Opinion Magazine
Number of visits: 9952607
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડોનાલ્ડ ટ્રમ્પ નામે વંટોળિયોઃ તેની ઉચ્છૃંખલતા તેનું ઘર તો બાળે જ છે પણ સાથે વૈશ્વિક સંતુલન ખોરવાઇ રહ્યું છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 June 2025

ટ્રમ્પનો રાજદ્વારી અભિગમ બહુ વ્યવહારિક – ઉપરછલ્લો છે તેમાં કોઈ ઊંડાણ નથી અને માટે ભારત અને યુ.એસ.એ. વચ્ચે લાંબા ગાળાનું, નક્કર પરિણામ લાવે તેવું જોડાણ થાય અને જળવાઇ રહે તેવી શક્યતાઓ પણ ઘટી રહી છે.  

ચિરંતના ભટ્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ ફાટી ફાટીને એવા ધુમાડે ગયા છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો, એમના વિશે, એમની કામગીરી કહો તો એ અને કરતૂત કહો તો એ – એની વાત કર્યે જ છૂટકો. એક મ્હોં ફાટ, મનસ્વી રિપબ્લિકન પ્રતિનિધિ, પ્રમુખ બને પછી જે બેફામ નિર્ણયો લે ત્યારે શું વલે થાય તે આપણે જોઈ રહ્યા છીએ. તાજેતરમાં જ ટ્રમ્પે 2,700 જેટલા મિલિટરી પર્સનલના દળ, જેમાં નેશનલ ગાર્ડ ટ્રૂપ્સ અને મરીન્સનો પણ સમાવેશ થાય છે તેમને લોસ એન્જેલસમાં તૈનાત કર્યા. આ પગલું ટ્રમ્પની બીજી ઇનિંગનું સૌથી વધુ આક્રમક પગલું છે. શહેરને કથિત ‘માઇગ્રન્ટ્સ’ના મારાથી મુક્ત કરવા માટે ટ્રમ્પે આવું કર્યું હોવાનો તેમનો દાવો છે. માનવાધિકાર જૂથો અને લોસ એન્જલસના સ્થાનિક નેતાઓએ આ પગલાંની આકરી ટીકા કરી. ટ્રમ્પનુ આ વર્તન તેમની સરમુખત્યારશાહીનો પડઘો છે.  ડરનો માહોલ ખડો કરવો, લઘુમતીને રાક્ષસ તરીકે ચિતરવી અને પોતાની જાતને યુ.એસ.એ.ના તારણહારની માફક રજૂ કરવામાં ટ્રમ્પને જબર ફાવટ આવી ગઈ છે. જરા ય નવાઈની વાત નથી કે આ લશ્કરી વલણને પગલે 1,500થી વધુ શહેરોમાં ‘નો કિંગ્ઝ’ની ચળવળ છેડાઈ છે જે એક સરમુખત્યારશાહીનો વિરોધ દર્શાવે છે. 

ટ્રમ્પને તુમાખી બહુ છે. જે કરે છે એ પોતાના દેશ માટે કરે છેનું તેનું ગાણું અમુક વર્ગને ગમતું હશે પણ પોતે જે રસ્તો અપનાવે છે તેમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરના નેતા તરીકેની તેની છબી એવી ખરડાય છે કે ન પૂછો વાત. જૂન 2025માં કેનેડામાં G7 સમિટ થયું અને ત્યારે ટ્રમ્પ એકલા પડી ગયા હોવાનું દેખાઈ આવ્યું. સીધી વાત છે કે યુ.એસ.એ.ના પરંપરાગત સાથી રાષ્ટ્રોને ટ્રમ્પની અંધાધૂંધ ટેરિફ નીતિ અને વૈશ્વિક વાટા-ઘાટોમાં એક પક્ષીય કાપકૂપ માફક નથી આવી. માત્ર પોતાના દેશનો સ્વાર્થ જોવાને નામે ટ્રમ્પે અન્ય દેશો સાથે સંબંધો બગાડ્યા છે. એક સમયે કેનેડા અને યુ.એસ.એ.ની ભાગીદારી અડગ હતી, પણ જે કેનેડા એક સમયે 54 ટકા યુ.એસ.એ. તરફી હતો એ દેશ હવે માત્ર 34 ટકા યુ.એસ.એ. તરફી છે. ટ્રમ્પ આડી ફાટેલી સાસુ જેવું વર્તન કરે છે, અચાનક જ રાજદ્વારી વહેવારોમાં આડોડાઈ કરવાની તેમની ઇજારાશાહી હોય એમ લાગે. જેમ કે ક્લાઇમેટ સંબંધી ચર્ચાઓ છોડી દેવી અને વિદેશી નેતાઓનું અપમાન કરવા જેવા ટ્રમ્પના વહેવારથી G7 રાષ્ટ્રોએ પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કર્યા. અમેરિકાએ યુરોપનો વિશ્વાસ એટલીવાર તોડ્યો કે આ અવિશ્વસનીયતાથી કંટાળીને યુરોપે સંરક્ષણના સ્વાયત્ત માળખા તરફ કદમ ભરવાની શરૂઆત કરી દીધી છે. NATO પણ નબળું પડી રહ્યું છે. NATOની પ્રાસંગિકતા કેટલી એવો સવાલ યુ.એસ.એ.ના ડેપ્યુટી સેક્રેટરીએ પહેલાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો અને પછી તે ડિલીટ કરી નાખ્યો. આ કદાચ એવો સંકેત ગણી શકાય કે હવે અમેરિકા એ રાષ્ટ્ર નથી રહ્યું જેના હાથમાં બીજા વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સાચવવાનું સૂકાન હતું. હવે અમેરિકામાં એ ક્ષમતા અને સમજદારી નથી રહ્યાં. 

ટ્રમ્પ જે વિચાર્યા વગર વહેવાર કરે છે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટી અસર પડી રહી છે. પ્યુ રિસર્ચે 24 દેશોમાં 28 હજાર લોકોમાં કરેલા એક સરવે અનુસાર 19 દેશો એવા છે જ્યાંની અડધાથી વધુ વસ્તીને ટ્રમ્પ પર રતી ભાર વિશ્વાસ નથી. આ લોકો ટ્રમ્પ માટે ઘમંડી, ખતરનાક અને અપ્રામાણિક જેવા શબ્દો વાપરે છે – આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ વિશે લોકોની માન્યતાઓ આ શબ્દોમાં સમાઈ જાય છે. યુનાઇટેડ કિંગ્ડમ અને જર્મની જેવા સાથી દેશો પર્યાવરણ, સાયબર સિક્યુરિટી અને વૈશ્વિક વ્યાપાર જેવા મુદ્દાઓને મામલે યુ.એસ.એ. કરતાં પોતાની સરકારો પર વધુ મદાર રાખતા થયા છે. કેનેડા, મેક્સિકો, જર્મની અને સ્વીડન જેવા દેશોમાં તો અમેરિકા પ્રત્યેનો અહોભાવ પાતાળલોકમાં ચાલ્યો ગયો છે. ઘર આંગણે એટલે કે અમેરિકામાં ટ્રમ્પના ચાહકો કરતાં વિરોધીઓનું પ્રમાણ વધારે છે. વિવિધ પોલ્સ અનુસાર ટ્રમ્પ તરફ નકારાત્મક વલણ ધરાવનારાઓ અમેરિકામાં જ લગભગ 53-56 ટકાની આસપાસ છે. ટ્રમ્પે જાહેર કરેલા અમુક ફરમાનો, સાંસ્કૃતિક યુદ્ધનું અમેરિકન સમાજમાં ખેલાતું રાજકારણ, એવી આર્થિક નીતિઓ જે માત્ર સાંભળવામાં સારી લાગે, અમલીકરણને મામલે જરાય ફાયદાકારક નથી. આ બધું જ તેમને પ્રત્યે નકારાત્મકતાને વેગ આપનારું સાબિત થયું છે. પરિણામે, અમેરિકન સમાજમાં ધ્રુવીકરણનાં મૂળિયાં ઊંડાં ઉતર્યાં છે તો સાથે પાયાના પ્રશ્નોને લઇને ચળવળો પણ છેડાઈ રહી છે – અમેરિકન સમાજનાં પોપડાં ઉખડી રહ્યાં છે. 2025માં ‘ન્યૂ યોર્ક ટાઇમ્સે’ કરેલા એક ઇન્ટરેક્ટિવ વિશ્લેષણમાં દેખાઇ આવે છે કે ટ્રમ્પને ગ્રામીણ અને નાના શહેરના મતદારોનો ટેકો છે પણ શહેરી અને ઉપનગરીય મતવિસ્તારો જેમાં સ્ત્રીઓ, લઘુમતી અને શિક્ષિત અમેરિકન્સ ડેમોક્રેટ્સ તરફ વળ્યા છે. મિશિનગ, પેન્સિલવેનિયા અને એરિઝોના જેવા રાજ્યો જ્યાં એક સમયે ટ્રમ્પ ઓછા મતે જીત્યા હતા ત્યાં હવે મતદારો ટ્રમ્પના ધ્રુવીકરણના કીમિયાઓથી કંટાળ્યા છે. ચૂંટણીમાં દેખાઈ આવેલી આ પેટર્ન ટ્રમ્પ શાસન હેઠળ સમાજના વિભાજનનું પ્રતિબિંબ છે. 

ટ્રમ્પને ‘અમેરિકા ફર્સ્ટ’ વાળું ગાણું બહુ ગાયું. જૂનની 12મી તારીખે યુ.એસ. હાઉસે ટ્રમ્પના વિદેશી સહાય ભંડોળમાંથી વૈશ્વિક આરોગ્ય માટેના કાર્યક્રમોમાંથી 9.4 બિલિયન ડૉલર કાપવાની પ્રસ્તાવને મંજૂરી આપી, તેમાંથી 900 મિલિયન ડૉલર્સ તો HIV-AIDS માટે કામ કરતા કાર્યક્રમોમાંથી કાપી લેવાની વાત થઇ. વળી યુ.એસ.એ.ના ફંડથી ચાલનારા બ્રોડકારસ્ટર્સને અપાતા ભંડોળમાં પણ કાપની જાહેરાત કરાઇ. વિકાસશીલ દેશોમાં જ્યાં અમેરિકા સોફ્ટ પાવર તરીકે હંમેશાં પોતાનો પ્રભાવ રાખનાર રાષ્ટ્ર હતો તે સન્માન અને પદ હવે આવાં પગલાંથી અમેરિકા પાસેથી છીનવાઇ જશે તે ચોક્કસ. બીજી તરફ ટ્રેડ વોર ચાલે છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટ્રમ્પે ઝીંકેલા ટેરિફના સપાટામાં EU અને ભારત છે. ટેરિફનું તાંડવ ઓછું હોય તેમ ઉર્જાને લગતી નીતિઓ ઢંગધડા વગરની છે જ સપ્લાય ચેન ખોરવનારી છે. અમેરિકાના આવા વલણની સામે પોતાનો રસ્તો કાઢવા માટે અન્ય રાષ્ટ્રો ચીન અને EU સાથેના પોતાના સંબંધો ગાઢ બનાવી રહ્યા છે. 

ટ્રમ્પે સત્તા પર આવતા પહેલાં બહુ ફાંકા માર્યા હતા કે તે તરત જ રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષને અટકાવી દેશે. આ આખી વાત તેમની ચૂંટણી પ્રચારનો અગત્યનો હિસ્સો હતી. ટ્રમ્પે નકરા ફીફાં ખાંડ્યાં – અને અધૂરામાં પૂરું ઝેલન્સ્કી સાથે ઓવલ ઑફિસમાં જે મીટિંગ કરી તેની પણ આકરી નિંદા થઇ. યુ.એસ.એ.ની વિશ્વસનીયિતા અને યુદ્ધ અટકાવવાના દાવાની ગંભીરતા પર આખી દુનિયાને શંકા પેઠી. ટ્રમ્પે જે પણ કંઇ દાવા કરેલા એ બધા એળે ગયા. આ તરફ NATO સાથે જોડાયેલા દેશોમાં અંદર અંદર એકતા છે કે નહીં તેનો પણ પ્રશ્ન છે. યુક્રેન અને ચીનને મામલે ટ્રમ્પને શું કરવું તેની ગતાગમ નથી અને પોતે દ્વિધામાં છે તે દેખાઇ આવ્યું છે. NATOમાં જોડાયેલા સાથી રાષ્ટ્રો પણ આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે કારણ કે ટ્રમ્પના પ્રમુખપદ હેઠળના યુ.એસ.એ.ના પગ તળેથી જમીન ખસી રહી હોવા સંકેત સમયાંતરે મજબૂત બની રહ્યા છે. 

હવે આપણા દેશની વાત કરીએ તો મોદી અને ટ્રમ્પની દોસ્તી પર આપણે ત્યાં બહુ ઉત્સાહ દેખાડાયો છે. આપણો દેશ અમેરિકા માટે કે ચાવીરૂપ વ્યૂહાત્મક સાથી તરીકે જોવાયો છે. ટ્રમ્પના અણધાર્યા વહેવારોનો આંચકો ભારતને પણ લાગી જ રહ્યો છે. ભલે વેપાર અને સુરક્ષાના સંબંધો કાગળ પર મજબૂત લાગતા હોય પણ આંતરીક સ્તરે અમેરિકા પરનો આપણો એક રાષ્ટ્ર તરીકેનો વિશ્વાસ દિવસે દિવસે પાંખો થઇ રહ્યો છે. અણધારી વિઝા નીતિઓ, ટેરિફની ધમકીઓ, કાશ્મીર, ચીન અને યુક્રેન જેવા મુદ્દાઓ પર યુ.એસ.એ.ના ડગમગતા સમર્થનોને કારણે આપણી કેન્દ્ર સરકાર હવે સતર્ક થઇ ગઇ છે. પોતાના દેશનું ગાણું ગાનારા ટ્રમ્પ સ્વાભાવિક રીતે જ બહુપક્ષીય માળખાને નબળું પાડે છે જે ભારત, વૈશ્વિક વ્યાપાર, ક્લાઇમેટને લગતા પગલાં અને પ્રાદેશિક સંતુલન પર સીધી અસર કરે છે.  ટ્રમ્પનો રાજદ્વારી અભિગમ બહુ વ્યવહારિક – ઉપરછલ્લો છે તેમાં કોઈ ઊંડાણ નથી અને માટે ભારત અને યુ.એસ.એ. વચ્ચે લાંગા ગાળાનું, નક્કર પરિણામ લાવે તેવું જોડાણ થાય અને જળવાઇ રહે તેવી શક્યતાઓ પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં ભારત પોતાના રાજદ્વારી અભિગમમાં વિવિધતા લાવીને ગ્લોબલ સાઉથ અને ASEAN દેશો સાથે વધુ નજીકથી જોડાઈને કામ કરી રહ્યો છે. માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો મહાસત્તા ગણાતો દેશ હવે પહેલાં જેવો સ્થિર સાથી નહીં રહે તેવું આપણી કેન્દ્ર સરકાર સમજી ચૂકી છે.

આ બધાંની સાથે ટ્રમ્પ અને મસ્કના રોમાન્સ (બ્રોમાન્સ) અને બ્રેક-અપના ખેલ પણ ચાલ્યા કરે છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે જે પણ ચાલ્યું છે તેમાં રાજકીય નેતૃત્વ અને મનોરંજનની ભેદરેખા સચવાઈ નથી. ઉદારવાદી ઝૂકાવ ધરાવાતા પ્રેક્ષકો માટે આ બધું જોણું બને તો વિદેશી નેતાઓ મૂંઝવાય – એક રાષ્ટ્રની સંસ્થાકીય ગંભીરતા, તેનું વજન, તેનો મોભો આવા બધા તાયફાને કારણે વૈશ્વિક મીડિયા શો જેવું લાગે અને તેનું મહત્ત્વ ઘટી જાય તે સ્વાભાવિક છે.

એક સમયે લોકશાહી શક્તિનો શિરમોર ગણાતો અમેરિકા દેશ હવે શંકા અને આશ્ચર્યની નજરોથી નાણવામાં આવે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યું છે, સાથી દેશો પોતાના દાવ ખેલી રહ્યા છે અને પોતાની પકડ મજબૂત રહે તેની તકેદારી રાખી રહ્યા છે. યુ.એસ.એ.નું સ્થાન વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર ક્ષેત્રોમાં હચમચી ગયું છે. એક સમયે બધી બાબતે યુ.એસ.એ.ની સલાહ માગવામાં આવતી પણ હવે ભલે તેને હળવાશથી નથી લેવાતો છતાં ય તેની પર બને એટલો ઓછો આધાર રાખવાની ગાંઠ તો ઘણાં દેશોએ વાળી છે. જેમ કે કેનેડા પોતાના વ્યાપારી સાર્વભૌમત્વને મજબૂત કરે છે અને યુ.એસ.એ.ના માલના બહિષ્કારને કેનેડિયન ગ્રાહકોમાં રોકવાની પહેલ પર પણ ધ્યાન આપી રહ્યો છે. યુરોપ હવે વોશિંગ્ટનથી સ્વતંત્ર રીતે પોતાની સંરક્ષણ અને વ્યાપારી પદ્ધતિઓ પર કામ કરે છે. જાપાન પણ આગવા સ્તરે સંરક્ષણ અને રાજદ્વારી સંપર્કો વિસ્તારે છે તો લેટિન અમેરિકા અને આફ્રિકા ચીન અને EUની આગેવાની હેઠળ પોતાની માળખાગત સુવિધાઓ અને રોકાણના પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહ્યા છે. આ વ્યૂહાત્મક ફેરફારો માત્ર હંગામી પ્રતિક્રિયાઓ નથી બલ્કે હવે વૈશ્વિક સ્તરે યુ.એસ.એ.ને બાયપાસ કરીને નવા જોડાણોની કેડી કંડારાઇ રહી છે. 

બાય ધી વેઃ 

ટ્રમ્પના નેતૃત્વની પ્રકૃતિ અણધારી, નાટકીય અને અલગાવવાદી છે – વૈશ્વિક સ્તરે એક સમયે યુ.એસ.એ.ના નેતૃત્વમાં રહેલો વિશ્વાસ ટ્રમ્પને કારણે તૂટી ગયો છે. યુ.એસ.એ.માં ઘર-આંગણે ટ્રમ્પની વાહવાહી કરનારાઓને તે કદાચ બહુ બોલ્ડ કે હિંમતવાન લાગી શકે છે પણ ખરેખર તો તે ઉચ્છૃંખલ છે એવું આખી દુનિયાને હવે સમજાઇ ગયું છે. અમેરિકાના વૈશ્વિક મહાસત્તા તરીકેના વારસાના ગઢના કાંગરા ખરી રહ્યા છે. એક સમયનો વિશ્વાસ ખંડિત જોડાણો, ખાડે ગયેલી આર્થિક વ્યાપારી સંસ્થાઓમાં ખોવાયો છે અને દરેક રાષ્ટ્ર ક્યાંક બીજે વિશ્વસનીય સાથી શોધી રહ્યું છે. જો અમેરિકા પોતાને મહાસત્તા તરીકે ફરી સ્થાપિત કરવા માંગતો હશે તો તેણે ફરી લોકોનો વિશ્વાસ જીતવો પડશે અને તેના ઇરાદાઓમાં અંચઇ નથી એ સાબિત કરવું પડશે. દુનિયાના દરેક દેશ જે એવું માને છે કે પોતાનામાં વૈશ્વિક સ્તરે ટોચ પર જવાની તાકાત છે તે દરેકે ટ્રમ્પની અભિમાન ભરેલી મૂર્ખતા પરથી બોધ પાઠ લેવા જોઇએ અને સત્તાના મદમાં સ્થિરતા ખોઈ બેસવાની ભૂલથી બચવું જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 જૂન 2025

Loading

ડાબેરીઓને હજુ પણ હત્યાઓ અને ગુલામી બહુ ગમે છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|15 June 2025

હેમન્તકુમાર શાહ

ક્રાંતિ અને મૂડીવાદનો વિરોધ તથા સમાજવાદ કે પછી આર્થિક સમાનતાના નહીં સિદ્ધ થયેલા આદર્શને નામે ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને દુનિયાના અનેક દેશોમાં જે સામ્યવાદી તાનાશાહી વીસમી સદીમાં ચલાવવામાં આવી અને લાખો લોકોને મારી નાખવામાં આવ્યા કે જેલમાં નાખવામાં આવ્યા એ હકીકતને ડાબેરીઓ કે સામ્યવાદીઓ અવગણે છે. 

અમેરિકન કે પશ્ચિમ યુરોપિયન મૂડીવાદનો કે ભારતના મૂડીવાદનો અને હિન્દુ જાતિવાદનો વિરોધ કરવામાં તેઓ સામ્યવાદને નામે આચરાયેલી ભયંકર હિંસા સામે આંખો બંધ કરી દે છે એ આશ્ચર્યજનક છે. 

કેટલીક હકીકતો જોઈએ :

(૧) સોવિયેત સંઘમાં ૧૯૨૧થી ૧૯૫૩ દરમ્યાન આઠ લાખ વિરોધીઓને મોતની સજા થઈ હતી, હિટલરે ઊભી કરી હતી તેવી શ્રમ છાવણીઓમાં ૧૩થી ૧૭ લાખ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, ૩.૯૦ લાખ ખેડૂતોને મારી નાખવામાં આવ્યા હતા. જોસેફ સ્ટાલિન ત્રીસ વર્ષ સુધી સત્તા પર રહી ૧૯૫૩માં મરી ગયા તે પછી તો જે થયું તે જુદું. 

(૨) ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિને નામે માઓ ત્સે તુંગ દ્વારા ૧૯૬૬-૬૯ દરમ્યાન ૧૬ લાખ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. 

(૩) પૂર્વ યુરોપના યુક્રેન, બેલારુસ, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, જ્યોર્જિયા, પોલેન્ડ, હંગેરી, ચેકોસ્લોવેકિયા, આઝારબૈજાન, કિર્ઘિસ્તાન, તુર્કમેનિસ્તાન વગેરે જેવા ૧૪ દેશોને રશિયાએ લગભગ ગુલામ બનાવી દીધેલા ૧૯૯૧ સુધી. યુક્રેનને ફરી ગુલામ બનાવવા જ પુતિને યુદ્ધ શરૂ નથી કર્યું?

(૪) હંગેરીમાં ૧૯૫૬માં જ્યારે સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ અવાજ ઉઠાવ્યો ત્યારે ત્યાં સોવિયેત લશ્કરે ૨,૫૦૦ લોકોને મારી નાખેલા અને બીજા ૨૦,૦૦૦ લોકો એ સંઘર્ષમાં ઘવાયા હતા. આશરે બે લાખ લોકોને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. 

(૫) ૧૯૬૮માં ચેકોસ્લોવેકિયામાં પણ સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ તદ્દન અહિંસક રીતે અવાજ ઉઠાવ્યો ત્યારે સોવિયેત સંઘે ત્યાં લશ્કર મોકલીને ફરી ચેક લોકોને ગુલામ બનાવી દીધેલા.

હજુ કેટલાં ય ઉદાહરણો, વિગતો આપી શકાય તેમ છે. દુનિયાભરમાં સામ્યવાદી શાસનોમાં આ રીતે આશરે દસ કરોડ લોકોની હત્યા કરવામાં આવી અને લાખો લોકોને જેલમાં નાખવામાં આવ્યા એમ ઘણા તટસ્થ અંદાજો કહે છે.

મૂડીવાદી લોકશાહી માણસોનું શોષણ કરીને આડકતરી રીતે મારે છે એ મંજૂર. પણ સામ્યવાદી તાનાશાહી સીધી જ હત્યાઓ કરે છે એનું શું? એમાં સત્તાધીશો કોઈ વિરોધ સહન કરતા જ નથી એનું શું? ચીનમાં શું થઈ રહ્યું છે છેલ્લી પોણી સદીથી? 

ધર્મને નામે ચાલતી રાજાશાહીવાળી તાનાશાહી સુન્ની સાઉદી અરેબિયામાં શું કરી રહી છે?  શિયા ઈરાનમાં શું થઈ રહ્યું છે? અફઘાનિસ્તાનની તો વાત જ ન પૂછો! 

કોઈ પણ પ્રકારની આવી તાનાશાહીનું સમર્થન કોઈ કાળે થઈ શકે નહીં. અને એની ઈચ્છા પણ રાખી શકાય નહીં. ભારતીય ડાબેરીઓ કે સામ્યવાદીઓએ એ ભૂલવું જોઈએ નહીં કે તેઓ લોકશાહી માર્ગે કેરળ, ત્રિપુરા અને બંગાળમાં સત્તા પર આવ્યા હતા અને ટક્યા હતા. ભારતની મૂડીવાદી લોકશાહીનું એ સામ્યવાદી નજરાણું રહ્યું છે.

નોબેલ સાહિત્ય ઇનામ વિજેતા સોવિયેત લેખક એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનનાં પુસ્તકો વાંચીએ તો સોવિયેત સંઘના નેતાઓની ક્રૂરતા હિટલરની ક્રૂરતા કરતાં સહેજે ઓછી નહોતી એનો સ્વાભાવિક રીતે ખ્યાલ આવે છે.

એક મહાન યુગોસ્લાવ લેખક હતા મિલોવાન જિલાસ. તેમણે સામ્યવાદમાં સામ્યવાદીઓ પોતે જ કેટલા શોષણખોર બની જાય છે એ તેમના વિખ્યાત પુસ્તક ‘The New Class’માં અદ્ભુત રીતે સમજાવ્યું છે. એ વાંચવાની હિંમત ડાબેરીઓએ કરવી જોઈએ. 

કહેવાનો અર્થ એ નથી અહીં કે, મૂડીવાદ સામ્યવાદ કરતાં સારો અને ઇચ્છનીય છે. પણ હા, મૂડીવાદી લોકશાહીમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રહે છે ખરી કે જે સામ્યવાદી તાનાશાહીમાં હોતી નથી એ સાબિત થઈ ગયેલી હકીકત છે. એટલે અંશે મને મૂડીવાદી લોકશાહી ગમે છે કારણ કે એમાં હું જંતુ નહીં માણસ તરીકે જીવી તો શકું છું અને સરકારનો વિરોધ તો કરી શકું છું. માટે લોકશાહીને બચાવવી એ જ એક ઉપાય છે, સામ્યવાદના મંજીરાં વગાડ્યા વિના. હિંસા, અન્યાય અને ગુલામીનો વિરોધ એ જ એક સૂત્ર. મનુષ્યની સ્વતંત્રતા સર્વોચ્ચ મૂલ્ય.  

(મારા કેટલાક મિત્રો *સામ્યવાદી તાનાશાહી* જેવા શબ્દો જ્યારે હું લખું ત્યારે મારી પર રોષે ભરાય છે. તેમણે જ મને આ લખવા માટે પ્રેરણા આપી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. તેઓ હવે મને જોઈને એમનું મોં ફેરવી લે તો ભલે.) 

તા.૧૪-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પૈસા ખર્ચો અને જીવ બચાવો

રમેશ ઓઝા|Opinion - Opinion|15 June 2025

રમેશ ઓઝા

વાહનોનાં થતા અકસ્માત હાથમાંથી વાસણ પડી જાય એવા નિર્દોષ નથી હોતા, તેની પાછળ કોઈકને કોઈક પ્રકારની ખામી કે નિષ્ફળતા કારણભૂત હોય છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન ઉડતાની સાથે જ એક મિનિટમાં પડી ગયું એ જેટલી આઘાતજનક ઘટના છે એટલી ખામીજન્ય ઘટના છે. વિમાન બોઇંગ કંપનીનું હતું અને બોઇંગની ડ્રીમલાઈનર તરીકે ઓળખાતી ૭૮૭ સિરીઝના વિમાનનો આ પહેલો અકસ્માત છે. બોઇંગ કંપનીનાં ૭૮૭ સિરીઝનાં ૧,૧૭૦ વિમાનો વિશ્વભરમાં આકાશમાં ઊડી રહ્યાં છે અને તેણે અત્યાર સુધીમાં ત્રણ કરોડ કલાકનું ઉડ્ડયન કર્યું છે અને એક અબજ ઉતારુઓને પ્રવાસ કરાવ્યો છે. બોઇંગની ૭૩૭ મેક્સ સિરીઝની નિષ્ફળતા અને બદનામી પછી આ નવી સિરીઝની સફળતા રાહતરૂપ હતી અને કંપનીએ આ વરસના પ્રારંભમાં તેની ઉજવણી પણ કરી હતી. 

પણ એનો અર્થ એવો નથી ૭૮૭ સિરીઝનાં દરેક વિમાન ખામીરહિત હોય. એ ખામી ઉત્પાદનમાં હોઈ શકે છે, પાછળથી પેદા થઈ હોય એવું પણ બને, અમુક કલાકના વપરાશ પછી ખામી પેદા થાય એવી કોઈક ઉત્પાદનમાં જ ખામી હોય એવું પણ બને, એરલાઈન્સ કંપનીના મેઈન્ટેનન્સમાં ખામી હોઈ શકે છે. શક્યતાઓ અનેક છે. આમ તો વિમાનની લાઈફ સરેરાશ ૩૦ વરસની હોય છે અને આ વિમાન ૧૧ વરસ જૂનું છે. તેને નવું ન કહેવાય તો જૂનું ખખડી ગયેલું પણ ન કહેવાય. અહીં એક વાત જણાવવી જોઈએ કે એર ઇન્ડિયા પાસે ૭૮૭ સિરીઝનાં વિમાનો સૌથી વધુ છે. આ વિમાનો માટે એર ઇન્ડિયા બોઇંગ કંપનીનો સૌથી મોટો ઘરાક છે અને એ વિમાનો ત્યારે ખરીદવામાં આવ્યાં હતાં જ્યારે એર ઇન્ડિયા સરકારની માલિકીની હતી. હજુ ૨૦ વિમાનોની ડિલીવરી આવવાની બાકી છે. ટૂંકમાં ખરીદી સરકારી હતી.  

વિમાનનો પાયલોટ પણ અનુભવી હતો. ૮,૨૦૦ કલાકના ઉડ્ડયનનો તેને અનુભવ હતો અને સહાયક પાઈલોટ ૧,૧૦૦ કલાકનો અનુભવ ધરાવતો હતો. આમ ભૂલની શક્યતા ઓછી છે, પણ માણસ ભૂલ ન જ કરે એવું તો નથી. માણસ આખરે માણસ છે. ટેઈકઑફ પછી માત્ર ૩૦ સેકંડમાં પાઈલોટ કન્ટ્રોલ ટાવરને “મેડે” એમ કહે છે અને પછી કોઈ જવાબ જ મળતો નથી. વિમાની ઉડ્ડયનમાં મેડેનો અર્થ થાય છે સંકટ. એવું સંકટ જે પાઈલોટના કન્ટ્રોલની બહારનું છે અને મદદની જરૂર છે. આનો અર્થ એ થયો કે સંભવતઃ વિમાનના બન્ને એંજીન કામ કરતાં અટકી ગયાં હતાં અને પાઈલોટ લાચાર હતો. પણ બન્ને એન્જીન એક સાથે કામ કરતાં અટકી જાય અને એ પણ ઉડતાની સાથે ત્રીસ સેકન્ડમાં એવું પણ જવલ્લે જ બને. નિષ્ણાતો કહે છે કે દસ લાખે એક કિસ્સામાં આવું બને. એક અનુમાન એવું છે કે બન્ને એન્જીનમાં પક્ષી અથડાયાં હોય. આવું પણ જવલ્લે જ બની શકે, પણ શક્યતા ખરી. એક નિવૃત્ત પાયલોટે કહે છે કે તેના વખતમાં અમદાવાદના એરપોર્ટ પર પક્ષીઓનાં ઝૂંડ જોવા મળતાં હતાં. 

અકસ્માત થવા માટે કોઈ મોટું અને દેખીતું કારણ નજરે પડતું નથી તો અકસ્માત થયો કેમ? ૭૮૭ સિરીઝનાં વિમાનોનો સફળતાનો ઇતિહાસ છે, પાઇલોટ અનુભવી હતો, બન્ને એન્જીન એક સાથે અને એ પણ ત્રીસ સેકન્ડમાં કામ કરતાં અટકી જાય એવું તો જવલ્લે જ બને વગેરે જોતાં અકસ્માત માટે આ સિવાયનાં બે કારણ હોઈ શકે છે. 

બોઇંગના ૭૮૭ સિરીઝનાં વિમાનોની બનાવટ જ એવી હોય કે વિમાન ઊડતાં થાય એ પછી બાર-પંદર વરસમાં ખામી પેદા થવા લાગે. અને આવી ફરિયાદ પણ થઈ છે. બોઇંગ કંપનીમાં ૭૮૭ સિરીઝના પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલા એક નહીં બે જણાએ ચેતવણી આપતા કહ્યું છે કે બોઇંગ ૭૮૭ સિરીઝના વિમાનોનું એસેમ્બલીંગ જેવી રીતે થવું જોઈએ એ રીતે થતું નથી. એમાં ઝીણા ઝીણા ખાંચા રહે છે અને એ જતે દિવસે જોખમ પેદા કરી શકે છે. કંપનીએ આ વિમાનો ૨૦૧૧ની સાલમાં માર્કેટમાં મુક્યા હતા. એર ઇન્ડિયાએ આ વિમાન ૨૦૧૪માં ખરીદ્યું હતું. ૧૧ વરસ થયાં. એસેમ્બલીંગમાં રહેલી ખામી હવે જોખમી બનવા માંડી હોય. જો એમ હોય તો બોઇંગ ૭૮૭ સિરીઝનાં વિમાનનો આ પહેલો અકસ્માત હોય અને હવે વધુ અકસ્માત થઈ શકે છે. યોગાનુયોગ એવો થયો કે જે દિવસે અમદાવાદમાં અકસ્માત થયો એ દિવસે જ ટ્રમ્પ વહીવટીતંત્રે બ્રાયન બેડ્ફોર્દની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડા તરીકે નિમણૂક કરી છે અને તેણે કહ્યું છે કે તે બોઇંગને તેનાં ખામીયુક્ત ૭૩૭ મેક્સ વિમાનો બજારમાં મુકવા માટે છોડશે નહીં. એમાં હવે ૭૮૭ સિરીઝનાં વિમાનોની સુરક્ષિતતાની તપાસ કરવામાં આવે તો આશ્ચર્ય નહીં. એમ કહેવાય છે કે બોઇંગ કંપનીમાં આંતરિક સાઠમારી અને રાજકારણ તેની ચરમસીમાએ છે. કંપની અંદરથી તૂટી રહી છે એમ પણ કહેવાય છે. 

બીજું સંભવિત કારણ છે મેઈન્ટેનન્સ. આ જ વિમાનમાં એક મહિના પહેલાં પહેલી મેના દિવસે ખામી સર્જાઈ હતી અને ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી એમ શરદ રાવળ નામના એક લંડન સ્થિત ગુજરાતી ઉતારુ કહે છે. આ વિમાન દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું અને અમદાવાદથી દિલ્હી જવા નીકળ્યું હતું. આ વિમાનમાં દિલ્હીથી અમદાવાદનો પ્રવાસ કરનારા એક ઉતારુએ કહ્યું હતું કે વિમાનમાં એ.સી. સરખું ચાલતું નહોતું. 

અને ભારતમાં મેઈન્ટેનન્સની સ્થિતિ કેવી છે એ વિમાનપ્રવાસ કરનારા ઉતારુઓ ક્યાં નથી જણાતા! અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજો દેશ છે જ્યાં વિમાનપ્રવાસ કરનારા ઉતારુઓ સૌથી વધુ છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નાગરિક ઉડ્ડયન વ્યવસાયમાં સૌથી ઝડપથી ગ્રોથ થતો હોય તો એ ભારતમાં. આની સામે એરપોર્ટ ઓછાં છે, એરપોર્ટ સુવિધા વિનાનાં છે, નાનાં પડે છે, પર્યાપ્ત રન વે નથી, આકાશમાં વિમાનોનો ભરાવો થાય છે, વિમાનોની મરમ્મત માટે સુવિધા નથી, વિમાન ઊભાં રાખવા માટે વિશાળ એરપ્લેન બૅ નથી, એર લાઈન્સ માત્ર ચાર છે જેમાં ઇન્ડીગો ૬૪ ટકાનો અને એર ઇન્ડિયા ૨૭ ટકાનો માર્કેટ શેર ધરાવે છે (આ બે એર લાઈન્સની એક રીતે ઈજારાશાહી છે), વિમાનો ઓછાં પડે છે અને વધુ કમાવા અનેક રૂટ ખોલ્યાં છે. એક રૂટથી બીજા રૂટ પર જતા વિમાનમાં સફાઈ પણ ન થતી હોય ત્યાં ટેકનીકલ ઇન્સ્પેકશન અને મેઈન્ટેનન્સ તો દૂરની વાત છે. તમારી સીટ સામેના પોકેટમાં આગલા પ્રવાસીનાં પાણીના ગ્લાસ અને નાસ્તાના પડીકા તમે જોયાં હશે અને એર હોસ્ટેસને બોલાવીને હટાવ્યાં હશે. આ આપણો બધાનો રોજનો અનુભવ છે. આ સ્થિતિમાં પેલા બે પ્રવાસીએ આ વિમાન વિષે જે કહ્યું છે તેને લક્ષમાં લેવાની જરૂર છે. ભારતની આવી સ્થિતિ વિષે અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને અનેકવાર ફરિયાદો કરી છે, પણ કશો ફેર પડતો નથી. 

જતા દિવસે શું થશે કહું? ભારતનાં મોટાં શહેરોમાં બે એરપોર્ટ જોવા મળશે. એક સાધારણ મધ્યમવર્ગ માટેનાં એસ.ટી. ડેપો જેવાં એરપોર્ટ અને બીજાં શ્રીમંતો માટેનાં એક્ઝીક્યુટીવ એરપોર્ટ. એક્ઝીક્યુટીવ એરપોર્ટ પર તમારી સુવિધા અને તમારાં જીવનની સુરક્ષાની વધારે તજવીજ કરવામાં આવશે. પૈસા ખર્ચો અને જીવ બચાવો.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 જૂન 2025

Loading

...102030...328329330331...340350360...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved