નિસબત
આંખે પડળ તો ચડે, વારંવાર દૃષ્ટિ ઝાંખી થવાની. એ પડળ દૂર કરીને સમયાંતરે નજરને સાફ રાખવાનું કામ સર્જકનું. એ શબ્દ સાથે કામ કરે કે પીંછી સાથે, રંગમંચ સાથે હોય કે ફિલ્મ સાથે, એનું કામ એક જ, સત્યને ઢાંકતો પડદો ખસેડી આપવાનું.
મહાશ્વેતાદેવીએ એ કરેલું. એમની અનેક કૃતિઓ આ હકીકતની સાબિતી આપશે. પરંતુ એમણે જ્યારે “દ્રૌપદી” નામની અમર વાર્તા રચી ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એના નાટ્યરૂપાંતરનું આવું વરવું અર્થઘટન કોઈ કરી શકે. હરિયાણા યુનિવર્સિટી (મહેન્દ્રગઢ) ખાતે ૨૧ સપ્ટેમ્બરે ત્યાંના અંગ્રેજી વિભાગે ‘દ્રૌપદી’નું નાટ્યરૂપાંતર રજૂ કર્યું. નકસલવાદી આંદોલન દરમિયાન બળવાખોરોને પકડવા લશ્કર શું કરતું એ વર્ણવવાનો અહીં આશય નથી. ‘દ્રૌપદી’માં એક આદિવાસી સ્ત્રી પાસેથી બાતમી કઢાવવા એના પર સૈનિકો કેવો અત્યાચાર કરે છે, અને એ પછી સ્ત્રી એનો કઈ રીતે પ્રતિકાર કરે છે એની વેધક, જલદ કથા આલેખાઈ છે. આખીયે ઘટનાના સમય અને પરિસ્થિતિ ધ્યાનમાં લીધા વિના લશ્કરી સિપાહીને આ રીતે બતાવી જ ન શકાય, અને આવી રજૂઆત સૈનિકોની તાજેતરની શહાદતનું અપમાન છે, એમ સમજી આક્રમક ટોળાંઓ આસપાસથી થોડા બળિયાઓનો સાથ લઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં ધમાલ આદરે છે. સાહિત્ય સર્જન સાથે અને મહાશ્વેતા દેવી એમની કૃતિઓ જેને સ્પર્શે છે તે મુદ્દા સાથે જેમને બિલકુલ સંબંધ નથી એવાં ટોળાં નાટકની રજૂઆતને ‘દેશદ્રોહ’ની ચિઠ્ઠી ચોંટાડે છે ! સાહિત્યકૃતિના આવા સંકુચિત અને વિકૃત અર્થઘટનના માઠા દિવસો ટકોરા મારી રહ્યા છે બારણે, અને આપણી પાસે તો પ્રતિકારનીયે એવી તાકાત ક્યાં છે ?
આમ તો વિશ્વવિદ્યાલયોનાં તેજ વિલાયાંને ઠીકઠીક સમય વહી ગયો છે. પ્રખર પંડિતો અને જ્ઞાનના ઉપાસકો જ્યાં સાધના કરતાં એ પ્રાંગણમાં ઝાંખીપાંખી, પડછાયા જેવી અને સત્તાને લળી લળી નમન કરતી આકૃતિઓ હરતી ફરતી જોવા આપણે ટેવાતાં જઈએ છીએ. છતાં એમાં હરિયાણાની આ યુનિવર્સિટી તો શિરમોર. ત્યાંના સૂત્રધારો નાટક ભજવવાની પરવાનગી આપવા બદલ પ્રથમ તો ક્ષમાયાચના ધરે છે. પછી બનાવની તપાસ માટે સમિતિઓ રચે છે, અને નાટક ભજવવામાં પહેલ કરનારાં પેલાં બે અધ્યાપકો સામે ફરિયાદોયે થવા માંડી છે, દેશદ્રોહની! વિશ્વવિદ્યાલયો સત્યશોધન માટે હોય છે એમ કોણે કહ્યું ?
સમાજને સૈન્ય માટે, અને સૈનિકોનાં બલિદાન માટે આદર હોવો જોઈએ, એમાં બે મત નહીં. પરંતુ જે બની ગયું છે, જેના દસ્તાવેજી પુરાવાઓ છે, એ કમનસીબ બનાવોને શી રીતે નકારીશું? મણિપુરમાં આફસ્પ (આર્મડ્ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ ઍક્ટ) દ્વારા જે અત્યાચારો થાય હતા એનું શું કરીશું? આસામ રાઇફલ્સના સૈનિકોએ મનોરમા નામની યુવતી પર ગુજારેલા ત્રાસની, અને એ બનાવને પગલે લશ્કરની છાવણી સામે મણિપુરની મહિલાઓ નિર્વસ્ત્ર બનીને જે દેખાવો કરેલા, એ આઘાતજનક ઘટનાનું શું ? એ સમયે ઇમ્ફાલમાં પણ દ્રૌપદીનું નાટ્યરૂપાંતર ભજવાયું હતું, અને પ્રેક્ષકો સ્તબ્ધ બન્યા હતા. બનાવટી એન્કાઉન્ટરની કેટલીયે દારુણ ઘટનાઓ બાદ તો જસ્ટીસ હેગડે કમિશનની જરૂર પડી હતી! આ સઘળું ઇતિહાસનો ભાગ, સાચેસાચું અને ટકોરાબંધ એ વાસ્તવિકતાને નકારીને કશુંયે સાબિત નથી થવાનું.
સાહિત્યસર્જન કોઈ સભારંજન નથી, કે નથી એ તાળીઓ ઉઘરાવવાનો ખેલ કે નથી. સત્તાધીશોને રાજી રાખવા સાહિત્ય રચાતું નથી. પ્રજા વૈચારિક રીતે રાંકડી થતી જતી હોય અને સમાજને મોટો ભાગ નિર્માલ્ય થતો જતો દેખાતો હોય ત્યારે કલમે સાબદાં થવું પડે.
– પણ કલમ તો અત્યારે અપરાધીના ચોકઠામાં હડસેલાતી દેખાય છે. સાચું જોવાની અને બોલવાની તાકાત ખોઈ બેઠાં પછી પ્રજાનો કોઈ વિકાસ હોય ખરો ? સત્યદર્શનનો અજંપો અને બેચેની તો મોટી કમાઈ છે, એવી, જેનું ગૌરવ હોય. ટોળાંના આક્રમણથી વિદ્યાલય ઝંખવાય, પાછું પડે, કે નાકલીટી તાણે, ત્યારે સમસ્ત પ્રજાનું વૈચારિક અવસાન નજીક ગણાય, અને મૌનનો આધાર સર્જકો માટે સામૂહિક આત્મહત્યા.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 20
![]()



સિતાંશુભાઈ, અમિત ધોળકિયા, અત્રે ઉપસ્થિત થયેલાં સજ્જનો અને સન્નારીઓ, હું મારું વક્તવ્ય, જો કે વક્તવ્ય શબ્દ જરા વધારે પડતો મોટો થઈ ગયો, શરૂ કરું એ પહેલાં બે કારણસર માફી માગી લેવી જરૂરી છે. પહેલું તો એ કે સિતાંશુએ જેમ કહ્યું તેમ ગુજરાતીમાં બોલવાની ટેવ મેં ઘણાં વર્ષોથી છોડી છે. છેલ્લું ગુજરાતીમાં મેં પ્રવચન આપ્યું’તું એક સિરિયસ વિષય ઉપર, ૧૯૮૩માં. કાર્લ માર્ક્સની શતાબ્દી હતી. મારું માર્ક્સ વિશેનું પુસ્તક, ‘માર્ક્સિઝ થિયરી ઑફ આઇડિયોલૉજી’ તે જ વખતે પ્રસિદ્ધ થયું હતું. અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં શામલાલે એનો સેન્ટર પેઇજ ઉપર મોટો અને સુંદર રિવ્યૂ કર્યો અને કહ્યું હતું કે માર્ક્સ ઉપર ઘણાં પુસ્તકો લખાયાં છે પણ અત્યાર સુધી distinctively Indian perspective મળ્યો નથી. ફ્રૅન્ચ પર્સ્પેક્ટિવ આલ્થુઝરે આપ્યો છે, ચાઇનીઝ પર્સ્પેક્ટિવ માઓ ત્સે તુન્ગે આપ્યો છે, પણ ઇન્ડિયન પર્સ્પેક્ટિવ નથી. જ્યારે આ ચોપડીમાં ઇન્ડિયન પર્સ્પેક્ટિવ દેખાય છે, એમ શામલાલે લખ્યું. મને આશ્ચર્ય થયું કે આટલાં બધાં વર્ષો વિદેશમાં રહ્યા પછી ઇન્ડિયન પર્સ્પેક્ટિવ ક્યાં રહ્યો ? અને કોક-કોક વાર એમણે એમ પણ કહ્યું’તું કે ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ છે. ત્યારે મને થયું કે મારા જેવો સોનીનો દીકરો ‘બ્રાહ્મેનિકલ ઍન્ગલ’ ક્યાંથી લાવ્યો ? છતાં ય, એ ઉમાશંકરભાઈએ વાંચ્યું’તું ને ખૂબ ખુશ થયા. મને ચોપડી આપો મારે વાંચવી છે. આપી. ઘણી ગમી એમને. પછી મને કહ્યું એ આ માર્ક્સવાદ અને સૌંદર્યશાસ્ત્ર ઉપર તમે લેક્ચર આપો. ને એક શરતે કે ગુજરાતીમાં બોલવું પડશે. મેં એમને કહ્યું કે એક શરતની સામે મારી બીજી સામી શરત એ છે કે અડધું અંગ્રેજી, અડધું ગુજરાતી – compromise કરીએ! તૈયાર થયા. ત્યારથી સિતાંશુએ મને કહ્યું કે એક દિવસ તમારી પાસે સંપૂર્ણ ગુજરાતીમાં બોલાવીશ. મને ડર હતો કે કદાચ જો સિતાંશુ સત્યાગ્રહ કરે તો મારી પાસે એનો પ્રત્યુત્તર નથી. એટલે મેં હા પાડી. અને ત્રીસ વર્ષ પછી પહેલી વાર આ રીતે ગુજરાતીમાં એક ઊંડા વિષય ઉપર કે જે ખૂબ ચિંતન માગી લે છે, એ વિષય ઉપર ગુજરાતીમાં બોલી રહ્યો છું. જ્યારે મારી આખી વૈચારિક ભૂમિકા જે છે conceptual framework જે આ વિષય ઉપર ઍપ્લાય કરીશ એ આખું અંગ્રેજીમાં ઘડાયેલું છે. કોક-કોક વાર જો કંઈક લાગે કે આ માણસ કંઈક વિચિત્ર બોલે છે, તો ભાષાનો વાંક છે. મારો વાંક નથી.
પહેલો સવાલ જે હું ઝડપમાં બાજુએ મૂકી દઈશ, કારણ કે બાકીના બે સવાલો મારે માટે વધારે મહત્ત્વના છે. આપણે ઘણી વાર કહીએ છીએ, ગાંધીનું ગુજરાત – આ વાક્ય મને ખૂબ મૂંઝવે છે. ગુજરાતને ગાંધીનો કેદી બનાવી દેવામાં આવે છે. ગાંધીનું ગુજરાત એટલે જો હિંસા થઈ હોય કોમી તો કહે કે ગાંધીના ગુજરાતમાં તો આવું ન થાય! અરે ભાઈ, ગાંધીનો ઇજારો છે, ગુજરાત પર? ગાંધીના ગુજરાતમાં નશાબંધી તો હોવી જ જોઈએ? શું કામ ? ગુજરાતમાં હોવી જોઈએ એ જુદી વસ્તુ છે. પણ ગાંધીના ગુજરાતમાં? એટલે એમ કહેવાથી ‘ગાંધી’, ગુજરાતને મુક્ત કરવાને બદલે ‘ગુજરાત’નું બંધન થઈ પડે. એટલે ‘ગાંધીનું ગુજરાત’એ વાક્યનું વિશ્લેષણ, અંગ્રેજીમાં કહીએ તો એનું deconstruction શું ? એનો અર્થ શું ? અને એનો અને એની સાથે આવતો સવાલ : ગુજરાતમાં ગાંધીપણું, ગાંધીમાં ગુજરાતીપણું કેટલું હતું ? આજ સુધીમાં મારી નજરે એના આ બે વિષયો ઉપર એક પણ લેખ લખાયો નથી, એનું શું કારણ ? એ તો સાહિત્યકાર જ જવાબ આપશે. પણ એ અંગે મારે સહેજ અંગુલિનિર્દેશ કરવો છે. ગાંધીમાં એવું શું દેખાય છે કે આપણે કહીએ કે આ તો ગુજરાતી વાણિયા છે અથવા તો આ ગુજરાતની જ પેદાશ હોઈ શકે. મારું એવું માનવું છે કે ગાંધીજીની અંદર ગુજરાતીની અસર હોવાની જ. જીવનનાં પહેલાં સત્તર વર્ષ એમણે ગુજરાતમાં ગાળ્યાં, રાજકોટ અને પોરબંદરની વચ્ચે. એને લઈને ગુજરાતની સંસ્કૃિત જે હોય, ગુજરાતની સમાજપદ્ધતિ, વર્ણવ્યવસ્થા, ગુજરાતની ધાર્મિકતા, ખાસ કરીને એમની માતાનો પ્રણામી સંપ્રદાય કે જેમાં આપણા હિંદુઓનો ધર્મ અને મુસલમાનોનો ધર્મ, બંનેને સરખી રીતે સ્વીકારવામાં આવે છે, એણે એમના પર ઊંડી અસર કરેલી. એટલે આ ગુજરાત એ એમની સાથે જોડાય છે પાયા રૂપે. પણ એમના ઘડતરમાં આનો ફાળો બહુ મર્યાદિત છે. ઇંગ્લૅન્ડ જાય છે ત્યારે કંઈક અંશે ઇંગ્લૅન્ડ, લંડનનો. કંઈક વધારે અંશે દક્ષિણ આફ્રિકાનો કે જ્યાં એમણે એકવીસ વર્ષ ગાળ્યાં. જેટલાં સૌરાષ્ટ્રમાં ગાળ્યાં હતાં, પછી એના કરતાં વધારે તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાળ્યાં. લંડનમાં જ્યારે જાય છે, ત્યારે ત્યાં મૅડમ બ્લેવેેટ્સ્કીની થિયોસૉફીની મોટી મૂવમેન્ટ ચાલતી હતી. ત્યાં ગાંધીને અવારનવાર પૂછવામાં આવતું કે આ મોક્ષ એટલે શું ? તમારો ધર્મ શું કહે છે? આટલા બધા ઈશ્વર તમારી પાસે ? એમની પાસે કોઈ જાતનો જવાબ ન હતો. અને એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે હિંદુધર્મ વિશે સામાન્ય માણસ, સામાન્ય હિંદુ જે થોડું ઘણું બા-બાપુજી પાસેથી મેળવતો હોય છે, એ સિવાય મારી પાસે બીજું કંઈ હતું નહીં. ત્રિમૂર્તિ એટલે શું છે? ક્રિશ્ચિયનોની trinity છે. God the Father, God the Son, God the Holy Spirit. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ પ્રકારના છે કે બીજું કંઈક છે ? શું છે ? કંઈ કરતાં કંઈ ખ્યાલ નહીં. પહેલી જ વાર ત્યાં Edwin Arnold-નો The Light of Asia, જે ‘ગીતા’નો અંગ્રેજીમાં અનુવાદ છે (અને ગાંધીજીએ છેલ્લે સુધી કહ્યુું હતું કે ‘ગીતા’નો અંગ્રેજીમાં કોઈએ સારામાં સારો અનુવાદ કર્યો હોય તો આ) – એ અનુવાદ વાંચે છે. પોતાના ધર્મ વિશે પહેલી વાર અભિમાન અને સદ્ભાવ જાગે છે. એમણે લંડનમાં એમ પણ કહ્યું છે કે લંડનના શરૂઆતના મહિનામાં તો મેં મારો ધર્મ ગુમાવ્યો. મારો ઈશ્વર ગુમાવ્યો. વિશ્વાસ જ નહોતો બેસતો અને ખાસ કરીને હિંદુ તરીકે મારી જે મજાક ઉડાવવામાં આવતી’તી, ટીકાઓ થતી’તી ત્યારે મને થયું કે આ ધર્મમાં હું ક્યાંથી જન્મ્યો? – તેને બદલે એમાંથી ધીરે ધીરે બહાર નીકળે છે. અને પોતે હિંદુ છે તેનું અભિમાન કોને લઈને? પેલા બહારના માણસો કહે છે એટલે. બહારના માણસો એમની પાસે જે વંચાવે છે. તે વાંચીને અભિમાન આવે છે. પણ એ જ ગાળામાં, જ્યારે પોતાનો ધર્મ એ શોધે છે તે જ વખતે ખ્રિસ્તી ધર્મની પણ અસર થતી જાય છે. અને ગાંધીજીના જીવનમાં હિંદુ ધર્મ અને ખ્રિસ્તીની નજરે જુએ છે અને ખ્રિસ્તી ધર્મને હિંદુની નજરે જુએ છે. એટલી હદ સુધી કે છેલ્લે સુધી કોઈ કહી શકતું નથી કે આ માણસ સાચા અર્થમાં હિંદુ છે કે ખ્રિસ્તી હિંદુ છે. તમને ખ્યાલ હશે ૧૯૩૬માં શંકરાચાર્યે મોટી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ ગવર્નમેન્ટની સામે દોઢ લાખ માણસોની અરજી રજૂ કરી હતી કે ગાંધીજીને નોન હિંદુ તરીકે જાહેર કરો. ગાંધી સાઉથ આફ્રિકા જાય છે ત્યારે, ત્યાં જે નહોતી એ રાજકીય શક્તિ એમનામાં આવે છે. રંગભેદ અનુભવ એમને થાય છે. લડવું જરૂરી છે. સત્યાગ્રહની શોધ થાય છે. અને આ બધી સામગ્રી લંડન, સાઉથ આફ્રિકાથી લઈને આવી આ માણસ ભારતમાં ફરતો ફરતો, ભારતમાંથી ઊભો થાય છે. દુનિયાને શોધે છે. અને એ દુનિયામાંથી શોધેલું લઈને હિન્દુસ્તાનમાં આવે છે અને ત્યાર પછી ગાંધી કદી હિન્દુસ્તાન છોડતા નથી. સિવાય ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’ માટે એક વાર; અને તમે જે ટાગોરનો ઉલ્લેખ કર્યો એ તો સમજવા જેવો છે કે આપણા દેશના નેતાઓમાં મને કોઈ પણ એવો નેતા મારા ધ્યાનમાં નથી કે દુનિયાની જેણે આટલી બધી મુસાફરી કરી હોય. દર વર્ષે ક્યાંક ને ક્યાંક ટાગોર વિદેશ જતા. ગાંધીજી ક્યાં ય નહીં. આજ મારી કર્મભૂમિ છે. અહીંયા જ મારે રહેવાનું છે. ખૂબ આગ્રહ કર્યો ત્યારે ૧૯૩૧ની અંદર એ ‘રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’માં લંડન ગયા. બાકી આઈન્સ્ટાઇનનું આમંત્રણ આવ્યું. જે વિશે મેં લખ્યું છે. આઇન્સ્ટાઈનના Archivesમાં એમની અને ગાંધીજી વચ્ચેનો સુંદર કોરસ્પોન્ડન્સ છે. ‘તમે આવો અહીંયાં’ – તો ગાંધીજી કહે છે કે ‘હું તો મારો દેશ છોડતો નથી, કારણ કે મારા જીવનની એકેક સેકન્ડ હું મારા દેશને ગિરવે આપી ચૂક્યો છું. પણ તમે આવશો તો આનંદ થશે : એ શરતે કે મારા આશ્રમમાં આપણે જામીન ઉપર સુઈશું.’ માણસ દેશ છોડતો જ નથી. જે જોવાનું તે જોઈ લીધું છે.