Opinion Magazine
Number of visits: 10,228,917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરહદ કાવ્યો

સલિલ ત્રિપાઠી|Poetry|4 January 2020

સરહદ 
 

તોતિંગ પથ્થર પર
અહર્નિશ પ્રહાર પછી
સુંવાળી કાયા પ્રગટે
હાથ એના બેબાકળા – 
સ્તન ઢાંકવા શોધે વસ્ત્ર 
લસરે શિલ્પનું વલ્કલ – 
શિલ્પકાર ત્યાં સ્તબ્ધ,
વિમાસણમાં કરે વિચાર – 

ઓઢાડું ચાદર 
કે સરકવા દઉં એ વલ્કલ? 

શિલ્પકારને થાય કાયા જકડી રાખું
પણ મન એનું વહેતું
શિલ્પની રગોરગમાં – 

કાયાને મન પણ એક સવાલ –
શું છું હું કેદી શિલ્પકારની
કે છું હું સ્વતંત્ર? 

જવું છે એને પણ કલ્પનાની પેલે પાર – 

શિલ્પકારનો સંયમ અને
શિલ્પની તૃષા જ્યાં કરે સામનો 
એને કહે છે
સરહદ 

*

એક ક્ષણ આંખ મીંચ 
જો પેલાં 
અસ્તવ્યસ્ત 
લોહીલુહાણ 
એકમેકમાં વીંટાયેલાં 
મુડદાં – 
નથી લગતાં 
પ્રેમી યુગલ જેવાં?

મરણનું વર્ણન કરવા માટે અક્ષર ક્યાં? 
ચુંબનનો અર્થ સમજાવવા શબ્દ ક્યાં?
ચીમળાયેલી ચાદર પર 
બે વિમુખ પ્રદેશ જેવાં 
બે જુદાં શરીર 
ક્યારેક ભેગાં થાય
પણ લગભગ વેગળાં રહે

એ પણ
સરહદ

*

ત્રણ અઠવાડિયાં
સતત બોમ્બમારા પછી 
ભસ્મીભૂત થઇ ગયેલા શહેરમાં
ભાંગેલી ઈંટોના ટેકરા ઓળંગી 
તૂટેલા કાચ
પગના તળિયા હેઠળ કચડી 
લાપતા કુટુંબીઓના ચહેરા
મનમાં મઢાવી 
બે જોડ કપડાં
અને ગલેફ વગરના ઓશિકાનું
પોટલું બાંધી 
નાવિકને આપવાના છસ્સો રૂપિયા
મુઠ્ઠીમાં જકડી 
પગદંડી પર હજારો માણસો જોડે
સરઘસમાં જોડાઈ 
ક્ષિતિજે દેખાતા વોચટાવર પહોંચી 
ફફડતે હૈયે 
કંપતે હોઠે 
રેબઝેબ પરસેવે 
ગભરાતા 
ડરતા  
સંત્રીને પોતાનું નામ
બાપનું નામ માનું નામ 
રાખ થયેલા ઘરનું સરનામું 
સરકાર સમજે એવી ઓળખ આપી 
સૂપડાની જેમ પ્રસરાવેલા ધ્રૂજતા હાથ
મૂંડી નીચી
જ્યાં દેખાય પડછાયો 
કાંટાળી વાડનો – 
ત્યાં 
સરહદ.

*

ખભે બૅકપેક લટકાવી 
ડોલર ટિકિટ ક્રેડિટકાર્ડ 
જેકેટના જુદા જુદા ખીસામાં સાચવી 
પૈડાંવાળી કેરીઓન કેસ
પાળેલા કૂતરાની જેમ ખેંચી
સરકતી જમીન પર બબ્બે પગલે દોડી 
ઇમિગ્રેશન કાઉન્ટર પર 
બિઝનેસ ક્લાસ પ્રવાસીઓની
લાઈનમાં જોડાઈ
અધિકારી સામે જોયા વગર
પાસપોર્ટ આપી 
ફોન પર ફેસબુક અપડેટ કરી 
ઉબર બોલાવી 
બ્લુટૂથ હેડફોન પર મ્યુઝિક સાંભળતાં 
ટેક્સીની રાહ જ્યાં જોઈ 
ત્યાં 
પણ 
સરહદ

* 

સ્વીડનના સીગતુના ગામથી
નોરવેના ઓસ્લો શહેર જયારે હું ગયો
ત્યારે ખબરે ના પડી
કે સરહદ 
ક્યારે ઓળંગી – 
બિલબોર્ડ પર નવી લિપિ જોઈ 
અક્ષરો પર ટપકાં દેખાયાં
ને 
પહોંચ્યો નવે દેશ

નાઇરોબીથી
અરૂશાને રસ્તે 
અમારી બસ
ઊભી રાખી
અમને ઉતાર્યા
અધિકારીઓએ 
ફોટા લીધા 
આંગળાં આપ્યાં 
પાસપોર્ટ ઝીણવટથી જોવાયા
દોઢ કલાક પછી
પાછા બેઠા બસમાં 
ટાન્ઝાનિયા તરફ

ગોલોક ગામે થાઇલેન્ડ પ્રવેશતાં
અમને કોઈએ રોક્યા નહીં 
પણ મલેશિયા પાછા વળતાં 
અધિકારીએ ખૂબ છણાવટ કરી – 
એ દેશ
માત્ર બે કલાક જવાનું કારણ શું?

બેલફાસ્ટથી ડબ્લિનના 
ઘોરી માર્ગ પર
બસ ચાલે પૂરપાટ – 
માઈલના થયા કિલોમીટર – 
અને બદલાયો દેશ.

મુજીબનગરમાં 
વાડની પેલે પાર
બંગાળ – 
રવીન્દ્રનાથ ત્યાં પણ
અહીં પણ 
ઓપાર-એપાર
ક્યાં એક દેશ પત્યો, 
ક્યાં બીજો દેશ શરૂ થયો?

કોણે દોરી આ રેખા?
ક્યાંથી ઊપસી
આ
સરહદ?

*

સરહદ પર નોટિસ : 

ધૂમ્રપાન નિષેધ 
અહીં ગંદકી કરવી નહીં 
વાળ ઓળવા નહીં 
થૂંકવું નહીં  
મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં 
સ્વાભિમાન ગજવામાં રાખવું 
સ્વમાન પ્રદર્શિત કરવા પર 
પ્રતિબન્ધ છે 

*

સરહદ ઓળંગતી વખતે 
હળવેથી ચાલવું 
મૌન જાળવવું 
પચાસ વર્ષ પહેલાં 
અહીં વિખરાયેલા હતા 
હજારો લોહી નીતરતા
ફંગોળાયેલા મૃતદેહ –
એમના આત્માને
અંજલિ આપવા બે મિનિટ મૌન 

*

ભલે થઇ હોય ત્વચા 
ગમે એટલી ઉત્તેજિત
પણ ત્યારે 
ક્યાં ખોવાઈ ગયું 
તારું મન?
મારા હાથ, પગ, જીભ, મારુ અંગ 
બધાં ય કરે આગેકૂચ 
પણ તારી કેમ અગમ્ય પીછેહઠ?

ઊભી થઇ ગઈ
એક દીવાલ 
તૂટી પડ્યો પુલ 
રણમાં ઊગેલા 
કાંટાળા થોર જેવી 
અચાનક 
ઊભી થઈ 
એ 
સરહદ 

*

તારો ચહેરો જુએ પશ્ચિમ 
મારો જુએ પૂર્વ 
અવિશ્વસનીય પાડોશી દેશ જેવા 
રિસાયેલા હું અને તું : 

પણ મધરાતે 
છાનાંમાનાં ચોરપગલે
ધીમે ધીમે સરકીએ 
એક બીજાની પાસે
  
ભલે મન આપણાં રહે 
ઉત્તર-દક્ષિણ 

પળભરનો યુદ્ધવિરામ 
ક્ષણભંગુર શાંતિ 

સવારે 
આકરો તડકો 
યુદ્ધનો પ્રારંભ ફરી એક વાર 
ત્યાં 
સરહદ 

*

બીજો પ્રદેશ 
પર દેશ
પરદેશ.

ત્યાં તું 

મારે કરવો છે 
પ્રવાસ
ઓળંગવી છે 
આ 
સરહદ 

*

મારી પીઠમાં
દેખાય તને 
શિખર 

તારા પગ ફેલાય 
મારે મન 
ત્યાં 
એક ખીણ 

સ્નાયુ તંગ ભળી જાય અંગ હળી જાય
અંગ મળી જાય અંગ 
ઉમંગ ઉમંગ શિસ્તનો ભંગ કાયદાનો
ભંગ તું મારે સંગ પ્રસન્ન અનંગ
વાયાંગનો વારંગ ઊછળે તરંગ પ્રસરે
સપ્તરંગ સદીઓનો જંગ
 
ઘોર મધરાતે
સૈનિક બોલાવે નસકોરાં
ત્યારે  
મારી તારી  
છાનીમાની અવરજવર

આપણે કરીએ 
પાર
એ
સરહદ 

* 

અંધકારમાં 
મારો હાથ 
અડ્યો તારી હથેળીને – 
તું સંકોચાઈ – 
કરી મેં પીછહઠ
ન ઓળંગાય મારાથી
તારી
સરહદ

પણ 
થોડા દિવસ પછી
તારી અગાશીમાં 
ટમકતા તારાની છત્રછાયા નીચે
તારી ડોક 
મારે ખભે
મારા હાથ 
ખોવાયા તારા કેશમાં
ભૂંસી નાખી 
રફેદફે કરી નાખી 
તેં જ
એ જ
સરહદ

*

તારી ત્વચા 
મારાં ટેરવાં 
જ્યાં મળે 
એ 
સરહદ 

*  

તારું મૌન 
મારો પ્રશ્ન
જ્યાં સંભળાય  
એ 
સરહદ 

*

તારી પાંપણ 
મારો ઉચ્છ્વાસ 
જ્યાં અડે
એ 
સરહદ 

*

તારા ભીના હોઠ 
મારા કાનની બૂટ 
જ્યાં સ્પર્શે
એ 
સરહદ 

*

તારાં બટન 
મારી આંગળી 
જ્યાં ઉકેલે
એ 
સરહદ 

*

તારું મન 
મારા શબ્દ
જ્યારે સમજે  
એ 
સરહદ 

*

મારી જીભ 
તારાં આંસુ 
જ્યારે પીએ 
એ 
સરહદ 

*

ઊંડે 
જીભને તળિયે
જ્યાં 
સ્વર જાગે કંઠમાં
જ્યાં ક્યારેક અટકે શબ્દ
જ્યાં હોય કાયમી નાકાબંધી 
જ્યાં પડે દ્વિધા 
ત્યાં ઉદ્દભવે મનોમન પ્રશ્ન 

બોલું? ન બોલું? 
પૂછું? ન પૂછું?
કહું? ન કહું?

એનું નામ 
સરહદ 

*
તારી ત્વચા પર 
છુપાવેલો 
ઝળહળતા પ્રકાશમાં પણ
નરી આંખે ન દેખાય 
એવો એક ખૂણો –
છે ક્યાં 
એની નથી ખબર મને 
અને તું મને નહીં કહે
તો
મારે ક્યાં કરવી શોધ 
 
એને ન સ્પર્શી શકે મારા હાથ 
ન સમજી શકે મારું મન 
ત્યાં સચેત છે 
તારું મૌન 
તારા સિવાયેલા હોઠ 
તારા રહસ્યની રક્ષા કરતી 
એ 
રેખા
શબ્દ વગરની પંક્તિ 
આકાર વિનાની દોરી 
ક્યારેક વિસ્તરતી
ક્યારેક સંકોચાતી લીટી –
એનું નામ 
સરહદ   

*

સંધ્યાટાણે 
તારે ઘરે આવ્યા પછી 
સૂરજ ઊગે એ પહેલાં
મારે તો પાછા 
જવું જ રહ્યુંને?
 
તારી સુગંધ મારી છાતી પર 
મારા વાળ તારે ઓશીકે 

સરહદ ઓળંગી 
હું 
નીકળ્યો જવા મારે ઘેર
શું એમાં છે મારી આઝાદી? 
કે ગુલામી? 
તારે ઘરે આવવું –
એ આઝાદી કે ગુલામી?

ઘર પર તાળું
હું
અંદર કે બહાર? 
અંદર હોઉં તો કેદી ક્યાંનો? 
બહાર હોઉં તો આઝાદ શાનો?

કાંટાળી વાડ 
મને રોકે છે 
કે 
બોલાવે છે? 

જ્યાં સાથે રહે 
ગુલાબ અને કાંટા 
એ 
સરહદ 

*

શસ્ત્ર
શબ્દ
પ્રહાર
ફૂલહાર
અપમાન
આલિંગન
હુમલો
ભેટ
તમાચા
ચુંબન
લાત
સ્મિત

બધું સ્વીકારે, સહન કરે
તો ય તું અવિનાશી
સજાગ
નિરપેક્ષ
ધૈર્યવાન

કેવી મજબૂત છે
તારી 
એ
સરહદ! 

*

અતીત
એટલે પરદેશ

અતીત
એક એવો પ્રદેશ
જેને 
છોડેલા શહેરમાં 
ભાંગેલી સ્મૃતિઓના પહાડ પાસે  
ખોવાયેલા સંબંધની ઊંડી ગુફામાં
દબાવેલી વેદનાના ખાડામાં દાટી 
એના તરફ 
ફરીથી ક્યારે ય
નજર ન નાખવાનો
નિર્ણય લીધો હતો 
એક વખત

પણ 
અતીતને નથી આદર
મારા મનમાં દોરેલી સીમાનો

લોહીની જેમ 
નીતરી આવે છે એ 
પ્રસરે છે 
મારા મનમાં –
મારી આંખો
લાલલાલ

ધોવાઈ ગઈ ત્યારે  
એ
સરહદ
   
*

એક વાર
કરી સરહદ પાર
પછી જવાય પાછા 
પેલે પાર?

આપણી શોધ રહેશે વણથંભી
અને જોજનોની યાત્રા પછી
આવીશું આપણે ત્યાં
અધૂરી વાત રહી ગઈ હતી વાત
આપણી જ્યાં
સમજીશ હું તારી વાત ત્યારે
પહેલી વાર કહી હતી તેં મને જ્યારે
એવા જ્ઞાન અને અજ્ઞાન
વચ્ચે ખોવાઈ ગયેલી રેખા
એ
સરહદ

* 

સરહદ 
સહૃદય 
સર હદ 
સા રે હદ થઇ ગઈ 
સર દરદ  
સરહદ 
રડ હાશ
સરહદ 
સદા હાર 
સરહદ 
હસ ડર 
સરહદ 
હાર સડ 
સરહદ 
હાડ રસ 
સરહદ 
સહ ડર 
સરહદ
હસ રડ 
સરહદ
 
*

હવે તું ગઈ છે
પેલે પાર
કઈ રીતે ઓળંગું 
આ સરહદ?

તારે પ્રદેશ જઉં
તો પાછા અવાય નહીં
તારા પ્રદેશમાં તને 
શોધવી ક્યાં?

તારે દેશ જવું હોય 
તો ન જોઈએ 
પાસપોર્ટ
ન જરૂર પડે વિસાની – 

પણ નથી ખબર કોઈને રસ્તો
નથી નકશો, નથી પાળિયા,
નથી અણસાર, નથી કોઈ એંધાણ
હું એકલો ઊભો છું
એ જ દરિયાકાંઠે
જોઉં છું સાગર-તરંગ
સાંભળું છું ઘુઘવાટ 
ગણું છું પંખીઓ 
માણું છું આથમતા સૂર્યની લાલિમા

ક્યાંક
તું પણ છે દરિયાકાંઠે
રાહ જુએ છે સૂર્યોદયની 
પૂછે છે પંખીઓને મારા દેશના સમાચાર
હું આ પાર, તું પેલે પાર – 

આપણી વચ્ચે
વળી પાછી
એ જ
સરહદ

e.mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “એતદ્દ”, 223; સપ્ટેમ્બર 2019. પૃ. 05-12

Loading

માનવતા પોતાના અસ્તિત્વનું સંકટ અનુભવી રહી છે; ક્લાઇમેટ ચેન્જ વર્તમાન યુવા પેઢીનું ઉત્તરદાયીત્વ છે

સુમન શાહ|Opinion - Opinion|4 January 2020

આપણે સહવિચાર કેમ નથી કરતા કે કયાં પરિબળો વડીલ પેઢીઓની કુણ્ઠા બની બેઠાં છે, યુવા પેઢીઓની રૂંધામણ બની બેઠાં છે

૨૦૧૯ની વ્યક્તિ-વિશેષ ગ્રેટા થુન્બર્ગ

૧૬ વર્ષની ગ્રેટા થુન્બર્ગને ‘ટાઈમ’ મૅગેઝિને ‘યુવાશક્તિ’ કહીને ૨૦૧૯ના વર્ષની વ્યક્તિ-વિશેષ ઘોષિત કરી છે. ગ્રેટા ‘ક્લાઈમેટ ચેન્જ’ સંદર્ભે સ્વીડિશ ઍન્વાયર્ન્મૅન્ટલ ઍક્ટિવિસ્ટ છે. એણે ‘ક્લાઈમેટ ક્રાઈસિસ’ નામની મહા પ્રભાવક ઝુંબેશ ચલાવી છે. ગ્રેટા ઇચ્છે છે કે એ મહા સંકટના નિવારણ માટે રાજકારણી સત્તાધીશો ઝડપી ઍક્શન્સ લે. એની ચળવળનું કેન્દ્ર જ ઍક્શન છે.

જન્મ સ્વીડનમાં, ૨૦૦૩માં. ૮ વર્ષની વયે ગ્રેટાએ પહેલી વાર ‘ગ્લોબલ વૉર્મિન્ગ’ વિશે સાંભળેલું. એને વિચાર આવેલો : ‘એવું તો શેનું થવાનું કેમ કે રાજકારણીઓ કાળજી કરીને બધું સંભાળી લેશે.’ ધીમે ધીમે ગ્રેટાના ધ્યાન પર આવ્યું કે એ લોકો તો કંઈ કરતા જ નથી. એટલે એને ઝુંબેશનો વિચાર આવ્યો ને એ માટે એ તત્પર થઈ ગઈ. પોતે જે શાળામાં ભણતી’તી ત્યાંથી એણે શુભારમ્ભ કર્યો – ઑગસ્ટ ૨૦૧૮. ત્યારે એ ૧૫ વર્ષની હતી. ઝુંબેશનું નામ રાખ્યું – ‘સ્કુલ ક્લાઇમેટ સ્ટ્રાઈક’. હુલામણું બિરદ રાખ્યું – ‘ફ્રાઇડેઝ ફૉર ફ્યુચર’. ઍક્ટિવિસ્ટ કહો કે કર્મવીર કહો એવી આ છોકરી શાળામાં ભણવાનું છોડીને સ્વીડિશ પાર્લામૅન્ટની સામે અડ્ડો જમાવીને ધરણાં કરે છે. મુદ્દો એક જ – ગ્લોબલ વૉર્મિન્ગના નિકાલ માટે ઍક્શન લો !

જોત જોતાંમાં બીજાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ જોડાય છે અને ક્રમે ક્રમે ઝુંબેશ રાષ્ટ્રીય અને આન્તરરાષ્ટ્રીય સ્તરે પ્રસરે છે. દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક સ્ટ્રાઇક ! એકવાર તો બે શ્હૅરોમાં થઇને દરેકમાં ૧ મિલિયન વિદ્યાર્થીઓ ! ૨૦ સપ્ટેમ્બરની સ્ટ્રાઇકમાં ૬ દેશોના થઈને આશરે ૪ મિલિયન લોકો ! ઇતિહાસમાં આ વિરોધ-પ્રદર્શન મોટામાં મોટું ગણાય છે.

ગ્લોબલ વૉર્મિન્ગ એટલે પૃથ્વીવ્યાપી ગરમી. ઔદ્યોગિક ક્રાન્તિ પછી ગ્લોબલ તાપમાન ૧ સેલ્સિયસ જેટલું વધી ચૂક્યું છે. સંભાવના છે કે ૨૧૦૦ સુધીમાં એ ૩ સેલ્સિયસે પ્હૉંચી જશે. કાર્બન ડાયોક્સાઇડ બીજાં પ્રદૂષકો અને ગ્રીનહાઉસ ગૅસિઝ રેડિયેશન વગેરે વાતાવરણમાં ભળે પછી વરસો લગી ભળેલાં રહે છે. પરિણામે, પૃથ્વીનો ગોળો વધારે ગરમ અનુભવાય છે. ઇલેક્ટ્રિસિટી પેદા કરવા અમેરિકા ફોસિલ ફ્યુએલ વાપરે છે. ફોસિલ તે ધરતીમાંથી પેદા થતો ગૅસ, કોલસો કે તેલ. એથી ઘણી મોટી માત્રામાં ગરમી અને તેથી પ્રદૂષણ જન્મે છે. ઘણી મોટી માત્રા એટલે ઘણી મોટી – દર વર્ષે ૨ બિલિયન ટન કાર્બનડાયોક્સાઇડ પેદા થાય છે ! પ્રદૂષણનો એવો જ બીજો મહા સ્રોત છે, અમેરિકાનું ટ્રાન્સપોર્ટેશન સૅક્ટર. એથી દર વર્ષે ૧.૭ બિલિયન ટન કાર્બનડાયોક્સાઇડ ધુમાડા રૂપે પેદા થાય છે.

અલબત્ત, અમેરિકા આ સંકટને વિશે એટલું જ જાગ્રત છે. આધુનિક પાવર પ્લાન્ટ્સથી પરિસ્થિતિ ઘણી સુધરી છે. પણ ભલા, આ તો એ અમેરિકાની વાત છે જ્યાં ભાગ્યે જ કોઇ વાહન ધુમાડો ઑકતું વહ્યે જતું હોય. એની તુલનામાં ભારતનાં બધાં જ મોટાં શ્હૅરોનાં વાહનોના નિત્યવર્ધમાન ધુમાડા અભૂતપૂર્વ ધોરણે વાતાવરણને પ્રદૂષિત કરે છે … શું વધારે કહેવું …

ગ્રેટાએ ખુદનાં માબાપને સમજાવ્યાં કે તમારાં કાર્બન-મૅલાં પગલાં મૂકીને ન જશો. આબોહવાને ચોખ્ખી રાખવા ‘લાઈફસ્ટાઇલ ચૉઇસિસ’ અપનાવજો, જેમ કે, પ્લેનના પ્રવાસ છોડી દેજો. માંસાહાર ન કરશો. વગેરે. મે ૨૦૧૯માં ગ્રેટાએ ક્લાઇમેટ ઍક્શન પરનાં પોતાનાં સંભાષણોનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. શીર્ષક સૂચક છે : ‘નો વન ઇઝ ટૂ સ્મૉલ ટુ મેક અ ડિફરન્સ’. સમજાશે કે નાની યુવા ગ્રેટા પોતાના ધ્યેયને વિશે કેટલી તો ખુલ્લી અને ખંતીલી છે; એની વાણી પણ કેટલી તો ધારદાર અને તીખી છે.

જુઓને, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯-ના ‘યુ.ઍન. ક્લાઇમેટ ઍક્શન સમિટ’-માં પણ પ્હૉંચી ગઈ. સામે બેઠેલા રાજકારણી રાજપુરુષોને એણે કેવા તો લબડધક્કે લીધા; કહ્યું કે : આ બધું ખોટું છે ! મારે અહીં શા માટે હોવું જોઇએ? આ મહાસગરની પેલે પાર મારે મારી શાળામાં હોવું જોઈએ ! પણ તમે બધા પધાર્યા છો તે અમને જુવાનોને આશા બંધાવવા ! પણ, હાઉ ડૅર યૂ ! તમે અને તમારા નિ રર્થક શબ્દોએ મારું બાળપણ ને મારાં સપનાં હરી લીધાં છે. જો કે તેમછતાં, હું કેટલાંક લકીઓમાંની એક છું. લોકો યાતનાઓમાં સબડી રહ્યાં છે. લોકો મરી રહ્યાં છે. સઘળી ઇકોસિસ્ટમ્સ ભાંગી પડી છે. આપણે સૌ માસ-ઍક્સ્ટિન્કશનનો પ્રારમ્ભ કરી રહ્યાં છીએ – સમૂહમાં લુપ્ત થઇને નામશેષ થઈ જાશું. પણ તમે લોકો? તમે લોકો જેની વાતો કરો છો, એ તો છે, માત્ર પૈસા ! એ તો છે, નિરન્તરના આર્થિક વિકાસને માટેની પરીકથાઓ ! હાઉ ડૅર યૂ !

‘યુઍન ક્લાઇમેટ ઍક્શન સમિટ’-માં વક્તવ્ય આપતી ગ્રેટા

છેલ્લે ગ્રેટાએ કહેલું : અમે તમારા પર વિશ્વાસ રાખેલો પણ તમે લોકોએ વિશ્વાસઘાત કર્યો છે. અમને જુવાનોને તમારી એ દગલબાજી સમજાઈ ગઈ છે. તમામ ભાવિ પેઢીઓની તમારા પર નજર છે. તમે અમને છેતરવાનું ચાલુ રાખશો તો હું તમને કહી રાખું છું – અમે તમને કદ્દી પણ માફ નહીં કરીએ.

પ્રેસે નૉંધેલું કે ધીટ અને ખંધા રાજકારણીઓ વચ્ચે આ ૧૬ વર્ષની છોકરી ધ્રુસકે ભરાઇને રડી પડેલી.

ગ્રેટાની આ ઝુંબેશને ટ્રમ્પ સહિતના કેટલાક રાજકારણી નેતાઓએ હસી કાઢેલી પણ ઝુંબેશના વ્યાપક સ્વીકાર આગળ એ બધાઓ તકસાધુ અને નમાલા પુરવાર થયેલા. જેમ કે, યુનાઇટેડ નેશન્સના સૅક્રેટરી-જનરલે ગ્રેટાના ધ્યેયનો સ્વીકાર કરતાં આવા મતલબનું કહેલું કે – મારી પેઢી એકાએક નજરે ચડેલા ક્લાઇમેટ ચેન્જનો સરખો મુકાબલો કરવામાં નિષ્ફળ નીવડી છે અને એ નિષ્ફળતાને નવી પેઢીનાં જુવાનો સહી શક્યાં નથી અને તેથી તેઓ ગુસ્સે ભરાય એ સ્વાભાવિક છે. જેમ કે, એ વર્ષના ફેબ્રુઆરીમાં ૨૨૪ જેટલા કેળવણીકારોએ સહીઓ કરીને જાહેરપત્રમાં દર્શાવ્યું કે – અમે ગ્રેટાની ઝુંબેશથી પ્રેરાયા છીએ અને ઇચ્છીએ છીએ કે અમે એને ધ્યાનથી સાંભળીએ.

ગ્રેટાએ ૪ વિષયવસ્તુ રજૂ કર્યાં છે : માનવતા પોતાના અસ્તિત્વનું સંકટ અનુભવી રહી છે : ક્લાઇમેટ ચેન્જ વર્તમાન યુવા પેઢીનું ઉત્તરદાયીત્વ છે : આજે યુવાન છે એ લોકો ક્લાઇમેટ ચેન્જની વિષમ-પ્રમાણ અસરનો ભોગ બનવાના છે : આ પરિસ્થતિ છે અને એ વિશે સાવ ઓછું કામ થયું છે : (ગ્રેટાએ એમ પણ કહ્યું છે કે) રાજકારણીઓએ અને નિર્ણયકારોએ વિજ્ઞાનીઓને સાંભળવાની ખાસ જરૂર છે.

જેમાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા હોય એવું જલદ વ્યાપક અને પરિણામદાયક આંદોલન, દેશ આખાની વાત હાલ ન કરીએ, ગુજરાતમાં ‘નવનિર્માણ’ અને ‘અનામત’ પછી ભાગ્યે જ થયું છે. જો કે, ગ્રેટા એક અસાધારણ મનુષ્ય છે. એની ધ્યેયસિદ્ધિ અપૂર્વ છે. તેમછતાં, એના દાખલા પરથી મને કેટલાક સવાલ થયા છે : આપણે ત્યાં પણ ગ્રેટા હોઈ શકે, કેમ નથી? કિશોરીઓ શું કરે છે એમ નહીં આપણે માબાપો એમને આવું કશું કરી શકે એવો ઉછેર આપીએ છીએ ખરાં? આપણે સહવિચાર કેમ નથી કરતા કે કયાં પરિબળો આપણી વડીલ પેઢીઓની કુણ્ઠા બની બેઠાં છે, આપણી યુવા પેઢીઓની રૂંધામણ બની બેઠાં છે? બૌદ્ધિક ગણાતા બહુ-શિક્ષિતો અને સર્જક ગણાતા સાહિત્યકારો જાગતિક પ્રશ્નો વિશે આકર્ષક અને અસરકારક લખી શકે, કેમ નથી લખતા? સત્ય એ છે કે દાઝ ઘણી છે પણ વ્યુત્પત્તિ નથી – પર્ફૅક્ટ પ્રોફિસિયન્સી નથી – ચોપાસ બનતી ઘટનાઓને વિશેની સમ્પ્રજ્ઞતા નથી. વધારે તો આપણે એકમેકની આસપાસમાં જ વ્યસ્ત છીએ …

= = =

પ્રગટ : શનિવાર, ૦૪/૦૧/૨૦૨૦-ના રોજ “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે 

Loading

આ અહીં પાર આવ્યા

નટવર ગાંધી|Poetry|4 January 2020

પન્નાને જન્મદિને, 28 ડિસેમ્બર 2019

જુઓ, સખી, જરૂર આ અહીં પાર આવ્યા!
જુઓ, સખી, ફરી જુઓ, અહીં પાર આવ્યા!
ઝંખ્યું હતું સતત તો ય ન આશ જેની,
સ્વપ્ને હતું સતત તો ય ન શક્ય એવું,
ઝંઝાભરી સફર પાર કર્યા પછીનું,
આ આપણું મિલન મિષ્ટ અભીષ્ટ કેવું!


માર્ગે હતા વિકટ સંકટ, કૈંક કષ્ટ,
ને નિયતિ હતી વિચિત્ર ન સાથ દેતી,
સાથે ન કોઈ બસ આપણ એકલા બે,
દેતા રહ્યા ઉભય હિંમત હાથ, સાથ,
ના હારતા, મથી રહ્યા દિન રાત કેવા!
રે એમ તો દિવસ માસ, અનેક વર્ષ,
ને દાયકા વીતી ગયા કંઈ વ્યર્થ, તો યે
જુઓ, સખી, જરૂર આ અહીં પાર આવ્યા!

—

                                            – નટવર ગાંધી

(ડી. એચ. લોરેન્સના એક કાવ્યનું શીર્ષક: Look! We Have Come Through!)

Loading

...102030...2,7522,7532,7542,755...2,7602,7702,780...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved