અંગ્રેજી શબ્દ માઇગ્રેશનનો પર્યાયવાચી શબ્દ યાત્રા અથવા યાયાવરી અથવા ખાનાબદોશી અથવા દેશાંતર થાય છે. માનવજીવનની જે કેટલીક નૈસર્ગિક ખૂબસૂરતીઓ છે તે પૈકીની એક આ માઇગ્રેશન અથવા યાયાવરી છે. એનો એક નાનકડો પહેલુ આ શબ્દમાં જ છે. સંસ્કૃત ધાતુ ‘યા’નો અર્થ થાય છે જવું, પસાર થવું અથવા પ્રયાણ કરવું. યા ઉપરથી યાત્રા બને છે અને યાત્રા પરથી યાયાવર. ‘જીવન ચલાયમાન છે’ એ અથવા ‘પરિવર્તન એ પ્રકૃતિનો ક્રમ છે’ તે બંને વિધાનોમાં યાયાવરીનો ભાવ નિહિત છે. પ્રકૃતિમાં રહેતાં પશુ-પંખી અને માનવજીવ યાયાવરી કહેવાયાં છે. યાયાવરી એટલે એક સ્થાનેથી બીજા સ્થાને પ્રયાણ કરવું તે.
હિન્દી યાતાયાત અથવા અંગ્રેજી ટ્રાન્સપોર્ટમાં પણ આ યાયાવરીનો જ ભાવ છે. લેટિનમાં ફરવા માટે, ટ્રાન્સપોર્ટ માટે મિગ્રો શબ્દ છે, તેના ઉપરથી પશુ-પંખી કે માણસોના સ્થળાંતર માટે માઇગ્રેશન શબ્દ આવ્યો છે. માઇગ્રેશન એ માણસની આદિમ પ્રવૃત્તિ છે. આદિ માણસ લગભગ 100 કરોડ વર્ષોથી દેશાંતર કરતો રહ્યો છે, જ્યારે એણે પહેલીવાર આફ્રિકામાંથી યુરોશિયામાં સ્થળાંતર શરૂ કર્યું હતું. અમેરિકામાં 20 હજાર વર્ષ પૂર્વે માઇગ્રેશન શરૂ થયું હતું, અને 2 હજાર વર્ષ પૂર્વે પ્રશાંત મહાસાગરના તમામ દ્વીપો (જેમાં અમેરિકા એક છે) માણસોથી ભરાઇ ગયા હતા.
ગયા સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ 7 દેશોના મુસ્લિમો ઉપર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો તે સાથે માણસની ખાનાબદોશીની કહાનીએ, છાપાળવી ભાષામાં કહીએ તો, એક વર્તુળ પૂરું કર્યું છે. અમેરિકાના પ્રતિબંધના પગલે ઇરાને અમેરિકનોના ઇરાન પ્રવેશ પર મનાઇ ફરમાવવાની ધમકી આપી છે. ઇરાને કહ્યું છે કે અમેરિકાએ સામે ચાલીને આતંકવાદીઓને ‘રમવા’ માટે ભેટ ધરી છે. પ્રતિબંધના બીજા જ દિવસે બે ઇરાકી મુસ્લિમો ન્યૂ યૉર્કની સ્થાનિક કોર્ટમાંથી મુસ્લિમો પરના પ્રતિબંધ ઉપર એવું કહીને કામચલાઉ મનાઇ હુકમ લઇ આવ્યા કે આ પ્રતિબંધથી અમેરિકન સંવિધાને આપેલી જીવન અને આઝાદીની રક્ષાની ખાતરીનો ભંગ થાય છે.
અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયને અને કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સે ટ્રમ્પની સરકાર સામે નાગરિકોના મુક્ત સ્થળાંતરના સંવિધાનિક અધિકાર ભંગ બદલ અદાલતમાં દાવો માંડવાની તૈયારી કરી છે. મુસ્લિમોના માઇગ્રેશન પર પ્રતિબંધ હોવો જોઇએ કે ન હોવો જોઇએ એની બે અંતિમ ચર્ચાઓ વચ્ચે માનવ જાતના કથિત વિકાસની ટ્રેજેડી એ હકીકતમાં છે કે ઇશુ પછીની ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય હેઠળ યુરોપમાં પહેલીવાર કૃષિ-ગુલામો પર પ્રતિબંધ મુકાયા તે પછી વિઝા નિયમો, સરહદો પર કાંટાળી વાડ અને હવે દીવાલો ચણવાની વાતો વચ્ચે માણસના માઇગ્રેશનના વળતાં પગલાં શરૂ થયાં છે.
મેક્સિકોની સરહદે દીવાલ ચણવાની કે માઇગ્રેશન નિયંત્રણો મૂકવાની ટ્રમ્પની યોજના ઉપર આપણે ભલે રોકકળ કરીએ પરંતુ તાત્ત્વિક રીતે સરહદ, દીવાલ કે વિઝા વચ્ચે કોઇ ભેદ નથી. જેવી રીતે પશુ-પંખી કે આદિ માનવ ખોરાકની કે આરામદાયક રહેઠાણની તલાશમાં દેશાંતર કરતાં રહ્યાં હતાં તેવી જ રીતે આધુનિક જગતના વંચિત લોકો સમૃદ્ધ દેશમાં સ્થળાંતર કરતા રહ્યા છે. વિશ્વ બેન્કના એક અભ્યાસ પ્રમાણે સંસારમાં આજે 100 કરોડ જેટલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાનાબદોશી છે.
200 કરોડ જેટલા લોકો રોજના અઢીસો રૂપિયા ઉપર જીવે છે. માની લો કે તમે આ 200 કરોડ લોકો પૈકીના એક છો અને બહેતર જીવનની તલાશમાં અમેરિકા કે યુરોપમાં જવા ઇચ્છો છો. 1600મી સદીમાં અમેરિકામાં જવાનું એટલું જ આસાન હતું જેટલું એક રસ્તા પરથી બીજા રસ્તા પર જવાનું. આજે? આજે ત્યાં જવા માટે વર્ક કે પરમેનન્ટ વિઝા જોઇએ. એ વિઝા માટે અમેરિકામાં તમારી લોહીની સગાઇ હોવી જોઇએ, અથવા તમારામાં ચકચકતું કૌશલ હોવું જોઇએ. આવું કશું ન હોય અને છતાં ય અમેરિકા જતા વિમાનમાં બેસવું હોય તો તમારે એ સાબિતી આપવી પડે કે તમે ત્યાં નહીં રહી જાવ અને પાછા સ્વદેશ આવશો.
વધતા ઓછા અંશે તમામ સમૃદ્ધ દેશમાં વિઝાની આવી દીવાલો છે જેને લાંઘવાનું ગરીબ દેશોના 100 કરોડ લોકો માટે આસાન નથી, અને આવતાં 40 વર્ષમાં આ સંખ્યા ડબલ થવાની ધારણા છે. 21મી સદી એટલા માટે જ ખાનાબદોશીની સદી ગણાય છે, અને સરહદો પર દેખીતી કે ન દેખીતી દીવાલો ચણવાની ‘જરૂરિયાત’ એક પછી એક ઘણા દેશોમાં ઉદ્દભવી રહી છે. છેલ્લાં 20 વર્ષમાં જ, વિશેષ કરીને 2001માં ન્યૂ યૉર્કમાં આતંકી હુમલા પછી, દુનિયામાં જાત-ભાતની અનેક નવી ‘દીવાલો’, ઇલેક્ટ્રિક કે કાંટાળી વાડ, નજરબંધ કરવાના સેન્ટર, બાયોમેટ્રિક્સ પાસપોર્ટ, ડેટાબેઝ અને સિક્યુરિટી ચેકપોસ્ટ ઊભાં થઇ ગયાં છે.
એક તરફ માણસોની વિના રોકટોક અવરજવરનો હિમાયતી વર્ગ છે ત્યારે બીજી તરફ આવી અવરજવર પર સખત પાબંધી મૂકવાવાળો વર્ગ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં 62 પ્રતિશત લોકો એમની દક્ષિણ સરહદે દીવાલ બનાવવાના વિરોધમાં છે, પરંતુ બાકીના લોકોનો સહમતીનો સૂર પણ મોટો થઇ રહ્યો છે. અમેરિકામાં મેક્સિકન ખાનાબદોશોના આક્રમણનો ‘ભય’ તોળાઇ રહ્યો છે. યુરોપમાં, રોમના બાર્બેરિયનોની જેમ, સીરિયન રેફ્યુઝીઓ ‘દરવાજા’ ખખડાવી રહ્યા છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની ફેવરાઇટ મરિન લે પેને એવી ભવિષ્યવાણી ભાખી છે કે 4થી સદીમાં બાર્બેરિયનોના ધાડાએ ફ્રાન્સની જે હાલત કરી હતી તેવી સ્થિતિ ફરી આવી રહી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે પણ ‘રેફ્યુઝીઓના સૈલાબ’ની ચેતવણી ઉચ્ચારી છે.
અમેરિકા ખાનાબદોશનો દેશ કહેવાય છે. અમેરિકામાં પહેલું સ્થળાંતર ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડથી થયું હતું. 1924માં અહીં પહેલીવાર ઇમિગ્રેશન જાતિ આવી હતી. અમેરિકાના 35મા રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીએ અ નેશન ઑફ ઇમિગ્રંટ્સ નામની ચોપડી લખી હતી. એના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ની જાહેરાત કરીને એ લેબલ દૂર કરવાનું નક્કી કર્યું છે. સમૃદ્ધિ અને વિકાસની સાથે સાથે નિવાસીઓ અને પ્રવાસીઓ વચ્ચેનું અસંતુલન પણ એની ચોટી પર પહોંચ્યું છે. એક સમયે બંધ સરહદો એ માનવ જાતની સૌથી મોટી નૈતિક ત્રુટિ ગણાતી હતી. આજે, સૌથી મોટી આર્થિક આઝાદી હોવા છતાં, ખુલ્લી સરહદો માનવ જાત સામે સૌથી મોટો ખતરો બની ગઇ છે.
સમૃદ્ધ દેશો એમની સરહદો ખોલવા ઇન્કાર કરી રહ્યા છે. એની પેલે પાર માણસોના એક સૈલાબની આંખોમાં‘નો વિઝા’નાં બોર્ડ લટકી રહ્યાં છે, અને એનાં સપનાંની સરહદો સંકોચાઇ રહી છે.
ગુલઝારની સરખામણીમાં ફ્રેન્ચ ચિંતક રુસો કદાચ વધુ ‘વ્યવહારુ’ હતો, જેણે કહ્યું હતું ‘માણસ આઝાદ જન્મે છે, પણ એ સર્વત્ર બંદી છે.’
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 05 ફેબ્રુઆરી 2017