Opinion Magazine
Number of visits: 9664847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડીપોર્ટેશન વિશે 

સુમન શાહ|Opinion - Opinion|8 February 2025

સુમન શાહ

હું ૧૯૯૨-થી અમેરિકા આવ-જા કરું છું. હું સિટિઝનશિપ માટે લાયક એવો ગ્રીનકાર્ડ-હોલ્ડર છું. મારા પરિવારમાં સૌ અમેરિકન સિટિઝન છે. ડીપોર્ટ થયેલા ગુજરાતીઓ અને ભારતીયો માટે અમને સૌને દુ:ખ થયું છે. (બાબુ સુથારે પણ આ મુદ્દે પોતાના પેજ પર લખ્યું છે.)

આપણે ભારતીય છીએ એટલે ડીપોર્ટ થયેલા કે હજી થશે એ ભારતીયો માટે આપણને અનુકમ્પા થાય એ સ્વાભાવિક છે. તેમ છતાં, ડીપોર્ટેશન પ્રશ્નને વસ્તુલક્ષી રીતે વિચારવાની જરૂર છે, કેમ કે પ્રશ્ન નાજુક છે.

સૌ પહેલાં, ડીપોર્ટેશન-પૉલિસી માત્ર ભારતીયો માટે નથી, એ હકીકત યાદ રાખવી જોઈશે. એમાં, Mexico, Guatemala, Honduras, Ecuador, અને Colombia પણ સામેલ છે. ૨૦૨૪-ના fiscal year-માં આ રાષ્ટ્રોની અનેક વ્યક્તિઓને ઍરેસ્ટ અને ડીપોર્ટ કરવામાં આવેલી. એટલે એમ ન માનવું કે ડીપોર્ટેશન કોઈ નવી પૉલિસી છે. એમાં વેગ નવી વસ્તુ જરૂર છે. ખરેખર તો અમેરિકન સરકાર આ જાતના કંટ્રોલથી અને આ પૉલિસી વડે immigration laws-ને બરાબર અનુસરવા માગે છે, જેના અનુસરણ માટે આગલી સરકાર કડક ન્હૉતી કે કડક થવા માગતી ન્હૉતી. 

૨૦૦૯ -માં 15,756 અને ૨૦૧૯ -માં 2,042 અને હાલમાં 104 illegal Indian immigrants-ને ડીપોર્ટ કરાયા છે.

ડીપોર્ટેશન પૉલિસી illegally રહેલી કોઈપણ વ્યક્તિ માટે છે, એ ભારતીય હોય કે ગમે એ રાષ્ટ્રની હોય. illegal-નો અર્થ એ કે એની પાસે ઉચિત immigration status નથી. ઉપરાન્ત, એ criminal પણ હોય, અમેરિકામાં ઘૂસ્યા પહેલાં પોતાના દેશમાં પણ એ criminal હોય, એને પણ ડીપોર્ટશન લાગુ પડે છે.

Immigration and Customs Enforcement – ICE – અનુસાર, ડીપોર્ટેશન વખતે હાથકડી અને બીજાં બન્ધનો SOP – standard operating procedure પ્રમાણે હોય છે, આડેધડ નહીં. સામાન્યપણે સ્ત્રીઓ અને બાળકોને આ બન્ધનો લાગુ નથી કરાતાં. દરેકનું માન જાળવવું એ આ પૉલિસીમાં મુખ્ય બાબત છે. તેમછતાં, SOP-નાં ધોરણ ન સચવાયાં હોય, તો તેની તપાસ માટે અપીલ કરી શકાય છે. 

આપણે ભાવુકતાથી દોરવાઈને બૂમ પાડીને આપણી હૈયાવરાળ ઠાલવીએ એ સ્વાભાવિક છે. 

તેમ છતાં, આ ચર્ચામાં ‘ગેરકાયદેસર’-ને ‘ગુનેગાર’ ગણીને ચાલીએ છીએ એ ખોટું છે. આમાં, ‘નાલેશી’ જોવી કે ‘હિણપત’ અનુભવવી અને એ કારણે ટ્રમ્પ અને મોદીને વચ્ચે લાવવા, બન્ને રાષ્ટ્રની નીતિઓને સમ્બોધવી, મોદી ટ્રમ્પને સિફારશ કરે કહેવું, વગેરે ભાવુકતા છે. બીજા દેશો માટે કોણ સિફારશ કરશે? સમજાશે કે એ રીતે વિચારવું જ ગલત છે. એ જ પ્રમાણે, માનવઅધિકારનો મુદ્દો પણ અહીં અપ્રસ્તુત છે કેમ કે એ મોટો મુદ્દો છે અને એમાં અનેક પેટા મુદ્દાઓ અનેકશ: જોડાયેલા છે. બાબુ સુથારે સરસ કહ્યું છે કે ‘માણસજાત માનવતાની બાબતે એકબીજા સાથે સંમત થાય એટલી મજબૂત નથી’.

મેં એક વાર લખેલું કે અમેરિકા વિશ્વભરમાંથી ઉત્તમ બુદ્ધિમાનોને આવકારે છે તેમ જ શ્રમજીવીઓને પણ આવકારે છે. આવકારનો અર્થ એ નથી કે રેડ કાર્પેટ પાથરે છે! કાયદા સૌને લાગુ કરાય છે. 

૨૦૨૨ સુધીમાં યુ.ઍસ.એ.માં આશરે ૪.૮ મિલિયન ભારતીય અમેરિકન વસ્યા છે. એમાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સ અને નેચરાલાઇઝ્ડ સિટિઝન્સ છે જેને legal residents-નો દરજ્જો અપાયો છે. અનુભવીઓને ખબર છે કે આ દરજ્જો મેળવવા કેટલાં લોહી-પાણી એક કરવાં પડે છે! એમાં ટૅમ્પરરી વીઝા-હોલ્ડર્સ પણ આવી જાય છે જેને non-residentsનો દરજજો અપાયો છે. આ દરજ્જો મેળવનારને પણ ખબર છે કે કેટલી વીસે સૉ થાય છે! 

પરન્તુ જાણીને ચૉંકી જવાય છે કે According to the Pew Research Center, there are approximately 7,25,000 undocumented Indian immigrants in the United States as of 2023. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’-એ આ આંકડાના અનુલક્ષમાં ગેકાયદેસરનાઓ સંદર્ભે ભારતને વિશ્વમાં ત્રીજા નમ્બરનું ઉલ્લેખેલું ! — Indians make up 3rd largest illegal immigrant population in US … timesofindia.indiatimes.com

આપણે એમ પૂછી શકીએ કે 7,25,000 undocumented અમેરિકન કે અન્યો ભારતમાં ઘૂસ્યા હોય તો ભારતને પાલવશે? પણ એમ પૂછવું એ રીત પણ વસ્તુલક્ષી નથી. 

જે વ્યક્તિઓને દેશમાં પાછા ફરવું પડ્યું છે એઓ એને સહજ ગણે, ગેરકાયદે રહી પડેલા, હવે કાયદેસર ઘેર જઈએ છીએ, એમ ગણે. સાથોસાથ, એમને માનપૂર્વકનાં નોકરીધંધા મળે એ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ એ જરૂરી છે અને એટલું પૂરતું છે.

= = =

(7Feb25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉંબરો : સપ્તસ્ત્રીઓને આકાશનો ‘અભિષેક’ કરતી ફિલ્મ 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 February 2025

રવીન્દ્ર પારેખ

એક સ્ત્રી સ્વર્ગસ્થ પતિની વર્ષગાંઠ નિમિત્તે કેક બનાવડાવીને બહાર આવે છે ને જેમની સાથે એ આવી હતી એ સ્ત્રીઓને લઈને બસ ઊપડી ગઈ છે. આ એ સ્ત્રી હતી જે પતિના મૃત્યુ પછી પોતાનામાં જ કોકડું વળી ગઈ હતી ને દીકરી અને નણંદમાં જ એનું વિશ્વ પૂરું થઈ જતું હતું. ઉંબરો ઠેકીને બહાર જવાનું એ ભૂલી જ ગઈ હતી, એટલે નાની દીકરી અને નણંદ તેના વગર દસ દિવસ રહી શકશે એવી ખાતરી આપે છે છતાં, તે લંડન જવા તૈયાર નથી. તેને સંકોચ અને ભીરુતા એવાં ઘેરી વળ્યાં છે કે એરપોર્ટ જવાની ક્ષણે જ કારમાંથી વૉશરૂમનું બહાનું કાઢી, ઘરનાં બેડ નીચે સંતાઈ જાય છે. આવી ભીરુ સ્ત્રી લંડનમાં અટવાઈ પડી છે. આમ તો તેનો સ્વભાવ રડવાનો ને સંકોચાવાનો છે, પણ સાવ એકલી પડે છે ને આ એકલતા જ તેની હિંમત બને છે. સરનામું તેની પાસે છે, એટલે ટ્રેનમાં બેસીને મુકામે પહોંચે છે. અહીં તો તેની શોધાશોધ ચાલે છે ને પૂરી પ્રસન્નતાથી તે સૌને આવી મળે છે. 

આવી સાત સ્ત્રીઓ ટ્રાવેલિંગ કંપની હેઠળ લંડનના પ્રવાસે નીકળી છે. કોઈ, કોઈને ઓળખતું નથી. આ સાતે ય જુદાં જુદાં બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના સ્વભાવ, તેમની ઉંમર, તેમનાં કુટુંબ વગેરેમાં સામ્ય નથી. સામ્ય હોય તો તે સામાન્યતાનું છે. કોઈ અસામાન્ય નથી. કોઈ વિધવા છે, કોઈ અખંડ સૌભાગ્યવતી છે, કોઈ મા છે, કોઈ દીકરી છે. દસ દિવસ એકબીજાના સહવાસમાં લડે છે, રડે છે, હસે છે ને એકબીજાનાં મનમાં વસે છે. મા-દીકરી સાથે આવી છે, પણ લંડનમાં અલગ અલગ રૂમમાં રહે છે. માને દીકરીની ચિંતા છે, તો દીકરીને માની ચિંતા છે. ચિંતા એ છે કે પોતે પરણી જશે ને વિધવા મા એકલી રહી જશે. દીકરી પરણે તો મા તેની સાથે પણ રહેવા તૈયાર નથી, એટલે દીકરી માને ફરી પરણાવવાની વેતરણમાં છે. મા એ જાણે છે ત્યારે ખૂબ અકળાય છે. 

દીકરીને નાની મૂકીને એક મા લંડન વસી ગઈ છે. દીકરીને મા સામે બહુ ફરિયાદ છે. બહુ મથામણ પછી એ, માને મળવા જાય છે. ઘણું કહેવું છે, પણ મા સુધી પહોંચતું નથી. માને વર્તમાન જ યાદ નથી, તો ભૂતકાળ ક્યાંથી હોય? દીકરી જાણે છે કે માની સ્થિતિ તો પોતાનાથી ય વધુ દયનીય છે ને દીકરી માને માફ કરી કરી દે છે.

ઘરમાં માંડ મળતું એકાંત અહીં ભરપટ્ટે સૌએ ભોગવવું છે ને માંડ ઉંબરની બહાર નીકળેલી સ્ત્રીઓએ નવું વિશ્વ માણવું છે. પીડા નથી એવું નથી, પણ તે કોઈ જાહેર કરવા માંગતું નથી ને જાહેર તો થાય જ છે, પણ અહીં સહભાગી થનારા પણ છે. લંડનમાં મા અંબાજીનાં દર્શન મોબાઈલ પર દીકરાને કરાવે છે. સાથી સ્ત્રીઓ એવું વાતાવરણ ખડું કરે છે કે આખું કુટુંબ દર્શનનો લાભ લે છે, પણ ભાંડો ફૂટે તો છે જ ! અમદાવાદ છૂટ્યું છે, પણ અગરબત્તી છૂટતી નથી. લંડનની હોટેલમાં અગરબત્તી સળગે તો હોટેલને એ ક્યાંથી માફક આવે? ફોન કરવા અહીં પાઉન્ડ નાખવાનો, પણ ગુજરાતણો રૂપિયો નાખે તો નંબર ક્યાંથી લાગે? લંડનમાં મંગલસૂત્રનો અંગ્રેજને ખુલાસો કરવો પડે, તો એ સામે પૂછે છે કે એવું પતિ માટે કોઈ ‘સૂત્ર’ છે કે નહીં? તો સ્ત્રીઓ કહે છે કે પતિ બધી વાતે ‘મુક્ત’ છે. જ્યૂસ સમજીને અહીં વૉડકા પણ પી જવાય છે. લંડનનાં પોલીસ સ્ટેશનમાં એક ગુજરાતણ વિરોધ કરવા સૂત્રોચ્ચાર કરે છે – અંગેજો ભારત છોડો. તો, બીજી યાદ અપાવે છે કે આપણે જ તેમના દેશમાં છીએ. હળવી ક્ષણો વચ્ચે ગંભીર વાતો પણ વણાતી આવે છે. 

એક રમત આ ગુજરાતણો એવી પણ રમે છે જેમાં એવી ઈચ્છા કહેવાની છે જે કોઈ જાણતું ન હોય. છાયા કહે છે, ’પગ ચાલેને ત્યાં સુધી ચાલવું છે ને મન ભરાય ત્યાં સુધી ફરવું છે.’ આ જ રીતે કોઈએ બાળક દત્તક લેવું છે, તો કોઈએ વ્યવસાય કરવો છે. આમ તો આ સામાન્ય વાતો છે, પણ કોઈને કહેવાઈ નથી, એ પરથી પણ કલ્પી શકાશે કે રૂંધામણ કેટલી હશે ! એવું ઘણી સ્ત્રીઓમાં બને છે કે બીજાનાં સપનાં પૂરા કરવામાં પોતાનાં સપનાં કહેવાતાં જ નથી. દરેકને પોતાની કથા છે ને એની સાથે લંડનમાં બનતી ઘટનાઓનું પોત પણ વણાતું આવે છે. 

સૌ ફરવા નીકળ્યાં છે ને અંતરિયાળ બસ અટકે છે. થોડું તાલમેલિયું લાગે, પણ એક લૂંટારુ ત્યાં આવી ચડે છે ને સૌને લૂંટે છે. એક સૌભાગ્યવતી જીવ જાય તો ભલે, પણ હાથમાંથી બેગ છોડતી નથી ને જીવ પર આવીને એ બેગ જ પેલા લૂંટારુને માથા પર મારી મૂકે છે. પેલાનું માથું ફૂટી જાય છે. બસમાં બધાં પેલી સૌભાગ્યવતીને પૂછે છે કે બેગમાં એવું તે શું હતું કે જીવનું જોખમ વહોરીને પણ લૂંટારુને આપી જ નહીં? સૌભાગ્યવતી રડતાં રડતાં કહે છે કે બેગમાં ‘અસ્થિલોટો’ હતો. અસ્થિ તેની સાસુ ગંગાબાનાં હતાં. એ વૃદ્ધ સાસુને લંડન ફરવું હતું ને તેને માટે તે પૈસા પણ ભેગા કરતી હતી. વહુ કહે છે કે તે તેને લંડન લઈ જશે. સાસુ તો રહેતી નથી, પણ વહુ તેનાં અસ્થિને લંડન બતાવવા /વહાવવા લઈ આવી છે … 

આકાશમાં સપ્તર્ષિ છે, એમ આ સપ્તસ્ત્રીઓ છે. આમ તો સાત સ્ત્રીઓ સરવાળે એક જ ઘરેલુ સ્ત્રીની જિંદગીનાં જુદાં જુદાં સંવેદનોને, ભાષા-બોલીને, પહેરવા-ઓઢવાને પ્રગટ કરે છે. ફિલ્મમાં દરેક સ્ત્રીઓને નામઠામ અપાયાં છે, પણ ખરેખર તો તે નારીરૂપોનું વૈવિધ્ય પ્રગટ કરવા પૂરતાં જ છે. ફિલ્મ થોડી ધીમે શરૂ થતી લાગે, પણ વાર્તાએ પણ ઉંબરો ઓળંગવાનો હતો ને તે પછી તો આકાશી ઉડ્ડયન નક્કી જ હતું – 

એવરેસ્ટ એન્ટરટેન્મેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝની ફિલ્મ ‘ઉંબરો’ મરાઠી ફિલ્મ ‘ઝિમ્મા’ પર આધારિત છે. મૂળ કથા હેમંત ઢોમેની છે. ગુજરાતી ફિલ્મમાં ફેરફારો છે. જેમ કે આમાં ગુજરાતની ઓળખ જેવો ગરબો પણ છે. ફાલ્ગુની પાઠક દ્વારા ગવડાવાયેલા ગરબા ‘લંડનથી લીમડી’નું ફિલ્માંકન પ્રચલિતથી જુદું પડીને ગુજરાતીપણું પણ જાળવે છે. તેની કોરિયોગ્રાફી સાધારણ ગરબાથી જુદી છે. ફિલ્મમાં સંગીત મેહુલ સુરતીનું છે. ગીતો ભાર્ગવ ત્રિવેદીના છે. ‘આપણા મલકના’,’ ઉંબરો’ જેવાં ગીતો ફાલ્ગુની પાઠક, શ્રુતિ પાઠક, મોસુમી દાસ અને મેહુલ સુરતીએ ગાયાં છે. ‘હેલ્લારો’ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર તો મળેલો જ, પણ તેનાં સંગીતકારને પણ મળેલો ને એ રીતે ફિલ્મી સંગીતમાં સુરત રાષ્ટ્રીય નકશા પર મુકાયેલું. આ વખતે પણ ફિલ્મ અને સંગીતને રાષ્ટ્રીય પુરસ્કાર મળે તો આશ્ચર્ય નહીં થાય. ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેકની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. એક રીતે તો તે ‘હેલ્લારો’નો જ વિસ્તાર છે, લોકાલ બદલાયું છે ને ‘હેલ્લારો’નું ભારેખમપણું ‘ઉંબરો’માં હળવાશમાં પરિણમ્યું છે, છતાં એ કોમેડી ફિલ્મ નથી. કેટલીક સાત્ત્વિક વાતો પણ એ હળવાશની સાથે ગૂંથાયેલી છે તે નોંધવું ઘટે. ‘ઉંબરો’ હળવી ફિલ્મ છે, પણ તે હળવાશથી લેવા જેવી નથી. ‘અસ્થિ’વાળું દૃશ્ય અને તેની સાથે જોડાયેલો ફ્લેશબેક હૃદયસ્પર્શી રીતે ફિલ્મમાં આવે છે. એ જ રીતે માને માફ કરતી દીકરી પાણીમાં ડાયરી વહાવે છે એ દૃશ્ય પણ હૃદયંગમ બન્યું છે. 

પટકથા અને સંવાદ અભિષેક અને કેયુ શાહના છે. સિનેમેટોગ્રાફી ત્રિભુવન બાબુ સાદીનેની છે. બિગબેન ટાવર, લંડનની ગલીઓ, ગલીઓમાં વહેતી હોડીઓ, ત્યાંનું નાઈટ કલ્ચર વગેરે … કેમેરામાં સરસ રીતે ઝીલાયું છે. કાજલ ઓઝા વૈદ્ય (છાયા), સુચિતા ત્રિવેદી (વસુધા), દીક્ષા જોશી (અન્વેષા), તર્જની (અવનિ), તેજલ પંચાસરા (સરિતા), વિનીતા એમ. જોશી (સ્મૃતિ), વંદના પાઠક (સીમા), આર્જવ ત્રિવેદી (કીર્તિ), સંજય ગલસર (કિરણ) જેવાં કલાકારોએ બહુ જ સહજ અભિનય કર્યો છે. ગંભીર અને હળવી ક્ષણો ઉપસાવવામાં દરેકે જીવ રેડ્યો છે. 

‘ઉંબરો’ ગુજરાતીમાં બનેલી સ્ત્રી સશક્તીકરણની એક માત્ર ફિલ્મ છે …. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ફેબ્રુઆરી 2025

Loading

ટેન્શન મુક્ત પેન્શન થશે ખરું …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 February 2025

રવીન્દ્ર પારેખ

2025નાં બજેટમાં બાર લાખ સુધીની આવક કરમુક્ત હશે એવી જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરી ને એનો લાભ પેન્શનર્સને પણ મળશે એનો આનંદ છે, પણ કેટલા ય પેન્શનર્સ એવા છે, જે મહિને પેન્શનમાં હજારેક રૂપિયા પણ માંડ મેળવતા હશે ને જેની પેન્શનની આવક વર્ષે બાર હજારની પણ માંડ હશે, તેને બાર લાખની કરમુક્તિનો લાભ લેવા આ જન્મ ઓછો પડે એવું બને, સિવાય કે તેમનું પેન્શન વધે. આમાં નવા બજેટમાં પેન્શન વધવાની વાત તો દૂર રહી, બાર લાખ સુધીની કરમુક્તિની મર્યાદા ઘટી ન જાય તો સારું એવી ફિકર પણ ઘણાંને હશે. 

ગયે વર્ષે ખુદ સી.જે.આઈ. ચંદ્રચૂડે એ મુદ્દે ધ્યાન દોરેલું કે સેવા નિવૃત્ત કેટલાક જજોને વીસેક હજારનું પેન્શન મળે છે એ અપૂરતું છે. આ મામલે કેન્દ્ર સરકારે કૈંક કરવું જોઈએ એવું પણ ચંદ્રચૂડે કહેલું. એ જજોનો પેન્શનનો આંકડો વધ્યો કે કેમ તે તો નથી ખબર, પણ મહિને વીસેક હજારનું પેન્શન પણ ઓછું પડતું હોય, તો પેલો મહિને હજાર મેળવતો પેન્શનર કેવી રીતે ગુજરાન ચલાવતો હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. જજ ન્યાય કરે છે ને તેને પેન્શનમાં અન્યાય થાય છે, તો પત્રકાર સત્ય માટે મથે છે ને તેને પેન્શન ચીંથરું ય માંડ ખરીદાય એટલું જ મળતું હોય, તો સહજ રીતે જીવવા તે ક્યાં સુધી સત્યને વળગી રહેશે તે પ્રશ્ન જ છે. પત્રકારોને મળતું પેન્શન તાત્કાલિક અસરથી વધવું જોઈએ, કારણ આજની મોંઘવારી એ હદે છે કે મહિને લાખનો પગાર પણ ઓછો પડે. એ કારણે જ કદાચ સરકારે મહિનાની લાખ રૂપિયાની આવક કરમુક્ત કરી હોય એમ બને.

સરકાર સમાનતાની વાતો તો કરે છે, પણ ભેદભાવ તમામ ક્ષેત્રોમાં નજરે ચડ્યા વિના રહેતો નથી. એક નિવૃત્ત સરકારી જજ માંડ વીસ હજારનું પેન્શન મેળવે, જ્યારે બીજો નિવૃત્ત મંત્રી તેનાથી ઘણું વધારે પેન્શન મેળવે એ ભેદભાવ નથી તો શું છે? એક સરકારી અધ્યાપક નિવૃત્તિ પછી હજારોનું પેન્શન મેળવે ને એક પ્રાથમિકના શિક્ષકને પેન્શન ન આપવું પડે એટલે કોન્ટ્રાક્ટ પર રખાય કે પેન્શન આપવું પડે એટલે શિક્ષકને કાયમી પણ ન કરાય, એમાં ભેદભાવ જ નથી, ભાવભેદ પણ છે. આમ તો બંને શિક્ષક, પણ આર્થિક બાબતોમાં તફાવત બંને વચ્ચે જમીન આસમાન જેટલો. એક ભરચક પેન્શનને લાયક ને બીજો પેન્શન માટે બધી રીતે અયોગ્ય ! આનો કોઈને જ સંકોચ નથી. સરકારને તો નથી જ !

ગરીબ તો સરકારના ફેંકાયેલા ટુકડા પર જીવી જશે, અમીરને આમ પણ મોંઘવારી નડતી નથી, મરો થાય છે તે મધ્યમવર્ગનો. એને ભીખ નથી મળતી, શીખ જ મળે છે. પગાર, પેન્શનના પ્રશ્નો તો એના છે, પણ એ ઉપેક્ષિત છે. એના મત ખપે છે, પણ એ નથી ખપતો. એ સતત અભાવો વચ્ચે જ જીવે છે. મોંઘવારી અને અભાવ, તેની ચામડી સતત તડતડતી રાખે છે. એના તરફ ધ્યાન અપાવું જોઈએ. 

આજે પણ 36.6 લાખ પેન્શનર્સ એવા છે જે હજાર રૂપિયાથી પણ ઓછું પેન્શન મેળવે છે – ઓછામાં ઓછું પેન્શન હજાર રૂપિયા આપવાનું ફરજિયાત છે છતાં ! એ ભાવ પણ 2014માં નક્કી થયેલો. એ વાતને ય દાયકો થયો. બધું વધ્યું, પણ પેલો પેન્શનનો હજારનો આંકડો એવો જ સ્થિર છે. છાશવારે વધતા ભાવો જો કાબૂ ન થતા હોય તો પેલો હજારનો આંકડો શું કામ કાબૂમાં છે? તે કેમ વધતો નથી? બધે મોંઘવારી ભથ્થું (DA) લાગુ પડે છે તો હજાર પર DA કેમ લાગુ થતું નથી? ગયા જાન્યુઆરીમાં જ એમ્પ્લોયી પેન્શન સ્કિમ (EPS) સંદર્ભે પેન્શન હોલ્ડર્સ રિપ્રેઝન્ટેટિવ્ઝ નાણાં મંત્રી નિર્મલા સીતારામન્‌ને મળ્યા ને તેમણે EPS-95 પેન્શન સ્કિમ મુદ્દે ચર્ચા કરી. ડેલિગેશને નિવૃત્ત સરકારી કર્મચારીઓનાં લઘુત્તમ પેન્શન અને અન્ય માસિક ભથ્થાં સંદર્ભે પણ ચર્ચા કરી. મુદ્દો એ હતો કે હાલના સરકારી નિવૃત્ત કર્મચારીઓ ખૂબ જ ઓછું પેન્શન મેળવે છે. મુખ્ય માંગ હતી પેન્શન વધારાની અને સાથે (DEARNESS ALLOWANCE) DA જોડવાની ! નાણાં મંત્રીએ એ માંગ સ્વીકારવાની ખાતરી તો આપી છે. સરકારનાં ધ્યાન પર એ પણ લાવવામાં આવ્યું છે કે 2014માં નકી થયેલું લઘુત્તમ પેન્શન સરળતાથી નિર્વાહ કરવામાં અપૂરતું છે ને આટલી મોંઘવારીમાં મોંઘવારી ભથ્થું અપાય જ નહીં એ પણ ઠીક નથી. ડેલિગેશને 1,000નું પેન્શન 7,500 કરવાની માંગ મૂકી છે ને સાથે જ પેન્શનર્સને મોંઘવારી ભથ્થું આપવાનું પણ સૂચવ્યું છે. ત્રીજી માંગ એ હતી કે પેન્શનર્સને સરકાર, ફ્રી તબીબી સેવાઓ પૂરી પાડે. 

સરકારે માંગ માની તો છે, પણ એ આપે ત્યારે ખરી. પેન્શન અપડેશન માટે બેન્કો પણ કોશિશ કરે છે, પણ સરકાર વાયદાઓ કરવા સિવાય ખાસ કૈં કરતી નથી. પેન્શનર્સની માંગ પૂરી ન થાય તેનું એક કારણ એ છે કે કોઈ પણ પેન્શનર અત્યારે મૂળ નોકરીમાં નથી. તેઓ બેન્ક કર્મચારી હોત, તો જાહેર વિરોધ કરીને કે હડતાળ પાડીને સરકાર પર દબાણ ઊભું કરી શક્યા હોત, પણ એવું નથી, એટલે પેન્શનર્સે રાહ જોવી જ પડે એ સ્થિતિ છે. ક્યાં સુધી રાહ જોવાની એ નક્કી નથી. બને કે લાભ મળે ને પેન્શનર તે મેળવવા ન પામે. સરકાર આપવામાં કંજૂસ છે ને વસૂલવામાં ઉદાર છે. તેને જુદી જુદી સ્કિમમાં બહુ રસ છે. જાતભાતની સ્કિમને નામે તે તો નાણાં બચાવે જ છે. બેન્કોમાં 2010 પછી પરંપરાગત રીતે પેન્શન આપવાનું સરકારે બંધ કર્યું છે ને તેને બદલે તેણે નવી પેન્શન સ્કિમ દાખલ કરી છે જે શેરબજારની વધઘટ પર નિર્ભર છે. એથી પેન્શનની કોઈ ચોક્કસ રકમ હાથમાં આવે જ એવું નક્કી નહીં. શેર બજારમાં વારંવાર થતી ચડઊતર સૌ કોઈ જાણે છે. એ સંદર્ભે એ, પેન્શન સ્કિમની તંદુરસ્તી કેટલી હશે તે સમજી શકાય એમ છે. ટૂંકમાં, સરકારે કોઈ જવાબદારી સ્વીકાર્યા વગર પેન્શનર્સને ભગવાન ભરોસે જ રાખ્યા છે. આ જોતાં બેન્ક પેન્શનર્સનું અપડેશન થયું તો એ ચમત્કાર જ હશે – 

આવી ચિંતા સાંસદોને, વિધાયકોને કે કોર્પોરેટરોને નથી. પગાર કે પેન્શન કે ભથ્થાં માટે સાંસદોએ હડતાળ પાડવી પડતી નથી. એ તો વિપક્ષો સહિત સૌ સાથે મળીને ‘દેશસેવા’ કરી નાખે છે. ખરેખર તો  એમણે માંગવુ જ પડતું નથી, કારણ અહીં માંગનારા જ આપનારા પણ છે, એટલે પગાર, પેન્શન જેવા મુદ્દે સાંસદો, વિધાયકો કે કોર્પોરેટરોને વાંધો આવતો નથી. વળી પેન્શન માટે તે સૌએ કૈં અન્ય કર્મચારીની જેમ ત્રીસ-પાંત્રીસ વર્ષ વિતાવવા પડતાં નથી. એ લાભ તો પાંચ વર્ષની એક ટર્મ પૂરી થતાં જ લાગુ પડી જાય છે. એ ઉપરાંત એમને છાશવારે ભથ્થાં છૂટતાં રહે છે તે નફામાં. છે ને કમાલ ! એક કર્મચારી ત્રીસ-પાંત્રીસ વર્ષની નોકરી પછી પણ પેન્શન પામતો નથી ને એક મંત્રી પાંચ વર્ષની એક ટર્મ પૂરી થતાંમાં જ પેન્શનથી આજીવન માલામાલ થતો રહે છે. એકને ગોળ ને એકને ખોળ જેવી આ નીતિ બરાબર છે? 

આમ તો માંગ વગર કોઈ વાત માનવામાં આવતી નથી એ પણ એટલું જ સાચું. બીજું, સમજીને તો ભાવ વધારા સિવાય, સરકાર કોઈ વધારો કરતી જ નથી. ખરેખર તો વર્ષો સુધી એક સંસ્થામાં નોકરી કરીને નિવૃત્ત થતાં કર્મચારી, અધિકારીને શેષ જીવન સરળતાથી વીતે એ માટે પૂરતું પેન્શન આપવું જ જોઈએ. પેન્શન હશે તો પેન્શનર કુટુંબમાં પણ માનભેર સચવાશે ને તે પોતે પણ સ્વમાનથી જીવી શકશે. તેને ઓશિયાળું જીવન જીવવાની ફરજ પડે એવું કરવાનો સંસ્થા કે સરકારને કોઈ હક નથી. સાચું તો એ છે કે સરકાર કોઈને તેના હકનું આપવા બહુ ઉત્સુક હોતી જ નથી. તેનું ચાલે તો તે કોઈને જ પેન્શન ન આપે, તો ભલે તેમ, પણ ન આપવાની શરૂઆત તેણે સાંસદો, કેન્દ્રીય મંત્રીઓથી કરવી જોઈએ … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ફેબ્રુઆરી 2025

Loading

...102030...392393394395...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved