Opinion Magazine
Number of visits: 10081238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાનૂન : ગીતો વગરની પહેલી ફિલ્મ, જેણે મૃત્યુદંડ સામે સવાલ કર્યો હતો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 August 2025

રાજ ગોસ્વામી

સિનેમાના ઇતિહાસમાં, 1950નો અને 1960ની શરૂઆતનો દાયકો ફિલ્મી સંગીતનો સુવર્ણયુગ કહેવાય છે. તે વખતે ફિલ્મોમાં ગીતોનું રાજ હતું. એક ફિલ્મમાં આઠ-આઠ ગીતો હોવાં સામાન્ય વાત હતી. એક ફિલ્મ ‘બૈજુ બાવરા’માં 17 ગીતો હતાં. ‘જોગન’ ફિલ્મમાં 15 હતાં. 

તે વખતે એક તરફ કે.એલ. સાયગલ, ખુર્શીદ, સુરૈયા, નુરજહાં જેવા ‘સિંગિંગ સ્ટાર’ પણ હતાં, જે ખુદ ગાતાં હતાં અને ખુદ અભિનય પણ કરતાં હતાં, તો બીજી તરફ શંકર-જયકિશન, મદન મોહન અને ઓ.પી. નૈયર જેવા સંગીતકારો હતા જે એક પછી એક મધુર ગીતો પેદા કરતાં હતા. 

તે વખતે ફિલ્મો સંગીતની આસપાસ બનતી હતી, કારણ કે દર્શકો ગીતોનાં કારણે થિયેટરમાં ખેંચાતા હતા. જે વખતે કોઈ નિર્માતા-નિર્દેશક ગીત-સંગીત વગર ફિલ્મનો વિચાર પણ કરી શકતા નહોતા, ત્યારે બલદેવ રાજ ચોપરા ઉર્ફે બી.આર. ચોપરાએ ગીત વગરની પહેલી હિન્દી ફિલ્મ ‘કાનૂન’ બનાવીને પરંપરાને તોડી. એટલું જ નહીં, તેમણે એ પણ સાબિત કર્યું કે વાર્તામાં જો દમ હોય તો ગીતો વગર પણ ફિલ્મ હિટ જઈ શકે છે.

બી.આર. ચોપરા સાહસિક અને પ્રયોગશીલ ફિલ્મ સર્જક હતા. તેમણે ‘અફસાના,’ ‘નયા દૌર,’ ‘ધૂલકા ફૂલ,’ ‘ગુમરાહ’ અને ‘હમરાઝ’ જેવી નવા વિષયોવાળી ઘણી ફિલ્મો બનાવી હતી. ‘કાનૂન’ તેમની નવમી ફિલ્મ હતી. આ ફિલ્મ આવી તે વખતે મુઘલે-આઝમ, કોહિનૂર, ગંગા-જમુના, જંગલી, જબ પ્યાર કિસી સે હોતા હૈ, હમ દોનો જેવી ફિલ્મોનાં ગીતો ધૂમ મચાવી રહ્યાં હતાં.

વાત તો એવી પણ છે કે ચોપરા સાહેબ જર્મન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં એક વિદેશી મહેમાને એવી ટિપ્પણી કરી હતી કે ભારતની ફિલ્મોમાં ગીતો સિવાય કશું હોતું નથી. એટલે ચોપરા સાહેબને તેમાં એક પ્રકારની ચેલેન્જ દેખાઈ હતી. 

માત્ર એટલું કારણ પણ નહીં જ હોય. તેમને ‘કાનૂન’ની પટકથામાં પણ એટલો જ ભરોસો હશે. ફિલ્મ સસ્પેન્સ-થ્રિલર હતી, એટલે તેમાં ગીતોની આમ પણ જરૂર નહોતી. નામ પરથી સ્પષ્ટ છે તેમ ફિલ્મનો વિષય કાનૂન હતો.

આ ફિલ્મમાં એક પણ ગીત નહોતું એ તો નવાઈની વાત હતી જ, તેમાં તેમણે પહેલીવાર મૃત્યુદંડની જોગવાઈના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યો હતો. ફિલ્મ એક સવાલ પર શરૂ થતી હતી – એક માણસને એક અપરાધ માટે બે વાર સજા થઇ શકે? (વર્ષો પછી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અંધા કાનૂન’માં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો). તે પછી ફિલ્મ સંયોગિક પુરાવાઓની સચ્ચાઈ પર દલીલો પેશ કરે  છે અને અંતે મૃત્યુદંડ સામે પ્રશ્નાર્થ કરે છે.

ફિલ્મમાં, ગણપત નામના માણસનું ખૂન થઇ જાય છે. તેના હત્યારા કાલિદાસ(જીવણ)ની, જે દસ વર્ષની સજા ભોગવીને હમણાં જ જેલમાંથી બહાર આવ્યો છે, આ હત્યા બદલ ધરપકડ થાય છે. તેને જજ બદરી પ્રસાદ(અશોક કુમાર)ની અદાલત સમક્ષ પેશ કરવામાં આવે છે. તે જજ સામે અપરાધ કબૂલ કરે છે, પણ દલીલ કરે છે કે અદાલત તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. કેમ? કારણ કે તેણે આ જ માણસની હત્યા બદલ સજા ભોગવી લીધી છે.

કાલિદાસ તે પછી અદાલત સમક્ષ તેની વાર્તા કહે છે. દસ વર્ષ અગાઉ, ગણપતની હત્યા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તેણે તેની નિર્દોષતા બૂમો પાડીને જાહેર કરી હતી, પણ કોઈએ તેને સાંભળ્યો નહોતો. તેણે જેલના સળિયા પાછળ દસ વર્ષ ગુમાવ્યાં એટલું જ નહીં, તેની પત્ની (લીલા ચિટનીસ) અકાળે વૃદ્ધ થઇ ગઈ. શું કાનૂન આ નુકશાની ભરપાઈ કરશે? અને જો ના, તો તેણે તેનો આ સમય કેમ છીનવી લીધો? કાલિદાસ કઠેડામાંથી આદૃસ્વરે તેની આપવીતી કહે છે અને જજની સામે જ ફસડાઈ પડીને મૃત્યુ પામે છે.

આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બને છે. બે જજ ઝા (દિવાન શરાર) અને સાવરકર (ઈફ્તેખાર) આ કેસની ચર્ચા કરે છે. ક્યારે ય મૃત્યદંડની સજા ન સંભળાવનારા જજ પ્રસાદ બંને સહયોગીઓ સાથે આ બાબત દલીલો કરે છે. બદરી પ્રસાદ કહે છે કે કાનૂન જો માણસને જીવતો ન કરી શકે, તો તેને તેનો જીવ લેવાનો હક નથી. ઝા કહે છે કે મૃત્યુદંડના ડર વગર અપરાધ પર લગામ કસવી અઘરી છે.

તેમની વચ્ચેનો વાદ-વિવાદ ઝાની એક વિચિત્ર શરત પર આવીને અટકે છે – ઝા કહે છે કે બદરી પ્રસાદ ખૂન કરીને જો કાનૂનના હાથથી બચી જાય તો તે તેમનો આખો પગાર હારી જશે.

ફિલ્મ અહીંથી વળાંક લે છે. બદરી પ્રસાદની એક દીકરી છે, મીના (નંદા) . તેના વિવાહ એક યુવાન વકીલ કૈલાશ (રાજેન્દ્ર કુમાર) સાથે થયેલા છે. બદરી પ્રસાદનો દીકરો વિજય (મહેમૂદ) ધનીરામ (ઓમ પ્રકાશ) નામના શ્રોફ પાસેથી મોટી ઉધારી લે છે અને પછી કૈલાશને વિનવણી કરે છે કે તે તેને દેવામાંથી ઉગારે.

કૈલાશ ધનીરામને મળવા જાય છે અને તેના આઘાત વચ્ચે તે જજ બદરી પ્રસાદને ધનીરામનું ખૂન કરતા જોઈ જાય છે. જજ ત્યાંથી જતા રહે છે અને એ ખૂન માટે એક મામુલી ચોર(નાના પલસીકર)ને પકડવામાં આવે છે. કૈલાશ હવે આ નિર્દોષ માણસને બચાવવા માટે કમર કસે છે. એની સામે નૈતિક સંકટ છે; સસરાનો પક્ષ લેવો કે કાનૂનનો?

ચોપરા સાહેબે બી.આર. ફિલ્મ્સની પરંપરા હતી તે પ્રમાણે સામાજિક મુદ્દા પર ફિલ્મ બનાવી હતી અને તેમાં તેમને ગીતો અડચણરૂપ લાગ્યાં હતાં, પરંતુ તેમણે તેમના વિતરકોને આ ફિલ્મ પહેલાં બતાવી હતી. વિતરકોને ફિલ્મનો જકડી રાખતો કોર્ટરૂમ ડ્રામા પસંદ આવ્યો હતો અને તેમણે ચોપરા સાહેબને કહ્યું હતું કે ફિલ્મમાં કોઈ ગીત ઉમેરતા નહીં. જો કે અંદરથી ચિંતિત ચોપરા સાહેબે છેલ્લી ઘડીએ દર્શકોને ‘રાહત’ આપવા માટે એક બેલે ડાન્સનો ઉમેરો કર્યો હતો. 

એવું જ અમિતાભ બચ્ચનની ‘ડોન’ ફિલ્મમાં પણ થયું હતું. એમાં બીજા ભાગમાં કોઈ ગીત નહોતું. નિર્દેશક ચંદ્રા બારોટે તેમના ગુરુ મનોજ કુમારને ફિલ્મ બતાવી, તો ‘ભારત કુમારે’ કહ્યું હતું કે ઇન્ટરવલ પછીની ફિલ્મમાં ‘લૂ બ્રેક’ નથી! તે વખતે ગીતો એટલા માટે મુકવામાં આવતાં હતાં કારણ કે દર્શકો બાથરૂમમાં જઈને સિગારેટ પી શકે!

મનોજ કુમારના આ સૂચન પછી ‘ડોન’માં ‘ખઈ કે પાન બનારસ વાલા …’ ઉમેરવામાં આવ્યું હતું. એ ગીત લૂ બ્રેક ના બન્યું. ઊલટાનું, દર્શકો એ ગીત જોવા માટે જ થિયેટરમાં આવતા હતા અને આમ ‘ડોન’ની સફળતામાં પાન-ગીતે મોટી ભૂમિકા ભજવી હતી.

‘કાનૂન’માં ગીત નહીં મૂકીને ચોપરા સાહેબે પણ જુગાર જ ખેલ્યો હતો, અને તે તેમાં સફળ રહ્યા હતા. ‘કાનૂન’ ફિલ્મે ઇતિહાસ રચ્યો. એ પછી બી.આર. ફિલ્મ્સે રાજેશ ખન્ના અને નંદાને લઈને વધુ એક ગીત વગરની ફિલ્મ ‘ઇત્તેફાક’ બનાવી હતી. તે ઉપરાંત, ઘણા ફિલ્મ સર્જકોને ‘કાનૂન’ની સફળતા જોઇને કોર્ટરૂમ ડ્રામા આધારિત ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી હતી.

બી.આર. ચોપરા એવા મુઠ્ઠીભર સર્જકોમાંથી એક હતા જેમણે હિન્દી સિનેમાના મૂંગા દૌરને પણ જોયો હતો અને બ્લેક એન્ડ વ્હાઈટમાંથી રંગીન બની તે પણ જોયું હતું. તેઓ અલગ રીતની ફિલ્મો બનાવતા હતા અને એટલે જ તેમને દિગ્ગજ કહેવામાં આવે છે.

(પ્રગટ ‘સુપરહિટ’નામક લેખકની સાપ્તાહિક કોલમ’, “સંદેશ”; 27 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કસુંબી રંગના ગાયક: મેઘાણી 

દીપક મહેતા|Opinion - Literature|28 August 2025

દીપક મહેતા

હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા,

કલમ વખાણું કોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ!

દુલા ભાયા કાગનો આ દુહો ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭)ની એક આગવી લાક્ષણિકતા તરફ આપણું ધ્યાન દોરે છે. મેઘાણી એક એવા સર્જક છે જેનાં હાથ-દિલ-કલમ-જીભ એકબીજાના સંવાદમાં રહીને જ વર્તતાં હતાં. હાથ, કલમ, અને જીભ વડે મેઘાણીએ એ જ આરાધ્ય દેવતાની ઉપાસના કરી છે જે એમના દિલને માન્ય હોય, પૂજ્ય હોય. અને આ આરાધ્ય દેવતા એટલે લોક, એમની સંસ્કૃતિ, એમની ભાષા, એમનું સાહિત્ય, એમના હરખ-શોક, એમનાં આશા-અરમાન, ટૂંકમાં કહેવું હોય તો લોકહૃદયના ધબકાર.

ગુજરાતમાં જેમને વ્યાપક લોકપ્રિયતા મળી હોય, અને તે પાછી લાંબા વખત સુધી ટકી રહી હોય એવા જે ગણ્યાગાંઠ્યા સર્જકો છે તેમાંના એક મેઘાણી. પણ લોકપ્રિયતા મેળવવી એને તેમણે ક્યારે ય પોતાનું લક્ષ્ય બનાવ્યું નહોતું. પોતે જે કાંઈ લખે-બોલે તે લોકગમ્ય રહે એ અંગે મેઘાણી સભાન રહ્યા હશે, પણ લોકપ્રિયતા મેળવવા માટે થઈને તેમણે ક્યારે ય સસ્તો કે સહેલો રસ્તો અપનાવ્યો નહોતો. ‘શબદના સોદાગરને’ નામનું કાવ્ય વાંચતાં પહેલી નજરે ભલે લાગે કે મેઘાણી બીજા સર્જકોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે, પણ હકીકતમાં તો મેઘાણી પોતાની જાતને જ કહી રહ્યા હતા :

હૈયા કેરી ધારણે

તારે ઉર ઊઠે જે સૂર જી;

એ જ સૂરોના ઈમાની ભાઈ! 

ગાયા કર ચકચૂર

જી-જી શબદના વેપાર. 

મેઘાણીની વિશેષતા એ છે કે વ્યક્તિ તરીકે તેમ જ સર્જક તરીકે તેઓ સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનો જીવ હતા. પણ તેમના પ્રત્યેની મેઘાણીની દૃષ્ટિ મુગ્ધ-રસિકની જ નહોતી, નિરીક્ષક અને પરીક્ષકની પણ હતી. આથી જ તેમણે લોકસાહિત્યના ચલણી સિક્કાને વટાવી ખાધો નહિ, પણ સંપાદક, સંશોધક, વિવેચક તરીકે પોતાની પરિષ્કૃત દૃષ્ટિથી ઘસી ઘસીને એ સિક્કાને તેમણે ઉજમાળો પણ બનાવ્યો. લોકસાહિત્યના સંશોધન અને સંપાદનનું કામ મેઘાણીએ લોકકથાઓથી શરૂ કર્યું. ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, સોરઠી બહારવટિયાના ત્રણ ભાગ, કંકાવટીના બે ભાગ, રંગ છે બારોટ, સોરઠી સંતો, અને પુરાતન જ્યોત જેવાં પુસ્તકોમાં તેમણે સૌરાષ્ટ્રની લોકકથાઓનાં વૈવિધ્ય અને વૈભવને રજૂ કર્યો છે.

તો લોકગીતોની શ્રી અને સૌરભને ઝીલતાં તેમણે જે પુસ્તકો આપ્યાં તેમાં રઢિયાળી રાતના ચાર ભાગ, ચૂંદડીના બે ભાગ, હાલરડાં, ઋતુ ગીતો, સોરઠી સંતવાણી, સોરઠિયા દુહા, વગેરેનો સમાવેશ થાય છે. પણ મેઘાણીએ લોકકથા અને લોકગીતોનું માત્ર સંશોધન અને સંપાદન જ નથી કર્યું. તેમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું ઊંડાં સૂઝ, સમજ અને સમભાવપૂર્વક વિવેચન પણ કર્યું છે. તેમના લગભગ દરેક સંપાદનની આગળ વિસ્તૃત પ્રવેશક તો હોય જ. આ પ્રવેશકો અને બીજા સ્વતંત્ર લેખો અને અભ્યાસો લોકસાહિત્ય : ધરતીનું ધાવણના બે ભાગ, લોકસાહિત્ય – પગદંડીનો પથ, ચારણો અને ચારણી સાહિત્ય, અને લોકસાહિત્યનું સમાલોચન જેવાં પુસ્તકોમાં સંઘરાયા છે. 

મેઘાણી લોકસાહિત્યના કેવા તો કુશળ પારેખ હતા એ દર્શાવતો એક પ્રસંગ દુલા કાગે નોંધ્યો છે : “રસધાર લખાતી હતી, પોરસાવાળા દુહા થોડાક વધારે મળે તો ઠીક, એમ એમણે મને કહેલું. હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલો. ઉપરાઉપર ત્રણ પત્તાં આવ્યાં, એટલે સાત દુહા ઘરના જ બનાવી મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે! વળતાં એમનો કાગળ આવ્યો કે દુલાભાઈ, આ દોહા જો તમારા લખેલા હોય તો થોડાક વધારે લખી નાખો ને! કાગળ વાંચી હું તો ઠરી ગયો કે વાહ મેઘાણી! કયા પુણ્યથી પ્રભુ માણસને આવી અક્કલ આપી દેતો હશે? પછી તો આગળના અને મારા રચેલા દુહા ઘણા કવિમિત્રોને મોકલ્યા કે આમાંથી નવા દુહા શોધી કાઢો, પણ એક મેઘાણી સિવાય કોઇથી એ બની શક્યું નથી.”

લોકસાહિત્યની મહેક મેઘાણીના શ્વાસમાં અને તેની ગહેક તેમના લોહીમાં એવી તો ભળી ગઈ હતી કે તેમણે જે કાંઈ મૌલિક લેખન કર્યું તેમાં લોકજીવનનો ધબકાર અને લોકસાહિત્યનો લય સંભળાયા વગર રહેતો નથી. તે એટલે સુધી કે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાના કે યુરોપીય સાહિત્યની કોઈ કૃતિના તેઓ અનુવાદ કરે છે ત્યારે પણ મોટે ભાગે તેને સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનાં ભાવ અને ભાષાના વાઘા પહેરાવીને જ આપણી સમક્ષ રજૂ કરે છે. 

લોકસાહિત્ય ઉપરાંત મેઘાણીને અને તેમના શબ્દને બીજા કોઈનો પાસ લાગ્યો હોય તો તે ગાંધીજી અને તેમની પ્રવૃત્તિઓ અને વિચારણાનો. એટલે ‘યુગવંદના’ એ એમના એક કાવ્યસંગ્રહનું નામ તો છે જ, પણ મેઘાણીના મોટા ભાગના મૌલિક સર્જનને પણ યુગવંદના તરીકે ઓળખાવી શકાય તેમ છે. આથી એક તરફ મેઘાણીનો શબ્દ તેમને ગાંધીજી જેવા પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવે છે, તો બીજી બાજુ ગાંધીજી અને ગાંધીયુગની વિદાય પછી પણ લાંબો વખત ટકી રહે એવાં થોડાંક ગીતો આપણને અપાવે છે. યુગવંદના ઉપરાંત વેણીનાં ફૂલ, કિલ્લોલ, એકતારો, બાપુનાં પારણાં અને રવીન્દ્રવીણા એ મેઘાણીના બીજા કાવ્ય સંગ્રહો છે. 

લોક હૃદય પર મેઘાણી છવાઈ ગયા ભલે કવિ તરીકે, પણ તેમનું પહેલું પુસ્તક હતું રવીન્દ્રનાથના કથા ઓ કાહિનીમાંની વાર્તાઓના અનુસર્જન રૂપ કુરબાનીની કથાઓ. વખત જતાં મેઘાણીએ વાર્તાના બીજા સંગ્રહો પણ આપ્યા : મેઘાણીની નવલિકાઓના બે ભાગ, વિલોપન, જેલ ઓફિસની બારી, પ્રતિમાઓ, પલકારા અને દરિયા પારના બહારવટિયા, વગેરે. જો કે આ સંગ્રહોમાંની ઘણી વાર્તાઓ અનુવાદ, રૂપાંતર, કે અનુસર્જન પ્રકારની છે. તેમની મૌલિક વાર્તાઓમાં પણ મોટે ભાગે લોકજીવન અને લોકસાહિત્યનો પાસ લાગેલો દેખાય છે. આ જ વાત તેમની નવલકથાઓને પણ લાગુ પડે છે. સત્યની શોધમાં, અપરાધી, તુલસીક્યારો, નિરંજન, પ્રભુ પધાર્યા, બીડેલાં દ્વાર, વસુંધરાનાં વહાલાં-દવલાં, વેવિશાળ, સત્યની શોધમાં, સોરઠ તારાં વહેતાં પાણી જેવી તેમની નવલકથાઓમાંની કેટલીક અનુવાદ કે અનુસર્જન રૂપ છે તો બાકીની મૌલિક નવલકથાઓ લોકજીવનની ભોંય પર આલેખાયેલી છે. ગુજરાતનો જય, રા’ ગંગા જળિયો, સમરાંગણ, જેવી ઐતિહાસિક નવલકથાઓ પણ મેઘાણી પાસેથી મળી છે. તો કાલચક્ર મેઘાણીના અવસાનને કારણે અધૂરી રહી ગઈ હતી. જેને ન તો નવલિકા કહી શકાય કે ન તો નવલકથા કહી શકાય તેવા મેઘાણીના એક વિલક્ષણ પુસ્તકને પણ અહીં જ યાદ કરી લઈએ. આ પુસ્તક તે માણસાઈના દીવા. રવિશંકર મહારાજે પોતાના સ્વાનુભવો કહ્યા તે અહીં મેઘાણીએ શબ્દબદ્ધ કર્યા છે. પણ એનો અર્થ એવો નથી કે અહીં મેઘાણીએ માત્ર રિપોર્ટરનું કામ કર્યું છે. મેઘાણીમાં રહેલી સર્જકતા આ કથાઓ પર પોતાનો સુભગ પ્રભાવ પાડ્યા વગર રહેતી નથી. 

આ ઉપરાંત મેઘાણીએ આત્મકથનાત્મક લેખો લખ્યા છે તો જીવન ચરિત્રો લખ્યાં છે. પ્રવાસ વર્ણનો લખ્યાં છે તો લેખો, પત્રો, પ્રવચનોના સંગ્રહો પણ આપ્યા છે. દ્વિજેન્દ્રલાલ રોય અને રવીન્દ્રનાથ ટાગોરનાં નાટકોના અનુવાદ કર્યા છે તો વંઠેલાં નામના પુસ્તકમાં મેઘાણીનાં ત્રણ મૌલિક એકાંકી સંગ્રહાયાં છે. 

મેઘાણીને આયુષ્ય મળ્યું માંડ પચાસ વર્ષનું. તેમાં લેખન કાળ લગભગ પચ્ચીસ વર્ષનો. અને છતાં ૮૫ જેટલાં પુસ્તકો તેમણે આપણને આપ્યાં. એક પત્રમાં ઉમાશંકર જોશીએ મેઘાણીને લખેલું તેમ “આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલી ય જિંદગી ચાલી જાય.”  

આજે આપણી સામે મેઘાણીની ભવ્ય મુખાકૃતિ નથી, આષાઢી મોરલાના કંઠ જેવો તેમનો કંઠ નથી, તેમના પ્રતાપી વ્યક્તિત્વની ભૂરકી નથી. છતાં મેઘાણીની કલમ અને કિતાબનો કસુંબલ રંગ હજી આજે ય ઉપટ્યો નથી અને તેથી જ આજે પણ મેઘાણી મીઠી હલકથી સાદ પાડીને પોતાના ભાવકોને જાણે કહી રહ્યા છે :

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો!

પીજો કસુંબીનો રંગ.

અને ભાવકો પણ મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા કસુંબલ પ્યાલા આજ સુધી પીતા રહ્યા છે અને મેઘાણીના જ શબ્દોમાં જાણે કહી રહ્યા છે :

લાગ્યો કસુંબીનો રંગ —

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

e.mail : deepakbmehta@gmail.com

Loading

બણગાં ફૂંકો ..

નારણ મકવાણા|Poetry|28 August 2025

સબ સલામત, બણગાં ફૂંકો.
ખાક હાલત, બણગાં ફૂંકો.

ખોટ દુનિયાભરનો નાતો,
જૂઠ દાનત, બણગાં ફૂંકો.

શોખ રેલીનો જબરો છે,
સ્પીચ લાનત, બણગાં ફૂંકો.

લોકશાહીમાં વોટો છે,
સૌ અનામત, બણગાં ફૂંકો.

તોડ ઈજારો, જો થાતી
વારસાગત, બણગાં ફૂંકો.

આ કલાકારો છાપેલાં,
કાટલાં વત, બણગાં ફૂંકો.

સંવિધાની સૂઝાવો પણ,
હો અમાનત, બણગાં ફૂંકો.

૨૭/૦૮/૨૦૨૫

Loading

...102030...272273274275...280290300...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved