
મનુભાઈ પંચોળી ‘દર્શક’
મહાભારતમાં જેમ ભીષ્મ, દ્રોણ-પર્વ છે, જેમાં આ બંને શાણા અને વીરપુરુષોની વ્યાસે વંદના કરી છે; તેમ વર્તમાન ભારતમાં ગાંધીપર્વ ગણાશે. ભલે એનું કામ અધૂરું રહ્યું. તેમ તો શ્રીકૃષ્ણનું પણ રહ્યું હતું.
યુદ્ધ બધા જ સ્વીકારે છે કે કાંઈ વખાણવા લાયક નથી. તે જીતનાર અને હારનાર બંનેને રડાવે છે. પણ તે છતાં યુદ્ધ કરવાનું માણસના નસીબમાં કાયમ રહેલું છે; અને તે પણ ફરી ફરીને; જર્મની ને ફ્રાંસ વચ્ચે આખા યુરોપ કે જગતને ઓરી દેનારાં ત્રણ મહાન યુદ્ધો થયાં. એકલા બીજા વિશ્વયુદ્ધમાં જ ફૌજી ને સનદી લાખ્ખો લોકો ઓરાયા, ને અન્ય કરોડો નિરાધાર થયાં.
ગાંધી આનો ઉપાય શોધવા જીવનભર મથ્યા છે. માણસ જાતની પાસે એવું કાંઈક હથિયાર હોવું જોઈએ કે તે વગર હિંસાએ ઝગડો પતાવી શકે. ભલે એમાં તબક્કા આવે.
એમણે ચીંધ્યો માર્ગ અસહકાર -સત્યાગ્રહનો.
દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને નમાવીને કે સમજાવીને આવ્યા ત્યારે મુંબઈના ગવર્નરે તેમને મળવા બોલાવેલા ને પોતાના અંગત સચિવની હાજરીમાં પૂછયું : મિ. ગાંધી, આ સત્યાગ્રહ શું છે ?
ગાંધીજીએ તો હોંશથી, વિસ્તારમાં સમજાવેલું કે આ એક એવું હથિયાર છે કે વગર સામાવાળાનું લોહી રેડ્યે – હથિયાર પર જીવનારને જીતી શકે. ગવર્નરના અંગત સચિવે કહ્યું કે એવું ન બને – ભલે વાત સારી છે.
ગાંધીજીએ જાણે ભવિષ્ય જોયું હોય તેમ કહેલું કે “સાહેબ, તમે અને હું જીવતા હશું તો જોશું કે વગર યુદ્ધે જીતી શકાય છે.”.
1947માં એ વાણી સાચી પડી. અંગ્રેજોએ એક કાંકરીનો ઘા ખાધા વિના આ દેશ સલૂકાઈથી છોડ્યો.
ગાંધીજીએ જગતને અનેક વાતો કરી છે જે કિંમતી છે, પણ સૌથી કિંમતી ચીજ સત્યાગ્રહ – અસહકાર છે.
અનિષ્ટ તેને ટેકો આપનાર, તેની પાસે નમી પડનારા ન હોય તો ફાલે જ નહીં. અનિષ્ટને ભય કે વધારે પડતા ડહાપણથી સારા માણસો ટેકો આપે છે. એથી જ અનિષ્ટ સત્તા પર રહે છે.
એક અર્થમાં લોકશાહીનો પ્રયોગ પણ આવો જ એક નાનો પ્રયોગ છે, જેમાં અનિષ્ટને લોહી રેડ્યા વિના અંકુશમાં રાખવાનું આવે છે
પણ છતાં ગાંધીનો રસ્તો ક્યાંયે ચડિયાતો છે. કારણ કે લોકશાહીમાં તો દુષ્ટ પરિબળો મત લઈ જઈ શકે છે. કારણ વસ્તુત: મતદારોનું મતપરિવર્તન થયું જ નથી હોતું. ગાંધીએ ઉમેર્યું કે મત પરિવર્તન નહીં હૃદયપરિવર્તન. ને તે તો આપભોગ વડે જ થઈ શકે. તમારી વાત ખોટી છે, તે મારી જાતને હોડમાં મૂકીને પણ સમજાવીશ. અસ્પૃશ્યતા જે કાંઈ ગઈ, મંદિરો ખુલ્લા મૂક્યાં તે ગાંધીના અનશનથી. ગાંધી આમાં સત્તા માટે નથી લડતો. તે પહેલી વાત હતી. આથી એના વિરોધીઓ પણ ચૂપ થઈ શકતા.
સત્યાગ્રહ જેને સત્તા જ જોઈએ છે. તેનાથી સફળ ન થઈ શકે. દુબળી સફળતા મળે.
અહીં આપણે પહેલા ગવર્નર જનરલ તરીકે અંગ્રેજને રાખેલા તે યાદ કરીએ.
ગાંધીનો સત્યાગ્રહ સત્ય માટે છે ને સત્ય સત્તાથી નથી મળતું. સત્ય તો પોતાના ને સામેનાના હૃદયપરિવર્તનથી થાય છે.
આ માટે સત્યાગ્રહીએ સાથેના માણસની સદ્દબુદ્ધિ જાતે સહન કરીને જગાડવાની છે.
તેમાં સાદાઈ, મહેનત, સૌજન્ય, પોતાની ભૂલ કબૂલ કરવાની તૈયારી, વિશ્વાસ, આવું બધું ઘણું ઘણું જોઈએ. આ દેશે મોટા પાયા પર રચનાત્મક કાર્યની ભૂમિકા પર એ કરી બતાવ્યું. વખત ગયો. પણ હિંસક યુદ્ધોમાં આથી ઓછો જોઈએ છે કે વધારે ?
કાર્ય એટલે સામાજિક દોષોનું આપમેળે નિરાકરણ. અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ ઐક્ય આપણે સ્વીકારેલાં છે. અસ્પૃશ્યતા નિવારણના કાયદાથી દૂર કરેલ છે.
પણ અસ્પૃશ્યતા પણ ગાંધીએ જેટલી દૂર કરી તે સિવાયની બધે રહી છે. કારણ કે એ રચનાકાર્ય બંધ થઈ ગયું. આપણે બદલીએ નહીં ને સમાજ બદલાય તે આપઘાત કરી જીવવા જેવો ભ્રમ છે. આપણા લોકોએ કહ્યું કે જે સુધારવાને બદલે આપઘાત કરે તેણે સાત જન્મ એ જ કરવું પડે. આથી ગાંધીજીએ સત્યાગ્રહી પોતાનું જીવન બદલાવવાથી કામ શરૂ કરે તેમ ઠોકી બજાવીને કહ્યું ને કસ્તૂરબા પણ ભૂલમાં જગન્નાથના મંદિરમાં ગયાં તો ખેદથી કહી દીધું કે જ્યાં હરિજન જઈ શકતા નથી ત્યાં તારાથી જવાય કેમ ? તું દેવદાસ પાસે રહે.
સામાન્ય માણસ કહેશે કે આવા બધા સુધારા કે’દી થાય ? અહીં ગાંધી 1916માં આવ્યા છે. 1947માં સ્વરાજ આવ્યું.
જેમની નજર સામે ચમત્કાર થયો છે તે પણ આમ કહે તેને ભોળી નાસ્તિકતા છે તેમ જ કહેવાય. ઈશ્વર છે તે તેના ભક્તની મદદે આવે છે, જેમ 1947માં ઇંગ્લાંડમાં એટલી સરકાર આવી જેણે ભારતને સ્વતંત્ર કર્યું. આ સ્વતંત્રતા કેવળ આપણા જ બળે નથી આવી. એટલી ને મજૂર પક્ષના કારણે પણ આવી છે. ચર્ચિલ હોત તો ન આવત. ભગવાન આપણે થાકીએ ત્યારે મદદે આવે છે. એટલે સત્યાગ્રહીનો છેવટનો આધાર ઈશ્વર પર છે. જે હિરણ્યકશિપુને હણે છે, તે જ કેટલાયે હારેલાને બેઠાં કરે છે. ગાંધીપર્વ એટલે ભક્તનું ભલું કરનાર ઈશ્વર પર આસ્થા દૃઢાવવાનું પર્વ. આસ્થા-દયા-ઉદારતા-અહં શૂન્યતાનું પર્વ -ઇતિહાસ આની જોઈએ એટલી સાક્ષી આપે છે.
03 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 352