(ગયા સોમવારે [06 અૉક્ટોબરે] મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા ‘દીપનિર્વાણ’ની નાયિકા સુચરિતાની વાત રજૂ કરતી એકોક્તિનો પૂર્વાર્ધ રજૂ કર્યો હતો. આજે એનો ઉત્તરાર્ધ, જન્મશતાબ્દી ટાણે દર્શકને આદરાંજલિ સાથે. વીણાવાદિની યુવતીનું રાજા રવિ વર્માનું ચિત્ર અહીં કેવળ પ્રતીકાત્મક રીતે રજૂ કર્યું છે તેની નોંધ લેવા વિનંતી.)
હા, સુદત્ત બોલ્યો ખરો કે ‘આનંદ, સુચરિતા તારી હં – તારી.’ પણ અરે! એ તે ક્યારે? ભસમ સૌ થઈ ગયું પછીથી. ત્યારે નંદીગ્રામ ભસ્મીભૂત થઈ ચૂક્યું હતું. પિતાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હજારો સૈનિકોએ જાન ખોયા હતા. અરે! સુદત્તના જીવનની પણ એ છેલ્લી ઘડી હતી. હું તો ત્યારે તેને વારવા ગઈ હતી. તે મારા પરના રોષને લઈને આખું નંદીગ્રામ છિન્નભિન્ન કરી રહ્યો હતો. તેથી તે માગે તો મારુંયે મોત તેને ચરણે ધરવા ગઈ હતી. પણ ત્યારે જ તેના કહેવાથી મને ખબર પડી કે સાધ્વીની નહિ, પણ મને વિહારિણીની દીક્ષા આપવામાં આવી છે. ત્યાં સુધી હું તો એમ જ માનતી હતી કે મને સાધ્વીની દીક્ષા અપાઈ છે અને તેથી હવે આ ભવે તો હું ક્યારે ય આનંદની થઇ શકીશ નહિ. જો કે મેં દીક્ષા લીધી ત્યારે પિતાજીએ જે આશીર્વાદ આપ્યા તે સાંભળીને મને અચંબો થયેલો. તેમણે કહેલું : ‘ચિરસૌભાગ્યવતી થા, બહેન.’ તેમના એ શબ્દો પાછળ રહેલું રહસ્ય તો મને સુદત્તે કહેલી વાત પછી જ સમજાયું. અને ખરેખર, એ આશીર્વાદ છેવટે સાચા પડયા. હું આ જન્મમાં સદેહે આનંદની બની શકી. હા, તમે કદાચ મને પૂછશો : “સુચરિતા! બીજું બધું તો ઠીક, પણ તેં તારી જાતને અને તારી દીક્ષાને છેતરી નથી? ભલે તને દીક્ષા વિહારિણીની અપાઈ હોય, તેં તો એમ જ માનેલું ને કે તું સાધ્વી બની ગઈ છે. તેં અષ્ટાદશ વ્રતો પણ લીધેલાં. દીક્ષાથી નહિ, તો ય મનથી સાધ્વી બન્યા પછી તું ફરી સંસારી બની તે યોગ્ય કહેવાય? તેં ન તો સુદત્તને આપેલું વચન પાળ્યું, ન તો ધર્મને આપેલું વચન પાળ્યું.”
સાચી વાત કહું? મેં ઉતાવળમાં સુદત્તને વચન આપી દીધું એ જ મારી ભૂલ હતી. આજે મને થાય છે કે સુદત્ત જ્યારે પદ્મપાણિની મૂર્તિનું સર્જન કરી રહ્યો હતો ત્યારે જ મૂર્તિ અનવદ્ય થશે તો ય હું તને પરણવાની નથી એમ કહેવાની હિંમત હું કેમ ન કરી શકી? મહાકાશ્યપની પુત્રીમાં આટલી હિંમત ન હોય? પણ જીવનમાં એકાદ ભૂલ પણ ન કરી હોય એવો કોઈ કાળા માથાનો માનવી છે ખરો? હું જેને ચાહતી હતી તે આનંદની પત્ની બની શકું એમ નહોતું, અને જેને ચાહતી નહોતી તે સુદત્તની પત્ની હું બનવા માગતી નહોતી. ત્યારે પણ આનંદ સાથે લગ્ન થઈ શકે તેમ હોત તો મેં એ રસ્તો જ લીધો હોત. મેં ઘેનભરી અવસ્થામાં સુદત્તને વચન આપ્યું હતું એમ તો પિતાજી પણ સ્વીકારતા હતા. પણ તેમનું કહેવું હતું કે એક વાર વચન આપ્યું તો મારે તે પાળવું જ જોઈએ. મને ક્યારેક વિચાર આવે છે કે મારા વચનને ધાર્મિક પ્રતિજ્ઞા જેવું સ્વરૂપ પિતાજીએ ન આપ્યું હોત તો? સુદત્તને આપેલું વચન પૂરું ન કરવું પડે એટલા ખાતર મેં દીક્ષા લીધી. મનમાં જાગેલા વૈરાગ્યને કારણે નહિ. એટલે છેવટે જો સુદત્ત મને વચનમાંથી મુક્ત કરતો હોય એટલું જ નહિ, હું આનંદની બનું એમ સાચા હૃદયથી ઇચ્છતો હોય, અને આનંદ પણ મને સ્વીકારવા તૈયાર હોય, ધર્મના આચારનો પણ કશો બાધ નડતો ન હોય, અને આત્રેયદાદા અને ગુરુ શીલભદ્ર જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલોના આશીર્વાદ મને મળતા હોય, તો હું વિહારિણી મટી ફરી સંસારિણી બનું એમાં ખોટું શું છે? મેં સુદત્તને વચન આપ્યું એ ભૂલની પૂરતી શિક્ષા શું મેં ભોગવી નથી? એક વાર સુદત્તે મને કહેલું : ‘સુચરિતા, મેં તને આટલી દુચરિતા નહોતી ધારી.’ પણ મને લાગે છે કે માણસના આચરણને, તેના ચરિતને સારું અને ખરાબ એવાં બે ખાનાંમાં વહેંચી શકાતું નથી. સંજોગો તેને સારું કે ખરાબ ઠેરવે છે. હા, મેં સુદત્તને આપેલું વચન ન પાળ્યું. હા, હું તેની બનવાને બદલે આનંદ તરફ ઢળી. હા, મેં દીક્ષાનો ત્યાગ કરી ફરીથી ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. પણ આ બધું શું મને દુચરિતા ઠરાવી શકે એમ છે? એક સ્ત્રી તરીકે, એક વ્યક્તિ તરીકે મને મારી મરજી મુજબની પસંદગી કરવાનો હક્ક તો હોય ને? મને સુદત્ત ન બાંધી શકે તેમ પિતા મહાકશ્યપ પણ ન બાંધી શકે. મારા સિવાય બીજું કોઈ મને બાંધી ન શકે.
હા. આજે સિત્તેર વરસ પછી મનુદાદા અંગે એક-બે ફરિયાદ કરવાનું રોકી શકતી નથી. પહેલું તો, સુદત્તને મારી નાખવાની ખરેખર જરૂર હતી? તેને થયેલો પશ્ચાત્તાપ તો સાચા હૃદયનો હતો. પેલા જંગલી મૈનેન્દ્ર માટે કૃષ્ણાને શોધી લાવ્યા તેમ સુદત્ત માટે પણ કોઈ કલાભક્ત કન્યા કેમ શોધી ન લાવ્યા મનુદાદા? તો અમે ચારે પરસ્પરનાં મિત્રો બનીને નંદીગ્રામનું નવનિર્માણ કરવામાં લાગી ગયા ન હોત? આવી અટપટા પ્રસંગોની ઘટમાળમાંથી પસાર થયા પછી છેવટે આનંદ અને હું એકમેકનાં થઈ તો શક્યાં. પણ એક વાત કહું? જેમ કોઈ બાપ બાળકને પહેલાં સારી પેઠે માર મારે અને પછી તેને મીઠાઈ ખાવા આપે તેવું કંઈક મનુદાદાએ અમારી સાથે કર્યું એમ મને લાગે છે. આથી મીઠાઈ ખાતી વખતે પણ કોઈ કોઈ વાર અગાઉ ખાધેલી ધોલ યાદ આવે અને મીઠાઈ મોળી લાગે એવું કૈંક મને લાગે છે, ક્યારેક.
પણ અમારી વાતને મનુદાદાએ ‘દીપનિર્વાણ’ એવું નામ આપ્યું છે. નિર્વાણ શબ્દનો મૂળ અર્થ, વાચ્યાર્થ, તો થાય છે ‘બુઝાઈ જવું.’ પ્રાચીન ભારતમાં પ્રગટેલો ગણતંત્ર રાજ્યનો એક દીપ બુઝાઈ ગયો તેની આ વાત. પણ બૌદ્ધ ધર્મની પરિભાષામાં ‘નિર્વાણ’ શબ્દનો અર્થ વધુ ગૂઢ અને ગહન છે. આ સંસારમાં દુઃખ શા માટે છે? કારણ રાગ, દ્વેષ, અને મોહના ત્રિવિધ તાપ આપણને બાળે છે. આ ત્રિવિધ તાપ જ્યારે બુઝાઈ જાય, શમી જાય, ત્યારે દુઃખનો અંત આવે છે, સંપૂર્ણ શાંતિ મળે છે, પરમ આનંદ મળે છે. આવી શાંતિ, આવો આનંદ, એ જ નિર્વાણ. માણસ માત્ર માટે એ છે અંતિમ પ્રાપ્તિ. એ પ્રાપ્ત કર્યા પછી બીજું કશું મેળવવાનું રહેતું નથી. મારા, આનંદના અને સુદત્તના જીવનમાંના ત્રિવિધ તાપ પણ અંતે બુઝાઈ ગયા છે. અમારા દુઃખનો અંત આવ્યો છે. સુદત્ત તો હવે રહ્યો નથી, પણ આનંદના અને મારા જીવનમાં સંપૂર્ણ શાંતિ છે. અને મારા જીવનમાં તો હવે પતિ રૂપે આનંદ પણ મળ્યો છે. એનું જ બીજું નામ છે નિર્વાણ. તમને થતું હશે : વીણા વગાડતાં વગાડતાં આ બધું ક્યાંથી, ક્યારે શીખી આ છોકરી? મહાકાશ્યપની પુત્રીને, આનંદની સહચરીને, આટલું તો આવડે જ ને?
મારા પિતા મહાકાશ્યપે અંતે યજ્ઞ કરતાં શરીર હોમ્યું હતું. અને હવે તો મનુદાદા પણ સદેહે આપણી વચ્ચે નથી. ત્યારે એ બંને વિષે ફરિયાદ કરવી એ મને ન શોભે. જે વિધિનિર્મિત હતું તે થયું. અને હા, ક્યારેક વિચારું છું ત્યારે મને થાય છે કે ગોવર્ધનરામ ત્રિપાઠીની કુમુદસુંદરી કરતાં, કનૈયાલાલ મુનશીની મંજરી કરતાં, પન્નાલાલ પટેલની જીવી કરતાં તો હું વધુ નસીબદાર નીવડી. ન મારે કુમુદની જેમ આનંદને બીજી સ્ત્રી સાથે પરણાવવો પડ્યો. ન મારે મંજરીની જેમ આનંદ વગર તરફડતાં જીવ કાઢવો પડ્યો. ન મારે જીવીની જેમ આનંદનો સાથ મેળવતાં પહેલાં ગાંડા થવું પડ્યું. વીણાના તારમાંથી કેવા સૂર કાઢવા તે વીણા પોતે નક્કી નથી કરી શકતી. એ નક્કી કરે છે તે તો તેનો બજવૈયો. અને મારા બજવૈયાએ મને એ ત્રણ સખીઓ જેટલું સહન કરવાની ફરજ તો નથી પાડી. તો ચાલો, આનંદે મને પહેલી વાર જોઈ ત્યારે વીણા વગાડતી હતી તેમ આજે પણ હું વીણા વગાડવા લાગું. અને હા, મારું વીણા વાદન સાંભળતી વખતે આંખો બંધ કરી દેજો. મને નહિ, મારા માંહ્યલાને જોશો ત્યારે જ મને સાચી રીતે જાણી શકશો.
સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014