ટ૫કા જેવા હોંગકોંગના વિદ્રોહનું કારણ ચીનનું સંપૂર્ણ લોકતંત્રના વચનમાંથી ફરી જવું છે
1947માં ભારત સ્વતંત્ર થયું એ સદી વિદેશી ગુલામીમાંથી રાષ્ટ્રોને સંસ્થાનવાદમાંથી મુકત થવાની હતી. એ સદીમાં ચીન સહિત એશિયાના અનેક દેશો સ્વતંત્ર થયાં. ગાંધી અને જવાહરલાલ નેહરુ જેવાં અનેક રાષ્ટ્રીયસ્તરના નેતાઓ લોકતંત્રના ચુસ્ત હિમાયતી હતા. એટલું જ નહિ પણ લોકતંત્રનું જતન કરી શકે એવા વિચારો અને અનુરૂપ નાગરિક સંસ્થાઓ સ્થપાઈ હતી. પરિણામે આજે સ્વરાજને લગભગ પોણાસો વરસ થવા આવ્યા, તો ય ભારતમાં લોકતંત્ર છે. ભારતમાંથી જ અલગ બનેલા પડોશી દેશ પાકિસ્તાનમાં કે એ જ અરસામાં મુકત બનનાર ચીનમાં લોકતંત્ર પાંગરી શકયું નથી. આ દેશોની જનતા લોકતંત્ર ઝંખે છે પણ એને એક યા બીજા રસ્તે દાબી દેવાય છે.
ચીન જનસંખ્યામાં ભારતથી પણ મોટો દેશ હોવા છતાં અને રશિયા કરતાં જુદી રીતે કિસાનક્રાંતિ થઈ, પણ ત્યાં લોકતંત્ર ના પાંગર્યુ અને માઓત્સેતુંગના નેતૃત્વવાળી સામ્યવાદી છતાં બિનલોકતાંત્રિક સરકાર સ્થપાઈ. આજે ત્યાં આર્થિક ઉદારીકરણ વ્યાપક રીતે અપનાવાયું છે પણ લોકતંત્ર નથી. વિશ્વની કુલ વસતીના માત્ર 45 ટકા જ લોકતંત્ર ભોગવે છે. બીજે લોકતંત્ર સ્થિર નથી તો કયાંક એક જ પક્ષનું એકહથ્થું શાસન છે, તો કયાંક લશ્કરનું આધિપત્ય છે અને કયાંક હજૂ વિદેશી શાસન ટકી રહ્યું છે. આ સંદર્ભમાં હોંગકોંગના વિદ્યાથીઓના ‘છત્રી વિદ્રોહે’ દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. શું આ સફળ થશે? વિશ્વનો નકશો જોઇએ તો, સાડત્રીસ લાખ ચોરસમાઈલ વિસ્તારમાં રહેતા 130 કરોડની જનસંખ્યાવાળા ચીનના સામ્યવાદી સામ્રાજયના ખૂણે સાગરકાંઠે માત્ર 415 ચોરસ માઈલમાં પથરાયેલું એક કરોડથી પણ ઓછી વસ્તીવાળું હોંગકોંગ એક ટપકા જેવડું છે.
180 વરસ સુધી બ્રિટિશ સામ્રાજયનો ભાગ રહ્યા પછી 1993માં ચીનને સોપાયું અને ચીનનો સ્વાયત્ત પ્રાંત બન્યું. કુદરતી સંપત્તિ વગરનું હોંગકોંગ કુદરતી બંદર હોવાના કારણે વિશ્વનું વેપાર કેન્દ્ર બન્યું છે. બ્રિટને હોંગકોંગ ચીનને સોપવાનું નકકી કર્યું ત્યારે જબ્બર વિરોધ થયેલો, એટલે ચીનને પુખ્ત મતાધિકાર આધારિત ચૂંટણીનું વચન આપવું પડેલું. ત્યારે ચીનનો ટાઇનાનમેન ચોકનો વિદ્રોહ હજૂ તાજો હતો. એટલે ચીને પુખ્ત મતાધિકાર આધારિત ચૂંટણીનું વચન આપી એક રાષ્ટ્રમાં બે પ્રથા એવું સૂ્ત્ર વહેતું કર્યું હતું. ૫ણ હોંગકોંગના શાસકની ચૂંટણી 2017 સુધી ઠેલી દીધી હતી. હવે 2017 નજીક છે, ત્યારે શાસનના રૂપ વિષે 31મી અૉગસ્ટે વાત બહાર આવી કે હોંગકોંગ પોતાના શાસકની ચૂંટણી પુખ્ત મતાધિકારથી કરશે, પણ ઉમેદવારો બે કે ત્રણ ચીનનો સામ્યવાદી પક્ષ નકકી કરશે. ઉમેદવારી સ્વતંત્ર ઢબે નહિ થઈ શકે.
બસ, હોંગકોંગ અને દુનિયાના લોકતંત્ર ચાહકોને જાણ થઈ કે હોંગકોંગમાં પણ ચીની ઢબની લોકશાહી સ્થપાશે અને સપ્ટેમ્બરથી શાળાના હજારો વિદ્યાર્થીઓ સાચા લોકતંત્ર માટે મેદાનમાં આવ્યા છે. હોંગકોંગના સરકારી દફતરોમાં જવાના દસ લેનના રાજમાર્ગ પર હજારો વિદ્યાર્થીઓ જમા થયા. પ્રારંભમાં પોલિસ શાંત રહી પણ પછી શાળાના આ શાંતિમય વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પર પાણી છોડયું, ટીયરગેસ છોડયો, છેલ્લે મરચાંની ભૂકી ફેંકી. વિદ્યાર્થીઓએ મરચાંની ભૂકી અને ટીયરગેસથી બચવા છત્રીઓ ધરી. એટલે એનું નામ “છત્રી વિદ્રોહ” પડી ગયું. વિદ્યાર્થીઓએ અમેરિકામાંથી ઉદાહરણ લઈ નામ આપ્યું, “OCCUPY CENTRAL WITH LOVE AND PEACE’’.
આ વખતે તો ચીને વાટઘાટોનું નિમંત્રણ મળ્યું તો વિદ્યાર્થી આગેવાનોએ પરિણામ નહિ આવવાની ખાતરી છતાં સ્વીકાર કરેલો. જેથી વધુ સંગઠિત થવાનો થોડો સમય મળે. હવે તો ચીનના શાસકો આ વિરોધને પોતાના વિરોધી દેશોનું કાવત્રું માને છે. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પ્રિય આગેવાન એવા માત્ર 17 વરસના જોશુઆ વોગે તો વિદ્યાર્થીઓને વધુ બેડીંગ સાથે આવવા હાકલ કરી અને હવે કેટલાક તો માર્ગો પર રહેવા મકકમ છે. હવે પોલિસે 18 કલાકની શિફ્ટ ગોઠવી દીધી છે. ચીની સત્તાવાળાઓએ ચૂંટણીનું વરસ 2017 નકકી કર્યું ત્યારે, એમની ગણતરી એવી હતી કે, આવતાં વરસોમાં ધીમે ધીમે હોંગકોંગવાસીઓ ચીનના વિકાસથી આકર્ષાશે. પણ એવું બન્યું નથી.
આજે પણ હોંગકોંગવાસીઓમાં એવી લાગણી પ્રબળ છે કે, અમે પહેલા હોંગકોંગવાસીઓ છીએ. ચીની પછી છીએ. ચીની સત્તાવાળાઓના મનમાં ભય છે કે, હોંગકોંગનું આ આંદોલન ચીનમાં તો નહિ પ્રસરે ને? કારણ ચીનમાં વિદ્યાર્થીઓ અને સત્તાવાળાઓ વચ્ચે વરસોથી 36ના આંકડાનો સંબંધ રહ્યો છે. હોંગકોંગનો વિદ્રોહ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શરૂ કર્યો છે. આમા સંપૂણ લોકતંત્ર ચીની ઢબની નહિ સાથોસાથ ચીની ઢબના અર્થતંત્ર સામે પણ વિરોધ છે. ચીનમાં માત્ર હોંગકોંગમાં જ ચોથી જૂનથી ટાઇનાનમેન ચોકની વિદ્યાર્થીઓની કત્લેઆમને યાદ કરાય છે. ઘણીવાર હવા એવી જામે કે, હવામાં ઉડતી રજકણ તુફાન સામે વિજયી થાય છે અને વૃક્ષોને ઉખેડી નાંખતું તોફાન રજકણ સામે હારી જાય છે.
[સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.]
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Oct 30, 2014