Opinion Magazine
Number of visits: 9843123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીપર્વ

મનુભાઈ પંચોળી 'દર્શક'|Gandhiana|3 July 2025

મનુભાઈ પંચોળી ‘દર્શક’

મહાભારતમાં જેમ ભીષ્મ, દ્રોણ-પર્વ છે, જેમાં આ બંને શાણા અને વીરપુરુષોની વ્યાસે વંદના કરી છે; તેમ વર્તમાન ભારતમાં ગાંધીપર્વ ગણાશે. ભલે એનું કામ અધૂરું રહ્યું. તેમ તો શ્રીકૃષ્ણનું પણ રહ્યું હતું.

યુદ્ધ બધા જ સ્વીકારે છે કે કાંઈ વખાણવા લાયક નથી. તે જીતનાર અને હારનાર બંનેને રડાવે છે. પણ તે છતાં યુદ્ધ કરવાનું માણસના નસીબમાં કાયમ રહેલું છે; અને તે પણ ફરી ફરીને; જર્મની ને ફ્રાંસ વચ્ચે આખા યુરોપ કે જગતને ઓરી દેનારાં ત્રણ મહાન યુદ્ધો થયાં. એકલા બીજા વિશ્વયુદ્ધમાં જ ફૌજી ને સનદી લાખ્ખો લોકો ઓરાયા, ને અન્ય કરોડો નિરાધાર થયાં.

ગાંધી આનો ઉપાય શોધવા જીવનભર મથ્યા છે. માણસ જાતની પાસે એવું કાંઈક હથિયાર હોવું જોઈએ કે તે વગર હિંસાએ ઝગડો પતાવી શકે. ભલે એમાં તબક્કા આવે.

એમણે ચીંધ્યો માર્ગ અસહકાર -સત્યાગ્રહનો.

દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને નમાવીને કે સમજાવીને આવ્યા ત્યારે મુંબઈના ગવર્નરે તેમને મળવા બોલાવેલા ને પોતાના અંગત સચિવની હાજરીમાં પૂછયું : મિ. ગાંધી, આ સત્યાગ્રહ શું છે ?

ગાંધીજીએ તો હોંશથી, વિસ્તારમાં સમજાવેલું કે આ એક એવું હથિયાર છે કે વગર સામાવાળાનું લોહી રેડ્યે – હથિયાર પર જીવનારને જીતી શકે. ગવર્નરના અંગત સચિવે કહ્યું કે એવું ન બને – ભલે વાત સારી છે.

ગાંધીજીએ જાણે ભવિષ્ય જોયું હોય તેમ કહેલું કે “સાહેબ, તમે અને હું જીવતા હશું તો જોશું કે વગર યુદ્ધે જીતી શકાય છે.”.

1947માં એ વાણી સાચી પડી. અંગ્રેજોએ એક કાંકરીનો ઘા ખાધા વિના આ દેશ સલૂકાઈથી છોડ્યો.

ગાંધીજીએ જગતને અનેક વાતો કરી છે જે કિંમતી છે, પણ સૌથી કિંમતી ચીજ સત્યાગ્રહ – અસહકાર છે.

અનિષ્ટ તેને ટેકો આપનાર, તેની પાસે નમી પડનારા ન હોય તો ફાલે જ નહીં. અનિષ્ટને ભય કે વધારે પડતા ડહાપણથી સારા માણસો ટેકો આપે છે. એથી જ અનિષ્ટ સત્તા પર રહે છે.

એક અર્થમાં લોકશાહીનો પ્રયોગ પણ આવો જ એક નાનો પ્રયોગ છે, જેમાં અનિષ્ટને લોહી રેડ્યા વિના અંકુશમાં રાખવાનું આવે છે

પણ છતાં ગાંધીનો રસ્તો ક્યાંયે ચડિયાતો છે. કારણ કે લોકશાહીમાં તો દુષ્ટ પરિબળો મત લઈ જઈ શકે છે. કારણ વસ્તુત: મતદારોનું મતપરિવર્તન થયું જ નથી હોતું. ગાંધીએ ઉમેર્યું કે મત પરિવર્તન નહીં હૃદયપરિવર્તન. ને તે તો આપભોગ વડે જ થઈ શકે. તમારી વાત ખોટી છે, તે મારી જાતને હોડમાં મૂકીને પણ સમજાવીશ. અસ્પૃશ્યતા જે કાંઈ ગઈ, મંદિરો ખુલ્લા મૂક્યાં તે ગાંધીના અનશનથી. ગાંધી આમાં સત્તા માટે નથી લડતો. તે પહેલી વાત હતી. આથી એના વિરોધીઓ પણ ચૂપ થઈ શકતા.

સત્યાગ્રહ જેને સત્તા જ જોઈએ છે. તેનાથી સફળ ન થઈ શકે. દુબળી સફળતા મળે.

અહીં આપણે પહેલા ગવર્નર જનરલ તરીકે અંગ્રેજને રાખેલા તે યાદ કરીએ. 

ગાંધીનો સત્યાગ્રહ સત્ય માટે છે ને સત્ય સત્તાથી નથી મળતું. સત્ય તો પોતાના ને સામેનાના હૃદયપરિવર્તનથી થાય છે.

આ માટે સત્યાગ્રહીએ સાથેના માણસની સદ્દબુદ્ધિ જાતે સહન કરીને જગાડવાની છે.

તેમાં સાદાઈ, મહેનત, સૌજન્ય, પોતાની ભૂલ કબૂલ કરવાની તૈયારી, વિશ્વાસ, આવું બધું ઘણું ઘણું જોઈએ. આ દેશે મોટા પાયા પર રચનાત્મક કાર્યની ભૂમિકા પર એ કરી બતાવ્યું. વખત ગયો. પણ હિંસક યુદ્ધોમાં આથી ઓછો જોઈએ છે કે વધારે ?

કાર્ય એટલે સામાજિક દોષોનું આપમેળે નિરાકરણ. અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ ઐક્ય આપણે સ્વીકારેલાં છે. અસ્પૃશ્યતા નિવારણના કાયદાથી દૂર કરેલ છે.

પણ અસ્પૃશ્યતા પણ ગાંધીએ જેટલી દૂર કરી તે સિવાયની બધે રહી છે. કારણ કે એ રચનાકાર્ય બંધ થઈ ગયું. આપણે બદલીએ નહીં ને સમાજ બદલાય તે આપઘાત કરી જીવવા જેવો ભ્રમ છે. આપણા લોકોએ કહ્યું કે જે સુધારવાને બદલે આપઘાત કરે તેણે સાત જન્મ એ જ કરવું પડે. આથી ગાંધીજીએ સત્યાગ્રહી પોતાનું જીવન બદલાવવાથી કામ શરૂ કરે તેમ ઠોકી બજાવીને કહ્યું ને કસ્તૂરબા પણ ભૂલમાં જગન્નાથના મંદિરમાં ગયાં તો ખેદથી કહી દીધું કે જ્યાં હરિજન જઈ શકતા નથી ત્યાં તારાથી જવાય કેમ ? તું દેવદાસ પાસે રહે. 

સામાન્ય માણસ કહેશે કે આવા બધા સુધારા કે’દી થાય ? અહીં ગાંધી 1916માં આવ્યા છે. 1947માં સ્વરાજ આવ્યું.

જેમની નજર સામે ચમત્કાર થયો છે તે પણ આમ કહે તેને ભોળી નાસ્તિકતા છે તેમ જ કહેવાય. ઈશ્વર છે તે તેના ભક્તની મદદે આવે છે, જેમ 1947માં ઇંગ્લાંડમાં એટલી સરકાર આવી જેણે ભારતને સ્વતંત્ર કર્યું. આ સ્વતંત્રતા કેવળ આપણા જ બળે નથી આવી. એટલી ને મજૂર પક્ષના કારણે પણ આવી છે. ચર્ચિલ હોત તો ન આવત. ભગવાન આપણે થાકીએ ત્યારે મદદે આવે છે. એટલે સત્યાગ્રહીનો છેવટનો આધાર ઈશ્વર પર છે. જે હિરણ્યકશિપુને હણે છે, તે જ કેટલાયે હારેલાને બેઠાં કરે છે. ગાંધીપર્વ એટલે ભક્તનું ભલું કરનાર ઈશ્વર પર આસ્થા દૃઢાવવાનું પર્વ. આસ્થા-દયા-ઉદારતા-અહં શૂન્યતાનું પર્વ -ઇતિહાસ આની જોઈએ એટલી સાક્ષી આપે છે.

03 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 352

Loading

‘તમારાં દુઃખ મને અસહ્ય નથી લાગતાં’

----|Gandhiana, Opinion - Opinion|2 July 2025

રળિયાતબહેન

ગાંધીજીના વ્યક્તિત્વનાં બધાં જ પાસાં તેમના પત્રોમાં પ્રગટે છે. એ ઔપચારિક તો છે જ નહીં તેથી એમનો પત્ર વાંચતો વાચક સહજ નિકટતા અનુભવવાનો. લાગણીનું સંયત છતાં તદ્દન ખુલ્લું સ્વરૂપ પત્રોમાં જોવા મળે છે. આશીર્વાદ માગનારને ય જરૂર પડ્યે એમણે ઠપકો આપ્યા છે અને મદદ માગનાર સ્વજનને આશ્વાસન આપ્યા વિના જ વાજબી સલાહ આપી છે. એમનાં મોટાં બહેન મોંઘવારીને લીધે આર્થિક મુશ્કેલી અનુભવતાં હતાં. વધારે પૈસા મોકલવાની વ્યવસ્થા અંગે એમણે ગાંધીજીને લખેલું. ‘પૂજ્ય બહેન’ સંબોધન કરીને 1918ના ફેબ્રુઆરીની અગિયારમી તારીખે ગાંધીજીએ એમને આપેલો ઉત્તર આ પ્રમાણે છે :

“તમને કાગળ તો નથી લખતો, ૫ણ તમારી મૂર્તિ મારી પાસેથી એક ઘડીભર દૂર રહી નથી. તમે મારી પાસે નથી એથી જે ઘા મને વાગેલો છે તે ઘા કદી રુઝાઈ જ ન શકે એવો છે. એ તમે જ રૂઝવી શકો. તમે મારી પાસે હો તો તમારો ચહેરો જોઈને બાની કાંઈક યાદી તો આવે જ. તેથી પણ તમે મને દૂર રાખ્યો છે. તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે. મારી બહેન પણ મારા કામમાં મને મદદ કરી રહ્યાં છે એમ અભિમાનપૂર્વક કહેવાને અવસર તમે નથી જ આપતાં. હું કાગળ લખું તોયે મારી બળતરા જ બતાવી શકું અને આમાં જેમ મારું છું તેમ મહેણાં જ મારી શકું. તેથીયે કાગળ લખવામાં ઢીલ કરું છું. હું જાણું છું કે અત્યારે મોંઘવારી છે, પણ તમને વધારે પૈસા હું ક્યાંથી આપું ? મારે મિત્રના પૈસા દેવાના. હું કયે મોઢે પૈસા માગું ? એ પણ પૂછે, ‘તારી બહેન તો તારી સાથે જ હોવાં જોઈએ.’ એનો જવાબ હું શું આપું ? જગત મને અભડાયેલો નથી માનતું. પણ તમારી પાસે તો હું અભડાયેલો છું. આવી દશામાં હું એક જ વસ્તુ તમને કહી શકું છું. તમે જે અગવડો ભોગવી રહો છો એથી વધારે સગવડ ભોગવીને હું રહેતો નથી. તેથી તમારાં દુ:ખ મને અસહ્ય નથી લાગતાં. તમે દળણું દળીને ખૂટતા પૈસા મેળવો છો તેમાં મને કશીયે શરમ નથી લાગતી. હું તો એટલું માગું છું કે તમને જરાયે દયાની લાગણી હોય તો તમે અહીં આવીને મારા સાથે વસો, મારા કામમાં ભાગ લો. એમ કરશો તો અત્યારે તો તમને ભાઈ નથી એમ લાગતું હશે તે દશા મટી જશે અને એકને બદલે ઘણા ભાઈઓને જોશો. અને ઘણાં બાળકોની તમે મા બનીને બેસશો. આ શુદ્ધ વૈષ્ણવ ધર્મ છે. એ તમને ન વસે ત્યાં સુધી આપણે વિયોગ-દુ:ખ સહન કરવાનું જ રહ્યું.”

– મહાદેવભાઈની ડાયરી, ભાગ ૪, પૃ. ૨૬

એક જ ફકરાના આ પત્રમાં ગાંધીજી કેટકેટલી બાબતોને સ્પર્શે છે ? આરંભનાં બે વાક્ય વાંચતાં એમ લાગશે કે આ પત્ર ગાંધીજીની અંગત લાગણી વિશે છે. બહેનનો ચહેરો જોઈને બાની યાદ આવે એ કથનમાં ગાંધીજી પોતે જ આશિષ ઝંખતા લાગશે.. અનેક નિગ્રહોમાં ય સતત જીવતા સ્નેહનું સ્વરૂપ પરખાશે. સ્નેહની પ્રતીતિની જ ભૂમિકાએ બહેનની મદદના પોતે હકદાર છે એમ ગાંધીજી સૂચવી દે છે. પછી એમને પૈસા મોકલવા અંગે પોતાની મૂંઝવણ એ જણાવે છે. એ મૂંઝવણ પણ નથી, સ્પષ્ટ અને સકારણ એવો નિર્ણય છે – વ્યાપક સંદર્ભમાં લેવાયેલો નિર્ણય. અસ્પૃશ્યતા તજીને બહેન આશ્રમમાં આવી રહે એ ઈષ્ટ સ્થિતિ ન સર્જાય તો એનો ગાંધીજીને કંઈક અસંતોષ જરૂર છે, વસવસો નથી. બહેન આશ્રમમાં આવીને રહે તો તેથી એમની અગવડો સગવડોમાં ફેરવાઈ જવાની નથી. અગવડોમાં ગાંધીજીને દુ:ખ દેખાતું નથી, એટલે સુધી કે બહેન દળણાં દળીને ખૂટતા પૈસા મેળવે એ ગાંધીજી જેવા ભાઈ માટે શરમજનક નથી. હા, ગાંધીજી જેવા ભાઈ માટે ज એ શરમજનક નથી.

આ પ્રકારના જે પત્રો અપરિગ્રહી ગાંધીજીએ પોતાનાં કુટુંબીજનોને લખ્યા છે એમાં વાંચી શકાય એમ છે કે સંબંધ છોડ્યા વિના ઘર છોડવાનું એમનું પગલું અભિનિષ્ક્રમણની યાદ આપે એવું છે. બહેન આશ્રમમાં આવીને રહે તો એમનો કુટુંબભાવ વિસ્તરે અને એ જ સાચો વૈષ્ણવ ધર્મ છે એમ કહ્યા પછી પત્ર પૂરો થાય તે પહેલાં લાગણીનો સ્પર્શ ફરી અનુભવાય છે.

પત્રમાં એકેય વાક્ય વધારાનું નથી. કોઈક વાક્ય તદ્દન અરૂઢ પણ લાગશે : ‘તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે.’ આ વાક્ય પહેલી વાર લખાયું હોય એવો ભાસ થશે. ‘બંધ ન જ રહી શકે’ એ શબ્દો વિશેષણનું કામ આપે છે, પણ એનો એક શબ્દમાં વિકલ્પ વિચારી જુઓ, બળ અદૃશ્ય થઈ જશે.

ગાંધીજીના શબ્દમાં સૌંદર્ય છે, કારણ કે બળ છે, કારણ કે શબ્દ પોતે પણ કાર્ય છે.

(‘નિરીક્ષક’, 20 જુલાઈ 1969 અંકમાંથી)
02 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 351

Loading

મુદ્દો સ્વીકૃત વંદે માતરમ્‌ની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 July 2025

1875માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે 1882માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે … અરવિંદે ત્યારે કહ્યું, ‘આ તો આપણા બંગાળનું રાષ્ટ્રગીત છે!

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

વર્ષો થયાં એ વાતને. ત્યારે સંજય-તુલા વરસોવરસ સદ્દભાવના પર્વ યોજતાં : ફિલ્મકાર આનંદ પટવર્ધનથી માંડીને આરીફ મોહમ્મદ ખાન સહિતની પ્રતિભાઓએ એમાં ભાગ લીધાનું સાંભરે છે. આરીફ મોહમ્મદ ખાન આ ક્ષણે યાદ આવવાનું કારણ એમણે તાજેતરનાં વરસોમાં કેરળના રાજ્યપાલ તરીકે સકારણ-અકારણ વહોરેલા વિવાદો નથી, પણ સદ્દભાવના સત્રમાં એમણે વંદે માતરમ્‌ના પોતે કરેલ ઉર્દૂ અનુવાદની જે ઝલક આપી હતી એ છે. 

અને હવે તરતમાં વંદે માતરમની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ અંગેની મહોત્સવ સમિતિના ગુજરાત એકમ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એ અતિથિવિશેષને નાતે વક્તવ્ય આપવાના છે. છઠ્ઠી જુલાઈના આ અમદાવાદ આયોજન બાદ સાર્ધ શતાબ્દી મહોત્સવ ગુજરાતનાં જુદાં જુદાં કેન્દ્રોમાં પણ સપ્તાહ દરમ્યાન ઊજવાશે.

એમાં અલબત્ત વડોદરા તો હોય જ, કેમ કે એ તો શ્રી અરવિંદના પૂર્વાશ્રમનું જાગતું થાણું. સયાજીરાવના વિશ્વાસ ને સન્માનપૂર્વક એમનું વડોદરા કોલેજમાં ને જાહેર જીવનમાં ચોક્કસ સ્થાન હતું. જો કે, દેશની બદલાતી હવામાં હવે એ સાંકડે હોદ્દે રહી શકે એમ નહોતા. 1905માં કર્ઝને બંગાળના હિંદુ-મુસ્લિમ ભાગલા પાડ્યા તે સાથે બંગભંગ વિરોધી આંદોલને લીધેલો ઉપાડો દેશભક્ત અરવિંદને ખેંચી રહ્યો હતો. 

વડોદરા કોલેજના એમના છાત્રો કનૈયાલાલ મુનશી અને ભાઈલાલ પટેલ(ભાઈકાકા)એ ‘કેમ ચાલ્યા’ એવું પૂછવા ને રોકવા કોશિશ કરી ત્યારે બે શબ્દોએ ભરેલો એટલો ભારેલો ઉત્તર હતો : ‘મધર્સ કૉલ.’ વસ્તુત: આ ટૂંકા જવાબનાં મૂળ બંગભંગ સાથે સહસા ઊંચકાયેલ ‘વંદે માતરમ્‌’માં હતાં. બંગાળના અક્ષરજીવનના અગ્રપુરુષ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ રચના કરી’તી તો કે’દીની, 1875માં, પણ બંગજનનું ધ્યાન એના તરફ ખેંચાયું તે બંગભંગ વિરોધી આંદોલનના પ્રથમ ઉદ્રેક સાથે : યુવા રવીન્દ્રનાથ હિંદુ-મુસ્લિમ ઐક્યભાવના પૂર્વક ‘રાખીબંધન’ સાથે કલકત્તાના રાજમાર્ગો પર ‘વંદે માતરમ્‌’ ગાતા નીકળી પડેલાઓમાં મોખરે હતા.

1875માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે 1882માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે … અરવિંદે ત્યારે કહ્યું, ‘આ તો આપણા બંગાળનું રાષ્ટ્રગીત છે!

‘વંદે માતરમ્‌’નું એક નારા તરીકેનું ખેંચાણ ખાસું રહ્યું, આજે પણ છે. જો કે એ પછી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’ પણ ખાસાં ગાજ્યાં ને ગાજે છે. ત્રણે નારામાં સન બયાલીસના ‘ક્વિટ ઇન્ડિયા’ સહિત દેશના પલટાતા રાજકારણની તરાહ ને તાસીરના (ખરું જોતાં મિજાજના) પડછંદા પડતા રહ્યા છે.

અલબત્ત, આ પૈકી ‘વંદે માતરમ્‌’ રચના ને જયઘોષ બેઉ વહેલાં આવ્યાં અને એમની ભાવાત્મક અપીલ આજે પણ એકંદરે બરકરાર છે. અહીં એકંદરે બરકરાર એવી જિકર સાભિપ્રાય ને સહેતુક કરી છે. એક તબક્કે ‘વંદે માતરમ્‌’ રચના એના ઉત્તર અંશોના હિંદુ રણકાથી સાંકડી વરતાવા લાગી હતી અને કોઈ કોઈ આંતરધર્મી અથડામણમાં એનો પ્રયોગ કેમ જાણે ‘વોર ક્રાય’ તરીકે પણ નોંધાયો હતો. વસ્તુત: બંકિમચંદ્રે ‘વંદે માતરમ્‌’ને જે નવલકથામાં (‘આનંદમઠ’માં) પ્રયોજ્યું છે. એમાં વાત તો સનાતનધર્મની છે. ધર્મ એ સંજ્ઞા એમાં મૈત્રીના અર્થમાં, આપણે સૌ ભાઈભાઈના વ્યાપક અર્થમાં પ્રયોજાઈ છે.

અરવિંદે ‘વંદે માતરમ્‌’ના પૂર્ણ પાઠનો અંગ્રેજી અનુવાદ કર્યો તો એમાં ધર્મને સારુ ‘કન્ડક્ટ’ શબ્દ વાપર્યો છે. તમે જુઓ, ‘વંદે માતરમ્‌’ની અપીલને સમજાવતાં એમણે અંગ્રેજીમાં કહ્યું છે કે તેણે આપણામાં ‘રિલિજિયન ઓફ પેટ્રિયોટિઝમ’નો સંચાર કર્યો. તો, ‘ધર્મ’ અને ‘રિલિજિયન’ વચ્ચે વિવેક કરનાર પ્રતિભાને હિંદુ ધર્મ અને ‘ધર્મ’ વચ્ચે પણ વિવેક હોય જ ને.

જે અરવિંદે આરંભે એને બંગાળનું રાષ્ટ્રગીત કહ્યું હતું તેને એ દેશ આખા માટેના મંત્ર તરીકે પુરસ્કારતા થયા અને બીજી બાજુ જાહેર જીવનની દૃષ્ટિએ એની પહેલી બે કડીઓ પર વ્યાપક સહમતિ સધાઈ. જવાહરલાલ નેહરુ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ અને સુભાષ બોઝની સમિતિએ રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વક આ નિર્ણય લીધો હતો.

આગળ ચાલતાં બંધારણ સભા સમક્ષ રાષ્ટ્રગીતનો પ્રશ્ન આવ્યો ત્યારે વિધિવત રજૂઆત કરતા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં વંદે માતરમ્‌ની ઐતિહાસિક ભૂમિકા રહી છે તે જોતાં વંદે માતરમ્‌ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની જોડાજોડ રાષ્ટ્રીય ગાન તરીકે સમાન દરજ્જે રહેશે.’ (સ્મરણ રહે, નેતાજીની આઝાદ હિંદ સરકારે સ્વીકારેલ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’નું હિંદુસ્તાની અનુરણન હતું.)

સમેટું ન સમેટું ત્યાં વળી આરીફ મોહમ્મદ ખાનને બોલતા સાંભળું છું : ‘તસ્લીમાત, માં, તસ્લીમાત …’ (એ વખતે હજુ મને એ.આર. રહેમાનનો ‘માં તુઝે સલામ’નો પરિચય થયો ન હતો.)

બંકિમચંદ્રે એમના સામયિક ‘બંદદર્શન’માં છેક 1874માં સરસ મુદ્દો કર્યો હતો કે ‘બંગાળ હિંદુ-મુસ્લિમોનું છે, નહીં કે એકલા હિંદુઓનું … બંગાળની ભલાઈ સારુ એ જરૂરી છે કે હિંદુ-મુસલમાનમાં એકતા સધાય … જ્યાં સુધી મુસલમાનોને એમ લાગશે કે બંગાળી અમારી ભાષા નથી … કેવળ. ઉર્દૂ-ફારસીથી કામ ચલાવીશું તો એકતા સ્થાપિત નહીં થાય, કેમ કે એકતાની જડમાં ભાષાની એકતા હોય છે.’

મુદ્દો, સ્વીકૃત વંદે માતરમ્‌ની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે, એની અપીલે હુલસ્યાં જે હૈયાં અને કીધાં જાન કુરબાન, એમની કદરબૂજનો છે. સ્વીકૃત પાઠ મમળાવીએ તો બંગાળને વટીને ભારતને વ્યાપી રહે છે, એમ કહેવું એ તો આપણો પરંપરાગત સંસ્કાર માત્ર છે. 

રાજકીય વિચારધારાના વણછે એના અહોગાન અગર અવમૂલ્યન બેઉથી બચી વિશ્વહિતને અવિરોધી બલકે સંવાદી રાહે આત્મખોજભેર આગળ વધવાનો પ્રજાસૂય પડકાર તે સ્તો આ સાર્ધ શતાબ્દીનો સંદેશ છે … નહીં તો, બંકિમ પોતાનાથી નાનેરા રવિને વિશ્વકવિ કેમ કહે, કહો જોઉં.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2025

Loading

...102030...281282283284...290300310...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved