Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335297
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એવા મુંબઈમાં ચાલ જઈએ

ચંદ્રકાન્ત શાહ|Poetry|23 March 2014

 

એકબીજા અાપણે બે
એવા મુંબઈમાં − કોઈ એવા મુંબઈમાં − એવા મુંબઈમાં ચાલ જઈએ
ખોવાઈ ચાલ જઈએ −
એકબીજા અાપણે બે …

એવા મુંબઈમાં પછી − અાપણે અમસ્તાં, હોય નહીં રસ્તા
એકે ના ગલ્લી, એ મુંબઈ ભલ્લી

નહીં લોકોની વચ્ચે ભીંસાવું, ના રોજ અહીં પીસાવું
રોજ નહીં ભંગાવું – રોજ નહીં સંધાવું −
એવા મુંબઈમાં ચાલ જઈએ − ખોવાઈ ચાલ જઈએ −

એવા મુંબઈમાં પછી
તું મારો અોળખીતો, હું તારી સગ્ગી
કાયમ હું રહીશ તારી, રહીશ હાથવગ્ગી
વ્હાલનો વહેવાર અને વહાલની જ ભાષા
અાપણે બે એકલાં ને લોકોના સાંસા
એવા મુંબઈમાં ચાલ જઈએ − ખોવાઈ ચાલ જઈએ −

એવા મુંબઈમાં પછી –
હોય ના મકાનો કે હોય ના દુકાનો
અાપણો જ મૂડ હોય મસ્તીમજાનો

એવા મુંબઈમાં પછી
પૂઠ્ઠાં ચાંદો – ને – ચીતરેલા સૂરજ
ટહૂકાઅો મૂંગા ને મૂંગા અવાજો
અામ સાવ એકલાં ને અામ બેનું ટોળું
હું કરીશ વહાલ તને રોજ થોડું થોડું
એવા મુંબઈમાં ચાલ જઈએ − મુંબઈની વારતાઅો કહીએ −
ખોવાઈ ચાલ જઈએ −

એક બીજા અાપણે બે −
એવા મુંબઈમાં, કોઈ એવા મુંબઈમાં, એવા મુંબઈમાં ચાલ જઈએ −
ખોવાઈ – ચાલ જઈએ – ખોવાઈ ચાલ જઈએ −

Loading

પ્રકાશ ન. શાહ ઃ અડીખમ નાગરિકધર્મનું મુક્ત હાસ્ય

ઉર્વીશ કોઠારી|Profile|17 March 2014

પ્રકાશ ન. શાહ ઃ અડીખમ નાગરિકધર્મનું મુક્ત હાસ્ય

ગુજરાતના જાહેર જીવનમાં ભીની બૌદ્ધિકતા, નિર્ભાર વિદ્વત્તા, તીક્ષ્ણ રમૂજવૃત્તિ – મુક્ત હાસ્યની ઓથે છુપાયેલું ગાંભીર્ય અને એ બધામાં શિરમોર ‘નો સર’ કહેવાની ઠંડી મક્કમતા – આ ગુણો સ્વતંત્રપણે દુર્લભ બની ગયા હોય, ત્યારે તેમના સંયોજન માટે કયા શબ્દો વાપરવા? આશ્ચર્યજનક ચમત્કાર? સુખદ અકસ્માત? વીરલ યોગાનુયોગ?

એમાંનો એક પણ પ્રયોગ ન વાપરવો હોય તો, ફક્ત ‘પ્રકાશ ન.શાહ’ કહેવું પૂરતું છે. 

સરળતા ખાતર પ્રકાશભાઈની ટૂંકી ઓળખાણ “નિરીક્ષક” વિચારપત્રના તંત્રી અને “દિવ્ય ભાસ્કર”ના કટારલેખક તરીકે આપી શકાય. 2002 પછીના ગુજરાતમાં તેમની એક પ્રમુખ ઓળખ મુખ્ય મંત્રીના મુખ્ય ટીકાકાર તરીકેની પણ રહી છે. કાયદો-વ્યવસ્થા અને ન્યાયના શાસનની વાત કરનારાને ‘સ્યુડો-સેક્યુલર’ તરીકે ઓળખવાની ગુજરાતી ફેશન પ્રમાણે, પ્રકાશભાઈ ‘સેક્યુલર ટોળકીના પોપ’ જેવું બિરૂદ પણ પામ્યા છે. ઇંદિરા ગાંધીની આપખુદશાહીનો ખુલ્લો વિરોધ કરનારા અને કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશભાઈને કોમવાદી-વ્યક્તિકેન્દ્રી રાજકારણનો વિરોધ કરવા બદલ કોંગ્રેસી ગણવામાં આવે, તે વિશિષ્ટ વિરોધાભાસ છે.

પ્રકાશભાઈમાં એક સાથે (અસલી) અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકારનું ચેતન ધબકે છે. આજે જેમનાં નામ સાંભળીને અહોભાવયુક્ત આદર થઈ આવે એવાં અનેક ઐતિહાસિક વ્યક્તિત્વો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. એ યાદીમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણથી માંડીને ગાંધીબિરાદરી-જાહેર જીવન-સાહિત્ય-પત્રકારત્વનાં ઘણાં નામ આવી જાય. રામનાથ ગોએન્કાના ‘એક્સપ્રેસ જૂથ’માં તેમણે “જનસત્તા” દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું હતું.

લેખન – પત્રકારત્વ સાથે પ્રકાશભાઈનો સંબંધ લગભગ પાંચેક દાયકાથી છે. ભોગીલાલ ગાંધીના “વિશ્વમાનવ” અને પ્રબોધ ચોક્સીના તંત્રીપદ હેઠળના “નિરીક્ષક”માં લખનારા પ્રકાશભાઈ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે નિરાંતે જિંદગી વીતાવી શક્યા હોત, પણ અધ્યાપકપદું તેમની કારકિર્દીમાં કેવળ અલ્પવિરામ બની રહ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તૈયાર થઈ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’માં ભોગીલાલ ગાંધી સાથે કામ કરવાની દરખાસ્ત આવતાં, તેમણે અધ્યાપક તરીકેની નોકરી છોડી દીધી. પત્રકારત્વમાં ‘એક્સપ્રેસ જૂથ’ના “નૂતન ગુજરાત” અને પછી “જનસત્તા”ના તંત્રી તરીકે તેમની કામગીરી યાદગાર રહી.

મુખ્ય ધારાનાં ગુજરાતી અખબારો માટે અસ્પૃશ્ય રહેલા ઘણા વિષયો તેમણે “જનસત્તા”માં સામેલ કર્યા. એ વિષય પર વાચકોના પ્રતિભાવો અને તેના દ્વારા ચર્ચાનો માહોલ ઊભો કર્યો. હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળ એક્સપ્રેસ જૂથના “સમકાલીન”માં પ્રકાશભાઈએ નિયમિત લખ્યું. “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા”ની ગુજરાતી આવૃત્તિ શરૂ થઈ ત્યારે તેની ધુરા સંભાળવા માટે, ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર બન્ને પાસેથી ‘ટાઇમ્સ’ને પ્રકાશભાઈનું જ નામ મળ્યું. જો કે, ‘ટાઇમ્સ’ના વ્યાવસાયિક માહોલમાં તેમને લાંબો સમય ગોઠ્યું નહીં.

“દિવ્ય ભાસ્કર” શરૂ થયું ત્યારે શરૂઆતનાં વર્ષોમાં તેના તંત્રીપાનાની જવાબદારી પ્રકાશભાઈ સંભાળતા હતા. ગુજરાતનાં મુખ્ય ધારાનાં અને માતબર ફેલાવો ધરાવતા અખબારોમાં પહેલી વાર તે આવ્યા અને જણાયા પણ ખરા. ગુજરાતી અખબારોમાં તંત્રીલેખો ઘણુંખરું ઔપચારિકતા પૂરી કરવા ખાતર લખાતા અને છપાતા હોય છે, પણ પ્રકાશભાઈના તંત્રીલેખો અસંખ્ય મુદ્દા પર વાચકોને નરવું વિચારભાથું પૂરું પાડનારા બની રહ્યા. રાજકારણ ને સમાજના ગંભીર વિષયો જેટલી જ સાહજિકતાથી સચિન તેંડુલકર – અનિલ કુંબલેની ક્રિકેટકલા વિશેના તંત્રીલેખોમાં પ્રકાશભાઈ ખીલી ઉઠતા હતા.

તંત્રીલેખ અને બીજા લેખોમાં પ્રકાશભાઈની ભાષા કાયમી ચર્ચાનો વિષય રહી છે. ‘પ્રકાશભાઈનું ગુજરાતી વાંચવું હોય તો તેનો અનુવાદ કરાવવો પડે’ એવી રમૂજ વર્ષોથી થાય છે. તેમની લેખિત ભાષા સરળ કે સીધીસટ નથી, પરંતુ ધ્યાન અને મન દઈને વાંચનારને તેમાંથી ફક્ત સચોટ-સર્વાંગી વિશ્લેષણનો જ નહીં, ભાષાની તાજગી અને નવા શબ્દપ્રયોગોનો પણ આનંદ મળે છે. ગુજરાતી કટારલેખકોમાં બહુ ઓછા એવા છે, જેમને ખરેખર કંઈ કહેવાનું હોય. પ્રકાશભાઈ એમાંના એક છે, તેનો દૃઢ અહેસાસ થઈ ગયા પછી તેમના લેખો વાંચવાનું અઘરું પડતું નથી. બલકે, સમજાય છે કે મામલો મુખ્યત્વે મગજને તસ્દી આપવાનો જ છે.

નવા અને શબ્દકોશમાં ન હોય (છતાં તેમાં સ્થાન પામી શકે) એવા ગુજરાતી શબ્દો નીપજાવવામાં પ્રકાશભાઈ માહેર છે. જાદુગર હવામાંથી અજબગજબની ચીજો પેદા કરે, તેમ પ્રકાશભાઈ હસતાંરમતાં નવા શબ્દો બનાવે અને વાપરે છે. મોટી ઇમારતો બનાવવાની ઘેલછા માટે ‘દૈત્યકાય ઇમારતવાદ’, મીડિયાના આક્રમણ માટે ‘મીડિયામારી’, ક્રિકેટની ચીઅર ગર્લ્સ માટે ‘ચિયરાંગના’, તો અન્ડરવેઇટ બાળકો માટે ‘ઋણવજનિયાં’ જેવા પ્રયોગો તેમને મન સહજ અભિવ્યક્તિનો એક ભાગ છે. ભદ્રંભદ્ર બન્યા વગર તે ‘ગોલ્ડન જ્યુબિલી’ માટે ‘સુવર્ણજયંતિ’ને બદલે ‘પચાસવર્ષી’, ‘રોલમોડેલ’ને બદલે ‘વેશનમૂનો’, ‘નોનસ્ટાર્ટર’ માટે ‘અનારંભી’ અને ‘વન અપમેનશિપ’ માટે ‘અમે-તમારાથી-ચડિયાતા-શાઇ’ જેવા સોંસરવા ગુજરાતી પ્રયોગો આબાદ પ્રયોજી જાણે છે. ‘કિંકર્તવ્યમૂઢ’ જેટલી જ સહેલાઈથી તે ‘કિંદર્શિતવ્યંમૂઢ’ (ટીવી પર શું જોવું તેની ખબર ન પડે એ અર્થમાં) લગાડી શકે છે. છીછરી લોકપ્રિયતામાં છબછબિયાં કરનારા અકારણ અને કૃતક ‘ગુજલિશ’ દ્વારા ગુજરાતીનું ચિરહરણ કરી રહ્યા છે, ત્યારે પ્રકાશભાઈના લખાણની ભાષામાં ગુજરાતી ભાષાનો જુદો-મૌલિક-પ્રકાશીય રંગ જોવા મળે છે. કોઈ પણ ભાષાપ્રેમીને તેમાં રસ પડી શકે, ઘણી વાર પ્રકાશભાઈના રાજકીય વિચારોના વિરોધ માટે તેમની ભાષાની ‘દુર્બોધતા’નો મુદ્દો વીંઝાતો જોવા મળે છે.

પ્રકાશભાઈના ભલભલા વિચારવિરોધીઓ તેમની રમૂજવૃત્તિની પ્રશંસામાં એકમત છે. સહજ સંવાદમાં રમૂજની છોળો ઉડાડતા પ્રકાશભાઈની હાજરી દૂરથી જ પરખાઈ જાય. પ્રેમાળ અટ્ટહાસ્ય પ્રકાશભાઈનું ઓળખપત્ર છે. રમૂજ કરવાની અને માણવાની તેમની ક્ષમતાને કારણે જ કદાચ, તે “નિરીક્ષક” જેવું સામયિક ચલાવવા છતાં અને ચાર-ચાર દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં, નિરાશાવાદી કે કડવા થયા નથી. હસતા મોંએ તે ટીકા સહન કરી શકે છે અને કટુ થયા વિના ટીકા કરી પણ શકે છે. તેમાં કશો દંભ નથી. નકરી સ્વાભાવિકતા હોય છે.

પ્રકાશભાઈને લખતાં વાર લાગતી નથી, પણ તેમને લખવા બેસાડવાનું કામ ભગીરથ હોય છે. લખવા બેઠા પછી તે એક બેઠકે અને એકસરખા સુવાચ્ય અક્ષરોમાં વસંત-રજબ વિશેની આખી પરિચય પુસ્તિકા લખી કાઢે છે. પણ તે લખવા બેસે એવો યોગ આણવાનું બહુ કપરું છે. (ચાર દાયકાના લેખન પછી પણ તેમના નામે એકેય પુસ્તક નથી.) તેની સરખામણીમાં પ્રકાશભાઈ પાસેથી બોલાવવું પ્રમાણમાં ઘણું સહેલું છે. વક્તવ્ય માટે તે મોટે ભાગે ‘ના’ પાડતા નથી અને કદી ઉપરછલ્લું, લોકરંજક કે આત્મરતિભર્યું વક્તવ્ય આપતા નથી. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય, કળા, ધર્મ, ફિલસૂફી, ગાંધી જેવા અનેક વિષયોમાં તેમની ઊંડી સમજણ, ‘હું’પણાની બાદબાકી સાથે, તેમનાં વક્તવ્યોમાં ઘોળાઈને આવે છે. ‘લોકપ્રિય’ તરીકે જાણીતા લોકરંજક વક્તાઓની જેમ, તેમના પ્રવચનમાં શ્રોતાઓને આંજી નાખવાનો કશો વ્યાયામ હોતો નથી, પણ નિરાંતે આખું વક્તવ્ય સાંભળનાર શ્રોતા છેવટે કશુંક નક્કર પામીને ઊભો થાય છે. (તેમનું વક્તવ્ય ફક્ત ‘ઓડિયો’ નહીં, પણ ‘ઓડિયો-વિઝ્યુઅલ’ અનુભવ હોય છે.) તેમાં અનાયાસ અને એકદમ આબાદ રીતે આવી જતા અઢળક સંદર્ભો શ્રોતાઓના મનની ક્ષિતિજો વિસ્તારવામાં મદદરૂપ થાય છે.

ગાંધી-કૃપાલાણી-જયપ્રકાશ-ઉમાશંકરયુગ સાથેની અનન્ય વિચારકડી તરીકે 72 વર્ષના પ્રકાશભાઈ ગુજરાતનું એવું વીરલ વ્યક્તિત્વ છે, જેમના વિશે ગૌરવ લેવાનું અને જેમના પ્રદાનને યથાયોગ્ય રીતે મૂલવવાનું ઘણા ગૌરવતત્પર ગુજરાતીઓનો હજુ સૂઝ્યું નથી.

uakothari@gmail.com

urvishkothari-gujarati.blogspot.com

Loading

સાંકડી ઓળખ વિ. સમાવેશી વિકાસ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|17 March 2014

ગુલ પનાગના તેમ સરિતા દાસના કિસ્સાઓમાં ૨૦૦૨ બાબતે મોદીની જવાબદારી-બેજવાબદારીનો મુદ્દો જરૂર છે

અલબત્ત, છે તો એ એક જોગાનુજોગ જ. પણ શુક્રવારી છાપાં ચારીમાં સહજ ક્રમે બે મહિ‌લાઓનાં નામ સામે આવ્યાં: એક તો, નાગરિક નિસબત વાસ્તે લબરમૂછ ટ્વિટરાટીઓમાં જાણીતી અને કંઈક માનીતી ગુલ પનાગનું. અને બીજું જે નામ સામે આવ્યું તે સરિતા દાસનું. સરિતા એક નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી છે, અને પૂર્વે રાષ્ટ્રીય લઘુમતી કમિશનને એમણે સચિવસ્તરે સેવાઓ આપેલી છે. ગુલ અને સરિતા બેઉના ઉદ્દગારોમાં કોઈ એક સમાન મુદ્દો હોય તો તે નરેન્દ્ર મોદી વિશે છે. સરિતા છેલ્લા કેટલાક મહિ‌નાઓથી એ વાતે અસ્વસ્થ જ અસ્વસ્થ છે કે નરેન્દ્ર મોદીને કથિત 'કલીન ચીટ’ અપાયેલી છે.

પોતે ૨૦૦૨માં સત્તાવાર કામગીરીની રૂએ અમદાવાદની મુલાકાત લીધી ત્યારે આપત્તિગ્રસ્ત લોકોની અને વિસ્તારોની રૂબરૂ મુલાકાતે ન જઈ શકે એવી ભરસક કોશિશ મોદી તંત્રે કરી હતી. સરિતા દાસે સ્થળહેવાલમાં આ બધી વિગતો લઘુમતી કમિશન જોગ દર્જ પણ કરી હતી. આ પ્રકારના હેવાલોના ઉજાસમાં 'કલીન ચીટ’નું સ્વાભાવિક જ કોઈ લોજિક નહોતું ને નથી. પણ જ્યારે સરિતા દાસે આ સંદર્ભમાં કમિશનના દફતરમાં તપાસ કરી ત્યારે એમના હેવાલનો કોઈ અતોતપો જ નહોતો, ગુલ પનાગનો કિસ્સો જરી જુદી તરેહનો છે. યુવા પેઢીને સહજ મોદીની મોહની ક્યારેક એને સ્પર્શી ગઈ હશે, અને ત્યારે 'કલીન ચીટ’ હેવાલોના ઊંડાણમાં ગયા વગર એણે 'મોદી ફોર પીએમ’ એવી ટ્વિટરાટી ધડબડાટી પણ બોલાવી દીધી હતી.

બેશક, આ કિસ્સો કોઈ ભાડૂતી પ્રચારમારાની કડીનો નહોતો – પણ ભલી સમજ અને સરળ ઉત્સાહભેર દડી પડયાનો હતો. ‘આપ’ તરફથી ગુલને ચંડીગઢની ઉમેદવાર જાહેર કરાઈ ત્યારે એણે આ વિશે દિલખુલાસ વાત પણ કરી હતી : 'ભાઈ, ત્યારે ‘આપ’ હતું જ કયાં? (કોંગ્રેસ રાજથી નારાજ) મેં અંધો મેં કાના રાજા એ ન્યાયે નમો માટે ટ્વિટ કર્યું હતું. ત્યારે મામલો પસંદગીનો નહીં પણ વખાના માર્યા જખ મારવાનો હતો.’ દેખીતી રીતે જ, ગુલ પનાગની આ ઉક્તિમાં કોંગ્રેસ-ભાજપ જેવા એકબીજાની બદલી ભરતા પક્ષો કરતાં ‘આપ’ પ્રકારની વિકલ્પ ચેષ્ટાની કદર ઝળકે છે. ઉપરાંત, 'કલીન ચીટ’ના લોજિકને પડકારતી જે બધી સિલસિલાબંધ વિગતો વચગાળામાં બહાર આવતી રહી છે એનો ય એમાં કંઈક ફાળો જણાય છે.

ગુલની ઉમેદવારી જાહેર થવી અને એ જ દિવસે પૂર્વ પોલિસવડા શ્રીકૃમારનું 'આપ’માં જોડાવું, કદાચ એક જ ફ્રિકવન્સી પરની આ બે બીનાઓ છે એમ પણ તમે કહી શકો. ગુલ પનાગના તેમ સરિતા દાસના કિસ્સાઓમાં ૨૦૦૨ બાબતે મોદીની જવાબદારી અને બેજવાબદારીનો મુદ્દો જરૂર છે. પણ આ ક્ષણે જાહેર જીવનના કોમી પરિમાણની ચર્ચામાં ધારો કે ન જઈએ તો પણ આ પ્રશ્ન શાસનનો, સુશાસનનો અગર તો કાયદાના શાસન વિષયક તમારું ધોરણ અને તમારો અભિગમ શું છે એનો તો રહે જ છે. મોદીએ વિકાસનો મુદ્દો ઉછાળ્યો અને ૨૦૦૨ની જવાબદારી બાબતે પડદો નાખવાની કોશિશ કરી એ સાચું; પણ વિકાસ બાબતે તો એમણે ચર્ચા કરવી જ રહી.

લાંબા એકતરફી પ્રચારમારા પછી કેજરીવાલની ગુજરાતની મુલાકાતને પગલે વિકાસના મોદી મોડેલની વાસ્તવિકતા કદાચ પહેલી જ વાર રાષ્ટ્રીય સ્તરે બહાર આવી છે. તે સાથે, ચાલુ અઠવાડિયે બિહારમાં મોદીના ગુજરાતદાવા સામે નીતીશે એક એક મુદ્દો લઈ જે રીતે બિહારદાવો ઉપસાવ્યો તે પણ આ ચર્ચાને એક વિશેષ આયામ આપતી બીના હોઈ શકે છે. નીતીશની માંડણી વિકાસ અને સામાજિક સમાવેશકતા (સોશ્યલ ઈન્કલુઝન) આસપાસની હોય તેમ જણાય છે. ૨૦૧૨ના ગુજરાત વિધાનસભાના પરિણામ સાથે મોદીએ 'એસ્પિરેશનલ મિડલ કલાસ’ને અપીલ કરવાનો રસ્તો લીધો છે. રાહુલ ગાંધીનો ઝોક માહિ‌તી અધિકારથી માંડી મનરેગા સહિત સશક્તીકરણ મથામણની યાદ આપવાનો રહે છે.

પણ હમણે હમણે એમણે 'એન.આર.એમ.બી.’ -નોટ રિચ, નોટ મિડલ કલાસ, નોટ બીલો પોવર્ટી લાઈન- એવા વર્ગને વિશેષરૂપે તાકવાનું પસંદ કર્યું છે. તો, અહીં મુદ્દાની વાત કદાચ એ બને છે કે ચર્ચા નાતજાતમાં સીમિત નહીં રહેતાં કંઈક વર્ગીય અને નાગરિકી વલણ દાખવે છે. આ એસ્પિરેશનલ મિડલ કલાસથી માંડીને એન.આર.એમ.બી. જેવાં વાનાં આપણને કદાચ એ બાબતે વિચારવાની ફરજ પાડે છે કે પરંપરાગત ગ્રામભારતને બદલે શહેરી ભારત (ઈન્ડિયા) વિસ્તરી રહ્યું છે. આ શહેરીકરણ (પાંચસાત વરસ પછી અડધું ગુજરાત શહેરોમાં હશે) નાતજાતના ઓળખ-રાજકારણ ઉપરાંતના અભિગમની અપેક્ષા રાખે છે એમ કહેવામાં હરકત નથી.

છેલ્લા સેન્સસમાં અગાઉના ૧,૩૬૨ સેન્સસ ટાઉનને બદલે ૩,૮૮૪ સેન્સસ ટાઉન ઉભર્યાં હોય તો એનો અર્થ એ થયો કે શહેરી વલણોવાળું ગ્રામકેન્દ્રીકરણ આગળ વધી રહ્યું છે. સવાલ, આ એસ્પિરેશન મિડલ કલાસથી માંડી એન.આર.એમ.બી. તેમ જ નવ્ય ગ્રામનગરી (રુર્બન) સમુદાયને એકબીજાની તેમ બાકી સૌની સારસંભાળપૂર્વક વિકાસમાં સંયોજવાનો છે. આ વિકાસ સહભાગી હોય એટલો જ સંપોષિત હોય તે પણ જોવાનું છે. ચાલુ પક્ષો થકી ઓળખની સાંકડી રાજરમત એ સંદર્ભમાં છેક જ બેમતલબ અને બેજવાબદાર લેખાશે …



પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

http://www.divyabhaskar.co.in/article/ABH-narrow-identity-vs-inclusive-development-4550835-NOR.html

Loading

...102030...3,7793,7803,7813,782...3,7903,8003,810...

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved