Opinion Magazine
Number of visits: 9843123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વરસાદમાં દરવાજો પલળ્યો

નરેશ સક્સેના [મૂળ હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|11 July 2025

વરસાદમાં દરવાજો પલળી
ને ફૂલી ગયો છે
ક્યારેક વૃક્ષ હતો,
અમે સમજ્યા કે
એ ભૂલી ચૂક્યો હશે

હવે એના ચોખટામાં
બંધબેસતો નથી
કેટલીય ખીલીઓ ઠોકેલી છે
તોય વળી રહ્યો છે

વરસાદમાં ભીંજાવા
બહારની તરફ ઝુકી ગયો છે
ક્યારેક વૃક્ષ હતો,
અમે સમજ્યા કે
એ ભૂલી ચૂક્યો હશે.

ફોટોઃ રૂપાલી બર્ક

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 July 2025

રવીન્દ્ર પારેખ

દુનિયામાં કૈં પણ થાય, આપણને તેની બહુ અસર થતી નથી. એકાદ દુઃખ હોય તો રડીએ, પણ રોજ જ મરે તેનું કેટલુંક રડીએ? કમાઈએ કે કૂટીએ? પહેલાં એ સુખ હતું કે ખબર જ મોડી પડતી. એકાદ છાપું આવે ને એકાદ ખૂન થાય કે ક્યાંક આગ લાગે કે ક્યાંક પાણી ભરાય, તો ચુમાઈને બેસી રહેતાં. હવે તો એટલા સમાચાર ને વિગતો ટેરવે આવી ગયાં છે કે એ જાણી, સમજીને ય ચામડું એવું બહેર મારી જાય છે કે ભેજું સડવા લાગે છે. એટલું બધું મગજ પર ઠોકાતું રહે છે કે તમે ન ઈચ્છો તો પણ તમારે ભાગે એ આવે ને ધીમે ધીમે હાલત એવી થતી જાય કે કોઈ અસર જ ન થાય. કશું પણ બહુ ફીલ થતું જ નથી ને થાય તો પણ કેટલુંક? હવે ખાસ અસર જ ન થાય એટલું બધું ફીલ થાય છે. બને છે જ એટલું બધું કે સવાલ થાય કે કોનું ફીલ કરવું ને કોનું ન કરવું? 

જેમ કે વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ બે દિવસ પર મહીસાગરમાં ખાબકી ગયો, તો મીડિયામાં કાગારોળ મચી ગઈ. 110 ફૂટ ઊંચેથી વાહનો ખાબક્યાં ને કેટલાં કે જળસામાધિ લીધી. 4 વર્ષમાં આ 16મો પુલ તૂટ્યો હતો. હવે એમાં કૈં આમ રડારોળ કરવાની જરૂર નથી. પુલ છે ને તૂટે ય ખરો. તૂટવા માટે જ તો હોય છે એ. ગયે વર્ષે જ 1.18 કરોડને ખર્ચે એ રીપેર પણ થયો હતો. એ રીપેર કરનાર એજન્સીની પણ એણે શરમ ન રાખી ને તૂટી પડ્યો. હવે તો એવું છે કે રીપેર થાય કે ન થાય, તૂટવાનો હોય તો પુલ તૂટે જ છે. ત્રણેક વર્ષ પર મોરબીનો નવો જ પુલ ખુલ્લો મુકાતાં તૂટેલો જ ને ! ને 135 લોકોના જીવ ગયેલા તો શું ખાટુંમોળું થયેલું? જો કે, ત્યારે પણ કેટલું બધું લાગી આવેલું? ખુલ્લો મુકાયેલો પુલ જ આમ પાણીમાં ગરક થઇ જાય, એ તો ચાલે જ કેમ? પણ ચાલ્યું. તપાસ સમિતિ રચાઈ, કોઈને છોડવામાં નહીં આવે એવું પણ રિવાજ મુજબ કહેવાયું, કહોવાયું, થોડાક લાખના કટકા પણ હાય સામે સહાયના નંખાયેલા ને બધું ટાઢું પડી ગયેલું. હવે તેનું કેટલુંક રડીએ? એવા તો બીજા સોળસત્તર પુલો તૂટવાનું મૂરત કઢાવીને બેઠા છે. તે એને માટે રડવાનું બચાવવાનું કે નહીં? કે એમ જ આંખો ખાલી કરી દેવાની? ઠીક છે, સોળક જીવ ગંભીરાએ ગંભીર થઈને લઈ લીધા, દુઃખ થાય, જેનું ગયું તેને તો વધારે થાય, પણ આપણે ત્યાં એટલું સારું છે કે કોઈ પણ મરે, સરકાર તરત જ પડખે આવીને ઊભી રહી જાય છે ને મૃતકો માટે કિલો કિલો સંવેદનાઓ પાઠવતી રહે છે. સંવેદના બહુ માપીતોલીને પાઠવાતી હોય છે. કારણ ભવિષ્યમાં એનો સતત ઉપયોગ કરવો પડવાનો છે, તે સૌ મંત્રીઓ જાણતા હોય છે. શું છે કે લાખો કરોડો રૂપિયા ટેક્સના ઉસેટ્યા બાદ, સરકાર એ લઈને બેસી નથી રહેતી. તે મૃતકોને ચાર પાંચ લાખની એવરેજે આપે પણ છે. ગંભીરા પુલ તૂટવાના બનાવમાં પણ મૃતકોને કેન્દ્ર અને રાજ્ય સરકારે થોડાક લાખ વહેંચી પણ આપ્યા. સરકાર એટલેથી જ અટકી નથી ગઈ, ઘાયલોને પચાસ પચાસ હજાર આપવામાંથી પણ નથી ગઈ!

આમાં શું છે કે વિપક્ષો દાખલ પડી જતાં હોય છે. તેમણે પણ સત્તામાં આવવું હોય છે, એટલે સરકારનો કાઢી શકાય એટલો વાંક કાઢતા રહે છે. હકીકત એ છે કે સરકારને પોતાની ખામી દેખાતી નથી ને વિપક્ષને ખામી સિવાય બીજું કૈં દેખાતું નથી.

એટલું સારું છે કે હજી એવા દિવસો આવ્યા નથી કે પુલો, રસ્તાઓ, ખાવાપીવાનું શાસકો માટે જુદું ને વિપક્ષો માટે જુદું, એવું નથી. કાલ ઊઠીને એવું થઈ શકે કે વિપક્ષને માટેનો પુલ કાચોપોચો રખાય ને શાસકો માટેનો મજબૂત ! આમે ય પુલ ન તૂટે તો ય વિપક્ષ તો રાસ રમતો જ રહે છે, તે ભલે પછી પુલ તૂટવાને નામે રાસડા લે, શો ફરક પડે છે? એ તો ભવિષ્યની વાત છે, પણ ગંભીરા પડ્યો તેનું શું? ને એ કૈં વિપક્ષને પાડવા પડ્યો છે એવું તો નથી. પુલ પરથી તો શાસકના વાહનો ય જતાં હતાં ને વિપક્ષના પણ, એટલે કોઈને ડેલિબરેટલી પાડવા પુલ તૂટ્યો છે એવું નથી. એ તો કાગનું બેસવું ને ડાળનું પડવું જ થયું છે. એનાં પર રાજકારણ કોઈ ન કરે તે અપેક્ષિત છે.

એ પણ છે કે આખો પુલ તૂટ્યો નથી, એક નેતાએ વાજબી જ કહ્યું કે બાકીના થાંભલા તો સલામત છે. એક થાંભલો તૂટ્યો તે કહ્યું તો ખરું. બાકીના થાંભલા પરથી જાવને! કોણ રોકે છે?એવું પણ કહી શકાયું હોત કે પુલબુલ કૈં તૂટ્યું નથી. આ તો વિપક્ષે ફેલાવેલી અફવા છે, પણ પ્રમાણિકતા જુઓ કે એવું કહ્યું નથી. એક કેન્દ્રીય મંત્રીને તો આમાં કૈં લાગતું જ નથી. એ તો કહે છે કે અકસ્માતો તો થતા રહે એની એટલી શું ચિંતા કરવાની ! જોયુંને, લોકો જ જાડી ચામડીના છે, એવું નથી. મંત્રીઓને તો ચામડી હોય એ જ ઘણું છે. એમણે તો કેટલું બધું જોવાનું હોય છે. રાજકોટમાં ટી.આર.પી. કાંડ થાય એની આગમાં તાપવાનું, સુરતમાં કોઈ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગે તો તેમાં ઠંડી ઉડાડવાની, વડોદરામાં હરણી કાંડ થાય તો એમાં પલળવાનું, અમદાવાદમાં એરક્રેશ થાય તો એના બ્લેકબોક્સની ચિંતા કરવાની…….ને એવું એવું તો કેટલું? ચામડી બચે તો પણ ક્યાં સુધી?

એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આખો પુલ તૂટ્યો નથી, વચ્ચે 120 ફૂટનું ગાબડું પડ્યું ને થોડાં વાહનો સહિત કેટલાક જીવ પણ નદીમાં ખાબક્યા. એ વાહનો કૈં સરકારે પધરાવ્યા નથી, નથી તો મહીસાગરમાં પાણી સરકારે છોડ્યું કે નાનાંમોટાં એમાં સમાય. બનવા કાળ બન્યું. આટલા ભંગાર પુલ પરથી વર્ષો સુધી અવરજ્વર રહી જ ને ! રીપેર કરવાની અરજીઓ પણ થયેલી, પણ સરકાર જાણતી હતી કે ચાળીસ જ વર્ષ થયા છે, તે એટલામાં કૈં પુલ, ‘ફૂલ’ ન બનાવે. આમ તો એની આવરદા સોની મુકાયેલી, તેમાં હજી 60 વર્ષ તો બાકી હતાં, એટલામાં થોડો કૈં પુલ મરવા પડે? માનો કે કોન્ટ્રાકટરોએ કે એજન્સીએ વધારે હોજરી ભરી હોય, તો પણ 40 વર્ષમાં તેની શોકસભા ભરવી પડે એવું ન હતું, પણ પેલા 16 જણાનું હાર્ડ લક તે 9મીની વહેલી સવારે જ ધબાય નમઃ થઈ ગયા. એવું હોય તો ફરી સંવેદના પાઠવીએ. એમાં ક્યાં કૈં પૈસા પડે છે ! લઈ જાવને જોઈએ એટલી. ને આ કોરી સંવેદના જ નથી, સાથે લ્હાણી પણ છે, સોરી, લ્હાણી નહીં, પણ મદદ. આવી મદદ માટે સરકાર મોખરે રહે છે. પુલ તૂટ્યો નથી કે સહાય શરૂ થઈ નથી ! ઘણી વાર તો કળતર મટે તે પહેલાં વળતર શરૂ થઈ જાય છે. એ તો સારું છે કે મરવાની રાહ જોવાય છે, બાકી ઘણી વાર તો મદદની ઉત્સુકતા જ એવી હોય કે વળતર મળી જાય પછી પેલો ગુજરે.

આવી પરગજુ સરકાર બીજે ક્યાં મળવાની હતી?

એ તો સારું થયું કે એક ગાબડું પડ્યું તો ખબર પડી કે બંધાયેલા લગભગ તમામ પુલો ધંધે લાગી ગયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એમ ઠેર ઠેર બૂમ પડી કે પુલ ડેમ ફૂલ, સોરી, ડેમ પુલ છે. હવે રાતોરાત તો બધાં કૈં ઉતારી ન લેવાયને ! ને આ બધું ગુજરાતમાં જ છે એવું નથી, થોડાં સમય પહેલાં બિહારમાં પુલ તૂટવાની મોસમ ચાલતી હતી, હવે એ ગુજરાતમાં બેઠી છે.

એ એન્જિનિયરિંગની જ કમાલ ગણાય છે. એ કમાલ ન હોય તો પુલ તૂટવાની હારમાળા, હોરરમાળા જેવી સર્જાય નહીં. એન્જિનિયર્સ ન હતા ત્યાં સુધી મીનાક્ષી મંદિર, લાલકિલ્લો, તાજમહાલને વાંધો આવ્યો નથી. હવે એન્જિનિયર્સ, એજન્સીઓ, કોન્ટ્રાકટર્સ વધ્યા છે, એટલે બંધાયા વગર પણ પુલો બને છે, બને છે તો નવા નકકોર તૂટે પણ છે, કેટલાક તો બંધાવાની સાથે જ જર્જરિત થવા લાગે છે.  થાય છે શું કે જે પૈસા પુલમાં નાખવાના તે પેટમાં નાખો તો પુલ નહીં, પેટ મજબૂત બને. વારુ, પેટ પકડાય તો પુલ બચે, પણ કોના કોના પેટ પકડો, બધાં જ ધરાયેલા હોય ત્યાં? એ સ્થિતિમાં છે તે પુલો માટે પણ પડશે તેવા દેવાશે – એમ જ રાખવું પડે.

આમાં સલાહ આપનારાઓનો પણ તોટો નથી. કોઈ કહે છે કે મત આપતા પહેલાં વિચાર કરો કે કોને મત આપો છો? એવું હોય તો બીજી સરકાર લાવો. પણ બીજીને લાવીને ય શું? વર્ષો સુધી બીજી સરકાર હતી જ ને ! તેણે ના ઉકાળ્યું એટલે તો હાલની સરકાર લાવ્યા. હવે આ પણ નથી ગમતી તો બીજી કઈ લાવવાની?

એક વાત દુનિયા જાણે છે કે અહીંના હોય કે બહારના, કાગડા તો બધે જ કાળા હોવાના ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જુલાઈ 2025
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

દીપક મહેતા|Profile|10 July 2025

દીપક મહેતા

“સાચો શિક્ષક વિદ્યાર્થીઓને વિચારો વહેંચતો નથી, પણ તેમને પોતાની જાતે વિચારતાં શીખવે છે.” જેમનો જન્મ દિવસ, પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિન તરીકે ઉજવાય છે તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઓછામાં ઓછા શબ્દોમાં શિક્ષકની સાચી વ્યાખ્યા આપી છે. આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે મારી અનોખી સ્કૂલ અને તેના એક આગવા શિક્ષક વિષે થોડી વાત.આ લખનારનું સારું નસીબ કે એને સ્કૂલમાં આવા સાચા શિક્ષકો મળ્યા.  એ સ્કૂલ તે ન્યૂ ઈરા, ના, ‘ધન્ય ન્યૂ ઈરા.’. જે હવે ભૂતકાળ બની ગઈ છે. ગોવાળિયા તળાવના મેદાનના એક છેડે હતી ફેલોશીપ સ્કૂલ. સામે છેડે ૧૯૩૦માં મગનભાઈ, સરોજબહેન, અને ચંદુભાઈ વ્યાસે શરૂ કરી ન્યૂ ઈરા સ્કૂલ. ઇન્ગ્લન્ડના અભ્યાસ દરમ્યાન જેનો પરિચય થયો હતો તે અદ્યતન શિક્ષણ પદ્ધતિ, મહાત્મા ગાંધીની પાયાની કેળવણી, અને ગુરુદેવ ટાગોરની વિવિધ કલાઓને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ – આ ત્રણેનો સમન્વય કરીને એક અનોખી સ્કૂલ તેમણે ઊભી કરી. 

આ લખનારને સાહિત્ય અને સંગીતનો ‘સ’ જેમની પાસે ઘૂંટવાની પહેલવહેલી તક મળી તે પિનુભાઈ પાસે. પિનુભાઈ એટલે પિનાકિન ત્રિવેદી. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલમાં ગુજરાતી અને સંગીતના શિક્ષક, બલકે ગુરુ. કાયમ સફેદ કફની, સફેદ ધોતિયું. માથે સફેદ ટોપી. પાણીદાર આંખો સતત કશુંક શોધ્યા કરે છે એમ લાગે. હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં કશુંક ગણગણ્યા કરતા હોય. પ્રેમાનંદનું સુદામા ચરિત, નાનાલાલનું વિશ્વગીતા, ગુજરાતી સાહિત્યની કેટલીયે પાણીદાર ગદ્ય-પદ્ય કૃતિઓ ભણવાની, બલકે પામવાની તેમની પાસેથી તક મળી. સુદામાચરિત શીખવતા ત્યારે ક્લાસમાં આવતાંવેંત ટેબલ પર પલાંઠી વાળીને બેસી જાય. એક પછી એક કડી ગાતા જાય. હથેળી વડે ટેબલ પર તાલ આપતા જાય. સાથોસાથ તાલ અને રાગની સમજણ આપતા જાય. પછી અટકીને પ્રેમાનંદના શબ્દોને ખોલી આપે. રોજ સવારે દસ વાગે સ્કૂલ શરૂ થાય ત્યારે એસેમ્બલી હોલમાં સ્કૂલના બધા વિદ્યાર્થી ભેગા થાય. પહેલાં સમૂહ પ્રાર્થના – ‘ઓમ સહના વવતુ’ અને ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’. પછી પિનુભાઈ, ક્યારેક સુષમાબહેન દિવેટિયા (ક્ષેમુભાઈ દિવેટિયાનાં બહેન), ક્યારેક શાસ્ત્રીય સંગીતના શિક્ષક જોગળેકર સર, કોઈ ગીત, ભજન, શાસ્ત્રીય સંગીતની ચીજ ગાય. શનિવાર સંઘગીતોનો દિવસ. પિનુભાઈ ગવડાવે અને અમે ૫૦૦-૬૦૦ વિદ્યાર્થીઓ ઝીલીએ. અને દરરોજ એસેમ્બલી પૂરી થાય પિનુભાઈએ લખેલા અને સ્વરબદ્ધ કરેલા ‘ધન્ય ન્યૂ ઈરા’ એ સ્કૂલ એન્થમના સમૂહગાનથી. અને અગિયારમા ધોરણ(હા, તે વખતે સ્કૂલોમાં અગિયાર ધોરણ હતાં)નાં વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ હોય ત્યારે પિનુભાઈ પોતે રચેલું ગીત ‘વિદાય વસમી વહાલાં જનની, ભાવે ઉર ઉભરાય,’ આર્દ્ર સ્વરે ગાય. તેમની આંખોમાં અને કેટલાયે શિક્ષકો અને વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ માંડ માંડ રોકાતાં હોય. 

પિનાકિન ત્રિવેદી

પિનુભાઈ ઉત્તમ શિક્ષક તો ખરા જ, પણ તે ઉપરાંત તેમણે કવિતા લખી, નાટક લખ્યાં, ઘણા અનુવાદો કર્યા. ગુરુદેવ ટાગોરની કવિતાના અનુવાદ ઘણા અનુવાદકોએ કર્યા છે. પણ સમગેય  અનુવાદ કર્યા તે મુખ્યત્ત્વે પિનુભાઈ-નિનુભાઈની જોડીએ. નિનુભાઈ તે નિનુ મઝુમદાર. મહાદેવભાઈ દેસાઈ અને પિનાકિનભાઈએ કરેલા ગુરુદેવના સમગેય અનુવાદોની સરખામણી કરતાં છેક ૧૯૩૯માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું : “પિનાકિન રચિત ચાર ગીતો અને આ બે ગીતો(એકલો જાને રે અને તારાં સ્વજન તને જાય મૂકી તો)નાં ગાયન વચ્ચે જે મોટો તફાવત પડી રહે છે તે જ બતાવી આપે છે – આપણી ગુજરાતી વાણીની ખૂબીઓની પિનાકિનને પ્રાપ્ત થયેલી પિછાન, અને મહાદેવભાઈને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નમાંથી પરિણમ્યો છે. પિનાકિન પણ ટાગોરની પાસે બેસી બંગાળી બાઉલ સંગીત તેમ જ શિષ્ટ સંગીતનું પાન કરનારા છે. મહાદેવભાઈ પણ બંગાળી ભાષાના જ્ઞાતા છે, ને એમણે કરેલા તરજૂમા મૂળ બાઉલ લયવાળાં ગીતોના છે. પિનાકિનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો કે સંગીતનો તરજુમો નથી, બંગાળી મરોડો ને સ્વરભારોનો મનોવિભ્રમ નથી, એથી તો ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે. એટલે જ એમણે કર્યું છે રસાયણ, ને મહાદેવભાઈના તરજૂમામાં જે નિપજ્યું છે તે છે બંગાળીકરણ.” 

ગુરુદેવ ટાગોરની સામે બેસીને તેમનાં જ બંગાળી ગીતો તેમને જ ગાઈ સંભળાવ્યાં હોય, અને ગુરુદેવે એમની પ્રશંસા કરી હોય એવું જો કોઈ ગુજરાતીની બાબતમાં બન્યું હોય તો તે પિનુભાઈની બાબતમાં. એક વાર ગુરુદેવ અને પિનુભાઈ શાંતિનિકેતનથી મુંબઈ સાથે ટ્રેનમાં આવતા હતા. ત્યારે આખે રસ્તે પિનુભાઈએ ગુરુદેવનાં ગીતો તેમને જ ગાઈ સંભળાવ્યાં હતાં. પિનુભાઈએ પોતે નોંધ્યું છે : “આવા કેટલાક અનુવાદો સ્વયમ્ ગુરુદેવને સંભળાવવાનું સદ્ભાગ્ય, ૧૯૩૩માં તેમની સાથે શાંતિનિકેતનથી મુંબઈ આવવાનું થયેલું ત્યારે મને પ્રાપ્ત થયેલું.” મુંબઈ આવ્યા પછી ગુરુદેવ અને ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત કરાવનાર પણ પિનુભાઈ. 

મહારાષ્ટ્રના વાડા નામના નાનકડા ગામમાં ૧૯૧૦ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પિનુભાઈનો જન્મ. પિતા હતા જી.ટી. હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર. એટલે પિનુભાઈનું શરૂઆતનું શિક્ષણ ધોબી તળાવની એક સ્કૂલમાં થયું. પછી પિતાએ ઉમરેઠમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરતાં ત્યાંની સ્કૂલમાં ભણ્યા. ૧૯૨૭મા મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી વધુ અભ્યાસ માટે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનમાં ગયા. ૧૯૩૧માં ડિસટિંગ્શન સાથે કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા. વિષયો હતા સંસ્કૃત, ફિલસૂફી અને અંગ્રેજી. વધુ અભ્યાસ માટે શાંતિનિકેતનમાં જ રહી ઋગ્વેદ અને અવેસ્તાની ગાથાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો. શાંતિનિકેતનમાં હતા ત્યારે જ ગુરુદેવનાં ગીતોના સમગેય અનુવાદો કરવાનું શરૂ કર્યું. 

મુંબઈ પાછા ફર્યા પછી તે વખતે વિલેપાર્લે(પૂર્વ)માં આવેલી, અને હાલમાં સાંતાક્રુઝ પશ્ચિમમાં આવેલી પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પણ તેમની કર્મભૂમિ બની તે તો ગોવાળિયા ટેંક પાસે આવેલી ન્યૂ ઈરા સ્કૂલ. ૧૯૪૦થી લગભગ વીસ વરસ ત્યાં રહીને તેમણે અનેક વિદ્યાર્થીઓમાં સાહિત્યપ્રીતિ, સંગીત-રસ, અને મૂલ્યનિષ્ઠાનાં બીજ વાવ્યાં.

પિનાકિન ત્રિવેદી

પિનુભાઈએ ઢગલાબંધ બાળગીતો લખ્યાં. એ એટલાં તો બાળપ્રિય થયેલાં કે ૧૯૩૮-૧૯૩૯ના અરસામાં કોલમ્બિયા ગ્રામોફોન કંપનીએ પિનુભાઈનાં બાળગીતોની રેકર્ડ બહાર પાડેલી. ગુજરાતી બાળગીતોની એ પહેલવહેલી ગ્રામોફોન રેકર્ડ. પોતાની ‘કલમ અને કિતાબ’ કોલમમાં આ રેકર્ડનું અવલોકન કરતાં મેઘાણીએ લખેલું : “ભાઈ પિનાકિનને તો મારી વિનંતી કે આ જાતનાં બીજાં બાળગીતોની રેકર્ડો ઉતરાવે. સાથે સાથે એ પણ વિનંતી કરવાની કે તમે જે ક્ષેત્ર પકડ્યું છે તે ક્ષેત્રને તજતા નહિ. (‘જન્મભૂમિ’, ૭-૬-૧૯૩૯)

સ્કૂલ, તખ્તા પર ભજવવાનાં નાટકો, સમારંભો, રેડિયો, અને છેલ્લે છેલ્લે દૂરદર્શન માટે ઘણું લખ્યું. ઘણું ગાયું, ઘણું ભજવ્યું. પણ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવા અંગે ઉદાસીન. ગુરુદેવના નાટક ‘તાસેર દેશ’નો અનુવાદ ‘પત્તાંનો પ્રદેશ’ નામે કરેલો તે પુસ્તક રૂપે પ્રગટ થયેલો. ‘દિવાળીની છુટ્ટી’ બાળનાટક પણ છપાયેલું. પિનુભાઈના ૭૫મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેમના વિદ્યાર્થીઓ અને ચાહકોના આગ્રહથી ૧૯૮૪માં ‘પ્રસાદ’ નામે દળદાર કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ‘કબીર વચનાવાલી’ નામે તેમણે કરેલો કબીરની કવિતાનો અનુવાદ દિલ્હીની સાહિત્ય અકાદમીએ પ્રગટ કરેલો. આજ સુધી તે અવારનવાર ફરી છપાતો રહ્યો છે.

પિનુભાઈની કાર્યનિષ્ઠા અને ધગશનું એક જ ઉદાહરણ: મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે એક વાર ગીતો ગાવા આમંત્રણ આપેલું. તે જ દિવસે પિનુભાઈનો અવાજ સાવ બેસી ગયેલો. છતાં કાર્યક્રમ માટે ગયા. પોતાની સ્થિતિ જણાવી અને કહ્યું કે ફક્ત  એક ગીત ગાઈશ. પણ પછી કોણ જાણે શું જાદુ થયો, તે પૂરા બે કલ્લાક સુધી સતત ગાતા રહ્યા. પછી મંડળના પ્રમુખે વાર્યા ત્યારે કહે કે બસ, હવે આ છેલ્લું ગીત. પિનુભાઈએ ગાયેલા એ ગીતની છેલ્લી પંક્તિઓ છે :

ચિંતામણિનો આ તો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!

કરશે કથીરને કનક આકાર, સો સો જ્યોત ઝગમગી!

ગુરુ, શિક્ષક, એ એક ચિંતામણી છે જેના ચમત્કારને પ્રતાપે માત્ર સો સો જ નહિ, હજારો વિદ્યાર્થીઓનાં જીવન કથીરમાંથી કનક થાય છે, એમના જીવનની જ્યોત ઝગમગતી થાય છે.

આવા એક ચિંતામણી પિનુભાઈને ગુરુપૂર્ણિમા પ્રસંગે પ્રણામ.      

XXX XXX XXX

10 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...271272273274...280290300...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved