If we sapiens are so wise, why are we so self-destructive? આપણે માણસો જો આટલા શાણા છીએ, તો શા માટે આટલા આત્મવિનાશક છીએ?

(ક્રમશ:)
(04Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—267

દીપક મહેતા|Opinion - Opinion|5 October 2024

 મુંબા દેવ્યૈ નમોનમ:

જય દેવી જય દેવી, જય મહાલક્ષ્મી 

આદ્ય શક્તિ તું મહાજનની,

દિવ્ય શક્તિ કાત્યાયની,

મુંબાપુરી નિવાસિની,

મુંબા દેવ્યૈ નમોનમ:

ફરી એક વાર મુંબઈમાં નવરાત્રીના ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ છે, ત્યારે ચાલો, આપણે મુલાકાત લઈએ મુંબઈનાં બે વિશિષ્ટ શક્તિ મંદિરોની. આ મુંબઈ શહેરને સૌથી વધુ પોતીકી લાગે એવી દેવી તે તો મુંબાદેવી. આપણા શહેરને પોતાનું નામ આપનારી એ દેવી. મૂળે તો માછીઓની, કોળીઓની દેવી. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો તેને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખતા. પોર્ટુગીઝ લોકો તેને ‘બોમ્બીયમ’ કહેતા. ઈ.સ. ૧૫૩૮માં દ ક્રિસ્ટો નામનો પ્રવાસી તેને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક મુસાફર લગભગ એ જ અરસામાં તેને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. અંગ્રેજોએ નામ આપ્યું બોમ્બે. તો વળી હિન્દીભાષીઓ આ શહેરને ‘બમ્બઈ’ કહેતા. મરાઠી અને ગુજરાતી બોલનારા તો પહેલેથી તેને મુંબઈ જ કહેતા આવ્યા છે. અને એનું અસલ નામ પણ મુંબાઈ કે મુંબઈ. 

શ્રી મુંબાદેવી

એ નામ મળ્યું કોળી લોકોની કુળદેવી મુંબા-આઈ પાસેથી. આ મુંબા-આઈ તે કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું એક રૂપ. અથવા બિન-આર્ય જાતિઓ જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી તેમાંની કોઈ દેવી પણ તે હોઈ શકે. એક દંતકથા પ્રમાણે શિવજીની સૂચનાથી પાર્વતીએ માછણ તરીકે અવતાર લીધો, જેથી કઠોર પરિશ્રમ કરવાનો ગુણ તેમનામાં વિકસે. આ રીતે અવતાર લઈને પાર્વતી કોળી લોકોની સાથે રહેવા આવ્યાં. એ કોળી લોકો તેમને ‘મુંબા’ તરીકે ઓળખવા લાગ્યા. માછીઓ અને માછણો પાસેથી તેઓ મહેનત, એકાગ્રતા, સાહસ વગેરેના પાઠ શીખ્યાં. પછી પાછા જવાનો વખત આવ્યો. પણ કોળી લોકો તેમને જવા દેવા રાજી નહોતા. એટલે ખુદ શિવજી આવ્યા અને કહ્યું કે ‘મહાઅંબા’ની મૂર્તિ રૂપે પાર્વતીજી સદાકાળ માટે તમારી સાથે રહેશે. એટલે કોળીઓએ મુંબાદેવીનું મંદિર બનાવ્યું. કોળીઓ તેમને આઈ (માતા) તરીકે પૂજતા એટલે તે મુંબાઈ દેવીનું મંદિર કહેવાયું. 

 

મુંબાદેવીનું મંદિર અને તળાવ – ૧૯મી સદીમાં

આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઊભું છે એ જગ્યાએ મુંબા-આઈ કે મુંબાદેવીનું અસલ મંદિર આવેલું હતું. લોકો એ વિસ્તારને ‘બોરીબંદર’ તરીકે ઓળખતા કારણ એ વખતે ત્યાં બંદર હતું અને ત્યાંથી બોરી કહેતાં કોથળાઓમાં ભરેલો માલસામાન આવતો-જતો. દરિયા કાંઠે વસતા કોળીઓએ પોતાની કુળદેવીનું મંદિર પણ દરિયા નજીક બાંધ્યું હોય તો તે સમજી શકાય તેમ છે. આ અસલ મંદિર ઈ.સ. ૧૬૭૫માં બંધાયેલું એમ મનાય છે. પણ અંગ્રેજોના સેન્ટ જ્યોર્જ કિલ્લાની સાવ નજીક ઉત્તર દિશાની દીવાલની લગોલગ એ મંદિર હતું એટલે સલામતીની દૃષ્ટિએ અંગ્રેજોને જોખમ લાગ્યું. એટલે ૧૭૩૭માં તેમણે મંદિર ત્યાંથી ખસેડીને ફાંસી તળાવને કિનારે નવું મંદિર બનાવ્યું. એ તળાવને કાંઠે ગુનેગારોને જાહેરમાં ફાંસી અપાતી હતી એટલે લોકો તેને ફાંસી તળાવ કહેતા. આજના આઝાદ મેદાનના એક ખૂણામાં એ તળાવ આવેલું હતું. પછી વખત જતાં મુંબાદેવીનું મંદિર આજના ઝવેરી બજાર પાસે ખસેડ્યું. એ મંદિર તે આપણે જેને મમ્માદેવી કે મુમ્બાદેવી તરીકે ઓળખીએ છીએ તે મંદિર. જો કે આજે અહીં જે મંદિર છે તે પણ અસલનું મંદિર નથી. ફરીથી બંધાયેલું છે. બીજાં ઘણાં મંદિરોની જેમ આ મંદિરની બાજુમાં પણ એક તળાવ હતું. હરજીવનદાસ વિઠ્ઠલદાસનાં વિધવા પૂતળીબાઈએ એ તળાવ ઈ.સ. ૧૭૭૪માં પોતાને ખર્ચે બંધાવી આપેલું. આ લખનારે નાનપણમાં તે તળાવ જોયેલું એ બરાબર યાદ છે. પછી વખત જતાં બીજાં ઘણાં તળાવોની જેમ એ તળાવ પણ પુરાઈ ગયું.  

તો બીજી એક દંતકથા પ્રમાણે એક વખત આ શહેરમાં મુંબારક નામના રાક્ષસનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. એટલે બ્રાહ્મણોએ બ્રહ્માજી પાસે ધા નાખી. એટલે મુમ્બારકનો વધ કરવા બ્રહ્માજીએ અષ્ટ ભુજાવાળી મુંબાદેવીને અહીં મોકલી. દેવીને હાથે હાર્યા પછી એ રાક્ષસ દેવીને પગે પડ્યો અને વિનંતી કરી કે હવે પછી તમે મારું નામ ધારણ કરો. દેવીએ એ માગણી સ્વીકારી અને ત્યારથી એ મુંબાદેવી તરીકે ઓળખાતાં થયાં. રાક્ષસે બીજું પણ એક વરદાન માગ્યું: મારે આપનું એક ભવ્ય મંદિર અહીં ચણાવવું છે. તો એ માટે અનુજ્ઞા આપો. દેવીએ પ્રસન્ન થઈ એ માગણી પણ સ્વીકારી અને એ રાક્ષસે બંધાવ્યું મુંબાદેવીનું મંદિર. એટલું તો નક્કી કે મુંબાદેવી અને મુંબઈ વચ્ચે ખૂબ નિકટનો સંબંધ છે. 

મહાલક્ષ્મીનું મંદિર ૧૯મી સદીમાં 

વાર તહેવારે મુંબઈનાં ઘણાં મંદિરોની બહાર ભાવિકોની લાઈન લાગતી હોય છે. પણ સૌથી લાંબી લાઈન લાગતી હોય છે મહાલક્ષ્મી મંદિરની બહાર. આ મંદિર જ્યાં આવેલું છે એ જગ્યાનું અસલ નામ હોર્નબી વેલાર્ડ. વેલાર્ડ એટલે પાળ, નાનો બંધ. આપણે જાણીએ છીએ કે મૂળ તો મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું હતું અને એ સાતે દરિયાના પાણીથી અલગ અલગ હતા. વરલીની ખાડીનું પાણી ભરતી વખતે ઠેઠ પાયધુની સૂધી પહોંચતું. આ પાણીને રોકવા માટે ગવર્નર હોર્નબીએ ૧૭૮૨માં દરિયા આડે પાળ કે નાનો બંધ બાંધવાની યોજના ઘડી. દૂર દૂરથી મોટા પથરા હોડીઓમાં ભરીને અહીં ઠલવાવા લાગ્યા. દિવસ દરમ્યાન રોજ થોડું થોડું કામ આગળ વધે. પણ રાત પડે ને એ કરેલું કામ ધોવાઈ જાય! જે બ્રિટિશ ઈજનેરો કામ કરતા હતા તે વિમાસણમાં પડી ગયા કે આમ કેમ થાય છે?

અને આ સવાલનો જવાબ મળે છે એક દંતકથામાંથી. આ બંધ બાંધવાના કામમાં જોડાયેલા એક એન્જિનિયર તે રામજી શિવજી પ્રભુ. એક રાતે તેમને ત્રણ દેવીઓએ સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે જ્યાં તમારું આ કામ ચાલે છે ત્યાં, નીચે દરિયામાં અમારું રહેઠાણ છે એટલે તમારો આ બંધ ક્યારે ય બાંધી શકાશે નહિ. ત્યારે એ રામજીએ દેવીઓને વિનવ્યાં કે કૈંક તો રસ્તો હશે, કૈંક તો ઉપાય હશે. દેવીઓએ કહ્યું કે હા, એક ઉપાય છે. અમને દરિયામાંથી બહાર કાઢીને નજીકની ટેકરી ઉપર અમારી સ્થાપના કરી મંદિર બંધાવો તો તમારું કામ થાય. પણ પથ્થરની ભારેખમ ત્રણ-ત્રણ મૂર્તિઓને દરિયામાંથી બહાર કાઢવી શી રીતે? છતાં રામજીએ એક નુસખો અજમાવ્યો. નજીકના માછીમારો પાસેથી મોટી જાળ લઈને દરિયામાં નાખી. અને સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણે મૂર્તિઓ જાળમાં આવી ગઈ. આ ત્રણ દેવીઓ તે મહાલક્ષ્મી, મહાકાળી, અને મહાસરસ્વતી. રામજી તો રાજીનો રેડ. સરકારને જણાવ્યું કે હવે આ બંધ બાંધવાનું કામ પૂરું કરવાની હું ખાતરી આપું છુ, પણ એક શરતે: બાજુની ટેકરી પર મને એક મંદિર બાંધવા દેવું. અને એ બાંધવા માટેની ટેકરી પરની જગ્યા સરકારે મને આપવી. સરકારે આ દરખાસ્ત સ્વીકારી અને જોતજોતામાં બંધ બાંધવાનું કામ પૂરું થઈ ગયું! પછી રામજીએ પેલી ટેકરી પર ૮૦ હજાર રૂપિયાના ખર્ચે મંદિર બંધાવીને તેમાં પેલી ત્રણે મૂર્તિઓની સ્થાપના કરી. આ મંદિર તે મહાલક્ષ્મીનું મંદિર. પણ આ ત્રણ મૂર્તિઓ દરિયામાં ગઈ કઈ રીતે? તો કહે છે કે જ્યારે મૂર્તિભંજક વિધર્મીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ આ મૂર્તિને ભાંગી ન નાખે તેટલા ખાતર પૂજારીએ તેને દરિયામાં પધરાવી દીધી હતી.

આવી દંતકથાઓ માનવી કે ન માનવી એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય. પણ આ દંતકથાઓ ન માનીએ તો ય એટલું તો માનવું જ પડે કે મુંબાદેવીનું અને મહાલક્ષ્મીનું મંદિર એ બન્ને મુંબઈ શહેરની આગવી ઓળખ જેવાં છે. 

આજની વાતની શરૂઆત મુંબાદેવીની આરતીથી કરી હતી. તો છેવટે મહાલક્ષ્મીની આરતી :

जय देवी जय देवी जय महालक्ष्मी।

वससी व्यापकरुपे तू स्थूलसूक्ष्मी॥

करवीरपुरवासिनी सुरवरमुनिमाता।

पुरहरवरदायिनी मुरहरप्रियकान्ता।

कमलाकारें जठरी जन्मविला धाता।

सहस्त्रवदनी भूधर न पुरे गुण गातां॥

जय देवी जय देवी…॥

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 05 ઓક્ટોબર 2024

Loading

કોચરબ આશ્રમ, નિયમાવલિનું નિમિત્ત અને નરહરિ મહાદેવ 

કેતન રૂપેરા|Gandhiana|5 October 2024

મે 1915માં ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ આશ્રમની સ્થાપના કરી. પ્રારંભે તે સત્યાગ્રહ આશ્રમ અને પછીથી અત્યારે જે નામ છે તે કોચરબ આશ્રમથી ઓળખાયો. આ આશ્રમની સ્થાપના 20મી, 22મી કે 25મી મેએ થઈ, તેની ટપ ટપ કરતા જો આશ્રમની સ્થાપનાએ ગાંધીજી પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળમાં શો મહત્ત્વનો ભાગ ભજવ્યો એ મમ મમમાં વધારે રસ હોય તો આશ્રમની નિયમાવલી સાથે જોડાયેલો ઘટનાક્રમ વધુ રસપ્રદ થઈ પડશે. ગાંધીજીને મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ મળ્યા તેનું નિમિત્ત જ આ નિયમાવલિ … 

પોતાના દરેક પ્રયોગ વિશે જાહેરમાં વ્યક્ત થનાર અને નવાસવા ભારતમાં આવેલા મોહનદાસ ગાંધીએ ભારતમાં પોતાના પ્રથમ આશ્રમના નિયમો માટે પણ જાહેરક્ષેત્રમાંથી અભિપ્રાયો-ટીકા મંગાવ્યા હતા. એ માટે ‘આશ્રમના ઉદ્દેશ અને એની નિયમાવલિ સમજાવતી એક પત્રિકા કાઢીને તેમણે દેશભરમાં પ્રસારિત કરી હતી.’

અમદાવાદમાં વકીલાત કરતા નરહરિ પરીખ અને મહાદેવ દેસાઈ ખાસ મિત્રો. તેમણે આ પત્રિકા વાંચી. બંનેને લાગ્યું કે ‘ફરજિયાત બ્રહ્મચર્યમાંથી અનેક દોષો પેદા થવા સંભવ છે તથા હાથઉદ્યોગનો જ આગ્રહ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રોકાઈ જવાનો ભય છે …’ બંનેએ સાથે મળી, નરહરિભાઈના શબ્દોમાં કહીએ તો, ‘અમારું પુસ્તકપાંડિત્ય અમે ઠાલવ્યું હતું.’ પત્રનો લેખિત જવાબ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર જો ગાંધીજીને યોગ્ય લાગે તો રૂબરૂ મળવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી. પાંચછ દિવસ સુધી ગાંધીજીનો જવાબ ન આવતા બંનેએ માન્યું કે ગાંધીજીને તેમનો કાગળ મહત્ત્વનો નહીં લાગ્યો હોય.

એવામાં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં એક જાહેર સભા યોજાઈ. જેમાં ગાંધીજી મુખ્ય વક્તા હતા. સભા પૂરી થતાં ગાંધીજીની પાછળ ઝડપભેર ચાલીને તેમણે ગાંધીજીને એલિસબ્રિજ ઉપર પકડી પાડ્યા અને એમના કાગળની વાત કરી. ગુજરાતમાંથી મળેલા થોડા જ કાગળોમાંનો તેમનો એક કાગળ હતો. ગાંધીજીને એ કંઈક અંશે ઠીક લાગ્યો હતો. તેમણે કહ્યું, ‘તમને હું જરૂર વખત આપીશ. અત્યારે જ જો તમને વખત હોય તો ચાલો મારી સાથે આશ્રમમાં, આપણે વાતો કરીશું.’

બંને મિત્રોએ રાજી થઈને ગાંધીજી સાથે ચાલવા માંડ્યું. નરહરિભાઈ લખે છે, ‘આશ્રમમાં પહોંચ્યા પછી અમારો કાગળ કાઢ્યો. તેમાંથી વાંચતા ગયા અને વિવેચન કરતા ગયા. લગભગ દોઢ કલાક સુધી પોતાના આદર્શો અને વિચારસરણી સમજાવી. અમે વચ્ચે ક્યાંક ક્યાંક દલીલ કરતા, પણ અમારે વિશેષે તો સાંભળવાનું જ હતું. આ દોઢ કલાકની વાગ્ધારાની અમારા બંનેના ચિત્ત ઉપર ઊંડી છાપ પડી. લગભગ દસેક વાગ્યાના સુમારે અમે આશ્રમમાંથી નીકળ્યા. મેઘલી રાત હતી. ઝરમર ઝરમર છાંટા પડતા હતા. અમે બંને એકબીજા સાથે કશું બોલ્યા વગર ચાલતા હતા. જો કે અમારા બંનેનાં દિલમાં વિચાર તો એક જ ચાલી રહ્યો હતો. એલિસબ્રિજ પર આવતાં મહાદેવ બોલ્યા, ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ મેં જવાબ આપ્યો, ‘એમ કરી શકીએ તો આપણાં ધનભાગ્ય, પણ અત્યારે તો કશો નિર્ણય થઈ શકતો નથી.’ પાછા અમે શાંત થઈ ગયા અને કશું બોલ્યા વિના જ પોતપોતાને ઘેર પહોંચ્યા. આ અમારી પહેલી દીક્ષા. આશ્રમમાં જોડાવાના સંકલ્પનો પ્રથમ ઉદય.’ 

[સંકલન – માહિતી સૌજન્ય : અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ) અને ગાંધીજીની દિનવારી (સં. ચંદુલાલ ભગુભાઈ દલાલ)] 
(“नवजीवनનો અક્ષરદેહ”, મે 2013માંથી સાભાર)

Loading

...102030...403404405406...410420430...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved