૧
ભારતના અન્ય કોઈ શહેરમાં જોવા ન મળે તેવી સમીક્ષાત્મક તપાસ અને સમાજસુધારાની એક ભવ્ય પરંપરા પૂણે સાથે જોડાયેલી છે. ભલે દાયકાઓ બાદ હું ફરી પૂણેની મુલાકાતે આવ્યો હોઉં પણ વચગાળાના સમયમાં પણ પૂણેની પરંપરાની બાબતોથી અવગત રહેતો આવ્યો છું. માધવ ગાડગીલ જાણીતા નિસર્ગપ્રેમી છે, વિદ્વાન છે અને નાગરિકતા એમનામાં રુંએરુંએ ભરેલી છે. તેમની સાથેની મારી સઘન બૌદ્ધિક મૈત્રી છેલ્લાં દસ વર્ષથી રહી છે. માધવ ભારતીય પુનર્જાગરણકાળના મહત્ત્વનાં વ્યક્તિત્વોમાંના એક એવા ડી.આર. ગાડગીલના સુપુત્ર છે. જેમણે ૧૯૮૨માં પરિસર વ્યાખ્યાન-માળાનું પ્રારંભિક વ્યાખ્યાન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી પૂણેમાં જ રહેતા આવ્યા છે.
ડી.આર. ગાડગીલની પેઢીના બીજા બે વિદ્વાનોની યાદ આવે છે. જેમને પૂણેના બૌદ્ધિકો ગણાવી શકાય. એ હતા ડી.ડી. કોશાંબી અને ઈરાવતી કર્વે. મેં અને માધવે જે અંગ્રેજી પુસ્તક ‘The Fissured Land’ ભારતના પર્યાવરણીય ઇતિહાસરૂપે લખ્યું તે તેમના પ્રત્યેના આદર અને સન્માનથી તેમને અર્પણ કરાયું છે. અર્પણમાં ત્રણ મહાનુભાવોનાં નામ છે. ત્રીજું નામ વેરિયર ઍલ્વિનનું છે, જેમના જીવનની આસપાસ મારું સાંપ્રત સંશોધન પરિક્રમા કરતું રહ્યું છે. ઍલ્વિન પણ પૂણે સાથે ગાઢપણે જોડાયેલા હતા. ભારત નિવાસના શરૂઆતનાં વર્ષો તેઓ અહીં રહેલા અને પાછળનાં વર્ષોમાં તેમણે આદિવાસીઓ માટે કામ કર્યું તે તો ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી’ના એ.વી. ઠક્કર એટલે કે ઠક્કરબાપાની પ્રગાઢ અસરને કારણે જ.
આ પ્રસંગે આપણા જે યજમાનો છે એ પણ પૂણેની ભવ્ય પરંપરાને આગળ લઈ જઈ રહ્યા છે. પરિસર જેવો નાનકડો સમૂહ અને તેની સાથે જોડાયેલા સમર્પિત કાર્યકરોનો સમૂહ પુખ્ત બની રહેલી ભારતની પર્યાવરણીય ચળવળમાં પોતાની મૂલ્યવાન ભૂમિકા અદા કરી રહ્યો છે. તેથી જ ૧૯૯૩નું પરિસર વ્યાખ્યાન આપતી વખતે હું ઊંડા સન્માનની લાગણી અનુભવું છું.
આ વ્યાખ્યાન દ્વારા હું એક પ્રશ્ન કરીને એનો ઉત્તર મેળવવા પ્રયાસ કરું છું. પ્રશ્ન એ છે કે મહાત્મા ગાંધીને આપણે શરૂઆતના પર્યાવરણવાદી ગણી શકીએ ? એ તો જાણીતું છે કે સમકાલીન ભારતીય પર્યાવરણીય ચળવળ ઉપર ગાંધીના જીવન અને કાર્યની ઠીકઠીક અસર રહેલી છે. ચળવળની ખરી શરૂઆત તો એપ્રિલ – ૧૯૭૩ના ચિપકો આંદોલનથી થયેલી. એના શરૂઆતના મુદ્રિત સાહિત્યમાં એક પત્રકારે અધીર બનીને લખેલું કે ગાંધીના પ્રેતે હિમાલયનાં વૃક્ષોને બચાવ્યાં છે. ત્યારથી મહાત્મા ગાંધી સ્વીકૃત કે અસ્વીકૃત રીતે પર્યાવરણીય ચળવળના પુરોધા રહ્યા છે.
ચિપકો આંદોલનથી લઈને નર્મદા બચાવો આંદોલન સુધીના પર્યાવરણીય કર્મશીલો અહિંસક વિરોધની ગાંધીની રીતને ભારપૂર્વક વળગી રહ્યા છે અને મોટા ઉદ્યોગો સામેના ગાંધીના આક્રોશમાંથી તેમને પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મળતી રહી છે. વળી આ ચળવળનાં મહત્ત્વનાં વ્યક્તિત્વો એવાં ચંડીપ્રસાદ ભટ્ટ, સુંદરલાાલ બહુગુણા, બાબા આમ્ટે અને મેધા પાટકર કહેતાં રહ્યાં છે કે તેઓ આ ક્ષેત્રે ગાંધીના દેવાદાર છે.
અન્ય અસરોનો પણ ઇન્કાર કરી શકાય તેમ નથી. કારણ કે ભારતીય પર્યાવરણીય ચળવળના વ્યાપમાં એવા ઘણા સમૂહો છે જેમને ગાંધી સાથે ઊંડો નાતો ન પણ રહ્યો હોય. ઉદાહરણ તરીકે ‘કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ’ સંસ્થાની વાત કરીએ. આ સમૂહને માકર્સવાદની વિચારણાનો વારસો મળેલો છે અને તેમનું પર્યાવરણ ચળવળને થયેલું પ્રદાન બીજા કોઈથી સહેજ પણ ઓછું નથી. આ ક્ષેત્રે અન્ય સ્વયંસેવી સમૂહો છે જે સમાજવાદ, ઉદાર ધાર્મિકતા અને સ્વસહાયની પરંપરાઓથી પ્રેરિત રહ્યાં છે. આમ છતાં એ કહેવું વાજબી મનાશે કે પર્યાવરણીય ચળવળ પર સૌથી મોટી કોઈ અસર રહી હોય તો તે ગાંધીના જીવનવ્યવહારની છે.
મારી વાત કરું તો મને આજના બે અભૂતપૂર્વ ગાંધીવિચારના પર્યાવરણવાદીઓ ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાનાં કાર્ય વિશે સઘન અભ્યાસ કરવાની વિશેષ તક પ્રાપ્ત થઈ છે. બંને સાથેનો મારો અંગત પરિચય સામાન્ય હતો. પરંતુ તેમના જીવનકાર્ય વિશે સંશોધન કરતાં હું તેમની ઘણી નજીક પહોંચી ગયો. એ બધા જે તે સમયે ચિપકો આંદોલન સાથે જોડાયેલા હતા. જો કે મારા પુસ્તક The Unquit Woodsમાં મેં લખ્યું છે તેમ ચિપકો આંદોલનને માત્ર ગાંધીવાદી ચળવળમાં ખતવી દેવાનું યોગ્ય નહિ ગણાય. કારણ કે આ ચળવળનાં મૂળિયાં સદીઓ જૂની પર્યાવરણ જાળવણી અને તેના વિનાશ સામે પ્રતિકારની પરંપરામાં પડેલાં છે જે દ્વારા આપણે જંગલોને બચાવતાં રહ્યાં છીએ. એ પણ સ્વીકારવું જોઈએ કે, આંદોલનના બહુ જાણીતા આ નેતાઓ – ભટ્ટ અને બહુગુણા – ગાંધીવિચારનાં સર્જનાત્મક કામોની પરંપરાનાં પોતે જ ઉત્તમ ઉદાહરણો છે.
આજે ચિપકો આંદોલનના જે શહેરી પ્રશંસકો છે તેમને ચંડી-પ્રસાદ કે સુંદરલાલના ટેકેદારો તરીકે આપણે ઓળખી શકીએ અને છતાં એ બંને મહાનુભાવો હકીકતમાં સન્માનનીય છે. દશૌલી ગ્રામ સ્વરાજ મંડળ જે સાથે ભટ્ટ જોડાયેલા હતા તેનો ફાળો ચિપકો આંદોલનમાં પાયાનો છે. મંડળના ગ્રામવાસીઓને વૃક્ષ બચાવવાની આ ટેકનિક શીખવનાર ભટ્ટ હતા. જંગલોના વેપાર સામે શરૂઆતનો જે વિરોધ થયો તેનું સંકલન પણ આ મંડળે જ કરેલું. ધીરે ધીરે પોતાનું ધ્યાન પર્યાવરણની પુન: સ્થાપના પર કેન્દ્રિત કરેલું. અલકનંદા ખીણ વિસ્તારમાં આ ગામોની બહેનોને જ વૃક્ષારોપણ માટે સંગઠિત કરવામાં આવેલી. જે દ્વારા વૃક્ષો રોપાયાં અને તેની જાળવણી પણ થઈ. જંગલખાતું યોજનાના નામે આ કામ માટે જે પ્રકારનો પુષ્કળ ખર્ચ કરે છે તેના કરતાં મહિલાઓની કામગીરી ઓછા ખર્ચવાળી અને વધુ સફળ હતી.
ચિપકો આંદોલનના પાયામાં ચંડીપ્રસાદ ભટ્ટ છે તો સુંદરલાલ બહુગુણાનું સામાજિક કાર્ય તો તેથી પણ આગળ ગયેલું છે. ૧૯૪૦માં મહાત્મા ગાંધીએ પોતાની અંગ્રેજ શિષ્યા કેથેરિન મેરી હિલમેન જેને તેમણે સરલાદેવી નામ આપેલું તેને કુમાઉની પહાડીઓમાં મોકલેલી. આ સરલાદેવી સાથે સુંદરલાલ બહુગુણાનાં પત્ની વિમળા અને તેમનાં સાથી સર્વોદય કાર્યકરોએ કામ કરેલું. ભાગીરથી ખીણ વિસ્તારમાં બહુગુણા રહેતા હતા. જેમણે ૧૯૭૭ અને ૧૯૮૦ દરમ્યાન ઘણાં બધાં ચિપકો પ્રતિકારનું સંચાલન કરેલું. હિમાલયની પર્યાવરણ સૃષ્ટિની જાળવણી માટે ભટ્ટ અને તેમના કાર્યકરો લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. બહુગુણા ચિપકોના આ સંદેશને દૂર સુધી લઈ ગયા. આ પદયાત્રી કદી થાક્યા ન હતા. તેમણે ભારત અને ભારત બહાર એમનાથી ઓછી ઉંમરનાને શરમાવે તેવા પ્રયાસો કર્યા હતા. એક વક્તા તરીકે પણ તેઓ પ્રભાવક રહ્યા. નગરવાસી બૌદ્ધિકોને બેરોકટોક આગળ વધી રહેલા ભૌતિકવાદની ભયાનકતાઓ વિશે જાગ્રત કરનાર પણ તેઓ જ હતા.
ચિપકો આંદોલનના આ બે નેતાઓને મેં મારા પુસ્તકમાં આપણા મહાન સમકાલીન ભારતીયો તરીકે બિરદાવ્યા છે. બંનેના જીવનને ઝંકૃત કરનાર ગાંધી હતા. પણ મને એવું વિચારવું ગમે છે કે બંને જણ પોતાના ગુરુથી જુદા અને આગળ હતા. ગાંધીએ ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ નામની નાકડી ચોપડી લખી હતી. જેમાં આધુનિક સંસ્કૃતિ વિરુદ્ધ મોટું તહોમતનામું છે. બહુગુણા પણ ઔદ્યોગિક સમાજના સખત ટીકાકાર છે. એમની પ્રેરણા પેલા ટચૂકડા પુસ્તકમાં રહેલી છે. બહુગુણાની પદયાત્રાઓ અને વ્યાખ્યાનો મારફત તેઓ મુખ્યત્વે લોકોનાં હૃદયને જાગ્રત કરતા રહ્યા છે. ઉપભોક્તા-વાદથી દૂર રહેવાની વિનવણીઓ કરતા રહ્યા છે. અને સાદગીભર્યા જીવન તરફ પાછા ફરવાનું સૂચવતા રહ્યા છે. વિકલ્પે, ચંડીપ્રસાદ ભટ્ટ અને એમના કાર્યકરો ગાંધીના સાબરમતી અને વર્ધા આશ્રમની નજીકના લાગે છે જે કેન્દ્રિત વિકાસના બદલે ટકાઉ આર્થિક વિકલ્પો તરફ વળવા અને વ્યવહારમાં મૂકવાનું કામ કરતા રહ્યા છે. ગાંધી ગ્રામસ્વરાજની વાત કરતા હતા, એ એમનો આદર્શ હતો. ચંડીપ્રસાદ પોતાના કાર્ય દ્વારા એ જ આદર્શને નવો અર્થ અને નવું પરિમાણ પૂરું પાડતા રહ્યા.
૨
હું ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાની વાત એથી કરી શકું છું કે ચિપકો ચળવળના અભ્યાસને કારણે હું તેમના કામ સાથે ગાઢ સંપર્કમાં મુકાયો. તમારા બધાંમાંથી જે લોકો નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા છે, તેમણે પણ તેની નેતાગીરીના જીવન-કાર્યમાં ગાંધીની ભાવના જેવું કંઈક જોયું જ હશે. ચિપકો આંદોલન અને નર્મદા આંદોલન તો ઉત્કૃષ્ટ છે જ. તે કંઈ ગાંધીના જીવંત વારસાનાં એકલદોકલ ઉદાહરણ માત્ર નથી. કારણ કે સાંપ્રત પર્યાવરણ ચળવળમાં તે અન્યત્ર પણ જોવા મળે છે.
જો કે આજના પર્યાવરણવાદીઓ ગાંધીના દાખલાને અનુસરી રહ્યા હોવાનો માત્ર દાવો કરતા નથી, તેઓ તો આગળ વધીને એમ કહે છે કે મહાત્માને આધુનિક ઔદ્યોગિક સમાજની પર્યાવરણ સમસ્યાની બહુ વહેલી જાણ થયેલી. શું ગાંધી સમયથી વહેલા પર્યાવરણવાદી હતા ? તેમના પ્રશંસકો સવાલનો જવાબ પૂરતા પુરાવા સાથે કાયમ હકારમાં આપતા રહ્યા છે. એ તો હવે સર્વ સ્વીકૃત છે કે ગાંધીને પર્યાવરણની નિસબત વહેલી સમજાઈ ગયેલી. ક્યાં અને કયા પ્રકારે એ કટોકટી તેમને જોવા મળી તે અંગે તેમણે સ્પષ્ટ કહ્યું નથી. આ ઉદ્દેશથી જો એમનાં બધાં લખાણો તપાસવામાં આવે તો ૧૯૦૯માં પ્રકાશિત ‘હિંદ સ્વરાજ’ તરફ પહેલી નજર જાય છે.
આપણા સમયના વિશિષ્ટ ગાંધીજન તેથી જ દાવો કરે છે કે વિકાસનો વૈકલ્પિક નકશો ગાંધીએ તેમાં આપ્યો છે. તેમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે “વિકાસની હાલની તરાહમાં કેવી રીતે માણસ માણસનું અને માણસ કુદરતનું કેવું શોષણ કરે છે.” જો કે તાજેતરમાં મેં ફરી હિંદ સ્વરાજ વાંચ્યું. હું પેલા ચુકાદા સાથે સંમત થઈ શકતો નથી. આધુનિક પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યે પ્રગટ ધિક્કાર પછી એ પુસ્તકમાં માણસના કુદરત સાથેના સંબંધ વિશે કશું કહેવાયું નથી અને વિકાસના વૈકલ્પિક પરિપ્રેક્ષ્ય બાબતે તો તેમાં એથી પણ ઓછું છે.
મને લાગે છે કે આ બાબતે ‘હિંદ સ્વરાજ’ને જોવાની જરૂર નથી. એ તો ત્યારે લખાયું હતું જ્યારે ગાંધી હજુ દક્ષિણ આફ્રિકામાં હતા. ૧૯૧૪માં તેઓ જ્યારે ભારત પાછા ફર્યા ત્યારે એમને અહીંનાં ગામડાઓની આર્થિક અને સામાજિક સ્થિતિનો સીધો ખ્યાલ આવ્યો. ૧૯૧૭માં ચંપારણ અને ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ વખતે તેઓ ભારતના ગ્રામીણ પ્રદેશમાં મુસાફરી કરતા હતા અને ત્યારનાં ખેડૂત સંગઠનોને મળતાં હતા ત્યારે અંગ્રેજનો વસાહતવાદ કેવું આર્થિક શોષણ કરે છે તે તેમણે પ્રત્યક્ષ નજરે જોયું. આ અનુભવ દક્ષિણ આફ્રિકાના રંગભેદ જેવો એમને સ્પષ્ટ નજરે પડ્યો.
ગ્રામીણ ભારતમાં તે ખૂંપી ગયા અને વસાહતવાદની સમજણ વિકસી એટલે એમને સ્પષ્ટ થયું કે પશ્ચિમના ઔદ્યોગિક વિકાસની પદ્ધતિને અનુસરવાનું ભારત માટે અશક્ય છે. એ તો સ્વીકારવું રહ્યું કે તેમની પાસે ભારતના વિકાસનું વૈકલ્પિક માળખું હાથવગું નથી. એનાં બે કારણ છે : ૧. એ પદ્ધતિસરના વિચારક નથી ૨. રાજકીય અને સામાજિક બાબતે સંગઠન અને સુધારાની બાબતો એમના દિમાગમાં સર્વોપરી છે. આમ છતાં ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૦નાં એમનાં છૂટાંછવાયાં લખાણો એક પ્રકારે વિકલ્પના માર્ગ તરફ સંકેત કરતાં રહે છે. હવે હું તેથી જ એ લખાણો ઉપર આવું છું.
ભારતના થોકબંધ ઔદ્યોગિકીકરણ અંગેના ગાંધીના વાંધાવિરોધ નૈતિક ભૂમિકાએ છે. તેઓ માને છે કે એવો આધુનિક સમાજ સ્વાર્થમાં અને સ્પર્ધામાં રમમાણ હશે. આ બધા વિચાર પાછળ પર્યાવરણીય અંદેશાઓ તો રહેલા જ છે. આ સંદર્ભમાં એમના સામયિક ‘યંગ ઇન્ડિયા’ તા. ૨૦/૧૨/૧૯૨૮ના લેખનો એક ફકરો જોઈએ :
“ભગવાન કરે ભારત પશ્ચિમના જેવા ઔદ્યોગિકીકરણના માર્ગે ન ચઢે તો સારું. એક ટચૂકડા ટાપુ પરના અંગ્રેજ રાજનો આર્થિક શાહીવાદ આખી દુનિયાનો ભરડો લઈ બેઠો છે. જો ત્રીસ કરોડનો દેશ આ જ પ્રકારના આર્થિક શોષણને માર્ગે વળે તો દુનિયાના તીડોની સંખ્યા પણ ઓછી પડશે.”
આના પણ બે વર્ષ પહેલાં ગાંધીએ લખેલું, ભારતને ઇંગ્લેંડ અને અમેરિકા જેવું બનાવવું હશે તો શોષણ માટે પૃથ્વી પર સ્થળો અને નવી જાતિઓ શોધવી પડશે. અત્યારે તો એવું લાગે છે કે પશ્ચિમી દેશોએ યુરોપ બહારની બધી જ જાણીતી જાતિઓને શોષણ માટે વિભાજિત કરી નાખી છે. હવે કોઈ નવી દુનિયાને શોધવાની રહેતી નથી. આમ કહીને ગાંધી સવાલ કરે છે : “પશ્ચિમનું અનુકરણ કરવા જતાં ભારત શી દશામાં મુકાશે ?” (‘યંગ ઇન્ડિયા’ તા. ૭-૧૦-૧૯૨૬).
ગાંધીના સવાલનો જવાબ દેખીતો અને દુ:ખદ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણો પ્રયત્ન નિશ્ચિતપણે ભારતને ઇંગ્લેંડ અને અમેરિકા બનાવવાનો જ રહ્યો છે. એ બે રાષ્ટ્રોએ ઉદ્યોગો શરૂ કર્યા ત્યારે તેમને જે સંસાધનો અને બજારો ઉપલબ્ધ હતાં તે હવે આપણી નજરમાં નથી. ભારત એ માર્ગે વળે તો એની પાસે બે જ શક્યતા છે : એ પર્યાવરણનું શોષણ કરે અને પોતાના લોકોનું. નગર અને ઉદ્યોગ બેયની આવશ્યકતાઓ પૂરી કરવા માટે સતત ગ્રામીણ વિસ્તારનાં કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય છે. જંગલો, પાણી વગેરે બોલકા સમૃદ્ધ વર્ગ માટે વપરાય છે. પર્યાવરણનો વિનાશ પરિણામે ઝડપી બન્યો છે. ચિપકો અને નર્મદા આંદોલન ઉત્કૃષ્ટ હોવા છતાં ગાંધીના જીવંત વારસાના એકલદોકલ ઉ.દા. નથી. સમકાલીન પર્યાવરણીય ચળવળો પર્યાવરણનો હ્રાસ રોકી શકવા અસમર્થ છે. ગ્રામીણ અને આદિવાસી લોકોનો પરંપરાથી જે રીતે કુદરતી સંસાધનો ઉપર અધિકાર હતો તેનાથી તેઓ વંચિત બની રહ્યા છે. તેઓ તેનો ઉપયોગ એ રીતે કરતા હતા, જેથી આ સંસાધનો જળવાઈ રહે. આ દરમ્યાન આધુનિક ક્ષેત્ર ઉત્તર પૂર્વ અને આંદામાન-નિકોબાર ટાપુઓ સુધીનાં કુદરતી સંસાધનો પર બહુ ઝડપથી તરાપ મારી રહ્યું છે.
ગાંધીને કદાચ એનું સ્હેજે આશ્ચર્ય ન થયું હોત. કારણ એમને ખબર હતી કે ઔદ્યોગિક વિકાસ નગરો સર્જે છે અને બાકીના પ્રદેશનું એકપક્ષી શોષણ જોવા મળતું હોય છે. ૧૯૪૬માં તેમણે આ વાત લાક્ષણિક ઢબે વ્યક્ત કરેલી : “ગામોનાં લોહી ઊભાં થતાં શહેરોમાં સિમેન્ટનું કામ કરે છે.” (‘હરિજન’ ૨૩-૬-૧૯૪૬) આ પૂર્વે પણ ગાંધીએ પોતાની દૃઢતા તેમ જ સૌમ્યતાથી ઇન્દોરની સભાને ચેતવેલું કે નગરજીવનમાં સંસાધનોનું કેન્દ્રિકરણ થઈને જ રહેવાનું. તેમના શબ્દો હતા : “આપણે ઝગારા મારતી લાઈટ સાથેના સરસ પંડાલમાં બેઠા છીએ. પણ આપણે જાણતા નથી કે આ બધો ભાર ગરીબોની કેડે જ છે.” (‘હરિજન’, તા. ૧૧-૫-૧૯૩૫)
ઔદ્યોગિકીકરણનાં દૂષણોના આ નિદાનમાંથી જ ગાંધીનો ઉકેલ પ્રગટેલો. જ્યાં આર્થિક વિકાસના કેન્દ્રમાં ગામ હતું. એમની ઇચ્છા એ હતી કે નગરોની ધોરી નસોમાં જે લોહી રહ્યું છે એ ફરી પાછું ગામોની નસોમાં વહેતું થાય. આ એમનું સ્વપ્ન પણ હતું. આ વિચારમાં રાજકીય અને આર્થિક સત્તાનું વિકેન્દ્રિકરણ મહત્ત્વનું હતું જેથી ગામો ફરી કાબૂ ધરાવતાં થાય. જ્યારે એમના પર આરોપ મુકાયો કે તેઓ વિજ્ઞાનની શોધોને નજર-અંદાજ કરી રહ્યા છે જેમાં વીજળી અત્યંત મહત્ત્વની છે. ત્યારે ગાંધીએ કહેલું : “જો ગામના દરેક ઘરમાં વીજળી આવતી હોય તો તેનાં સાધનો માટે ગામના લોકો મદદરૂપ થાય તેનો મને બહુ વાંધો નથી. પરંતુ તે સંજોગોમાં ગ્રામીણ સમૂહો કે રાજ્ય ગામના ગૌચર પર જે સત્તા ધરાવે છે એવી એમની સત્તા વીજળી મથકો પર પણ હોવી જોઈએ.” (‘હરિજન’ તા. ૨૨-૬-૧૯૩૫)
ગ્રામીણ પુન:રચના માટે ગાંધી જ્યારે વર્ધા તરફ વળ્યા ત્યારે થોડાં વર્ષો બાદ ૧૯૩૭માં તેમણે નીચેના શબ્દોમાં આદર્શ ભારતીય ગામની વ્યાખ્યા આમ કરેલી : “એવાં ગામોમાં, એવાં ઘરો હશે જેમાં પ્રકાશ અને હવાની અવર-જવરની પૂરતી જોગવાઈ હશે અને ગામની આસપાસના પાંચ માઈલમાંથી તે ઊભાં કરવા માટેનાં માલ-સાધનો મેળવાયાં હશે. આ ઘરોના વાડામાં ઘર માટે શાકભાજી ઉગાડવાની તેમ જ ઢોર-ઢાંખર બાંધવાની પૂરતી જોગવાઈ હશે. ગામની શેરીઓ અને પોળો ધૂળથી મુક્ત હશે. ત્યાં બધાં ઉપયોગમાં લઈ શકે તેવા કૂવાઓ હશે. ત્યાં ઉપાસના માટે અને સમૂહમાં ભેગા થઈને બેસવા માટે પૂરતી જોગવાઈ હશે, ગામલોકોનાં ઢોર માટે ગૌચર હશે, સહકારી ડેરી હશે, વ્યાવસાયિક ઔદ્યોગિક તાલીમ સહિતની પ્રાથમિક અને આધ્યાત્મિક શાળાઓ હશે અને પોતાના સમાજના ઝઘડાના નિકાલ માટે પંચાયતો પણ હશે. ગામલોકોના ઉપયોગ માટેનું અનાજ, શાકભાજી, ફળો અને ખાદી ગામમાં જ પેદા કરાતાં હશે. મારા વિચારના ગામનો નમૂનો કંઈક આવો છે.” (‘હરિજન’ તા. ૯-૧-૧૯૩૭)
પર્યાવરણવાદીના સ્વપ્નલોક માટે આ ચિત્રમાં ખૂબ સુંદર એવાં ઘણાં તત્ત્વો પડેલાં છે, જેવાં કે સ્થાનિક સ્વનિર્ભરતા, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ, સામૂહિક વ્યવસ્થાપન અને માનવજીવન માટે કુદરતની ભેટનો ઉપયોગ, પાણી અને લીલોતરી. પણ ગાંધી માત્ર સ્વપ્નદૃષ્ટા ન હતા. એમનાં સ્વપ્નોમાં વ્યવહારુતા બુદ્ધિપૂર્વક ભળેલી હોય છે. આ સંદર્ભમાં એમણે જમીનની ફળદ્રુપતાની મોટી સમસ્યા માટે કેવું ધ્યાન આપ્યું છે તે નોંધવા જેવું છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, ખેતીના ઝડપી યાંત્રિકીકરણના પુરસ્કર્તાઓને ચેતવણી આપતાં તેમણે કહેલું કે જમીનની ફળદ્રુપતાનો ઝડપી પેદાશો માટે ઉપયોગ કરવા લાગશો તો તે વિનાશક અને ટૂંકી દૃષ્ટિવાળું પુરવાર થઈ રહેશે. તેમાં જમીન લગભગ બિનફળદ્રુપ બની રહેશે. (‘હરિજન’ તા. ૨૫-૮-૧૯૪૬)
તેઓ સેન્દ્રિય ખાતરના ઉત્સાહી પુરસ્કર્તા હતા. જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય અને કચરાના અસરકારક નિકાલ દ્વારા ગામનું આરોગ્ય સુધરે, વિદેશી હૂંડિયામણ બચે અને પાકનું ઉત્પાદન વધે – આ બધું, આજે આપણે જાણીએ છીએ તેમ, આજની આધુનિક રાસાયણિક પદ્ધતિઓ જે સંસાધનો બગાડે છે, પરિણામે પ્રદૂષણ પેદા થાય છે. રાસાયણિક પદ્ધતિઓ સિવાય ઇન્દોરના પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યુટમાં આલ્બર્ટ હોવાર્ડે કુદરતી ખેતીની જે પદ્ધતિઓ વિકસાવી હતી તેની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એના વિશે વિગતે લખતાં તેમણે તે સાથે પૂર્ણ સંમતિ દર્શાવી હતી. જેમાં છાણ, ખેતરનો કચરો, લાકડાનું ભૂસું અને રાખ તથા પેશાબનો ઉપયોગ મૂલ્યવાન ખાતરમાં થતો હતો.
(‘હરિજન’ ૧૭/૮ અને ૨૪/૮/૧૯૩૫)
૩
સમગ્રપણે આધુનિક સંસ્કૃતિનું ગાંધીએ જે તાત્ત્વિક અને ટીકાત્મક અવલોકન કર્યું છે તેનો આજે આપણા જીવનની શૈલી પર અને આજના પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. તેઓ કહેતા ‘આધુનિક સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ એ જ છે કે આપણી જરૂરિયાતો અનંતગણી છે. આની સરખામણીએ પ્રાચીન સંસ્કૃતિઓમાં અનિવાર્ય એવો સંયમ હતો અને જરૂરિયાતો પર કડક નિયમન હતું.’ (‘યંગ ઇન્ડિયા’ તા. ૨-૬-૧૯૨૭) સામાન્ય એવા અસંયમી સ્વરે તેમણે સમય અને અંતરને કાપી નાખતી ગાંડી ઇચ્છાઓ, પશુઓની જેમ વધતી ભૂખ અને તેને સંતોષવા પૃથ્વીના બીજા અંતિમે પહોંચવાની તૈયારીની સંપૂર્ણપણે ભર્ત્સના કરી છે. ‘જો આધુનિક સંસ્કૃતિ આ જ કરવાની હોય અને જે હું સમજ્યો છું તે બરાબર હોય તો હું તેને શેતાની કહીશ.’ (‘યંગ ઇન્ડિયા’ ૧૭-૩-૧૯૨૭)
વ્યક્તિગત ધોરણે, ગાંધીની સ્વૈચ્છિક સાદગીની વાત આધુનિક જીવનશૈલી સામે એક ટકાઉ વિકલ્પ પૂરો પાડે છે. પર્યાવરણના નીતિશાસ્ત્રનું એક સૂત્ર અતિ ઉત્તમ છે, તે ગાંધી પૂરું પાડે છે : “પ્રત્યેકની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે દુનિયામાં પૂરતું છે. પરંતુ પ્રત્યેકના લોભને સંતોષવા અહીં પર્યાપ્ત નથી.” ગાંધીએ ખુદ એનો અમલ કરી બતાવ્યો. સંસાધનોને ફરી ફરી વાપરવાં અને જરૂરિયાતો ઘટાડતાં જવું એ વાત એમના જીવનમાં વણાઈ ગઈ હતી. એમણે આર્થિક વિકાસની વ્યાપક પ્રક્રિયાઓનું જે પૃથક્કરણ કર્યું છે, ગ્રામીણ નવરચના માટે જે કાર્યક્રમ આપ્યો છે અને જિવાતા જીવનનું જે નીતિશાસ્ત્ર આપ્યું છે, એ ગાંધીનાં લખાણોને સાંપ્રત સંદર્ભમાં તપાસીએ તો આજની પર્યાવરણીય કટોકટી બાબતે તેમાંથી ઘણી સૂક્ષ્મ સમજણો ઊભી થાય છે. તેમના જીવનકાળ દરમ્યાન મહાત્માના અંગત શિષ્યોમાંના એક જે.સી. કુમારપ્પાએ ગાંધીના આર્થિક વિચારોને બરાબર સમજાવીને આપણી સમક્ષ રજૂ કર્યા છે. ગાંધીની પર્યાવરણીય સમજને ખૂબ સુંદર રીતે મૂકી આપનાર તે સૌથી પહેલા છે. એમના તરફ, એમના કાર્ય તરફ બહુ ધ્યાન ગયું નથી તેથી એનું મૂલ્યાંકન અહીં રજૂ કરવું વાજબી ગણાશે.
કુમારપ્પા તમિળ ખ્રિસ્તી હતા. તેમને લંડનમાં હિસાબ પદ્ધતિની તાલીમ મળેલી. મુંબઈમાં ઓડિટર તરીકેની તેમની પ્રેક્ટીસ ધમાકેદાર ચાલતી હતી. એ છોડીને ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં થોડો સમય અનુસ્નાતક અભ્યાસ માટે ગયેલા. ત્યાં તેમણે જાહેર નાણાં પદ્ધતિનો અભ્યાસ કરેલો. એ દરમ્યાન ભારતીય અર્થકારણનું કેવું વસાહતી શોષણ પદ્ધતિસર થઈ રહ્યું છે તેનો તેમના મનમાં ઉઘાડ થયેલો. ૧૯૨૯માં તેઓ વિદેશથી પાછા ફર્યા. હવે તેઓ રાષ્ટ્રવાદી હતા. તરત જ ગાંધીના સંપર્કમાં આવ્યા. જાહેર નાણાં પદ્ધતિ અંગેના તેમના વિચારો ‘યંગ ઇન્ડિયા’માં ક્રમશ: પ્રગટ થતા ગયા. કુમારપ્પાએ ઓડિટરની પ્રેક્ટીસ છોડીને સાબરમતી આશ્રમમાં જોડાવાનું નક્કી કરી દીધું. ગ્રામીણ પુન:રચના જે ગાંધીની મહત્ત્વની યોજના હતી તેનો હવાલો તેમને સોંપાયો. પછીના દાયકાઓમાં તેમણે કૃષિ અર્થતંત્ર અંગેનાં મહત્ત્વનાં સર્વેક્ષણો હાથ ધર્યાં અને અખિલ ભારતીય ચરખા સંઘ અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘ જેવી ગાંધીની સંસ્થાઓ ચલાવવામાં સહાયરૂપ બની ગયા.
ઓગણીસસોની ત્રીસી અને ચાળીસી દરમ્યાન જે.સી. કુમારપ્પાએ સંખ્યાબંધ પુસ્તકો લખી ગાંધીના અર્થશાસ્ત્રને ઔપચારિક રૂપ આપવાનો પ્રયાસ કર્યો. ગાંધીની માફક કુમારપ્પાનાં લખાણોમાં પણ પર્યાવરણની પ્રગાઢ અસરો અંગેનાં નિરીક્ષણો સતત આવતાં રહે છે. આમાંથી જ પર્યાવરણ અંગેની જવાબદારી માટે પાયાની શરત ઊભી થાય છે : “આપણને જરૂરી બધી ચીજવસ્તુઓ જો સ્થાનિક વિસ્તારમાંથી ઊભી કરવામાં આવે તો આપણે તે ઉત્પાદન પદ્ધતિઓ પર પૂરી નજર રાખી શકીએ. પરંતુ જો આપણે પૃથ્વીના બીજે છેડેથી આપણી જરૂરિયાતો પૂરી કરતા હોઈએ તો એ ઉત્પાદન પદ્ધતિઓ પર નિગરાની રાખવાનું અશક્ય બનતું હોય છે.”
પોતાના ગુરુની માફક જે.સી. કુમારપ્પાએ પણ ઔદ્યોગિક સંસ્કૃતિની આકરી ટીકા કરી છે. તેમનું નિરીક્ષણ રહ્યું છે કે લૂંટફાટ વિના ઔદ્યોગિકીકરણ શક્ય નથી. એની સરખામણીમાં ખેતી એ વ્યવસાયોમાં ઉત્તમ છે અને રહેશે. જેમાં મનુષ્ય કુદરત પર અને પોતાના પર્યાવરણ પર એવો કાબૂ ધરાવે છે.’ જેમાં ઉત્પાદનનાં સૌથી સારાં પરિણામો તે મેળવી શકે. આવું કહેતી વખતે તેમણે કુદરત પર ખેતી અને ઉદ્યોગ બંનેની અસર કેવો વિરોધાભાસ ઊભો કરે છે તે નીચેના શબ્દોમાં પ્રગટ કર્યું છે.
“કૃષિ સંસ્કૃતિમાં ઈશ્વરદત્ત પ્રણાલી ઉપર કોઈ આક્રમણ કરવામાં આવતું નથી. ખેતી દરમ્યાન કરવામાં આવતું પરિવર્તન કુદરતી પુન: સર્જનને આવકારે છે. કુદરતમાં જે લાંબે સમયે દેખા દે છે તેને પ્રગટ કરવામાં ખેડૂત કુદરતને સહાયભૂત થાય છે અથવા એની ગતિની તીવ્રતા ટૂંકા ગાળા માટે ઊભી કરે છે …. ઔદ્યોગિક સમાજની આર્થિક પદ્ધતિમાં …. જે પરિણામો મેળવવા પ્રયત્ન થાય છે તે કુદરત સામે હિંસાનાં સ્વરૂપો હોય છે. કારણ કે તેમાં માંગની પરવા કર્યા વિના મોટો પુરવઠો ઊભો કરવામાં આવે છે. પછી બનાવટી રીતે આ સાધનો માટેની માંગ ઊભી કરવામાં આવે છે. તે માટે જાહેરાતની ચાલાકીભરી યુક્તિઓ પ્રયોજાય છે.
એમની પેઢીના બીજા ગાંધીજનોની માફક કુમારપ્પાને મુખ્ય રસ સૈદ્ધાંતિક વિચારણામાં ન હતો, પરંતુ ભારતના ખેડૂતો અને કારીગરોએ જે કંઈ ગુમાવ્યું હતું તેને બચાવવામાં હતો. એમનાં બધાં જ લખાણોમાં કૃષિ અર્થતંત્રનાં કુદરતી સંસાધનોના કાળજીપૂર્વકના સંવર્ધનની વાત સાતત્યપૂર્વક કરવામાં આવી છે. માનવમળને ખાતર તરીકે વાપરવાની વાત પર તેઓ ભાર મૂકે છે. એ માટે વ્યક્તિગત સબસીડી આપવી જોઈએ એમ પણ કહે છે. જ્ઞાતિના ભેદભાવથી ઉપર ઊઠીને માનવમળ એકઠો કરીને તેનો સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવા સૂચવે છે. સાથોસાથ, જમીનની ગુણવત્તા સાચવવા તેનું ધોવાણ ન થાય, તેમાં સતત પાણી ભરાઈ ન રહે, તે ચકાસતા રહેવાની વાત પર પણ ભાર મૂકે છે.
જળ અને જંગલો એ એવી બાબતો છે જેનાથી આજે ભારતની પર્યાવરણીય ચળવળ સતત મૂંઝવણમાં છે. આ સંદર્ભે જાણવા જેવું છે કે અંગ્રેજ શાસન દરમ્યાન પણ સિંચાઈનાં તળાવોની પર્યાપ્ત જાળવણી થતી નથી એવી ટીકા કરવામાં કુમારપ્પાએ પાછીપાની કરી ન હતી. તેઓ કહેતા કે ભૂતળનું જળ જળવાય અને ખારાશ ઘટે તે માટે સઘળા પ્રયાસો કરવા જોઈએ. જંગલ વ્યવસ્થાપનના સ્વીકાર્ય મોડેલ બાબતે સારગર્ભ ટિપ્પણી કરતાં તેઓ કહે છે :
“સરકારે જંગલોની જાળવણીની તેની નીતિમાં ધરખમ સુધારણા કરવાની જરૂર છે. જંગલ જાળવણીની પાછળ મહેસૂલ એકઠું કરવાની નીતિ ન હોવી જોઈએ. પણ પ્રજાની જરૂરિયાતની વિચારણા હોવી જોઈએ. આસપાસ રહેતા ગામલોકોની આવશ્યકતા શી છે તે વિચારીને વનોનું આયોજન થવું જોઈએ. જંગલોને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવાં જોઈએ : (૧) લાંબા ગાળાની દૃષ્ટિથી સમયાંતરે લાકડાનો પુરવઠો પૂરો પાડનારાં (૨) ઈંધણ અને ઘાસ પૂરું પાડનારાં. આ બંને પ્રજાને ક્યાં તો વિના મૂલ્યે ક્યાં તો પ્રતીક મૂલ્યથી આપવાં જોઈએ. ગ્રામોદ્યોગમાં તાડનો ગોળ, કાગળ ઉત્પાદન, માટીકામ વગેરે તો જ વિકસી શકે જો ઈંધણ અને ઘાસ તેમને સસ્તા દરે મળતાં રહે.”
જૈવિક બળતણ કે કચરાની ગ્રામીણ અર્થતંત્રમાં કેવી અછત રહે છે એ બાબતે કુમારપ્પાની દીર્ઘદૃષ્ટિ હતી. તેમને ઘાસચારાની ઉપલબ્ધતા અંગે વિશેષ ચિંતા હતી. તેમણે કહ્યું છે કે શણ, તમાકુ અને શેરડી જેવા રોકડિયા પાક તરફ આપણે વળીએ છીએ પરિણામે માણસ માટે અનાજ ઘટે છે અને ઘરેલુ પ્રાણીઓ માટે ઘાસચારો. તેમણે ખેડૂતોની એ ફરિયાદ પણ નોંધી હતી કે એમનાં પશુઓ માટે પૂરતાં ગૌચર નથી. કિંમત ચૂકવ્યા વિના એટલે કે વિના મૂલ્યે પડતર જમીનમાં ગૌચર ઊભાં ન કરતી અંગ્રેજ સરકાર સામે તેમણે ઘણી ટીકાઓ કરી હતી.
જમીનની જાળવણી અને ઉત્પાદકતા, પાણીની જાળવણી અને એની પુન:પ્રાપ્તિ, ગામ લોકોના જંગલ અંગેના અધિકારો અને જૈવિક કચરાના અંદાજો – ગ્રામીણ પર્યાવરણની સમસ્યાઓની આ કાર્યસૂચિ આજે પણ આપણો કેડો મૂકતી નથી. ખેતીને કુદરતના આયોજનમાં દૃઢતાથી સ્થાપિત કરવામાં કુમારપ્પાએ ગાંધીવિચાર મુજબ પર્યાવરણનો આખો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આજના પર્યાવરણવાદીઓ ભલે એમના કામથી સુપરિચિત ન હોય પણ તેઓ કુમારપ્પાના કામને જ આગળ લઈ જઈ રહ્યા છે.
બીજી વ્યક્તિ જે ગાંધીની સાથીદાર હતી અને જેના પર્યાવરણ વિશેના વિચારો ઘણા પ્રગતિશીલ હતા તે હતાં મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાંબહેન. તેઓ અંગ્રેજ એડમીરલની પુત્રી હતાં અને ૧૯૨૫માં સાબરમતી આશ્રમમાં ગાંધી સાથે જોડાયાં હતાં. જે.સી. કુમારપ્પાની માફક મીરાંબહેન પણ મહાત્માના આંતરિક વર્તુળમાં હતાં અને તેમના અનુયાયીઓમાં અગ્રગણ્ય હતાં. તમિળ અર્થશાસ્ત્રી કુમારપ્પાની માફક જ મીરાંબહેન પણ ગ્રામીણ પુન: રચનામાં અગ્રેસર હતાં. તેમાં ઘણાં વર્ષો વીતાવ્યાં હતાં. ગાંધીના એ અંગેના વિચારોને વ્યવહારુ રીતે અમલમાં મૂકીને આગળ લઈ ગયાં હતાં.
૧૯૪૭માં તેમણે હિમાલયની તળેટીમાં ઋષિકેશ નજીક પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. તે પછી ઘણાં વર્ષો બાદ તેઓ ભીલંગણા ખીણ તરફ જઈને રહ્યાં હતાં. એ સમયે એમણે જે લેખો લખ્યા તેમાં મીરાંબહેને હિમાલય વિસ્તારમાં જંગલો ઓછાં થવા વિશે, જમીન ધોવાણ અને નદીઓનાં પૂર વિશે પ્રજાને તેમ જ નીતિ નક્કી કરનારાઓને સાવચેત કર્યા હતા. બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી છે તેના પર ભાર મૂક્યો હતો. ચિપકો આંદોલનનાં વર્ષો પહેલાં આ ટીકાઓએ લોકોને બળ પૂરું પાડ્યું હતું.
મીરાંબહેને શોધી કાઢ્યું હતું કે જંગલની જાળવણીમાં ગામલોકોને બાકાત કરાય છે તે સારી બાબત નથી. ઓકનાં વૃક્ષોને બદલે ઘણા વિસ્તારોમાં પાઈન વવાતાં હતાં એની પણ એમણે ટીકા કરી હતી. કારણ કે તેનાથી વરસાદનું પાણી જળવાવાની શક્તિ ઘટતી હતી. તેમણે આ બાબતોની વિગતે ફોટા પાડીને વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પણ મોકલેલા. નહેરુએ તે વનઅધિકારી તરફ મોકલેલા પણ વર્ષો બાદ મીરાંબહેને સખેદ નોંધ્યું હતું કે આ એવા પાયાના ફેરફારો હતા જે જંગલખાતું કરી શકે તેમ ન હતું.
ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં લાંબાં વર્ષોના નિવાસ દરમ્યાન મીરાંબહેને ભારતીય કૃષિ અને તેની સાથે જોડાયેલી પર્યાવરણની મહત્ત્વની સમસ્યાઓ બાબતે જે ટીકાઓ કરેલી તે અધિકારીઓની સમજમાં આવે તેમ ન હતી. આ બાબતોમાં જોઈએ તો નહેર દ્વારા જે સિંચાઈ થાય છે તેમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઊભી થાય છે; મીરાંબહેન જોઈ રહ્યાં હતાં કે જે ઝડપથી પર્યાવરણમાં ફેરફારો કરાઈ રહ્યા છે તે આધુનિક જીવનનું વિશિષ્ટ અને અવરોધક લક્ષણ જ છે. ઉત્તર અમેરિકા અને મધ્યપૂર્વની પ્રાચીન સંસ્કૃતિઓનો વિનાશ કુદરતી પર્યાવરણને નજરઅંદાજ કરી તેનો દુરુપયોગ કરવાથી જ થયો હતો એમ તેમણે તા. ૫-૬-૧૯૫૦ના રોજ ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના એક લેખમાં લખ્યું.
એમણે આગળ એમ પણ લખ્યું કે ભૂતકાળમાં સંપૂર્ણ વિનાશ થતાં સદીઓ વીતી છે. પણ આધુનિક વિજ્ઞાન અને યંત્રશાસ્ત્ર તે આજે બહુ થોડાં વર્ષોમાં કરી નાખશે.
ગાંધી અને કુમારપ્પાની માફક મીરાંબહેનની પાયાની ચિંતા ભારતના ગ્રામીણ અર્થતંત્રને કેમ ફરી પાટે ચઢાવવું એની જ રહી. તેમ છતાં ઘણી બધી વખત એમનો નિસર્ગ સાથેનો અનુબંધ આધ્યાત્મિક રહ્યો અને તે યુરોપની વર્ડઝવર્થની ભાવનાપ્રધાન પરંપરા મુજબનો હતો. તેઓ કહેતાં કે હું મૂળભૂત રીતે પૃથ્વીમાતાની એક ભક્ત જ છું.
એપ્રિલ – ૧૯૪૯માં મીરાંબહેને લખ્યું કે :
“આજના શિક્ષિત અને ધનિક વર્ગો સંપૂર્ણપણે અસ્તિત્વની મહત્ત્વની પાયાની બાબતોથી અજાણ થઈ ગયા છે – પૃથ્વીમાતા, પ્રાણીઓ અને બીજી સજીવ સૃષ્ટિ વગેરે વિશે જાણે તેને કંઈ જ પડી નથી. એ તો તક મળે એટલે કુદરતના સહજ આયોજનને ઉશેટવા, એને અસ્તવ્યસ્ત કરવા અને લૂંટી લેવા બેઠો હોય એવાં એનાં વૃત્તિ અને વલણ છે. વિજ્ઞાન અને યંત્રો શક્ય છે કે એને કેટલોક સમય મોટાં વળતર અપાવશે. પણ અંતે તો પૃથ્વી એનાથી વેરાન જ બનવાની. ખરેખર તો આપણે કુદરતના સંતુલનનો, અને કુદરત એના નિયમો મુજબ ચાલે છે તેની સાથે જોડાઈને આપણો વિકાસ સાધવાની પદ્ધતિનો અભ્યાસ કરવાની જરૂર છે. આમ કરીશું તો જ આપણે શારીરિક રીતે તંદુરસ્ત અને નૈતિક રીતે સારી પ્રજાતિના છીએ એમ ગણાઈશું.”
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 નવેમ્બર 2024 – પૃ. 22 – 23; 01 ડિસેમ્બર 2024 – પૃ. 12 – 13; 16 ડિસેમ્બર, 2025 – પૃ. 15-16 તેમ જ 09