Opinion Magazine
Number of visits: 9690999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાઈટેનિક ડૂબતું હતું ત્યારે કઈ પ્રાર્થના ગવાતી હતી?

વિશાલ શાહ|Opinion - Literature|22 March 2016

હોલિવૂડ બ્લોકબસ્ટર 'ટાઈટેનિક' ફિલ્મ આવ્યા પછી એ ભયાવહ્ દુર્ઘટના વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે પણ આજે એના સાથે સંકળાયેલી એક ઓછી જાણીતી વાત કરવી છે. ઈંગ્લેન્ડના સધમ્પ્ટનથી દસમી એપ્રિલ, ૧૯૧૨ના રોજ ૮૮૨ ફૂટ લાંબું, ૭૫ ફૂટ ઊંચું અને ૫૨,૩૧૦ ટન વજન ધરાવતું 'ટાઈટેનિક' આશરે ૨,૨૨૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને ન્યૂયોર્ક સિટી જવા નીકળ્યું. આ મુસાફરી શરૂ થયાના ચાર જ દિવસ પછી ૧૪મી એપ્રિલ, ૧૯૧૨ના રોજ તે કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડ ટાપુ નજીક સવારે ૧૧:૪૦ વાગ્યે એક હિમશીલાને અથડાયું. એ ટક્કરથી જહાજના ૧૬માંથી પાંચ વૉટરટાઈટ કમ્પાર્ટમેન્ટ ખૂલી ગયા અને તે ડૂબવાનું શરૂ થયું. ડૂબી રહેલા જહાજમાં બે હજારથી પણ વધુ લોકો એકસાથે મોતની રાહ જોતા હોય એ દૃશ્ય કેટલું ભયાવહ્ હશે! આ સ્થિતિમાં લોકો મૃત્યુનો શાંતિથી સ્વીકાર કરી શકે એ માટે અર્નેસ્ટ સી. કાર્ટર નામના પાદરીએ 'લીડ કાઈન્ડલી લાઈટ' નામની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ૧૫મી એપ્રિલ, ૧૯૧૪ના રોજ મધરાત્રે ૨:૨૦ વાગ્યે 'ટાઈટેનિક' ૧,૫૦૦ લોકોને લઈને દરિયામાં ગરકાવ થયું એ પહેલાં તમામે આ પ્રાર્થના સાંભળી હતી. આ 'લીડ કાઈન્ડલી લાઈટ' એટલે જ ગાંધીજીની અત્યંત પ્રિય 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ’ – એ પ્રાર્થના, જેનો તેમણે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા પાસે અનુવાદ કરાવ્યો હતો. આ પ્રાર્થનાના શબ્દો જેટલા ભાવવાહી છે એટલો જ રોચક તેનો ઇતિહાસ છે. 

                                    જ્હોન હેનરી ન્યૂમેન     અને    નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા

આ પ્રાર્થના ગાંધીજીના હૃદયની અત્યંત નજીક કેમ હતી એવો સવાલ થયો હોય તો એ મૂળ અંગ્રેજી પ્રાર્થનાના શબ્દો વારંવાર વાંચજો, સાંભળજો. ગાંધીજીના જન્મના આશરે ૩૬ વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૩૩માં જ્હોન હેનરી ન્યૂમેન નામના યુવાન પાદરીએ (૧૮૦૧-૯૦) 'પિલાર્સ ઓફ ક્લાઉડ' શીર્ષક હેઠળ આ પ્રાર્થના લખી હતી. ન્યૂમેન દરિયાઈ માર્ગે વિવિધ દેશોનો ધર્મસેવા કરવા પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે ઈટાલીમાં સખત બિમાર પડ્યા. બિમારીમાં તેમને ઇંગ્લેન્ડની યાદ સતાવવા લાગી પરંતુ ત્રણેક અઠવાડિયા સુધી તેઓ પ્રવાસ કરી શકે એમ ન હતા. આ દરમિયાન માનસિક શાંતિ માટે તેમણે ઈટાલીના વિવિધ ચર્ચની મુલાકાતો લીધી. છેવટે ત્રણ અઠવાડિયા પછી ન્યૂમેનને ફ્રાંસના માર્સેલ્સ જતા જહાજમાં રવાના થવાની તક મળી. દરિયાઈ વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી આ જહાજે પણ ફ્રાંસના કોર્સિકા (હા, 'તમાશા' ફિલ્મવાળું) અને ઈટાલીના સાર્ડિનિયા વચ્ચેની બોનિફેસિયો સામુદ્રધુનીમાં એક અઠવાડિયું રોકાવું પડ્યું. આ રોકાણ વખતે યુવાન ન્યૂમેનને 'લીડ કાઈન્ડલી લાઈટ'ના શબ્દો કાગળ પર ઉતાર્યા …

Lead, kindly Light, amid th'encircling gloom, lead Thou me on!
The night is dark, and I am far from home, lead Thou me on!
Keep Thou my feet; I do not ask to see
The distant scene; one step enough for me.

I was not ever thus, nor prayed that Thou shouldst lead me on;
I loved to choose and see my path; but now lead Thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will. Remember not past years!

So long Thy power hath blest me, sure it still will lead me on.
O'er moor and fen, o'er crag and torrent, till the night is gone,
And with the morn those angel faces smile, which I
Have loved long since, and lost awhile!

Meantime, along the narrow rugged path, Thyself hast trod,
Lead, Saviour, lead me home in childlike faith, home to my God.
To rest forever after earthly strife
In the calm light of everlasting life."

એ પછી આ પ્રાર્થના યુરોપિયન પાદરીઓમાં પણ લોકપ્રિય થઈ. જો કે, આ પ્રાર્થનાનો ચોથો શ્લોક ઇંગ્લેન્ડના એક્સેટર શહેરના બિશોપ એડવર્ડ બિકરસ્ટેથે પાછળથી ઉમેર્યો હતો. આજે ય ભારત સહિત દુનિયાની હજારો અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં નિયમિત રીતે આ પ્રાર્થના ગવાય છે, જ્યારે ગુજરાતની અનેક સ્કૂલોમાં અનેક વર્ષો સુધી ‘પ્રેમળ જ્યોતિ’ નિયમિત રીતે ગવાતી હતી.

ગાંધીજી 'લીડ કાઈન્ડલી લાઈટ'ના પરિચયમાં કેવી રીતે આવ્યા એનો પહેલવહેલો ઉલ્લેખ તેમના દક્ષિણ આફ્રિકાના દિવસોમાં મળે છે. ગાંધીજીએ સપ્ટેમ્બર, ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકા આવતા એશિયનોની ફરજિયાત નોંધણીના કાયદા સામે સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આ મુદ્દે મિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકાના તત્કાલીન વડાપ્રધાન જનરલ સ્મટ્સ સાથે ભળી ગયા છે એવી ગેરસમજને પગલે એક ભારતીયે તેમના પર હુમલો કર્યો. આ હુમલા પછી પાદરી જોસેફ જે. ડૉક ગાંધીજીને આરામ કરવા પ્રેમપૂર્વક પોતાના ઘરે લઈ ગયા. એ વખતે ગાંધીજી ડૉકની પુત્રી ઓલિવ પાસે પોતાની પ્રિય પ્રાર્થના 'લીડ કાઈન્ડલી લાઈટ' ગવડાવતા હતા. ૧૯મી ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ ગાંધીજીએ ઓલિવ ડૉકને લખેલા પત્રમાં આ વાતની નોંધ મળે છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી અનેક ખ્રિસ્તી વિદ્વાનો અને પાદરીઓના સંપર્કમાં આવ્યા હતા. એટલું જ નહીં, પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં પણ તેઓ ઘણીવાર ખ્રિસ્તી સેવા કેમ્પમાં ભાગ લેતા હતા. એ વખતે તેઓ 'લીડ કાઈન્ડલી લાઈટ'ના પરિચયમાં આવ્યા હશે એવું માની શકાય!

ગાંધીજી કહેતા કે, ‘‘ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી.’’ ખાસ કરીને, ‘હવે શું કરવું જોઈએ’ એવી મૂંઝવણ થાય ત્યારે ગાંધીજી પ્રાર્થનાનું શરણું લેતા હતા! પ્રાર્થનાની શક્તિ વિશે ગાંધીજીએ લખ્યું છે કે, ‘‘… રાજદ્વારી ક્ષિતિજમાં આજે મારી સામે નિરાશાનો ઘનઘોર અંધકાર હોવા છતાં, હું કદી શાંતિ ખોઈ બેઠો નથી. ઘણાં લોકોને મારી શાંતિની ઈર્ષા આવે છે. એ શાંતિ પ્રાર્થનામાંથી જન્મી છે એ તમે જાણી લેજો! …’’  દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારથી જ ગાંધીજી પ્રાર્થનાની શક્તિ વિશે આવા વિચારો ધરાવતા હતા. વર્ષ ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમને અંગ્રેજોના જુલમી શાસન અને કરમાળખા સામે લડવા ગણોતિયા, ખેડૂતો અને મજૂરોને એક છત નીચે લાવવાનું કામ શરૂ કરવું હતું. દક્ષિણ આફ્રિકાથી ટોલ્સટોય ફાર્મના અનુભવો લઈને આવેલા ગાંધીજી દૃઢપણે માનતા હતા કે, આ પ્રકારનું કામ આશ્રમજીવનમાં વધુ સારી રીતે થઈ શકે. વળી, આશ્રમજીવન યોગ્ય રીતે ચલાવવા સામૂહિક પ્રાર્થના જેવા નીતિનિયમો ઘણાં મહત્ત્વના છે એવું પણ તેઓ માનતા હતા. કંઈક આવા સામાજિક-રાજકીય હેતુથી તેમણે ૨૫મી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં જીવણલાલ દેસાઈના કોચરબ બંગલૉમાં આશ્રમજીવનની શરૂઆત કરી.

ચંદુલાલ ભગુભાઈ દલાલે 'ગાંધીજીની દિનવારી'માં કરેલી નોંધ પ્રમાણે ૧૫મી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ વહેલી સવારે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (૧૮૫૯-૧૯૩૭) કોચરબ આશ્રમમાં મળવા આવ્યા ત્યારે ગાંધીજીએ તેમને 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર કરી આપવા વિનંતી કરી હતી. નરસિંહરાવને ભાષાંતર કરવાની વિનંતી કરી એના અઢી મહિના પછી ૨૩મી નવેમ્બર, ૧૯૧૫ના રોજ નરસિંહરાવ 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર લઈને આવ્યા. ગાંધીજી તેમના પાસે આ પ્રાર્થનાનો અનુવાદ કરાવી શક્યા એ ખરેખર તેમની સિદ્ધિ ગણાય કારણ કે, નરસિંહરાવ અંગ્રેજોની રંગભેદ નીતિનો ભોગ બન્યા હોવા છતાં પરદેશી રાજના વફાદાર અને ગાંધીજીની ચળવળના સખત વિરોધી હતા.

નરસિંહરાવ પિતાની ઈચ્છાથી વર્ષ ૧૮૮૪માં આસિસ્ટન્ટ કલેક્ટર બન્યા હતા. કદાચ આ કારણોસર તેમનો અભિગમ અંગ્રેજ સરકાર તરફી હોઈ શકે! તેઓ ગાંધીજી કરતાં દસ વર્ષ મોટા હતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેઓ મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળતા અને ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આવા વિદ્વાન સામે ગાંધીજીએ 'લીડ કાઈન્ડલી લાઈટ'ના ભાષાંતરમાં પ્રયોજેલા 'પ્રેમલ' શબ્દ સામે હળવેકથી વાંધો ઉઠાવ્યો હતો. ગાંધીજી અને નરસિંહરાવે 'પ્રેમળ' નહીં પણ 'પ્રેમલ' શબ્દ પ્રયોજ્યો છે. પછીના વર્ષોમાં અપભ્રંશ થતા કે અન્ય કોઈ કારણસર 'પ્રેમલ'ને બદલે 'પ્રેમળ' શબ્દ ચલણી બન્યો હશે! 

નરસિંહરાવે (ગાંધીજીની દિનવારીની તારીખ પ્રમાણે જ) પણ ૨૩મી નવેમ્બર, ૧૯૧૫ના રોજ રોજનીશીમાં 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર લઈને આશ્રમે ગયાનું નોંધ્યું છે. આ નોંધ પ્રમાણે, એ દિવસે નરસિંહરાવે પહેલીવાર ગાંધીજી અને તેમના સાથીદારો સામે 'પ્રેમલ જ્યોતિ …' ગાઈ સંભળાવ્યું હતું. ગાંધીજીને ભાષાંતર ગમ્યું પણ 'પ્રેમલ' શબ્દ બહુ સંસ્કૃતમય હોવાથી ખૂંચ્યો હતો કારણ કે, પ્રાર્થનાની શરૂઆતમાં પરિચિત શબ્દ હોવો જોઈએ એવું તેઓ માનતા હતા. એટલે નરસિંહરાવે 'વત્સલ' શબ્દ પર વિચાર કરી જોયો પણ 'પ્રેમલ' જેટલું માધુર્ય એમાં નથી એવું તેમને લાગતું હતું. એ જ દિવસે ગાંધીજીએ નરસિંહરાવને જણાવ્યું હતું કે, આ પ્રાર્થનાનું ભાષાંતર કરવાનું કામ તેમણે કવિ ન્હાનાલાલને પણ સોંપ્યું છે. ત્યારે નરસિંહરાવે કહ્યું હતું કે, ‘‘એ સારું કરશે. હેમનામાં શબ્દો યોજવાની શક્તિ સારી છે. પછી કોકવાર વિચિત્રતા પણ થાય છે.’’ આ પ્રાર્થનાનું ન્હાનાલાલે ભાષાંતર કર્યું છે કે નહીં એ જાણવા મળતું નથી.

જો કે, નરસિંહરાવનો 'લીડ કાઈન્ડલી લાઈટ'નો અનુવાદ એટલો ઉત્કૃષ્ટ છે કે, એ વાંચીને ગમે તેવો કાવ્ય રસિક પણ કહી ના શકે કે, આ કોઈ અંગ્રેજી કૃતિનું ભાષાંતર છે! ખરેખર તો તે 'અનુવાદ' કે 'ભાવાનુવાદ' નહીં પણ નરસિંહરાવનું પોતીકું સર્જન જ ગણી શકાય! ગાંધીજી જીવિત રહ્યા ત્યાં સુધી આ શબ્દોમાંથી શક્તિ મેળવતા રહ્યા હતા!

પ્રેમલ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમલ જ્યોતિ
દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ … પ્રેમલ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય … પ્રેમલ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર … પ્રેમલ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ … પ્રેમલ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ!, આજ લગી પ્રેમભેર
નિશ્ચે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલ જ્યોતિ

રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ, દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ, જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલ જ્યોતિ

… જ્યારે 'લીડ કાઈન્ડલી લાઈટ'એ  ખાણિયાઓનો જીવ બચાવ્યો

આ પ્રાર્થના સાથે 'ટાઈટેનિક' સિવાય બીજી પણ એક રસપ્રદ ઘટના જોડાયેલી છે. ૧૬મી ફેબ્રુઆરી, ૧૯૦૯ના રોજ ઇંગ્લેન્ડની ડરહામ કોલસાની ખાણમાં બે ભયાનક વિસ્ફોટ થયા હતા, જેમાં ૧૬૮ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એક સ્થળે ઘણે ઊંડે દટાઈ ગયેલા ૩૪ ખાણિયાઓને એક એર પોકેટ મળી ગયું હતું, જેમાંથી તેઓ શ્વાસ લઈ શકતા હતા. આ ૩૪ પૈકીના એક ખાણિયાએ એર પોકેટના સહારે 'લીડ કાઈન્ડલી લાઈટ એમિડસ્ટ ધ એન્સર્કલિંગ ગ્લૂમ, લીડ ધાઉ મી ઓન. ધ નાઈટ ઈઝ ડાર્ક એન્ડ આઈ એમ ફાર અવે ફ્રોમ હોમ …' ગણગણવાનું શરૂ કર્યું. કહેવાની જરૂર નથી કે, આ અવાજ સાંભળીને થોડી જ વારમાં બીજા ખાણિયાઓએ પણ કોરસ ગાન શરૂ કરી દીધું હતું. આ ૩૪માંથી ૩૦ને ૧૪ કલાકની જહેમત પછી બચાવી શકાયા હતા. હાલમાં જ સિઆચેનમાં થયેલા હિમપ્રપાતમાં લાન્સનાયક હનુમંતથપ્પા કોપ્પડ પણ આવા એર પોકેટના સહારે જ ૩૫ ફૂટ ઊંડે છ દિવસ સુધી જીવિત રહી શક્યા હતા.

નોંધઃ આ બંને પ્રાર્થના ઓનલાઈન સાંભળી શકાય છે.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

રાજકારણનો ત્રીજો ‘પક્ષ’ : નાગરિકપક્ષ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|22 March 2016

દેશમાં ઉદ્ધારકોની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે

ભારતનું રાજકારણ મુખ્યત્વે બે પક્ષમાં વહેંચાયેલું છે : ના, ભાજપ અને કૉંગ્રેસ નહીં, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ. દેખાડાબાજી માટે થતા હાકોટા અવગણીને શાંતિથી વિચારી જુઓ : નીતિવિષયક બાબતોમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે અથવા બીજા રાજકીય પક્ષો વચ્ચે પણ શો ફરક છે? અરુણ શૌરીએ આપેલા ચબરાક છતાં ચોટદાર આકલન પ્રમાણે, ‘એન.ડી.એ. એટલે યુ.પી.એ. પ્લસ કાઉ.’ યુ.પી.એ. નીતિમાં આક્રમક હિંદુત્વનો- સંકુચિત રાષ્ટ્રવાદનો આથો ચડાવો એટલે એન.ડી.એ. આ મૂલ્યાંકનમાં આત્યંતિકતા હોવા છતાં, તત્ત્વાર્થમાં એ સાચું છે. બન્ને પક્ષના ‘વફાદારો’ જો કે તેને નહીં સ્વીકારે. કારણ કે તેમના પ્રિય પક્ષોના બ્રાન્ડિંગનો સવાલ છે.

બ્રાન્ડિંગની એટલે કે પોતે જેવા છે નહીં, પણ જેવા દેખાવા કોશિશ કરે છે એની બાબતમાં કૉંગ્રેસ-ભાજપ સરખાં નથી. તેમની વચ્ચે મોટો ફરક છે. કૉંગ્રેસ ગરીબતરફી, બિનસાંપ્રદાયિકતાતરફી- સાંપ્રદાયિકતાવિરોધી દેખાવા ઇચ્છે છે, જ્યારે ભાજપ રાષ્ટ્રવાદી, ત્રાસવાદવિરોધી, પાકિસ્તાનવિરોધી અને બેશક, કૉંગ્રેસવિરોધી-પરિવારવિરોધી દેખાવા ઇચ્છે છે. તેમના આ બ્રાન્ડિંગથી ઘણા લોકો જાણેઅજાણે ભોળવાઈ જાય છે. અમુક ટૂથપેસ્ટ ઘસવાથી કે તમુક ડીઓડરન્ટ લગાડવાથી યુવતીઓ મોહિત થઈ જશે, એવું ઠસાવતી જાહેરખબરોની જેમ, આ પક્ષો પણ પોતાના બ્રાન્ડિંગથી ગ્રાહકોને લલચાવવા પ્રયાસ કરે છે. પેલી જાહેરખબરોની જેમ રાજકીય પક્ષોની જાહેરાતોથી પણ ઘણા લોકો લલચાય છે – લપેટાય છે અથવા પોતાની આકાંક્ષાઓ-કુંઠાઓ-પૂર્વગ્રહોનું પ્રતિબિંબ કે મોક્ષ એ જાહેરાતોમાં જુઓ છે. અલબત્ત, પક્ષોનું પેકેજિંગ વ્યાપારી ચીજવસ્તુઓ કરતાં વધારે ભવ્ય હોય છે. એ ગરીબોના કે રાષ્ટ્રના કે હિંદુઓના કે મુસ્લિમોના ઉદ્ધારથી ઓછી વાત કરતા નથી.

જરા વિચારો : જેમના મનમાં સેક્યુલરિઝમનો ખ્યાલ કૉંગ્રેસની સગવડિયા બિનસાંપ્રદાયિકતા જોઈને કે દેશભક્તિનો ખ્યાલ ભાજપનો તકલાદી-તકવાદી રાષ્ટ્રવાદ જોઈને બંધાયેલો હોય, એવા લોકોનું શું થાય? મોટે ભાગે, તે એક યા બીજા પક્ષના ભક્ત બને. (ઘણા વખતથી જો કે વિચારધારા કરતાં ફાયદાની ગણતરી પક્ષીય વફાદારી માટે મુખ્ય પરિબળ બની છે) પોતાના મનમાં રહેલા ખ્યાલો કે દ્વેષનો પડઘો તેમને કોઈ પક્ષના પ્રચારમારામાં – તેના બ્રાન્ડિંગમાં સાંભળવા મળે, એટલે પક્ષોની વાસ્તવિક વર્તણૂંક ગૌણ બની જાય છે. બ્રાન્ડિંગના આધારે જે લોકો કૉંગ્રેસ ભણી ઢળે, તેમને સોનિયા ગાંધી રાહુલ ગાંધીમાં ઉદ્ધારકનાં દર્શન થાય છે.

તેમને લાગે છે કે દેશને બચાવવો હશે તો કૉંગ્રેસ લાવવી પડશે. આવી જ રીતે, જે લોકો બ્રાન્ડિંગથી મોહાઈને ભાજપ – સંઘ તરફ ઢળતા હોય તો તેમને નરેન્દ્ર મોદી ઉદ્ધારક લાગશે. બે વર્ષ પહેલાં અને હજુ પણ ઘણા માને છે કે આ દેશનો ઉદ્ધાર ફક્ત નરેન્દ્ર મોદી જ કરે એમ છે. નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતાં ઘણા વધારે ચબરાક હોવા છતાં, ઉદ્ધારક તરીકે એ બન્ને (જુદાં જુદાં કારણોસર) એકસરખા નકામા છે. કોઇ પણ રાજકારણીને – નેતાને, મહાત્મા ગાંધીને પણ, ઉદ્ધારક ગણવામાં સાર નથી.

સારો નેતા માણસના મનમાં રહેલી શુભ લાગણીઓને ઢંઢોળી શકે, તેને જગાડી શકે અને કદાચ સક્રિય કામગીરી માટે પણ પ્રેરી શકે. ગાંધીજીમાં એ ગુણ હતો. તેમણે પોતાના સાથીદારોની મર્યાદાઓ કોરે રાખીને, તેમનામાં રહેલાં ઉત્તમ તત્ત્વોને બહાર આણ્યાં અને તેને રાષ્ટ્રના કામમાં ખપમાં લીધાં. પણ ઉદ્ધારક? તારણહાર? એવું બધું રાજાશાહીમાં સરમુખત્યારશાહીમાં, ટૂંકમાં એકહથ્થુ શાસનમાં હોય. લોકશાહીમાં નાગરિકો પોતે જાગતા ન રહે, તો તેમનો ઉદ્ધાર કોઈ ન કરી શકે. એવો દાવો કોઈ નેતા કરે, તો એને બ્રાન્ડિંગનો એટલે કે તેમના ધંધાદારી પ્રચારજૂઠાણાનો ભાગ ગણી લેવો.

‘તમે સૂઈ જાવ ને હું જાગીશ’ એવું કોઈ કહે ત્યારે, દિલ્હી જેવા કોઈ સ્ટેશન પર ‘તમે તમારે બાથરૂમ જઈ આવો. હું તમારી બૅગ સાચવીશ’ એવું કહેનારા કોઈ ગઠિયાને યાદ કરી લેવો. કોઈને ‘ઉદ્ધારક’ ગણી લેનારા મૂળભૂત રીતે નિષ્ક્રિય અથવા મજબૂર અથવા બન્ને હોય છે. તેનો પૂરેપૂરો ફાયદો ‘ઉદ્ધારકો’ ઉઠાવે છે. દેશમાં ઉદ્ધારકની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે અને પક્ષની કંઠી (અથવા તેની વફાદારીના નામે આંખે પાટા) બાંધનારાની બહુમતી થઈ છે.

રાજકીય પક્ષોમાં જોડાયેલા કેટલાક લોકો મૂળભૂત રીતે, માણસ તરીકે સારા હોય છે. તેમનામાં વિચારધારાકીય સ્પષ્ટતા હોય કે ન હોય, બીજા માટે કંઈક કામ કરવાની વૃત્તિ હોય છે. એવા લોકો એક યા બીજા પક્ષની કહેવાતી વિચારધારામાં સામેલ થયા પછી, એ પક્ષ સાથે છેડો ફાડી શકતા નથી. સાથોસાથ, પોતાની મૂળભૂત સારપ પણ છોડી શકતા નથી. લાંબા સમય સુધી ભાજપના સભ્ય – ધારાસભ્ય (અને બહુ મોડેથી આમઆદમી પક્ષમાં જોડાયેલા) સેવાભાવી ડૉક્ટર કનુભાઈ કળસરિયા આવું એક ઉદાહરણ છે. એમના જેટલા જાણીતા કે એ કક્ષાના નહીં, એવા બીજા દાખલા પણ હશે, જેમની મૂળભૂત સારપને વિચારધારાના નામે ફેલાવાતું નાગરિકવિરોધી-મનુષ્યવિરોધી ઝેર ચડ્યું ન હોય.

પોતીકી સારપ છતાં પક્ષનાં અનિષ્ટ આચરણો સામે એ લોકો અવાજ ન ઉઠાવે, તેના પ્રત્યે આંખ આડા કાન કરે અને બને ત્યાં સુધી પક્ષ સાથે છેડો ન ફાડે તેનું એક કારણ : ભૂતના ભાઈ પલિત જેવી સ્થિતિ હોય અને ‘લેસર એવિલ’ના નામે સરખેસરખાં અનિષ્ટો વચ્ચે જ પસંદગી બચી હોય, ત્યારે ઘણાને લાગે છે કે અજાણ્યા અનિષ્ટ કરતાં જાણીતા અનિષ્ટ સાથે પનારો પાડવો સારો. આવા લોકો અંગત વાતચીતમાં પોતાના પક્ષનાં અનિષ્ટો વિશે ખુલ્લાશથી વાત કરે છે, પણ જાહેરમાં ઊભા રહેવાનું આવે ત્યારે એ પક્ષના ટોળામાં, બીજાં અનેક અનિષ્ટોની સાથે જોવા મળે છે.

ભાજપની ટીકા કરે, તેમને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા એ પણ પક્ષીય બ્રાન્ડિંગની જ વ્યૂહરચના છે. પરંતુ એ પ્રચારને પડકારીને, ખોંખારીને કહેવું પડે કે આ દેશમાં એક ત્રીજો પણ ‘પક્ષ’ છે. રૂઢ અર્થમાં તે પક્ષ નથી. તેમનું કોઈ ઔપચારિક સંગઠન નથી, કોઇ રાજકીય હિત નથી. તે ધબકતી લોકશાહી અને સ્વસ્થ રાષ્ટ્ર ઇચ્છતા નાગરિકોનો સમૂહ છે. સત્તાપક્ષનાં જૂઠાણાંનો પ્રતિકાર વિરોધપક્ષો ન કરે કે સામસામા પક્ષો એકબીજાના ગોટાળા આગળ ધરીને એક જ માળાના મણકા તરીકે ખુલ્લા પડી જાય, ત્યારે પક્ષીય વફાદારીની કે અંગત સ્વાર્થની સાંકળે બંધાયેલા ન હોય એવા નાગરિકો પોતપોતાની રીતે પહેલ કરે છે. તેમના માટે દેશ એ કોઈ નેતા કે પક્ષ નહીં, પણ દેશના સામાન્ય લોકો અને તેમનું હિત છે.

આ એ સમૂહ છે, જેમાંથી ઘણાએ ઇંદિરા ગાંધીની નીતિરીતિનો વિરોધ કરવા બદલ ગાળ ખાધી હતી ને નરેન્દ્ર મોદીના શાસનની ટીકા બદલ પણ. તેમને કૉંગ્રેસ-ભાજપ તરફથી પ્રમાણપત્રોની જરૂર નથી. તેમની સૌથી મોટી ચિંતા ભારતમાં રહેલી સહઅસ્તિત્ત્વની સંસ્કૃિતને-બંધારણના હાર્દને ટકાવી રાખવાની અને તેની સામે ઊભા થતા પડકારોનો શક્ય એટલો સામનો કરવાની છે. આ સમૂહને હડધૂત કરનારો કે તેમને દેશહિતવિરોધી ઠરાવનારો અવાજ મોટો થઈ જાય ત્યારે દેશની ચિંતા થવી જોઇએ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘પ્રચાર એ જ કલ્યાણ ?’, “દિવ્ય ભાસ્કર”, 22 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-politics-third-party-civil-party-5280913-NOR.html

Loading

પુનર્વિધાન માગતો રાષ્ટ્રવાદનો ખયાલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2016

શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે

હતોતો રાજ્યસભામાં એમનો એ છેલ્લો દિવસ. પણ મુદત આખીનું સાટું વાળતા હોય તેમ ઓવેસીનો ઊધડો લેતા જાવેદ અખ્તર ગૃહમાં બરાબરના ઝળક્યા. ‘ભારત માતા કી જય હું નહીં બોલું – બંધારણમાં આવી જય બોલવાનું ક્યાં લખ્યું છે, બતાવો?’ ઓવેસીના આ ઉદ્દગારોને જાવેદે સરળતાથી ભોંભેગા કરી દીધા કે, એમ તો, શેરવાની પહેરવાનું અને માથે ટોપી ઠઠાડવાનુંયે કિયા બંધારણે કીધું છે. લજ્જાખ્યાત બાંગલાદેશી લેખિતા તસલીમા નસરીન કે’દીનાં વિંગમાં હાજરાહજૂર હતાં જ. લાગલું ટ્વિટ્યાં: ઓવેસી જેવાઓને તો બરાબરના ખુલ્લા પાડી દેવા જોઈએ. વૅલ ડન, જાવેદભાઈ … ભારતમાતા કી જય. નહીં કે જાવેદની વાત ખોટી હતી. ‘જય હિંદ’ કે ‘વંદે માતરમ’ અગર ‘ભારતમાતા કી જય’ સામાન્યપણે એવા ઉદ્દગારો છે જેમાંથી વતનપ્રીતિ ફોરી શકે, અને નાતજાતકોમ મજહબથી ઊંચે ઊઠી સૌ એવો હૃદયભાવ પ્રગટ કરી શકે તે ઈચ્છવાજોગ નથી એમ કોણ કહેશે. પણ આટલું કહ્યા પછી સમગ્ર સંદર્ભમાં જો આ વાતને જોઈ અને તપાસી નહીં શકીએ તો કથિત ભારતભક્તિની આડઅસરો વિશે અસાવધપણે ઊંઘતા ઝડપાઈ જઈશું.

વસ્તુત: સમગ્ર સંદર્ભમાં જોતાં ‘ભારતમાતા કી જય’માં અભિપ્રેત રાષ્ટ્રવાદી હિલચાલનાં પરિમાણ એકથી વધુ હોવાનું સમજાય છે. પહેલો ધક્કો તો તાજેતરમાં જે.એન.યુ. ઘટનાક્રમનો અને ડૉક્ટર્ડ સીડીજોરે કન્હૈયાને રાજદ્રોહી જાહેર કરવા થકી લાગેલો છે. અમે અહીં દેશદ્રોહી પ્રવૃત્તિ નહીં ચાલવા દઈએ એવું સત્તાપ્રતિષ્ઠાનનું કહેવું છે. જ્યારે કન્હૈયાના યાદગાર શબ્દઝુમખામાં ખરો પ્રશ્ન ‘ભારતથી આઝાદી’નો છે. બીજો ધક્કો, કહો કે સત્તા-પ્રતિષ્ઠાન તરફે અનુધક્કો, જે.એન.યુ.નું સીધું નામ પાડ્યા વગર સરસંઘચાલક મોહન ભાગવતનો છે – નવી પેઢીને ‘ભારતમાતા કી જય’ બોલવાનું શીખવવું પડશે.

ઓવેસીના રાજકારણની કોમી ધ્રુવીકૃત તાસીર વિશે અહીં પૂર્વે લખવાનું બન્યું છે. ઓવેસીના હિંદમાં બંદૂકવાલાનું હોવું એ ગુણાત્મકપણે કેવી ન્યારી નિરાળી વાત બને છે એવું ગુણાનુરાગી કૌતુક કરવાનુંયે બન્યું છે. પણ ઓવેસીનો હમણેનો ઉદ્દગાર – જેને જાવેદ અખ્તરે કદ મુજબ બરાબરનો વેતર્યો છે એ ઉદ્દગાર – તરતમાં તો મોહન ભાગવતના પ્રતિભાવ બલકે પ્રતિક્રિયારૂપ છે. હિંદુત્વ રાજનીતિના કથિત ફ્રિન્જલાઇન પાત્રો ‘પાકિસ્તાનભેગા થઈ જાઓ’ની ભાષણમાં વાત કરે છે, પણ સંઘશ્રેષ્ઠીઓની કથનપદ્ધતિમાં એક પ્રકારનું એસર્શન છે – અમારો કક્કો ખરો, અમારી જ વ્યાખ્યા સાચી એવી બૂ એમાંથી ઉઠે છે. ઓવેસીની પ્રતિક્રિયામાં આ દાદાગીરી સામેનો ભાવ આગળ પડતો છે, એટલું ઓવેસીનું (કે કોઈનું પણ નિતાન્ત કોમી) રાજકારણ અસ્વીકાર્ય છે એમ કહેવા સાથે અને કહેવા છતાં નોંધવું જોઈએ.  

ઈસ્લામ અને બુતપરસ્તીનું દ્વંદ્વ જાણીતું છે. વતનને ચાહવું તે ઈમાન છે એમ સ્વીકારી શકતા શ્રદ્ધાળુ મુસ્લિમને, ધારો કે, ભારતમાતા તરેહના શબ્દપ્રયોગમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી હોય તો? આર્યસમાજ પરંપરામાં મૂર્તિપૂજાનો જે નિષેધ છે એનુંયે અહીં નમૂના દાખલ સ્મરણ કરવા જોગ છે. આ સ્મરણમાં અલબત્ત સાભિપ્રાયતા પણ છે તે બલરાજ મધોકના આત્મકથ્યમાંથી પસાર થતાં પકડાય છે. સંઘના તો એ જૂના સ્વયંસેવક. એમણે લખ્યું છએ કે અગાઉની પ્રાર્થનામાં રામદૂત હનુમાન પ્રકારનો ઉલ્લેખ અગ્રતાપૂર્વક આવતો તે મૂર્તિપૂજાને નકારતી આર્યસમાજી પ્રણાલિમાંથી આવેલા મારા જેવાને ખૂંચતું. આખો વંદે માતરમ વિવાદ પણ એમાંથી કાલીમાતાના પૂજનઅર્ચનનો જે ભાવ ફોરતો તેને કારણે ચાલ્યો હતો અને છેવટે સંપૂર્ણ વંદે માતરમને બદલે એનો ચોક્કસ અગ્રઅંશ ગાવાનું ઠર્યું હતું. ‘વંદે મારતમ’ની તરફેણ અને વિરોધી રાજનીતિમાં રાચનારા બંને છેડાઓ અસલનો વિવાદ અને તેને અંતે સધાયેલ સમજૂતી વિશે જાણતા નથી કે જાણીને અણજાણ છે.

તસલીમા નસરીને અને નજમા હેપતુલ્લા ‘ભારત માતા કી જય’ પોકારવા રાજી હોય અને તે પૂર્વે પોતાને છેડેથી આ બાબતમાં ઘટતા વિચાર અને પુનર્વિચારની પ્રક્રિયામાંથી પસાર થયાં હોય તો તે જરૂર એક રૂડી વાત છે. વસ્તુત: વૈચારિક પુખ્તતાની તે એક સાહેદી પણ છે, કેમ કે શબ્દાર્થને સાંકડી રીતે નહીં વળગતા વ્યાપકપણે જોતાં શીખવું તે વિકાસની નિશાની છે. ‘એક બીજો નબી મોકલી આપ’ તેમ કહેતો કવિ પરમાત્મા સાથે પ્રણયકલહનો સમો બાંધે છે. કવિની અભિવ્યક્તિમાં પયગંબરની પરબારી તૌહીન જોવાનું વલણ એ માનવ કોઈક તબક્કે સમજ ગઠંાઈ ગયાનું ચિહ્ન છે.

ઉલટ પક્ષે, હમણાં જેમને કોઈકે ‘ક્લોઝેટ બીજેપીમેન’ (છૂપા ભાજપી) કહ્યા તે અનુપમ ખેરની જેમ એકદમ જ ‘રાષ્ટ્રવાદની એક જ વ્યાખ્યા છે – ભારત માતાકી જય!’ કહેતાકને પડમાં ટ્વિટવા બાબતે જાગ્રત રહેવાની જરૂર છે, કેમ કે એમાંથી ‘માય વે ઓર હાઇવે’ (‘મારે રસ્તે ચાલ કે પછી રસ્તે પડ’) પ્રકારનો ધ્વનિ ઉઠે છે. આ પ્રક્રિયા, વિપળવારમાં ખબર પણ ન પડે તેમ, ભિન્નમત માત્રને, અસંમતિના આછોતરા અવાજને રાષ્ટ્રદ્રોહ-દેશદ્રોહ-રાજદ્રોહના ખાનામાં ખતવી નાખવા બાબતે દોડતા’તા ને ઢાળ મળ્યાની ગરજ સારે છે.

ગમેતેમ પણ ઓવેસીને કદ મુજબ વેતરવાની જરૂર કે’દીની હતી, અને જાવેદ અખ્તરે તે ઠીક જ કર્યું એટલું કહ્યા પછી) પણ ‘જો’ અને ‘તો’ જરૂરી રહે છે એ મુંબઈમાં વિધાનસભ્ય વારિસ પઠાણને જે રીતે કૉંગ્રેસ સહિતના પક્ષોએ મળીને ગૃહનિકાલ ફરમાવ્યો તે જોતાં સમજાય છે. અમુક જ ખાસ સૂત્રોચ્ચાર અને તે અને તે જ દ્વારકાની છાપ, એવી સત્તા-પ્રતિષ્ઠાનની (બલકે, પાટલીફેરે રાજકીય અગ્રવર્ગ સમસ્તની) જો સમજ હોય તો એ સુચિહ્ન નથી. ચોક્કસ સૂત્ર બોલો નહીં તો આગળ બોલવા નહીં દઈએ એ વલણમાંથી ફોરતી માનસિકતામાં નિરામયતા નથી તે નથી.

‘ભારતમાતા કી જય’માં હોંશે હોંશે જોડાતાં તસલીમાની વશેકાઈ આખરે શી વાતે છે? દેશે એમને ‘લજ્જા’ નવલકથાને કારણે બાંગલાદેશમાં તેઓ  કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં ત્યારથી એમને પોતીકાં ગણ્યાં છે. ‘લજ્જા’નું વસ્તુ આખરે તો એ જ છે ને કે ભારતમાં અયોધ્યા ઘટના ઘટી ત્યારે બાંગલાદેશમાં લઘુમતી (હિંદુ) પર બહુમતી માંહેલા કટ્ટરવાદીઓ(મુસ્લિમો)એ હુમલો કીધો. તસલીમા સરખાં મુસ્લિમ લેખિકા નથી કટ્ટરવાદીઓનો ભોગ બન્યાં, સંઘ વર્તુળો આપણે ત્યાં હિંદુત્વ રાજનીતિનો ભોગ બનતા લોકોનાં સુખદુ:ખ આલેખતાં હિંદુ લેખકોની કદર બૂજી શકે તો તસલીમા વિશેનો એમનો ઉત્સાહી પ્રતિભાવ વાજબી ઠરે.

જાવેદ અખ્તર એક પ્રગતિશીલ ને બિનસાંપ્રદાયિક મુસ્લિમ છે. તીસ્તા સેતલવાડની ગોધરા-અનુગોધરા દિવસોની શાંતિને ન્યાય, રિપીટ, ન્યાય ચળવળ સાથે એ જોડાયેલાં છે. એમનું નાસ્તિક હોવું મુસ્લિમ સમુદાયને ન પણ સોરવાતું હોય. કોઈક મુલ્લામોલવી એમને ‘તમે મુસ્લિમ છો?’ પ્રકારના પ્રશ્નથી કન્ફ્રન્ટ પણ કરતા હશે. શબાના આઝમીએ મુસ્લિમ આમજનતાને અનુલક્ષીને કોઈ તરક્કી પસંદ (પ્રોગ્રેસિવ) હિમાયત કરી હોય ત્યારે કથિત શાહી ઈમામ તરફથી ‘નાચવાવાળીને કોણ સાંભળે’ જેવી હીનોક્તિ પણ થતી રહી છે. ઉલટ પક્ષે, જાવેદ-શબાનાને મુંબઈમાં ઘર મળતાં મુશ્કેલી પડી હોય એવા હેવાલો પણ છે. જાવેદના તીસ્તાસંધાનને સંઘવર્તુળો બૂજી શકશે?

બેેલાશક, આપણે જાવેદ સાથે સમ્મત થઈશું કે દેશના મુસ્લિમોએ જે મુસ્લિમ દેશો ધર્મઝનૂની રાજનીતિ કરી રહ્યા છે ત્યાં લોકોને કેટલું પડે છે અને તે દેશો વિકાસમાં કેટલા પાછા પડે છે એમાંથી ધડો લેવા જેવું છે. પણ તે સાથે ઉમેરીશું કે હિંદુ ધર્મને સેમેટિક બનાવતી રાજનીતિ વિશે પણ જાગ્રત રહેવાની જરૂર છે.

ખરું જોતાં આ ચર્ચાને અહીં પૂરતો ન્યાય અપાયો નથી એમ તે સમેટતાં કહેવું જોઈએ, કેમ કે રાષ્ટ્રવાદનો સાંકડો ખયાલ માત્ર જ નહીં ખુદ રાષ્ટ્રવાદ પણ પુનર્વિધાન માગે છે.  

સૌજન્ય : ‘માર્મિક મર્મ’, “દિવ્ય ભાસ્કર”, 19 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-reenactment-nationalism-seeking-care-ovesino-takes-javed-akhtar-5278639-NOR.html

Loading

...102030...3,6483,6493,6503,651...3,6603,6703,680...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved