Opinion Magazine
Number of visits: 10,228,945
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીર નર્મદ યુનિવર્સિટીમાં શિક્ષણ-સાહિત્યની સ્વાયત્તતા પર હુમલો

ભરત મહેતા|Opinion - Opinion|3 February 2020

હમણાં હમણાં શિક્ષણ અને સાહિત્યસંસ્થાઓની સ્વાયત્તતા પર હુમલાઓ વધી રહ્યાં છે. ઠેકઠેકાણેથી આવા સમાચારો મળી રહ્યાં છે. ગુજરાત સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીનો ખાતમો બોલાવીને આ પરંપરાને દઢાવી છે.

ગઈકાલે જ સમાચાર પ્રાપ્ત થયાં કે દક્ષિણ ગુજરાતની નર્મદના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીએ આવો જ એક આઘાતજનક નિર્ણય લીધો. એક વર્ષ પૂર્વે બોર્ડ ઑફ સ્ટડીઝ નિર્ધારિત કરેલ પાઠ્યપુસ્તકો ‘એકએક’ બદલી નાંખ્યા! એમાં ભીષ્મ સહાનીની કૃતિ ‘તમસ’ને કોર્ટમાં વિવાદ થયો હોઈ કાઢી નાંખી! જે કૃતિને નારાયણ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદિત કરી છે. ભારતીય વિચારમંચ, અખિલ ભારતીય પરિષદના અગ્રણી અને ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી ડૉ. ભરત ઠાકોરે આ કૃતિને ‘વિવાદી’ ગણાવી! ગૂજરાત વિદ્યાપીઠના કેળવણીને લાગેલું આ લાંછન ગણાય. ભલા ભાઈએ કૃતિ પર ફિલ્મ બની ત્યારે હિંદુ, મુસ્લિમ અને શીખ ત્રણેય સાંપ્રદાયિકોએ કેસ કરેલાં અને હારેલાં ત્યારે સુમન શાહે લખેલું કે ‘લોકડિયાં જાગે એ કોઈને પોષાતું નથી.’ ફિલ્મ દ્વારા ઝળહળતો મેસેજ કરોડો સુધી પહોંચવાનો હતો.

ખાસ મિટિંગ બોલાવી, એમાં કુલપતિની નિકટ મનાતા ડૉ. ભરત ઠાકોરને ખાસ ‘આમંત્રિત’ કરીને આ કૃતિને ‘અભ્યાસક્રમનિકાલ’ની સજા ફરમાવવામાં આવી! કરુણતા એ છે કે આ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી શરીફા વીજળીવાળાને ‘વિભાજનની વ્યથા’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. તેથી આ કૃતિનો નિર્ણય એમના સિવાય કોણ આપી શકે? છતાં એમના વિરોધને બાજુએ મૂકીને, પદ-ગરિમા ચૂકીને નિર્ણય લેવાયો. વળી, ગુજરાતી વિષયના બોર્ડમાં સરકારી રાહે નિમણૂક પામેલા (વિજ્ઞાનપ્રવાહના) સિન્ડિકેટ સભ્યને પણ ઉપસ્થિત રખાયા! આ વિષયની સ્વાયત્તતા પર સીધો હુમલો છે. દુઃખની વાત એ છે કે નર્યા ગાંધીવાદી નારાયણ દેસાઈ અનુવાદિત કૃતિને ગૂજરાત વિદ્યાપીઠમાંથી જ ભણેલા ડૉ. ભરત ઠાકોરે દૂર કરાવી! જે વિદ્યાપીઠની કેળવણીને લાગેલું લાંછન છે. જ્યારે સુદર્શન આયંગાર, ગોવિંદ રાવલ કે અનામિક શાહ, ચંદ્રકાન્ત શેઠ આ સાંભળે તો શું અનુભવે? કેવળ કુલપતિના ખીલાના જોરે કૂદતા વાછરડાં જેવું આ લાગે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ બોર્ડમાં મારાં બે આદરણીય વડીલો પણ વિષયનિષ્ણાતની રૂએ હાજર હતા. ડૉ. નીતિન વડગામા અને ડૉ. ઉષા ઉપાધ્યાય. એમાં ય ઉષાબહેન તો ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ સુદ્ધાં છે. શું એમણે વિષય નિષ્ણાત તરીકે એન.બી.ટી. પ્રકાશિત, નારાયણ દેસાઈ અનુવાદિત કૃતિની હકાલપટ્ટી સાંખી જ લીધી ? શું આ વિચારધારાની શરણાગતિ નથી? વળી, વાત આટલેથી નથી અટકતી આ કૃતિ સુલભ બને એ માટે નારાયણભાઈના પુત્રના સૂચનથી એન.બી.ટી.એ ૨૦૦૦ નકલો સુદ્ધાં છાપી. એક વરસ પછી નિર્ણય બદલવાની જરૂર કેમ પડી? ઉષાબહેન વળી પાછાં પ્રકાશક પણ છે. જરૂરિયાત માટે છાપેલાં પુસ્તકો પડ્યાં રહે ત્યારે શું થાય એ એમને તો ખબર જ હોય.

આનાથી આગળ વધી ગુજરાત સાહિત્ય અકાદમીએ કલાપીનાં કાવ્યોનું એક ચયન શ્રી હરિકૃષ્ણ પાઠકના સંપાદનતળે ‘આપની યાદી’ નામે પ્રગટ કરેલું છે. એ સંપાદનને પણ હટાવવામાં આવ્યું એવું કહીને કે કલાપીમાં પ્રેમ, પ્રેમ, પ્રેમ સિવાય બીજું છે શું? અરે ! ભાઈ હવે કલાપીને પણ કતલ! એ પણ બે ગઝલકારો(નીતિન વડગામા અને ઉષા ઉપાધ્યાય)ની રૂ-બ-રૂમાં !

ખરે જ! આવા સમાચારો દુઃખી કરે છે. યુનિવર્સિટીમાં અભિવ્યક્તિની, વિચારની સ્વતંત્રતા પર તરાપ મારતાં આવાં ‘રાજકીય હાથાઓ’ ગુજરાતના ઉચ્ચશિક્ષણને બેહાલ કરી મૂકશે.

જે યુનિવર્સિટીના કુલપતિશ્રીની લાયકાત જ સ્વયં પ્રશ્નાર્થ હેઠળ હોય એ કુલપતિની સત્તાની આવી તુમાખી, બોર્ડના સભ્યો પણ સાંખી લે એ ગુજરાતની શરમજનક ઘટના છે.

આવી જ રીતે ઇતિહાસવિભાગની મીટિંગમાં સલ્તનતકાળ અને મોગલકાળ ભણાવવામાંથી જ કાઢી નાંખવાની સૂચના અપાઈ! શું આ યુનિવર્સિટીઓનું ભગવાકરણ નથી?

નિરંજન ભગતે નર્મદને અંજલિ આપેલી તે જ અંજલિ નર્મદના નામ સાથે સંકળાયેલી યુનિવર્સિટીને સંભળાવવાનું મન થાય છે.

“ક્યાં તુજ જોમ જુસ્સો ?

ક્યાં આ જંતુ માણહા ?

માથા પરની રેફ, નર્મદ સહેજ ફરી ગઈ !”

Loading

લોકમિલાપ – નતમસ્તકે પ્રણામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 February 2020

આખરે એ છવ્વીસમી જાન્યુઆરી આવી ને ગઈ. લોકમિલાપે વિદાય લીધી.

ભાવનગરમાં ‘લોકમિલાપ’નાં ફળિયામાં – કે જ્યાં ઉજમ અને ઉલ્લાસભર્યા મનભર પુસ્તકમેળા થતા હતા – તે ફળિયામાં એક અનૌપચારિક કાર્યક્રમ ગોઠવાયો હતો. તેમાં ‘મહેન્દ્ર મેઘાણી’ નામનાં એક પુસ્તકનું, તેના ૯૬ વર્ષના ચરિત્રનાયક અને તેમના પરિવારજનોને હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

આ નાનકડું પણ મહત્ત્વનું પુસ્તક ગુજરાતના નોખા પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારીએ તૈયાર કર્યું છે. સાર્થક પ્રકાશને વ્યક્તિવિશેષો પર ‘સાર્થક સંવાદ શ્રેણી’ હેઠળ બહાર પાડેલાં આ ચોથા પુસ્તકમાં મહેન્દ્રભાઈની મુલાકાતો દ્વારા તેમનાં ‘જીવન-સર્જનનું અંતરંગ આલેખન’ છે. ઉપરાંત તેમની જિંદગીની પહેલી વખત નોંધાયેલી તવારીખ અને તેમના થકી સંપાદિત, અનુવાદિત અને સંક્ષેપિત પુસ્તકોની યાદી છે.

ઉર્વીશે આ પુસ્તક મહેન્દ્રભાઈના દિવંગત ભાઈ તેમ જ સાધુ-સમ ગ્રંથવિક્રેતા નાનકભાઈ મેઘાણી અને તેમનાં ‘પુત્રીવત્‌ સાથી’ હંસાબહેનને અર્પણ કર્યું છે. હંસાબહેને મહેન્દ્રભાઈના હાથે પુસ્તક સ્વીકાર્યું ત્યાર બાદ મહેન્દ્રભાઈએ બે-ત્રણ મિનિટ વાચન કર્યું. તેમણે ૧૯૫૦માં દેશના પહેલાં ગણતંત્રદિને લોકમિલાપનાં કામનો  જે ‘મિલાપ’ માસિકથી પ્રારંભ કર્યો હતો તે માસિકના ડિસેમ્બર ૧૯૭૮ના અંતિમ તંત્રીલેખનો અંશ વાંચ્યો. લેખનો ઘણો હિસ્સો ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી સાહિત્યના સમર્પિત અધ્યાપક અને રંગકર્મી મહેન્દ્રસિંહ પરમારે તેમની લાક્ષણિક હૃદયસ્પર્શી શૈલીમાં વાંચ્યો. રુચિસંપન્ન વાચક અને ભાવનગરના કાપડના વેપારી ભરતભાઈ શાહે મહેદ્રભાઈનું ગૌરવ કરતી પદ્યરચનાઓ વાંચી.

અમદાવાદથી ભાવનગરમાં પ્રવેશતાં નારી ચોકડી નામના ચાર રસ્તા આવે છે. તેના થોડાં પહેલાં રસ્તાની બાજુમાં માંડવો કરીને પેંડા બનાવી રહેલાં એક વેપારીને રસ્તો પૂછ્યો : ‘ભાવનગરમાં સરદારનગર જવું છે’. ભાભાએ પૂછ્યું : ‘સરદારનગરમાં ક્યાં જાવું છે ?’ અમે કહ્યું ‘લોકમિલાપ’. એમણે વળતો સવાલ કર્યો : ‘એ તો આજે પૂરું થાય છે ને?’ વળી રસ્તામાં એક ગલ્લાવાળા, એક રિક્સાવાળા અને એક પોલીસવાળા ભાઈઓને પૂછવાનું થયું. બધાને લોકમિલાપની ખબર હતી. અમારામાંથી એકે ટીખળ કરી : ‘અમદાવાદમાં આશ્રમ રોડ પર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની ઑફિસ પાસે  ઊભા રહીને સાહિત્ય પરિષદનું પૂછો તો ખબર નથી હોતી!’ જો કે સવાલ તો લોકનો જ છે!

એમ થયું કે આ હિસાબે કાર્યક્રમમાં તો બસો-પાંચસો લોકો હશે. ઉર્વીશે તો બહુ નાના પાયે અને સાદી રીતે કાર્યક્રમ વિચાર્યો છે. લોકમિલાપનાં બારણે ફૂટપાથ પર વિદ્યાર્થી યુવક-યુવતીઓ પ્લૅકાર્ડસ્‌ લઈને ઊભા હતાં. પ્લૅકાર્ડસ પર લોકમિલાપનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠો હતાં : ‘અરધી સદીની વાચનયાત્રા’, ‘કોન-ટિકિ’, ‘ગીત એક ગાયું ને વાયરે વાયું’, ‘જ્વાલા અને જ્યોત’, ‘યાદગાર કાવ્યો’ ‘વિસરાતાં કાવ્યો’. સહુથી સરસ પ્લૅકાર્ડ હતું ‘આભાર લોકમિલાપ’. આ યુવાઓ પછી ફળિયામાં કાર્યક્રમમાં જોડાયાં.

અભિવાદન અને વાચન બાદ કેટલાંકે ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ નામનું પુસ્તક મહેન્દ્રભાઈની સહી સાથે વસાવ્યું. આ પુસ્તક ‘વિદાય વેળાએ લોકમિલાપનું અંતિમ પ્રકાશન’ એમ પ્રસિદ્ધ થયું છે. સાડા પાંચસો પાનાંનું આ સંપાદન મહેન્દ્રભાઈએ તે જ નામે ૧૯૯૬માં બહાર પાડેલા એક સંચયની બીજી  સંવર્ધિત આવૃત્તિ છે. તેમાં મેઘાણી-સાહિત્યમાંથી ચૂંટેલાં કાવ્યો, નવલિકાઓ, લોકગીતો અને લોકવાર્તાઓ છે. આ પુસ્તક લેવાં ઉપરાંત કેટલાંક મહેન્દ્રભાઈ સાથે તસવીરો ખેંચતા હતાં. એ બધાં થઈને ભાવેણાનાં પોણાસો સ્ત્રી-પુરુષ પુસ્તકપ્રેમીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતાં, તેમાં વડીલોની સંખ્યા વધુ નોંધપાત્ર હતી. જો કે ગયાં પંદરેક દિવસથી તો લોકમિલાપમાં ખૂબ અવરજવર હતી. સવા મહિના જેટલા સમયથી લોકમિલાપ પુસ્તકો પર ૨૦% વળતર આપતું હતું.

કાર્યક્રમ ભાવુક ન બની જાય છતાં ય તેની આત્મીયતા જળવાય તે રીતે ઉર્વીશે સંચાલન કર્યું. છતાં ય  કૂણાં તડકાવાળી સ્વચ્છ સવારે પણ હૈયાં કંઈક ઘેરાયેલાં હતાં. ‘આ દિવસ અઘરો તો રહ્યો જ’, એમ ‘સ્ત્રીઆર્થ’ નામનો ખૂબ મહત્ત્વનો શબ્દ વહેતો મૂકનાર ભાવનગરનાં વાર્તાકાર પ્રતિભાબહેને ફેસબુક પર નોંધ્યું છે.

મહેન્દ્રભાઈએ વાંચ્યું : ‘ગુજરાતની ફૂલવાડીમાં ‘મિલાપ’ પણ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, અને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે એ ખરી પડે છે. આજે નહીં પણ બે-પાંચ વરસે એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવામાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.’  

આ શબ્દો મહેન્દ્રભાઈએ ડિસેમ્બર ૧૯૭૮ના અંતિમ તંત્રીલેખમાંથી વાંચ્યાં. ગયાં ચારેક દાયકાથી લોકમિલાપ પ્રકાશન અને પુસ્તકભંડારના મિશનને  જીવનનનો સર્વોચ્ચ અગ્રતાક્રમ તરીકે મૂકનાર દંપતી એટલે મહેન્દ્રભાઈના ચિરંજીવી ગોપાલભાઈ અને ગોપાલભાઈનાં જીવનસંગિની રાજુલબહેન.

આ દંપતીએ ફેસબુક પર ૧૭ નવેમ્બરે નિખાલસતાથી નિર્મળભાવે લખ્યું છે : ‘સિત્તેર વર્ષની સાહિત્યયાત્રા હવે પૂરી કરીએ છીએ. પુસ્તકપ્રેમીઓનો પહેલો પ્રતિભાવ હોય જ કે કેમ બંધ કરો છો? દરેક પ્રારંભનો અંતિમ પડાવ ક્યારેક તો આવવાનો જ. લોકમિલાપના હાલના સંચાલકો આશરે પચાસ વર્ષોથી આ મનગમતું કામ કરી રહ્યાં છે. હવે તેમની ઇચ્છા આ કામને વિરામ આપી અન્ય પ્રવૃત્તિઓ કરવાની છે, જે એક પુસ્તક-ભંડાર ચલાવતા મોકળાશથી થઈ શકેલ નથી. … પુસ્તક ભંડાર દ્વારા ભાવનગર શહેર તથા દેશ-વિદેશના સાહિત્યપ્રેમીઓને પુસ્તકો પૂરાં પાડ્યાં, સેંકડો પુસ્તકમેળાઓ કર્યા, અનેક પુસ્તક યોજનાઓ કરી, બાળફિલ્મોનાં આયોજન થયાં. આવાં વિવિધ મનગમતાં કાર્યો થયાં તેના પાયામાં લોકમિલાપના અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનત તથા પુસ્તકચાહકોનો સહકાર. ભાવનગરની પ્રજાએ અમને આટલાં વર્ષો નર્યો પ્રેમ આપીને એક આદર્શ પુસ્તકભંડાર ચલાવવાની  હોંશ સંતોષી છે. એમને, સમગ્ર ગુજરાતના તથા વિદેશના પુસ્તક-પ્રેમીઓને વિદાયની પળે નતમસ્તકે પ્રણામ.’

પુસ્તક ચાહકો પણ કહેશે : નતમસ્તકે પ્રણામ !

પૂર્ણવિરામે પ્રણામથી કૃતજ્ઞતા જાગે પણ શાતા મળવાની ? મહેન્દ્રભાઈએ ડિસેમ્બર ૧૯૭૮માં ‘મિલાપ’ને વિરામ આપ્યો ત્યારે ‘લોકમિલાપ’ પૂરબહારમાં હતું. પણ નવેમ્બર ૨૦૧૯માં ગોપાલભાઈએ લખ્યું તે પછી ગુણવત્તાભર્યાં પુસ્તકોની, એટલે કે  સંસ્કાર – સિવિલાઇઝેશનની દુનિયામાં, લોકમિલાપ જેવું બીજું કશું ગુજરાતમાં પૂરબહારમાં નથી.

‘ત્યારે કરીશું શું?’ ટૉલ્સ્ટૉયને અને મહેન્દ્રભાઈને સતાવી ચૂકેલો સવાલ હવે ઘણાંને સતાવવાનો.

૨૮ જાન્યુઆરી ૨૦૨૦

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 23 તેમ જ 14 

છબિ સૌજન્ય : રક્ષાબહેન ભટ્ટ, ઉર્વીશભાઈ કોઠારી, યશભાઈ મેઘાણી

Loading

CAA – NRCથી મુસ્લિમો નાગરિકતા વિનાની વ્યક્તિ બની જશે?

કુશલ એમ. તમંચે (એડવોકેટ)|Opinion - Opinion|3 February 2020

૧૮મી સદીમાં જેરેમી બેન્થામએ ઉપયોગિતાવાદનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત મુજબ રાજ્યે એવા કાયદા બનાવવા જોઈએ જે લોકોને મહત્તમ ખુશી આપે અને નિમ્નતમ પીડા આપે. પરંતુ દેશમાં હાલની સ્થિતિ જોતાં NDA સરકાર ઉપયોગિતાવાદ સિદ્ધાન્તનો કંઇક અલગ અંદાજમાં ઉપયોગ કરી રહી છે. કેમ કે હાલમાં NDA સરકાર એવા કાયદા બનાવી રહી છે જે લોકોને મહત્તમ પીડા અને નિમ્નતમ સુખ આપી રહ્યો છે. NDA સરકાર ઘરવાપસી, લવ જેહાદ, ત્રણ તલાક, આર્ટીકલ ૩૭૦, કાશ્મીર બ્લોકેજ, જેવા હિન્દુ – મુસ્લિમ નેશનલ સિલેબસ સમાન મુદ્દા આગળ ધરી હિન્દુ – મુસ્લિમ ડિબેટ કરાવવા સિટિઝન અમેન્ડ્મેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) જેવા મુદ્દા આગળ ઘરી રાષ્ટ્ર બનવાની કોશીશ કરી રહી છે. પરંતુ સરકાર એ રાષ્ટ્ર નથી અને એ બની પણ ન શકે તેમ છતાં સિટિઝન અમેન્ડ્મેન્ટ એક્ટ સંસદના બંન્ને ગૃહમાં પાસ થઇ ગયો છે, અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ તેને મળી ગઈ છે; ઉપરાંત નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સની પણ કાર્યવાહી ચાલુ થઇ ગઈ છે. આમ લોકશાહી દેશમાં પ્રથમ વખત ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવશે. 

સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯ની નવી જોગવાઈ :

આ એક્ટની નવી જોગવાઈ મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં લઘુમતી તરીકે વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના નાગરિકોને જરૂરી દસ્તાવેજ ન હોય તો પણ ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરોક્ત ધર્મના નાગરિકોએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભારતમાં પ્રવેશ કરી લીધો છે તો તેઓ નાગરિકતા માટે આવેદન કરી શકશે. ઉપરાંત ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પછી ઉપરોક્ત ધર્મના નાગરિકો ભારતમાં આવ્યા હશે તો તેઓને હવે સળંગ ૧૧ વર્ષની જગ્યાએ ફક્ત ૫ વર્ષનો સળંગ વસવાટ કરવાનો રહેશે અને તેઓને નાગરિકતા મળી જશે. ઉપરોક્ત ધર્મના નાગરિકોને ગેરકાયદે ઘૂષણખોરી કરનારા નહીં માનવામાં આવે. તેમ જ ઉપરોક્ત ધર્મના નાગરિકો સામે ભારતમાં પહેલેથી કોઈ ગેરકાયદે ઘૂષણખોરી કે નાગરિકતા સાબિત કરવા અંગેનો કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો હશે તો તે કેસ આપમેળે સમાપ્ત થઇ જશે. ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોને આજીવન વિઝા અને ભારતમાં કામ કરવાની પરવાનગી હોય છે. પરંતુ આ કાર્ડ કૌભાંડ કરીને મેળવ્યું હશે અને કાર્ડધારકની નોધણીના ૫ વર્ષની અંદર કોઈ અપરાધમાં ૨ કે તેથી વધુ વર્ષની સજા થઇ હોય તો ભારતની સુરક્ષા સબંધે આવા લોકોની નાગરિકતા રદ્દ થશે પણ તેઓને કાનૂની રીતે પોતાનો પક્ષ રજૂ કરવાનો હક મળશે. ઉપરાંત આ વિધેયકનો લાભ એવા લોકોને પણ મળશે જેઓ પાસપોર્ટ અને વિઝા વગર ભારતમાં પ્રવેશેલા છે અને તેમના વિઝા કે પાસપોર્ટ રદ્દ થઇ ગયા છે, હવે તેઓને પણ નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા કાયદામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સાથે મુસ્લિમોને ઘૂષણખોર માનવામાં આવશે અને અન્ય છ ધર્મના લોકોને શરણાર્થી માનવામાં આવશે.

ઉત્તર – પૂર્વ ભારતના રાજ્યો માટે કાયદો લાગુ નહિ પડે 

ભારતીય બંધારણની અનુસૂચિ ૬ મુજબ ચાર રાજ્યો આસામ, મેધાલય, મિઝોરમ, ત્રિપુરાના ટ્રાઇબલ એરિયાને વિશેષ સવલતો અને સ્વાયતતા આપવામાં આવેલી છે. તેથી ભારતના ઘણાં કાયદા ત્યાં અમલી બની શકતા નથી, તેથી વિશેષ જોગવાઈ હેઠળ નવો બનેલો નાગરિકતા કાયદો ઉપરોક્ત રાજ્યોના ટ્રાઇબલ એરિયામાં અમલી બનશે નહિ. તેથી ત્યાં બાંગ્લાદેશમાંથી આવતી કોઈ પણ વ્યક્તિ ના વસવાટ કરી શકશે, ના જમીન ખરીદી શકશે, ના ઉપરોક્ત રાજ્યોમાં વસવાટ કરી ભારતીય નાગરિકતા મેળવી શકશે.

ઉત્તર-પૂર્વના અન્ય ત્રણ રાજ્યો અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ “ઇનર લાઈન પરમીટ” અંગેની વિશેષ સુવિધા ધરાવે છે, આ ઇનર લાઈન પરમીટની એવી જોગવાઈ છે કે ઉપરોક્ત રાજ્યોમાં એ રાજ્ય સિવાયની વ્યક્તિને ત્યાં જવું હોય તો રાજ્ય સરકારની પરમીટ લેવી પડે છે. એ પરમીટની મર્યાદા બહાર કોઈ ત્યાં રહી ન શકે, કાયમી ધોરણે વસવાટ ન કરી શકે, ઉપરાંત રાજ્ય સરકારને યોગ્ય લાગે તો પરમીટ માટે કોઈને ના પણ પાડી શકે. ઉત્તર – પૂર્વ રાજ્યોમાં મણિપુર માટે પણ ઇનર લાઈન પરમીટ કાયદો રાજ્ય વિધાનસભામાં પાસ થઇ ગયો છે, પરંતુ હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળી નથી પણ જેમ રાષ્ટ્રપતિની મંજૂરી મળશે તો મણિપુર રાજ્યમાં પણ ઇનર લાઈન પરમીટની વિશેષ સવલત રાજ્યને પ્રાપ્ત થઇ જશે.

નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (NRC)

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ, કેટલાંક લોકોએ આસામમાંથી પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) સ્થળાંતર કર્યું પરંતુ તેમની જમીન આસામમાં હતી તેમ જ ભાગલા બાદ લોકોની અવરજવર બંને વિસ્તારોમાં રહી, જેના માટે ૧૯૫૧માં NRC તૈયાર કરવામાં આવ્યું. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશમાં રૂપાંતર થયા બાદ મોટી સંખ્યામાં શરણાર્થીઓનું સ્થળાંતર થયું જેનાથી આસામની વસ્તીમાં વધારો થઇ ગયો. આસામ સંધી અનુસાર ૨૫ માર્ચ ૧૯૭૧ પહેલાં આસામમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરેલ લોકોને તથા જે વ્યક્તિનો જન્મ આસામમાં થયો હોય તેને પણ આ યાદીમાં સમાવિષ્ટ કરી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. NRC એક રજીસ્ટર છે જેમાં બધા ભારતીય નાગરિકોની વિગતોનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આસામ રાજ્યની NRC અપડેટ થઇ હતી. ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ એન.ડી.એ. સરકારે આસામ રાજ્યમાં ગેરકાયદે રીતે વસતા લોકોને ઓળખી કાઢવા સંપૂર્ણ રાજ્યની નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનની પ્રથમ યાદી બહાર પાડી હતી. ત્યારબાદ સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવી જેમાં ૧૯ લાખ લોકોના ૧૨ અલગ અલગ જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે યાદીમાં નામ ના આવ્યા. આ ૧૯ લાખ લોકોમાં ૧૪ લાખ હિન્દુ છે અને બાકીના મુસ્લિમો છે. એન.ડી.એ. સરકારને એવુ હતું કે એ યાદીમાં મુસ્લિમો વધુ નીકળશે, પરંતુ હિન્દુ વધુ નીકળતાં એન.ડી.એ. સરકાર સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯ લાવ્યું.

આ એક્ટ મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા અને ધાર્મિક સતાવણી પામેલા પીડિત હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી, બૌદ્ધ ધર્મના લોકોને ધર્મના આધારે નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી, પરંતુ આ એક્ટમાં મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી, તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯નો નાગરિકતા આપવાનો બંધારણીય કે તાર્કિક આધાર તો કોઈ છે નહિ, આનો આધાર NRCમાં છુપાયેલો છે. અહીં નાગરિકતા સાબિત કરવાની જવાબદારી નાગરિકોના શિરે છે. જો કોઈ નાગરિક પોતાની નાગરિકતા નહિ સિદ્ધ કરી શકે તો તો તેને ડિટેન્શન સેન્ટરમાં (અટકાયત કેન્દ્ર) નાંખી દેવામાં આવશે. પણ નવા નાગરિકતા કાયદા મુજબ મુસ્લિમ છોડી છ ધર્મના નાગરિકોને તો નવા કાયદા હેઠળ નાગરિકતા મળી જશે. નવા કાયદા મુજબ મુસ્લિમો પીડિત હશે તો પણ તેમને નાગરિકતા નહિ મળે. સિવાય કે કોઈ મુસ્લિમ કાયદેસર રીતે નાગરિકતા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તેઓને એક પ્રક્રિયા મારફતે નાગરિકતા મળી શકશે, પરંતુ તેઓને ૧૧ વર્ષ ભારતમાં વસવાટ કર્યા બાદ નાગરિકતા મળશે. મુસ્લિમ છોડી અન્ય છ ધર્મના નાગરિકો જો ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હશે, તો તેઓને ભારતની નાગરિકતા મળી જશે પણ મુસ્લિમોને નહિ મળે. અહીં ખરેખર તો સરકારે સાબિત કરવું જોઈએ કે જે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી તો ક્યા દેશનો નાગરિક છે. પણ અહીં લોકોએ સાબિત કરવું પડશે કે તે ભારતનો નાગરિક છે. NRCમાં જે લોકોનું નામ નથી ઉપરાંત ફોરેનર ટ્રિબ્યુનલમાં પણ જે વ્યક્તિને નાગરિક માનતો નથી તેઓને એ પણ બતાવવામાં આવતું નથી કે તેઓ ક્યા દેશના નાગરિક છે. તેઓને નાગરિકતા વિહોણા દર્શાવી અટકાયત કેન્દ્રમાં નાંખી દેવામાં આવશે.

CAA અને NRC સામે વિરોધ 

સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯માં મુસ્લિમોને ષડયંત્ર હેઠળ ઇરાદાપૂર્વક બાકાત રાખી આપખુદી વર્તવામાં આવી છે. બંધારણમાં ક્યાં ય એવુ લખેલું નથી કે ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવે. જો ધાર્મિક સતાવણી આધાર હોય તો બધા ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવવી જોઈએ. ધર્મના આધારે કોઈ ભેદભાવ ના કરી શકાય, ભલે પછી તે વ્યક્તિ ભારતની નાગરિક હોય કે ના હોય. બંધારણના આર્ટીકલ ૧૪ મુજબ ધર્મના આધારે ભેદભાવ ના કરી શકાય તેમ જ ધર્મના આધારે કોઈ કાયદો પણ ના બનાવી શકાય. આ આર્ટીકલ મુજબ જે લોકો ભારતના નાગરિક નથી, છતાં તેને રાઈટ ટુ ઇક્વાલિટી હશે, રાઈટ ટુ પર્સનલ લિબર્ટી હશે, રાઈટ ટુ રિલીજિયન હશે ઉપરાંત આ આર્ટીકલ નિશેષ ફરમાવે છે કે સરકાર એવો કોઈ કાયદો ન બનાવી શકે જે આપખુદ (ARBITARY) હોય તેથી આર્ટીકલ આપખુદ કાયદા સામે પણ રક્ષણ આપે છે.

નવા નાગરિકતા કાયદામાં ફક્ત ત્રણ દેશોમાંથી આવતા મુસ્લિમ છોડી અન્ય છ ધર્મના લોકોને નાગરિકતા આપવાની વાત છે. પણ નેપાળમાં મધેશિયા સમુદાય સાથે પણ ધાર્મિક સતાવણી થાય છે, મ્યાનમારમાં રોહીન્ગ્યા સમુદાય પર પણ ધાર્મિક આધાર પર અત્યાચાર થાય છે. શ્રીલંકામાં તમિલો પર અને તિબ્બતમાં બૌદ્ધ સાથે ધાર્મિક સતાવણી થાય છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં નાસ્તિકો પર પણ હુમલા થાય છે. તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. તેથી સરકાર ધાર્મિક રીતે લોકો વચ્ચે ભાગલા પાડી પોતાની રાજનીતિ ચમકાવા માંગે છે. સરકાર સ્પષ્ટ રીતે ધાર્મિક આધાર પર નાગરિકતા આપી રહી છે જો નાગરિકતાનો આધાર માનવતા હોય તો માનવ અધિકારના દાયરામાં રહીને અન્ય ધર્મના સમુદાયને પણ નાગરિકતા આપવામાં આવવી જોઈએ.

નવા નાગરિકતા કાયદાની સૌથી વધુ ભનાયકતા એ છે કે જ્યારે સમગ્ર દેશમાં NRC થશે અને જે લોકો નાગરિકતા સાબિત કરવા જરૂરી દસ્તાવેજ રજૂ નહિ કરી શકે તો તેઓને ફોરેનર ટ્રિબ્યુનલમાં નાગરિકતા સાબિત કરવી પડશે અને જો તેઓ ટ્રિબ્યુનલમાં પણ નાગરિકતા સાબિત નહિ કરી  શકે તો જે તે નાગરિકોને ડિટેન્શન સેન્ટરમાં બંધ કરી દેવામાં આવશે. પરંતુ જો હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન પોતાની નાગરિકતા સાબિત નહિ કરી શકે તો તેઓને નવા કાયદા મુજબ ધાર્મિક આધાર પર આપમેળે નાગરિકતા મળી જશે. તેઓને કોઈ ડિટેન્શન સેન્ટરમાં નહિ પુરવામાં આવે. ઉપરાંત તેઓની સામે કોઈ ગેરકાયદે ઘૂષણખોરીના ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યા હશે તો તેવા કેસ પણ સમાપ્ત થઇ જશે. પરંતુ મુસ્લિમો નાગરિકતા અંગે જરૂરી દસ્તાવેજ રજૂ નહિ કરે તો તેઓને ફોરેનર ટ્રિબ્યુનલમાં નાગરિકતા સાબિત કરવી પડશે અને જો તેઓ ટ્રિબ્યુનલમાં પણ નાગરિકતા સાબિત નહિ કરી શકે તો તેઓને ડિટેન્શન સેન્ટરમાં બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત જે મુસ્લિમો સામે પહલેથી ઘૂષણખોરીના કેસ ચાલી રહ્યા હશે તે કેસો પણ સમાપ્ત નહિ થાય. મુસ્લિમો સિવાય અન્ય છ ધર્મના નાગરિકોને સમગ્ર રાહત મળશે પણ મુસ્લિમોની નાગરિકતા છીનવી તેઓને રાષ્ટ્ર વિહોણા બનાવી દેવામાં આવશે.

Loading

...102030...2,7252,7262,7272,728...2,7402,7502,760...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved