આ પહેલાના ત્રણ પ્રકરણો આ લિંક પર જોવાવાંચવા પામીએ :
મેં મારી વાતની શરૂઆત ભારતીય પર્યાવરણ ચળવળ પર ગાંધીની જે સ્પષ્ટપણે દેખાતી અસર છે તેને સ્વીકારીને તેની ચર્ચાથી શરૂ કરી હતી. તે પછી મેં એ તપાસ આદરી હતી કે ગાંધી આજની નિસર્ગની વિશિષ્ટ સમસ્યાઓને કઈ હદ સુધી કલ્પી શક્યા હતા. પુરાવાઓ દર્શાવે છે કે ગાંધીના વિચારો અને તેમના અનુયાયીઓ – જે.સી. કુમારપ્પા અને મીરાંબહેનના વિચારો આજની પર્યાવરણની ચળવળ માટે પૂરેપૂરા ઉપયોગી છે.

રામચંદ્ર ગુહા
હવે આપણે વ્યાપક રીતે પ્રવર્તમાન એક બીજા વિચાર તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. એ વિચારનાં મૂળિયાં એ વાતમાં પડેલાં છે કે આજની ચળવળ ગાંધીને કેટલી હદે અનુસરી શકે તેમ છે. આ ચળવળના પરિઘ પરનાં જે ઉદ્દામ પરિબળો છે તે કમનસીબે કોઈને સારા અને કોઈને ખરાબ તરીકે ઓળખીને આગળ ચાલે છે. ઉદ્દામ પર્યાવરણવાદી જેટલા ગાંધીને સારા ગણે છે તેટલા જ પ્રમાણમાં નહેરુને ખરાબ ગણે છે. ગાંધીને એક આદર્શ તરીકે ગણાવીને તેનો આદર કરે છે અને તેમને અનુસરે છે. તો વળી એ જ સાથે એ નહેરુને બદનામ કરવા તરફ વળે છે અને એવું કહે છે કે ભારતીય સમાજની પર્યાવરણીય કટોકટી માટે જવાહરલાલ નહેરુ જવાબદાર છે.
ઘણા પર્યાવરણવાદીઓ ખરેખર એવું માને છે કે ગાંધીએ પર્યાવરણ સાથેના વિકાસનું એક સરસ મોડેલ રજૂ કરેલું અને નહેરુએ ગાંધીના આ વૈકલ્પિક માળખાને કચરાપેટીમાં નાંખી દીધેલું. તે પછી સ્વતંત્ર ભારત પર તેમણે મૂડી કેન્દ્રિત પર્યાવરણનો વિનાશ કરતા આર્થિક વિકાસનું મોડેલ લાદેલું. આ વાત તાજેતરમાં ભારતના એક પર્યાવરણવાદીએ પોતાના મુદ્દાને દૃઢતા બક્ષવા કહી હતી જે આજે બ્રિટનમાં રહે છે. એ તો જાણીતું છે કે ગાંધી અલ્હાબાદના નહેરુના પૈતૃક ઘરમાં રોકાયા હતા ત્યારે તેમણે એક સવારે એક ડોલ ભરીને પાણી નહાવા માટે માંગેલું. નહેરુએ એમને બે ડોલ પાણી મોકલ્યું. વળી કહ્યું પણ ખરું કે ગાંધીજી, અલ્હાબાદમાં ગંગા અને યમુના જેવી મોટી બે નદીઓનો સંગમ છે. અહીં પાણીની કદી અછત હોતી નથી.
આ પ્રસંગ દર્શાવે છે કે ગાંધી કેટલા કરકસરિયા હતા અને એમના યજમાન કેટલા ઉડાઉ હતા. ૧૯૪૭ પછી આ જ ઉડાઉપણું નવા રાષ્ટ્રના વિકાસના માર્ગ માટે કઈ રીતે પ્રયોજાયું તે આપણે જોયું છે. જો કે આ વાતનો કોઈ પુરાવો નથી. તે પર્યાવરણવાદીની કલ્પનાનો હોઈ શકે છે. પણ ગાંધીવિચારના પર્યાવરણવાદીઓ આજે પણ આ વાત માને છે. હું આવા બીજા ઘણા દાખલા આપી શકું પણ મારે એવો એક અહીં આપવો છે. કેટલાંક વર્ષો પૂર્વે એક લેખ પ્રગટ થયેલો. તેમાં એક જાણીતા ભારતીય પર્યાવરણવાદી લેખકે દાવા સાથે કહેલું કે ગાંધીએ વધુ પડતા વપરાશના વિકાસના માર્ગને ત્યજી દેવા જવાહરલાલ નહેરુને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરેલો.
આ વિધાન બંને બાજુના કર્મશીલો એક વાતને કેવી રીતે જુએ છે તે બહુ સ્પષ્ટપણે દર્શાવે છે. એમાંથી પ્રગટ થતો પહેલો મુદ્દો એ કે પર્યાવરણની બાબતે નહેરુ ઉડાઉ હતા અને ગાંધી કરકસરિયા. બીજો મુદ્દો એ પ્રગટ થાય છે કે ગાંધી પાસે ભારતના વિકાસનું એક વૈકલ્પિક આયોજન હતું જે નહેરુએ પોતાના અહંકારને કારણે તે છોડી દીધેલું. બંનેના મૃત્યુ પછી પર્યાવરણના વિવાદમાં આજે ગાંધી અને નહેરુને જાહેર રીતે એકબીજાના તીવ્ર હરીફ તરીકે રજૂ કરાય છે. એમ કરતી વખતે એ ભૂલી જવાય છે કે એ બંને મહાનુભાવો વચ્ચે કેવો અતૂટ અને અભૂતપૂર્વ મૈત્રીસંબંધ હતો.
ગાંધી અને નહેરુ બંનેના એકબીજાથી વિરોધી અભિગમમાંથી પર્યાવરણવાદીઓએ એક નવો જ કોયડો ઊભો કર્યો છે. તે એ છે કે સ્વતંત્ર ભારતમાં જે વિકાસનો માર્ગ અખત્યાર થયો છે તેમાં પર્યાવરણની વિચારણા બાબતે ઘણી ઘણી અસંવેદના જોવા મળે છે. આ ત્યારે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એ જ લોકો બહુ આગળના પર્યાવરણવાદી તરીકે ઓળખાવે છે. કરકસરિયા અને શાણા ગાંધીને ઉડાઉ નહેરુ સામે મૂકીને કોયડાને ઉકેલવાનો પ્રયત્ન થાય છે. તેમાં કાવતરાની વાત પણ ઉમેરવામાં આવે છે. કાવતરું એ કે ગાંધી અને નહેરુમાંના ઓછી ઉંમરના જવાહરલાલે ગમે તે રીતે કૉંગ્રેસ પરનો પોતાનો કાબૂ પ્રસ્થાપિત કર્યો અને હળવેકથી ગાંધીના વારસામાંથી છુટકારો મેળવ્યો.
આ એક કોયડો તો છે જ, જેનો હું ઇન્કાર કરતો નથી. પરંતુ મારે કહેવું છે કે પર્યાવરણ ચળવળ સામે એક એવો પડકાર હતો તે મારે આ મિત્રોને સમજાવવું રહ્યું. ગાંધીને ધોળા અને નહેરુને કાળા ચીતરવાનો આ સહેલેા માર્ગ છે. આમ કરીને આપણે એ બંને વચ્ચે જે તાત્ત્વિક મતભેદ હતો તેને બાજુ પર હડસેલી દઈએ છીએ. સ્વતંત્ર ભારતના ગાંધીના સ્વપ્નમાં ગામડાનો પુન:ઉદ્ધાર કેન્દ્રસ્થાને છે. જ્યારે નહેરુના સ્વપ્નમાં કેન્દ્રસ્થાને ઝડપી ઔદ્યોગિક વિકાસ છે. વૃદ્ધ માણસ પરિવર્તનને સ્થાને સ્થિરતા પસંદ કરે છે. અજંપા એવા નહેરુ સ્થિરતાને સ્થાને પરિવર્તન ઝંખે છે. આ સ્પષ્ટ મતભેદો ઑક્ટોબર-૧૯૪૫ દરમ્યાન બંને વચ્ચે ચાલેલા પત્રવ્યવહારમાં જોવા મળે છે.
સામાજિક અને આર્થિક ઉદ્દેશો સ્વતંત્ર ભારતમાં કયા હોવા ઘટે એ અંગેની કારોબારી સમિતિની બેઠક પછી ગાંધી નહેરુને લખે છે કે ગામડાના સાદા-સરળ જીવન થકી જ આઝાદ ભારત સત્ય-અહિંસાના માર્ગે ચાલી શકશે એમ મારું માનવું છે. આગળ લખતાં ગાંધી ઔદ્યોગિક સમાજને એવા ફુદ્દા સાથે સરખાવે છે જે લાઈટની આજુબાજુ ભલે કૂદાકૂદ કરે પણ તેનો અંત તો પેાતાના મૉતમાં જ છે. પ્રત્યુત્તરમાં નહેરુ લખે છે કે મારા મનમાં ગામડું એટલે બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે પછાત તેથી તે કદી સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને સમજી નહિ શકે.
આર્થિક આયોજનનું નહેરુનું ધ્યેય વધુ વપરાશનું નથી. (જે પર્યાવરણવાદીઓ હોવાનું આપણને મનાવી રહ્યા છે.) પણ એ તો ખોરાક, પહેરવેશ, ગૃહનિર્માણ, શિક્ષણ, આરોગ્ય વગેરેમાં સ્વનિર્ભર બનવા માટે છે. પ્રત્યેક ભારતીયને આપણે સ્વ-નિર્ભર બનાવવો છે. હવે, આ સ્વનિર્ભરતાના ઉદ્દેશ બાબતે નહેરુ અને ગાંધી બંને સંમત છે. પણ બંનેના રસ્તા જુદા છે. તે સમયના બૌદ્ધિકોની માફક જવાહરલાલ બહુ સ્પષ્ટ છે કે જો સ્વનિર્ભર થવું હોય તો તે માટે ઝડપી ઔદ્યોગિકીકરણ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જ થશે.
આ મતભેદો ઉપરાંત જે સમજવાનું છે તે તો એ કે ગાંધી અને નહેરુ વચ્ચે ઊંડો અને અતૂટ સ્નેહ છે. જુલાઈ-૧૯૩૬માં તેથી જ ગાંધીએ લખ્યું કે : “હું મારી જાતને જવાહરલાલના હરીફ તરીકે જોતો નથી કે જવાહરલાલ મારા હરીફ નથી.” અમે હરીફ હોઈએ તો એ બાબતમાં છીએ કે અમે બંને ભલે અલગ અલગ માર્ગે પણ એક જ ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ. ઘણી બધી વખત સાથે કામ કરતા હોવા છતાં અને એક જ ધ્યેય સિદ્ધ કરવા મથતા હોવા છતાં અમે અલગ અલગ માર્ગ અખત્યાર કરીએ છીએ. આશા છે કે દુનિયા એ વાત સમજશે કે અમે ક્ષણ માટે પણ જુદા પડ્યા નથી. ફરી ફરી પરસ્પરના વધતા આદર અને સ્નેહ સાથે મળતા રહ્યા છીએ.
મને સમજ નથી પડતી કે પર્યાવરણવાદીઓ ગાંધી-નહેરુ વચ્ચેના પ્રગટ દ્વૈત અને અદૃશ્ય અદ્વૈતને સમજી શકશે કે નહિ. એ ભૂલી જાય છે કે મહાત્માએ છેક ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં જાહેર રીતે પોતાના વારસદાર તરીકે નહેરુને જાહેર કર્યા હતા. તે પછીનાં વર્ષોમાં એ વાતને વળગી રહ્યા હતા. આ લોકોએ ૧૯૪૦ના મહત્ત્વનાં વર્ષોમાં શું બન્યું તે વિગતે સમજવાની જરૂર છે. ગાંધીના આર્થિક વિચારોને રાષ્ટ્રિય ચળવળે સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા. બૌદ્ધિકો અને રાજકારણીઓ બંને વર્ગમાં એ બાબતે સર્વસંમતિ પેદા થઈ ગઈ હતી કે આઝાદ ભારતમાં ઝડપી ઔદ્યોગિકીકરણ એ જ આર્થિક વ્યૂહરચનાનો સ્વીકૃત માર્ગ હોઈ શકે. આ માર્ગે જ ગરીબી અને બેકારીની સમસ્યાઓનો હલ નીકળશે. સ્વતંત્ર સમાજ મજબૂત અને સ્વનિર્ભર તો જ બની શકશે. નહેરુએ તો આ સર્વસંમતિ પોતાના આગવા વકતૃત્વથી જાહેર રીતે પ્રગટ કરી હતી. ત્યારે નહેરુ પાછળ આવું જ માનવાવાળો નિષ્ઠાવાન અને દેશભક્ત લોકોનો વર્ગ ઊભો હતો.

જે.સી. કુમારઅપ્પા
જ્યારે દેશનો બહુમતી વર્ગ આવું માનતો હોય ત્યારે ૧૯૪૭માં આર્થિક નીતિના ભાગ રૂપે જો ગાંધીમોડેલને સ્વીકારવામાં આવ્યું હોત તો એ બિનલોકશાહી રીતે ઉપરથી લાદવામાં આવેલું ગણવાનું થાય. ગાંધીનો વૈકલ્પિક માર્ગ ખરેખર હાંસિયામાં ધકેલાઈ ગયો, એ વાત જે.સી. કુમારપ્પાના ઉદાહરણથી બરાબર પ્રગટ થઈ રહે છે. ૧૯૩૭માં કુમારપ્પાને કૉંગ્રેસની રાષ્ટ્રિય આયોજન સમિતિમાં અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘના પ્રતિનિધિ તરીકે નીમવામાં આવેલા. પરંતુ જ્યારે આયોજન સમિતિ ગામને આયોજનના કેન્દ્રમાં મૂકવા સંમત ન થઈ ત્યારે તેમને રાજીનામું આપવું પડેલું. એ તો આઝાદી પહેલાંની વાત પણ આઝાદી પછી પણ કુમારપ્પાને આયોજન પંચના પરામર્શક મંડળમાં સર્વસેવા સંઘના પ્રતિનિધિ તરીકે મૂકવામાં આવેલા. પરંતુ જ્યારે આ ગાંધીવાદી અર્થશાસ્ત્રીને એવું સમજાયું કે પોતે એકલા પડી ગયા છે ત્યારે તેમણે સમિતિમાંથી નીકળી જવું પસંદ કરેલું.
આપણા ફાયદાની વાત કરીએ તો, પર્યાવરણવાદ પૂર્વેના યુગના આ બે પર્યાવરણવાદીઓ નામે મહાત્મા અને તેમના શિષ્ય નહેરુને આ રીતે સમજવાનું શક્ય છે. વિરોધાભાસ એ છે કે ભારતના પહેલા વડા પ્રધાન રાષ્ટ્રિય ચળવળના બહુમત બૌદ્ધિક અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતા હતા. એ અભિપ્રાય એ હતો કે ભારતને ફરીથી શક્તિવાન બનાવવું હોય તો એ મહત્તમ ઔદ્યોગિકીકરણથી જ શક્ય બનશે. આપણે બહુ યોગ્ય રીતે ગાંધી અને કુમારપ્પાનું સન્માન કરી શકીએ કેમ કે એ બંને પોતાના સમયથી આગળ હતા. પણ તે સાથે નહેરુનો અનાદર કરવો તે ઇતિહાસથી વિપરીત કાર્ય ગણાશે. કારણ કે સમય નહેરુના પક્ષે છે.
એડવર્ડ કારપેન્ટર નામના મહાન અંગ્રેજ સમાજવાદીએ એક વાર કહેલું કે એક યુગનો ઉપેક્ષિત એ બીજા યુગનો વીરનાયક હોઈ શકે છે. વિપરીત રીતે એમ પણ કહી શકાય કે એક યુગનો વીરનાયક એ બીજા યુગનો ઉપેક્ષિત પણ હોઈ શકે છે, તેમ કહેવું ખોટું નથી. નહેરુને પોતાના સમયમાં જેટલાં માન-સન્માન અને પ્રેમ મળ્યાં છે તેટલાં ભાગ્યે જ કોઈ બીજાને મળ્યાં હશે. છતાં મૃત્યુ પછી એમને જેટલા બદનામ કરવામાં આવ્યા છે એટલું બીજું કોઈ બદનામ થયું નથી. આજે તો એવું જણાય છે કે સાંપ્રત ભારતમાં જે કંઈ ખોટું છે એ બધા માટે જાણે નહેરુ જવાબદાર હોય. જમણેરી પરિબળો નહેરુને સુડો સેક્યુલારિઝમની નીતિઓ બદલ જવાબદાર ઠેરવે છે. કોમી વિસંવાદિતા અને આર્થિક સ્થગિતતા માટે એમના સરકારી આયોજનને જવાબદાર ગણે છે. તો બીજી તરફ ડાબેરીઓ આજની આર્થિક અસમાનતા અને પર્યાવરણ વિનાશના મૂળિયાં એ જ નહેરુના સુડો સમાજવાદના અમલીકરણમાં અને પર્યાવરણીય ઉધ્ધતાઈમાં જુએ છે.
બધા જ દોષનો ટોપલો પર્યાવરણ ચળવળવાળા અને બીજા પણ નહેરુ પર ઢોળે છે ત્યારે એ ભૂલી જવાય છે કે જેમ સમય બદલાય છે તેમ માણસો અને તેમના વિચારો પણ બદલાતા હોય છે. સરદાર સરોવર યોજનાની આસપાસના વિવાદનો જ દાખલો લઈએ. પર્યાવરણવાદીઓ એને લઈને ગાંધી / નહેરુ વિરોધને વ્યક્ત કરે છે. યોજનાના ટીકાકારે તે અંગે એવું લખેલું કે ડેમનું પાણી વધવાની સાથે પ્રાચીન ઐતિહાસિક મંદિર પણ ડૂબમાં જવાનું છે. પછી ઉપમા આપી કે “જવાહરલાલ નહેરુના આધુનિક ભારતનું એક મંદિર” એમ પણ કહ્યું.
જે વ્યક્તિ દાયકાઓ પૂર્વે અવસાન પામી તેને આજે ડેમના બાંધકામ બદલ અપરાધી ઠેરવવામાં આવે છે. કારણ માત્ર એટલું જ કે નહેરુએ આઝાદી પછી આવા મોટા બંધ બાંધવા માંડ્યા ત્યારે એ બધાને આધુનિક ભારતનાં મંદિરો ગણાવેલાં. પણ આપણે નહેરુ જેવા ઉદાર અને ખુલ્લા મનવાળી વ્યક્તિ માટે આવું કહેતી વખતે એવો વિચાર કરતા નથી કે એમની સમક્ષ મોટા બંધનાં નવાં નકારાત્મક પાસાં રજૂ થયાં હોત તો કદાચ તેમણે પણ પોતાનો મત બદલવાનું યોગ્ય ગણ્યું હોત. માત્ર મારી જ વાત કરું તો મને તો એવું લાગે છે કે નહેરુ અને ગાંધી જો આજે હયાત હોત તો સરદાર સરોવર વિવાદ સંદર્ભે એ બંને જણ એક પક્ષે જ હોત, એ નિ:શંક વાત છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 14-15