
રવીન્દ્ર પારેખ
એક સ્ત્રી સ્વર્ગસ્થ પતિની વર્ષગાંઠ નિમિત્તે કેક બનાવડાવીને બહાર આવે છે ને જેમની સાથે એ આવી હતી એ સ્ત્રીઓને લઈને બસ ઊપડી ગઈ છે. આ એ સ્ત્રી હતી જે પતિના મૃત્યુ પછી પોતાનામાં જ કોકડું વળી ગઈ હતી ને દીકરી અને નણંદમાં જ એનું વિશ્વ પૂરું થઈ જતું હતું. ઉંબરો ઠેકીને બહાર જવાનું એ ભૂલી જ ગઈ હતી, એટલે નાની દીકરી અને નણંદ તેના વગર દસ દિવસ રહી શકશે એવી ખાતરી આપે છે છતાં, તે લંડન જવા તૈયાર નથી. તેને સંકોચ અને ભીરુતા એવાં ઘેરી વળ્યાં છે કે એરપોર્ટ જવાની ક્ષણે જ કારમાંથી વૉશરૂમનું બહાનું કાઢી, ઘરનાં બેડ નીચે સંતાઈ જાય છે. આવી ભીરુ સ્ત્રી લંડનમાં અટવાઈ પડી છે. આમ તો તેનો સ્વભાવ રડવાનો ને સંકોચાવાનો છે, પણ સાવ એકલી પડે છે ને આ એકલતા જ તેની હિંમત બને છે. સરનામું તેની પાસે છે, એટલે ટ્રેનમાં બેસીને મુકામે પહોંચે છે. અહીં તો તેની શોધાશોધ ચાલે છે ને પૂરી પ્રસન્નતાથી તે સૌને આવી મળે છે.
આવી સાત સ્ત્રીઓ ટ્રાવેલિંગ કંપની હેઠળ લંડનના પ્રવાસે નીકળી છે. કોઈ, કોઈને ઓળખતું નથી. આ સાતે ય જુદાં જુદાં બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના સ્વભાવ, તેમની ઉંમર, તેમનાં કુટુંબ વગેરેમાં સામ્ય નથી. સામ્ય હોય તો તે સામાન્યતાનું છે. કોઈ અસામાન્ય નથી. કોઈ વિધવા છે, કોઈ અખંડ સૌભાગ્યવતી છે, કોઈ મા છે, કોઈ દીકરી છે. દસ દિવસ એકબીજાના સહવાસમાં લડે છે, રડે છે, હસે છે ને એકબીજાનાં મનમાં વસે છે. મા-દીકરી સાથે આવી છે, પણ લંડનમાં અલગ અલગ રૂમમાં રહે છે. માને દીકરીની ચિંતા છે, તો દીકરીને માની ચિંતા છે. ચિંતા એ છે કે પોતે પરણી જશે ને વિધવા મા એકલી રહી જશે. દીકરી પરણે તો મા તેની સાથે પણ રહેવા તૈયાર નથી, એટલે દીકરી માને ફરી પરણાવવાની વેતરણમાં છે. મા એ જાણે છે ત્યારે ખૂબ અકળાય છે.
દીકરીને નાની મૂકીને એક મા લંડન વસી ગઈ છે. દીકરીને મા સામે બહુ ફરિયાદ છે. બહુ મથામણ પછી એ, માને મળવા જાય છે. ઘણું કહેવું છે, પણ મા સુધી પહોંચતું નથી. માને વર્તમાન જ યાદ નથી, તો ભૂતકાળ ક્યાંથી હોય? દીકરી જાણે છે કે માની સ્થિતિ તો પોતાનાથી ય વધુ દયનીય છે ને દીકરી માને માફ કરી કરી દે છે.
ઘરમાં માંડ મળતું એકાંત અહીં ભરપટ્ટે સૌએ ભોગવવું છે ને માંડ ઉંબરની બહાર નીકળેલી સ્ત્રીઓએ નવું વિશ્વ માણવું છે. પીડા નથી એવું નથી, પણ તે કોઈ જાહેર કરવા માંગતું નથી ને જાહેર તો થાય જ છે, પણ અહીં સહભાગી થનારા પણ છે. લંડનમાં મા અંબાજીનાં દર્શન મોબાઈલ પર દીકરાને કરાવે છે. સાથી સ્ત્રીઓ એવું વાતાવરણ ખડું કરે છે કે આખું કુટુંબ દર્શનનો લાભ લે છે, પણ ભાંડો ફૂટે તો છે જ ! અમદાવાદ છૂટ્યું છે, પણ અગરબત્તી છૂટતી નથી. લંડનની હોટેલમાં અગરબત્તી સળગે તો હોટેલને એ ક્યાંથી માફક આવે? ફોન કરવા અહીં પાઉન્ડ નાખવાનો, પણ ગુજરાતણો રૂપિયો નાખે તો નંબર ક્યાંથી લાગે? લંડનમાં મંગલસૂત્રનો અંગ્રેજને ખુલાસો કરવો પડે, તો એ સામે પૂછે છે કે એવું પતિ માટે કોઈ ‘સૂત્ર’ છે કે નહીં? તો સ્ત્રીઓ કહે છે કે પતિ બધી વાતે ‘મુક્ત’ છે. જ્યૂસ સમજીને અહીં વૉડકા પણ પી જવાય છે. લંડનનાં પોલીસ સ્ટેશનમાં એક ગુજરાતણ વિરોધ કરવા સૂત્રોચ્ચાર કરે છે – અંગેજો ભારત છોડો. તો, બીજી યાદ અપાવે છે કે આપણે જ તેમના દેશમાં છીએ. હળવી ક્ષણો વચ્ચે ગંભીર વાતો પણ વણાતી આવે છે.
એક રમત આ ગુજરાતણો એવી પણ રમે છે જેમાં એવી ઈચ્છા કહેવાની છે જે કોઈ જાણતું ન હોય. છાયા કહે છે, ’પગ ચાલેને ત્યાં સુધી ચાલવું છે ને મન ભરાય ત્યાં સુધી ફરવું છે.’ આ જ રીતે કોઈએ બાળક દત્તક લેવું છે, તો કોઈએ વ્યવસાય કરવો છે. આમ તો આ સામાન્ય વાતો છે, પણ કોઈને કહેવાઈ નથી, એ પરથી પણ કલ્પી શકાશે કે રૂંધામણ કેટલી હશે ! એવું ઘણી સ્ત્રીઓમાં બને છે કે બીજાનાં સપનાં પૂરા કરવામાં પોતાનાં સપનાં કહેવાતાં જ નથી. દરેકને પોતાની કથા છે ને એની સાથે લંડનમાં બનતી ઘટનાઓનું પોત પણ વણાતું આવે છે.
સૌ ફરવા નીકળ્યાં છે ને અંતરિયાળ બસ અટકે છે. થોડું તાલમેલિયું લાગે, પણ એક લૂંટારુ ત્યાં આવી ચડે છે ને સૌને લૂંટે છે. એક સૌભાગ્યવતી જીવ જાય તો ભલે, પણ હાથમાંથી બેગ છોડતી નથી ને જીવ પર આવીને એ બેગ જ પેલા લૂંટારુને માથા પર મારી મૂકે છે. પેલાનું માથું ફૂટી જાય છે. બસમાં બધાં પેલી સૌભાગ્યવતીને પૂછે છે કે બેગમાં એવું તે શું હતું કે જીવનું જોખમ વહોરીને પણ લૂંટારુને આપી જ નહીં? સૌભાગ્યવતી રડતાં રડતાં કહે છે કે બેગમાં ‘અસ્થિલોટો’ હતો. અસ્થિ તેની સાસુ ગંગાબાનાં હતાં. એ વૃદ્ધ સાસુને લંડન ફરવું હતું ને તેને માટે તે પૈસા પણ ભેગા કરતી હતી. વહુ કહે છે કે તે તેને લંડન લઈ જશે. સાસુ તો રહેતી નથી, પણ વહુ તેનાં અસ્થિને લંડન બતાવવા /વહાવવા લઈ આવી છે …
આકાશમાં સપ્તર્ષિ છે, એમ આ સપ્તસ્ત્રીઓ છે. આમ તો સાત સ્ત્રીઓ સરવાળે એક જ ઘરેલુ સ્ત્રીની જિંદગીનાં જુદાં જુદાં સંવેદનોને, ભાષા-બોલીને, પહેરવા-ઓઢવાને પ્રગટ કરે છે. ફિલ્મમાં દરેક સ્ત્રીઓને નામઠામ અપાયાં છે, પણ ખરેખર તો તે નારીરૂપોનું વૈવિધ્ય પ્રગટ કરવા પૂરતાં જ છે. ફિલ્મ થોડી ધીમે શરૂ થતી લાગે, પણ વાર્તાએ પણ ઉંબરો ઓળંગવાનો હતો ને તે પછી તો આકાશી ઉડ્ડયન નક્કી જ હતું –
એવરેસ્ટ એન્ટરટેન્મેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝની ફિલ્મ ‘ઉંબરો’ મરાઠી ફિલ્મ ‘ઝિમ્મા’ પર આધારિત છે. મૂળ કથા હેમંત ઢોમેની છે. ગુજરાતી ફિલ્મમાં ફેરફારો છે. જેમ કે આમાં ગુજરાતની ઓળખ જેવો ગરબો પણ છે. ફાલ્ગુની પાઠક દ્વારા ગવડાવાયેલા ગરબા ‘લંડનથી લીમડી’નું ફિલ્માંકન પ્રચલિતથી જુદું પડીને ગુજરાતીપણું પણ જાળવે છે. તેની કોરિયોગ્રાફી સાધારણ ગરબાથી જુદી છે. ફિલ્મમાં સંગીત મેહુલ સુરતીનું છે. ગીતો ભાર્ગવ ત્રિવેદીના છે. ‘આપણા મલકના’,’ ઉંબરો’ જેવાં ગીતો ફાલ્ગુની પાઠક, શ્રુતિ પાઠક, મોસુમી દાસ અને મેહુલ સુરતીએ ગાયાં છે. ‘હેલ્લારો’ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર તો મળેલો જ, પણ તેનાં સંગીતકારને પણ મળેલો ને એ રીતે ફિલ્મી સંગીતમાં સુરત રાષ્ટ્રીય નકશા પર મુકાયેલું. આ વખતે પણ ફિલ્મ અને સંગીતને રાષ્ટ્રીય પુરસ્કાર મળે તો આશ્ચર્ય નહીં થાય. ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેકની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. એક રીતે તો તે ‘હેલ્લારો’નો જ વિસ્તાર છે, લોકાલ બદલાયું છે ને ‘હેલ્લારો’નું ભારેખમપણું ‘ઉંબરો’માં હળવાશમાં પરિણમ્યું છે, છતાં એ કોમેડી ફિલ્મ નથી. કેટલીક સાત્ત્વિક વાતો પણ એ હળવાશની સાથે ગૂંથાયેલી છે તે નોંધવું ઘટે. ‘ઉંબરો’ હળવી ફિલ્મ છે, પણ તે હળવાશથી લેવા જેવી નથી. ‘અસ્થિ’વાળું દૃશ્ય અને તેની સાથે જોડાયેલો ફ્લેશબેક હૃદયસ્પર્શી રીતે ફિલ્મમાં આવે છે. એ જ રીતે માને માફ કરતી દીકરી પાણીમાં ડાયરી વહાવે છે એ દૃશ્ય પણ હૃદયંગમ બન્યું છે.
પટકથા અને સંવાદ અભિષેક અને કેયુ શાહના છે. સિનેમેટોગ્રાફી ત્રિભુવન બાબુ સાદીનેની છે. બિગબેન ટાવર, લંડનની ગલીઓ, ગલીઓમાં વહેતી હોડીઓ, ત્યાંનું નાઈટ કલ્ચર વગેરે … કેમેરામાં સરસ રીતે ઝીલાયું છે. કાજલ ઓઝા વૈદ્ય (છાયા), સુચિતા ત્રિવેદી (વસુધા), દીક્ષા જોશી (અન્વેષા), તર્જની (અવનિ), તેજલ પંચાસરા (સરિતા), વિનીતા એમ. જોશી (સ્મૃતિ), વંદના પાઠક (સીમા), આર્જવ ત્રિવેદી (કીર્તિ), સંજય ગલસર (કિરણ) જેવાં કલાકારોએ બહુ જ સહજ અભિનય કર્યો છે. ગંભીર અને હળવી ક્ષણો ઉપસાવવામાં દરેકે જીવ રેડ્યો છે.
‘ઉંબરો’ ગુજરાતીમાં બનેલી સ્ત્રી સશક્તીકરણની એક માત્ર ફિલ્મ છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ફેબ્રુઆરી 2025