
રળિયાતબહેન
ગાંધીજીના વ્યક્તિત્વનાં બધાં જ પાસાં તેમના પત્રોમાં પ્રગટે છે. એ ઔપચારિક તો છે જ નહીં તેથી એમનો પત્ર વાંચતો વાચક સહજ નિકટતા અનુભવવાનો. લાગણીનું સંયત છતાં તદ્દન ખુલ્લું સ્વરૂપ પત્રોમાં જોવા મળે છે. આશીર્વાદ માગનારને ય જરૂર પડ્યે એમણે ઠપકો આપ્યા છે અને મદદ માગનાર સ્વજનને આશ્વાસન આપ્યા વિના જ વાજબી સલાહ આપી છે. એમનાં મોટાં બહેન મોંઘવારીને લીધે આર્થિક મુશ્કેલી અનુભવતાં હતાં. વધારે પૈસા મોકલવાની વ્યવસ્થા અંગે એમણે ગાંધીજીને લખેલું. ‘પૂજ્ય બહેન’ સંબોધન કરીને 1918ના ફેબ્રુઆરીની અગિયારમી તારીખે ગાંધીજીએ એમને આપેલો ઉત્તર આ પ્રમાણે છે :
“તમને કાગળ તો નથી લખતો, ૫ણ તમારી મૂર્તિ મારી પાસેથી એક ઘડીભર દૂર રહી નથી. તમે મારી પાસે નથી એથી જે ઘા મને વાગેલો છે તે ઘા કદી રુઝાઈ જ ન શકે એવો છે. એ તમે જ રૂઝવી શકો. તમે મારી પાસે હો તો તમારો ચહેરો જોઈને બાની કાંઈક યાદી તો આવે જ. તેથી પણ તમે મને દૂર રાખ્યો છે. તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે. મારી બહેન પણ મારા કામમાં મને મદદ કરી રહ્યાં છે એમ અભિમાનપૂર્વક કહેવાને અવસર તમે નથી જ આપતાં. હું કાગળ લખું તોયે મારી બળતરા જ બતાવી શકું અને આમાં જેમ મારું છું તેમ મહેણાં જ મારી શકું. તેથીયે કાગળ લખવામાં ઢીલ કરું છું. હું જાણું છું કે અત્યારે મોંઘવારી છે, પણ તમને વધારે પૈસા હું ક્યાંથી આપું ? મારે મિત્રના પૈસા દેવાના. હું કયે મોઢે પૈસા માગું ? એ પણ પૂછે, ‘તારી બહેન તો તારી સાથે જ હોવાં જોઈએ.’ એનો જવાબ હું શું આપું ? જગત મને અભડાયેલો નથી માનતું. પણ તમારી પાસે તો હું અભડાયેલો છું. આવી દશામાં હું એક જ વસ્તુ તમને કહી શકું છું. તમે જે અગવડો ભોગવી રહો છો એથી વધારે સગવડ ભોગવીને હું રહેતો નથી. તેથી તમારાં દુ:ખ મને અસહ્ય નથી લાગતાં. તમે દળણું દળીને ખૂટતા પૈસા મેળવો છો તેમાં મને કશીયે શરમ નથી લાગતી. હું તો એટલું માગું છું કે તમને જરાયે દયાની લાગણી હોય તો તમે અહીં આવીને મારા સાથે વસો, મારા કામમાં ભાગ લો. એમ કરશો તો અત્યારે તો તમને ભાઈ નથી એમ લાગતું હશે તે દશા મટી જશે અને એકને બદલે ઘણા ભાઈઓને જોશો. અને ઘણાં બાળકોની તમે મા બનીને બેસશો. આ શુદ્ધ વૈષ્ણવ ધર્મ છે. એ તમને ન વસે ત્યાં સુધી આપણે વિયોગ-દુ:ખ સહન કરવાનું જ રહ્યું.”
– મહાદેવભાઈની ડાયરી, ભાગ ૪, પૃ. ૨૬
એક જ ફકરાના આ પત્રમાં ગાંધીજી કેટકેટલી બાબતોને સ્પર્શે છે ? આરંભનાં બે વાક્ય વાંચતાં એમ લાગશે કે આ પત્ર ગાંધીજીની અંગત લાગણી વિશે છે. બહેનનો ચહેરો જોઈને બાની યાદ આવે એ કથનમાં ગાંધીજી પોતે જ આશિષ ઝંખતા લાગશે.. અનેક નિગ્રહોમાં ય સતત જીવતા સ્નેહનું સ્વરૂપ પરખાશે. સ્નેહની પ્રતીતિની જ ભૂમિકાએ બહેનની મદદના પોતે હકદાર છે એમ ગાંધીજી સૂચવી દે છે. પછી એમને પૈસા મોકલવા અંગે પોતાની મૂંઝવણ એ જણાવે છે. એ મૂંઝવણ પણ નથી, સ્પષ્ટ અને સકારણ એવો નિર્ણય છે – વ્યાપક સંદર્ભમાં લેવાયેલો નિર્ણય. અસ્પૃશ્યતા તજીને બહેન આશ્રમમાં આવી રહે એ ઈષ્ટ સ્થિતિ ન સર્જાય તો એનો ગાંધીજીને કંઈક અસંતોષ જરૂર છે, વસવસો નથી. બહેન આશ્રમમાં આવીને રહે તો તેથી એમની અગવડો સગવડોમાં ફેરવાઈ જવાની નથી. અગવડોમાં ગાંધીજીને દુ:ખ દેખાતું નથી, એટલે સુધી કે બહેન દળણાં દળીને ખૂટતા પૈસા મેળવે એ ગાંધીજી જેવા ભાઈ માટે શરમજનક નથી. હા, ગાંધીજી જેવા ભાઈ માટે ज એ શરમજનક નથી.
આ પ્રકારના જે પત્રો અપરિગ્રહી ગાંધીજીએ પોતાનાં કુટુંબીજનોને લખ્યા છે એમાં વાંચી શકાય એમ છે કે સંબંધ છોડ્યા વિના ઘર છોડવાનું એમનું પગલું અભિનિષ્ક્રમણની યાદ આપે એવું છે. બહેન આશ્રમમાં આવીને રહે તો એમનો કુટુંબભાવ વિસ્તરે અને એ જ સાચો વૈષ્ણવ ધર્મ છે એમ કહ્યા પછી પત્ર પૂરો થાય તે પહેલાં લાગણીનો સ્પર્શ ફરી અનુભવાય છે.
પત્રમાં એકેય વાક્ય વધારાનું નથી. કોઈક વાક્ય તદ્દન અરૂઢ પણ લાગશે : ‘તમારી સામેની મારી ફરિયાદ બંધ ન જ રહી શકે એવી છે.’ આ વાક્ય પહેલી વાર લખાયું હોય એવો ભાસ થશે. ‘બંધ ન જ રહી શકે’ એ શબ્દો વિશેષણનું કામ આપે છે, પણ એનો એક શબ્દમાં વિકલ્પ વિચારી જુઓ, બળ અદૃશ્ય થઈ જશે.
ગાંધીજીના શબ્દમાં સૌંદર્ય છે, કારણ કે બળ છે, કારણ કે શબ્દ પોતે પણ કાર્ય છે.
(‘નિરીક્ષક’, 20 જુલાઈ 1969 અંકમાંથી)
02 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 351