Opinion Magazine
Number of visits: 9559959
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમૂહ-માધ્યમોનો રાષ્ટ્રવાદ

ભરત મહેતા|Opinion - Opinion|29 October 2016

આજે જેમને  ટીવી જોવાની ટેવ હશે તે સહજતાથી સમજી જશે કે પત્રકાર એટલે જેટલું જેનું ગળું સારું હોય, જે બૂમબરાડા પાડવાની ક્ષમતા ધરાવતો હોય એ! પત્રકારો આજે સરકારી પ્રચારકો બની ગયા છે. જ્યારે એક તબક્કે નિર્ભીક પત્રકારત્વ જોવા મળતું. જે આજે વિરલ થઈ રહ્યું છે. ‘નવભારત ટાઇમ્સ’ના જાણીતા પત્રકાર દિવંગત રાજેન્દ્ર માથુરે અડવાણીની સોમનાથથી નીકળેલી ટૉયોટૉવાનવાળી રથયાત્રા વખતે સંપદકીય લખેલું – ‘શેર કી સવારી’, નખશિખ રાષ્ટ્રવાદી પત્રકારનો આ લેખ ભવિષ્યવાણીની જેમ આજે સાચો પડ્યો. અડવાણીની રથયાત્રાના મૅનેજર નરેન્દ્ર મોદીએ અડવાણી માટે આ ભવિષ્યવાણી સાચી ઠેરવી! ધર્મકેન્દ્રી ઝનૂની રાષ્ટ્રવાદની પરિણુતિ અખલાક કે ઉના સુધી વિસ્તરતી જોવા મળે છે.

મનોવિશ્લેષણના પિતા મનાતા ફ્રૉઈડના ભત્રીજા ઍડવર્ડ બર્નીજ પ્રચાર અને જનસંપર્કના મનોવિજ્ઞાનના પિતા મનાય છે જેમને ‘propaganda’ નામનું પુસ્તક લખ્યું છે. બહુસંખ્યક સંભ્રાત નાગરિકોનું માનસનિર્માણ પ્રચાર દ્વારા કરવામાં આવે છે. સમાજવિજ્ઞાની ડાલ્ટન કોનોલીએ પણ વર્ચસ્વ ધરાવતો વર્ગ આ દ્વારા બહુજનની ‘સહમતિ’ પોતાની વિચારધારા માટે મેળવી લે છે તે બતાવ્યું છે. એક વેળાએ નરેન્દ્ર મોદી માટે કામ કરતા પ્રશાંત કિશોર હવે નીતિશકુમારની જીતનું શ્રેય મેળવે છે ! ચૂંટણી નજીક આવે તેમ આવી સુપરહીટ ચીજો વધતી જાય છે. જે નાગરિકોનું રૂપાંતર ચાહકો, ભક્તો(fan)માં કરી નાંખે છે, જે પાણીપૂરી ખાતાં-ખાતાં ‘India is Indira’ કે ‘I love Modi’ લખવા માંડે છે!

આજે કોઈ પત્રકાર સરકારની ટીકા કરે એ રાષ્ટ્રદ્રોહી પત્રકાર ગણાય! સરકાર એ રાષ્ટ્ર નથી. વડાપ્રધાનની ટીકા કરે એ પત્રકાર રાષ્ટ્રવિરોધી! આ માનસિકતા આજે દૃઢ થતી જાય છે. કાશ્મીરના ‘ક’ પણ કોઈ પત્રકાર બોલે, તો એ રાષ્ટ્રવિરોધી! વિભીષણની કથાના આ દેશમાં આજે વિભીષણવૃત્તિ ટીકાપાત્ર ગણાય છે. ‘રાષ્ટ્રપ્રેમી’ પત્રકારો ગાળ દેવા માટે એક શબ્દ વાપરતા થયા છે અને એ શબ્દ છે – ‘બુદ્ધિજીવી’ ! જાણે શું પત્રકારો બુદ્ધિજીવી નથી? આવી ગાળો સમાજની વૈચારિક બીમારી સૂચવે છે.

લોકશાહીના ચોથા સ્તંભ સમા પત્રકારત્વમાં આજે રાષ્ટ્રવાદનો ગોકીરો મચ્યો છે. એકાએક મીડિટાની યજ્ઞશાળામાં રાષ્ટ્રવાદનો ઓવરડોઝ દેખાય છે. શું એની પાછળ રાજનીતિ નથી? શું આ શબ્દ ફૅશનદાખલ વપરાઈ રહ્યો છે કે ઊંડી નિસબતથી? જેના માટે ચાની લારીથી માંડી સંસદ સુધી હોબાળો મચી જાય છે! અબજો રૂપિયાના (૧૧૦૦ બિલિયન કરોડ) આ વ્યવસાય માટે આ રાષ્ટ્રપ્રેમ બજારુ માલ નથી? રાષ્ટ્રપ્રેમ T.R.P.નો ભાગ છે. ૭૫૦ ચૅનલો શું સ્વાન્તઃસુખાય ચાલે છે? ટીવી સેટ ‘યુદ્ધખંડ’(war-room)માં પરિવર્તન થઈ રહ્યા છે. ફેસબુક કે ટ્વીટર પર તો પગાર આપીને trolling માટે માણસો રોકવામાં આવી રહ્યાં છે. જે વીણીવીણીને ‘રાષ્ટ્રદ્રોહી’ને અશ્વીલ ગાળોથી એવા નવાજે કે રવીશકુમારે મેદાન છોડી દેવું પડે! જો સાંસદો જ માયાવતી, સ્મૃિત ઇરાની કે સોનિયા ગાંધીને અશ્લીલ શબ્દોથી નવાજતાં હોય તો, કૂવામાં હોય તે હવાડામાં આવે. પણ જો હવે સમૂહ-માધ્યમો પણ આમાં જોડાઈ જાય તો ? આજે બરખા દત્ત સાથે, કારગિલની બાહોશ પત્રકાર સાથે સહવ્યવસાયકર્મીઓ આ જ ભાષા વાપરી રહ્યા છે. રાષ્ટ્રવાદની જેમ આજે મીડિયાનું એક વલણ ભારતીયતાનું ઊમટેલું મોજું પણ છે. શિલ્પા શેટ્ટીથી શરૂ થઈ બાબા રામદેવ એના બ્રાંડ ઍમ્બેસેડર છે! ગાયની જેમ યોગ રાજનૈતિક હથિયાર બની રહ્યો છે.

મીડિયાની કેટલીક ઘટનાઓ પણ એમની રાજકીય ગોઠવણોનો સીધો પુરાવો પૂરો પાડે છે. ઉત્તરાખંડની તબાહી વખતે ૧૭,૦૦૦ પત્રકારો કે સેના જ્યાં જઈ શકી ન હતી, ત્યાં એકાએક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા હતા! આજે આવા પૂર્વયોજિત (planned story) સમાચારો મીડિયાની વિશ્વસનીયતાને હાનિ પહોંચાડે છે! કન્હૈયાકુમારની મુલાકાત લીધા પછી ટેક્નોલૉજીનો લાભ લઈ સ્મૃિત ઇરાનીની મિત્ર પત્રકાર પાકિસ્તાનનો નકશો એની પાછળ ગોઠવી દે! આજે આવી કપટપૂર્ણ નીતિઓ પકડાઈ ગઈ છે, પણ કેટલી નહીં પકડાઈ હોય તેનું શું? કન્હૈયાકુમારની છબી ખરાબ કરનાર આ પત્રકાર મહિલાને શી સજા થઈ? ગુજરાતના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન બનવાની તૈયારીમાં હોય કે તરત શૅરબજાર સડસડાટ ઊંચું ચાલ્યું જાય! કશી ટીકાટિપ્પણ વિના આ ઘટના ‘બ્રેકિંગ ન્યુઝ’ બની જાય!

ગુડગાંવમાં પાણી ભરાય અને અનેક વેપારીઓ અટવાય એ બ્રેકિંગ ન્યુઝ, પરંતુ આસામના સમાચાર માટે આપણે પ્રતીક્ષા જ કરવાની! મુંબઈમાં રાષ્ટ્રવાદી શિવસૈનિકો યુ.પી., બિહારના કામદારોને મારે એટલે તો રાષ્ટ્રવાદથી મોટો ‘મહારાષ્ટ્ર’ વાદ થઈ જાય! આ રાષ્ટ્રવાદની ટીકા આપણી ચૅનલો કરતી નથી. મણિપુર કે કાશ્મીરમાં ચાર-ચાર મહિના કરફ્યુમાં શાળાઓ બંધ રહે, એ સમાચાર તો આપણને વર્ષો પછી મળે!

મીડિયાની નિસબત બીજે દેખાતી નથી, એટલે એવું લાગે કે હિન્દુ રાષ્ટ્રવાદનું બજાર છે અને મીડિયા એ માલ વેચે છે! આજે ગુજરાતના કેટલાક કૉલમવીરોમાં આ વલણ ચોખ્ખું દેખાય છે. જાણે કે આર.એસ.એસ.ના મુખપત્રમાંથી સીધા ઝિલાયેલા હોય એવા લેખો હોય છે. જો (newsroom)એ વૈવિધ્યપૂર્ણ(diversity)થી ભરેલો હોત, તો રાષ્ટ્રવાદમાં દલિત, લઘુમતિ, આદિવાસી બધાનો સમાવેશ થતો જાય. એ દેખાતું નથી. રઘુવીર સહાયની એક કવિતા યાદ આવે,

          ‘જન ગણ મન કે ભીતર,

                        વહ કૌન ભાગ્ય-વિધાતા હૈ?

           ફટા સુથન્ના પહને,

                       જિસકે ગુણ હરચરના ગાતા હૈ!’

શું આ હરચરણની ચિંતા ‘રાષ્ટ્રપ્રેમી’ મીડિયાને છે ? શું આદિવાસીઓ માટે લડતી, જેણે અસહૃય પોલીસ-અત્યાચાર વેઠ્યા છે, જેના મોં પર ઍસિડ જેવું પ્રવાહી ફેંકવામાં આવ્યું એ સોની સોરી ‘ભારતમાતા’ નથી? એકલા ઝારખંડમાંથી ૧૦ લાખ આદિવાસીઓનું વિસ્થાપન થયું એ કાશ્મીરી પંડિતોના વિસ્થાપન જેટલી સમસંવેદનાનો વિષય બનતું નથી ! એ માટે ફેફસાંમાંથી રાડ પાડવાની ‘અર્બન’ ગોસ્વામીની તાકાત કેમ નથી?

છતાં પ્રશ્નો પૂછવાની પરંપરા અટકવાની નથી. પ્રશ્નો પૂછનારને રાષ્ટ્રદ્રોહી કહેવાની પરંપરા તો છેક સોક્રેટિસથી જ છે. એમને સજા આપવાની પરંપરા પણ છેક ત્યારથી જ છે. છતાં એ પરંપરા દાભોલકર, કુલબર્ગી કે પાનસરે સુધી અટકી નથી. મીડિયાને આ ત્રણની હત્યા T.R.P. માટે યોગ્ય લાગી નથી. આ વાત મીડિયાની સંવેદનશીલતાનું સૂચક છે. જિયો-૪ના બ્રાન્ડ ઍમ્બેસેડર બનેલા પ્રધાનમંત્રી મીડિયાની ટીકા પામતાં નથી, કારણ કે એ ‘બુદ્ધિજીવી’માંના એક નથી! તાજેતરમાં પાકિસ્તાનના સૂફી ગાયક શબ્બીરની હત્યાનો ઉલ્લેખ કરતાં ગુણવંત શાહે પાકિસ્તાનમાં વકરેલી ધાર્મિક કટ્ટરતાને ઉઘાડી પાડી તે ઠીક જ કર્યું, પણ સાથોસાથ એ ગાયકની અંતિમયાત્રામાં લાખો લોકો હતા એ ન જોઈ શક્યા! એ જ શબ્બીર જેવી હત્યા અહીં થઈ કલબુર્ગી, પાનસરે કે દાભોલકરની. એ હત્યાને એમણે એક પણ લેખ ફાળવ્યો નથી! એમની T.R.P. માટે આ વિષય યોગ્ય નથી. અત્યારે તો એક શાયરની આ પંક્તિ આપણને આશ્વાસન આપે છે.

“ઉસ પ્યાલે મેં ઝહર નહીં રહા હોગા,

                    વર્ના સુકારત મર ગયા હોતા …”

‘ઉત્તરમારચરિત’માં જ્યારે ભવભૂતિએ રામ પર જ પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે પરંપરાવાદી પંડિતોએ કહ્યું કે તારા સાહિત્ય પર કોઈ નજર પણ નહીં નાંખે. ભવભૂતિએ કહ્યું કે આ વિપુલ પૃથ્વી પર કોઈક સમાનધર્મા આવશે, કાળ અખંડ છે. સમૂહ-માધ્યમોનું કાર્ય રાજનીતિની દેખરેખનું છે, નહીં કે એની ચાકરી કરવાનું. હાલમાં એમનામાં ઊમટેલો રાષ્ટ્રવાદ એમની બદલાયેલી ભૂમિકાનું સૂચક છે. સાચા રાષ્ટ્રવાદની ખોજમાં જવાનું સાહસ વૈકલ્પિક મીડિયાકર્મીએ કરવાનું રહેશે.

E-mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 09 અને 16

Loading

ભેલાણ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|29 October 2016

ભેલાણ

ગામમાં ઓછું ને ખેતરમાં ઝાઝું રહેતો જુવાન
મધરાતે ખખડાટ થયો ને જાગ્યો,
પછી
તો આવ્યા વાડ તૂટવાના અવાજો.
એણે જે માચડા પર સૂતો હતો,
એના પર ઊભા થઈ
ઊંઘરેટી આંખે નીચે જોયું.
આખે આખાં ખેતરમાં
જાણે તગતગતા અંગાર  દોડતા હતા.
આંખો ચોળીને ઉપર જોયું
તો
તારા ત્યાં જ હતા જ્યાં હોવા જોઈએ,
ત્યાં તો
કાનમાં ધગધગતું સીસું રેડાતું હોય
એમ સંભળાયા હિંસક હુંકાર
નાકમાં પ્રવેશી દેહમાં કંપારી વછૂટે
એવી પશુઓની દુર્ગંધ
સહેજ વધુ આંખ પહોળી કરી જોયું
તો દેખાયાં કદાવર પશુઓનાં ધણ
અને સાક્ષાત્‌ થયું ભેલાણ.

કડડભૂસ થતા જમીનદોસ્ત થયા
જટાજૂટ વડવાઈવાળા વડલા.
ગીધ મૃત પશુનાં આંતરડાં ઉતરડે
એમ તડાતડ થતી
પશુઓનાં શિંગડે ભેરવાઈ
માટી સોતી ઊખડતી હતી વડવાઈ.
હિંસક જડબાંમાં
ભચડભચડ કરતા ભચડાતા હતા
આકાશ સામે અપેક્ષાથી જોતા કુમળા છોડ.
જે જોયું હતું
તે બધું
મુલાયમ કૂંપળ ફૂટેલી ક્યારીઓમાં
ઊંડે સુધી ભોંકાઈ ગયેલી ખરીઓનાં નિશાન જેમ
કોતરાઈને સદા રહેવાનું હતું અંદર.
પણ
અત્યારે તો
એનો માંચડો તૂટે
એ પહેલાં ભાગવાનું હતું.
જવાનું હતું ખેતરની બહાર,
કેમ કે
નહીંતર એને ભરખી જવાનું હતું
આ ભેલાણ.

ફળિયાના ખાટલામાં બેઠા-બેઠા
અંધકારમાં તાકતા છોકરાને
ચારપાંચ પ્રતાપી જણ
ને બે-ત્રણ હિંમતવાન સ્ત્રીઓ
જોઈ રહી હતી.
‘શું દેખ્યું ભાઈ,
આજકાલ સારા દિવસો નથી ચાલતા
આંતરે દા’ડે
સીમમાંથી મળે છે
છોડિયુંનાં પીંખાયેલાં શબ.
છેવાડાનો વાસ તો
ભીંતે લટકેલાં ઢોલનાં ચામડાંની જેમ
હવાથી ય ધ્રૂજવા લાગે છે
તડકો તો ચામડી બાળે એટલો વધતો જાય છે,
પણ
જાણે હવામાં આંજણ ઘોળાતું હોય,
એમ ગાઢ થતું જાય છે અંધારું.
ભજનિકો ભજન નથી ગાતા,
ભવાયા રમતા નથી ભવાઈ,
રાવણહથ્થાવાળા ય આવતા નથી આણી કોર
કવિઓ ઊંધી કલમ પકડી
મન ખોતરતા હોય એમ
ખોતરતા રહે છે કોરા કાગળ
આવામાં
તું
કિયા બાપનો દાટેલો લાડવો કાઢવા
પડ્યો-પાથર્યો રહે છે ખેતરમાં?
બોલ તો ખરો
શું દેખ્યું?’
‘ભઅ ભઅ
ભેલાણ …
આપણા
ખેતરમાં ભેલાણ’.

આપણા ખેતરમાં!
ભેલાણ!
એ તો સરકારી અભયારણ્યનું,
કોઈક  રડ્યું-ખડ્યું
ઘૂડખર ઘૂસી આવ્યું હશે
કે પછી ઘોડું-ગધાડું ખૂંટ કે ખચ્ચર
કાં તો તેં ભાળ્યો હશે કો’ક તાંત્રિક અઘોરી કે ….
‘ના ભા,
ભેલાણ જ છે.
અનેક તગતગતી આંખે
દોડતું હતું આપણા ખેતરમાં
ચાર-પાંચ વિદૂષક
ચટાપટાવાળાં ચળકતાં લૂગડાં પે’રી
લાંબાં-લાંબા અટ્ટહાસ્ય કરી
ચાડિયા સામે નાચતા હતા
ને’ એક વડો વિદૂષકે ય ઊભો હતો
સરકારમાં હોય છે એવો.
પીઠ પાછળ ભોંકાતી છરી જેવા હાસ્યવાળો
પેલા દબાણ હટાવવા આવે ત્યારે
એમની ભેગો એમના ઉપરી જેવો હોય છે એવો.
ભા
શું આપણે
કર્યું છે
સરકારની જમીન પર દબાણ?
તો પછી
શાને થયું
આ ભેલાણ ?’

ગામવાળાના ગળે ઊતરતી નહોતી વાત
ને કેમની ઊતરે
એમણે તો રાખ્યા હતા
રખોપિયા
પેઢી-દર-પેઢીથી
ઊંચા-ઊંચા ઘોડા પર બેસી
દબદબાભેર ગામમાં નીકળતા,
ખભે લટકતી હોય
રુસ્તમ પારસીએ દીધેલી બેનાળી બંદૂક
માથે હોય
ગામનાં મહાજનોએ બંધાવેલા
રેશમી લાલ સાફા,
દેહ પર શોભતા હોય,
ડામર દરજીએ સીવેલાં અચકન-બ્રિચીસ
ને પગમાં હોય ભૂરા મોચીએ બનાવેલા
ચામડાંના ચમકતા કાળા હોલ બૂટ
ચહેરા પર નીતરતી હોય,
પેઢી-દર-પેઢીથી કમાવેલી ખુમારી
ગામવાળાએ યાદ કર્યા રખોપિયા
એટલે
યુવાનના મનની ક્યારીમાં કોતરાયેલી
કેટલીક ખરીઓ
ફરી સળવળી
ને
એ બોલ્યો –
‘એ રખોપિયાને
જોયા
સગી આ બે આંખે
પેલા વડા વિદૂષકનો
હાથ મિલાવી સત્કાર કરતા
પછી ઊભા રહી ગયા.
આપણા ખેતર તરફ પૂંઠ કરી.
ઊંચા-ઊંચા ઘોડા પર
અંધારામાં
કૂસ કૂસ કરી ફૂંકતા હોકલી
એના તિખારામાં
મેં એમને બરાબર જોયા.
કે’ તા હો તો નામે કહું
હવે બીજું શું સાંભળવું છે તમારે?’

જુવાન આંખેદેખ્યું કહેતો હતો
પણ
ગામવાળાને ગળે નહોતું ઊતરતું
તેં વાનપ્રસ્થાશ્રમમાં ચાલ્યા ગયેલા
અનુભવી જ્ઞાની ભગત
ચીપિયો પછાડતા પડમાં પ્રવેશી બોલ્યા
‘પૂર્વજોનું કર્યું ધૂળ કરવા બેઠા છો?
ભૂલી ગયા કે
આ ખેતર તો આપણું જ હતું પહેલેથી
ને તો ય ખાત્રી માટે સરકાર પાસેથી
તાંબાના પતરે લખાવીને
લીધું હતું ઉમાશંકર જોશીએ
માની લો ને છોકરાની વાત
કે
થયું છે ભલાણ.

બે-પાંચ જણાં
ઊભાં થયાં
બાંયો ચડાવી
આખા પરગણા સામે મૂક્યો
એક લીટીનો પ્રસ્તાવ
‘આપણા ખેતરમાં નહીં સાંખીએ ભેલાણ.’

આમ તો અમારા પરગણામાં
કક્કા-બારાખડી જેવી એકતા
વચ્ચે-વચ્ચે હોય થોડી કોરી જગા
સહુ ભેગા થઈ ઉત્સવો ઉજવે
એમાં સારા સારાનો
ને
ભૂંડા ભૂંડાનો ભાગ ભજવે
કેટલાક આગળ પડતા લોકો
પિરસણિયા થઈને
પહેલાં પોતે મોટા લાડુ લઈ લે.
કેટલાક કાયમ એમની પાછળ-પાછળ રહે
ને લાડુડીથી મન મનાવી લે.
કેટલાકનો તો પાટલો જ ન મંડાય.
નાયક આવે
તો ભોજક રિસાય
મહેતા સમુંસૂતરું ચાલે,
તો જોશી ઠરડાય.
પાઠક કહે હું છું
પણ
પે’લા ત્રિવેદીને લાવો.
ત્રિવેદી કે’ શુકલને બોલાવો,
શુકલ કે, સોની મારો સાથી,
સોની કહે હું કહું એની કરો બાદબાકી.
આમ, લડતાં-ઝગડતાં
સહુએ બધું ય ભેગા થઈને કરેલું
પણ
ક્યારે ય સંગઠિત  થઈને યુદ્ધ નહોતું લડેલું.
ઇતિહાસ જોયા કરે સહુની સામે
સહુ વિચારે કોણ ચડશે સમયના ચાકડે
અને
ત્યાં નિર્ભીકતાથી
ખુલ્લેઆમ
ચાલે ભેલાણ.

અહીં મને-કમને
કેટલાકે
એ વાત પણ ધ્યાને લીધી
કે
બીજાને ભરોસે રહેવા કરતાં
આપણે જ રક્ષવું જોઈતું હતું આપણું ખેતર.
હમણાં-હમણાંથી
સામાન્ય થઈ પડી હતી
બાવાઓની આવ-જા.
ફકીરો ય લોબાનના ધૂપ સાથે આવતા હતા
કૅમિકલના વેપારીઓ
લીલાં-ભૂરાં પાણી
છોડતા હતા આપણા ખેતરમાં.
સરકારને પણ રસ હતો
આપણા ઊભા પાકનો વીમો પકવવામાં
ઊંધે રવાડે ચડેલા
કફેની ભાગિયાઓ
ખેતર ગીરવે મૂકી.
હાથે મોગરાના ગજરા બાંધી
માણવા માંગતા હતા નગરનું રાત્રિજીવન
પાંચે પાપ
ભેગાં થયાં હતાં ખેતર સામે
ને
ઉપરથી ખુટ્ટલ જીવડ્યા હતા રખોપિયા –
કેટલાક વિચારતા હતા
શું
આ કારણોને લઈને જ
અંતે પરિણામસ્વરૂપે થયું હશે
આ ભેલાણ.

હવે આમ તો
ભેલાણના જવાબમાં ભાંઠાવારી જ કરવાની હોય,
પણ
બે-એક ભણેલાને
ચાર-પાંચ કાયદાના જાણકારોએ
ઊભા રાખી દીધા
કોરટની લાંબી લાઇનમાં
ને’
પણે
આરામથી ચાલતું રહ્યું ભેલાણ.

કેટલાક કહે :
અમારી દૂઝણી ગા વિયાંવાના ટાણે
આ શું મચાવી છે બુમરાણ?
શેઢકડાં દૂધની બરી ખાવા દો,
બરફી-પેંડા થાવા દો
પાઘડી-પટોળાં પેરવા દો,
મેળાવડામાં મહાલવા દો,
શિરપાવ મળે તે મળવા દો,
તાલ-તાશીરા થાવા દો,
અત્યારે જ શું કામ
આ ભેલાણની બૂમાબૂમ માંડી છે
એ તો પેલા ય થાતું’તું
અત્યારે ય થાય છે
ને
ભવિષમાં ય થાતું રે’શે.
અમારા અગ્રતાક્રમે
ક્યાં ય નથી ભેલાણ.

રોટલો નાંખો
ને’
તાવડી ફસકી પડે
એવું થયું ઘડી-બે-ઘડી.
કીકીમાં
પડી તિરાડો,
પરગણામાં તડા,
રાનીપશુ જેવું
પેંધી ગયું ભેલાણ,
કાંક તો બોલો
હોવ અહીં
અને
દેખાવ ત્યાં
એવા ચતુર વડીલ.

વડીલ
ઊંચી-ઊંચી અટારીએ ઊભા-ઊભા
ઊંચે-ઊંચે આભમાં જોતા-જોતા
આઘે આઘેના નિશાન તાકતાં-તાકતાં,
ગુલીવર લિલિપુટોને સંબોધે એમ બોલ્યાઃ
‘અહીંથી મને દૂરદૂરનું દેખાય છે,
આપણા ક્ષેત્રમાં
ફરકે છે શાંતિની આણ.
માણસનું ચામડું
માણસના પગમાં
ખાસડું બનીને આવે,
તો ય
આપણે જાળવીએ છીએ સંયમ.
કોઈક રડ્યું-ખડ્યું
ઘૂડખર
ભાગ્યવશ
આવી ચડ્યું હોય આપણાં ખેતરમાં
તો
એવુંં માનોને
કે
કંઈક આવ્યું છે ને
ગયું તો નથીને
આપણી તો રીત છે 
પૂછો મારી ભેગું ફરતા જોશી યોગેશને,
કોઈ કહે
કે
વાઈરસ આવ્યા છે
તોપણ
આપણે જવાબમાં એમ કહીએ
કે
સાચવીને મૂકી રાખો કામ લાગશે’,
વડીલ
આ સંબોધન સાથે
અટારીએથી સૂરજની જેમ આથમ્યા
ને હમણાં-હમણાં ઊગેલા
અનેક તારાઓ ખરી ગયા
આકાશમાં પણ જાણે,
અંધકારે કર્યું હતું ભેલાણ.

સહુનાં મન
ખેડાતા ખેતરની માટીની જેમ
ઉપરતળે થતાં હતાં
ઊભા મોલ લૂંટાયા એ તો ઠીક
પણ
બાળી મુકાયાં હતાં બીજ
કોશ, ધોરિયા ને પાળો તૂટી ગયાં હતાં
પણ સાથોસાથ
કૂવા ધસી ગયા હતા જમીનમાં
ખેતર પર કબજો જમાવી બેઠું હતું ભેલાણ
ને’
સહુ વિચારતા હતા
કે લડવાનું છે આપણે
ભલેને રખોપિયા ઊંચા-ઊંચા ઘોડે
ઊંધા બેસી હોકલી ફૂંક્યા કરે
અને આપણે બની જઈએ
માટલાના માથાવાળા ચાડિયા.
ભલેને આ વેંતવેંતના વિદૂષકો
વાંસવાંસ ઊંચા સિંહાસને ચડી
સોનાના છત્ર તળે બેસે
ને’
આપણે ધોમ તડકે
અડવાણે પગ રઝળવું પડે
પણ
લડીશુ આપણે દિનમાન ન બદલાય ત્યાં સુધી
અને અંતે
ઇતિહાસના પાને જ જવાનું છે
આ ભેલાણ.

તા.ઃ ૪-૯-૨૦૧૬

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 10, 11 અને 12 

Loading

ચાર અ-કાવ્યો

રાજેન્દ્ર પટેલ|Poetry|29 October 2016

એક

– તો પછીથી ખાલી કરો
આ  ઘર, નગર, શહેર ને પૃથ્વી
સવર્ણપુરના નગરવાસીઓ,  
ને ચાલી નીકળો
મંગળ કે ગુરુ પર.
ગામનો છેડો કે પછી ગટરની અંદરનો વિસ્તાર
માત્ર અમારો નથી,
આ બ્રહ્માંડના અગણિત નક્ષત્રો અમારાં પણ છે.
આ નિહારિકાઓ
એના સૂર્યો અમારાં છે.
જેની ઊર્જાથી જ તમે જીવો છો.
અમે તો આદિકાળનો પ્રકાશ છીએ.
આ સૃષ્ટિની બધી ય લપકારા મારતી જ્વાળાઓ તો
અમને તમે કરેલાં અપમાનોની
પ્રતિશોધ છે.
તમે ધારો તો ત્યજી શકો છો
તમારું કહેવાતું માળખું,
તે તો તમારું માત્ર કંકાલ છે.
ચલો હટો
આ પૃથ્વી અમારી છે, કારણ કે
અમે જ, માત્ર અમે જ, આ ધૂળનો પર્યાય છીએ.

બે

તમે બદલી કાઢો છો
તમારો રસ્તો, અમને જોઈને
ત્યારે તમને ખબર હોતી નથી કે
રસ્તાઓ વિમૂખ થઈ જાય છે તમારાથી 
અને તમને લઈ જાય છે
તમારી અંદરના એક સ્મશાન ભણી.
તમે હંમેશાં
તિરસ્કારો છો અમારા અસ્તિત્વને,
જેમ તમારું જીવન તરછોડે છે તમને
જીવતે જીવ.
તમે કાલે નહીં હોવ
તો ય તમે કોઈના નામ આગળપાછળ
છુપાઈને અમારો સતત ઉપહાસ કરશો.
તમે હંમેશાં નિકંદન કાઢો છો
તમારા નામની આગળપાછળના શબ્દોનું.
શબ્દો અને અર્થોના શણગાર સજીધજી
તમે મ્હાલો છો રાતદિવસ
પણ સમજી લેજો, એક પળ માટે
અમે હટવાના નથી
તસુભર.
તમારા અસ્તિત્વ કરતાં અમારું વધુ નક્કર છે.
આ ધરતીનો ઉદ્ભવ થયો
એટલો જૂનો અમારો ઇતિહાસ છે.

ત્રણ

અમારા પડછાયાનો ય
તમને વાંધો છે,
તો ભૂંસી નાખો કાયમને માટે
તમારો ય પડછાયો.
તમારા દેવ-દેવતાઓ પડછાયા વગરના છે,
એ  માણસ પણ નથી.
અમે તો બહિષ્કાર કર્યો છે
જેમને-જેમને નથી કોઈ પડછાયો.
બહુબહુ તો તમારે એક ઘર છે
પણ તમે તમારી માન્યતાઓના પાંજરામાં કેદ છો
ને તમે એક હિંસક પ્રાણી છો.
આટઆટલી સદીઓ પછી પણ
તમે સમજતા નથી કે
તમે સજીવતત્ત્વથી ઘણે દૂર છો.
જ્યારે તમે હોતા નથી ત્યારે
તમારો વેરણછેરણ પારા જેવો પડછાયો
તમારો વંશવેલો અંગીકાર કરે છે.
તમે અહીં રહી જાઓ છો એમનો પડછાયો બની 
અમને રંજાડતા.
તમારી પાસે માત્ર નામ જ  માણસનું છે.

ચાર

તમે અમારાં કપડાં કાઢીને
જાહેરમાં ફટકારો છો, ત્યારે
વાસ્તવમાં તમે છતે કપડે નાગા છો
અને આ સૃષ્ટિમાં સૌથી વધુ ખતરનાક પ્રાણી છો, 
તમે આખી માણસ જાતને માથે
કલંક છો.
તમે જ્યારે જન્મો છો, ત્યારે
તમારી માને ખબર હોતી નથી કે
તમે માણસ થતાં-થતાં હેવાન બની જવાના છો
નહીં તો કોઈ પણ મા તમારા જેવા હિંસક વરુને
જન્મ ના આપે.
આ ધરતીને ય ખબર ન હતી કે તમે
એની ઉપરનો અતિ તુચ્છ એક પદાર્થ છો,
છતાં તમને એણે હવા, પાણી, તેજ આપ્યાં,
તમને ધાવણ અને ધાન આપ્યાં,
તમે છતાં તેના ઉપર એક સડેલું ફ્ળ છો.
તમે નહિ હોવ તો કોઈને કશો ફેર નહિ પડે, 
એક માત્ર અમને પડશે,
કારણ કે અમારા આદિમ ઘા ઉપર મીઠું ભભરાવતા એક માત્ર તમે  
અમને સદા જાગતા રાખો છો !
તમારા કરતાં તો મરેલાં ઢોર સારાં
એ મૂક પ્રાણીઓ અમારી વેદના જાણે છે.
તમારા જુલમોથી હવે એક વાત સમજાઈ છે કે
કોઈ પણ હાડપીંજર કરતાં તમે વધુ ભયાનક છો.

E-mail : rajendrapatel.ceo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 12 

Loading

...102030...3,4933,4943,4953,496...3,5003,5103,520...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved