Opinion Magazine
Number of visits: 9871762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફોર્બ્સની યાદીમાં નથી એવો ફાર્બસ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|1 April 2015

એલેક્ઝાંડર કિનલોક ફોર્બ્સ (૧૮૨૧-૧૮૬૫) એ સવાયો ગુજરાતી એવો અંગ્રેજ અમલદાર હતો. ગુજરાતીઓ એ નામથી કદાચ એટલા માટે વાકેફ નથી કે તેનું નામ 'ફોર્બ્સ'ની યાદીમાં ચમક્યું નથી. 'ફાર્બસસાહેબ' તરીકે જાણીતા એ ગોરાએ કવિ દલપતરામ પાસે ગુજરાતી ભાષા શીખી હતી. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃિત અને કલા માટે તેણે ભેખ લીધો હોય એવું કામ કર્યું છે. મુંબઈમાં તેણે સ્થાપેલી 'ગુજરાતી સભા'એ ૧૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ વર્ષે ઓગસ્ટમાં તેમની ૧૫૦મી મૃત્યુિતથિ છે ત્યારે તેમણે કરેલાં કામ પ્રત્યે કૃતજ્ઞા થવાનો અવસર છે

ધારો કે, કોઇ ગુજરાતી વ્યક્તિ ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'માં હોટ સીટ પર બેઠી છે. લાખ રૂપિયા માટે બચ્ચનસાહેબ તેને સવાલ પૂછે છે. એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ જો કી ફાર્બસ કે નામ સે જાને જાતે થે વહ કૌન થે? એ – ફોર્બ્સ મેગેઝિન કે સંપાદક, બી- ફોર્ડ કાર કંપની કે સ્થાપક, સી – એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કે પિતાજી, ડી – ફાર્બસ ગુજરાતી સભા કે સ્થાપક. ઇન ચારોં વિકલ્પ મેં સે કિસી એક પર મોહર લગાઇયેં.

બચ્ચનના આ સવાલ પછી શક્યતા એવી ઊભી થઈ શકે કે એ ગુજરાતી કન્ટેસ્ટન્ટે ફોન – ઓ – ફ્રેન્ડ હેલ્પલાઈનની મદદ લેવી પડે. કે.બી.સી.માં તો સ્પર્ધકે તૈયારી કરીને જવાનું હોય છે તેથી જવાબ કદાચ આવડી જાય, પણ આ સવાલ અણધાર્યો કોઈ ગુજરાતીને પૂછવામાં આવે તો નેવું ટકા ગુજરાતીને એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કોણ છે એની ખબર ન હોય.

ગુજરાતી માધ્યમમાં ભણેલા કોઈ વિદ્યાર્થીને કદાચ એટલું ભળભાંખળ્યું હોય કે ફાર્બસ એ એક અંગ્રેજ હતા અને કવિ દલપતરામના દોસ્ત હતા. દલપતરામે તેમના પર કવિતા લખી હતી જે અમારે ભણવામાં આવતી હતી. બહુ લાંબી હતી અને બોરિંગ હતી.

કોઈ આવું કહે તો એ તેનો નિખાલસ અભિપ્રાય હોઈ શકે છે. એમાં એ વિદ્યાર્થી કે વ્યક્તિનો બિલકુલ વાંક નથી. વાંક તેને ભણાવનાર માસ્તરો અને માસ્તરાણીઓનો છે. ગોળામાં હોય તો ગ્લાસમાં આવે ને? એના જેવી આ વાત છે. મોટા ભાગના ટીચર્સ સ્ટુડન્ટ્સને કાવ્યનો રસાસ્વાદ કરાવતા જ નથી. એ સરકારી નોકર હોય અને સરકારી કામ પતાવતા હોય એમ જ કવિતા અને પાઠ ભણાવી દે છે. એમાં દલપતરામ પણ દૂર રહી જાય છે અને ફાર્બસના નામે ફારસ થઈ જાય છે. તેથી કોઈ ગુજરાતીની ફાર્બસ વિશેની જાણકારી અધકચરી હોય એ તેનો વાંક નથી. વાંક માસ્તરોનો અને માસ્તરાણીઓનો છે. એ માસ્તરોને ભરતી કરતી અને વળી, વિદ્યાસહાયકના રૂપાળા નામે તેમનું શોષણ કરતી સરકારી વ્યવસ્થાઓનો વાંક છે. આ વાંક નંબર એક.

શૈક્ષણિક સેક્ટર પરથી સામાજિક ક્ષેત્રે ઠેકડો મારીએ. આપણા સમાજમાં સાંસ્કૃિતક બાબતો પ્રત્યે ઝુકાવ ખરો. એ ઝુકાવ પણ એવી જ સાંસ્કૃિતક બાબતો પ્રત્યે છે જે ધર્મ તરફ ઝૂકેલી હોય. જ્ઞાાનપરંપરાને અનુસરતી સાંસ્કૃિતક બાબતો પ્રત્યે પ્રજા તરીકે આપણે થોડા ઉદાસીન છીએ. આપણે ત્યાં ફલાણા મહારાજનું મંદિર, અન્નક્ષેત્ર કે ભજનકેન્દ્ર કે સપ્તાહ શરૂ કરવાના હોય તો સખાવતી, સેવાકર્મીઓ અને ભક્તજનોની લાઈન લાગી જાય છે.

મધ્યકાલીન પરંપરામાં ગુજરાતમાં થઈ ગયેલા એજ્યુકેશન રિફોર્મર્સ કે અખા ભગતના છપ્પાના મોડર્ન મૂલ્યાંકન વિશે વર્કશોપ યોજવી હોય તો માણસના નામે કાગડા ઊડે.

જેમના પ્રદાન વિશે કોઈ નક્કર દસ્તાવેજી માહિતી મળતી નથી એવા પરચાવાળા રહસ્યવાદવાળા, પાળિયા તેમ જ પોઠિયા જ આપણે ત્યાં વધુ પૂજાય છે. જેણે કશુંક નક્કર કર્યું હોય એવા માણસોનાં નામ સુધ્ધાંની ખબર હોતી નથી. આ આપણો વાંક નંબર બે.

આટલી ભૂમિકા પછી હવે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ પર આવીએ. ફાર્બસસાહેબને યાદ કરવાનું કારણ એ કે 'ફાર્બસ ગુજરાતી સભા'એ ગયા અઠવાડિયે ૧૫૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ ખરેખર ગૌરવ કરવા જેવી વાત છે.

ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ૨૫ માર્ચ, ૧૮૬૫ના રોજ થઈ હતી. ગયા બુધવારે એને દોઢસો વર્ષ થયાં છે. સંસ્થા કાર્યરત છે અને તેનું મથક મુંબઈમાં છે. ગુજરાતી ભાષા કે સાહિત્ય કે સંશોધનમાં કાર્યરત આટલી જૂની સંસ્થા ખૂબ ઓછી છે. આ સંસ્થા સાથે વર્ષોથી આજ સુધી સંનિષ્ઠ નામો સંકળાયેલાં રહ્યાં છે. આ ઉંમરે પણ આ સંસ્થા ખંતપૂર્વક કામ કરે છે એ ગુજરાતી સાહિત્ય અને ભાષા માટે હર્ષમુદ્રા છે.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છાપ આપણા મનમાં ખૂબ નઠારી છે. જે સાચું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ તરીકે ૧૮૪૨માં સિવિલ સર્વિસ હેઠળ ફાર્બસની નિમણૂક થાય છે. ૧૫ નવેમ્બર, ૧૮૪૩માં મુંબઈના દરિયાકાંઠે ઊતરે છે. એનાં ત્રણ વર્ષ પછી ૧૮૪૬માં ૧૫ નવેમ્બરે ફાર્બસ અમદાવાદ આસિસ્ટન્ટ જજ તરીકે આવે છે.

અમદાવાદ સ્થાપત્યકળાથી ભરપૂર શહેર છે. અમદાવાદમાં મુઘલકાલીન, હિન્દુ તેમ જ જૈન સ્થાપત્યના બેજોડ નમૂના આજે પણ શહેરનું નાક ગણાય છે. ફાર્બસ મૂળે સ્થાપત્યના શોખીન જીવ. તેમના ગુરુ સર વિલિમ જોન્સ હતા. જે પણ ભારતના સ્થાપત્ય વારસાથી પ્રભાવિત હતા. ફાર્બસ ભારત આવ્યા એ અગાઉ શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ કરતા હતા. તેમની નિમણૂક થઈ એટલે તેમણે શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ પડતો મૂક્યો હતો. અભ્યાસ પડતો મૂક્યો હતો, પણ એના પ્રત્યેની અભિરુચિ અકબંધ હતી. અમદાવાદ આવવું એ ફાર્બસ માટે ઈષ્ટ એન્ટ્રી સાબિત થયું. તેમને ઇતિહાસ, સંસ્કૃિત અને સ્થાપત્યમાં ઊંડા ઊતરવાની ઇચ્છા થઈ. તેમને થયું કે એના માટે ગુજરાતી શીખવું બહેતર રહેશે. તેમણે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ પાસેથી ગુજરાતી શીખવાની શરૂઆત કરી. ભોગીલાલ માસ્તર અમદાવાદમાં ૧૮૪૬માં સ્થપાયેલી પહેલી અંગ્રેજી શાળાના હેડ માસ્તર હતા. તેમની રુચિ વધારે ઊંડી ઊતરતી ગઈ. એ વખતે અમદાવાદની દીવાની અદાલતના તેમના સાથીદાર ભોળાનાથ સારાભાઈ(૧૮૨૨ – ૧૮૮૬)એ તેમને કવિ દલપતરામનું નામ સૂચવ્યું. દલપતરામ એ વખતે વઢવાણ રહેતા હતા. ભોળાનાથ સારાભાઈના આગ્રહથી તેમ જ આસિસ્ટન્ટ જજ એવા ખુદ ફાર્બસની વિનંતીથી દલપતરામ ૧૮૪૮માં અમદાવાદ આવ્યા હતા.

દલપતરામ ડાહ્યાભાઈ(૧૮૨૦ – ૧૮૯૮)ની અમદાવાદમાં પધરામણી એ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃિતનું નવું સોપાન લઈને આવી હતી. ફાર્બસ અને દલપતરામનો પ્રથમ મેળાપ ૧ નવેમ્બર, ૧૮૪૮ના રોજ થયો હતો. એ મિટિંગ રસપ્રદ હતી. ફાર્બસે કહ્યું કે તમે મને ગુજરાતી શીખવવાનો પગાર કેટલો લેશો? દલપતરામે શરૂઆતમાં તો જવાબ ટાળ્યો. વાત આગળ વધી એટલે દલપતરામે કહ્યું કે મારો પારિવારિક ખર્ચ ૧૨૫ રૂપિયા છે. ફાર્બસ તો ચોંકી ગયા? ફાર્બસે કહ્યું કે મારો પગાર ૮૦૦ રૂપિયા જેટલો છે ત્યાં તમને હું ૧૨૫ રૂપિયા કેમ ચૂકવું? હું તમને મહિને ૨૦ રૂપિયા ચૂકવી શકીશ. દલપતરામે કહ્યું કે અમારા દેશમાં પગારધોરણ માસિક નહીં વાર્ષિક ધોરણે બંધાય છે. મેં જે રકમ કહી છે એ વાર્ષિક છે. તમે મને મહિને ૨૦ રૂપિયા ચૂકવશો એ તો મેં જે પગાર કહ્યો છે એના કરતાં બમણો છે. આટલી વાત પછી બંને ખડખડાટ હસ્યા હતા. ફાર્બસે કહ્યું કે તમારો પગાર આજથી જ શરૂ થાય છે. આજે તમે મને ઘણું શીખવ્યું છે. દલપતરામના પુત્ર અને કવિ નાનાલાલ(૧૮૭૭ – ૧૯૪૬)ની નોંધપોથીમાંથી આ પ્રસંગ મળે છે.

ફાર્બસ સરકારી અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ દલપતરામ પાસે ગુજરાતી શીખતા હતા. જેમ જેમ ગુજરાતી શીખતા ગયા તેમ તેમ તેમનો રસ ઊઘડતો ગયો.

દલપતરામે કેટલાંક કાવ્યો વ્રજ અને પિંગળ બોલીમાં લખ્યાં હતાં. જે ભાટ અને ચારણોની બોલી હતી. ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ અને સંસ્કૃિત આ બોલીમાં જ વધારે સચવાયેલા હતા. ફાર્બસે દલપતરામને કહ્યું કે આ બંને બોલીમાં જે સચવાયું છે એને ગુજરાતીમાં ઉતારીએ. ત્યાર પછી દલપતરામ ગુજરાતભરમાં ફર્યા અને વ્રજ – પિંગળ બોલીમાં જે હસ્તપ્રતો હતી એ એકઠી કરી. ફાર્બસને થયું કે ગુજરાતનો જે વારસો વેરવિખેર અને ફેલાયેલો છે એને વ્યવસ્થિત કરીને એનો સંગ્રહ કરવો જોઈએ. એનાં પુસ્તકો છપાવવાં જોઈએ વગેરે વગેરે. ૨૬ ડિસેમ્બર, ૧૮૪૮ના દિવસે તેમણે અમદાવાદમાં એક બેઠક બોલાવી. જેમાં તેના જેવી રસરુચિ ધરાવતા બ્રિટિશર્સ ભેગા થયા હતા. એ બેઠકમાં નક્કી થયું કે 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવે. નોંધવાની વાત એ છે કે એ મિટિંગમાં કોઈ સ્થાનિક માણસ હાજર રહ્યો નહોતો. સોસાયટીનું શરૂઆતનું ભંડોળ અંગ્રેજોએ જ આપ્યું હતું. ફાર્બસે ૨૫ રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે દર વર્ષે તેઓ ૨૫ રૂપિયા આપતા રહેશે. ત્યારપછી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની વિધિવત્ જાહેરાત થઈ અને સ્થાનિક લોકોએ પણ રકમ આપી. પહેલી મિટિંગમાં ૨,૯૫૦ રૂપિયા એકઠા થયા હતા. જે માત્ર બ્રિટિશરોએ આપ્યા હતા. ત્યાર પછી જે ભંડોળ એકઠું થયું હતું એની રકમ ૬,૬૫૧ રૂપિયા હતા. પુસ્તકો તેમ જ સામયિકો બહાર પાડવા ઉપરાંત સંસ્થાનો ઉદ્દેશ અમદાવાદમાં પુસ્તકાલય શરૂ કરવાનો હતો. સોસાયટીના પ્રયાસથી જે લાઇબ્રેરી તૈયાર થઈ એ ગુજરાતનું પહેલું સાર્વજનિક પુસ્તકાલય હતું. એનું નામ 'નેટિવ લાઇબ્રેરી' હતું પણ એના પેટ્રન મોટા ભાગના અંગ્રેજો હતા.

'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'નો ઉદ્દેશ હસ્તપ્રતોનો સંગ્રહ, ગુજરાતી ભાષા તેમ જ સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવો, શાળાનાં તેમ જ અન્ય પુસ્તકોનું પ્રકાશન વગેરે હતો. ઉપરાંત સામાજિક ઉત્થાન માટે સંસ્થા કાર્યરત હતી. આ સંસ્થા દ્વારા જ ફાર્બસે અમદાવાદમાં પહેલી કન્યા શાળા શરૂ કરી હતી. અમદાવાદમાં 'વરતમાન' નામનું સાપ્તાહિક અખબાર શરૂ કર્યું હતું જે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના ગુજરાતનું પ્રથમ અખબાર હતું.

ફાર્બસે અમદાવાદમાં જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી તે હાલ 'ગુજરાત વિદ્યાસભા' તરીકે કાર્યરત છે. એ ઉપરાંત ફાર્બસે સુરતમાં 'એન્ડ્રુઝ લાઇબ્રેરી' તેમ જ મુંબઈમાં 'ગુજરાતી સભા' શરૂ કરી જેનું નામ પછીથી 'ફાર્બસ ગુજરાતી સભા' થયું. જેને ૧૫૦ વર્ષ પૂરાં થયાં છે. ૧૮૬૫માં મુંબઈમાં સ્થપાયેલી 'ફાર્બસ ગુજરાતી સભા'ની વિગતમાં ઊંડા ઊતરીએ.

મુંબઈના અગ્રણી મનસુખરામ ત્રિપાઠી, રેવરંડ ધનજીભાઈ નવરોજી તેમ જ અન્ય કેટલાંકના મનમાં એક સંસ્થા સ્થાપવાનો વિચાર ક્યારનો ય રમતો હતો. તેમણે એ અંગે ડો. જોન વિલ્સનને વાત કરી. જોન વિલ્સન એટલે મુંબઈની પ્રખ્યાત વિલ્સન કોલેજના સ્થાપક. વિલ્સને તેમને ફાર્બસનું નામ આપ્યું. વિલ્સને ફાર્બસનું નામ એટલા માટે આપ્યું કે તેમના પ્રયાસોથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના થઈ હતી. ફાર્બસે મુંબઇમાં આવી સંસ્થા સ્થાપવાના વિચારને વધાવી લીધો.

૧૮૬૫ની ૨૫મી માર્ચે સાંજે મુંબઈના ટાઉનહોલમાં એટલે કે પ્રખ્યાત એશિયાટિક લાઇબ્રેરીમાં સભા બોલાવી. મુંબઈના ગુજરાતીઓ તો એશિયાટિક લાઇબ્રેરીથી વાકેફ જ છે, પણ ગુજરાતના ગુજરાતીઓ માટે એશિયાટિક લાઇબ્રેરીની ઓળખ આપી દઈએ. મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં જે સફેદ ઇમારત અને એનાં પગથિયાંને અદાલત તરીકે રજૂ કરવામાં આવે છે એ ઐતિહાસિક ઇમારત એટલે એશિયાટિક લાઇબ્રેરી.

સભામાં પ્રેમાભાઈ હિમાભાઈએ 'ગુજરાતી સભા' શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેને ટેકો મળ્યો અને 'ગુજરાતી સભા'નાં મંડાણ થયાં. ફાર્બસને આ સંસ્થાના પ્રથમ પ્રમુખ બનાવવા એ ઠરાવ સર્વાનુમતે પાસ થયો. સંસ્થા હજી માંડ શરૂ થઈ ત્યાં બે અણધારી આફતો મંડાઈ હતી. સંસ્થાના સ્થાપક અને પ્રથમ પ્રમુખ એલેક્ઝાન્ડર ફાર્બસનું ટૂંકી માંદગી બાદ પૂનામાં ૩૧ ઓગષ્ટ ૧૮૬૫ના રોજ ૪૪ વર્ષની વયે અચાનક અવસાન થયું હતું. દોઢ મહિના પછી સંસ્થાનું નામ બદલીને 'ફાર્બસ ગુજરાતી સભા' કરવામાં આવ્યું હતું.

બીજી આફત એ હતી કે અમેરિકન આંતરવિગ્રહનો અંત આવતાં મુંબઈના શેરબજાર અને રૂ બજારમાં મંદી છવાઈ ગઈ અને કેટલી ય ખાનગી બેન્કો ફડચામાં ગઈ હતી.

મુંબઈના ગુજરાતી અગ્રણીઓએ આ સંસ્થાને ૩૭,૫૦૦ રૂપિયા જેટલી રકમ આપવાનાં વચન આપ્યાં હતાં. મંદીને કારણે એમાંથી માત્ર ગોકુળદાસ તેજપાલ તરફથી જ ૫૦૦ રૂપિયા મળ્યા હતા. ગુજરાત – સૌરાષ્ટ્રનાાં દેશી રાજ્યો તરફથી ૨૬,૨૫૦ જેટલી રકમ મળી હતી.

આમ, શરૂઆતમાં જ આ બે મોટા ધક્કા લાગ્યા હતા છતાં એ સંસ્થા ટકી ગઈ અને આજે ય મુંબઈમાં કાર્યરત છે.

ગુજરાતમાં કેટલેક ઠેકાણે સ્કૂલો શરૂ કરવી, ગ્રંથનિર્માણ કરવા હસ્તપ્રત સંગ્રહ કરવી તેમ જ ભાષાના ઉત્કર્ષ માટે સંસ્થાઓ સ્થાપવાની અનેક પ્રવૃત્તિ ફાર્બસે કરી હતી. આ ગોરાએ સવાયા ગુજરાતીની જેમ કામ કર્યું હતું. ૧૪મી સદીમાં જૈન સંત મેરુતુંગાચાર્યે ગુજરાતના ઇતિહાસ વિશે સંસ્કૃતમાં 'પ્રબંધ ચિંતામણી' નામનો ગ્રંથ લખ્યો હતો. જેનો ફાર્બસે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. ઉપરાંત તેણે મધ્યકાલીન ગુજરાતી ગ્રંથ 'રત્ન માલા'ને પણ અંગ્રેજીમાં ઉતાર્યો હતો.

ગુજરાતની ભાષા, સાહિત્ય, કલા, હસ્તપ્રતો, સ્થાપત્ય, ઇતિહાસ સ્મારકો વગેરેનો તેણે કરેલો અભ્યાસ તેના 'રાસ માલા' પુસ્તકના બે વોલ્યૂમમાં મળે છે. ઉપરાંત, ફાર્બસે પ્રભાસ પાટણ પર ફિલ્ડ રિસર્ચ કરીને એક લાંબો લેખ અંગ્રેજીમાં તૈયાર કર્યો હતો. પ્રભાસ પાટણ એટલે સોમનાથ.

દલપતરામ અને ફાર્બસ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃિતની યાદગાર બેલડી હતા. ચલણી ભાષામાં કહીએ તો ફિલ્મ 'શોલે'ના જય અને વીરુ કરતાં ય તેમની દોસ્તી મજબૂત હતી અને આજીવન એવી રહી હતી. ફાર્બસના દરેક અભ્યાસકાર્યમાં દલપતરામે સાથ આપ્યો હતો. ફાર્બસના મૃત્યુ બાદ વિરહમાં દલપતરામે 'ફાર્બસ વિરહ' કાવ્યની રચના કરી હતી જે ગુજરાતીનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે.

મુંબઈના લેખક દીપક મહેતાએ ફાર્બસ વિશે અંગ્રેજીમાં 'ફાઉન્ડર્સ એન્ડ ગાર્ડીયન્સ ઓફ ધ એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ – એલેક્ઝાંડર કિનલોક ફોર્બ્સ' નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. જે વાંચવા – વંચાવવા જેવું છે.

કોઈ ગોરો ગુજરાતમાં આવે છે. તેના બાપગોતરમાં કોઈ ગુજરાતી ભણ્યું નથી એવો માણસ અમદાવાદ, સુરત અને મુંબઈમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેના લગાવ ખાતર સંસ્થાઓ, શાળા, પુસ્તકાલય અને સંશોધન કાર્ય કરે એ નોંધનીય નહીં, વંદનીય ઘટના છે.

એકેડેમિક સંસ્થાઓ સ્થાપવી અને એ શિસ્તબદ્ધ રીતે કેમ કામ કરે એ ભારતીયોને અંગ્રેજોએ શીખવ્યું છે. ગાંધીજી, સરદાર અને નહેરુએ પણ શિસ્તબદ્ધતાના પાઠ ગળથૂથીમાં નહોતા પીધા. તેઓ વિલાયત ભણવા ગયા ત્યાંથી શીખીને આવ્યા હતા. રાજા-રજવાડાં દાન-સખાવત કરી જાણતા હતા પણ એકેડેમિક સૂઝ તેમનામાં એટલી નહોતી. જે રજવાડાઓએ એ સૂઝ કેળવી એ અંગ્રેજો આવ્યા પછી જ કેળવી હતી.

ગુજરાતની બહાર અને ખાસ કરીને વિદેશી લોકો ફાર્બસને 'રાસમાલા'ના લેખક તરીકે જ જાણે છે પણ ગુજરાતની પ્રજા તેમને ગુજરાતમાં મોડર્ન ટાઇમ્સ એટલે કે આધુનિક હવાનો વાયરો લહેરાવનાર, નવા વિચારોને આવકારનાર અને એને આકાર આપનાર, કલા – સંસ્કૃિતની સંસ્થાઓ શરૂ કરનાર કહો કે ગુજરાતના ભવ્ય ભૂતકાળને લોકો સમક્ષ લાવવામાં નક્કર પ્રયાસ કરનારા અંગ્રેજ અધિકારી તરીકે યાદ કરે છે. કમનસીબી એ છે કે ગુજરાતની નવી પેઢીને એ વાતની ખબર નથી.

ફાર્બસ ભારતમાં રાજ કરવા આવ્યો હતો અને ભારતની કલા, ભાષા, સાહિત્ય, સંસ્કૃિત પાસે અદબ પલાંઠી વાળીને શિષ્યભાવે બેસી ગયો. ચાણક્યે કહ્યું છે કે દુશ્મન પાસેથી પણ સારી વાત શીખી લેવી. અંગ્રેજોને આપણે ગાળો ખૂબ દીધી. હજી પણ દઇએ છીએ. મુદ્દાની વાત એ છે કે તેમની પાસેથી શીખવા જેવા કયા ગુણ આપણે શીખ્યા છીએ? ચતુર કરો વિચાર !

… અને છેલ્લે ગુજરાતમાં મોડર્ન આબોહવા ઊભી કરનારા, ભાષા, સાહિત્ય, સંસ્કૃિત માટે નોંધપાત્ર કામ કરનારા તેમ જ ગુજરાતમાં પ્રથમ પબ્લિક લાઇબ્રેરી અને અમદાવાદની પ્રથમ કન્યાશાળા શરૂ કરનારા ફાર્બસનું એક પણ સ્ટેચ્યુ કે સ્મારક અમદાવાદ કે ગુજરાતમાં નથી. જે ખેદજનક હકીકત છે.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામે લેખકની કટાર, “સંદેશ”, 01 અૅપ્રિલ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3059276

Loading

મિસ્ટર ગજેન્દ્ર ડાભીની વાત

વલ્લભ નાંઢા|Opinion - Short Stories|31 March 2015

ડિયર ડાયરી !

હું રોજ ડાયરી લખતો નથી. ખરેખર કદી લખી નથી. પણ આજે એક ગંભીર સમસ્યાએ મારા મગજનું તૂતક ફેરવી દીધું છે, અને મારે ડાયરી લખવાની નોબત આવી છે. ડીયર ડાયરી! હું અને ગીજુ માઉન્ટ પ્લેઝન્ટમાં નોકરી લેવા ગયા હતા ત્યારે અમારી પ્રથમ મુલાકાત થઈ હતી. એ વખતે મારી ઉંમર પાંત્રીસેક વર્ષની. હું ટાંઝાનિયાથી અને ગીજુ મુંબઈથી લંડનમાં આવી સૂટેબલ નોકરી માટે ‘માઉન્ટ પ્લેઝન્ટ’માં ટેસ્ટ આપવા માટે હાજર થયા હતા. ત્રીસેક જેટલા ઉમેદવારોમાંથી માત્ર ત્રણ પાસ થયા હતા. એમાં મારો અને ગીજુનો પણ નંબર લાગી ગયો હતો. ત્યાર પછી કિંગ ક્રોસ સ્ટેશન પાસે ટ્રેનિંગ સેન્ટરમાં બે અઠવાડિયાં ટ્રેનિંગ ચાલી, એમાં પાસ થઈ જતાં સીધા માઉન્ટ પ્લેઝન્ટ સોર્ટિગ ઓફિસમાં ફૂલ ટાઇમ પોસ્ટલ વર્કર તરીકે અમે સાથે જ જોડાઈ ગયા હતા.

શરૂઆતના દિવસોમાં અમે ખૂબ પરસેવો પાડેલો. વેનમાંથી ટપાલના કોથળા ઊંચકી પ્લેટ્ફોર્મ પર ખડકવાના, તો ક્યારેક પ્લેટફોર્મ પર પડેલા કોથળાના ખડકલામાંથી એક એક કોથળો ખભે ચઢાવી, વેનમાં ગોઠવવાનો; આ પ્રકારનાં કામ અમને થકવી નાખતાં. પણ આસ્તે આસ્તે આ કામ પણ અમને ગોઠી ગયું. આ જૉબમાં થોડા મિત્રો મેળવ્યા, અને અમારા સુપરવાઈઝરોનાં દિલ પણ જીતી શક્યા.

સમય તાર રફતારે દોડવા લાગ્યો. પાંચેક વર્ષનો ગાળો જાણે પાંચ દિવસોમાં પસાર થઈ ગયો લાગ્યો. પ્રમોશન મળતાં રહ્યાં, હું પ્રથમ પી.એચ.જી., અને બીજાં બે વર્ષમાં સેક્શન મેનેજર બન્યો. પણ ગીજુ તો પોસ્ટ્મેનનો પોસ્ટ્મેન જ રહ્યો. એનો પગાર પણ કંઈ બહુ મોટો નહોતો, પરંતુ તે કામ સ્ફૂિર્ત ને ઇમાનદારીથી કરતો. આઠ કલાકની ડ્યૂટી દરમ્યાન તેના બંને હાથ સહેજે પોરો લેવાનું નામ ન લેતા. કામ પર પહોંચવામાં તેણે ક્યારેય લેટ્બૂક સાઇન કરી નથી, કે સમય પહેલાં પોતાની જગ્યા છોડવાની કદી ઉતાવળ કરી નથી. કાયમ સ્વચ્છ, ઇસ્ત્રીબંધ ગણવેશમાં ફરજ પર હાજર થઈ જતો. ચાની કેન્ટિનમાં અમે ક્યારેક એક ટેબલ પર બેસતા, ત્યારે અધિકારી અને નોકર નહીં પણ મિત્રો જેવા બની સેલસપાટા મારતા. એ મારે ત્યાં આવતો, ત્યારે અમારી વચ્ચે વિવિધ વિષયો પર કલાકો સુધી રસભરી ચર્ચાઓ ચાલતી. ત્યારે તેનામાં દફતરના કોઈ પણ વિભાગનું ઉપરીપણું સંભાળી શકે એવી ક્ષમતા મને જણાતી. પરંતુ નસીબ તેને ક્યાં લઈ આવ્યું હતું? સોનાની લગડી જાણે પિત્તળની ખાણમાં રગદોળાઈ રહી હતી !

હું સેકશન મેનેજર બન્યો તેને પણ હવે દસ વર્ષ થવા આવ્યાં હતાં. આ દરમિયાન કેટલી ય પ્રોમોશનલ જ્ગ્યાઓ ખાલી પડી અને ભરાઈ ગઈ. ‘માઉન્ટ પ્લેઝન્ટ’ ચોવીસ કલાક પંચરંગી પોસ્ટલ વર્કર્સથી ધમધમતી રહે. ત્રણ હજારનો વર્કફોર્સ ધરાવતી આ સોર્ટિંગ ઑફિસ દુનિયામાં અવલ્લ નંબરે હતી. માઉન્ટ પ્લેઝન્ટમાં જાતપાતના વાડા નડતા નહોતા. ઇન્ડિયન, એશિયન, ફિલિપીન્સ, જાપાની, ચીની, આફ્રો-કેરેબિયન, તેમ જ શીખો, મુસ્લિમો અને ગોરા, પંજાબીઓ તથા ગુજરાતીઓ પણ કામ સાથે કરે ! કેટલાક જુનિયર સોર્ટરો સ્પેિશયલ જૉબ જાહેર થતાં તે પર ગોઠવાઈ ગયા હતા. પણ ગીજુએ એ જગ્યા મેળવવા માટે પ્રયત્ન કર્યા જ નહિ. તેણે એક વાર પણ મને કહ્યું નહોતું કે બોસ, મારે લાયક કોઈ જગ્યા ખાલી પડે તો મારું ધ્યાન રાખજો. પણ આખરે મેં નક્કી કર્યું કે કોઈ સારી તક આવશે તો ગીજુને ત્યાં ગોઠવી દઈશ.

વર્ષે બે વર્ષે આમાંના મોટા ભાગના સોર્ટરો હોલિડે માણવા પોતાના વતનમાં કે યુરોપ-અમેરિકાની ટૂર પર ઉપડી જતા. કેટલાક અઠવાડિયાનો પગાર દારૂ સિગારેટ અને ઐયાશીમાં વેડફી મારતા. અને હોલિડે માટે એક પાઉન્ડ સુધ્ધાં બકાવી ના શકતા.

માઉન્ટનો સ્ટાફ હોલીડે કરવા માટે થોડા પૈસા બચાવી શકે એ માટે ‘માઉન્ટના સતાધીશોને એક હોલિડે ક્લબ’ એટલે કે એક જાતની બેંક શરૂ કરવાનો વિચારી સ્ફૂર્યો અને એ વિચારને મૂર્ત સ્વરૂપ આપ્યું. આ ક્લબમાં પોસ્ટ ઑફિસનો કોઈ પણ કર્મચારી કોઈ પણ સમયે આવીને પોતાની શક્તિ મુજબ પૈસા જમા કરાવી શકે તેમ જ ઉપાડી પણ શકે એવી જોગવાઈ હતી. રકમ જમા કરાવનાર ખાતેદારને પોસ્ટ ઑફિસના લોગોવાળી પાસબુક તેમાં જમા કરાવેલી બચતની રકમની એન્ટ્રી સાથે ઇસ્યુ થવાની હતી.

નોટિસબોર્ડ પર એ માટે વૅકેન્સીની જાહેરાત થતાં, અરજીઓનો ઢગલો થઈ ગયો. સિનિયોરિટી અને સ્વચ્છ રેકોર્ડ્ના ધોરણે ‘હોલિડે ક્લબ’ ચલાવવા માટે બે વ્યક્તિની વેકન્સીની જાહેરાત નોટિસબોર્ડ પર ચીટકાવવમાં આવી હતી. આ જગ્યા ગીજુને લાયક હતી. પણ ગીજુના પેટનું તો આ વખતે ય મુદ્દ્લ પાણી હલ્યું નહિ. સાંજે એ મારે ત્યાં આવ્યો ત્યારે મેં તેને કહ્યું : ‘ગીજુ, નોટિસબોર્ડ પર પ્રમોશનલ જાહેરાત આવી છે. આપણી ઑફિસમાં હવે બેંકિંગ સુવિધા શરૂ થાય છે.’

‘હા, મેં એ જાહેરાત જોઈ.’

‘એ જગ્યા માટે ઘણા સોર્ટરોએ અરજીઓ ભરી છે.’

‘જી.’

‘તેં અરજી મૂકી છે ને?’

‘ના.’

‘તું પોસ્ટ્મેનના જોબમાં પડ્યો રહીશ તો આગળ શી રીતે વધીશ? કંઈક કર, મારા ભાઈ, કંઈક કર; નહિતર પ્રગતિની આ તક તારા હાથમાંથી છટકી જશે.’

‘સર, મને પ્રોમોશનનો મોહ નથી. મારા ભાગ્ય્માં હશે તો સામેથી આવી મળશે.’

‘ગીજુ, આ જગ્યા માટે એક તું જ સુટેબલ કેન્ડિડેટ છે. આ પોઝિશન તને જ મળવી જોઇએ.’

‘સર, મેં કહ્યું ને – હું મારા કામથી ખુશ છું. હાઇ પોઝિશન મેળવીને હું શું કરીશ?’

* *

છ માસ બાદ –

‘હોલીડે ક્લબ’ ચલાવવા માટે ગીજુ અને બીજા એક ઇમાનદાર સ્ટાફની નિમણૂક થઈ ગઈ. પહેલા જ અઠવાડિયામાં ચારસો પોસ્ટલ ઑફિસરોએ ખાતાં ખોલાવ્યાં. અને આજે એક જ વર્ષ પછી હોલિડે ક્લબ’નું કામ એટલું વધી ગયું કે આ ક્લબ ચલાવવા માટે હવે બે માણસ પણ પૂરા પડતા નહોતા. પરિણામે  મેનેજમેંટને બીજા બે રિઝર્વ સ્ટાફ્ની ભરતી કરવી પડી.  ગીજુ અને તેનો જોડીદાર આ કામ બરાબર સંભાળી રહ્યા હતા. પોસ્ટલ વર્કર્સ પૈસા જમા કરાવવા આવતા, ઉપાડ કરવા આવતા. બે પેન્સ જમા કરાવ્યાનો સંતોષ લઈને જતા. બધું સમુસૂતરું ચાલતું હતું.

એક દિવસ હું મારી ચેમ્બરમાં ફાઇલોમાં માથું ખોસીને બેઠો હતો, એવામાં ડોર પર ધીમો ટકોરો પડયો. ‘કમ ઇન.’ મેં ફાઇલોમાં મોં ખૂંતેલું રાખીને જવાબ આપ્યો. ગીજુએ મારી ચેમ્બર્સમાં લડખડતી ચાલે દાખલ થતાં જણાવ્યું, ‘સર, તમને એક પર્સનલ વાત કરવા આવ્યો છું. મને થોડો સમય આપી શકશો?’’       

મેં ફાઈલોના ગંજમાંથી માથું બહાર કાઢી, તેની સામે જોઈને કહ્યું, ‘હા, હા. વ્હાય નોટ? આવ બેસ અહીં, શું કહેવું છે?’

હંમેશાં પ્રફુલ્લિત રહેતા ગીજુના ચહેરા પર મેં આજે પહેલીવાર ઉદાસી અને ભયની રેખાઓ જોઈ. ‘બોલ, શું કહેવું છે તારે?’

‘સાહેબ, મારાથી એક ગુનો થઈ ગયો છે.’ કહેતાં ગીજુની આંખોમાં આંસુ આવી ગયાં.

‘વ્હોટ?’

‘હા, સર, ટપાલખાતાનો હું ગુનેગાર છું.’ કહેતાં ગીજુના ગળામાંથી ડૂસકું નીકળી આવ્યું. ગીજુ આટલો બધો કેમ રડતો હશે? ક્યા ગુનાની કબૂલાત કરવા તે મારી પાસે આવ્યો હશે?        

‘સર, મેં દસ હાજાર પાઉન્ડની, ક્લબના હિસાબમાંથી, ઊઠાંતરી કરી છે.’  છેલ્લા શબ્દો એ ધ્રૂજતા સ્વરે બોલ્યો અને બીજી પળે ઠૂંઠવો મૂકી પોક પોક રોવા લાગ્યો. પળભર મને એમ લાગ્યું જાણે કોઈએ મારી છાતી પર ધગધગતા અંગારા દાબી દીધા છે. મારી ચેરમાંથી ઉછળી પડતાં હું બોલ્યો : ‘આઈ કાન્ટ બીલિવ ધિસ !’

એને વધુ શું પૂછું ? જે માણસની ખાનદાની પર આખી ઓફિસ ગૌરવ લેતી હતી, તે ચોરી કરે ? ‘શું આ સાચું છે?’

‘હા.’

મેં તેની આંખોમાં આંખો મેળવી પૂછ્યું : ‘હું માની શકતો નથી. તું સાચું કહે છે?’

‘યસ. ક્રાઇમ કર્યો હોય તો ના શી રીતે કહી શકું. હવે તમારે મને જે સજા કરવી હોય તે કરી શકો છો. ઓફેન્સ તો થઈ જ ગયો છે. હવે મને પનિશમેન્ટ આપવું કે મુક્તિ આપવી એ તમારા ડિસિસન પર નિર્ભર છે.’

ગીજુએ આટલાં વર્ષોમાં જે અપરાધ નહોતો કર્યો તે અપરાધ આજે કર્યો હતો. કોઈ બીજી વ્યક્તિએ આવો ગુનો કર્યો હોત, તો મેં તેને સીધો સસ્પેન્ડ કરી નાખ્યો હોત, પરંતુ, આ તો ગીજુ હતો, જેના પર હું આજ સુધી વિશ્વાસ મૂકતો આવ્યો છું. પણ ગીજુના મોંએથી ચોરીની કબૂલાત સાંભળ્યા પછી, અત્યારે મને તેના પર અપાર ગુસ્સો આવી રહ્યો હતો. એક ઊંડો શ્વાસ ભરી હું બોલ્યો : ‘ગીજુ, મેં તારી પાસે આવી આશા રાખી નહોતી. હું તને પોલીસને સોંપી દઉં તે પહેલાં બતાવ, એવી તારી કઈ મજબૂરી હતી કે તારે ચોરી કરવી પડી ?’

ગીજુએ ફરી ઠૂઠવો મૂક્યો. પરંતુ જીભ ઝલાઈ જતી હતી.

‘ગીજુ, હું તને કંઈક પૂછી રહ્યો છું?’ મારો ગુસ્સો ફાટ ફાટ થઈ રહ્યો હતો.

ગીજુના હોઠ સહેજ ફફડ્યા. જાણે ગુફામાંથી આવતા હોય તેવા શબ્દો મોંમાંથી બહાર પડ્યા : ‘બોસ, ચોરી ન કરું તો બીજું શું કરું? મારો એકનો એક દીકરો, વિની કુસંગતે ચડી ગયો. ખરાબ દોસ્તોની સંગતે તે દારૂ ને જુગારની લતે ચડી ગયો. પગાર આખો જુગારમાં વેરી દેતો. આછીપાતળી નોકરી હતી તે પણ આ લતને લીધે છૂટી ગઈ હતી . હું તેને ખરાબ મિત્રો અને કુટેવોની આદત છોડાવવા ખૂબ મથ્યો. આ વ્યાન છોડવા માટે તેને સમજાવતો રહ્યો. પણ એ તો વ્યસનના કળણમાં ઊંડો ઊતરી ગયો હતો. હવે આ આદતો છોડાવવી મારા હાથની વાત રહી નહોતી.  છેવટે મેં તેને ઘરમાંથી કાઢી મૂક્યો.

આ ઘટનાને બે-એક દિવસ થયા હશે. એક સાંજે હું જમવા બેસવાની તૈયારી કરતો હતો ત્યાં ડોરબેલ વાગી. પત્ની કિચનમાં હતી, એટલે મેં બારણું ખોલ્યું તો સામે ગુંડા જેવા લાગતા બે તગડા આદમી ઊભા હતા.

‘તમે જ વિનીના ફાધર છો ને?’

‘હા. પણ તમે કોણ છો, અને તમારે વિનીનું શું કામ પડ્યું છે?’

‘વિનીએ બીજે દિવસે આપવાનું પ્રોમીસ કરીને અમારી પાસેથી દસ હજાર પાઉન્ડ બોરો કર્યા છે. જો આ પૈસા કાલ સાંજ સુધીમાં અમને નહીં મળે તો અમે તેને ફિનિશ કરી નાખશું. તમને આ વોર્નિંગ આપવા માટે આવ્યા છીએ.’

‘આવી ધમકી આપીને એ ગુંડાઓ તો ચાલ્યા ગયા પણ આખી રાત હું અને મારી પત્ની આ ધમકીના વિચારોથી ફફડતાં રહ્યાં. ખૂબ વિચારોના ચકરાવામાં ઘેરાયેલા રહ્યા પછી એક કલુષિત વિચારે મારા મનનો કબજો લઈ લીધો. ‘હોલિડે ક્લબ’ના મારા કબજાની પેટીમાં પંદરેક હજાર પાઉન્ડની નોટો મારી સામે આંખમીંચામણાં કરી રહી હતી. તેના પ્રચંડ તેજમાં મારી ઇમાનદારી ઊણી ઊતરી. પૈસાનો હિસાબ તો મારે એક અઠવાડિયા પછી મોટા સાહેબને દેવાનો હતો. બેચાર દિવસમાં ગમેતેમ પૈસાનો જોગ કરી પાછા મારા હિસાબમાં જમા કરાવી દઈશ એમ વિચારી, વિનીનો જીવ બચાવવા એમાંથી પૈસા ઉઠાવી મેં ગુંડાઓને આપી દીધા. પછી બીજે દિવસે હું બેંકમાં લોન લેવા ગયો તો લોન મળી નહિ, મિત્રો પાસે હાથ ફેલાવ્યા પણ એ લોકો મોં ફેરવી ગયા. સર, આ મારા ગુનાનો એકરાર કરવા માટે જ તમારી પાસે આવ્યો છું. હવે તમે જે ફેંસલો કરશો તે મને મંજૂર છે.’ ગીજુએ ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખો લૂછી.

ગીજુની વાત સાંભળતો હતો, ને મારા મનમાં વર્ષો પહેલાં બનીને ભંડારાઈ ગયેલી એક ઘટના ઉપરથી રાખ ઊડી. એ વખતે ટાંગાનિકાની હાઇ સ્કૂલમાં હું શિક્ષક હતો. શાળા ઉઘડતી અને વિદ્યાર્થીઓ પુસ્તકો ખરીદવાં પડાપડી કરતાં. પુસ્તક વિતરણ વિભાગનો હું ઈનચાર્જ હતો. એક વાર મારી પત્ની બીમાર પડી. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ હતું. ટૂંકા પગારની આવકમાંથી ખાનગી દવાખાનમાં તેને દાખલ કરું તો ચારેક હજાર શિલિંગનો ખર્ચ હતો. ત્યારે મેં પણ પુસ્તકોના હિસાબમાંથી તફડંચી કીધેલી. મારો ઇરાદો પણ લોન લઈને પૈસા પાછા જમા કરાવવાનો હતો. પણ તે વખતની ટાંગાનિકાની રાજકીય પરિસ્થિતિ એવી હતી કે લોન મળી નહીં, કિન્તુ એ રાજકીય આંધાધૂધીના કારણે પુસ્તકોના હિસાબનો મારો ગોટાળો પકડાય તે પહેલાં તો આંધાધૂધીમાં અમારે સૌને આફ્રિકા છોડી લંડન ભાગી આવવાની નોબત આવેલી. એ પૈસા હજી ભરાયા નહોતા, અને ધીમે ધીમે મેં પણ મારી જાત સાથે ઢોંગ કરી દીધો હતો કે મેં કદી પૈસા લીધા જ નહોતા, ને હું પ્રામાણિક શિક્ષક જ હતો ને આજે પ્રામાણિક અધિકારી બનેલો છું ! પણ સાચેસાચ તો હું હજી ચોર હતો. મારો ગુનો જાહેર થયો હોત, તો મારી દશા પણ અત્યારે ગીજુની છે તેવી જ હોત ! અમારા બંનેમાં ફરક એ હતો કે તે સાલસ માણસ હતો ને મારી પાસે કબૂલાત કરવા આવ્યો હતો. હું મીંઢો અધિકારી હતો ને અત્યારે ગીજુનો ન્યાય કરવા બેઠો હતો.

મારું દિલ રહી રહીને કહી રહ્યું હતું, ગીજુ સંજોગોનો શિકાર બન્યો હતો. તેણે પુત્ર તરફની આસક્તિને કારણે આ પગલું ભર્યું હતું. જો હું તેને હમણાં નોકરીમાંથી છૂટો કરી નાંખું અને કાલ સવારે તેને જેલમાં જવાનું થાય તો એની પત્નીની કેવી દશા થાય?

‘સર, મને એક મોકો આપો તો ટપાલખાતાનો પેન્સ પેન્સ દૂધે ધોઈને પરત કરીશ. સર, આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું.’ કહેતાં ગીજુ મારા પગમાં પડી ગયો.

માણસના મનનું કેવું હોય છે! મને થયું હું ગીજુને કહું કે હાલ પૂરતી હું તને લોન અપાવું છું, ને ધીમે ધીમે તારે પૈસા પાછા ભરી દેવાના છે. આ વાત આપણી વચ્ચે જ રહેશે. તો ગીજુ કાયમનો મારો ગુલામ બનીને રહે. પણ હું એમ કરું તો જાણે હું મારો ગુનો કબૂલતો હતો.

‘મિસ્ટર ગજેન્દ્ર ડાભી!’ મારા ગળામાંથી અધિકારીનો આકરો અવાજ બહાર આવે છે, જાણે મારો પોતાનો કોઈ કાબૂ નથી. મારું મગજ મારી સત્તાના મદમાં ડોલતું ડોલતું મારા મિત્રની નામોશીનો લહાવો લે છે! તેને ધમકાવતાં હું જાણે મારા મનના ચોરને ડારો આપું છું. ‘તમે જાતે રાજીનામું લખી આપો, નહીંતર પોલીસ કાર્યવાહી કરવાની અમને ફરજ પડશે. તમે સમસ્ત પોસ્ટલ ડિપાર્ટમેન્ટ માટે લાંચ્છનરૂપ છો. સમસ્ત ઇન્ડિયન લોકોને તમે બદનામ કરો છો. હાલ ને હાલ તમારી ચીજ વસ્તુઓ ઊઠાવી ઘરે જાઓ!’

મને વિશ્વાસ નથી આવતો કે આ હું બોલી રહ્યો છું. કેમ કે એ હું નથી બોલતો પણ મારી અંદરનો ચોર બોલે છે, જે પોતાની ચોરી કબૂલ કરવા માગતો નથી. અને જે કબૂલ કરે છે તેને સજા કરી જાણે પોતાને સજા થયાનો સંતોષ માણે છે.

અરે ! મારી ડાયરી મને અજાયબીથી જોઈ રહે છે. તેની આંખમાં હું આંખ મિલાવી શકતો નથી. ગીજુ મને આંખો ફાડીને જુએ છે. ‘પણ પૈસાનું શું, સર ?’

ડાયરી મારી સામે તાકી રહે છે. હું આડું જોઈ જાઉં છું. ‘તમે ઉઠાવેલા પૈસા હું ભરી દઉં છું. આજ પછી કદી તમે મને મોં બતાવશો નહીં. તમને જોઈને મને ઘૃણા છૂટે છે. ગેટ આઉટ!’

ડાયરીની નજરમાં અજાયબીની જગ્યાએ પરાણે પ્રશંસાનો ભાવ દેખાય છે. મારી ડાયરીની નજરમાં હું સાવ હલકો ઊતરતો નથી તેવું લાગે છે.

ડાયરી ડાયરીનું કામ કરે છે. હું મારું. અને ડાયરીના પછીનાં પાનાં કદી લખી શકાયાં નથી જ. મનમાં પ્રબળ ઇચ્છા છે જ કે આગળ કાંઈક લખું, પણ ….

— સમાપ્ત —

e.mail : vallabh324@aol.com

Loading

બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો

નવીન બેન્કર|Opinion - Short Stories|30 March 2015

તમે કલ્પી શકો છો કે તમે, છત પરની ગરોળીથી ડરી ડરીને, સંડાસમાં કમોડ પર સીસી કરી રહ્યા હો, અને અચાનક લાઈટ ગૂલ થઈ જાય, અને પૂરા બે કલાક સુધી એ અંધકારમાં, ગરોળીના ડર વચ્ચે, અસહાય પુરાઈ રહો તો તમારી શું વલે થાય ?

શાંતિકાકાનો આ અનુભવ જાણવા જેવો છે.

આ શાંતિકાકા ૭૪ વર્ષના વયોવૃધ્ધ સજ્જન છે. સજ્જન તો ના કહેવાય, કારણ કે જુવાનીના દિવસોમાં, સંજીવકુમારના વહેમમાં કંઈ કેટલા ય ખેલ કરી ચુક્યા છે, પણ પાછલી ઉંમરે, પ્રોસ્ટેટની તકલીફો પછી, હિલોળા લેતા સમુદ્રનાં મોજાંઓ, ઠરીને શાંત થઈ ગયાં છે અને તેમની સમવયસ્ક બહેરી બૈરી શાંતા સાથે શેષ જીવન વ્યતિત કરી રહ્યા છે.

હાં … તો, આ શાંતિકાકાને કેન્સરનું ડાયગ્નોસિસ થયું છે. રેડીએશન અને સર્જરીમાંથી પસાર થઈ ચુક્યા છે. બાવન વર્ષના લગ્નજીવન પછી, તેમની નિઃસંતાન પત્ની માટે ભવિષ્યની આર્થિક વ્યવસ્થા કરવા માટે, અમેરિકાથી અમદાવાદ આવ્યા છે. એક જમાનામાં જ્યાં ખુલ્લા ખેતરો હતા અને આંબાનાં વૃક્ષોથી વનરાજી મહેંકતી હતી, એવા સ્થળે તેમણે એક નાનકડું ૬૪ વારનું ઘર બાંધ્યું હતું, અને ભવિષ્યમાં, પોતે રિટાયર થયા પછી, આ ઘરની પછવાડે ખુલ્લા ખેતરમાં, આંબાના ઝાડ નીચે ખાટલો ઢાળીને, પુસ્તકો વાંચતાં વાંચતાં, શેષ જીવન વ્યતિત કરવાના સ્વપ્નો સેવ્યા હતા.

એ ઘરનું રિનોવેશન કરાવીને, પંદરેક દિવસથી રહેવા માંડ્યું હતું. હવે સ્વપ્નો સેવેલાં એ ખેતરો અને આંબાનાં ઝાડ તો રહ્યાં નથી. એની જગ્યાએ ઊંચા બહુમાળી મકાનો ઊભા થઈ ગયા છે. આમ તો શાંતાબહેન અને શાંતિકાકા શેષજીવન શાંતિપૂર્વક હ્યુસ્ટનમાં વિતાવી શકે તેમ છે, પરંતુ હવે, કેન્સરના નિદાન પછી, નિઃસંતાન શાંતિકાકાને પોતાની પત્ની શાંતાના ભવિષ્યની ચિંતા થાય છે, કે અરેરે ! એ બિચારી અંગ્રેજી જાણતી નથી, કાને સાંભળતી નથી, ગાડી ડ્રાઇવ કરતી નથી. અરે ! ચેકમાં સહી કરીને પૈસા ઉપાડતા પણ એને આવડતું નથી, ત્યાં એ એકલી આ દેશમાં કેવી રીતે રહેશે ? એટલે અત્યારથી જ ઇન્ડિયાની નેશનાલાઇઝ્ડ બેન્કોમાં, દર ત્રણ મહિને એના સેવિંગ્ઝ ખાતામાં વ્યાજ જમા થઈ જાય અને અમેરિકાની સોશ્યલ સિક્યોરિટીના પૈસા પણ જમા થતા રહે એવી વ્યવસ્થા કરવા, એ અમદાવાદ આવ્યા હતા.

આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ.

મેનોપોઝની પીડા અને પ્રોસ્ટેટની તકલીફો પછી, ઘણાં સમયથી પતિ-પત્ની સીંગલ બેડમાં, વચ્ચે ટીપોય પર દવાઓની શીશીઓ ગોઠવીને અલગ અલગ જ સૂતાં હતાં જેથી ઓઢવાનાની ખેંચાખેંચ એવોઇડ કરીને શાંતિથી ઊંઘી શકાય.

એ રાત્રે … લગભગ ત્રણ વાગ્યે, પહેલા શાંતાબહેન બાથરૂમ જવા ઊઠ્યાં. બાથરૂમમાંથી પાછા ફરતાં, રસોડામાં પાણી પીવા ગયાં. પછી તરત જ શાંતિકાકા ઊઠ્યા અને સંડાસમાં ઘુસ્યા અને કમોડ પર પીપી કરવું શરૂ કર્યું. રસોડામાં ગયેલા શાંતાબહેને સંડાસની લાઈટ ચાલુ જોઈ, એટલે એમને થયું કે પોતે લાઈટ બંધ કરવાનું ભૂલી ગયાં હશે, તેથી એમણે સંડાસની લાઈટ બહારથી ઓફ કરી નાંખી, અને સંડાસના દરવાજાને સાંકળ વાસી દીધી, અને જઈને પોતાના પલંગ પર, ગોદડુ ઓઢીને સૂઈ ગયાં.

લાઈટ ઓફ થતાં જ, શાંતિકાકા બૂમ પાડી ઊઠ્યા કે ‘અલી શોંતા, … હું બાથરૂમમાં છું. લાઈટ કર અને સાંકળ ખોલ.’…. પણ બહેરી શાંતા ક્યાંથી સાંભળે ?

શાંતિકાકાએ પીપી કરતાં પહેલાં જોયેલું કે એક જાડી મદમસ્ત લીલીછમ ગરોળી કમોડની બરાબર ઉપર, છત પર, વળગેલી હતી. શાંતિકાકાને નાનપણથી ગરોળીની બહુ બીક લાગે એટલે આ મદમસ્ત ગરોળીને જોતાં જોતાં જ એમણે હોસપાઈપ પકડી રાખેલો પણ પ્રોસ્ટેટને કારણે અતિ મંદ ગતિથી …. યુ નો વોટ આઈ મીન !

૭૪ વર્ષના પ્રોસ્ટેટ અને કેન્સર પેશન્ટ એવા શાંતિકાકા જોર જોરથી ‘શોંતા … શોંતાડી, દરવાજો ખોલ’ની બૂમો પાડતા જાય અને જોરજોરથી દરવાજાને ધધડાવતા જાય, પણ બહેરી બૈરી ક્યાંથી સાંભળે ? પાછળની સોસાઇટી ‘કામજ્યોતએપાર્ટમેન્ટ’ના રહીશો, ચોકીદાર બધા જાગી ગયા. શાંતિલાલની સોસાઈટીના પાડોશીઓ પણ રાત્રે ત્રણ વાગ્યે જાગી ગયા.

‘અરે … અમને તો રાત્રે ત્રણ વાગ્યે ઊંઘવા દો’ … સંડાસના કમોડની ઉપરના વેન્ટીલેટરના કાચમાંથી શાંતિકાકા જવાબ આપે …

પૂરા એકાદ કલાક સુધી આ તાયફો ચાલ્યો … એક બાજુ પેલી ગરોળીની બીક .. સાલી ગરોળી ફર્શ પર પડી હશે તો? ટૂંકી ચડ્ડી પહેરેલા શાંતિકાકા પેલી ગરોળી એમની લાજ લૂંટવાની હોય એમ બે ય હાથે ચડ્ડીને પકડી રાખે અને બૂમો તો પાડતા જ જાય … ક્યાંક ગરોળીને એની સહિયર ના મળી જાય !

શાંતિલાલની સોસાઈટીના પડોશીઓ આગળના દરવાજેથી ‘શાંતામાસી .. શાંતામાસી’ના પોકારો પાડે. પાછળની સોસાઈટીના રહીશો શાંતિલાલને ભાંડે … એમ ચાલ્યા કર્યું અને શાંતામાસી સુખપૂર્વક ઘસઘસાટ ઊંઘતાં રહ્યાં ….

હારી, થાકીને શાંતિલાલે છેવટે પોતાના હથિયારો હેઠા મૂકી દીધા, અને છેલ્લે છેલ્લે કમોડના વેન્ટીલેટર પાસે જઈને પાછળની સોસાઈટીના રહીશોને કહ્યું :

‘મારા અજાણ્યા દોસ્તો … તમે તો કોઈએ મને જોયો નથી કે ઓળખતા નથી. હવે  મને લાગે છે કે મારું મોત જ મને છેક અમેરિકાથી અમદાવાદના આ અંધારિયા, ગંધાતા સંડાસમાં મરવા માટે ખેંચી લાવ્યું છે. જેના ભવિષ્યની સલામતીને ખાતર હું અહીં આવ્યો, એ મારી બાવન વર્ષના લગ્નજીવનની સંગિની પણ આ છેલ્લી ઘડીએ મારો અવાજ સાંભળી શકતી નથી. હું એને અલવિદા પણ કહી શકતો નથી. પેલી ગરોળી ગમે તે ઘડીએ મારા આ પાર્થિવ શરીરને સ્પર્શી લેશે અને મારું શરીર લીલુછમ થવા માંડશે. હું મોતને મારી સમક્ષ જોતો રહીશ અને આટઆટલા પૈસા હોવા છતાં, મેડિકલ સહાય વગર હું મોતને ભેટીશ. હું બાથરૂમના દરવાજા પાસે જ સૂઈ જાઉં છું. અને મોતની પ્રતિક્ષા કરું છું.

હવે કોઈ બારણાં ખખડાવીને કોઈની ઊંઘ ના બગાડશો. ફરી જ્યારે મારી પત્નીને બાથરૂમ જવાની ચળ ઉપડશે અને એ બાથરૂમ ખોલશે, ત્યારે એને મારો મૃતદેહ જોવા મળશે. શાંતાનો કોઈ દોષ નથી. એ બિચારી બહેરી છે. એણે જાણી જોઈને થોડો મને પૂરી દીધો છે ? આ તો મારી નિયતિ હતી. દોસ્તો … મારું મરણ એક વાત કહી જાય છે .. આખી જિન્દગી તમે પૈસા બચાવો, ગણ ગણ કરો, એની વ્યવસ્થા કર્યા કરો પણ નિયતિએ એ પૈસાની વ્યવસ્થા એની રીતે જ કરી રાખી છે. તમે તો એ પૈસાના વ્યવસ્થાપક જ હતા … એમ.ડી. એન્ડર્સન કેન્સર હોસ્પિટલ તમારું દુઃખ થોડું હળવું કરી શકે છે, પણ પાંચમની છઠ્ઠ નથી કરી શકતી.’

શાંતિલાલ શાંતિપૂર્વક સંડાસના દરવાજે બેસી પડ્યા. હવે એને પેલી ગરોળીની બીક નહોતી લાગતી. મૃત્યુને ભેટવાની તૈયારી કરી લીધા પછી કોઈ ડર નથી રહેતો.

સવારે પાંચ વાગ્યે, શાંતામાસી ઊઠ્યાં, સંડાસનું બારણું ખોલ્યું અને ઝોકું ખાઈ ગયેલા શાંતિકાકાને જોઈને હેબતાઈ જ ગયાં.

હવે ચીસ પાડવાનો વારો એમનો હતો.

આમ તો આટલેથી આ વાર્તા પૂરી કરી શકાય. વિવેચકો કહે કે ચોટદાર અંત સાથે વાર્તા પૂરી થઈ. પણ ના …

મારી વાર્તાનો અંત આ નથી. શાંતિકાકા ઊંઘમાંથી જાગ્યા હોય એમ ઊભા થયા. બહેરી પત્નીને વળગીને ખૂબ રડ્યા. ઘરની બહાર નીકળીને ખુલ્લા આસમાન સામે જોઈને ઊંડા ઊંડા શ્વાસ લીધા. ફરી સંડાસમાં જઈને પેલી છત પર વળગીને ચૉટેલી ગરોળીને જોઈ. ગરોળી આટઆટલી ધમાલ, બૂમાબૂમ વચ્ચે પણ સ્થિતપ્રજ્ઞ શી એમ જ છતને વળગેલી હતી. એ શાંતિકાકાનું મોત બનવા નહોતી આવી.

શાંતિકાકાએ એ ગરોળીને બે હાથ જોડીને પ્રણામ કર્યા.

લખ્યા તારીખ –   ૨૮ માર્ચ ૨૦૧૫

e.mail : navinbanker@yahoo.com

Loading

...102030...3,8893,8903,8913,892...3,9003,9103,920...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved