Opinion Magazine
Number of visits: 9843419
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંજિલ વગરનો યાત્રી: ‘દૂર કા રાહી’માં કિશોર કુમારનું મહાભિનિષ્ક્રમણ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2025

રાજ ગોસ્વામી

વૈવિધ્યપૂર્ણ ગાયન કલાના માલિક કિશોર કુમાર વિશે આ દેશમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. અદ્દભુત ગાયન શૈલી અને અનન્ય કોમિક ટાઇમિંગથી તેમણે ચાહકોનાં હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. કિશોર કુમાર માત્ર તેમનાં ગાયન માટે જ પ્રખ્યાત નહોતા, પરંતુ તેમણે પોતાના રમતિયાળ સ્વભાવથી પણ દરેકને મોહિત કર્યા હતા. 

અભિનેતા અશોક કુમારના ભાઈ હોવા છતાં તેમને હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અશોક કુમાર તેમના જમાનામાં એક બહુ મોટા સ્ટાર હતા, પરંતુ કિશોર કુમારે તેમની અનન્ય કળા દ્વારા એથી પણ મોટું સ્થાન હાંસલ કર્યું છે. 

કિશોર સાચ્ચે જ કલાકારનો જીવ હતો. તેમણે તેમની કળામાં જીવનના વિવિધ રંગોને જે આબાદ રીતે ઝીલ્યા છે, તેવું બીજા કોઈ વિશે કહેવું મુશ્કેલ છે. તેમની કારકિર્દીને જુઓ તો ખ્યાલ આવે કે કેવી રીતે તેમણે જ્યેષ્ઠ બંધુના પગલે હિન્દી સિનેમામાં પગ મુક્યો હતો અને એક સાધારણ ગાયક તરીકે શરૂઆત કરીને ધીમે ધીમે ફિલ્મ નિર્માણની તમામ કલાને હસ્તગત કરીને એક ઘેઘૂર વ્યક્તિત્વ બનાવ્યું હતું.

આજે ભલે આપણે તેમને એક સુમધુર ગાયક તરીકે યાદ રાખતા હોઈએ, પરંતુ તેમની બહુમુખી પ્રતિભા માત્ર ગાયન સુધી સીમિત નહોતી. કિશોર કુમારમાં ફિલ્મ નિર્માણની, એક્ટિંગની અને સંગીતકારની પણ બહેતરીન કુશળતા હતી. પ્લેબેક સિંગિંગની તેમની યાદી તો બહુ મોટી છે પરંતુ તેમણે તે દરમિયાન 14 ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. એ રીતે તે તેમના સમય કરતાં ખૂબ આગળ હતા. 

તેમને ચોક્કસ પ્રકારની વાર્તાઓ કહેવી હતી, તેમનું જીવન પ્રત્યે ચોક્કસ દર્શન હતું, તેમનામાં ચોક્કસ પ્રકારની લાગણીઓ હતી અને મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોમાં તેના માટે જગ્યા નહોતી. એટલે તેમણે જાતે એ વાર્તાઓ કહેવા માટે ફિલ્મો બનાવી હતી. તેમની ફિલ્મો આજે પણ ગવાહી પૂરે છે કે બહારથી ચંચળ લાગતા કિશોર કુમાર ભીતરથી કેટલા ગંભીર અને દાર્શનિક હતા.

1971માં આવેલી તેમની ફિલ્મ ‘દૂર કા રહી’ આ કિશોર કુમારની સાક્ષી છે. તે ફિલ્મમાં તેમનો બાયોડેટા એકદમ સમૃદ્ધ છે; સ્ટોરી, સ્ક્રીનપ્લે, મ્યુઝિક, પ્રોડ્યુસર અને ડિરેક્ટર બધું જ કિશોરના નામે. ઓફકોર્સ, ફિલ્મના મુખ્ય કિરદારમાં પણ પોતે જ હતા અને પ્લેબેક સિંગિંગ પણ ખુદનું હતું. 

તેનાં ગીતો આજે પણ યાદગાર છે. ‘બેકરાર દિલ, તું ગાયે જા, ખુશિયોં સે ભરે વો તરાને’માં તમને વિન્ટેજ કિશોર કુમાર સાંભળવા મળે છે. કિશોર કુમારનું પહેલું હોમ પ્રોડક્શન ‘ચલતી કા નામ ગાડી’ હતું અને તેમાં કિશોરે કોમેડી કરી હતી, પરંતુ ‘દૂર કા રાહી’ના આ અને અન્ય ગીતોને સાંભળો તો તેમાં પીડા અને સંવેદના ભરેલી છે. 

કિશોરના અવાજમાં જેટલી મસ્તી હતી, વ્યથા પણ એટલી જ હતી. અને આ ગીતમાં તેની ઝલક જોવા મળી હતી. આ ગીત ડ્યુએટ હતું (પડદા પર તે જ્યેષ્ઠ બંધુ અશોક કુમાર અને તનુજા પર ફિલ્માવાયું હતું) અને સુલક્ષણા પંડિતે કિશોરને સાથ આપ્યો હતો. સુલક્ષણા પંડિતે ગાયનની શરૂઆત કરી તે સમયનું તેમનું આ મહત્ત્વનું ગીત છે.

ફિલ્મનું બીજું એક ગીત કિશોર કુમારનું ફેવરિટ હતું; 

પંથી હૂં મૈં ઉસ પથ કા, 

અંત નહીં જિસકા, 

આસ મેરી હૈ જિસકી દિશા, 

આધાર મેરે માનન કા. 

ફિલ્મના ગીતકાર તરીકે ઈર્શાદ જલીલીનું નામ પણ છે અને કિશોર કુમારનું પણ. આ ગીત કોણે લખ્યું હતું તેની સ્પષ્ટતા નથી. આખું ગીત શુદ્ધ હિન્દીમાં છે. માત્ર બે જ શબ્દો વિદેશી છે; રાહ અને ખુશી. તેના પરથી એવું અનુમાન કરી શકાય કે આના શબ્દો કિશોર કુમારે લખ્યા હોવા જોઈએ. એક બીજી વિશેષતા પણ છે કે આ ગીતમાં રવીન્દ્રનાથ ટાગોરનાં બે ગીતોનું પણ મિશ્રણ છે. આ કામ કિશોર કુમારનું જ હોવું જોઈએ.

આ ગીત સાંભળો તો તમને એવો સવાલ જરૂર થાય કે આ જ ગાયકે ‘મૈં હૂં ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમરૂ’ ગાયું હતું? ગીતમાં નાયકના દિલની પીડા પણ હતી અને જીવન દર્શન પણ. ગીત ફિલ્મની વાર્તાનો આધારસ્તંભ પણ છે.

ગીતના મુખડામાં ખબર પડે છે કે નાયક એક અંત વગરના માર્ગ પરનો યાત્રી છે, અર્થાત તે લક્ષ્ય વગર ભટકી ગયો છે, પરંતુ તે આશાની દિશામાં ચાલી રહ્યો છે અને તે આશા જ તેના આત્મસન્માનનો આધાર છે. બહુ ગહન વિચાર છે. 

પથિકને લક્ષ્ય મળતું નથી, પરંતુ આશા સાથે તેની ખોજ જારી રાખવી તે તેનું આત્મસન્માન છે તેમ માનીને તે કર્મરત છે. આ પથિકના માર્ગમાં સુખ અને દુઃખ બંને આવે છે, કાંટા અને ફૂલ બંને આવે છે, અંધારું અને પ્રકાશ બંને આવે છે. અને આ નાની-નાની ક્ષણો ફૂલઝડી બનીને માર્ગદર્શક બને છે.

‘દૂર કા રાહી’ પ્રશાંત નામના માણસની વાર્તા છે, જે સમાજની સુખાકારી માટે અનંત સફર પર નીકળે છે. પ્રશાંત પીડિત અને ગરીબ લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તેના આ ભક્તિ ભાવની ડગલે ને પગલે પરીક્ષા લેવાય છે. 

તેને ઘણી બાબતો લલચાવે છે, પરંતુ પ્રશાંત અમુકને અવરોધી જાય છે અને અમુકનો દૃઢતાથી સામનો કરે છે. તે તેના મિત્રો અને વિરોધીઓ બંનેને કરુણાનો સંદેશો પહોંચાડવામાં સફળ રહે છે. ફિલ્મમાં કિશોર કુમારનું જીવન દર્શન ઝળકે છે. આ ફિલ્મ જીવનના હેતુ અને માનવ સંબંધની ક્ષણભંગુરતાનો વિચાર કરે છે.

ફિલ્મમાં કિશોર કુમારનું નિર્દેશન અને ચિત્રણ તેમના બિનપરંપરાગત અભિગમ માટે યાદ રહી જાય તેવું છે. તેમાં ફિલોસોફિકલ અર્થો સાથે કોમેડીનું મિશ્રણ છે. આ ફિલ્મ એક રીતે જીવનનો અર્થ અને સ્વને સમજવાનો પ્રયાસ છે. આવો કિશોર કુમાર લોકો માટે તદ્દન અજાણ્યો છે. ફિલ્મમાં ત્યાગની ભાવના પણ છે. એક દૃશ્યમાં કિશોરને એક નિર્ણય કરવાનો છે – તનુજા સાથે રહેવું કે પછી બધું છોડી દેવું. 

‘દૂર કા રાહી’નો પ્રશાંત તમને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધની યાદ અપાવે છે. સિદ્ધાર્થની જેમ તેના જીવનમાં રોમેન્ટિક પ્રેમનું કોઈ સ્થાન નથી, તેનો પરિવાર પ્રત્યે કોઈ લગાવ નથી અને તેનું કોઈ લક્ષ્ય નથી. પ્રશાંત આંતરમનની ખોજમાં ભટકતો એક આત્મા છે. ફિલ્મમાં હેમંત કુમારના અવાજમાં એક ગીત કિશોર પર ફિલ્માવાયું હતું, જેમાં ફિલ્મનું હાર્દનું હતું;

ચલતી ચલી જાયે, જિંદગી કી ડગર

કભી ખત્મ ના હો, યે સફર

મંજિલ કી ઉસે, કુછ ભી ના ખબર

ફિર ભી ચલા જાયે, દૂર કા રાહી

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 23 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘મને જીવતો જાગતો શ્વાસ લેતો માણસ દેખાય છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|24 April 2025

એક સવાલ : 

ચિ. જ્યોત્સનાને.

‘કોમવાદી હુલ્લડોમાં મુસ્લિમ બહૂલ વિસ્તારમાં ફસાઈ ગયેલા એક હિન્દુ પરિવારને બચવાની શક્યતા કેટલી?

(‘વ્હોટસએપ’માં આવેલ મેસેજ)

pastedGraphic.png

મારો જવાબ :

પૂરેપૂરી શક્યતા છે.

કારણ કે દરેક જાતિ અને ધર્મમાં રાક્ષસી તત્ત્વોની સાથે અમુક માનવવાદી લોકો હોય છે, પણ મારે બીજાની વાત નથી કરવી. હું મારા પરિવારની વાત કરું છું. ધ્યાનથી વાંચજો.

1992માં જ્યારે કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, જ્યારે મારો જન્મ પણ નહોતો થયો, ત્યારે મારો પરિવાર જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં પણ આની અસર થઈ હતી. મારા મોટાભાઈને જન્મના દોઢ વર્ષે પોલિયો થયો હતો, જેની સારવાર માટે મારા મમ્મી પપ્પા દરેક મંદિર, મજાર, બાબા અને મોલવી પાસે ભટકતાં હતાં. સાથે જ કોઈ હોસ્પિટલ કે દવાખાના પણ બાકી નહોતા રાખ્યા. ત્યારે કોઈએ કહ્યું હતું કે, તમારા દીકરાને તિરુપતિ બાલાજી લઈ જાવ, ત્યાં એક મોટી ચેરિટી હોસ્પિટલ છે ત્યાં ઇલાજ પણ ફ્રીમાં કરે છે અને લોકો સાજા થઈ જાય છે.

ડૂબતાને જાણે તણખલું મળ્યું હોય, એમ મારા પપ્પા મોટાભાઈને લઈને તિરુપતિ ઊપડ્યા અને પાછળ મારાં મમ્મી, મારી બહેન અને અન્ય નાના ભાઈ સાથે અહીં સુરતમાં હાજર હતાં. લગભગ 3 મહિના પપ્પા ત્યાં રહ્યા અને સારવાર કરાવી પણ કઈ ફરક ન પડ્યો અને તેઓ ત્યાંથી રવાના થયા પણ જેવા તેઓ તિરુપતિથી નીકળ્યા અને અહીં ગુજરાતમાં દંગા ચાલુ થઈ ગયા હતા.

ઘરે પત્ની અને બે બાળકો એકલાં અને પોતે એક અપંગ બાળકને ખંભે બેસાડી સુરત સ્ટેશન પર રઘવાયા થઈ, ઘરે જવા વાહન શોધી રહ્યા હતા. શહેરમાં અફરા તફરીનો માહોલ હતો.

હવે સાંભળો મુદ્દાની વાત, જે સ્થળે એમણે આ બાપ દીકરાને પહોંચાડ્યા એ સ્થળ એટલે સુરતમાં વેડ રોડ વિસ્તારમાં આવેલ મુસ્લિમ વસ્તી ધરાવતી વિજયનગર સોસાયટીની બાજુની સોસાયટી; જ્યાં બહારથી આવેલ ઝનૂની ટોળાએ ભારે કત્લેઆમ કરીને લોહી રેડ્યું હતું. (અહીંયા જાહેરમાં જણાવીશ કે એ ટોળું કયું હતું તો કેટલાયની લાગણી છોલાઈ જશે એટલે આટલું તમે જાતે કલ્પના કરી લેજો) એ સમયે વિજયનગરના મુસ્લિમો પોતાના ઘર અને સંપત્તિ છોડીને જીવ બચાવવા ભાગી ગયા હતા.

અહીંયા એ પણ જણાવી દઉં કે, કેટલાં ય સ્ત્રી અને બાળકોને ત્યાંથી રાંદેર જેવા મુસ્લિમ એરિયામાં સલામત પોહચાડવાની કામગીરી એ જ વિસ્તારના હિંદુ ભાઈઓએ કરી હતી. જેને ભરોસો ના હોય જાતે જઈને વિજયનગર જોઈ આવજો, ત્યાંનાં જૂના રહીશોને પૂછી લેજો અને જૂનાં મકાનોના નકશીકામ અને મસ્જિદ જોજો તમને ખ્યાલ આવશે કે ત્યાં 1992 પેલા કોણ રહેતું હતું અને આજે કોણ રહે છે

એ મુસ્લિમ રિક્ષા ચાલકને પણ ખબર હતી કે એ વિસ્તારમાં જવું કેટલું જોખમ ભરેલું છે જ્યાં એના જ સહધર્મીઓની લાશ રોડે રઝળતી હતી. કદાચ એનો પણ વારો આવી જાય, અથવા પોતાના ધર્મના લોકો સાથે જે થયું એનો બદલો એ ધારત તો આ એકલા નિહત્થા લાચાર પિતા પુત્રને નુકશાન પહોંચાડીને પણ લઈ શકત. પણ એણે પોતાના પર જોખમ લઈ બંનેને સહી સલામત ઘરે પહોંચાડ્યા.

આ કોઈ કહાણી નથી, હકીકત છે જે મારા પરિવારના મોઢે સાંભળેલી છે. તમે ચાહો તો મને મારી વિચારધારા માટે સ્યુડો સેક્યુલરનું બિરુદ આપી શકો છો. પણ મારી નજરમાં જ્યાં સુધી એ દૃશ્ય જીવતું રહેશે, જેમાં મારા પપ્પા પોતાના અપંગ દીકરાને ખંભે લઈને પોતાના અન્ય બાળકો અને પત્નીની ચિંતામાં રઘવાયા થઈ, સુરત સ્ટેશને મદદ માંગતા હતા અને એવા સમયે એક મુસ્લિમે એમને સહી સલામત પરિવાર પાસે ઘરે પહોંચાડ્યા ત્યાં સુધી મારી નજરમાં દરેક મુસ્લિમ ખરાબ નહીં જ બને.

તમારી નફરત તમને મુબારક; પણ મને દાઢી ટોપી કે ભગવા કપડાં પછી દેખાય છે, પેલા જીવતો જાગતો શ્વાસ લેતો માણસ દેખાય છે. તમારે જે બિરુદ આપવું હોય એ આપો, હું હજુ કહીશ કે, ‘આંતકવાદનો કોઈ ધર્મ હોતો નથી’ કારણ કે મારી નજરમાં ‘ધર્મ એ જ સૌથી મોટો આંતકવાદ છે !’ 

[સૌજન્ય : Jyotsna Ahir]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા.

સંજય સ્વાતિ ભાવે અને ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|24 April 2025

પ્રિય ઉર્વીશભાઈ,

ગઈ કાલથી મારા મનમાં જે પુષ્કળ ઘોળાઈ રહ્યા હતા તે તમે (અને હેમંતકુમાર શાહે પણ) ચોટદાર રીતે મૂકી આપ્યા. પહેલગામ પરના આતંકવાદી હુમલામાં a major security lapseની વાત સરકાર તો ન જ કરે, તમે નોંધ્યું છે તેમ non – critical narrative ઊભું કરે, લોકો ભરમાઈ જાય. પણ મારા નિરીક્ષણ મુજબ મોટો ફેલાવો ધરાવતા મુદ્રણ માધ્યમોએ પણ એ મુદ્દે સંપૂર્ણ ચૂપકીદી સેવી છે, જે આઘાતજનક અને લગભગ ગુનાઈત છે. 

સરકારની ભૂમિકા અને ચાલાકી પણ તમે બરાબર બતાવી છે. આતંકવાદને નાબૂદ કરવા નોટબંધી, કલમ 370, લશ્કર માટેનું બજેટ અને શાસ્ત્રો કાશ્મીર પર જબરદસ્ત જાપ્તો – આ બધાં પછી પણ આતંકવાદી હુમલા થતા રહ્યા છે. ઇસ્લામ સહિત તમામ સ્થાપિત ધર્મોની પ્રતિગામિતા અને હિંસકતા તો આપણે વખોડતા જ હોઈએ.

તમે જે કહ્યું છે તે કહેવામાં વ્યક્તિગત હિંમત, વૈચારિક સ્પષ્ટતા અને રજૂઆતની કુનેહ જોઈએ. તમને (અને હેમંતકુમાર શાને પણ)  આ મુદ્દા પરની પોસ્ટ માટે ખૂબ ધન્યવાદ. આવી પોસ્ટ બહુ લોકો સુધી પહોંચવી જોઈએ. Share કરું છું.

— સંજય સ્વાતિ ભાવે

URVISH KOTHARI ‘S FB POST

ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે. 

ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો. 

હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં  પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે. 

ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે — આવું સરળીકરણ સગવડિયું અને મહદ્દ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે. 

નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો — એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું  ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખૂલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી — હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું. 

માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી. 

ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.

Loading

...102030...361362363364...370380390...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved