ઇશાંત પોતાની મિટિંગ પતાવી કારમાં ઘરે જઈ રહ્યો હતો. આજે મિટિંગ લાંબી ચાલી હતી અને મિટિંગ પૂરી થયા પછી ડિનર હતું. આ બધું પૂરું થતાં થતાં રાતના અગિયાર વાગી ગયા અને ઘરે પહોંચતા એક વાગી જશે એવી ઇશાંતની ગણતરી હતી. ઇશાંતને જતાં સમયે તો સ્ટાફની કંપની હતી, પણ વળતા એકલાએ જ પાછા ફરવાનું હતું એટલે મસ્તીથી ગીતો સાંભળતો સાંભળતો, મોબાઇલ ઉપર વાત કરતો કરતો કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. અચાનક તેને રોડના કિનારે દૂર કોઈ હાથથી હલાવી કાર રોકવાનું કહેતું હોય એમ લાગ્યું. ઇશાંતે કાર ધીમી કરી ઊભી રાખી તો એક ખૂબસુંદર, મદમસ્ત, યૌવનથી ભરપૂર અને ખુશ્બૂ ફેલાવતી યુવતી ઊભી હતી.
ઇશાંતે કાર ઊભી રાખી પૂછ્યું, “તમે કાર ઊભી રાખવા માટે જ હાથ હલાવતા હતાં?”
“હા, મારી કાર બગડી ગઈ છે, મારે વડોદરા જવું છે, કારમાં લિફ્ટ આપશો?”
ઇશાંત યુવતીની મોહકતાથી મુગ્ધ થઈ ગયો હતો, ના, ન પાડી શક્યો. ઇશાંતે હાથથી કારમાં બેસવા કહ્યું, યુવતી આગળની સીટનો દરવાજો ખોલી બેસી ગઈ.
“આપનો ખૂબ ખૂબ આભાર.”
“મારુ નામ ઇશાંત છે મારે પણ વડોદરા જ જવાનું છે. આપનું નામ?”
“મારું નામ મેઘા શર્મા છે. હું ડૉક્ટર છું અને હું પણ એક સેમિનારમાં ગઈ હતી.”
“ઇશાંતજી, આગળ હાઈવે ઉપર હોટલ છે ત્યાં કોફી પીવાની ઈચ્છા છે, આપણે ત્યાં રોકાશું?” ઇશાંત ના, ન પાડી શક્યો, વચ્ચે મમ્મીનો ફોન પણ આવી ગયો, “બેટા બહુ મોડું થયું, ક્યાં છો?” “બસ, રસ્તામાં છું, આજે મિટિંગ બહુ લાંબી ચાલી અને રસ્તા ઉપર ટ્રાફિક છે એટલે ઘરે પહોંચતા મને વાર લાગશે. તમે ચિંતા ન કરતા.” મેઘાએ ઇશાંત સામે જોયું. મેઘા મંદ મંદ હસતી હતી એ ઇશાંતે જોયું.
“ઇશાંતજી, આગળ જતાં શર્મા ફાર્મહાઉસ આવશે ત્યાં રોડ ઉપર કાર ઊભી રાખજો, હું એ ફાર્મહાઉસમાં રહું છું. તમને અત્યારે ફાર્મહાઉસમાં આવવાનું આમંત્રણ આપત, પણ બહુ મોડું થયું છે અને તમારી મમ્મી ચિંતા કરતા હશે.” ઇશાંતે શર્મા ફાર્મહાઉસના બોર્ડ પાસે કાર ઊભી રાખી. મેઘા ઉતરી ગઈ. ઇશાંતે પાછળ ફરીને જોયું પણ મેઘા ન દેખાઈ, ઇશાંતે ધ્યાન આપ્યા વગર કાર દોડાવી મૂકી, કારણ કે તેને ખબર હતી મમ્મી જાગતી હશે અને ચિંતા પણ કરતી હશે.
ઇશાંતના મનમાંથી મેઘા ખસતી નહોતી. એની માદકતાએ તેને વિહવળ કરી દીધો હતો. મેઘાને મળવાની તીવ્રતા વધતી જતી હતી. અંતે નક્કી કયું મેઘા તો વડોદરા નજીકના શર્મા ફાર્મહાઉસમાં રહે છે, તો આજે જ મળી લઉં.
ઇશાંતે, મેઘાને ગઈકાલની રાત્રીએ જ્યાં ઉતારી હતી ત્યાં પહોંચ્યો, તો ત્યાં ફાર્મહાઉસ કે ફાર્મહાઉસનું બોર્ડ એવું કંઈ નહોતું, ખાલી ખેતર હતું. ઇશાંતને મનમાં થયું કે કદાચ કાલે રાતના હિસાબે મને ઠેકાણું બરોબર યાદ ન રહ્યું હોય, હશે! નસીબમાં હશે તો મેઘાની ફરી મુલાકાત થશે.
આજે પણ ઇશાંતને મિટિંગ પૂરી કરી મોડું નીકળવાનું થયું, અને એ જ જગ્યાએ ફરી મેઘાને ઊભેલી જોઈ. “અરે! તમે? હું તમને મળવા આવ્યો હતો પણ તમારું શર્મા ફાર્મહાઉસ મને ક્યાં ય ન મળ્યું.”
“હું તો ત્યાં જ રહુ છું, કદાચ તમે ખોટું ઠેકાણું યાદ રાખ્યું હશે.”
“તમારી વાત બરોબર છે એવું બન્યું હશે, આજે ઠેકાણું બરોબર યાદ રાખી લઈશ.”
ઇશાંતે, મેઘાએ કહ્યું ત્યાં જ ઉતારી. આજે તેણે શર્મા ફાર્મહાઉસના બોર્ડને બદલે સામે દેખાતા ઓમ પેટ્રોલ પમ્પનું ઠેકાણું યાદ રાખી લીધું. આજે પણ મેઘા ઉતરી પણ પછી દેખાઈ નહીં. ઇશાંતને આ જરા અજુગતું લાગ્યું. ઇશાંતે નક્કી કર્યું કાલે અહીયાં આવી સાચી અને ચોક્કસ હકીકત જાણીશ.
ઇશાંતે ઓમ પેટ્રોલ પમ્પમાં જઈ પૂછ્યું, “આટલામાં ક્યાં ય શર્મા ફાર્મહાઉસ છે.”
“તમારે શું કામ છે? તમે કોણ છો?”
“મારે ડૉક્ટર મેઘા શર્માને મળવું છે.”
પેટ્રોલ પમ્પનો માલિક ઇશાંત સામે જોઈ રહ્યો, “તમને કંઈક અનુભવ થયો લાગે છે?” ઇશાંતે બધી વાત કરી.
“અમને પણ ખબર નથી. બધાં વાત કરે છે કે વર્ષો પહેલાં અહીંયાં ક્યાંક શર્મા ફાર્મહાઉસ હતું અને તમારી જેવો અનુભવ ઘણાને થયો છે.”
“કેમ, બેટા ચિંતામાં છો? તબિયત તો સારી છે ને?” ઇશાંતે બધી વાત કરી.
“બેટા એવું તો ઘણી વખત બને છે એ વિશે ઝાઝું વિચારવાનું નહીં અને હવે પછી ધ્યાન રાખવાનું.”
“ભલે, મમ્મી.” ઇશાંતને કહેવાનું મન થયું, `મમ્મી` તું પણ જો એકવાર મેઘાને મળે તો ન ભૂલી શકે તો હું તો તેની માદકતા, મનને તરબોળ કરી દેતી ખુશ્બૂ કેમ ભૂલું! પણ મેઘાને ભૂલવી તો પડશે જ. પણ એ અંધારી રાતની મુસાફર તો યાદ રહેશે જ, કેમ ભૂલું એ માદક અનુભવને….
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com