Opinion Magazine
Number of visits: 9968687
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મત કોને આપવો ? ઉમેદવારને કે પક્ષને ?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 April 2019

ચૂંટણી વખતે પોતાને જાગૃત નાગરિક તરીકે ઓળખાવનારાઓ નાગરિક પ્રબોધનને પોતાનું કર્તવ્ય માનીને બે સલાહ આપે છે. એક તો એ કે નાગરિકે મતદાન કરવું જ જોઈએ. એ નાગરિકનો અધિકાર છે અને મતદાન કરો તો જ લોકતંત્ર મજબૂત થાય. કેટલાક તો ત્યાં સુધી સલાહ આપે છે કે કાયદો ઘડીને મતદાન ફરજિયાત કરવું જોઈએ. પાછલાં વર્ષોમાં ઊહાપોહ કરવામાં આવતો હતો કે નાગરિક પોતાનો ધર્મ બજાવવા માગે છે પણ કોઈ ઉમેદવાર જ લાયક ન હોય ત્યાં શું કરવું? અમારે અમારો અવાજ અને અધિકાર જતાં કરવાં પડે છે. તેઓ તેમનો અવાજ અને અધિકાર વ્યક્ત કરી શકે એ માટે નોટા(નન ઑફ ધિ એબવ)ની વ્યવસ્થા કરી આપી છે. આ તો જાણે બરોબર છે. આવી શિખામણ સામે વાંધો ન હોઈ શકે.

તેઓ બીજી શિખામણ એવી આપે છે કે ઉમેદવાર જોઇને મત આપવો. તમારો ઉમેદવાર ચારિત્ર્યવાન હોવો જોઈએ, ભ્રષ્ટ ન હોવો જોઈએ, લોકોનું તત્પરતાથી કામ કરતો હોવો જોઈએ, જો આ પહેલાં તમારું તેણે પ્રતિનિધિત્વ કર્યું હોય તો તેની કામગીરી ચકાસવી જોઈએ, વગેરે. કેટલાક વળી હજુ આગળ વધીને શિખામણ આપે છે કે ઉમેદવાર જ્ઞાતિ કે ધર્મનું રાજકારણ કરનારો ન હોવો જોઈએ અને તેના નામે મત માગનારો ન હોવો જોઈએ.

લોચો અહીં છે. યક્ષપ્રશ્ન એવો છે કે મતદાતાએ ઉમેદવારને જોઇને મત આપવો જોઈએ કે પક્ષને? ૧૯૫૧-૫૨ની પહેલી ચૂંટણીથી આજ સુધીમાં લોકસભાની ૧૭ અને વિધાનસભાઓની ૪૦૦થી વધુ ચૂંટણીઓ યોજાઈ છે અને એમાં જો મતદાતાએ ઉમેદવારમાં ઉપર મુજબનાં ગુણ જોઇને મતદાન કર્યું હોત, તો ભારતની સ્થિતિ આજ જેવી ન હોત. ગામના ઉતારોને, કોમવાદીઓને, જ્ઞાતિવાદીઓને, પ્રાંતવાદીઓને, ભાષાવાદીઓને રાજકારણમાં પ્રવેશ જ ન મળ્યો હોત. આજે એ લોકો જાહેરજીવનને, રાજકીય પક્ષોને અને સમૂળગા રાજ્યને હાઇજેક કરી ગયા છે, કારણ કે આપણે ‘આપણા’ને મત આપ્યો હતો પછી ‘આપણો’ ભલે હરામખોર હોય. એનાથી કોઈ ફરક પડતો નથી. જાગૃત નાગરિકોએ તો ત્યારે પણ સલાહ આપી હતી કે ભારતની જનતાએ ભારતના નાગરિક તરીકે વોટ આપવો જોઈએ એટલે ઉમેદવાર ‘મારો’ થયો, ‘આપણો’ નહીં. એ માણસ હોવો જોઈએ માણસાઈની અખિલાઈની વાત કરતો હોવો જોઈએ. પણ ભારતના નાગરિકોએ એની ચિંતા કર્યા વિના આપણાને મત આપવાનું શરૂ કર્યું.

આપણે ખાસ છીએ, આપણી આટલી સંખ્યા છે, આપણું આટલું વર્ચસ્‌ છે, આપણે આપણું ચડિયાતાપણું સાબિત કરવું જ જોઈએ, આપણી સાથે અન્યાય થાય છે, આ કળિયુગમાં આપણે સંગઠિત ન થઈએ તો ફેંકાઈ જઈએ, આપણો અવાજ બુલંદ હોવો જ જોઈએ, આપણને સત્તામાં ભાગ મળવો જ જોઈએ, આપણે એકલા સત્તા ભોગવવાની લાયકાત ધરાવીએ છીએ કારણ બીજા તો બહારથી આવેલા છે, વગેરે વગેરે. આપણે, આપણે, આપણે ! આ આપણેપણાની માનસિકતામાંથી આપણા માટે આપણા પક્ષ રચાવા લાગ્યા. ભારતીય લોકતંત્ર; લોકનું, લોકો દ્વારા, લોકો માટેનું બનવાની જગ્યાએ આપણું, આપણા દ્વારા, આપણા માટેનું બની ગયું.

તમને કદાચ જાણ નહીં હોય, ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણી વખતે જ માત્ર આપણા માટે ખાસ કામ કરનારા અલાયદા બે ડઝન (કુલ પક્ષસંખ્યા ૫૩) પક્ષ રચાઈ ગયા હતા.   તમને એ વાતની પણ કદાચ જાણ નહીં હોય કે ૧૯૩૦-૩૧માં અંગ્રેજ સરકારે ગોળમેજ પરિષદ બોલાવી ત્યારે ખાસ ‘આપણા’નું પ્રતિનિધિત્વ કરવા કુલ ૭૪ પ્રતિનિધિઓ ગયા હતા. એમાં એક માત્ર ગાંધીજી ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા અને બાકીના બધા ‘પોતાના’નું કે ‘આપણા’નું પ્રતિનિધિત્વ કરતા હતા. ગાંધીજી બધાનું – સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે એવા તેમના દાવાને નકારવા આપણા પ્રતિનિધિઓ આપણી વાત કરવા ખાસ પરિશ્રમ ઉઠાવીને લંડન ગયા હતા. ભવિષ્યમાં મળનારી સત્તાકીય વ્યવસ્થા અંગે ભારતમાં આપસમાં સમજૂતી થાય એ માટે લંડનમાં ત્રણ વખત ગોળમેજ પરિષદ બોલાવવામાં આવી હતી. ભવિષ્યમાં સત્તાની વહેંચણીમાં ઝઘડો ન થાય એ માટે સમજૂતી કરવા એક ટેબલ પર સાથે બેસાડવામાં આવ્યા હતા એનો અર્થ જ એ થયો કે આપસમાં સમજૂતી નહોતી.

આમ સમગ્ર ભારત અને ભારતની તમામ પ્રજા માટે નહીં, પરંતુ માત્ર આપણા લોકો માટે જ વિચારવાની અને કામ કરવાની પ્રવૃત્તિ આપણે ત્યાં યુગો જૂની છે, જેને સંસદીય રાજકારણમાં રાજકીય સ્વરૂપ મળ્યું છે. ૧૯૫૧-૫૨થી ભારતીય નાગરિકે આપણાને આપણો છે માટે ઉત્તેજન આપીને પોષ્યા છે અને તેમની રાજકીય તાકાત વિકસાવી આપી છે. આવા આપણા અને પરાયાના રાજકારણે એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે જેટલું ગામના ઉતાર જેવા ઉમેદવાર રાજકારણીએ નથી પહોંચાડ્યું. એ કદાચ ભ્રષ્ટ અને ચારિત્ર્યહીન હશે, પરંતુ એ સમાજમાં વિખવાદ નથી પેદા કરતો. હું એમ માનું છું કે અત્યારની સ્થિતિમાં ભારતના સુજ્ઞ નાગરિકે ઉમેદવાર નહીં, પક્ષની પસંદગી કે નાપસંદગી કરવી જોઈએ. પહેલા તો એવા પક્ષોને નાપસંદ કરવા જોઈએ જે માત્ર ચોક્કસ કોમના હિત માટે કામ કરતા હોય. આપણા માટે કામ કરનારા બીજા માટે કામ ન કરી શકે અને બીજા માટે કામ કરનારા આપણા માટે કામ ન કરી શકે. આવા લોકો સત્તા ખાતર સમાજ વિભાજન કરે છે અને છતાં જો મતદાતા એ આપણા છે માટે મત આપતા હોય તો પહેલો ગુનેગાર નાગરિક છે, રાજકીય નેતા કે પક્ષ નથી. 

તમને એ વાતની પણ કદાચ જાણ નહીં હોય કે ભારતીય બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ જ નથી. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર એમ ઘણું થયું, હવે આપણે ભારતીય બનવાનું છે. નાગરિક પોતાનો પ્રતિનિધિ ચૂંટશે, એ પ્રતિનિધિ પ્રતિનિધિગૃહમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરશે, પ્રતિનિધિઓ પ્રતિનિધિગૃહમાં તેમના નેતાને ચૂંટશે અને એ નેતા કેન્દ્રમાં કે રાજ્યમાં સરકાર રચશે. આમ બંધારણ મુજબ વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન ગૃહના નેતા તરીકે ઓળખાય છે, પક્ષના નહીં.

એ તે કેવું દુર્ભાગ્ય કે દેશનો વડો પ્રધાન પક્ષનો વડા પ્રધાન બની જાય છે! શિવાજી મહારાજને મરાઠા બનાવી દેવામાં આવે છે અને સરદાર પટેલ ગુજરાતના અને હવે તો પટેલોના. પહેલી શરત છે આપણે ભારતીય બનીએ અને જે ભારતીય નથી તેને નકારીએ. ટૂંકમાં તમે તમારો મત ઉમેદવારને જોઇને નહીં આપતા પક્ષને જોઇને આપજો. 

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઍપ્રિલ 2019

Loading

ભીંતે લટકાવેલ છબી

વિજય શાહ|Opinion - Short Stories|13 April 2019

“હ્યુસ્ટનમાં કેન્સરને લઈ સારવાર સારી મળે છે, તું ધવલને લઈને અહીં આવી જા.” ફોન ઉપર મીતા તેની નાની બહેન ટીનાને વિનવતી હતી.

ટીના કહે, “અહીં મુંબઈમાં પણ સારવાર સારી મળે છે, તેથી તેને માટે કીમો ચાલુ કરી દીધો છે.”

“પણ બે’ના, તેના ટેસ્ટ રિઝલ્ટ અને મેડિકલ ફાઇન્ડીગ અને એક્સરે તો મોકલ. બીજો ઓપિનિયન તો લેવાય.”

ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું, ધવલને બ્રેઇન ટ્યુમર છે, તેથી અહીંના ડોક્ટર તો ના જ કહે છે. તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ. બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવા દો.

“પણ પરાશરભાઇ, તેમ હથિયાર હેઠાં મૂકી ના દેવાય ને?” મીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો, ત્યારે પરાશરભાઇ બોલ્યા, “મીતાબહેન, હું ડોક્ટર પણ છું, અને બાપ પણ .. પૈસો પણ ખરચવામાં પાછો પડું તેમ નથી. ધવલ માટે થઈ શકે તે બધું કર્યું છે. અને હજી પણ કરીશ, પણ આ તો પ્રભુનો હુકમ. ના તોડાય કે ના ઉવેખાય.”

મીતા ક્ષણ માટે તો ધૂવાંપૂવાં થઈ ગઈ. ૧૬ વરસના ધવલને પ્રભુ ભરોંસે મરવા મૂકી દેવાની વાત એના ગળે ઊતરતી નહોતી. અને ડોક્ટર પરાશરની વાત આમ તો એકદમ વહેવારની હતી. તે તો માસી હતી, જ્યારે ડૉ પરાશર તો બાપ. વળી તે જાણતા હતા બ્રેઇન કેન્સરની દવા શોધાઇ ન હતી.

ટીનાએ ફોન લીધો ત્યારે મીતાનું કંઇ ન કરી શકવાનું ફ્રસ્ટ્રેશન આંસુ બનીને નીકળી રહ્યું હતું.   “આ કેવું દુઃખ! આપણા દીકરાને તલ તલ મરતો જોતા રહેવાનો અને કંઇ જ ના કરી શકાયનો અફસોસ! કરતાં રહેવાનો.”

ટીના કહે, મીતાબે’ન! મને તમને થતી વેદનાઓ સમજાય છે. એક્સરેમાં નાનો મગનો દાણો હતો ત્યાં સુધી પરાશર આશાવંત હતા. પણ હવે તે ગાંઠ બહુ મોટી થઈ ગઈ છે. કોઇ દવા કે કીમો અસર નથી કરતી. તે ગાંઠની બાજુનાં કોષો પણ બહુ ઝડપથી વધે છે ..

મોટીબે’ન, તેં તો જ્યારે તેના માથામાં સણકા શરૂ થાય તે પીડા તો જોઇ જ નથી. તેના કયા ભવના પાપ ફૂટી નીકળ્યા હશે કે સહન ના થાય તેવી વેદનાઓ માથાના દુઃખાવા તરીકે થાય છે. શરૂ શરૂમાં તોતે ચીસો પાડતો અને રડતો, પણ તેની વેદનાથી પીડાતા અમને જોઇને તેણે મનને કાઠું કરી લીધું. અમને કહે મને વેદના થાય ત્યારે તમે લોકો મને કે મારી વેદના ના જુઓ, પણ મારા માટે પ્રભુ દ્વારે જાપ કરો.

જેમ સૂરજ ઉપર ચઢે તેમ વેદનાઓ વધે અને તે વેદનાઓને સહ્ય બનાવવા પરાશરના બાપુજીએ દાદાભગવાને સમજાવેલી એક રીત બતાવી અને તે રીત મનને મજબૂત બનાવવાની સલાહ આપી.

તેમણે ધવલને કહ્યું કે તારા મનને કેળવ અને સમજાવ કે આ દરદ જે મારા શરીરને થાય છે તેનાથી તેનો ‘આત્મા ભિન્ન છે. અલગ છે અને તેના આત્માએ ભવાંતરમાં કોઇક એવો ગુનો કર્યો હતો તે ગુનાની સજા તરીકે આ કેન્સર તેને વળગ્યુ છે. આ સજા વેઠીને તારા આત્માને ગુના મુક્ત કરવા પ્રભુ પિતા સક્રિય બન્યા છે. તું આ ભવે આ સજા વેઠી લઈશ તો આવતા ભવે આ કર્મ ખપી જશે. તે ગુનાની સજા રડતા રડતા ભોગવીશ તો કર્મ બેવડાશે .. હસતા હસતા વેઠીશ તો ખપી જશે.

આ તો પ્રભુનો હુકમ છે. આ સમજને કેળવીને ધવલ અધ્યાત્મનાં રસ્તે ચઢતો ગયો ત્યારથી વેદનાઓની અનુભૂતિઓનો ભાર ઘટતો ગયો. પણ એક પ્રશ્ન નો જવાબ તેને કદી ના મળ્યો. તે જ આ રોગનો ભોગ કેમ બન્યો? તેનો શું ગુનો હતો? ડો. પરાશર પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા. કર્મ અને ભવાંતરની વાતો તે સાંભળતા પણ સ્વીકારતા નહોતા. ધવલની શાંત આંખો પણ આવી જ દલિલો કરતી પણ ક્યાં ય કોઇ પાસે જવાબ નહોતો.

આ બાજુ પીડાથી વ્યથિત ધવલ કોણ જાણે શું ય સમજ્યો કે પપ્પા અને મમ્મીને ખબર છે કે મારો ઇલાજ શું છે પણ તેઓ કશું જ કરતા નથી. તેથી તે દિવસે દાદાને પૂછ્યું કે મારા માવતર કે ડોક્ટર કેમ મારો સફળતાપૂર્વક ઇલાજ નથી કરાવતા? મારો આ માથાનો દુખાવો મારાથી સહન નથી થતો. ટીના કકળી ઊઠી, “બેટા, અમારાથી થાય તે બધું કરીએ છીએ, પણ તું દરદ એવું લઈને બેઠો છે કે તેની દવા હજી શોધાઈ નથી.”

જ્યારે તેને સારું લાગતુ હતું, ત્યારે ગુગલ ઉપર તે ફંફોસતો અને એક દિવસે તેની શોધ એક શબ્દ ઉપર પૂરી થઈ :

Grade I brain tumours may be cured if they are completely removed by surgery. Grade II — The tumour cells grow and spread more slowly than grade III and IV tumour cells. They may spread into nearby tissue and may recur (come back). … Grade IV tumours usually cannot be cured.

તે પપ્પા મમ્મીની ચૂપકીદી સમજી ગયો હતો. તેનું કેન્સર તબક્કા ૪ ઉપર હતું. તેની જિજીવિષા ખતમ કરવા છેલ્લું વાક્ય પૂરતું હતું. તે સમજી ગયો હતો હવે તેનાં અંત સમયની રાહ જોવાતી હતી. તે એવા કૂવામાં પડી ચૂક્યો હતો, જ્યાંથી ફરી ક્યારે બહાર તે આવવાનો નહોતો. તેને પપ્પા મમ્મીની પીડા સમજાતી હતી, અને તેથી ધરાને કહ્યું “બહેન હું હવે નહીં બચું બહેન. તું પપ્પા અને મમ્મીની બહુ સેવા કરજે.”

તે ક્યારેક આ સજા સામે ઉદ્દંડ બની જતો. તેને સારવાર આપતા ડોક્ટર, તેના માવતર અને તેના પ્રભુ કોઇ કશું તેને કહેતા નહીં. તે પોતાની જાતને ગુનેગાર માનતો નહોતો, પણ સમજી શકતો હતો અને મૂક ફરિયાદ કરતો હતો. જેમ જેમ તે ગાંઠ વધતી ચાલી તેમ ધવલના દેહગમનની તારીખ નજદીક આવતી જતી હતી. ધવલને હવે મગજનાં અન્ય કોષો પર પણ દબાણ વધતું જતું હતું અને તે વારં વાર ભાન ગુમાવતો જતો હતો. મીતામાસી અને રાજુમામા મુંબઈ પહોંચી ગયાં હતાં. આઇ.સી.યુ.માં ધવલના છેલ્લા શ્વાસો ગણાતા હતા, ત્યારે ધવલે સૌને છેલ્લા પ્રણામ કર્યા ત્યારે દાદા બોલ્યા, “બેટા અમને તારી સેવાની તક તો ભલે આપી, પણ તારો બીજો જન્મ પણ અમારે ત્યાં થાય તેવી ભગવાનને ભલામણ કરજે.”

સોળ વરસનો ધવલ “ભલે” કહેતો, અને સૌને પગે લાગતા કહેતો, “મારા પ્રભુની માયા છે. આપના સૌના આશીર્વાદો છે તેથી તેમ જ થશે.” પણ તેની મૌન ફરિયાદ ‘મને જ કેમ આ રોગ લાગ્યો?’ અનુત્તર જ રહી.

મોટી ધારા અને મમ્મી સદા ખીજવાતાં અને કહેતાં. એમને “મારા પ્રભુ”ના કહે. તેમના આશીર્વાદ નહીં, આ શ્રાપ છે. તેમણે એવી સજા આપી કે જેનો ઉપાય જ ના હોય. જે તને અમારાથી દૂર લઈ જાય છે.” કકળતા મને ધારા પોતાનાં મનમાં કહેતી, “પ્રભુ તો વિપદાથી તેના ભક્તોને બહાર કાઢતો  હોય છે, જ્યારે આ ભગવાન કેવો જે આપદા આપીને સજા કરે? હું નથી માનતી આ ભગવાન કે તેમના આશીર્વાદ હોય. આ તો યમદૂત છે જે મારા નાના ભાઇને ભોળવીને લઈ જાય છે.”

અંતે એ દિવસ આવી ગયો જ્યારે ધવલની વેદનાઓ શમી ગઈ. તેના શ્વાસો થંભી ગયા. માથામાંની ગાંઠ ફાટી ગઈ. ગ્લુકોઝ ચઢાવેલા બાટલા ઊતરી ગયા અને લોહી ચઢાવવાનું બંધ થઈ ગયું. ધવલ ભીંતે લટકાવેલ છબી બની ગયો. તેના નિઃશ્ચેતન દેહને અને ફોટાને ગુલાબના હાર ચઢવા લાગ્યા. ટીના અને પરાશર ત્યારે ખુલ્લાં મને ખૂબ રડ્યાં. ખરેખર તો ધવલ સાથે સાથે તેઓએ પણ વેઠી હતી આ કેન્સરની પરોક્ષ સજા.

તેની અંત્યેષ્ઠી કરવા ચાણોદ ગયા, ત્યારે પરાશર ખૂબ જ વ્યથિત હતો. ત્યાં પૂજા કરતા મહારાજની એક વાત તેને જચી ગઈ. તે સહજ રીતે કહી રહ્યો હતો આત્માનું તમારે ત્યાં આવવું જેટલું સહજ હોય છે તેટલું જ સહજ તેમને વિદાય આપવાનું હોતું નથી. પણ જો તેટલા જ સહજ જો થઈ શકો તો તે કર્મ યોગની અપૂર્વ ભક્તિ કહી શકાય. તે આત્મા આવે છે તો તેનો સ્વિકાર અને જાય છે તો આશક્તિ રહિત તેની વિદાય. કર્મ રાજાને આધિન જેટલો સમય તે આત્માને તમારી સાથે ગાળવાનો હતો તે ગાળીને તેમની નિર્ધારિત ગતિએ જ્યાં જવાનું છે ત્યાં જવા દો. તમે રોશો કે કકળશો તો પણ તેઓને તો જવાનું જ હોય છે. તે જાય જ છે. તમારે તો તેમના બાકી રહેલાં કાર્યો પૂરાં કરવાનાં હોય છે તે કરો અને કર્મ ગતિને તેમનું કાર્ય કરવા દો.

ટીના અને પરાશર બંને આ વાત સાંભળતાં હતાં. તેઓએ સંપૂર્ણ સહમતિમાં પૂજારીનો આભાર માની ધવલની અંત્યેષ્ઠી પૂજા શેષ વિસર્જન કરી, અને મનોમન નિર્ણય કર્યો ધવલને સંગીત ક્ષેત્રે આગળ ધપાવવો હતો તે ક્ષેત્રે તેના નામને આગળ વધારીશું. પરાશરને શેષ વિસર્જન સમયે નર્મદાનીરમાં ધવલ દેખાયો. જાણે એમ કહેતો હતો, પપ્પા મારા દરેક પ્રશ્નનું સમાધાન થઈ ગયું. મેં પ્રભુ પિતાને પૂછ્યું કે તમે મને કયા ગુનાની સજા આપી હતી? પ્રભુની વાંસળી વાગી રહી હતી અને અતિ વહાલથી મને છાતી સરસો ચાંપ્યો ત્યારે મારા સર્વ પ્રશ્નો શમી ગયા હતા.

પરાશર નર્મદાનાં નીરમાં ધવલને પ્રભુમાં વિલિન થતો જોઇ રહ્યો.

પરાશર ઉદાસ થઈ જતો ત્યારે ટીના તેને કહેતી ધવલ હતો ત્યારે તેને માટે જોયેલાં સપનાં સાકાર કરવાનાં છે. તેના વિશે વિચાર. આમ બોલીને મીતા અને ટીના ખૂબ રડતાં અને પાછી બે બહેનો એકમેક્ને સાંત્વના આપતાં. પરાશર સમજતો હતો કે ધવલ તેનું અને ટીનાનું સહિયારું સ્વપ્ન હતું. તે ઉત્તમ કલાકાર થઈ શકવાનો હતો. મા અને બાપ બંને ગીત અને ગઝલમાં નિષ્ણાત હતાં. ઘરમાં ૨૪ કલાક સંગીત વાગતું. મગજમાં કેન્સર હતું, પણ કંઠમાં અદ્દભુત કેળવેલો અવાજ હતો. કમભાગ્યે તે અવાજ હવે “હતો” થઈ ગયો હતો.

બારમું પત્યાના દિવસે ધારા બોલી, “પપ્પા, ધવલને અજર અને અમર રાખવા ધવલ એકેડેમી શરૂ કરીએ તો?”

ટીના તરત જ બોલી, “હું અને પરાશર એવું જ કંઇક વિચારતાં હતાં.”

દાદાએ કહ્યું, “શુભ કામમાં વિલંબ નકામો. નીચેનો રૂમ તેની અકાદમી નામે ફાળવી દો અને તેના ફોટાઓનું કોલાજ બનાવો પણ ધ્યાન રહે તેનો વિષાદગ્રસ્ત એક પણ ફોટો કોલાજમાં ના મૂકશો.”

પરાશર કહે, “નીચેનો રૂમ નહીં પણ આખો નીચેનો ફ્લોર ધવલ અકાદમીનાં નામે ફાળવી દઇશું.”

મીતા પાછી હ્યુસ્ટન જતી હતી. જતાં જતાં તેણીએ કાઢેલા ફોટામાંથી એક ફોટાને હાથમાં લઈને પરાશરભાઇને આપતા તે બોલી, “આ ફોટામાં ધવલનું હાસ્ય બહુ સરસ છે. મને ગમે છે.” અને હાથમાં ૧,૦૦૦ ડોલરનો ચેક લખતા કહ્યું, “ધવલ અકાદમીને મીતામાસીનાં બહુ બહુ આશિષ.”

ઘરમાં સૌએ શૉક મૂકી દીધો હતો. પણ ટીના પ્રગટ રીતે રૂદન દ્વારા ધવલને યાદ કરતી હતી અને પરાશર દીકરાના અકારણ મોતથી વ્યથિત હતો. તે રડવા ચાહે તો પણ રડી શકતો નહોતો. એ જાણતો હતો કે એના રુદનનો બીજો મતલબ ટીનાને રડવાનો પરવાનો મળી જતો. મીતા આજે રાત્રે હ્યુસ્ટન જશે પછી ઘરમાં ધારા દાદાજી અને પરાશર જ રહેવાનાં હતાં.

રાત્રે એરપોર્ટ ઉપર મીતા અને અભિમન્યુ સિક્યોરિટીમાં દાખલ થયાં અને ડ્રાઈવર પરાશર અને ટીનાને લઈને બહાર આવ્યો, અને મીતાએ ફરીથી ઠુઠવો મુક્યો. પરાશર કહે, જો રડવાથી ધવલ આવવાનો હોય તો ચાલ હું પણ રડું. હીબકાં ભરાતાં રહ્યાં અને સાંટાક્રુઝમાં તેમના ઘરમાં દાખલ થયાં. પહેલી વખત બંનેને લાગ્યું આ ઘર ધવલ વિના ખાલી ખમ લાગશે. પરાશર પંડિતનો વંશજ ધવલ પંડિત હવે “હતો” થઈ ગયો હતો. પપ્પાએ બારણું ખોલ્યું. ટીના ઘરમાં દાખલ થતાં જ બેસી પડી. આંખ આંસુથી ભરેલી જ હતી અને બાપાએ એ રુદનમાં ધવલનાં નામે ફરીથી પોક મૂકી. વાતાવરણ ભારે બની ગયું, ધારા પાણી લઈને આવી અને સૌને શાંત રાખવાનાં મિથ્યા પ્રયત્નોમાં તેની આંખો પણ ભરાઈ ગઈ.

“ભઇલો મારો, હવે કોને રાખડી બાંધીશ હું.”

દાદા રિકવર થઈ રહ્યાં હતા. “તારી દાદીબાની ચાકરી કરવા પહોંચી ગયો છે.”

ભીંત પર લટકાવેલા ફોટા ઉપર ગુલાબનો હાર હવે કરમાતો હતો અને ઘીનો દીવો રાણો થઈ રહ્યો હતો. ઘરનાં હીબકાંઓ શમતાં જતાં હતાં. નવો દિવસ હવે ધવલ વિનાનો ઊગવાનો હતો. હીબકાં શમતા જતાં હતાં. દાદા કહેતા હતા, તારી દાદીને કંપની આપજે અને તેની સેવા કરજે.

e.mail : vijaydshah09@gmail.com

Loading

સોમી વરસીએ જલિયાંવાલા હત્યાકાંડનો ઇતિહાસબોધ : નાગરિકો માટે ન્યોછાવરી અને શાસકો માટે નાગરિક સ્વાતંત્ર્ય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 April 2019

આવતી કાલે જેને સો વરસ થશે તે હત્યાકાંડ આઝાદીની લડતમાં ચાલકબળની મહત્તા અને નાગરિક અધિકારોના સંદર્ભે તે હંમેશની પ્રસ્તુતતા ધરાવે છે

13 એપ્રિલ 1919ની સાંજે, અમૃતસરના જલિયાંવાલા બાગ નામના મેદાનમાં, અંગ્રેજ લશ્કરી અધિકારી જનરલ ડાયરે, પંજાબના મોટા તહેવાર બૈસાખીએ, બ્રિટિશ હકુમતનો વિરોધ કરવા માટે એકઠા થયેલા ભારતીયો પર સતત દસેક મિનિટ ગોળીબાર કર્યો. બધી બાજુથી બંધ એવાં આ મેદાનમાં સપડાયેલાં હ્જારો ભારતીયોમાંથી તેરસો જેટલાં મોતને ભેટ્યાં અને એનાથી ત્રણ ગણાં વધુ ઘવાયાં. જલિયાંવાલા હત્યાકાંડ એકંદરે આ રીતે જાણીતો છે. પણ આઝાદીની લડતમાં તે ચાલકબળની મહત્તા અને નાગરિક અધિકારોના સંદર્ભે હંમેશની પ્રસ્તુતતા ધરાવે છે. હત્યાંકાડની બર્બરતા અને તે કરનારાઓની નિંભરતા તો એની જગ્યાએ છે જ, પણ તેને આઇસોલેશનમાં જોઈ ન શકાય. જનસંહારના ત્રણ દિવસ અગાઉ એટલે કે દસમી એપ્રિલે અને એના પછી એકાદ વર્ષ સુધી પંજાબમાં અસાધારણ અત્યાચારનુ રાજ હતું. તેની વચ્ચે જીવવામાં પંજાબના લોકોનું  ખમીર અને અંગ્રેજોનું ખુન્નસ બહાર આવ્યું. દુનિયાભરમાં સિવિલાઇઝ્ડ એટલે કે સુધરેલ અને ઉદારમતવાદી હોવાનો દાવો કરતું ઇન્ગ્લેન્ડ એક અમાનુષ, સામ્રાજ્યવાદી વંશવાદી  શાસક તરીકે બહાર આવ્યું.

જલિયાંવાલામાં તેરસોથી વધુ લોકો મોતને ભેટ્યા. પણ આ આંકડો ત્રણસોથી ઓછો બતાવવાનો અંગ્રેજ શાસકોનો ઘૃણાસ્પદ પ્રયાસ અભ્યાસોમાંથી બહાર આવ્યો છે. સૈનિકો ગોળીબાર કરીને જતા રહ્યા પછીની મિનિટોથી લઈને દિવસો સુધી મેદાન પર અને શેરીઓમાં મૃતદેહોની તેમ જ ઘાયલોની જે દુર્દશા થઈ છે, તેની કરુણતા પાછળ સ્થાનિક અંગ્રેજ શાસન તંત્રની લાક્ષણિક ક્રૂરતા હતી. તેના સેંકડો દાખલામાંનો એક : રતન દેવી તેમનાં પતિના મૃતદેહ પાસે શબોના ખડકલા અને જખમીઓનાં પાણી માટેનાં આક્રંદ વચ્ચે આખી રાત, કૂતરાંને દૂર રાખવા હાથમાં લાકડી રાખીને બેસી રહ્યાં. અમાનુષ શાસકોએ પાણી અને વીજળી કાપ્યાં હતાં. દુર્ગંધ મારતાં હત્યા-સ્થળે ગીધ દિવસો સુધી ઘૂમી રહ્યા હતાં. શહેરમાં ‘દેખો ત્યાંથી ઠાર કરો’-ના હુકમ સાથેનો  માર્શલ લૉ હતો. 

માર્શલ લૉ આખા પંજાબ પર હતો કારણ કે અંગ્રેજોએ લાદેલા રૉલેટ ઍક્ટ નામના ‘કાળા કાયદા’ સામે ગાંધીજીની આગેવાની હેઠળ દેશભરમાં ચાલેલો  વિરોધ પંજાબમાં વધુ તીવ્ર હતો. ‘નો વકીલ, નો અપીલ, નો દલીલ’ તરીકે ઓળખાતા આ કાયદામાં પોલીસ પાસે લોકોને જરૂરી કાનૂની કાર્યવાહી વિના પકડવાની અને સજા કરવાની સત્તા આવી હતી. કાયદાનો હેતુ હોમરૂલ અને ખિલાફત ચળવળને પગલે ભારતમાં આઝાદી માટે વેગ પકડી રહેલી ગતિવિધિઓને નિયંત્રણમાં મૂકવાનો હતો. દુનિયાભરમાં સત્તા ગજાવવા ભૂખ્યા થયેલા અંગ્રેજો ભારતીયોને કોઈ પણ પ્રકારની આઝાદી માટે અપાત્ર ગણતા હતા.

પંજાબમાં અંગ્રેજો સામેનો લોકજુવાળ વધુ બળુકો હોવાનાં કારણો હતાં. પહેલાં વિશ્વયુદ્ધમાં અંગ્રેજો માટે લડનાર, મૃત્યુ પામનાર, ઘાયલ થનાર, અને પાછા આવનાર ભારતીય સૈનિકોમાં નાનાં ગામોના પંજાબી રિક્રુટ સહુથી વધારે હતા. તેઓ શાસકો તરફ વફાદારી, કુટુંબ માટે રોજીરોટી માટે અથવા પોલીસે જોરજુલમથી કરેલી ભરતી જેવાં કારણોસર લશ્કરમાં હતા. તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે કદરબૂજને બદલે ખુદ માટે બેરોજગારી ઉપરાંત મોંઘવારી, વરસાદની ખેંચથી અછત, ગરીબી જોયાં. વધુમાં દમનકારી રોલેટ ઍક્ટ આવ્યો. તેની સામે મહેનતકશો અને મધ્યમ વર્ગના એકજૂટ શીખ-જાટ-હિન્દુ-મુસ્લિમ લોકોમાં અસાધારણ જુવાળ જાગ્યો. તેની આગેવાની કરનાર ડૉ. સત્ય પાલ અને ડૉ. સૈફુદ્દિન કિચલુ નામના પ્રબુદ્ધ આગેવાનોને અંગ્રેજો ઊપાડી ગયા. તેમને છોડવવાની માગણી સાથે ગયેલા નિ:શસ્ત્ર અમૃતસરવાસીઓના સરઘસ પર પોલીસે કરેલા ગોળીબારમાં ત્રણ-ચાર મોત થયાં. શહેરમાં હિંસા ભડકી. સરકારી મકાનો સળગાવાયાં. બે યુરોપિયન બૅન્ક કર્મચારીઓની હત્યા થઈ, પંદરેક ભારતીયો પોલીસ ગોળીબારમાં મરાયા. બે મહિલાઓ પર હુમલા કરવામાં આવ્યો. આ તોફાનોનો બદલો લેવા અંગ્રેજોએ અમૃતસર, લાહોર, ગુજરાનવાલા અને કસૂરમાં મહિનાઓ સુધી વહીવટ અને માનવતાના તમામ ખ્યાલોને દૂર રાખીને જઘન્ય જુલમકાંડ ચલાવ્યો. તેમાં રેગિનાલ્ડ ડાયર સાથે માઇલ્સ આયર્વિન્ગ, ફ્રૅન્ક જૉન્સન અને માઇકેલ ઑ’ડ્વાયર જેવા અધિકારીઓ સામેલ હતા. ક્રાન્તિકારી ગદ્દર પાર્ટીના ઉધમસિંહે ઑ’ડ્વાયરની 13 માર્ચ 1940ના રોજ લંડનમાં હત્યા કરીને ફાંસીની ફૂલમાળ પહેરી લીધી.

જલિયાંવાલાની સભા દૈત્ય ડાયરે પોતે લાદેલી કડક બંધીની વચ્ચે પણ થવા દીધી તેમાં લોકોને મોટી સંખ્યામાં એક સ્થળે એકઠા કરીને મારવાનો પેંતરો હતો એવું પણ નોંધાયું છે. સરકારના સર્જેલાં યુદ્ધ જેવા માહોલમાં લોકો સાવ નિર્દોષ ભાવે બૈસાખી માટે નહીં, પણ આગેવાનો દ્વારા ઠીક મોબિલાઇઝેશન પછી, પોતાના અધિકારો માટેની સભાનતા સાથે હિમ્મતપૂર્વક આવ્યા હતા. રગેરગ અંગ્રેજ સામ્રાજ્યવાદી ડાયરે હત્યાકાડ તીવ્ર નૈતિક ફરજપરસ્તી, ગૌરવ અને અચૂક આયોજનથી કર્યો હતો (જરૂર પડે તો મશીનગનો પણ તૈયાર રાખી હતી) .મૃતદેહોના નિકાલ અને ઘાયલોની સારવાર માટેની કોઈ જ દરકાર તંત્રએ કરી નહીં, એટલું જ નહીં તેમાં અમાનુષ આડખીલીઓ ઊભી કરી. આવું તેણે દસમી એપ્રિલના મૃતકો માટે ય કર્યું હતું. તે દિવસથી મહિનાઓ સુધી ડાયર અને તેના સાગરિતોએ અમૃતસર જાણે યાતના છાવણી જેવું બનાવી દીધું હતું.

અન્યત્ર પણ અંગ્રેજ આતંક છવાયેલો હતો. હજારો ધરપકડો, કેદમાં અત્યાચાર અને જબરદસ્તીથી કબૂલાતોનો દોર ચાલ્યો હતો. તેમાં હિન્દુ-મુસ્લિમોની એકતા તૂટી. ડાયરની શેતાની સૂઝથી જે સજાઓ શોધાઈ તેમાં ક્રૉલિન્ગ એટલે કે રસ્તા પર કોણી અને ઢીંચણ પર સરકીને ચાલવાની કઠોર સજા બહુ અપમાનજનક હતી. અમૃતસરમાં અંગ્રેજ મહિલા ઇઝાબેલ એડસન પર જ્યાં હુમલો થયો હતો તે શેરીના પચાસ વાર લાંબા એકમાત્ર રસ્તા પર પંદર દિવસ સુધી ક્રૉલિન્ગ ઑર્ડર હતો. એટલે કે એ શેરીના દરેક રહીશે ત્યાંથી પોલીસની લાતો, ગાળો અને ફટકા વચ્ચે થઈને ઘસડાઈને આવવા-જવાનું. બીજી કેટલીક સજાઓ હતી તેમાં ગોરાઓને ચોક્કસ રીતે સલામી આપવી, તડકામાં કૂચ કરવી, ગટરો સાફ કરવી, ભૂખ્યા-તરસ્યા રાખવા અને જાહેરમાં કોરડા મારવા.

અંગ્રેજ પ્રજાએ જલિયાંવાલા માટે એકમતે સત્તાવાર રીતે માટે ક્ષમાયાચના તો જવા દો, સામૂહિક સંવેદના કે પસ્તાવાનો હરફ પણ વ્યક્ત કર્યો નથી. એક મોટા હિસ્સાને પંજાબનું લશ્કરી રાજ સામ્રાજ્યના કાયદો અને વ્યવસ્થા માટે ન્યાયોચિત પણ લાગ્યું હતું. અંગ્રેજ સંસદના ઉપલા ગૃહે ડાયરનાં કૃત્યને ટેકો આપતો ઠરાવ પસાર કર્યો. ઇંગ્લેન્ડ લોકોએ તેનું સન્માન કર્યું હતું અને તેના માટે ફાળો એકઠો કર્યો.

યાદ રહે કે પંજાબમાં જુલમરાજનાં મૂળમાં નાગરિકોના અધિકાર અને ગૌરવ છિનવનારા કાયદાને દૂર કરવાની માગણી હતી. આઝાદ ભારતમાં આવા કાયદા જે તે સમયે જુદા જુદા પક્ષોની સરકારે લાદ્યા છે અથવા લાદવાની કોશિશ કરી છે. અત્યારે પણ વપરાતો સેડિશનનો એટલે કે રાજદ્રોહનો કાયદો તો રોલેટ ઍક્ટના હિસ્સા તરીકે પણ હતો. તે ઉપરાંત આફસ્પા, ઇમર્જન્સી ઍક્ટ, ડિફેમેશન, ટાડા, પાસા, પોટા, મકોકા, ગુજસીટૉક, યુએપીએ જેવા પણ નોંધી શકાય. આ કાયદાઓ જે ખતરનાક ગુનાઓને અટકાવવા માટે છે તે પ્રકારના ગુનાઓના બચાવ ન જ થઈ શકે. સાથે એ પણ કહેવું રહ્યું કે આ કાયદાઓનો ઉપયોગ સરકારો લોકોની વાજબી માગણીઓને કે પોતાના વિરોધીઓને ડામવા માટે કરતી રહી છે. તેના ભાગ તરીકે કેટલીક વાર આગેવાનોને ઊઠાવી જવા, ગેરકાનૂની અટકાયતો, બળજબરી કબૂલાતો, એનકાઉન્ટર્સ, એક્સ્ટ્રા જ્યુડિશ્યલ કિલિન્ગ્સ, વિરોધ પ્રદર્શનો પર બંધી, ગેરવાજબી બળપ્રયોગ અને ક્યારેક ગોળીબાર જેવા રસ્તા પણ અપનાવાતા રહ્યા છે. આંદોલનકારી સમૂહોએ અને કર્મશીલોએ આ વેઠ્યું છે, વેઠી રહ્યા છે. તેના અનેક દાખલા સમકાલીન ઇતિહાસમાંથી મળી શકે છે.

નાગરિકો પક્ષે જલિયાંવાલાનો ઇતિહાસબોધ દેશભક્તિ હોય તો સરકાર છેડે તે  સાથે નાગરિક સ્વાતંત્ર્યની જાળવણીનો પણ છે.

********

10 એપ્રિલ 2019

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 12 એપ્રિલ 2019] 

Loading

...102030...2,9382,9392,9402,941...2,9502,9602,970...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved