
રવીન્દ્ર પારેખ
2025નાં બજેટમાં બાર લાખ સુધીની આવક કરમુક્ત હશે એવી જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરી ને એનો લાભ પેન્શનર્સને પણ મળશે એનો આનંદ છે, પણ કેટલા ય પેન્શનર્સ એવા છે, જે મહિને પેન્શનમાં હજારેક રૂપિયા પણ માંડ મેળવતા હશે ને જેની પેન્શનની આવક વર્ષે બાર હજારની પણ માંડ હશે, તેને બાર લાખની કરમુક્તિનો લાભ લેવા આ જન્મ ઓછો પડે એવું બને, સિવાય કે તેમનું પેન્શન વધે. આમાં નવા બજેટમાં પેન્શન વધવાની વાત તો દૂર રહી, બાર લાખ સુધીની કરમુક્તિની મર્યાદા ઘટી ન જાય તો સારું એવી ફિકર પણ ઘણાંને હશે.
ગયે વર્ષે ખુદ સી.જે.આઈ. ચંદ્રચૂડે એ મુદ્દે ધ્યાન દોરેલું કે સેવા નિવૃત્ત કેટલાક જજોને વીસેક હજારનું પેન્શન મળે છે એ અપૂરતું છે. આ મામલે કેન્દ્ર સરકારે કૈંક કરવું જોઈએ એવું પણ ચંદ્રચૂડે કહેલું. એ જજોનો પેન્શનનો આંકડો વધ્યો કે કેમ તે તો નથી ખબર, પણ મહિને વીસેક હજારનું પેન્શન પણ ઓછું પડતું હોય, તો પેલો મહિને હજાર મેળવતો પેન્શનર કેવી રીતે ગુજરાન ચલાવતો હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. જજ ન્યાય કરે છે ને તેને પેન્શનમાં અન્યાય થાય છે, તો પત્રકાર સત્ય માટે મથે છે ને તેને પેન્શન ચીંથરું ય માંડ ખરીદાય એટલું જ મળતું હોય, તો સહજ રીતે જીવવા તે ક્યાં સુધી સત્યને વળગી રહેશે તે પ્રશ્ન જ છે. પત્રકારોને મળતું પેન્શન તાત્કાલિક અસરથી વધવું જોઈએ, કારણ આજની મોંઘવારી એ હદે છે કે મહિને લાખનો પગાર પણ ઓછો પડે. એ કારણે જ કદાચ સરકારે મહિનાની લાખ રૂપિયાની આવક કરમુક્ત કરી હોય એમ બને.
સરકાર સમાનતાની વાતો તો કરે છે, પણ ભેદભાવ તમામ ક્ષેત્રોમાં નજરે ચડ્યા વિના રહેતો નથી. એક નિવૃત્ત સરકારી જજ માંડ વીસ હજારનું પેન્શન મેળવે, જ્યારે બીજો નિવૃત્ત મંત્રી તેનાથી ઘણું વધારે પેન્શન મેળવે એ ભેદભાવ નથી તો શું છે? એક સરકારી અધ્યાપક નિવૃત્તિ પછી હજારોનું પેન્શન મેળવે ને એક પ્રાથમિકના શિક્ષકને પેન્શન ન આપવું પડે એટલે કોન્ટ્રાક્ટ પર રખાય કે પેન્શન આપવું પડે એટલે શિક્ષકને કાયમી પણ ન કરાય, એમાં ભેદભાવ જ નથી, ભાવભેદ પણ છે. આમ તો બંને શિક્ષક, પણ આર્થિક બાબતોમાં તફાવત બંને વચ્ચે જમીન આસમાન જેટલો. એક ભરચક પેન્શનને લાયક ને બીજો પેન્શન માટે બધી રીતે અયોગ્ય ! આનો કોઈને જ સંકોચ નથી. સરકારને તો નથી જ !
ગરીબ તો સરકારના ફેંકાયેલા ટુકડા પર જીવી જશે, અમીરને આમ પણ મોંઘવારી નડતી નથી, મરો થાય છે તે મધ્યમવર્ગનો. એને ભીખ નથી મળતી, શીખ જ મળે છે. પગાર, પેન્શનના પ્રશ્નો તો એના છે, પણ એ ઉપેક્ષિત છે. એના મત ખપે છે, પણ એ નથી ખપતો. એ સતત અભાવો વચ્ચે જ જીવે છે. મોંઘવારી અને અભાવ, તેની ચામડી સતત તડતડતી રાખે છે. એના તરફ ધ્યાન અપાવું જોઈએ.
આજે પણ 36.6 લાખ પેન્શનર્સ એવા છે જે હજાર રૂપિયાથી પણ ઓછું પેન્શન મેળવે છે – ઓછામાં ઓછું પેન્શન હજાર રૂપિયા આપવાનું ફરજિયાત છે છતાં ! એ ભાવ પણ 2014માં નક્કી થયેલો. એ વાતને ય દાયકો થયો. બધું વધ્યું, પણ પેલો પેન્શનનો હજારનો આંકડો એવો જ સ્થિર છે. છાશવારે વધતા ભાવો જો કાબૂ ન થતા હોય તો પેલો હજારનો આંકડો શું કામ કાબૂમાં છે? તે કેમ વધતો નથી? બધે મોંઘવારી ભથ્થું (DA) લાગુ પડે છે તો હજાર પર DA કેમ લાગુ થતું નથી? ગયા જાન્યુઆરીમાં જ એમ્પ્લોયી પેન્શન સ્કિમ (EPS) સંદર્ભે પેન્શન હોલ્ડર્સ રિપ્રેઝન્ટેટિવ્ઝ નાણાં મંત્રી નિર્મલા સીતારામન્ને મળ્યા ને તેમણે EPS-95 પેન્શન સ્કિમ મુદ્દે ચર્ચા કરી. ડેલિગેશને નિવૃત્ત સરકારી કર્મચારીઓનાં લઘુત્તમ પેન્શન અને અન્ય માસિક ભથ્થાં સંદર્ભે પણ ચર્ચા કરી. મુદ્દો એ હતો કે હાલના સરકારી નિવૃત્ત કર્મચારીઓ ખૂબ જ ઓછું પેન્શન મેળવે છે. મુખ્ય માંગ હતી પેન્શન વધારાની અને સાથે (DEARNESS ALLOWANCE) DA જોડવાની ! નાણાં મંત્રીએ એ માંગ સ્વીકારવાની ખાતરી તો આપી છે. સરકારનાં ધ્યાન પર એ પણ લાવવામાં આવ્યું છે કે 2014માં નકી થયેલું લઘુત્તમ પેન્શન સરળતાથી નિર્વાહ કરવામાં અપૂરતું છે ને આટલી મોંઘવારીમાં મોંઘવારી ભથ્થું અપાય જ નહીં એ પણ ઠીક નથી. ડેલિગેશને 1,000નું પેન્શન 7,500 કરવાની માંગ મૂકી છે ને સાથે જ પેન્શનર્સને મોંઘવારી ભથ્થું આપવાનું પણ સૂચવ્યું છે. ત્રીજી માંગ એ હતી કે પેન્શનર્સને સરકાર, ફ્રી તબીબી સેવાઓ પૂરી પાડે.
સરકારે માંગ માની તો છે, પણ એ આપે ત્યારે ખરી. પેન્શન અપડેશન માટે બેન્કો પણ કોશિશ કરે છે, પણ સરકાર વાયદાઓ કરવા સિવાય ખાસ કૈં કરતી નથી. પેન્શનર્સની માંગ પૂરી ન થાય તેનું એક કારણ એ છે કે કોઈ પણ પેન્શનર અત્યારે મૂળ નોકરીમાં નથી. તેઓ બેન્ક કર્મચારી હોત, તો જાહેર વિરોધ કરીને કે હડતાળ પાડીને સરકાર પર દબાણ ઊભું કરી શક્યા હોત, પણ એવું નથી, એટલે પેન્શનર્સે રાહ જોવી જ પડે એ સ્થિતિ છે. ક્યાં સુધી રાહ જોવાની એ નક્કી નથી. બને કે લાભ મળે ને પેન્શનર તે મેળવવા ન પામે. સરકાર આપવામાં કંજૂસ છે ને વસૂલવામાં ઉદાર છે. તેને જુદી જુદી સ્કિમમાં બહુ રસ છે. જાતભાતની સ્કિમને નામે તે તો નાણાં બચાવે જ છે. બેન્કોમાં 2010 પછી પરંપરાગત રીતે પેન્શન આપવાનું સરકારે બંધ કર્યું છે ને તેને બદલે તેણે નવી પેન્શન સ્કિમ દાખલ કરી છે જે શેરબજારની વધઘટ પર નિર્ભર છે. એથી પેન્શનની કોઈ ચોક્કસ રકમ હાથમાં આવે જ એવું નક્કી નહીં. શેર બજારમાં વારંવાર થતી ચડઊતર સૌ કોઈ જાણે છે. એ સંદર્ભે એ, પેન્શન સ્કિમની તંદુરસ્તી કેટલી હશે તે સમજી શકાય એમ છે. ટૂંકમાં, સરકારે કોઈ જવાબદારી સ્વીકાર્યા વગર પેન્શનર્સને ભગવાન ભરોસે જ રાખ્યા છે. આ જોતાં બેન્ક પેન્શનર્સનું અપડેશન થયું તો એ ચમત્કાર જ હશે –
આવી ચિંતા સાંસદોને, વિધાયકોને કે કોર્પોરેટરોને નથી. પગાર કે પેન્શન કે ભથ્થાં માટે સાંસદોએ હડતાળ પાડવી પડતી નથી. એ તો વિપક્ષો સહિત સૌ સાથે મળીને ‘દેશસેવા’ કરી નાખે છે. ખરેખર તો એમણે માંગવુ જ પડતું નથી, કારણ અહીં માંગનારા જ આપનારા પણ છે, એટલે પગાર, પેન્શન જેવા મુદ્દે સાંસદો, વિધાયકો કે કોર્પોરેટરોને વાંધો આવતો નથી. વળી પેન્શન માટે તે સૌએ કૈં અન્ય કર્મચારીની જેમ ત્રીસ-પાંત્રીસ વર્ષ વિતાવવા પડતાં નથી. એ લાભ તો પાંચ વર્ષની એક ટર્મ પૂરી થતાં જ લાગુ પડી જાય છે. એ ઉપરાંત એમને છાશવારે ભથ્થાં છૂટતાં રહે છે તે નફામાં. છે ને કમાલ ! એક કર્મચારી ત્રીસ-પાંત્રીસ વર્ષની નોકરી પછી પણ પેન્શન પામતો નથી ને એક મંત્રી પાંચ વર્ષની એક ટર્મ પૂરી થતાંમાં જ પેન્શનથી આજીવન માલામાલ થતો રહે છે. એકને ગોળ ને એકને ખોળ જેવી આ નીતિ બરાબર છે?
આમ તો માંગ વગર કોઈ વાત માનવામાં આવતી નથી એ પણ એટલું જ સાચું. બીજું, સમજીને તો ભાવ વધારા સિવાય, સરકાર કોઈ વધારો કરતી જ નથી. ખરેખર તો વર્ષો સુધી એક સંસ્થામાં નોકરી કરીને નિવૃત્ત થતાં કર્મચારી, અધિકારીને શેષ જીવન સરળતાથી વીતે એ માટે પૂરતું પેન્શન આપવું જ જોઈએ. પેન્શન હશે તો પેન્શનર કુટુંબમાં પણ માનભેર સચવાશે ને તે પોતે પણ સ્વમાનથી જીવી શકશે. તેને ઓશિયાળું જીવન જીવવાની ફરજ પડે એવું કરવાનો સંસ્થા કે સરકારને કોઈ હક નથી. સાચું તો એ છે કે સરકાર કોઈને તેના હકનું આપવા બહુ ઉત્સુક હોતી જ નથી. તેનું ચાલે તો તે કોઈને જ પેન્શન ન આપે, તો ભલે તેમ, પણ ન આપવાની શરૂઆત તેણે સાંસદો, કેન્દ્રીય મંત્રીઓથી કરવી જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ફેબ્રુઆરી 2025