Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375684
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બકોર પટેલ : પાપડિયો જંગ !

હરિપ્રસાદ વ્યાસ|Opinion - Short Stories|18 April 2014

જમવા માટે શકરી પટલાણીએ પાટલા ઢાળ્યા. આજે જ તેમણે પાપડ બનાવ્યા હતા. ખૂબ હોંશથી બનાવેલા. તેથી બકોર પટેલને ચખાડવા પોતે તલપાપડ બની ગયાં હતાં. થાળી પીરસીને એક બાજુ રકાબીમાં બે પાપડ મૂક્યા.

બકોર પટેલ આવીને પાટલે બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા : ‘ઓહોહોહોહો! આજે તો પાપડમ્ વણી નાખ્યામ્ ને કંઈ !

’
‘શું કરું ત્યારે ?’ શકરી પટલાણીએ જવાબ આપ્યો, ‘રોજરોજ તમે બબડો કે પાપડમ્ તૈયાર નહિ થાય, તો સાપડમ્ (ભોજન) કરવાનો નથી જ ! તેથી આજે બપોરે બેચાર બહેનપણીને બોલાવી તાબડતોબ વણી નાંખ્યા!

’
‘પણ મને તો રાખ્યો અંધારામાં ! તમે બૈરાં માળાં બહુ પાક્કાં !’ પટેલ તાજેતરમાં મદ્રાસની મુસાફરી કરી આવેલા. ત્યાંની તામિલ ભાષામાં પાપડને ‘પાપડમ્’ કહે અને ભોજનને ‘સાપડમ્’ ત્યારથી ગમ્મતમાં પટેલ જ્યારે ને ત્યારે તામિલ ભાષાના એ શબ્દો વાપરી વારે વારે પાપડમ્ સાપડમ્ લગાવ્યા કરતા.

બકોર પટેલ પાપડના બડા શોખીન. હાલ બે’ક મહિનાથી પાપડ ખાધેલા નહિ, તેથી સૌ પ્રથમ તેમણે પાપડનો જ કટકો ભાંગીને મોંમાં દાબ્યો. થોડોક ચાવ્યો ન ચાવ્યો ત્યાં તો મોટેથી હસવા લાગ્યા : ‘હોહોહોહો ! હીહીહી ! હુહુહુહુહુ !’ શકરી પટલાણી તો આભાં જ બની ગયાં ! તેમને કંઈ જ સમજ ના પડી !


‘કેમ કેમ કેમ ? શું થયું, શું થયું ? આટલું બધું હસો છો કેમ ?’


હસતાં હસતાં જ પટેલે જવાબ આપ્યો, ‘કેમ ના હસું ? આ તેં બનાવ્યું છે શું ? પાપડ કે તાપડ ? તદ્દન તાપડા જેવા પાપડ છે ! બિલકુલ તાપડા ! આબાદ તાપડા ! અચૂક તાપડા !’

‘બહુ પાતળા વણવાથી શેકતાં શેકતાં બળી જતા. તેથી આ વખતે જરા જાડા વણ્યા. પણ સ્વાદમાં કેવા છે ? તે વાત કરો ને……’
‘

તદ્દન ફુઉઉસ જેવા ! આવા તે હોતા હશે પાપડ ? આવડ્યા જ નહિ તને પાપડ કરતાં ! આવડતા જ નથી. પાપડ તો આમ…. કેવા હોય ! ફાંકડા ! લહેજતદાર ! તમતમાટ ! ધમધમાટ ! ભમભમાટ !’

શકરી પટલાણી જરા ચિડાઈ ગયાં.


બોલ્યાં : ‘ઓહોહોહોહો ! પાપડ ખાનાર દીઠા ન હોય તો ! લોકો કરતાં તો ઘણા સારા બનાવું છું હું તો. તમારામાં બહુ આવડત હોય તો એકવાર પાપડ બનાવી તો બતાવો ! આવા ય તો બનાવી આપો !’


‘એ એમ ? જોવું છે ?’


‘હા ! હા ! હા ! જોવું છે. સત્તર વાર જોવું છે. જોઉં તો ખરી, કે તમને કેવુંક પાપડ બનાવતાં આવડે છે ?’


‘તો લાગી ! લાગી ! જા ! ઝીલી લઉં છું તારો પડકાર. તક મળતાં જ પાપડ બનાવીને ખવડાવું ત્યારે હું બકોર પટેલ ખરો. એવા તો ફાંકડા બનાવું કે ચાખીને તારો રોલો ઊતરી જાય. મગજની રાઈ પણ ઊતરી જાય. ખુશ ખુશ થઈ જઈશ ! આમ મોં બગાડવું નહિ પડે !’ થઈ ચૂક્યું ! બકોર પટેલ અને શકરી પટલાણી વચ્ચે પાપડિયા જંગનો પડકાર ફેંકાઈ ગયો ! પટેલે ઝીલી લીધો ! ને પછી તેઓ યોગ્ય તકની રાહ જોવા લાગ્યા. બરાબર લાગ મળવો જોઈએ ને ?

એક દિવસ એ લાગ મળી ય ગયો.


શકરી પટલાણીની એક ખાસ બહેનપણીને ત્યાં લગ્ન હતાં. તેથી સાંજે તેને ત્યાં જવાનું ને બીજો આખો દિવસ અને રાત પણ ત્યાં રોકાવાનું હતું. પટલાણીની આ લાંબી ગેરહાજરીનો બકોર પટેલે લાભ લીધો. કામવાળી બાઈ ખુશાલડોશી પાસે તેમણે પાપડનો લોટ બંધાવી રાખ્યો. ગૂંદવાનું બાકી રાખ્યું. પછી મિત્રમંડળને નોતરાં દેવા નીકળ્યા. સૌથી પહેલાં વાઘજીભાઈને ત્યાં ગયા. કહ્યું :


‘વકીલસાહેબ, બહુ ઉતાવળમાં છું, ઝાઝું થોભી શકાય તેમ નથી પણ કાલે સાંજે ચાર વાગે જરૂર જરૂર જરૂર મારે ત્યાં આવજો. તમારું અંગત અને બહુ ખાનગી કામ છે.’


‘શું કામ છે ?’ એવી કંઈ કચ કચ વાઘજીભાઈ કરે, તે પહેલાં તો પટેલ હાથ હલાવતા બહાર નીકળી ગયા. આવી જ રીતે કશો પણ ફોડ પાડ્યા વિના ટીમુ પંડિત, હાથીશંકર અને ડૉ. ઊંટડિયાને ત્યાં નોતરું દઈ આવ્યા. કામ શું છે તે કોઈને જણાવ્યું નહિ.

બીજો દિવસ થયો.


પાપડ વણવા માટે આડણીવેલણ જોઈએ. ખુશાલડોશીને મોકલી પટેલે આડોશપડોશમાંથી ચાર પાંચ આડણી વેલણ મંગાવી રાખ્યાં. બે કિલો આઈસક્રીમ મંગાવીને ફ્રીઝમાં મુકાવી રાખ્યો. તેમનો વિચાર પોતાના મિત્રમંડળ પાસે પાપડ વણાવવાનો હતો ! મનમાં એવું, કે પટલાણી પોતાની સખીઓને પાપડ વણવા બોલાવે, તો હું મારા સખાઓને પાપડ વણવા કેમ ના બોલાવું ?….. પટેલે માત્ર એક કિલો લોટ બંધાવેલો. એટલા પાપડ વણવામાં વાર કેટલી ? પણ હા, પાપડ વણવાના છે, તેવું કોઈને અગાઉથી કહેલું નહિ. જરા પણ ઈશારો કરેલો નહિ. આખરે ચાર વાગ્યા. સૌથી પહેલાં ડોલતા ડોલતા ટીમુ પંડિત આવી પહોંચ્યા. બહારથી જ તેમનો ઘાંટો સંભળાયો. તેમણે લલકાર્યું :

પ્રભાતે મગસો મોદક,


આરોગે જે માનવી;


બળબુદ્ધિ ને વધે કાન્તિ,


એવં ચરકઃ ઉચ્યતે ….

પંડિતજીની પાછળ પાછળ વાઘજીભાઈ આવી પહોંચ્યા. થોડીવારે ડૉક્ટર ઉંટડિયા પણ પધાર્યા. ચાર જણ એકઠા થયા એટલે ખુશાલડોશી બધાને માટે આઈસ્ક્રીમની પ્લેટો લાવી. બધાએ તે આરોગવા માંડ્યું, એટલે બકોર પટેલે ઊભા થઈ ભાષણ આપવા માંડ્યું :


‘પ્રિય મિત્રો ! આજના શુભ દિને આપ સૌ ટેસથી આઈસ્ક્રીમ આરોગો.’


‘શાનો શુભ દિન છે ?’ ટીમુ પંડિતે ભવાં ચડાવી પૂછ્યું, ‘વહેલું કહ્યું હોત તો હું આવીને ધાર્મિક વિધિ કરાવત.’


‘વિધિ તો તમારી પાસે કરાવાની જ છે.’ પટેલ બોલ્યા, ‘આપ સૌ આઈસ્ક્રીમ સારી પેઠે આરોગતા જાઓ. ત્યાં હું આજના શુભ દિનની વાત કરું.’ બધા ચમચી વડે આઈસ્ક્રીમ ઉડાવવા મંડ્યા તથા ધ્યાનથી સાંભળવા લાગ્યા.


‘મિત્રો, માળાં બૈરાઓનું અભિમાન બહુ વધી ગયું છે. કહે છે, એમના જેવી વાનગીઓ આપણે મરદ લોકો બનાવી શકીએ નહિ. મારી અને પટલાણી વચ્ચે પાપડ બાબતે ચકમક ઝરી છે. મેં પડકાર ઝીલી લીધો છે. તેથી મિત્રો, આઈસ્ક્રીમ પૂરું કરીને આપણે થોડાક પાપડ વણવાના છે ! પૂરતાં આડણીવેલણ તૈયાર છે !’ સૌનું ધ્યાન આડણીવેલણની ચાર જોડી ઉપર પડ્યું ને સૌ ખડખડાટ હસી પડ્યા.

પટેલે જરા વિસ્તારથી પાપડિયા જંગની વિગત સમજાવી દીધી. શકરી પટલાણી આજે આવવાનાં નથી, તેવું પણ જણાવી દીધું.


હવે ?


બધાને નવાઈ લાગી; પણ પટેલ સાથે સૌને દોસ્તી, કાયમ હસવાનું મળે એટલે કોઈને વાંધો નહોતો. લોટ મશાલો બગડે તો ય શું થઈ ગયું ? ઝોકાવો ભઈલા, પાપડિયા જંગમાં, યાહોમ !….. બધાએ બાંયો ચઢાવી વેલણ આડણી લીધા, અને પાપડની કણકના લચકા લઈ લઈ આડણી પર મૂક્યા. ટીમુ પંડિત કહે :


‘ચાલો ભઈલા, હવે હું એક બે ને ત્રણ બોલું છું. ત્રણ શબ્દ પડતાં જ સૌએ વેલણ મારવા માંડવું….’ ડૉ. ઉંટડિયા બોલ્યા : ‘વાહ વાહ ! ચલને દોજી ! લગાવો તમારી પાપડિયા હરાજી, પંડિતજી !’


‘એ એ એ એ ક


બે એ એ એ એ એ


ત્ર અ અ અ ણ……’


પણ ત્રણ શબ્દ પૂરો થાય ન થાય ત્યાં તો આંગણામાં બરાડો સંભળાયો :


‘ખબરદાર, સ્ટોપ ! હું આવ્યો છું, આવ્યો છું, આવ્યો છું….’ બધાએ ઊંચું જોયું તો બારણામાં શ્રીમાન હાથીશંકરજી. ફરી તે વદ્યા : ‘અલ્યા ઓ, મારી હાજરી વિના કામ કેમ શરૂ કરો છો ? શું સમજો છો તમારા મનમાં …..?’ કહી હાથીશંકર ખડખડ હસ્યા. પછી પ્લેટો પર નજર પડવાથી કહે : ‘ને….ને… ક્યાં છે મારું આઈસ્ક્રીમ ?’


બકોર પટેલ બોલ્યા : ‘હાથીશંકરભાઈ તમારા વિના ગાડું ગબડે ખરું ? તમારે માટે ડબલ પ્લેટ રાખી મૂકી છે !’
‘ત્યારે થવા દો !’

ને ખુશાલડોશીએ હાથીશંકર માટે ખાસ રહેવા દીધેલી હિમાલય પ્લેટ તેમની પાસે લાવીને મૂકી. ચમચો પણ મોટો જ ને ! એ ચમચાથી આઈસ્ક્રીમનાં ગાબડે ગાબડાં લગાવતાં હાથીશંકર પૂછવા લાગ્યા : ‘પણ આખર બાત ક્યા હૈ ? મામલો શું છે ?’ પટેલે બધી હકીકત કહી, પોતે પાપડિયા જંગમાં ઉતર્યા છે, તે પણ જણાવ્યું. હાથીશંકરને એકદમ શૂરાતન વ્યાપી ગયું.


‘એમ બાબત છે ? તો પહેલાં તો કણકને હું બરાબર ગૂંદી આપું. જેમ કણક ગૂંદાય તેમ પાપડ એકદમ પોચા બને. લાવો ખાંડણી અને દસ્તો.’ પટેલને હાથીશંકરની વાત વ્યાજબી લાગી. પાપડની કણક ઉપર જેમ પુષ્કળ ઘા પડે, તેમ લોટ મુલાયમ બને.

ખુશાલડોશીએ ખાંડણી ગોઠવી આપી. તેમાં પાપડની કણક મૂકી. હાથીશંકરે દસ્તો ઉપાડીને ઝીંકવા માંડ્યો :


‘હેઈસો ! હઈસ ! હેઈસો ! હેઈસો !’ હાથીશંકરની ફાંદ ઉછળવા માંડી. શ્વાસની ધમણ ચાલવા લાગી. નસકોરાં ફૂલવા માંડ્યા. પણ એક વખત એવો ભારે ઘા ઝીંકવા ગયા, કે પોતે જ ગલોટિયું ખાઈ ગયા !? પડ્યા હેઠા !


‘હાં ! હાં ! હાં ! હાં ! હાં !’ કરતા બકોર પટેલ તેમને ઊભા કરવા દોડ્યા. પણ પટેલનું એકલાનું શું ગજું ? તેમની મદદે ટીમુ પંડિત અને વાઘજીભાઈ આવ્યા. ત્રણેએ મળીને હાથીશંકરને ઊભા કર્યા.


‘બહુ પછડાટ લાગી છે ?’ પટેલે પૂછ્યું.


‘ના ના !’


ડૉ. ઊંટડિયા કહે : ‘ઘરમાં ટિંકચર છે કે નહિ ? એમને ટિંકચર આયોડિન ચોપડી દો. લાવો શીશી મારી પાસે. હું લગાડી આપું.’ પટેલે કબાટ ખોલી શીશી કાઢી. હાથીશંકર ના ના કહેતા રહ્યા અને ડૉક્ટર ઊંટડિયાએ તેમના શરીરે લપેડા કરી દીધા !

થોડી વાર બધાએ થાક ખાધો. પછી પટેલ કહેવા લાગ્યા : ‘હવે આપણે વાટા બનાવી લુઆ પાડીએ.’


‘એ વાટાફાટા આપણને ના આવડે !’ વાઘજીભાઈ હાથ ખંખેરીને બોલ્યા : ‘બાકી લુઆ પાડવા હોય તો સહેલી વાત છે. વાટાનું કામ આ પંડિતજીને સોંપો.’


‘ભલે. હું પ્રયત્ન કરી જોઉં. લાડવા મેં ઘણા વાળ્યા છે પણ વાટા કોઈ દિવસ પાડ્યા નથી. પણ આજે કરું અખતરો!’ ટીમુ પંડિત કણક લઈને બેઠા. તેઓ વાટા વાળવાનો પ્રયત્ન કરે. છતાં આદતના જોરે ગોળ ગોળ લાડવા જ વળાઈ જાય!


ડૉ. ઊંટડિયા હસી પડ્યા !


‘લાવો એ લાડવા !’ ડૉક્ટર બોલ્યા, ‘અમે વાટા પાડીએ.’ આખરે બધાએ જેમ તેમ કરીને વાટા પાડ્યા. મીણની દોરી વડે લુઆ પણ પાડ્યા. લુઆમાં ય ગોટાળો થઈ ગયો ! કોઈ લુઓ જાડો તો કોઈ વળી એકદમ પાતળો ! પણ છેવટે આ રીતે પાપડ વણવાની તૈયારી થઈ.


પટેલ કહે : ‘મિત્રો, પાછાં સંભાળી લ્યો સૌ સૌનાં આડણી અને વેલણ ! મારે માટે હું રસોડામાંથી લઈ આવું છું. ચાલો ત્યારે. આપણે સૌ ઝોકાવો.’

આમ એક બાજુ પટેલ અને વાઘજીભાઈ આડણી વેલણ લઈને ગોઠવાયા. બીજી બાજુ ટીમુ પંડિત અને ડૉ. ઊંટડિયા ગોઠવાયા. પ્રમુખસ્થાને હાથીશંકર બિરાજ્યા.


પાપડ વણવાનું શરૂ થયું.


લુઆ ઉપર વેલણ ફરવા માંડ્યાં !


પાપડિયા જંગનો આરંભ થઈ ચૂક્યો ! પાંચે પાંચ જણ પાપડ વણવા માંડ્યા. પણ એ બધા મહાનુભાવોએ કયે દહાડે પાપડ વણ્યા હોય ? વણતાં આવડે જ કેવી રીતે ? એટલે દરેકના પાપડે જાતજાતની આકૃતિનું રૂપ પકડવા માંડ્યું. કોઈના પાપડની આકૃતિ બંબાની સૂંઢ જેવી થવા લાગી ! કોઈની વળી ડોકવાળા જિરાફ જેવી ! કોઈના પાપડને છ બાજુ ખૂણા નીકળવા લાગ્યા ! તો કોઈનો પાપડ રબ્બરના ફુગ્ગા જેવો આકાર પકડવા લાગ્યો ! ડૉ. ઊંટડિયાએ કંટાળીને આડણી વેલણ આઘાં ધકેલ્યાં !


‘કેમ !’ બકોર પટેલે ચિંતાતુર ચહેરે પૂછ્યું.


‘આ આપણને ના પાલવે !’


‘શું ?’


‘આ વાંકાચૂંકું મોઢું કરે છે ! દવાખાનામાં દરદીને ઈંજેકશન આપું છું, ત્યારે તે આવું વાંકુંચૂંકું મોઢું કરે છે ! આ પાપડ જોઈને મારો દરદી યાદ આવે છે !’


બધાં હસી પડ્યાં !


પટેલે ધીરજ આપતાં કહ્યું : ‘ડૉક્ટર ! આગે બઢો ! જે ડગલું હિંમતથી ભર્યું, તે ભર્યું ! તેમાં પીછેહઠને અવકાશ જ ના હોય ! તમામ વાંકાચૂંકા પાપડ માટે મેં ઈલાજ તૈયાર રાખ્યો છે !’


‘શો ?’


પટેલે એક વાટકો અને ચપ્પુ બતાવ્યાં : ‘આ તેનો ઈલાજ !’


કોઈને સમજ પડી નહિ.


‘કેવી રીતે ?’ ડૉ. ઊંટડિયાએ પૂછ્યું.


‘આ રીતે !’ કહીને પટેલે એક વાંકાચૂંકા પાપડ ઉપર વાટકો ઊંધો પાડ્યો. પછી તેના ગોળાકારની આજુબાજુની વાંકીચૂંકી ધાર ચપ્પુથી કાપી નાંખી !


‘આફરીઈઈન !’ ડૉ. ઊંટડિયા બોલ્યા : ‘આમ તો બધા જ પાપડ આબાદ ગોળાકાર બનાવી શકાશે !’

ફરીથી બમણા ઉત્સાહથી સૌ પાપડ વણવા મંડી પડ્યા. ત્યાં દશબાર મિનિટ પછી અચાનક શકરી પટલાણીનો અવાજ સંભળાયો, ‘વાહ ! વાહ ! પાપડ વણવા તો મોટી ફોજ આવી પડી છે ને !’ શકરી પટલાણીને અચાનક આવી પડેલાં જોઈ સૌ ચમક્યા અને શરમાઈ ગયાં. શકરી પટલાણી તો આજે આવવાનાં જ ન હતાં ! ટીમુ પંડિત તો શરમના માર્યા ધોતિયું ખંખેરીને સડાક દેતા ઊભા થઈ ગયા ! બકોર પટેલથી પૂછાઈ ગયું :


‘એકાએક ક્યાંથી તું ?’


પટલાણીએ હસીને જવાબ આપ્યો : ‘જરિયાન સાડી લેવા આવી છું ! કાલે ભૂલી ગયેલી. પણ આવી પહોંચી તો આ તમારા વજનદાર આબરૂદાર સખાઓ પાપડ વણતા જોવા મળ્યા !’ બધાનો વેશ જોઈ પટલાણી ખડખડાટ હસી પડ્યાં.


બકોર પટેલે મામલો સંભાળી લીધો.


‘વાંધો નહિ, મિત્રો ! પાપડનો લોટ પૂરો થવા આવ્યો છે. પડકાર આપણે બરાબર ઝીલી લીધો છે. પટલાણીને બતાવી આપ્યું છે કે તમારા કરતાં અમે કમ નથી !’


શકરી પટલાણી મલકાઈને બોલ્યાં : ‘અત્યારે તો ઉતાવળ છે એટલે જાઉં છું. કાલે પાપડ સૂકાશે ત્યારે ચાખીશ. લાડી પાડીનાં નીવડ્યે વખાણ !’ શકરી પટલાણીએ સાડીનું ખોખું હાથમાં લીધું. પછી હસતાં હસતાં વિદાય થયાં.

ખુશાલડોશી પાપડ સૂકવતાં જતાં હતાં. પછી તેમણે વધેલા આઈસ્ક્રીમની પ્લેટો ફરીથી ભરી. મિત્રમંડળે બીજીવાર આઈસ્ક્રીમ ઉડાવ્યો. પછી સૌ જવા તૈયાર થયા.


પટેલ કહે : ‘ખડે રહો ! ’


‘કેમ ? શું બાકી છે ? મગસની ગોટીઓ કાઢો છો ?’ ટીમુ પંડિતે સ્મિત કરી પૂછ્યું.


બકોર પટેલ હસી પડ્યા !


‘પંડિતજી !’ તેઓ બોલ્યા, ‘મગસની ગોટીનું તમારું દાપું તો હું વિસરી જ ગયો ! પહેલાં મગસ કાઢી લાવું.’ પંડિતજી જ્યારે પધારે ત્યારે મગસની એકાદ-બે ગોટીનો પ્રસાદ તો લે જ લે ! મગસની ગોટીનું ખોખું પટેલે દરેક જણ સામે ધર્યું. દરેકે પ્રસાદરૂપે એક એક ગોટી ઉઠાવીને મોંમાં મૂકી. પંડિતજીએ સીસકારો બોલાવી બે ઉઠાવી ! પછી પટેલ બોલ્યા : ‘મિત્રો, આપણમાં રિવાજ છે કે પાપડ વણવા આવનારી દરેક જણીને 5-10 પાપડ આપવા !’


‘પણ આપણે ‘વણનારી’ નથી ! ‘વણનારા’ છીએ !’ વકીલ વાઘજીભાઈએ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો !


‘ભલે !’ પટેલે જવાબ આપ્યો, ‘પણ એ રિવાજનો મારે ભંગ કરવો નથી. તમે દરેક જણ પાંચ પાંચ પાપડ લેતા જાઓ!

ખુશાલડોશી, પેલી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને પાંચ પાંચ પાપડ દરેક જણને આપો.’ ખુશાલડોશીએ ઝડપથી પેકેટ તૈયાર કર્યાં અને બધાને આપ્યાં.


સર્વે વિદાય થયા.
પટેલે આંખો મીંચીને ભગવાનને પ્રાર્થના કરી : ‘હે ભગવાન ! અમે તૈયાર કરેલા પાપડ ‘ચાંગલા’ બનાવજે હોં !’

બીજો દિવસ થયો.


શકરી પટલાણી સવારમાં જ આવી પહોંચ્યાં. તેમનું ચિત્તેય પટેલ મંડળીએ વણેલા પાપડમાં હતું. સવારે જ ચા સાથે તેમણે બે-ત્રણ પાપડ શેક્યા. પટેલને પણ ચા સાથે એક પાપડ આપ્યો. ચા-બિસ્કિટની પેઠે ચા-પાપડ ! પટેલનું ધ્યાન તો શકરી પટલાણીના મોં તરફ જ. તેમને એમ થતું હતું કે પટલાણી ક્યારે પાપડ ચાખે અને ખુશ થઈ જાય ! પટલાણીએ પાપડ ખાધો કે લાગલું તેમનું મોં કટાણું થઈ ગયું ! પટેલ ગભરાયા ! શકરી પટલાણી બોલ્યાં : ‘ઊંહુંહુંહુંહું! આ તે પાપડ કે સુદર્શન ચૂરણ ? કેટલા બધા કડવા છે ! આંખો મીંચીને હિંગ ઝીંકી લાગે છે !’


વાત સાચી. પટેલને હિંગના પ્રમાણની શી ખબર ? એ તો એટલું જ સમજેલા કે હિંગવાળા પાપડ ભારે સ્વાદિષ્ટ બને. પણ હિંગ વધારે ઝીંકાઈ જાય તો કડવા વખ જેવા થઈ જાય, તેની તેમને સમજ નહિ.

પટેલે પાપડ ચાખી જોયોને તરત ખાતરી થઈ ગઈ કે ઘાણ બગડ્યો છે ! પણ તેઓ કંઈ બોલે, તે પહેલાં ફોનની ઘંટડી રણકી.

ભૂંગળું ઊપાડી પટેલે વાત શરૂ કરી :


‘હલ્લો ! કોણ ?’


‘હું વાઘજીભાઈ !’


‘ફરમાવો સાહેબ !’


‘શું ફરમાવું ? ચાખ્યા પેલા પાપડ ! અંદર માસાલાને બદલે સુદર્શન ચૂરણ નંખાઈ ગયું છે ? ખૂબ કડવા કેમ લાગે છે?’


પટેલ હસીને બોલ્યા : ‘વકીલ સાહેબ ! જેનાં કામ તે કરે ! આપણે વળી પાપડ બનાવી શકવાના હતા ? અંદર હિંગ ડબલ પડી ગઈ ! હાથી શંકર અને બીજાને પણ પાપડ આવા જ લાગ્યા હશે !’


‘એ બધાના ટેલિફોન મારા ઉપર ક્યારના ય આવી ગયા ! બધાની એ જ ફરિયાદ ! કહે કે અમે પટેલ સાહેબને ફોન કરીએ તો ખોટું લગાડી બેસે ! બાકી પાપડ બનાવવા એ કંઈ ડાબા હાથનો ખેલ થોડો જ છે ?’


‘સાચી વાત. હમણાં જ હું પટલાણી પાસે હાર કબૂલી લઉં છું.’ આમ કહીને પટેલે ભૂંગળું મૂકી દીધું. પટલાણી પૂછવા લાગ્યા : ‘વાઘજીભાઈનો ફોન હતો ?’


‘હા.’


‘તમે પાપડ આપ્યા હશે ! ખુશાલડોશી મને કહેતાં હતાં ! કેવા લાગ્યા ?’


‘સુદર્શન ચૂરણ જેવા ! જો, આ કાનપટ્ટી પકડીને કબૂલ કરું છું કે આ પાપડ નહિ પણ થાપડ છે ! જેનાં કામ જે કરે ! બીજાં માથાં મારવા જાય તો ગબડે હેઠા ! મારે કહેવું જોઈએ કે મારા પાપડ કરતાં તારા પાપડ અનેક દરજ્જે સારા ! જંગે પાપડિયામાં હાર કબૂલ કરી લઉં છું – સોવાર, હજારવાર, લાખવાર !’

કિશોરકથામાળાના પુસ્તક ‘બકોર પટેલ : પાપડિયો જંગ’ પુસ્તકમાંથી સાભાર

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદના આધારસ્તંભ સમા રઘુવીર ચૌધરી

પરેશ દવે|Opinion - Literature|18 April 2014

શાંત, સૌમ્ય ચહેરો ધરાવતા રઘુવીર ચૌધરી એક વ્યકિત નહીં, સ્વયં એક ઇન્સ્ટિટ્યુટ (સંસ્થા) છે. સાદગી અને સત્ય એમની પ્રકૃતિ છે. મૂળે સર્જક, પણ એ સાથે સક્રિય ખેડૂત પણ છે. એટલે જ તેઓની વાત કે સર્જનમાં નિરાશા નહીં પણ આશાનું વાવેતર હોય છે. ૭૫ વર્ષે પણ તેઓ સીધા ટટ્ટાર બેસી, ચાલી શકે છે. એમ.એ. તથા પી.એચ.ડી.નો અભ્યાસ કરનાર રઘુવીર ચૌધરીની ઓળખ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક, પ્રકાશક અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં આત્મા રેળનાર સર્જક તરીકેની છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘અમૃતા’, ‘પરસ્પર’, ‘શ્યામ સુહાગી’, ‘રુદ્ર-મહાલય’ જેવી નવલકથા, નવલિકામાં ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’ તથા કવિતામાં ‘તમસા’, ‘વહેતા વૃક્ષ પવનમાં’ અને નાટકોમાં ‘અશોકવન’, ‘ઝૂલતા મિનારા’, ‘સિંકદરસાની’ મુખ્ય છે. ઉપરાંત, ‘ડિમલાઈટ’, ‘ત્રીજો પુરુષ’ જેવા એકાંકી, ‘સહરાની ભવ્યતા’ જેવા રેખાચિત્રો, ‘બારીમાંથી બ્રિટન’ નામે પ્રવાસવર્ણન તથા વચનામૃત અને કથામૃતના ધર્મચિંતન પણ જાણીતા છે. વર્ષ ૧૯૭૭થી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દીના અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. કુમારચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી રઘુવીર ચૌધરી સન્માનિત થયા છે. તેમના સર્જનમાં નવા સમાજની દિશા મળે છે. રઘુવીર ચૌધરીની સાથે થયેલ સંવાદ …

આપ નગરજીવનની સાથે વિચારક થોરોની જેમ ગ્રામ્યજીવન પણ જીવો છો. બાપુપુરાના જીવનની આપના સર્જન ઉપર શું અસર પડે છે?

થોરો તો બહુ મોટા ઉદ્દેશ માટે કાયદાનો વિરોધ કરીને, નગર છોડીને બહાર ગયા હતા. પણ મારી પાસે કંઈ બહુ મોટો ઉદ્દેશ નથી. એક ખેડૂતના દીકરા તરીકે સ્વાભાવિક રીતે જ ગામમાં જવાનો સંબંધ જળવાઈ રહ્યો છે. ખાસ તો નિવૃત્તિ પછી મારો ખેતી સાથેનો સંબંધ વધ્યો છે. પહેલા શનિ-રવિ અને ઉનાળામાં ગામમાં જવાનું થતું. બાપુપુરામાં લખવાનું ચાલે અને કેટલુંક ત્યાં જવાથી પણ લખી શકાયું. સાથે ગ્રામજીવનનો સંપર્ક પણ રહ્યો. હું વિદ્યાર્થી હતો ત્યારે ગામમાં સમાજશિક્ષણ(પ્રોઢશિક્ષણ)ની પ્રવૃતિ કરતો હતો. ગામના ૩૫થી નાના યુવક-યુવતીઓને વાંચતા લખતા કર્યા. એ પૈસામાંથી ગામમાં રંગભૂમિનો ચોતરો અને પુસ્તકાલય બનાવ્યા. એટલે વિદ્યાર્થી અવસ્થાથી જ આ પ્રવૃત્તિઓ ચાલતી હતી. કુટુંબ, પિતા-માતાજી પણ બાપુપુરા રહેતાં. બંને ૯૦ વર્ષ જીવ્યાં. એટલે સ્વાભાવિક રીતે ગામ સાથે સંબંધ રહ્યો. નાનપણમાં ખેતીનું કામ કરતો. ખેતીનાં કાર્યોમાં ઉત્સાહ પણ ખરો. એ કારણે ય એ સંબંધ ટકી રહ્યો છે.

આપ કયા કારણે નાની ઉંમરેથી જ સાહિત્ય તરફ વળ્યા હતા?

મેં ૧૦ વર્ષની ઉંમરેથી લખવાનું શરુ કર્યું હતું. અમારે ત્યાં શનિવાર હોય કે એકાદશી, મહાદેવના મંદિરે ભજન ગવાય. પિતાજી સ્વામિનારાયણ સંપ્રદાયના હતા. એમણે લોકો પાસેથી સાંભળીને અનેક ભજનો, દોહા અને ગીતો શીખ્યા હતા. એટલે નાનપણથી જ આ કાને પડતું. પિતાજીનો એ વારસો મારી કવિતાના લયમાં ઉતર્યો. પિતા પાસે જાણકારી બહુ હતી. આપણે જે વાંચીને સમજીએ એ પિતાજી સાંભળીને શીખ્યા હતા. આથી તેમના પ્રભાવ હેઠળ હું પણ થોડું ઘણું લખતો થયો હતો અને એ નાની ઉંમરે લખેલી મારી પહેલી રચના “કુમાર”માં પ્રગટ પણ થઈ હતી.

માણસા તાલુકો અને પરમ મિત્ર ભોલાભાઈ પટેલનું આપના જીવનમાં શું યોગદાન રહ્યું છે?

મારું ઘડતર માણસા અને બાપુપુરામાં થયું. હું સાતમાં ધોરણમાં ભણતો ત્યારે ભોળાભાઈ મેટ્રિક થઈને માણસા આવ્યા. એ ભણવાની સાથે અન્યને ભણાવતા પણ હતા. ત્યારબાદ હું અને ભોળાભાઈ માણસાથી અમદાવાદ સાથે આવ્યા. મેં ગુજરાતી, સંસ્કૃિતમાં પરીક્ષાઓ આપી. ભોળાભાઈ પર મોહનલાલ પટેલની સારી એવી અસર હતી અને ત્યાંથી ભોળાભાઈની સાહિત્યની ભૂમિકા તૈયાર થઈ હતી. હું જ્યારે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવ્યો ત્યારે ત્યાં રામદરશ મિશ્ર જેવા સારા સાહિત્યકારો મળ્યા. મેં હિન્દી વિષય રાખ્યો હતો. હિન્દી અને સંસ્કૃત સાથે મેં બી.એ., એમ. એ. કર્યું. એ પહેલા હિન્દીમાં સાહિત્યરત્ન ઉત્તીર્ણ કર્યું. એ પણ એમ.એ.ની જ સમકક્ષ ગણાય અને આ રીતે મારી સાહિત્યક્ષેત્રે શરૂઆત થઈ, પણ આ સાથે જ ભોળાભાઈનો મને ઘણો પ્રેમ પણ મળ્યો હતો.

સાહિત્યમાં પ્રવેશ કઈ રીતે કર્યો?

મેં કવિતાથી સાહિત્યમાં પ્રવેશ કર્યો અને વર્ષ ૧૯૬૪માં પહેલી નવલકથા ‘પૂર્વરાગ’ પ્રગટ થઈ. એમાં અંગત સંબંધ, અનુભવો અને સંપર્કો ઘણાં છે. બીજી નવલકથા ‘અમૃતા’ ૧૯૬૫માં પ્રગટ થઈ અને તેનાથી મને આખા ગુજરાતમાંથી આવકાર મળ્યો.

નવલકથાને બે-ત્રણ પુસ્તકો સુધી વિસ્તારવાનું કોઈ ખાસ કારણ?

હું માનું છું કે આપણા અનુભવોની સાક્ષીએ આગળ વધવું જોઈએ. ‘પૂર્વરાગ’ અને ‘પરસ્પર’એ સમયના ક્રમ અનુસાર ચાલે છે. એનો છેલ્લો જે ભાગ છે-‘પ્રેમઅંશ’, એમાં કટોકટી સુધીનો સમય આવે છે. એ તમામ તારીખો સાચી છે. એમાં ફેરફાર કર્યો નથી. કેટલાક પાત્રો પણ ઓળખી શકાય છે.

આપની ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના ભજનો અને ગીતાનો બહુ પ્રભાવ છે. આ પ્રભાવ સર્જન ઉપર કેવી રીતે પડ્યો?

સ્વામિનારાયણ સંપ્રદાયે હિન્દુ ધર્મમાં જે ઉત્તમ હતું એ સ્વીકાર્યું છે. તેના ભજનો, ગરબી કે દોહા અમારે ત્યાં ગવાતા એટલે તેની અસર ખરી. સવારે સ્નાન કરીને ઘરે ગીતા વાંચતો. મારા ઉપર ભગવદ્દગીતાના ગાઢ સંસ્કાર. માણસા ખાતે પાંડુરંગ શાસ્ત્રી વ્યાખ્યાન આપવા આવ્યા હતા, તે સાંભળ્યા છે. ભગવદ્દગીતા અને વચનામૃત કંઠસ્થ છે. કથામૃત (રામકૃષ્ણનું) પણ વાંચ્યું છે. આ બધાનો તાત્ત્વિક વારસો, અનુભવ, સંવેદન અને માન્યતાનો વિષય બન્યો હોય તેવું લાગે.

કવિ, સાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, ચરિત્રલેખક અને પ્રકાશક તરીકેની આપની ઓળખમાં સાચા રઘુવીર ક્યાં પડઘાય છે?

મને તો એટલું જ હતું કે સાહિત્ય એટલે કવિતા. એટલે કવિતા લખાશે એ જ ખ્યાલ હતો. પહેલી નવલકથા ‘પૂર્વરાગ’(૧૯૬૪)ની બહુ ચર્ચા થઈ. પણ બીજી નવલકથા ‘અમૃતા’ને બહુ સારો આવકાર મળ્યો. એ વખતે મારી ઉંમર ઘણી નાની હતી. મારા પર અસ્તિત્વવાદનો પ્રભાવ હતો અને એ સાથે ગીતાના અનાસક્તકર્મનો જે ખ્યાલ હતો તે બંનેના વૈચારિક સંર્ઘર્ષમાંથી ઉદયન અને અનિકેતના પાત્રોનું સર્જન થયું. ‘અમૃતા’ તો જીવનનું પ્રતિક છે. ‘અમૃતા’ રચતા તો રચાઈ ગઈ. મારા સર્જનમાં હું કોઈ સ્થાન પસંદ કરું તો ત્યાં જાઉં. માત્ર કલ્પનાના આધારે ન લખું. રાજસ્થાનના રણ હોય તો એમ કલ્પનાથી ન લખું. હું ત્યાં ગયો છું. ઉદયન રેડિયો એક્ટિવનો ભોગ બને છે તો મેં રેડિયો એક્ટિવના વિજ્ઞાનનો અભ્યાસ કરેલો, જેના કારણે આ નવલકથાની વૈચારિક સમૃદ્ધિ પણ છે. નવલકથાકાર તરીકે આવકાર મળ્યો એના કારણે વધુ લખાતું હતું.

નાટ્યકાર રઘુવીર ચૌધરી વિશે વાત કરશો?

મને નાનપણથી જ નાટકોમાં રસ હતો. ગામમાં ભવાઈ આવે એટલે નાટકો થતા. વિદ્યાર્થીઓ ભાવવાહી વાંચન કરે, શુદ્ધ ઉચ્ચારો કરે એ માટે પણ એક શિક્ષક તરીકે મેં નાટ્યપ્રવૃત્તિ કરેલી. ‘ડિમલાઈટ’- મારું એકાંકી – ખૂબ લોકપ્રિય છે, જે લોકબોલીમાં છે. નાટકોમાં ‘સિકંદરસાની’ આખા દેશમાં ભજવાયું હતું. વડોદરાના માર્કન્ડ ભટ્ટે પ્રયોગો કરેલા. તેમની સાથે મહેશ ચંપકલાલ પણ હતા. નાટકોની કેટલીક કૃતિઓ સારી નીવડી આવી. પછીનાં વર્ષોમાં નાટકો ઓછાં થયાં. બે વર્ષ પહેલાં મહાજન પરંપરા ઉપર નાટક લખ્યું, જે મનોજ શાહે મુંબઈમાં ભજવ્યું. તેના પાંચ-છ પ્રયોગો થયા હતા. તેમ છતાં નાટ્યપ્રવૃત્તિ ધારી એવી થઈ શકી નહોતી. આ સિવાય દૂરદર્શન માટે પણ મેં નાટ્યશ્રેણી પણ લખી છે.

વિવેચક રઘુવીર ચૌધરીની વિશેષતા શું છે?

મેં જે વિવેચન લખ્યું છે એ આસ્વાદમૂલક છે. એમાં વાચકને રસ પડે એ ભાગ હું ઉપસાવી આપતો. પણ માત્ર કપોળ કલ્પિત હોય તેવા સાહિત્યમાં મારો રસ ઓછો છે. કલ્પના પણ મોટી વસ્તુ છે, એમ હું માનું ખરો. પણ મને તો જીવનલક્ષી સાહિત્ય હોય તેમાં ખરો રસ. આજના માણસને વિચાર, અનુભવ, પ્રેરણા અને જીવન આપે તેવી સાહિત્યકૃતિ ઉપર લખ્યું છે.

આપના સાહિત્યમાં સમાજ કેવો છે અને કેવો હોવો જોઈએ તેનું દર્શન થાય છે. વિશેષ તો ઉપરવાસ, સહવાસ અને અંતરવાસમાં. શું વિશેષતા છે આ બૃહદ્દ કથાની?

સમાજ સરળ હોવાની સાથે સાચો પણ હોવો જોઈએ. માત્ર સાદગીનું મહત્ત્વ નથી. ઉપરવાસ એ મારા વતનની આત્મકથા છે. ઉપરવાસના મુખ્ય પાત્રો મૂળભૂત રીતે સાચા છે. આ પાત્રોના અનુભવો ઘણા વ્યાપક છે. આપણા રાજેન્દ્ર શાહ કહેતા આપણને પાંચ જ ઇન્દ્રિયો મળેલી છે. જો અગિયાર ઇન્દ્રિયો મળી હોત તો આપણે જગતને વધુ પામી શકત. કેટલાક અનુભવોના વર્ણનો પણ છે, જે તાર્કિક ભૂમિકા પર લાગે કે બરોબર છે. આજે પણ મને સાદગી, સચ્ચાઈ પ્રિય છે. દંભ મને ન ગમે. એટલે મેં જે કટાક્ષનું સાહિત્ય લખેલું એ દંભ, જૂઠાણા, છેતરપિંડી વિરોધી જ લખેલું. મેં વર્ષ ૧૯૬૬માં શિક્ષણ જગત વિશે ‘એકલવ્ય’ લખેલું. આજે તો તેના કરતાં શિક્ષણ વધુ કથળ્યું છે. એ વખતે જે અતિશ્યોક્તિ લાગેલી તે આજે અલ્પોકિત લાગે છે. હાસ્ય પણ સુધારાનું સાધન બની શકે.

આપ નવલકથા કઈ રીતે લખો અને બૃહદ્દ રીતે તેને કઈ રીતે કથામાં વિસ્તારો છો?

હું જે નવલકથા લખું તે મારા મનમાં અંત સુધી સ્પષ્ટ હોય. હું આમ જ તેનું લખાણ શરુ કરી દેતો નથી અને તેથી જ લખતી વખતે સંવેદન પણ એ જ પ્રમાણે સક્રિય બનતું જાય છે. હવે લોકો તેને અર્ધજાગ્રત મનની સક્રિયતા કહે છે. લખતી વખતે કથા એના પ્રવાહમાં કામ કરે. લખતી વખતે બધા સંસ્કારો એક સાથે આવે. પહેલા તો ૧૪ કલાક લખતો. ખાવાપીવાનું પણ યાદ ન રહેતું. ‘અમૃતા’ એવી જ રીતે લખાઈ હતી. ગોકુળ-મથુરા-દ્વારકા લખેલી તો શ્રીકૃષ્ણ ક્યાં સુધી જશે એ મારા મનમાં સ્પષ્ટ હતું. શ્રીકૃષ્ણને કેન્દ્રસ્થાને રાખીને તે નવલકથા લખી છે. ‘ઉપરવાસ’માં પણ મારે ક્યાં પહોંચવું છે તેની મને ખબર હતી. લખતી વખતે સુધારા-વધારા થાય ખરા. પણ લખતા સમયે એક સાદો નકશો મનમાં હોય જ. ‘ઉપરવાસ’ એ આપણી લોક-સંસ્કૃિતનો વારસો છે. ગોકુળ-મથુરા-દ્વારકા એ ભારતીય સંસ્કૃિતનો તપોવનકાળથી માંડીને છેક સુધીનો આપણો વારસો છે, જેમ કે કૃષ્ણરામ, બુદ્ધ-મહાવીર અને એ જ રીતે ઈસુ પણ આપણા છે, મહમંદ પયગંબર સાહેબ પણ આપણા છે. એ જ મારો અભિગમ રહ્યો છે. તેના મૂળમાં ગાંધી, રવિશંકર મહારાજ અને વિનોબા ભાવે છે. મહારાજ સાથે ભૂમિદાનમાં જોડાયો હતો. વિનોબાને વાંચીને બહુ આનંદ થાય. મને કોઈ પૂછે તો કહું છું કે ગાંધીજીની આત્મકથા એ આપણી ભાષાનું શ્રેષ્ઠ પુસ્તક છે. એમ વિનાબાને વાંચીએ તો એક મોટા કવિને વાંચતા હોઈએ એવું સતત લાગે. ગીતા પ્રવચન તેમણે જેલમાં લખ્યું છે. તેનો ગુજરાતી અનુવાદ ઠાકોરભાઈ દેસાઈએ કર્યો છે. જયપ્રકાશ (જે.પી.) ઉપર મારાં કાવ્યો છે, તેમની સાથે પણ મેં કામ કરેલું છે. ‘અમૃતા’માં સ્ત્રી સ્વતંત્રતા મૂકી છે. એ વખતે આ નવલકથા સમય પહેલાંની હતી. અમૃતાની સ્વતંત્રતાની જે માંગ હતી એ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને જરા વધારે પડતી લાગેલી. એમાં વિદ્રોહ જેવું લાગ્યું હતું, પણ મને લાગે એમ લખવું મારા માટે અનિવાર્ય હતું. સ્ત્રીની સ્વતંત્રાની ભૂમિકા જેવી ગામડામાં હોય છે, તેવી ગામડાના માણસે અનુભવી હોય જ છે. બંને સરખા હક-જવાબદારીથી ઘર ચલાવે છે. સરખો શ્રમ કરે છે. કુટુંબમાં સ્ત્રીનું સ્થાન તો નિર્ણાયક હોય છે. સ્ત્રીને અન્યાય થાય તો તે વિદ્રોહ પણ કરે. પન્નાલાલની કથાનો રાજુ હોય કે પ્રેમચંદની કથાનો ઘનિયા, તેઓ કાલ્પનિક હોવા છતાં સાચા લાગે છે. ‘અમૃતા’ના પાત્ર અને તેની સ્વતંત્રતા ઉપર પશ્ચિમના અભ્યાસનો પ્રભાવ નથી. તેના ત્રીજા ભાગમાં છેલ્લું વાક્ય છે, ‘પણ જેનાથી હું અમૃતા ન બનું તો તેને (મિલકત) લઈને હું શું કરું’ (મિલકત લેવાની અમૃતા ના પાડે છે). છેક ઉપનિષદકાળથી સ્વતંત્રતા માટે છોડવું પડતું હોય અને એ રીતે અમૃતાનું પાત્ર આવ્યું. જાગૃતિ ભોગ માગે, ભોગ આપો, જોખમ ખેડો, સહન કરો તો સ્વતંત્રતા છે.

આજે ‘અમૃતા’નું પાત્ર ફરીથી રચવાનું આવે તો શું બદલાવ કરો?

હું એને જ વળગી રહું. અત્યારે જે ચાલે છે તેમાં થોડા અંશે છીછરાપણું છે. શરીરનાં અંગોનાં પ્રદર્શન માટેની સ્વતંત્રતા કોઈ ભોગવતો હોય તો હું કંઈ એનો વાંધો ન લઉં. પણ હું એવું વર્ણન ન કરું. માનો કે સ્ત્રી-પુરુષના સંબંધોનું વર્ણન હોય તો તે પણ કવિતાની ઊંચાઈએ હોવું જોઈએ. મિલનનું વર્ણન સ્થૂળ ન હોવું જોઈએ. સંબંધમાં એક નિષ્ઠા ન હોય તો એનો શું અર્થ છે? અત્યારે જે સ્વૈરાચાર થાય છે એને હું એ સ્વીકારતો નથી અને એટલા પૂરતો હું જૂનવાણી પણ ખરો, કારણ કે એના લીધે અનેક રોગો જગતમાં આવ્યા. હું માનું છું કે, કુટુંબ કોઈને કોઈ સ્વરૂપે ટકવું જોઈએ. કુટુંબને ટકાવવા જાતે નક્કી કરેલી આચારસંહિતા જોઈએ, સંયમ જોઈએ.

પહેલા અને આજના અમદાવાદમાં શું ફેર છે?

એ વખતના અમદાવાદ માટે તો કુતૂહલ હતું. હવે તો અમદાવાદમાં જૂના રસ્તે જતા રસ્તા ભૂલા પડી જવાય એટલા બધા ફેરફારો થયા છે. બે દિવસ ગામ જાઉંંતો શુદ્ધ હવા ત્યાં જ મળે છે. ત્યાં પ્રદૂષણ ઓછું થવાથી આંખો બળતી નથી. હું શહેરનો, નગર સંસ્કૃિતનો વિરોધી નથી. બીજે જે રીતે શહેરો સચવાય છે તેવી રીતે આપણી ત્યાં શહેરો સચવાતા નથી. શહેરો આયોજનથી સચવાવા જોઈએ. ગામમાં કુદરતી રીતે હવા પાણી મળે છે. ગામમાં અનિવાર્યપણે શ્રમ કરવો પડે અને એટલે જ ૭૫ વર્ષે પણ સીધા ચાલી શકાય છે.

‘તમસા’ ગદ્યકાવ્યમાં ‘મને કેમ ન વાર્યો’ એ વેદના છે કે અભિવ્યક્તિ?

માણસ ગ્રામજીવનથી જે દૂર થઈ ગયો છે તેનું વર્ણન એમાં કર્યું છે. આમ તો વિચ્છેદન માટે માણસ ખુદ જ જવાબદાર હોય છે. ગામના માણસને ગામનો કેમ ન રહેવા દીધો! અંતે તો ગામ અને શહેર એક સાથે મળે છે. ગામ અને શહેરનો સંબંધ નાભિ સાથેના સંબંધ જેવો જ છે.

‘સહરાની ભવ્યતા’ના નામે આપે જીવનચરિત્રો લખ્યા છે. કેવો અનુભવ રહ્યો?

મેં ‘સહરા’ શબ્દ જયંતી દલાલ માટે ઉપયોગમાં લીધો હતો. એ મૂળ ઉમાશકંરની કવિતામાં આવે છે. મને તેમના માટે ખૂબ આદર. જયંતીભાઈ માણસની નબળાઈઓના મોટા જાણકાર. માણસના હૃદયમાં નકારાત્મકતા, નિરાશા, ખાલીપાની પણ ભવ્યતા હોવી જોઈએ. ૨૫ રેખાચિત્રોમાં એવું કશુંક છે, જેમાંથી શીખવા મળે, પ્રેરણા મળે છે. મોટાભાગના સર્જકો જીવતા હતા ત્યારે લખેલા. દરેકમાં સુક્ષ્મહાસ્ય છે. ‘સહરાની ભવ્યતા’ને પણ બહુ આવકાર મળેલો છે.

ગુજરાતી સાહિત્યનું ભાવિ કેવું લાગે છે?

હું તો આશાવાદી છું. પણ ભાષા અને સાહિત્યના સ્વરૂપો બદલાશે. ઉત્તમ નવલકથા હશે તે નવા સ્વરૂપે (ટી.વી સિરિયલ કે ફિલ્મ સ્વરૂપે) આવશે. ‘અમૃતા’ની ૧૧ આવૃત્તિ થઈ અને અમે તેને વેબસાઈટ ઉપર મૂકી. જે નવી પદ્ધતિ આવી વાંચવાની એ પણ સ્વીકારી. ઈન્ટરનેટની સાથે સાહિત્ય અને કળાઓ જોડાવાની છે. આપણી ભાષા એ જ સ્વરૂપે ટકશે એવી અપેક્ષા ન રાખવી. તેમાં ફેરફારો ચોક્કસ થવાના. હા, સાહિત્યનું વાંચન ઘટ્યું છે. છઠ્ઠા દાયકામાં વાર્તા સંગ્રહની ૨૨૦૦ નકલો છપાતી હવે ૫૦૦ છપાય છે. રંગદ્વાર પ્રકાશન દ્વારા અમને નવા લેખકોને પ્રોત્સાહનની આશા હતી, પણ ધારી સફળતા મળી નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે કંઈક જણાવશો? 

સાહિત્ય પરિષદ પહેલા એચ. કે. આર્ટસમાં ચાલતી. ઉમાશંકર દેશમાં જાણીતા હતા. એમણે ખૂબ મદદ કરેલી. મને આવા વડીલોએ બહુ સાથ આપ્યો છે. ભાષાભવનમાં હતો ત્યાંથી કામ પતાવી હું રોજ ચાર કલાક અહીં આવતો. આ તો પ્રજાની સંસ્થા છે. મને સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ માટે બધાનો સાથ મળ્યો છે. હર્ષ બ્રહ્મભટ્ટ બહુ સદ્દભાવવાળા છે એટલે મદદ કરે છે. સમાજ માને છે કે અહીં આવેલો પૈસો એળે નહીં જાય એટલે પણ સારો સહકાર મળતો રહે છે. સાહિત્ય અને કળાની પ્રવૃત્તિને પ્રોત્સાહનની જરૂર રહેશે. સાહિત્ય પરિષદને આશરે એક કરોડ  રૂપિયાની મદદ મળી છે. આમ છતાં આપણી સરકાર એવી કોઈ ખાસ મદદ કરતી નથી.

સમાજ માટે સાહિત્ય પરિષદ વધુ શું કરે છે?

આપણે પ્રદર્શન વધારે યોજવા જોઈએ. નારાયણ દેસાઈ પ્રમુખ થયા ત્યારે એમણે ગ્રંથ યાત્રાનું આયોજન કર્યું હતું. ત્યારે સૌને લાગ્યું કે સાહિત્ય પરિષદ અમારે આંગણે આવી. સાહિત્યના અનેક કાર્યક્રમો થયા. ગુણવંત શાહે જૂનાગઢથી, નરસિંહથી નર્મદ સુધી માતૃભાષા વંદનાના કાર્યક્રમો શરુ કર્યા હતા. પ્રજા સુધી લેખકો પહોંચે તે આવશ્યક છે. સાહિત્ય પરિષદ ગ્રામસત્રો ગામવિસ્તારમાં કરે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ છે. નવી પેઢીને આવા કાર્યક્રમોમાં રસ પડે છે.

સમાજના પરિવર્તન માટે સાહિત્યનો શું પ્રભાવ લાગ્યો?

સમાજ ઉપર નવી કૃતિનો પ્રભાવ જોઈ શકાય છે. ધ્રુવ ભટ્ટ આવ્યા. તેમણે પ્રકૃતિ સાથેના સંબંધોની નવી દૃષ્ટિ આપી. તેમની પ્રકૃતિ એક સ્વતંત્ર સત્તા છે, એ લોકો સુધી પહોંચી છે. મારી રચના ધરાધામ નામે પ્રગટ થઈ, જેમાં ધરાને ધામ તરીકે આલેખી છે. વૈકુંઠની ભલે જે વાત હોય, પણ ધરા એ જ ધામ છે. બાપ-દાદાઓને સ્વર્ગ પણ લાગતું. આ પૃથ્વી-જગત ચાાહવા જેવું છે, માટી એ મૂડી છે એ લોકો સુધી પહોંચે એ મહત્ત્વનું છે.

નવલકથાને શ્રેણીમાં લખો છે. કોઈ કારણ?

ઘણાએ આ પ્રમાણે લખી છે. ગ્રામલક્ષી ચાર ભાગમાં, દર્શકમાં ઝેર તો પીધા જાણી-જાણી વગેરેનો સમયગાળો વધુ છે. ગોકુળ-મથુરા-દ્વારકા એકસાથે લખી છે. ‘ઉપરવાસ’ પણ એકસાથે લખેલી, પણ સમય વધુ લીધેલો. એકસાથે બધા ભાગ આવે તો સંકલન સચવાય છે.

આપને કેવી રીતે ઓળખવું ગમે?

મે એવી ઈચ્છા પ્રગટ કરી છે કે લોકો મને ભૂલી જાય. નહેરુએ પણ કહેલું કે સ્મૃિતમાં ભારરૂપ ન બનવું. આપણું અદ્વૈત દર્શન પણ કહે છે કે આપણું રૂપાંતરણ થતું હોય છે. બસ તમારા જેવા મિત્ર યાદ રાખે કે કોઈ ચાહનાર પણ હતું. ■

e.mail : pdave68@gmail.com

Loading

ગિજુભાઈની વિવિધ બાળવાર્તાઅો

ગિજુભાઈ બધેકા|Opinion - Short Stories|17 April 2014

[1] 

ગિજુભાઈ બધેકા

બાપા-કાગડો !

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’

બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો’
ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’
બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’ જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા – કાગડો !’
બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’
છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા – કાગડો !’
બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’
છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા – કાગડો !’
બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’
બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’
આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા – કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશેઠ’ ‘ઘેલાશેઠ’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો. ઘેલાશેઠ તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશેઠની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને જીવ ખાશે !’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’
ઘેલશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’
ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’
ઘેલશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’
ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’
ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’
‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’
તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’
શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’
‘હા, બાપા ! કાગડો – કાગડો – કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’

ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલા શેઠે વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, “સાઠે બુદ્ધિ નાઠી” તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે. હવે તો ડોસો મરે તો સારું !’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા – કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી. ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.

[2] 

ભેંશ ભાગોળે

ગામડું એવું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામના પટેલને થયું કે, ‘હું એક ભેંશ લઉં.’ જઈને પટલાણીને કહ્યું : ‘સાંભળ્યું કે ? – આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાંછૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને છાશ થાય તે આડોશીપાડોશીને અપાય.

’
પટલાણી કહે : ‘એ બધું ઠીક, પણ જાડી રેડ જેવી છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.

’
‘તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં ? એમ છાશ નહિ અપાય.

’
પટલાણી કહે : ‘નહિ કેમ અપાય ? અપાશે ! ઘર તો મારું ય છે ને ? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ મારાં પિયરિયાંને !’

પટેલ કહે : ‘છે ડંભો !’


પટલાણી કહે : ‘તમારાંને આપો !’


આમ કરતાં વાત વધી પડી ને પટેલ-પટલાણી લડી પડ્યાં !


એક તો પટેલ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી જ નાખ્યાં ! ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશીપાડોશી દોડી આવ્યાં.


‘છે શું, પટેલ ? આ શું માંડ્યું છે ?’


પટલાણી કહે : ‘જુઓ તો બાપુ – આ વાંસામાં સોળ ઊઠ્યા છે તે ! પટેલનો કાંઈ હાથ છે !’


પટેલ કહે : ‘તે કો’કની જીભ ચાલે, ને કો’કનો હાથ ચાલે !’


‘પણ છે શું ? કજિયો શાનો છે ?’


‘એ તો છાશનો છે. પટેલ કે’છે કે, છાશ તારાં પિયરિયાંને નહિ ! તે નહિ શું કામ ? દૂધ ભલે ને એનાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ ? એ મારે નહિ ચાલે !’

ત્યાં તો પાછા પટેલ ખિજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો હતો. તેણે વિચાર્યું : ‘અરે, ભેંશ તો હજી ભાગોળે છે, ને આ ધમરોળ શાના ?’ વાણિયો હતો યુક્તિવાળો.

જઈને કહે : ‘પટેલ, પટેલ ! વઢવાડ શું કરો છો ? આ તમારી ભેંશે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! ઢોર રઝળતાં મૂકતાં શરમાતા નથી ?’


પટેલ કહે : ‘ભેંશ વળી કોને હતી ?’


વાણિયો કહે : ‘ત્યારે કઈ ભેંશની છાશ સારું લડો છો ?’


પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં કામે લાગ્યાં.

[3]  

ચકી – ચકાની વાર્તા

એહ હતી ચકીને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણોને ચકો લાવ્યો દાળનો દાણો.

ચકલીએ તો એની ખીચડી રાંધી, ચૂલે ખીચડી મૂકીને ચકલીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ : ‘જરા ખીચડી સંભાળજો , દાઝી ન જાય.’

ચકલો કહે : ‘ઠીક’

ચકલી ગઈ એટલે ચકલાભાઈ તો કાચીપાકી ખીચડી ખાઈ ગયા.

ચકલીને ખબર ન પડે એટલે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂતા.

ત્યાં તો ચકલીબાઈ પાણી ભરીને આવ્યાં, ચકલાએ તો અંદરથી બારણાં વાસી દીધાં હતાં.

ચકી : ‘ચકારાણા, ચકારાણા ! જરા બારણાં ઉઘાડો.’

ચકો કહે : ‘મારી તો આંખો દુ:ખે છે તે હું તો પાટો બાંધીને સૂતો છું. તમે હાથ નાખીને ઉઘાડો.’

ચકી કહે : ‘પણ આ બેડું કોણ ઉતારશે ?’

ચકો કહે : ‘કટૂરિયો ફોડી નાખો ને કુલડી ઉતારી ઘરમાં આવો.’

ચકીએ તો કટૂરિયો ફોડી નાખ્યો ને કુલડી ઉતારી ઘરમાં ગઈ. જ્યાં રાંધણિયામાં જઈને ખીચડી સંભાળવા જાય ત્યાં તો તપેલીમાં ખીચડી ન મળે !

ચકી કહે : ‘ચકારાણા, ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ?’

ચકો કહે : ‘અમને તો કાંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે.’

ચકલી તો રાજા પાસે ફરિયાદે ગઈ. જઈને  કહે : ‘રાજાજી, રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી કેમ ખાઈ ગયો ?’

રાજા કહે : ‘બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?’

કૂતરો કહે : ‘મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.’

રાજા કહે : 'બોલાવો ચકાને.'

ચકો આવ્યો ને કહે : ‘મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.’

રાજા કહે : ‘એલા, સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.’

કૂતરો કહે : ‘ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ના ?’

પણ ચકલો બીનો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રુજવા માંડ્યો અને બોલ્યો : ‘ભાઈ-શા’બ ! ખીચડી તો મેં ખાધી છે. એક ગુનો માફ કરો.

રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો.

ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં એક ગાયોનો ગોવાળ નીકળ્યો.

‘એ ભાઈ ગાયોનો ગોવાળ.

ભાઈ ! ગાયોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું.’

ગાયોના ગોવાળ કહે : ‘બાપુ ! હું કાંઈ નવરો નથી તે તારા ચકલાને કાઢું. હું તો મારે આ ચાલ્યો.’

એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો. ચકલી તો કોઈ નીકળે એની રાહ જોતી બેઠી.

ત્યાં ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો.

‘એ ભાઈ ભેંશોના  ગોવાળ.

ભાઈ ! ભેંશોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું.’

ભેંશોના ગોવાળ કહે : ‘હું ક્યાં નવરો છું તે તારા ચકારાણાને કાઢું ?’

એમ કહીને ભેંશોનો ગોવાળ પણ ચાલ્યો ગયો.

ચકી તો વળી કોઈની વાટ જોતી બેઠી. ત્યાં બકરાંનો ગોવાળ નીકળ્યો. ચકલી બકરાંના ગોવાળને કહે :

‘એ ભાઈ બકરાંના ગોવાળ.

ભાઈ ! બકરાંના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું.’

બકરાંનો ગોવાળ કહે : ‘હું કાંઈ નવરો નથી તે તારા ચકાને કાઢું. હું તો મારે આ ચાલ્યો.’

એમ કહીને બકરાંનો ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો.

ચકલી તો બેઠી. ત્યાં સાંઢિયાની ગોવાળણ નીકળી. ચકલી કહે :

‘એ ભાઈ સાંઢિયાની ગોવાળણ.

બાઈ ! સાંઢિયાની ગોવાળણ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું.’

સાઢિયાની ગોવાળણને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી કાઢ્યો.

ચકલી કહે : ‘ચાલો બહેન ! હવે ઘેર જઈને ખીર ને પોળી ખવરાવું

ગોવાળણ તો ઘેર આવી.

ચકલીએ તો ખીર ને પોળી ખંતથી કર્યાં. પણ ચકલો લુચ્ચો હતો. એણે તો એક લોઢી તપાવીને લાલચોળ કરી. ને જમવાનો વખત થયો એટલે ચકાએ લાલચોળ લોઢી ઢાળીને કહ્યું : ‘લ્યો ગોવાળણબાઈ ! આ સોનાના પાટલે બેસો.’

ગોવાળણ તો સોનાને પાટલે બેસવા ગઈ ત્યાં  તો વાંસે દાઝી ! બિચારી બોલતી બોલતી ભાગી :

‘ખીર ન ખાધી હું તો દાઝી !

ખીર ન ખાધી, હું તો દાઝી !’

[4] 

દેડકો અને ખિસકોલી

એક હતો દેડકો અને એક હતી ખિસકોલી.

એક દિવસ બંનેને ભાઈબંધી થઈ. રોજ બંને સાથે સાથે રમે ને મજા કરે. રમતાં રમતાં એક દિવસ દેડકો  કહે :

‘ખિસકોલીબાઈ, ખિસકોલીબાઈ ? મારે તો પરણવું છે.’

ખિસકોલી કહે : ‘ઓહો એમાં તે કેટલી વાર ? ચાલ ને હમણાં જ પરણાવું ! તને પરણાવતાં કેટલી વાર ? કહે તો રાજાની દીકરી પરણાવું.’

દેડકો કહે :  ‘ચાલ ત્યારે.’

ખિસકોલી ને દેડકાભાઈ તો ચાલ્યાં. ચાલતાં ચાલતાં રસ્તે એક મોટું તાડનું ઝાડ આવ્યું. ખિસકોલીબાઈને ઝાડે ચડવાનું મન થયું.

ખિસકોલી કહે : ‘દેડકાભાઈ ! તું ઊભો રહે. હું જરા આ ઝાડ ઉપર જઈ આવું!’

દેડકો કહે : ‘ત્યારે મને ય તું ઉપર લેતી જાને ?’

ખિસકોલી કહે : ‘તો બેસી જા મારા વાંસા પર ને પકડી રાખ.’

દેડકો ને ખિસકોલી ઝાડ ઉપર ચડ્યા.

દેડકાને તો ખિસકોલીએ એક પાંદડા ઉપર બેસાડ્યો.  થોડી વાર થઈ ત્યાં તો ખિસકોલી સડપ દઈને નીચે ઊતરી ગઈ ને દેડકાભાઈ તો ઝાડ ઉપર ડોળા વકાસી બેસી રહ્યા!

દેડકો મનમાં કહે :

         ‘પીચી પીચી સાથે દોસ્તી કીધી,
          તાડ પર કીધો વાસો;
          પરણવાનું તો કોરે રહ્યું,
         પણ ઉતરવાનો સાંસો !’

ખિસકોલીબાઈ તો આગળ ચાલી; ને દેડકાભાઈએ ઉતાવળા થઈ મૂક્યું તે સોયે વરસ પૂરાં !

[5] 

ઘાસકા પૂળા ખા જા

એક હતું શિયાળ.

એને એવી ખરાબ ટેવ કે એક કણબીના હળ ઉપર રોજ ઝાડે બેસી જાય. કણબીનું હળ બગડે ને રોજ ધોવું પડે.

એક વાર કણબીને દાઝ ચડી. તે કહે : ‘આ શિયાળને સીધું કર્યા વિના ન ચાલે. રોજ રોજ તે આ કેમ ખમાય ?’

તેણે હળ ઉપર ગુંદર ચોપડી દીધો.

બીજે દિવસે રાતે જ્યાં શિયાળ હળ ઉપર દિશાએ બેસવા જાય ત્યાં પોતે જ હળ ઉપર ચોંટી ગયું.

ઊખેડવાને માટે શિયાળે ઘણા પછાડા માર્યા પણ કાંઈ વળ્યું નહિ.

સવાર પડી ત્યાં કણબી અાવ્યો.

શિયાળને જોઈને કણબી કહે : ‘કાં, રોજ ને રોજ હળ બગાડી જા ને ? હળ તો બાપનું હતું, કેમ ?’

કણબીએ તો શિયાળને ખૂબ માર્યું ને પછી તેને આખો દિવસ હળે જોડ્યું.

સાંજે શિયાળને છોડ્યું ત્યારે શિયાળની ડોક સૂજી ગયેલી ને કાનમાંથી લોહી જાય ભાગ્યું !

શિયાળ તો ગામમાં ગયું ને ઘી માગવા નીકળ્યું. તે કહે : ‘અરે બાપુ ! કોઈ જરા ઘી દેશો ? આઈ ! ઘી દેશો! આ ડૉક ને નાક સૂજી ગયા છે તે ચોપડવું છે.’

પણ શિયાળભાઈ તો લુચ્ચા એની સામે ય કોણ જુએ?

એક ડોશી હતી તેને દયા આવી. તેણે શિયાળને થોડુંક ઘી આપ્યું. એમાંથી થોડુંક ઘી શિયાળે કાને ચોપડ્યું ને બાકીનું ઘી એક કુલડીમાં ભર્યુ.

પછી શિયાળ તો ઘી વેચવા ચાલ્યું. ‘લેવું છે ઘી, કોઈને લેવું છે ઘી ?’ એમ બોલતું બોલતું શિયાળ ગામમાં નીકળ્યું.

એક ડોશીની ભેંશ વસૂકી ગઈ હતી તેથી તેની પાસે ઘીના પૈસા ન હતા.

ડોશી કહે : ‘ભાઈ ! મારી પાસે કાંઈ પૈસા નથી. આ ભેંશ રાખીને ઘીની કુરડી આપીશ ?’

શિયાળ કહે : ‘હા.’

પછી શિયાળ ભેંશ લઈને જંગલમાં ગયું. શિયાળ રોજ એક ખડનો પૂળો લઈ આવે, ભેંશ પાસે મૂકે ને આંચળ નીચે દોણું રાખીને બોલે :

      ‘ઘાસકા પૂળા ખા જા
        ને દૂધકા દોણા ભર દે.’

ભેંશ ઘાસનો આખો પૂળો ખાઈ જાય ને દૂધનું દોણું ભરી દે.

શિયાળભાઈ આખું ય દોણું ભરી દૂધ પી જાય ને દિવસે દિવસે જાડા થતા જાય.

પછી તો શિયાળ ખૂબ ખૂબ જાડું થતું ગયું. એક દિવસ એના નાતીલાઓએ કહ્યું : ‘અરે શિયાળભાઈ! તમે રોજ ને રોજ શરીરે જાડા કેમ થતા જાઓ છો ? કંઈક સારું સારું ખાતા લાગો છો.’

શિયાળ કહે : ‘ભાઈ ! હું તો આ ધૂળ ખાઉં છું એથી જાડો થયો છું.’

બધાં ય શિયાળોએ ધૂળ ખાધી પણ એ તો માંદાં પડ્યાં પાછું બધાંએ શિયાળને પૂછ્યું : ‘શિયાળભાઈ, શિયાળભાઈ ! અમને જાડા થવાનો રસ્તો બતાવો ને ? ધૂળ ખાધી તો માંદાં પડ્યા !’

શિયાળ કહે : ‘અરે ભાઈ ! હું તો રાખ ખાઈને જાડો થયો છું !’

પછી બધાંએ રાખ ખાધી. પણ વળી બધાને પેટમાં દુખવા આવ્યું.

પછી શિયાળની આખી નાત એકઠી થઈને કહે ‘બોલ સાચું બોલ ! શાથી જાડું થયું ? સાચું નહિ કહે તો તને નાત બહાર મૂકશું !’

શિયાળ કહે : ‘નાત માબાપ છે, મારે ખોટું શું કામ બોલવું પડે ? પેલી ભેંશ બાંધી છે તેનું દૂધ પી પીને હું તો જાડો થયો છું.’

[6]

ડોશી અને વાંદરી

એક હતી ડોશી. એનુ નામ રામબા. એને એક દીકરો હતો. ફળીમાં એક પીપરનું ઝાડ હતું. ઝાડ ઉપર એક વાંદરી રહે. ડોશી ને દીકરો ખાય, પીએ ને મજા કરે.

એમ કરતાં પૈસા ખૂટ્યા. દીકરો કહે : ‘માડી! હું પરદેશ કમાવા જાઉં ?’

ડોશી કહે : ‘બાપુ ! તું જાય તો હું દુ:ખી દુ:ખી થાઉં. આ વાંદરી મને સુખે રોટલો ખાવા ન દે.’

દીકરો કહે : ‘એમાં ભૂંડી વાંદરી શું કરતી’તી? એક લાકડી રાખીએ ના, તે પાસે આવે તો મારીએ. માડી એક વરસમાં તો હું પાછો આવીશ.’

એમ કહીને દીકરો પસદેશ ગયો.

ડોશી ઘરડાં. એકેય દાંત નહિ; કશું ચવાય નહિ. ડોશી રોજ ખીર કરે, ને જ્યાં થાળીમાં ઠારે ત્યાં વાંદરી ઠણંગ ઠેકડો મારીને ઘરમાં આવે, ડોશીને મોઢે એક લપાટ મારે ને બધી ખીર ખાઈ જાય !

ડોશી રોજ ખીર ઠારે, વાંદરી રોજ ખીર ખાઈ જાય. રામબા બિચારી રોજ ભૂખી રહે. એ તો દિવસે દિવસે ગળતી જાય. આંખો ઊંડી ઊંડી પેસી ગઈ; મોઢું તો સાવ લેવાઈ ગયું. સાવ સૂકલકડી બની ગઈ !

એમ કરતાં એક વરસ પૂરું થયું ને દીકરો ઘેર આવ્યો.

દીકરો કહે : ‘અરે માડી ! તમે સાવ સૂકાઈ કેમ ગયાં ? તમને શું થયું છે ?’

રામડોશી કહે : ‘બાપુ ! થયું તો કાંઈ નથી. પણ આ વાંદરી સુખે રોટલો ખાવા દેતી નથી. હું રોજ ખીર ઠારું છું ને રોજ વાંદરી ખાઈ જાય છે!’

દીકરો કહે : ‘ઠીક ત્યારે. કાલે એની વાત છે.’

દીકરો સવારે ઊઠીને આખા ઘરમાં ગારો ગારો કરી મૂક્યો; એક રસોડામાં જ ડોશી બેસે એટલી જગ્યા સારી રાખી.

રામબાએ રાંધ્યું. કૂણી કૂણી રોટલી ઘીએ ચોપડીને થાળીમાં મૂકી અને બીજી થાળીમાં ખીર ઠારી.

દીકરો  કહે : ‘આવ રે વાંદરી ! ખીર  ખાવા.’

વાંદરી તૈયાર જ હતી. એ કૂદકો મારતી ને અંદર આવી.

વાંદરી હાથપગ ઊંચા લેતી જાય, નાક ચડાવતી જાય અને પૂછતી જાય : ‘હું ક્યાં બેસું ?હું ક્યાં બેસું?’

છોકરાએ તો એક લાલચોળ છીપર આપીને કહ્યું : ‘આવો, આવો, આ સોનાના પાટલા ઉપર બેસો, વાંદરીબાઈ !’

વાંદરી ચટ દઈને બેઠી. ચપ લઈને ચંપાઈ ગઈ, ને વોય વોય કરતી ભાગી

રામબા કહે : ‘આવ રે, વાંદરી ! ખીર ખાવા.’

વાંદરી કહે :

      ‘હું કેમ આવું રે, રામ !
       તારે દીકરે દીધો ડામ !’

એમ  કહેતી કહેતા વાંદરી ભાગી ગઈ. તે ફરી આવી જ નહિ.

પછી ડોશી નિરાંતે ખાઈ પીને તાજી થઈ.

Loading

...102030...3,7893,7903,7913,792...3,8003,8103,820...

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved