![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2021/09/Hemantkumar_Shah-5-300x274.jpg)
હેમન્તકુમાર શાહ
અમદાવાદમાં ચાલી રહેલા ૧૩ દિવસના શાસ્ત્રીય સંગીતના ઉત્સવ *સપ્તક*માં ગઈ કાલે વિખ્યાત સરોદવાદક અમઝદ અલી ખાંનું સરોદ વાદન હતું. ૭૯ વર્ષના આ મહાન સંગીતકારે મહાત્મા ગાંધીને યાદ કરીને સૌ પ્રથમ વૈષ્ણવ જન ભજન અને પછી રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન સરોદ પર વગાડી.
પછી તેમણે બહુ મહત્ત્વની વાત કરી. તેમણે કહ્યું કે, “બીજા બધા દેશોની વાત છોડો, આપણા ભારત દેશમાં આ શું થઈ રહ્યું છે. રોજ સાંભળવા મળે છે કે મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમને ગટરમાં ફેંકી દેવામાં આવે છે, નદીનાળાંમાં ફેંકી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે! જે દેશમાં કે જ્યાં સ્ત્રી દેવી તરીકે પૂજાય છે ત્યાં આ બધું થઈ રહ્યું છે એ ખરેખર બહુ જ દુઃખદ છે.”
“આપણે દુર્ગા દેવીને પૂજીએ છીએ અને છતાં આ બધું થઈ રહ્યું છે એનાથી દુર્ગા દેવી રડી રહી છે” એમ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ મેળવનારા આ મહાન સંગીતકારે કહ્યું.
![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2025/01/Amjad-Ali-Khan-224x300.jpg)
અમઝદ અલી ખાં
આશરે ૬૦૦ શ્રોતાઓથી ભરચક સ્થાનમાં અમઝદ અલી ખાંએ છેલ્લે રવીન્દ્રનાથ ટાગોરનું ‘એકલો જાને રે’ વગાડ્યું, એમ કરીને એમણે દૂષણો સામે લડવાની પણ આડકતરી રીતે હાકલ કરી. શ્રોતાઓએ કાર્યક્રમને અંતે રાતે એક વાગ્યે ઊભા થઈને તાળીઓ પાડીને આ વયોવૃદ્ધ સંગીતકારનું અભિવાદન કર્યું.
મહાન રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોય (૧૮૨૮-૧૯૧૦) દ્વારા ૧૮૯૭માં લખવામાં આવેલા પુસ્તક ‘કળા એટલે શું?’માં કહેવામાં આવ્યું છે કે, “કળાનો જે ઇરાદો છે તે એ રહી નથી, પણ નવરા માણસોના ખોખલા આનંદનું સાધન બની ગઈ છે.” અમઝદ અલી ખાંએ તેમના એક કલાકથી વધુ સમયના ગઈ મધરાતના સરોદવાદનને અત્યાચારોથી અસરગ્રસ્ત મહિલાઓને અર્પણ કરીને પોતે ટોલ્સટોયના આરોપીના પાંજરામાં નથી તેમ જ ‘કલા ખાતર કલા’ના સિદ્ધાંતની નિતાંત પેલે પાર છે એમ આબાદ સાબિત કરી દીધું!
ટોલ્સટોય કહે છે કે, “સૌંદર્યની પૂજાએ સાંસ્કૃતિક બાબતોનું મૂલ્યાંકન કરવા માટેના માપદંડ એવી નૈતિકતાની અવહેલના કરી છે.” અમઝદ અલી ખાંએ સરોદના સૌંદર્ય દ્વારા ગઈ મધરાતે નૈતિકતાને કલાના માપદંડ સ્વરૂપે પ્રસ્થાપિત કરવાની અંધકારમય દેશમાં ભારે કોશિશ કરી!
કલાને અને સાહિત્યને માત્ર મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવ્યું છે એવા આજના જમાનામાં અમઝદ અલી ખાં સાહેબની સામાજિક નિસબતને સો સો સલામ!
તા.૧૦-૦૧-૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર