Opinion Magazine
Number of visits: 10,229,036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટૃવાદ માફકસરનો હોઈ જ ન શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2019

તેનો સ્વભાવ જ વિસ્તરવાનો અને જોહુકમીનો છે

૧૮૯૦ના દાયકામાં લોકમાન્ય તિલકને એમ લાગ્યું હતું કે પ્રજાની અંદર રાષ્ટ્રીય જાગૃતિ પેદા કરવા માટે ધર્મનો ઉપયોગ કરવો જોઈએ. લોકો મુખ્યત્વે ધર્મને અંગત બાબત સમજે છે, ઉપાસના અને આધ્યાત્મિકતા સાથે જોડે છે, સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય કે પુનર્જન્મ સાથે જોડે છે, પ્રજા તહેવાર ઉજવે છે તો તેમાંની સામૂહિકતા પણ સામાજિક છે; રાજકીય નથી, આ સ્થિતિમાં ધર્મનો રાજકીય જાગૃતિ માટે ઉપયોગ કરવો જોઈએ. લોકમાન્યએ ૧૮૯૩માં ગણપતિ ઉત્સવને સાર્વજનિક બનાવ્યો. મહારાષ્ટ્રના લોકો પોતાના ઘરમાં અમુક દિવસો માટે ગણપતિની ઉપાસના કરતા હતા, તેમને કહેવામાં આવ્યું કે તમારે સાર્વજનિક રીતે ગણપતિનો ઉત્સવ કરવો જોઈએ. એક વાર ગણપતિને લઈને લોકો રસ્તા પર આવશે એ પછી બીજા ઉદ્દેશ આપોઆપ એમાં ઉમેરાતા જશે.

કાલનો દિવસ અને આજની રાત. ૧૨૫ વરસ થઈ ચૂક્યાં સાર્વજનિક ગણેશમહોત્સવ શરૂ થયે અને ૭૫ વરસ થવાં આવ્યાં સ્વરાજ મળ્યે પણ ગણપતિ પાછા ઘરમાં ગયા નથી. જઈ શકે એમ જ નથી. જવા દેવામાં આવતા નથી. આજ તો સ્થિતિ એવી જોવા મળે છે કે ભાદરવા મહિનામાં ગણપતિ ઘરમાં ઓછા, રસ્તા પર વધુ જોવા મળે છે. હ્રદયમાં ઓછા, મનમાં વધુ જોવા મળે છે. ઉપાસનામાં ઓછા, પ્રદર્શનમાં વધુ જોવા મળે છે. ગણપતિમાં આત્માને લીન કરવાની જગ્યાએ રાજકારણને અને અસ્મિતાઓને ગણપતિ સાથે લીન કરવામાં આવે છે. ધર્મ અને ગણપતિ ત્યારે પણ સાધન હતા અને આજે પણ સાધન જ છે, માત્ર ઉદ્દેશ ઉદાત્તમાંથી અંગત અને વિકૃત થયો છે.

કોઈ નેતાને ગણપતિનો ખપ છે. કોઈ ગુંડાને પોતાની ધાક જમાવવા ગણપતિનો ખપ છે. કોઈ શ્રીમંતને પોતાની શ્રીમંતાઈ બતાવવા ગણપતિનો ખપ છે. કોઈ જાતિને પોતાની જાતિની અસ્મિતાનું પ્રદર્શન કરવા ગણપતિનો ખપ છે. જાહેરજીવનમાં પ્રવેશવા માગતા મહત્ત્વાકાંક્ષીઓ સાર્વજિક ગણેશ ઉત્સવ મંડળ રચીને ગણપતિનો ઉપયોગ કરે છે. ટૂંકમાં ગણપતિનો ઉપાસના માટે ઓછો ઉપયોગ થાય છે, અન્ય ઉદ્દેશો માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઉપાસના ઉત્સવમાં ફેરવાઈ ગઈ અને ઉત્સવ વિકૃતિમાં ફેરવાઈ ગયો.

હવે ૧૨૫ વરસના અનુભવ પછી કહો કે ગણપતિનો રાજકીય ઉપયોગ એ સરવાળે ફાયદાનો સોદો રહ્યો કે નુકસાનનો? પાછું આવું એકલા ગણપતિની બાબતમાં મહારાષ્ટ્ર પૂરતું જ નહોતું બન્યું. ગણપતિની પાછળ પાછળ બંગાળમાં દુર્ગાને લઈને, અન્ય પ્રદેશમાં રામ કે હનુમાનને લઈને, દક્ષિણમાં દ્રવિડો દ્વારા રાવણને લઈને જાગૃતિને નામે શક્તિપ્રદર્શન કરવા લાગ્યા હતા. મૂળ ઉદ્દેશ અથવા કહેવા પૂરતો ઉદ્દેશ જાગૃતિનો હતો, પણ પરિણામ શક્તિપ્રદર્શન હતું. અત્યારે તમામ સાર્વજનિક ધાર્મિક ઉત્સવો કોમની સંખ્યાશક્તિનું, ધનશક્તિનું કે બાહુબળનું પ્રદર્શન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઉપાસના વિકૃત શક્તિપ્રદર્શનમાં ફેરવાઈ ગઈ. એટલે જ સવાલ પૂછવામાં આવ્યો છે કે રાજકીય ઉપયોગ એ સરવાળે ફાયદાનો સોદો રહ્યો કે નુકસાનનો?

લોકમાન્ય તિલકે હિંદુઓમાં રાજકીય જાગૃતિ આણવા ગણપતિનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું એ પછી ૨૮ વરસે રવીન્દ્રનાથ ટાગોરે ચેતવણીનો ઘંટ વગાડ્યો હતો. આ ૧૯૨૧ની વાત છે. ગાંધીજીએ દેશમાં અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું જેને કારણે રવીન્દ્રનાથ ભયભીત થઈ ગયા હતા. મહાત્મા ગાંધી રાષ્ટ્રવાદી ગાંધી હોય એ તેમનાથી જોવાતું નહોતું. મહાત્માની બાથમાં કોઈ હોય અને કોઈ ન હોય એવું કેમ બને? સ્વદેશી અને વિદેશીનું વિભાજન આઝાદી મેળવવા માટે ખપનું હોય તો પણ તે જોખમી છે.

આપણે પહેલાં સ્વદેશી અને વિદેશી એવો ભેદ કરીશું, એ પછી વિદેશીનો તિરસ્કાર કરીશું, એ પછી તેનો બહિષ્કાર કરીશું, એ પછી તેની સાથે દુર્વ્યવહાર કરીશું, એ પછી આપણે વિદેશીને મારી નાખશું અને કદાચ જાતિનિકંદન સુધી પહોંચશું. આ બાજુ બીજે છેડે આપણે સ્વદેશીની વ્યાખ્યા કરીશું, એ પછી એમાંથી રાષ્ટ્ર નામની કલ્પના વિકસાવીશું, એ પછી ભરોસાની એરણે કયા સ્વદેશી પર ભરોસો કરાય અને કયો સ્વદેશી વિશ્વાસઘાત કરી શકે તેની ગણતરી માંડીશું. તેઓ ક્યાંથી આવ્યા છે અને કોને પૂજે છે તેનાં મૂળિયાં શોધીશું, કોને અંદર લેવા અને કોને બહાર રાખવા એનો વિચાર કરીશું, આ રીતે માનવીય ભાવનાને ભૂમિમાં પરિવર્તિત કરીશું અને પછી ‘આપણી’ હકની ભૂમિનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરીશું, ‘આપણી હકની ભૂમિ’નો વિસ્તાર કરવા માટે સંસ્કૃતિનો ઉપયોગ કરીશું અને તેમાંથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ વિકસાવીશું.

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે આ ખેલ ખતરનાક છે અને સરવાળે આપણને અને સમગ્ર માનવજાતને નુકસાન પહોંચાડનાર છે. આનું મુખ્ય કારણ એ છે કે ઉપરનો આખો મહેલ કલ્પનાઓ અને ધારણાઓ પર રચાયો છે. એને માટે ખોટા ઇતિહાસ દ્વારા પ્રમાણો પેદા કરવામાં આવશે અને તેને વારંવાર દોહરાવીને માણસની અંદર ઝેર અને દ્વેષ પેદા કરવામાં આવશે. આજે જે વિદેશી સાથે કરવામાં આવે છે તે કાલે વિધર્મી સાથે, અન્ય વંશીય માટે, ન ગમતી જ્ઞાતિઓ માટે, વંશ માટે કરવામાં આવશે. એક દિવસ એવો આવશે કે માણસ, માણસ મટીને કલ્પનાના મહેલનો ગુરખો બની જશે. કલ્પનાના સુખ માટે પોતાના હાથે જ પોતાના સંસારને નર્કમાં ફેરવી નાખશે. 

યાદ રહે, રવીન્દ્રનાથ ટાગોર આ દલીલો વિનાયક દામોદર સાવરકર સામે નહોતા કરતા, મહાત્મા ગાંધી સામે કરતા હતા જેઓ સ્વયં મર્યાદાપુરુષ હતા. ગાંધીજી અસહકારના આંદોલન વખતે રવીન્દ્રનાથને સમજાવવાની કોશિશ કરતા હતા કે તેઓ રાષ્ટ્રવાદનો વિકૃત અને વિકરાળ ચહેરો જાણે છે. પણ આઝાદી માગીને મળતી નથી. તેને માટે સંઘર્ષ કરવો પડે છે અને આપણી આઝાદી ઝૂંટવી લેનારનું નાક પણ દબાવવું જોઈએ. કેટલું નાક દબાવાય અને કેમ નાક દબાવાય એનું મને ભાન છે. રાંક પ્રજા પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. હિંસક ક્રાંતિનો વિકલ્પ તો આનાથી પણ ખતરનાક છે. ટૂંકમાં ગાંધીજીની દલીલ એવી હતી કે તેમનો રાષ્ટ્રવાદ માફકસરનો રાષ્ટ્રવાદ છે, એટલે કવિએ નિશ્ચિંત રહેવું જોઈએ.

રવીન્દ્રનાથને ગાંધીજીની દલીલ ગળે ઉતરી નહોતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ માફકસરનો હોઈ જ ન શકે. તેનો સ્વભાવ જ વિસ્તરવાનો અને જોહુકમી(હેજિમોનીક)નો છે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ ખૂબ ખતરનાક છે અને ભારત માટે તો એ વધુ ખતરનાક છે. રાષ્ટ્ર એ ભારતની સદીઓ જૂની અને પાયાની સમસ્યા છે.

કવિવરે આમ કેમ કહ્યું? આટલું આકરું નિદાન? મહાત્માની ક્ષમતા અને વિવેક પર શંકા કરવા સુધી આગળ કેમ ગયા? રવીન્દ્રનાથ ટાગોર કોઈ એરાગેરા નથુ ખેરા માણસ નહોતા. દૂરનું ભાળી શકનારા કવિ હતા. આખું વિશ્વ તેમને એ રીતે જોતું હતું અને હજુ આજે પણ જુએ છે. એક બાજુ મહાત્મા અને બીજી બાજુ ગુરુદેવ અને ચર્ચાનો વિષય છે રાષ્ટ્રવાદ. તમે પણ એક અઠવાડિયું આ વિષે વિચારો. શું લાગે છે? એ પછી આ ચર્ચા આગળ લઈ જશું.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2019

Loading

મેકિયાવેલી, સોક્રેટિસ અને ‘દર્શક’

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|20 October 2019

અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છેઃ રિઇન્વેન્ટિંગ ધ વ્હીલ. એટલે કે શોધાઈ ચૂકેલું ફરી ફરી શોધવું. ઇતિહાસમાં, સમાજમાં, સાહિત્યમાં ઘણી વાર નવા જ્ઞાનના સર્જનની સાથે, અગાઉ શોધાઈ કે લખાઈ ચૂકેલું પણ વખતોવખત યાદ કરવું જરૂરી બને છે. ગુજરાતના પ્રથમ હરોળના સર્જક અને જાહેરજીવન-રાજનીતિમાં પણ એટલો ઊંડો રસ લેનારા, ‘લોકભારતી’ ખ્યાત મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં લખાણ વાંચતાં એ લાગણી મનમાં તાજી થાય. તેમની બહુ વખણાયેલી નવલકથાઓ ઉપરાંત નાગરિક સમાજ, લોકશાહી અને શાસનકર્તાઓની સરળ સમજ માટે તેમનાં લખાણ પાયારૂપ બને એમ છે. ભલે તે જુદા સમયમાં લખાયાં હોય.

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી જોઈ ચૂકેલા ‘દર્શકે’ ‘પશ્ચિમના ચાણક્ય’ ગણાતા મેકિયાવેલીના રાજકારણ વિશેના વિચારોને યાદ કર્યા હતા. પંદરમી સદીના ઇટાલીમાં થઈ ગયેલા રાજકારણી અને લેખક મેકિયાવેલીએ પણ ચાણક્યનાં કેટલાંક લખાણની જેમ રાજાની સત્તા કેમ કરીને મજબૂત બને, તે વિશે લખ્યું હતું અને તેમાં પ્રજાકીય ખાસિયતોનું વિશ્લેષણ પણ ચોટદાર શબ્દોમાં કર્યું હતું. ‘દર્શકે’ તેને આ શબ્દોમાં ગુજરાતીમાં ઉતાર્યું, ‘જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે. એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી કે નથી કોઈ આદર્શની ભાવના. અરે, તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ કંઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કંઈ આપી દો તેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું તેવો ભ્રમ થવો જોઈએ. લોકોને કશું દઈ દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે ખોટું પણ નથી. પ્રજાને વચનો-દેખાવ દ્વારા જીતી લો. લોકોને મંદિરમાં જવાનું-શ્રદ્ધા રાખવાનું ગમે છે. તો તમે પણ મંદિરમાં જાવ. તમને શ્રદ્ધા છે તેવો દેખાવ કરો.’

મેકિયાવેલીનું વિશ્લેષણ સચોટ હોવા છતાં, તેનો ઉપયોગ પ્રજાને નાગરિક તરીકે ઘડવા માટે નહીં, પ્રજાની નબળાઈનો ગેરલાભ ઉઠાવીને રાજ્ય ટકાવી રાખવા માટે થયો. ગુજરાતીમાં હિટલરની આત્મકથાની જેમ મેકિયાવેલીનાં લખાણો માટે પણ વિવેકવિહોણું મનોરુગ્ણ આકર્ષણ જોવા મળે છે. તેનાથી બચીને ‘દર્શકે’ મેકિયાવેલીનાં લખાણોથી થયેલા નુકસાન વિશે ટીકા કરી હતી. લોકશાહી સંદર્ભે તેમનું બીજું પ્રિયપાત્ર હતું સોક્રેટિસ. ગ્રીસમાં એથેન્સમાં થયેલા સીધી લોકશાહીના પ્રયોગમાં સોક્રેટિસનું વિશેષ મહત્ત્વ છે. અન્યાયી કાયદાની નજરમાં ગુનેગાર ઠર્યા પછી મૃત્યુદંડની સજા તરીકે હસતા મોઢે ઝેર પીનાર સોક્રેટિસનું શું સ્વપ્ન હતું? ‘દર્શકે’ લખ્યું, ‘સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાંશાહીમાં, ઘેટાંશાહીમાં, લાંચરુશવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો … બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી. તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’

સોક્રેટિસ માનતો હતો કે સવાલો પૂછવા અને મતદારોને કેળવવા એ લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. મારી ફરજ છે કે મારે લોકોને કેળવવા, લોકોને વિચાર કરતા કરવા અને લોકોનાં મૂલ્યોનું પરિવર્તન કરવું. મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે. લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી, બંધારણ પણ પછીના નંબરે આવે. પહેલી જરૂર મતદારોની કેળવણીની છે. મારે એક જ સત્તા જોઈએ છેઃ મતદારોને કેળવવાની.

સોક્રેટિસના જમાનામાં ગ્રીસમાં સોફ્સ્ટિો હતા, જેમના વર્તમાન અવતારો આજુબાજુ નજર નાખતાં સહેલાઈથી મળી આવશે. તેમના વિશે ‘દર્શકે’ લખ્યું હતું, સોક્રેટિસના સમયમાં પણ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી વક્તાઓ હતા. તે સોફ્સ્ટિો કહેવાતા. સોક્રેટિસે તેમની જોડે ચર્ચા કર્યા પછી નિર્ણય બાંધેલો કે આ સોફ્સ્ટિો બુદ્ધિની વારવનિતાઓ છે. બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફ્સ્ટિ. લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ – આ બધું સોફ્સ્ટિો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય. લોકશાહીમાં સોફ્સ્ટિો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે.

વિશ્વના ઇતિહાસના અને સાહિત્યના અભ્યાસી દર્શક દૃઢપણે માનતા હતા કે સત્તા મળ્યા પછી સત્તાધારીને અંકુશમાં ન રાખીએ તો સત્તાધારી પ્રજા પર ચડી બેસે છે. એટલે રાજ્ય બરાબર કામ કરે છે? આપણે તેનું કામ કેમ ચકાસવું? તેના પર કેમ અંકુશ રાખીશું? રાજ્યની દાનત કેવી છે? આ બધા સવાલોના જવાબ આપણા માટે અગત્યના છે. એટલે રાજનીતિશાસ્ત્રનો આ પાયો દરેક નાગરિકે સમજવો-શીખવો રહ્યો. પણ સવાલ એ છે કે મતદારોને કેળવવા કેવી રીતે?

દર્શકે લખ્યું હતું, મતદારોને કેળવવાની હિંમત નથી, કેળવવાની કોઈની ધીરજ નથી, કેળવવાની કોઈની તૈયારી નથી અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી અને મતદારોને કેળવવા એટલે શું? પ્રોપેગેન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે. ત્યાર પછી શું થશે? તેમણે માર્મિક રીતે લખ્યું હતું કે પછી અભિપ્રાયો હશે, વિચાર નહીં હોય.

લોકશાહીને તેમણે ‘પોલિસેન્ટર્ડ સોસાયટી’ ગણાવીને લખ્યું હતું કે લોકશાહીમાં સત્તાનાં વિવિધ કેન્દ્રો હોય છે. મજૂરોનું એક કેન્દ્ર હોય છે, માલિકોનું બીજું, ખેડૂતોનું ત્રીજું. આ ભાતભાતનાં જુદાંજુદાં સત્તાનાં-બળનાં કેન્દ્રો, વિચારનાં કેન્દ્રો, અનુભવનાં કેન્દ્રો, તે બધાં જ્યારે અનુભવોની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેમાંથી એક સરવાળો નીકળે છે કે આ કરો તો લગભગ સર્વને માન્ય રહેશે. જે રાજ્યપદ્ધતિની અંદર આ પોલિસેન્ટર્ડ સોસાયટીનો ખ્યાલ જ ન હોય અને એકકેન્દ્રી સમાજ મનમાં હોય તે લોકશાહીની ગમે તેટલી વાતો કરતા હોય તો પણ ખરેખર એ લોકશાહીમાં માનતા નથી. રાજ્યનો અંકુશ એક વસ્તુ અને રાજ્ય સિવાય બીજાં સત્તાકેન્દ્રો જ ન હોય એ બીજી વસ્તુ છે.

આવું થતા આગળ જતાં મતદારોનો પણ એકડો નીકળી જવાનો.

આગળ ઉલ્લેખેલી વિગતો જાણ્યા પછી વર્તમાન સ્થિતિને સમજવા માટે તેનું અજવાળું પણ પૂરતું થઈ પડે, એમ નથી લાગતું?

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019

Loading

ભાષાપ્રેમી સંગીતકાર ખુસરોઃ એક વતનપ્રેમી ભક્ત!

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2019

સંતોના પ્રદેશમાં પ્રવેશતા પહેલાં જો આમીર ખુસરોની મહાનતા તેના પૂરા સંદર્ભમાં રેખાંકિત કરવામાં ન આવે તો એ તેમને કરેલો અન્યાય કહેવાય. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે ભારતમાં ભક્તિઆંદોલનનો પાયો રોપ્યો. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે હિંદુ અને મુસલમાન એમ બંને માટે વતનપરસ્તીના સંસ્કાર દ્રઢ કરી આપ્યા. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેને આપણે ખડી હિન્દવી-હિન્દુસ્તાની બોલી/હિન્દી/ઉર્દૂના પિતામહ કહી શકાય. જી હા, આ ભાષામાં સાહિત્યસર્જન સૌ પહેલાં ખુસરોએ શરૂ કર્યું હતું.

‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના લેખક રામધારી સિંહ દિનકરે આમીર ખુસરો માટે કહ્યું છે કે આ દેશે ભારતમાં મુસલમાનોના રાજ્યના આરંભ પછી માત્ર ૬૧ વરસમાં એક એવા મુસલમાનને પેદા કર્યો જે હિંદુસ્તાનના રાષ્ટ્રવાદી મુસલમાનોનો અગ્રણી મહાપુરુષ હતો. આ અંજલિ થોડી ટૂંકી છે. મારા મતે ખુસરો માત્ર રાષ્ટ્રવાદી મુસલમાનોના નહીં, ભારતીય ભાવવિશ્વનો પિતામહ હતો. ખુસરો પછી સહિયારી ઈબાદત વિકસી. ખુસરો પછી ભારતમાં ગંગા-જમની સંસ્કૃતિ વિકસી જેને અંગ્રેજીમાં સિન્ક્રેટીક કલ્ચર કહેવામાં આવે છે. ખુસરો પછી ભારતીય ઈસ્લામે એક અનોખો ચહેરો ધારણ કર્યો. ખુસરોના કારણે ભારતીય મુસલમાન મુસલમાન બન્યા પછી પણ ભારતીયતાથી બહુ દૂર ન ગયો. ખુસરોએ હિંદુ અને મુસલમાન એમ બંનેને વતનપરસ્તી શીખવી અને ખુસરો પછી અત્યારની ભારતીય ભાષાઓ વિકસી અને તેમાં સાહિત્ય ખેડાણ થવા લાગ્યું. ખુસરો પહેલાં મુસલમાનો ફારસી ભાષામાં લખતા હતા અને હિંદુ સર્જકો અપભ્રંશ અથવા ડિંગલ ભાષામાં લખતા હતા.

ભારતમાં હિંદુ મુસ્લિમ એકતાના ચાર મોટા પુરસ્કર્તા થયા એમાં પહેલા હતા આમીર ખુસરો. બીજા અકબર, ત્રીજા કબીર અને ચોથા ગાંધીજી. દુર્ભાગ્યે આપણે ખુસરોની મહાનતા જે રીતે ઓળખવી જોઈએ એ રીતે ઓળખતા નથી. અંગ્રેજોએ આપેલી આંખે ઇતિહાસ જોવાની જગ્યાએ જો આપણે આપણી પોતાની આંખે ઇતિહાસ જોતા શીખીએ તો ઘણા અનર્થો ટાળી શકાય એમ છે. અંગ્રેજોને હિંદુ અને મુસલમાનો વચ્ચે ઝઘડો પેદા કરવો હતો એટલે અમુક રીતે ઇતિહાસ લખ્યો હતો, જે થોડો સાચો છે અને ઘણો ખોટો છે. જેને આઝાદી પછી પણ ધરાર લડવું છે અને પોતાની શરતે રાષ્ટ્રીય એકતાનો દુરાગ્રહ ધરાવે છે એ લોકોને અંગ્રેજોનો ઇતિહાસ માફક આવે છે. આમાં આમીર ખુસરોનો ખો નીકળી ગયો છે અને તેમને જેવો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી. માટે અહીં આમીર ખુસરોની વાત કરવા થોભવું પડે એમ છે.

આમીર ખુસરોનો જન્મ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પતિયાલી નામના ગામમાં ઈ.સ. ૧૨૫૩માં થયો હતો એમ માનવામાં આવે છે. અમીર ખુસરોના પિતા તુર્ક હતા અને તેઓ સુલતાન નસિરુદ્દીનના શાસનકાળમાં ભારત આવ્યા હતા. આમીર ખુસરો શેખ નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. જ્યારે નિઝામુદ્દીન ઓલિયાનું અવસાન થયું અને તેના દેહને કબરમાં પધરાવવામાં આવ્યો ત્યારે ખુસરોએ તેમની ઊંડી પીડા આવા શબ્દોમાં વ્યક્ત કરી હતી:

ગોરી સોવત સેજ પર, મુખ પર ડાલે કેસ,
ચલ ખુસરો ઘર આપનો, રૈન ભઈ સબ દેસ.

આ પંક્તિઓમાં બે ચીજ પ્રગટ થતી જોવા મળશે. એક તો પ્રેમની ઉત્કટતા. જો ગુરુ કે મુરશિદ માટે આટલી ઉત્કટતા હોય તો ઈશ્વર માટે કેટલી હશે! બીજું દિલ્હી, મથુરા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વપરાતી ખડી બોલી સાથેની ખુસરોની ભાષાની નજદીકી અને અત્યારની હિન્દી/ઉર્દૂ ભાષાનાં બીજ. બારમી-તેરમી સદીમાં ભારતમાં લોકવ્યવહારની ભાષા અપભ્રંશથી આગળ જઇને વિવિધ બોલીઓમાં પરિવર્તિત થવા લાગી હતી. એ પૂર્ણરૂપે વિકસી નહોતી, પણ વિકસતી જતી હતી.

હિંદુ પ્રજા પકડી રાખનારી અને બીજાને કે નવાને પ્રવેશ નહીં આપવા દેવાની કે નહીં સ્વીકારવાની માનસિકતા ધરાવતી પ્રજા છે. આને કારણે બુદ્ધ અને મહાવીરે અનુક્રમે પાલી અને પ્રાકૃત જેવી લોકભાષાનો આગ્રહ રાખ્યો હોવા છતાં એ બંને ધર્મના અનુવર્તી પંડિતોએ કે સાધુઓએ લોકભાષા છોડીને સંસ્કૃતમાં જ ગ્રંથો લખ્યા હતા. એ પછી જ્યારે પ્રાકૃત-પાલીમાંથી અપભ્રંશ વિકસી ત્યારે સર્જકો અપભ્રંશનો સ્વીકાર કરતા નહોતા અને પાલી-પ્રાકૃતને ચડિયાતી ભાષા માનતા હતા. જ્યારે અપભ્રંશમાંથી ગુજરાતી, મરાઠી, અવધી, બ્રજ, મૈથિલી, બંગાળી જેવી લોકભાષાઓ વિકસી ત્યારે પંડિતો અપભ્રંશનો આગ્રહ રાખતા હતા અને લોકભાષાઓને નકારતા હતા. ભારતમાં મુસલમાનોની તો કોઈ ભાષા જ નહોતી, કારણ કે વિદેશી મુસલમાનોની ભાષા વિદેશી હતી અને ધર્મપરિવર્તિત ભારતીય મુસલમાનોની ભાષા એ જ હતી જે પાડોશી હિંદુની હતી.

આમ હિંદુ ભદ્રવર્ગ અપભ્રંશનો આગ્રહ રાખતો હતો, વિદેશી મુસલમાન ફારસીમાં લખતા હતા અને સાધારણ હિંદુસ્તાની (જેમાં હિંદુ અને મુસલમાન બંનેનો સમાવેશ થાય છે) લોકભાષામાં વ્યવહાર કરતા હતા ત્યારે આમીર ખુસરોએ લોકભાષામાં સાહિત્યસર્જન કર્યું હતું અને એ પણ કેટલા ઊંચા દરજ્જાનું એ ઉપરની પંક્તિમાં જોઈ શકાશે. આટલી ભૂમિકા પછી એટલું તો સ્પષ્ટ થઈ જ ગયું હશે કે આમીર ખુસરો હિન્દી/ઉર્દૂ ભાષાના પિતામહ છે.

ખુસરોના દેશપ્રેમનું પ્રમાણ તેમના મસનવી ‘નુહે-સિપહ્ર’(નવ આકાશ)માં કહેલા આ કથનથી મળશે: “સંભવ છે કે કોઈ મને પૂછશે કે, ખુસરો હિંદુસ્તાન માટે આટલી શ્રદ્ધા કેમ રાખે છે? મારો જવાબ એવો છે કે હિંદુસ્તાન મારી જન્મભૂમિ છે, મારું વતન છે. ખુદ નબીએ કહ્યું છે કે વતનપ્રેમ માણસના ધર્મપ્રેમમાં સમાહિત છે, તેમાં આવી જાય છે.” બીજી એક જગ્યાએ દિલ્હીની મહાનતા ગાતા ખુસરો કહે છે: “આ દિલ્હી નામના ચમનની કહાની જો મક્કા સાંભળે તો મક્કા પણ શ્રદ્ધાપૂર્વક દિલ્હીની પરિક્રમા કરવા આવે.” આ મસનવી ‘નુહે-સિપહ્ર’ આખેઆખો ભારત અને ભારતીય સંસ્કૃતિની મહાનતાની ગાથા ગાનારો છે. ભારતની સામે તેણે સમરકંદ, બુખારા, બસરા, તુર્કી, રશિયા, ચીન, ખુરાસાન, ઈજીપ્ત જેવા દેશોને તુચ્છ ગણાવ્યા છે. ખુસરોએ ભારતની જેટલી પ્રશસ્તિ કરી છે એટલી કોઈ હિંદુએ પણ નહીં કરી હોય. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આત્મગ્રહણ કર્યો હોવાથી બિચારા હિન્દુત્વવાદી દેશપ્રેમીને ખુસરોની અને ખુસરોના યોગદાનની તેમ જ તેની દેશભક્તિની જાણ પણ નથી.

ખુસરોએ હિંદુઓની ધાર્મિક આસ્થાની પણ પ્રસંશા કરી છે અને મુસલમાનોને તેમાંથી બોધ લેવાનું કહ્યું છે. ઈશ્વરની મૂર્તિ સમક્ષ ગદગદિત હિંદુ માટે તેણે કહ્યું છે કે, “તીરનું નિશાન ભલે ખોટું હોય, પણ ગતિ કેવી તેજ છે!” અર્થાત્ એક મુસલમાન તરીકે ખુસરો મૂર્તિપૂજાની તો પ્રસંશા ન કરી શકે, પણ તીવ્રતાની તો કરી જ છે. આડકતરી રીતે તેણે સગુણ બ્રહ્મની પ્રાસંગિકતા માન્ય રાખી છે.

ખુસરોનું હજુ એક મોટું યોગદાન ભારતીય સંગીતના ક્ષેત્રે છે. કવ્વાલી, તરાના અને હિંદુસ્તાની ખયાલ સંગીત ખુસરોના કારણે વિકસ્યું છે એમ સંગીતજ્ઞો કહે છે.

ભારતમાં ઇસ્લામના આગમન પછી આમીર ખુસરો ભારતીય મુસલમાનોનો પહેલો અવાજ હતો. અત્યંત સ્વસ્થ, સર્વ સમાવેશક અને સર્વગ્રાહી. એ અવાજ ભારતીય મુસલમાનોનો અવાજ કેમ નહીં બન્યો? એ અવાજને હિંદુઓએ કેમ નહીં ઝીલ્યો અને પડઘો નહીં પાડ્યો? નહોતો ઝીલ્યો અને નહોતો પડઘો પાડ્યો એવું નથી. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ એ અવાજ ઝીલ્યો હતો અને પડઘો પાડ્યો હતો. પણ પછી વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે એ અવાજને શાંત કરવામાં આવી રહ્યો છે.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019

Loading

...102030...2,8182,8192,8202,821...2,8302,8402,850...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved