Opinion Magazine
Number of visits: 9952601
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

पंथी हूँ मैं उस पथ का

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|14 June 2025

‘ગુજરાતી લિટરરી ગ્રુપ, લેસ્ટર’ના ‘બેદાર’ લાજપુરી, યુસૂફભાઈ સિદાત, અબ્દુલકરીમભાઈ ઘીવાલા સમેતના મીઠડા મિત્રો. આજની આ સભાના અતિથિ વિશેષ કાઉન્સિલર ભૂપેનભાઈ દવે, આ અવસરની પછીતે દીવાદાંડી રૂપે સતત કાર્યશીલ અદમભાઈ ટંકારવી, સભાસંચાલક સંધ્યાબહેન, ઉપરાંત મારા સાથીદાર પંચમભાઈ શુક્લ, અહમદભાઈ ગૂલ, ઇલ્યાસભાઈ સિદાત, ભારતીબહેન વોરા અને સાહિદભાઈ પ્રેમી. 

સમય સમય પર આવા આવા મેળાવડા થયા કરે તેનું મહત્ત્વ છે. તેની દૂરગામી અસર વર્તાતી રહે છે. મને તો, આથી, 1976ના દિવસો સાંભરી આવે છે. આ જ સભાખંડ હતો. બ્રિટન ભરમાંથી આશરે ત્રણસો સાડાત્રણસો રસિકજનો અહીં ઊમટેલાં હતાં. રમેશ જાની, હરીશ આચાર્ય, હેમેન મોદી, રજની દાવડા શા મિત્રોએ, ‘આર્ટ ઑવ્‌ ઇન્ડિયા’ નામક સંસ્થાના નેજા હેઠળ, અહીં કવિ સમ્મેલનનું આયોજન કરેલું. ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિના મહારથીઓ તેમ જ લેસ્ટરના શહેરીઓ – ભાનુશંકર ઓધવજી વ્યાસ, વિનયભાઈ કવિ, વનુભાઈ જીવરાજ સોમૈયા, ચંદુભાઈ મટ્ટાણી, પ્રવીણભાઈ લુક્કા, વગેરે વગેરે અનેક – પણ હાજર હતા. લંડનથી મારા ઉપરાંત કવિ ડાહ્યાભાઈ પટેલ, બળવંતભાઈ નાયક, નિરંજનાબહેન દેસાઈ, કુસુમબહેન શાહ, યોગેશભાઈ પટેલ, પંકજભાઈ વોરા, વગેરે વગેરે ય હાજર.

અને તેને ઓટલે, ભોજન વેળા, બૉબી રેસ્ટોરાઁમાં બેઠક થઈ, અને પછીને ગાળે, ઇતિહાસ જાણે કે ખડો થયો. વળતા ફેબ્રુઆરી માસે, સન 1977માં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ઉદ્ભવ થયો. તેને ય હવે નજીકમાં પચાસ સાલનું છેટું.

ધીરા ખમીએ : મારે તમને સાતેક દાયકા પાછળ લઈ જવાનું મન છે. ટૅન્ઝાનિયા મારી જન્મભૂમિ. મુલકના ઉત્તર પ્રાંતમાં અરુશા નામે નગર. તે અમારું વતન. તેની નિશાળમાં અભ્યાસ ટાણે નિશાળના આચાર્ય રણજિત આર. દેસાઈ અને વર્ગશિક્ષક બી.સી. પટેલને, મારે આ તકે, નત મસ્તકે, યાદ કરવા જ રહ્યા. અમારી નિશાળનું નામ એ દિવસોમાં ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’. આરંભમાં ગુજરાતી માધ્યમ અને પાછળથી અંગ્રેજી. આવા શિક્ષકોને કારણે ગામમાં જ નહીં, નિશાળમાં પણ ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ની પ્રવૃત્તિમાં હું પૂરેવચ રહેલો, તે સાંભરે છે. એ બન્ને શિક્ષકોએ મારામાં ય ગુજરાતી માટેનું વહેણ વહેતું કરેલું. એ આજ લગી સભરસભર રહ્યું છે. એ બન્નેને ય નમન કરી લેવાનું, આથી, મન કરું છું. બસ, એ સમજથી આ વહેણ સતત વહેતું જ રહે તેમ મનસા-વાચા-કર્મણા જોવાનું રાખ્યું છે.

વારુ, કોણ માનશે ? … જોતજોતામાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની પથજાતરાને હવે પાંચ દાયકાનો પટ થશે. 12 ફેબ્રુઆરી 1977ના દિવસે તેની રચના થઈ હતી. આ પટ આનંદની હેલી સર્જે છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે.

આવી આ અકાદમીનું ય હું સંતાન છું. અને વળી, કવિ ડાહ્યાભાઈ પટેલ, બળવંતભાઈ નાયક, યોગેશભાઈ પટેલ, પોપટલાલભાઈ જરીવાળા, વલ્લભભાઈ નાંઢા, ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ કાગળવાળા, તેમ જ સુષમાબહેન શેઠના સરીખાં મારાં પૂર્વસૂરિઓનાં પેંગડામાં પગ ઘાલવાનો યત્ન કરતો કરતો, અહીં લગણ પહોચ્યો છું.

આમ, 1977થી આ પંથનો પંથી રહ્યો છું. અને, વળી, ‘દૂર કા રાહી’ નામક સન 1971માં બની હિન્દી ફિલ્મનો નાયક ગાય છે તેમ મારે ય કહેવાનું થાય છે : 

संगी साथी मेरे

अंधियारे उजियारे 

मुझको राह दिखाये 

पलछिन के फुलझारे

पथिक मेरे पथ के सब तारे …

કોને કોને સંભારું ? … સીધું સાંભરે છે : રમણભાઈ ડી. પટેલ, પોપટલાલ જરીવાલા, હીરાલાલ શાહ, વ્યોમેશ જોશી, જયાબહેન દેસાઈ, વિજ્યાબહેન ભંડેરી, લાલજીભાઈ ભંડેરી, જગદીશભાઈ દવે, નાગેશભાઈ ઓડેદરા, પંચમ શુક્લ, નીરજ શાહ, અનિલ વ્યાસ અને પછી ય કેટકેટલાં બાકી રહી જાય છે ! પણ કુંજ, કુન્તલ, મારાં માતાપિતા, મારા નાના ભાઈ વસંતને, તેમ જ એની પત્ની જયશ્રીને આમાં ન ભેળાં લઉં તો હું નાલાયક ઠરું. આ દરેકને કારણે હું રૂડો દીસું છું, ખરું ને ?

વળી, અકાદમીનાં અનેકવિધ કામો કરતી વેળાએ, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, રોહિત બારોટ, ડાહ્યાભાઈ મિસ્ત્રી, પ્રવીણ લુક્કા, રેણુબહેન માલદે, સુષમાબહેન શેઠના, શૂચિબહેન ભટ્ટ સરીખાં સરીખાં પારખુ ભેરુઓને પ્રતાપે સતત હૂંફ અનુભવાતી રહી.

વારુ, કવિ દલપતરામનાં કાવ્યોમાંથી પસાર થતાં, દલપત ગ્રંથાવલિ-1; દલપત-કાવ્ય : ભાગ 1ના પૃ. 21 પરે ‘એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર’ નામે એક કવિતા છે. સવાસોદોઢસો વરસ પહેલાંની આ રજૂઆતમાં, મનહર છંદમાં, કવિ જણાવે છે :

સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,

સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;

ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,

જાણી તેનું દુ:ખ ઘણો દીલગીર દીલ છું;

હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,

સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;

કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,

રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.

કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત વિવિધ અભ્યાસોના તારણ પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે. મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો વારસો છે અને તે, સ્વભાવગત, આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. 

જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.

જાણું છું, બૃહદ્દ ગુજરાતે ગુજરાતી આપણી માતૃભાષા ન પણ હોય; બલકે વારસાની જ ભાષા હોય. અને તેથી જ, કદાચ, અદમ ટંકારવી શા વિદ્વાન કહે છે, તે સમજાય છે : ‘બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાણ થઈ, અને હવે વિલીન થવાને આરે છે, એ વાત સાચી. આ તો પ્રાકૃતિક ઘટનાક્રમ છે. અમેરિકાના વિવિધ ડાયસ્પોરા સમાજોના અભ્યાસને આધારે સમાજશાસ્ત્રીઓ એવા તારણ પર આવ્યા છે કે ત્રણચાર પેઢી પછી વસાહતીઓનો વારસો ક્ષીણ થાય છે, અને તેમની અસલ ઓળખ ભૂંસાવા માંડે છે.’

અદમસાહેબનું આ તારણ હચમચાવી જાય છે. છતાં, તેથીસ્તો, વાસ્તવિક્તાનો સ્વીકાર છે. તળ ગુજરાતમાં ય પાણી ડૂકી રહ્યાં હોય તેમ વર્તાય છે !

સમાપન તરફ વળતાં, ગયા ડિસેમ્બરે જેમણે રજા લીધી એ આ નગરનાં શહેરી અને જાણીતાં કવયિત્રી કીર્તિબહેન મજેઠિયા આ તકે સાંભરે છે. લેસ્ટર માંહેની આવી અનેક બેઠકોમાં એમની હાજરી રહેતી. અને હવે એમની ખોટ સાલશે.

વારુ, આ સમૂળી રજૂઆતની પછીતે આ બહુમાનનો આદરભેર સ્વીકાર કરું છું. અને જોડાજોડ સંપૂર્ણપણે સમજું ય છું કે આ સન્માન ફક્ત મારા પૂરતું નથી. એ અકાદમીને નામ, અકાદમીનાં કામેને નામ, અકાદમીનાં કાર્યવાહકોને નામ, તેમ જ મારાં અનેકવિધ સાથીદારોને નામે પણ ખતવાયું છે. એ વગર હું સરિયામ ઓશિયાળો જ સાબિત થયો હોત.

યોજકોને, અહીં હાજર છો તે તમારો સૌનો ય સહૃદય આભારવશ છું.  

પાનબીડું :   

पंथी हूँ मैं उस पथ का

अंत नहीं जिसका

आस मेरी है जिसकी दिशा

आधार मेरे मन का

पंथी हूँ मैं उस पथ का

जिस पथ पर देखे कितने

सुख दुःख के मेले

फूल चुने कभी खुशियों के

फूल चुने कभी खुशियों के

कभी काँटों से खेले

जाने कब तक चलना है

मुझे इस जीवन के साथ

पंथी हूँ मैं उस पथ का

संगी साथी मेरे

अंधियारे उजियारे

मुझको राह दिखाये

पलछिन के फुलझारे

पथिक मेरे पथ के सब तारे

और नीला आकाश

पंथी हूँ मैं उस पथ का

अंत नहीं जिसका

आस मेरी है जिसकी दिशा

आधार मेरे मन का

पंथी हूँ मैं उस पथ का                       

[दूर का राही [1971]

24 મે 2025
e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

નો કિંગ-૧: અમેરિકાને રાજા નહિ, આઝાદી જોઈએ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|14 June 2025

હેમન્તકુમાર શાહ

એક વ્યક્તિએ હમણાં જ લખ્યું છે કે, “અમેરિકામાં અમેરિકા જે કંઈ કરી રહ્યું છે તે જો અમેરિકા જુએ તો, ખ્યાલ આવે કે અમેરિકાના ત્રાસથી અમેરિકાને આઝાદ કરવા માટે અમેરિકા અમેરિકામાં આક્રમણ કરે.”

છેલ્લાં સવાસો વર્ષમાં અમેરિકન રાજ્યના કે અમેરિકનોના સેંકડો રાજકીય ગુના હશે, અને છે પણ ખરા, તેમ છતાં અમેરિકા દુનિયાભરમાં તેની વાયબ્રન્ટ લોકશાહી અને વ્યક્તિની આઝાદીનાં ઉચ્ચ શિખરો માટે માનવજાતના ઇતિહાસમાં પંકાયેલું છે અને રહેશે. દુનિયાભરમાં માણસની સ્વતંત્રતા અને લોકશાહી માટે અમેરિકાનો જ દાખલો દેવાતો રહ્યો છે. પણ આજે એ લોકશાહી અને વ્યક્તિની આઝાદી ખતરામાં આવી પડ્યાં છે એમ લાખો અમેરિકનોને લાગી રહ્યું છે અને તેથી આજના દિવસે તેઓ તેના રક્ષણ માટે ‘ન રાજા’ (No Kings) આંદોલનના નામે રસ્તા પર આવી રહ્યા છે.   

અમેરિકામાં આજની રેલીઓ માત્ર અમેરિકાના ઇતિહાસમાં જ નહિ પણ માનવજાતના ઇતિહાસમાં એક અવિસ્મરણીય ઘટના બનીને અનંત કાળ સુધી જીવતી રહેશે. એનું કારણ એ છે કે આજે પોતાની જાતને સીધી કે આડકતરી રીતે રાજા તરીકે સ્થાપવા માગતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ૭૯મો જન્મદિન છે, એટલું જ નહિ પણ, દેશની રાજધાની વોશિંગ્ટનમાં અમેરિકન લશ્કરની સ્થાપનાનાં ૨૫૦ વર્ષની ઉજવણી થઈ રહી છે અને બહુ મોટા ખર્ચે ભવ્ય લશ્કરી પરેડ થઈ રહી છે. આજનો દિવસ ફ્લેગ ડે તરીકે પણ અમેરિકામાં ઉજવાય છે કારણ કે ૧૭૭૭માં આ જ દિવસે તેના આજના રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.  

‘નો કિંગ્સ’ આંદોલન અમેરિકામાં ‘૫૦૫૦૧’ આંદોલનના વિષય પર આધારિત છે. ૫૦ રાજ્યો, ૫૦ વિરોધ અને એક આંદોલન; એવા ખ્યાલ સાથે આ અંદોલન શરૂ થયું છે. અમેરિકામાં તમામ ૫૦ રાજ્યોમાં આજે મોટાં શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી નીતિઓના વિરોધમાં રેલીઓ નીકળશે. લોકો એમ માને છે કે ટ્રમ્પ દ્વારા જે નીતિઓ અપનાવવામાં આવી રહી છે તે લોકશાહી રીતે ચૂંટાયેલા નેતાને છાજે તેવી નથી પણ રાજા જેવી છે. અને એટલે જ ‘નો કિંગ્સ’ જેવું નામ આ આંદોલનને આપવામાં આવ્યું છે.

ટ્રમ્પની નીતિઓ સામેનું આ આંદોલન કેમ છે? ડોનાલ્ડ ટ્રમ્પ તાનાશાહી રીતરસમ અપનાવે છે, અબજોપતિઓ તેમને માટે પહેલા ખોળાના બન્યા છે અને ટ્રમ્પ દેશનું લશ્કરીકરણ કરી રહ્યા છે એવા આરોપો સાથે આ વિરોધી દેખાવોના આયોજકો અમેરિકાને ધમરોળી રહ્યા છે. ‘નો કિંગ્સ’ની વેબસાઈટ એમ કહે છે કે “રાષ્ટ્રધ્વજ કંઈ ટ્રમ્પની માલિકીનો નથી, એ તો અમેરિકન નાગરિકોનો છે. ૧૪મી જૂને તેઓ જ્યાં નથી ત્યાં બધે જ અમે ઊભા રહીશું અને કહીશું કે – સિંહાસન નહિ, તાજમુગટ નહિ, રાજા નહિ.”

અમેરિકામાં આશરે ૨,૦૦૦ સ્થળોએ ‘નો કિંગ્સ’ના દેખાવો થવાના છે એમ આંદોલનકારો કહી રહ્યા છે. તેમની વેબસાઈટ પર તેઓ કહે છે કે, “તેમણે અમારી અદાલતોની અવજ્ઞા કરી છે, અમેરિકન લોકોનો દેશનિકાલ કર્યો છે, શેરીઓમાંથી લોકોને તગેડી મૂક્યા છે, અમારા નાગરિક અધિકારો પર તરાપ મારી છે અને અમને રાજ્ય તરફથી મળતી સેવાઓ પર કાપ મૂક્યો છે.” જે લશ્કરી પરેડ થવાની છે તે “ખર્ચાળ, ઉડાઉ અને બિન-અમેરિકન” છે એમ તેઓ કહે છે કારણ કે તેમાં આ વર્ષે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ લશ્કરી વાહનો અને સૈનિકોને જોડવાનું નક્કી કરેલું છે.  

આ દેખાવો અહિંસક રહેશે અને કોઈ પણ જાતની ઉશ્કેરણી થાય તો પણ દેખાવકારો શાંત રહે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. લાખો લોકો જેમાં ભાગ લેવાના છે તેવા આજના દેખાવોમાં કોઈ શસ્ત્રો લઈ જવામાં નહિ આવે એમ પણ તેમણે કહ્યું છે. અત્યાર સુધીમાં આ દેખાવોમાં ૧૫.૩૩ લાખ લોકોએ પોતાની ભાગીદારી માટે નામ નોંધાવી દીધું છે.

જ્યાં નાગરિક તાનાશાહી, સામ્યવાદી તાનાશાહી, લશ્કરી તાનાશાહી, ધાર્મિક તાનાશાહી કે રાજાશાહી છે તે દેશોની તો વાત જ બાજુ પર મૂકો. પરંતુ ભારત જેવા જે દેશોમાં લોકશાહી છે ત્યાંના નાગરિકોએ આ દેખાવોમાંથી બોધપાઠ લેવો જોઈશે અને લોકશાહી વ્યવસ્થામાં તાનાશાહીનાં જે તત્ત્વો ઘૂસતાં દેખાતાં હોય તેમને રોકવા માટે જહેમત ઉઠાવવી પડશે.             

દુનિયામાં સામ્યવાદી સરમુખત્યારશાહી અને સોવિયેત સંઘનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે છેક ૧૯૭૧માં પ્રકાશિત થયેલું ગેરી એલન નામના લેખકનું એક પુસ્તક મેં વાંચેલું લગભગ ૧૯૭૭માં. એનું નામ છે : ‘None Dare Call it Conspiracy’. ગુજરાતીમાં: ‘કોઈ એને કાવતરું કહેવાની હિંમત નહિ કરે’. એ પુસ્તકમાં ત્યારે લેખકે એમ કહેલું કે તાનાશાહીનો પ્રવાહ કંઈ માત્ર મોસ્કો, બૈજિંગ, બર્લિન, જોહાનિસબર્ગ કે રિયોદજાનેરોમાંથી જ નથી વહેતો પણ એ વોશિંગ્ટન, દિલ્હી, લંડન અને પેરિસથી પણ વહે છે. આની સામે આજે ચેતવાનું છે.

રાજકીય નેતાઓ રાજાની જેમ વર્તવા માંડ્યા છે, લોકોને ગુલામ થવા સમજાવી રહ્યા છે અને તેઓ લોકોને એમ કહે છે કે ગુલામીમાં જ તેમનું સુખ સમાયેલું છે, અને લોકો માની પણ લે છે એ એક મોટું તાજ્જુબ છે. ખરેખર તો માણસ સ્વતંત્ર રહેવા માટે જ જન્મ્યો છે અને તે રાજ્ય કે સરકારોનો ગુલામ થઈ બેઠો છે. વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર કહે છે તેમ “મનુષ્ય પર સ્વતંત્ર થવાનો અભિશાપ છે.” 

ચાલો, સ્વતંત્ર મનુષ્ય તરીકે જીવવા માટે લડીએ એમ અમેરિકાનું ‘નો કિંગ્સ’ આંદોલન કહે છે. જેવી છે તેવી પણ લોકશાહી જ સારી છે. ખરાબ લોકશાહીનો ઉપાય સારી લોકશાહી છે, તાનાશાહી કે રાજાશાહી નહિ; લોકશાહીનું માળખું નામ પૂરતું યથાવત રાખીને ચલાવવામાં આવતી તાનાશાહી કે રાજાશાહી પણ નહિ.  

તા. ૧૪-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માલ્યા મામલે કોણ બકરો ? કોની ચડી બલિ?

નેહા શાહ|Opinion - Opinion|14 June 2025

નેહા શાહ

મૂડીવાદી અર્થતંત્રના વિકાસની સાથે જેમ જેમ કોર્પોરેટ સેકટરનું મહત્ત્વ વધતુ ગયું તેમ તેમ કોર્પોરેટના વહીવટ (ગવર્નન્સ) અંગે ચર્ચા શરૂ થઇ. આધુનિક કોર્પોરેટ સેક્ટરના વેપાર માત્ર એક વ્યક્તિ કે કુટુંબ પૂરતા સીમિત નથી રહ્યા, એમાં સામાન્ય લોકોના પૈસાનું રોકાણ હોય છે. નાણાંકીય સંસ્થા જે ધિરાણ આપે છે તે પૈસા પણ સામાન્ય માણસોએ બેંક મુકેલી થાપણમાંથી આવે છે. એટલે જ્યારે ગેરવહીવટના પરિણામે કોઈ કંપની ખોટ કરે ત્યારે એના ભેગા લાખો લોકોની મૂડી ધોવાઈ જાય છે. સાથે કંપનીમાં કામ કરતાં કર્મચારી તેમ જ કંપનીને પુરવઠો પૂરો પાડતા અનેક નાના વેપારીઓને પણ ઊંડી અસર થાય છે. આ ઉપરાંત, જ્યારે કરોડોનાં ધિરાણની ચુકવણી ન થાય ત્યારે બેંક માટે નવું ધિરાણ કરવું કપરું બને છે, જેની સૌથી માઠી અસર નાણાં ઉદ્યોગ – વેપારી પર પડે છે. આમ, કોર્પોરેટ વેપારના નફા-નુકસાનની ઘણી વ્યાપક અસર થતી હોય છે. 

મોટા વેપારની પડતીના ઘણા કિસ્સામાં વ્યક્તિગત લોભ કારણ હોવાનું જણાયું છે. આવો જ એક કિસ્સો કિંગફિશર એરલાઈન્સ છે જેને ભારતના નાગરિકો કઈ રીતે ભૂલે? માર્ચ ૨૦૧૬માં ૯,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું પાછળ મૂકી વિજય માલ્યા દેશ છોડીને ગયા પછી પાછા આવ્યા જ નહિ, તે હાલમાં – જૂન ૨૦૨૫માં નવ વર્ષની ચુપ્પી પછી ફરી સપાટી પર આવ્યા છે. રાજ સમાની નામના યુવાન પોડકાસ્ટર સાથેના ચાર કલાક લાંબા પોડકાસ્ટ દ્વારા માલ્યા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આખો પોડકાસ્ટ સાંભળો તો એવું જ લાગે કે જાણે માલ્યા ભારતના વહીવટનો ભોગ બન્યા છે. પાછલા દાયકામાં વિશ્વસનીયતા માટે વગોવાયેલા મીડિયા તેમ જ ઈ.ડી. અને સી.બી.આઈ. સામેની ટીકાનો પણ માલ્યા પોતાના બચાવમાં બખૂબી ઉપયોગ કરી લે છે. તાત્કાલીન નાણાં મંત્રી પ્રણવ મુકરજીએ આપેલી એરલાઈન્સના વેપારનો વ્યાપ નહિ ઘટાડવાની સલાહને માનવાનો અફસોસ વ્યક્ત કરે છે જેની સ્પષ્ટતા આજે કોઈ કરી શકે એમ નથી. 

માલ્યાના પોડકાસ્ટમાંથી કરોડપતિઓ અને કોર્પોરેટ ગવર્નન્સ અંગેના તેમના વલણનો ચિતાર ઊભો થાય છે. માલ્યા કહે છે એમ ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી એમને નડી ગઈ એ વાત સાચી છે. આ સમય દરમ્યાન પેટ્રોલની કિંમત એક બેરલના ૧૪૦ ડોલર સુધી પહોંચી હતી જેનાથી વિમાન ઉડાડવાનો ખર્ચ ખૂબ વધી ગયો. તે સમયે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વિદેશી રોકાણ માટે ખુલ્યું ન હતું એટલે ઇતીદાહ જેવી એરલાઈન્સની તૈયારી હોવા છતાં કિંગફિશરમાં રોકાણ કરવાની મંજૂરી મળી નહિ. લોન, એની ઉપર ચડતું વ્યાજ અને પેનલ્ટી એ સાથે નહિ ચુક્વલી ટેક્સની રકમ બધું ગણો તો રકમ ૯,૦૦૦ કરોડથી પણ વધી ગઈ હતી. બેન્કોએ વ્યાજ ઘટાડ્યું, મુદ્દત વધારી તેમ છતાં વધતા દેવાને પહોંચી વળવું અઘરું હતું. માલ્યા તરફથી સેટલમેન્ટની જે દરખાસ્ત આવી હતી એ ૪,૦૦૦ કરોડ રૂપિયાની હતી – કુલ  લેણાની અડધી રકમ પણ નહિ! બેન્કે આ દરખાસ્ત સ્વીકારી નહીં. આ ૨૦૧૫-૧૬ના અરસાની વાત છે જ્યારે મોટા મોટા હેરકટ સાથે લોનનું સેટલમેન્ટ કરવાની પ્રથા શરૂ થઇ ન હતી. આ નીતિ-વિષયક માહોલ કિંગફીશરની  વિરુદ્ધ ગયો એ વાત સાચી. 

ધંધામાં ખોટ જવી એ ગુનો નથી. સંજોગો બદલાય તો ગણતરી અવળી પડી શકે છે. પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે કંપનીનાં નાણાંનો ઉપયોગ કંપનીના કર્તા-હર્તા પોતાના વ્યક્તિગત હિતને સર્વોપરી ગણી કરે છે. કિંગફીશરની કટોકટી દરમ્યાન વિજય માલ્યાના જીવન ધોરણમાં તો કોઈ ખાસ ફર્ક દેખાયો નહિ. આ સમય દરમ્યાન અતિશય ઝાકમઝોળ સાથે વિજય માલ્યાએ પોતાની સાઠમી વર્ષગાંઠ ઉજવી. ફોર્મ્યુલા-૧ અને આઈ.પી.એલ. ટીમ ખરીદવા જેવા ખર્ચ થયા. કંપની જ્યારે દેવામાં હોય, જ્યારે કર્મચારીઓના પગાર ચુકવવા પૈસા ન હોય, જ્યારે સાથે સંકળાયેલા નાના વેપારીની ચુકવણી અટકી હોય, જ્યારે ટેક્સના પૈસા ઉઘરાવ્યા છતાં ચુકવાયા ના હોય, ત્યારે કંપનીનો માલિક પોતાની ‘વ્યક્તિગત મિલકત’માંથી પણ ઐયાશ કહી શકાય એવા ખર્ચ કરે, એ નૈતિક રીતે કેટલું યોગ્ય ગણાય? આ બધા ઉપરાંત માલ્યા સામે નાણાંનો દુરુપયોગના જે આરોપ છે એ તો ઊભા રહે જ છે. ઈ.ડી.એ કરેલી ચાર્જશીટ પ્રમાણે કિંગફિશર એરલાઈન્સને મળેલ લોનમાંથી ઓછામાં ઓછા રૂ. ૩,૫૪૭ કરોડ રૂપિયાનો ઉપયોગ ખાનગી જેટ વિમાન ખરીદવામાં (જેનો ઉપયોગ માત્ર વિજય માલ્યા કરતા હતા) તેમ જ ફોર્મ્યુલા વન અને આઈ.પી.એલ. ટીમની ખરીદી માટે વપરાયા છે. આ સાથે વિમાન માટે ઊંચા ભાડાના બિલ બનાવવા જેવા ગોટાળાના પણ આરોપ છે. આ ઉપરાંત પણ કેગ, આવક વેરા વિભાગ તેમ જ બેન્કના અહેવાલો પણ બતાવે છે કે યુ.બી. ગ્રુપના આંતરિક નાણાંકીય વહીવટોમાં ‘વ્યક્તિગત નાણાં’ અને કંપનીનાં નાણાં વચ્ચે ભેદ ધૂંધળો જ હતો. 

સરકારે ટાંચમાં લીધેલી માલ્યાની સંપત્તિમાંથી લહેણાણી વસૂલી થઇ ચુકી છે. આજે બદલાયેલી પરિસ્થિતિમાં માલ્યા ખૂલીને કહે છે કે તેમને બલિનો બકરો બનાવાયો છે. એમના ટેકામાં દેશના અન્ય ઉદ્યોગપતિઓ પણ ખૂલીને બોલી રહ્યા છે. ત્યારે કોર્પોરેટ સેક્ટરના કામ કરવાનાં માહોલની, સરકારી નીતિની તેમ જ ‘વ્યક્તિગત’ અને ‘કંપની’ વચ્ચેના તફાવત કરતા ગવર્નન્સ અંગે ચર્ચા ફરી એકવાર જરૂરી બને છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...330331332333...340350360...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved