Opinion Magazine
Number of visits: 10,228,608
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આશાની દિશા

કાકાસાહેબ કાલેલકર|Gandhiana|12 March 2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે. 

•••

… સત્યાગ્રહની મીમાંસા કોઈ કાળે પૂરી થઈ એમ કહેવાય જ નહીં. સત્યાગ્રહ એક રીતે યુદ્ધનો એક પ્રકાર છે; બીજી રીતે એ સંસ્કારી માનવજાતનો જીવનધર્મ છે. અને તેથી યુગે યુગે સત્યાગ્રહના નવા નવા અવતાર પ્રગટ થવાના જ. સત્યાગ્રહના આદ્ય આચાર્ય મહાત્મા ગાંધીએ, પોતાના જીવનકાળમાં, એની અનેક વિભૂતિઓ પ્રગટ કરી. હિંદુસ્તાન સ્વતંત્ર થતાં એના જે ભાગલા પાડવામાં આવ્યા, અને એના જ અનુસંધાનમાં આખા દેશમાં જે ઝેર રેડાયું, તેને પહોંચી વળવાના પ્રયત્નમાં ગાંધીજીએ સત્યાગ્રહતત્ત્વને એક અવનવું રૂપ આપ્યું, જે એટલું અદ્ભુત અને સૂક્ષ્મ હતું કે, તેનું સ્વરૂપ ન ઓળખવાથી, પોતાની જ ભૂલોથી અકળાયેલા અને આંધળા થયેલા દેશે એ રાષ્ટ્રપિતાનો જ ભોગ લીધો અને એમના આખરી પ્રયોગને સત્યાગ્રહની અદ્ભુત શક્તિ પ્રગટાવતો અટકાવ્યો.

એક પ્રશ્ન ઘણાના મનમાં ઊઠે છે કે, સત્યાગ્રહનો હવે પ્રતિનિધિ કોણ છે? સત્યાગ્રહથી ટેવાયેલા અનેક લોકો અને અધીરી વ્યક્તિઓ જ્યાંત્યાં સત્યાગ્રહ કરી બેસે છે અને થોડી ચર્ચા બાદ ઓછોવત્તો વિજય મેળવીને અથવા માંડવાળ કરીને સત્યાગ્રહ પાછો ખેંચી લે છે. ઘણી વાર હવે સત્યાગ્રહ ઉપવાસનું રૂપ લે છે, અને થોડીક ચિંતા પેદા કરી સમાધાન ઉપર આવી જાય છે. પણ આવાં નાનાંમોટાં પ્રકરણોને સત્યાગ્રહના પ્રયોગ તરીકે ભાગ્યે જ ઓળખી શકાય.

ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ યુદ્ધમાં અનેક સાથીઓ મેળવ્યા અને કેળવ્યા. એમાંના કેટલાકને ભાગે સ્વરાજ સરકારના અધિકારી થવાનું આવ્યું છે, જ્યારે બીજા એ સરકારને સામાન્યપણે ટેકો આપવાને બંધાયેલા છે. એટલે એ બંને પ્રકારના સત્યાગ્રહીઓ રાજકીય કે સામાજિક અન્યાય દૂર કરવા માટે જે કાંઈ કરવું હોય તે હવે સરકારી તંત્ર મારફતે કરી શકે. સામાજિક, ધાર્મિક અન્યાયો દૂર કરવા માટે તેમ જ ધર્મ ધર્મ વચ્ચેના ટોળાધર્મી ઝઘડાઓ પતાવવા માટે સત્યાગ્રહને ઘણો અવકાશ છે. પણ અત્યારે તો કોઈને એ સૂઝતું નથી. લોકો તરફથી કાં તો કાયદો હાથમાં લઈ ગુંડાશાહી ચલાવવામાં આવે છે અથવા ‘એ બધું સરકારનું કામ છે’ એમ કહી ઉદાસીનતા ધારણ કરવામાં આવે છે.

દાંડીમાં મીઠું ઉપાડતા સત્યાગ્રહીઓનું દૃશ્ય. તસ્વીર − વૉલ્ટર બોશાર્ડ

એક વાત સ્પષ્ટ છે કે, સત્તા ગમે તેના હાથમાં હોય. સત્તાધારી જો પોતાનો રાજધર્મ ઓળખી મજબૂત હાથે કાયદાનું રાજ્ય ન ચલાવે તો અધીરી થયેલી પ્રજા સરકારની તત્પરતા ઉપરનો વિશ્વાસ ખોઈ બેસી કાયદો પોતાના હાથમાં લેવાની જ. પોતે જ સત્તાધારીને આપેલી સત્તા જો એ ન વાપરે તો પ્રજા બીજું કરી પણ શું શકે?

આવી હાલતમાં પ્રજા અવળે રસ્તે ન જાય એટલા માટે એને દોરનારા સત્યાગ્રહી નેતાઓ મળવા જ જોઈએ. પ્રજા જો કાયદો પોતાના હાથમાં લે તો તે પોતાની સરકારને નબળી પાડે છે અને જોતજોતામાં એનો નાશ કરે છે. પ્રજાએ મોટા પાયા ઉપર કાયદો હાથમાં લીધો કે સત્તાધારીઓએ રાજીનામું આપી સત્તાનો ત્યાગ કર્યે જ છૂટકો. તેઓ તેમ ન કરે તો તેમણે પોતાના હાથમાં ટકી શકે એવું પશુબળ સંગઠિત કરી, પ્રજાને દબાવી, જોહુકમી રાજ્ય ચલાવ્યે જ છૂટકો. બંને રીતે પ્રજાજીવન જોખમમાં જ આવે છે. આનો એકમાત્ર ઇલાજ સત્યાગ્રહ છે. સત્ય, અહિંસા અને લોકકલ્યાણ એ ત્રિવિધ મર્યાદા જાળવીને સજ્જન લોકો જ્યારે સત્યાગ્રહ આદરે છે, ત્યારે લોકસત્તા પર નભનારું રાજ્ય નબળું પડવાને બદલે આત્મશુદ્ધિ કરી મજબૂત થાય છે. સત્યાગ્રહની આ બાજુની મીમાંસા હવે આપણે ખીલવ્યે જ છૂટકો.

અત્યાર સુધી વ્યક્તિઓ અને સંગઠિત પક્ષો સત્યાગ્રહ કરતા આવ્યા છે. આખી પ્રજાએ સ્વતંત્રતા મેળવવા માટે અનેક વાર સત્યાગ્રહ કરી બતાવ્યો. હવે પછીનો સવાલ છે કે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મતભેદોમાં કે ઝઘડાઓમાં રાષ્ટ્રો, એટલે કે તેમના પ્રતિનિધિરૂપ સરકારો, સત્યાગ્રહ કરી શકે કે નહીં? સરકાર પાસે પશુબળ છે એટલા માટે એણે એ વાપરવું જ જોઈએ, એમ સિદ્ધ નથી થતું. કોઈ પહેલવાન પાસે શરીરબળ છે એટલા માટે તે સત્યાગ્રહ ન જ કરી શકે એમ જેમ આપણે કહી શકતા નથી, તેવી જ રીતે સરકારો વિશે પણ છે. દાખલા તરીકે, હિંદુસ્તાન જેવું પ્રબળ રાષ્ટ્ર પોતાની શક્તિના ભાનમાં હૈદરાબાદ જેવી નાની સરકારની સામે પશુબળ વાપરવાને બદલે સત્યાગ્રહના બધા પ્રકારો અજમાવી શકે છે. હિંદની પ્રજા જ્યાં સુધી પોતાની સરકાર ઉપર વિશ્વાસ રાખી શકે છે અને તે સરકાર પ્રજાના જાનમાલના રક્ષણના કર્તવ્યમાં ચૂકતી નથી, ત્યાં સુધી એ જરૂર સત્યાગ્રહનાં અનેક પગલાં અજમાવી શકે છે.

પણ સવાલ એથી વ્યાપક છે. આખી દુનિયાની (લગભગ ૫૭ કે વધારે) [હાલમાં ‘યૂનો’ 193 દેશોનું સંગઠન છે.] સરકારો જો અંદર અંદરના વહેવારમાં સર્વ રાષ્ટ્રીય પરિષદ (‘યૂનો’ — સંયુક્ત રાષ્ટ્રમંડળ) આગળ ન્યાય મેળવવામાં અસફળ થાય તો સત્યાગ્રહ કરી શકે કે નહીં, અને કરી શકે તો તે કઈ રીતે, એની પણ મીમાંસા હવે થવી જોઈએ.

વ્યાપક સત્યાગ્રહ માટે હજી પણ અનેકાનેક પ્રસંગો કલ્પી શકાય. આજકાલની અમેરિકા, ઇંગ્લંડ, રશિયા જેવી સરકારો શસ્ત્રબળની અસાધારણ શક્તિ ધરાવે છે. એવી સરકારની પ્રજા, પ્રજા તરીકે લગભગ નિઃશસ્ત્ર જ હોય છે. હવે જો કોઈ પણ કારણે એવી કોઈ સરકાર લોકસભાને પોતાની ધાકમાં રાખી જોહુકમી બની શકી તો પોતાની સ્વતંત્રતા જાળવવા માટે અથવા પાછી મેળવવા માટે જનતાએ શું કરવું? સરકાર પાસે આધુનિક વિજ્ઞાને તૈયાર કરેલાં શસ્ત્રોનું શસ્ત્રબળ કલ્પનાતીત હોય અને પ્રજા પાસે શસ્ત્રબળનો પૂરો અભાવ હોય, એવે વખતે પ્રજાના હાથમાં કેવલ સત્યાગ્રહ જ રહેવાનો. એ સત્યાગ્રહ પ્રજા કેવી રીતે વાપરી શકે એનો પણ વિચાર હવે થવો જોઈએ.

જગતમાં લગભગ બધાં જ રાષ્ટ્રો લોકશાહીના તત્ત્વને સ્વીકારતાં થયાં છે. એટલે હડહડતા અન્યાયના નિરાકરણ માટે લોકમતનો કોલ લેવાનો ઇલાજ પ્રજાના હાથમાં આવેલો હોવાથી, હવે પછી લોકમત જ્યાં જાગ્રત નથી એવે ઠેકાણે, સરકારને તેમ જ લોકમતને જાગ્રત કરવા માટે, ન્યાયની કલ્પનામાં લોકમતથી ઘણે દૂર સુધી ગયેલા સુધારકો જ સત્યાગ્રહ કરી શકવાના છે. એવા પ્રસંગો એક તો વિરલા હશે, અને બીજી બાજુ લોકમતના ટેકાને અભાવે તે ઉગ્ર રૂપે ચલાવવા પડવાના. સરકારમાં જો અહિંસા તત્ત્વ ઊતર્યું હોય તો જ આવા સત્યાગ્રહ સૌમ્ય રૂપમાં ચાલી શકે. પણ એ સત્યાગ્રહો લોકમતને અને લોકરૂઢ આદર્શને નહીં ગણકારતા હોવાથી સરકાર તેમ જ જનસમાજ બંને એવા સત્યાગ્રહીઓની પૂરતી કસોટી કરવાની જ. કેમ કે સરકારો પોતાની શક્તિનો ઇનકાર સાંખી શકતી જ નથી. દરેક સરકારમાં આત્મરક્ષાનું તત્ત્વ એટલું બધું જાગ્રત હોય છે કે, બીજાં કર્તવ્યો પાર પાડી શકે કે નહીં, પણ આત્મરક્ષાનું કર્તવ્ય તે પાર પાડવાની જ. અને તેથી સત્યાગ્રહની હવે ઘણી જ ઊંડી અને વ્યાપક કસોટી થવાની છે.

ગાંધીજી હતા ત્યાં સુધી તેઓ સત્યાગ્રહના પ્રમાણભૂત આચાર્ય ગણાતા. એ સત્યાગ્રહનો પ્રતિનિધિ આપણા દેશમાં કે દુનિયામાં હવે કોણ છે? વ્યક્તિઓ તરફ નજર નાખતાં કહેવું પડે છે કે, સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી. સત્ય અને અહિંસાની જેનામાં એકાગ્ર નિષ્ઠા છે તે જ સત્યાગ્રહનો શાસ્ત્રકાર થઈ શકે છે. પણ એનામાં સામાજિક, ધાર્મિક, રાજનૈતિક અને હવે આંતરરાષ્ટ્રીય બળોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. દરેક પ્રકારના માણસનું મન કઈ રીતે કામ કરે છે એનું પણ ઊંડું અને નાજુક જ્ઞાન એ વ્યક્તિને હોવું જોઈએ, અને એની સાથે સત્યાગ્રહ જેવા સૂક્ષ્મ આધ્યાત્મિક તત્ત્વનાં થતાં ઇંદ્રિયાતીત પરિણામોનું સૂક્ષ્મ ભાન પણ એને હોવું જોઈએ. ઉપરટપકે જ્યાં પરાજય દેખાય છે ત્યાં પણ વિજયનો ઉદય થતો જોવાની ક્રાન્તદૃષ્ટિ જો એનામાં ન હોય, તો તે સત્યાગ્રહનો સફળ સેનાની ન જ બની શકે.

જેનું હૃદય જાતિ, ધર્મ, ભાષા, પંથ અને પૂર્વગ્રહની સંકુચિતતાને વીંધીને, પોતાની આસપાસની એકેએક વ્યક્તિ પ્રત્યે દોડી શકે છે, અને સ્વજન-પરજન, પાપી અને પુણ્યવાન, નાજુક અને રીઢા — બધાંને અપનાવી શકે છે, તેને હાથે જ સત્યાગ્રહની દોરવણી સફળ રીતે થઈ શકે છે.

પોતાની આસપાસના સમાજને દોરનાર સત્યાગ્રહી સામાજિક જીવનથી અલિપ્ત રહી શકે ખરો? “અત્યારે મારી પાસે કોઈ સત્યાગ્રહી ઇલાજ નથી, તે હું શોધીશ અથવા ઘડતો રહીશ, ત્યાં સુધી સમાજની જવાબદારી બીજા કોઈ લે અને એને સૂઝે તેમ કરે,” એમ જવાબદાર સત્યાગ્રહી કહી શકે ખરો? કે પરિસ્થિતિ પરત્વે જે યોગ્ય હોય તે ઇલાજ અજમાવીને જ સમાજને આગળ લઈ જાય?

યુદ્ધ ટાળવા માટે અને રાષ્ટ્રોમાં કુટુંબધર્મની સ્થાપના કરવા માટે ‘હેગ કાઉન્સિલ’ સ્થપાઈ. એની જ વ્યાપક આવૃત્તિરૂપ ‘લીગ ઑફ નૅશન્સ’ સ્થપાઈ. એના દોષો દૂર કરી આંતરરાષ્ટ્રીય દરબાર જેવી ‘યૂનો’ સ્થપાઈ. અને છતાં એ બધી સંસ્થાઓનું વાતાવરણ જોતાં એમને હાથે વિશ્વકુટુંબ સ્થપાય એવાં લક્ષણો દેખાતાં નથી. ‘યૂનો’ને હાથે જ અન્યાય થાય તો એની સામે નાનું મોટું ગમે તે રાષ્ટ્ર સત્યાગ્રહ કરી શકે અને સત્યાગ્રહ દ્વારા માનવવ્યાપી રાષ્ટ્રકુટુંબ સ્થપાય, એવી આશા ઉત્પન્ન થઈ છે? એને માટે કાળ પરિપક્વ થયો છે? અને પરિપક્વ ન હોય તો પોતાનાં બલિદાનથી તે પરિપક્વ કરવાના દિવસો આવ્યા છે?

જબરદસ્ત રાષ્ટ્રો ગમે ત્યારે ‘યૂનો’થી નોખાં પડી ‘તરવારનો ન્યાય’ અજમાવી શકે છે અને ‘યૂનો’ને નિરર્થક બનાવી શકે છે. અને તેથી ‘યૂનો’ને હંમેશાં બલાઢ્ય રાષ્ટ્રથી બી બીને ચાલવું પડે છે. નાનાં રાષ્ટ્રોએ હજી સુધી ‘યૂનો’ પાસેથી ન્યાય મેળવ્યો નથી. ‘યૂનો’ના અન્યાય સામે સત્યાગ્રહ કરવાની પોતાની યોગ્યતા પણ તેઓએ માની નથી. કેટલાક દેશો સરકાર તરીકે બલાઢ્ય હોય, પણ રાષ્ટ્ર તરીકે શિથિલ હોય. એવા દેશો આંતરરાષ્ટ્રીય દરબાર સામે સત્યાગ્રહ કરી શકે ખરા?

આવા મોટા મોટા જગદ્વ્યાપી સવાલો આપણી આગળ પ્રત્યક્ષ થતા જાય છે. એ સવાલોની શાસ્ત્રીય મીમાંસા દુનિયા આગળ રજૂ થવી જોઈએ.

‘યૂનો’ની નબળાઈ કે નાલાયકી સિદ્ધ થતાં આખી પૃથ્વીનું એટલે કે આખી માનવજાતિનું એક રાજ્ય સ્થાપન થઈ શકે ખરું? અને તેમ થાય તો તેવા રાજ્યની પ્રજા નિઃશસ્ત્ર હોય તો ઠીક કે સશસ્ત્ર હોય તો ઠીક? અને પ્રજાને જો નિઃશસ્ત્ર રાખવામાં આવે અને જગદેક-રાજ્ય જુલમી બની જાય તો એ સરકાર સામે પ્રજા શી રીતે ઝૂઝી શકે? એ વખતે સત્યાગ્રહનું રૂપ કેવું હોય? એ સવાલ તો જોતજોતામાં વહેવારુ સવાલ થવાનો છે. અને એ સવાલ સાથે જ સરકારની શક્તિ અહિંસક ઢબે તોડવા માટે ભાંગફોડ (‘સૅબોટેજ’) કેટલે દરજ્જે યોગ્ય ગણાય અને એની મર્યાદા કે વ્યાકરણ શું, એ સવાલ આપણે ટાળી શકવાના નથી.

અત્યાર સુધી આપણે જેટલા સત્યાગ્રહો અજમાવ્યા, તેટલા પરથી આપણે એટલું તો જોઈ શક્યા કે, સાચા સત્યાગ્રહ દ્વારા આપણે નક્કર શુદ્ધ વસ્તુ જ માગણીમાં મેળવી શકીએ છીએ. આપણી માગણીમાં જો મલિનતા હોય, અન્યાયભર્યો સ્વાર્થ હોય, અદૂરદૃષ્ટિ હોય અથવા માનવતાનો અભાવ હોય, તો તે સત્યાગ્રહ — શુદ્ધ સત્યાગ્રહ હોય તો — તો ફળી શકવાનો નથી. એટલે જેમ જેમ સત્યાગ્રહ કરતા જઈએ છીએ, તેમ તેમ આપણી માગણીઓ શુદ્ધ કરવી જ પડે છે. સત્યાગ્રહ દ્વારા થતી આ અંતઃશુદ્ધિ જ સત્યાગ્રહનો સૌથી મોટો લાભ છે. સામા પક્ષ ઉપર સત્યાગ્રહની થતી અસરનો આપણે એટલે બધો વિચાર કરતા આવ્યા છીએ કે, એની પોતાના પર થતી અસર જોવા માટે આપણે થોભ્યા જ નથી. સત્યાગ્રહની ખરી શક્તિ આ આંતરિક શુદ્ધિને લીધે જ પ્રગટ થાય છે અને તેથી જ સત્યાગ્રહ સર્વહિતકારી પરમ મંગલ તત્ત્વ સિદ્ધ થાય છે.

આ યુગના સર્વશ્રેષ્ઠ શસ્ત્રનું સ્વરૂપ ઓળખવા માટે દરેક રીતે ઉપયોગી એવી આ સત્યાગ્રહની મીમાંસા પ્રજાએ અભિનંદન સાથે આવકારવી જોઈએ, અને ઉચ્ચ કેળવણીની સંસ્થાઓએ રાજનીતિના તેમ જ સમાજશાસ્ત્રના અધ્યયનમાં એને આવશ્યક સ્થાન આપવું જોઈએ.

… શસ્ત્રયુદ્ધશાસ્ત્ર પોતાની વિકરાળ સિદ્ધિમાં અણુબૉમ્બ સુધી પહોંચ્યું છે અને ગાંધીજીએ ધર્મયુદ્ધ-શાસ્ત્રને સત્યાગ્રહ સુધી પહોંચાડી દીધું છે. એ બે શસ્ત્રો જ ભવિષ્યની માનવતાનો નિવેડો આણનાર છે. બેમાંથી એક્કેની આપણે ઉપેક્ષા કરી શકવાના નથી અને બે વચ્ચે માંડવાળ તે અશક્ય જ છે.

જૂન, ૧૯૪૮ 
[‘સત્યાગ્રહની મીમાંસા’માંથી]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 03-06

Loading

મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 March 2020

ગાંધી-સરદાર-નેહરુ

સરદાર પટેલના જીવન વિશે માઈલસ્ટોન કહેવાય તેવું રાજમોહન ગાંધીલિખિત પુસ્તક ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ (પ્રથમ આવૃત્તિ : જુલાઈ ૧૯૯૪) લખાયું ત્યારે સરદારના જીવનઆધારિત નાનાંમોટાં થઈને ચાળીસ જેટલાં જીવનચરિત્ર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખાઈ ચૂક્યાં હતાં. સરદાર વિશે પૂરતું સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં સરદાર પટેલને નવીન પરિપ્રેક્ષ્યમાં રાજમોહન ગાંધીએ મૂકી આપ્યા. પણ સમય બદલાય છે તેમ ઇતિહાસની ઘટના-વ્યક્તિને નવી પરિપાટી પર મૂકી આપવાનો અવકાશ હોય છે; એટલે સરદારના નિર્વાણમાસ[૧૫ ડિસેમ્બર, ૧૯૫૦]માં તેમના વિશે અંક અહીં પ્રસ્તુત કરીએ છીએ.

સરદાર પટેલના જીવનનાં અજાણ્યાં પાસાં તેમના સમકાલીન સાથી મહાદેવભાઈ દેસાઈ અને પ્યારેલાલે મૂકી આપ્યાં છે. ‘ગાંધીજીના સિપાઈ’ લેખમાં ગાંધીજી-સરદારના સંબંધોને આરંભથી અંત સુધી મૂલવીને મૂકવામાં આવ્યા છે. અગ્રલેખમાં સરદાર, નેહરુ અને ગાંધીજીના અરસપરસ સંબંધોનું એક તટસ્થ આલેખન મળી રહે તે હેતુથી તેનો સમાવેશ કર્યો છે.

સરદાર પટેલની વાત આવે ત્યારે નેહરુ, ગાંધીજીનું નામ અચૂક લેવાય છે. આ ત્રિપુટીનો દેશ પર ઊંડો પ્રભાવ રહ્યો છે અને આજે પણ રાજકીય વાતાવરણમાં તેઓનું નામ ગુંજતું રહે છે. આ ત્રણેયના સંબંધમાં અરસપરસ મતભેદ હોવા છતાં એકબીજા પ્રત્યે સન્માન આપવામાં ક્યારે ય ઓટ દેખાઈ નથી. દેશના અત્યંત ઘટનાપ્રચુર અને નાજુક સમયમાં પણ તેઓએ સંવાદ કરીને સંતુલિત નિર્ણયો લીધા છે, તેમાં કેન્દ્રવર્તી ઉદ્દેશ પ્રજાહિતનો છે. દેશનાં આરંભિક વર્ષોમાં મજબૂત નીંવ મૂકનારા આ ત્રણેયના સંબંધો બાબતે કેટલીક ભ્રાંતિ છે. તેનું તટસ્થ આલેખન જૂજ જોવા મળે છે. ગુજરાતમાં જ્યારે આ અંગે ચર્ચા થાય છે, ત્યારે તેમાં નેહરુના પક્ષે મહદંશે ટીકાઓ આવે છે. પરંતુ આ ત્રણેયનો એકમેક સાથેનો મનમેળ-કાર્યમેળ કેવો હતો, તે દર્શાવવાનો પ્રયાસ અહીં વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે અગ્રલેખમાં કર્યો છે.

°°°

ગાંધીનેહરુપટેલ … એક મળતાં મળે એવી સ્વરાજત્રિપુટી! સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણની જોડકડી એમણે એકમેકની વિશેષતા, એકમેકની મર્યાદા અને એકમેકના મતભેદ વચ્ચે સુપેરે સાચવી જાણી. બેઉ અર્થમાં કદ અને કાઠીએ જુદા. વયમાં વળી પિતા, મોટાભાઈ અને નાનાભાઈ સરીખાઃ એક વાણિયો, બીજો બ્રાહ્મણ, ત્રીજો પટેલ. ત્રણે કે’દીના નાતજાતની વંડી ઠેકી ગયેલા, અને નવયુગી નાગરિકતા સારુ મથનારા.

આ જોડકડીને સારુ નાજુકનિર્ણાયક ઘડી ૧૯૪૭માં સ્વરાજની ઉષા વેળાએ સ્વર્ણગૈરિક એટલી જ રક્તિમ પરિસ્થિતિમાં હતી. ઇસ્લામને આધારે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એના હિંદુ અડધિયા પેઠે રાષ્ટ્રવિચાર શક્ય હતો. વિભાજનની વિભીષિકા અને શોકાન્તિકા વચ્ચે એને સારુ સહજ સ્વીકૃતિ પણ સંભવતી હતી. પણ મહાત્મા, પંડિત અને સરદાર ત્રણેએ પોતપોતાની રીતેભાતે બિનસાંપ્રદાયિક બંધારણનો પથ પ્રશસ્ત કર્યો. એક ધર્મપુરુષ, બીજા બૌદ્ધિક તો ત્રીજા હાડના કિસાન.

મુંબઈના બિરલા હાઉસમાં ગાંધીજી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ

જૂનાગઢની નવાબી કાળધર્મ પામી અને સોમનાથના પુનર્નિર્માણની સહજ લાગણી સામે આવી તે હાડના કિસાને સંકલ્પ રૂપે જાહેર કરી, બૌદ્ધિકે એના પ્રશ્નો અને ઉપયોગિતા બેઉ છેડેથી વલણ પ્રગટ કીધું, કૅબિનેટ એ તરફ આગળ વધી પણ મહાત્માએ કહ્યું કે બિનસાંપ્રદાયિક મુલક કોઈ એક ધર્મસ્થાનની સીધી જવાબદારી લે એ ચીલો દુરસ્ત નથી. કૅબિનેટમાં આપણા કિસાને (સરદારે) આગ્રહ રાખ્યો કે બાપુની સલાહ જોતાં આપણે પબ્લિક ટ્રસ્ટનો રાહ લેવો જોઈએ. ત્રણે એમના મતભેદ સાથે એક બિનસાંપ્રદાયિક એકંદરમતી પર આવી ઠર્યા.

પટેલ અને નહેરુ બેઉ ગાંધીને બાપુ કહેતા. પણ પટેલ અને ગાંધી વચ્ચે વયનું અંતર આખાં છસાત વરસનું હતું. ગાંધી અને જવાહર વચ્ચે ખાસાં વીસ વરસનું અંતર હતું. મૌલાના આઝાદે પાછળના ગાળામાં નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા વલ્લભભાઈને પૂછ્યું પણ હતું કે વડાપ્રધાનપદ માટે તમે કેમ આગ્રહ ન સેવ્યો. પટેલે મૌલાનાને કહ્યું હતું કે આપણે અહમદનગર જેલમાંથી છૂટ્યા — તમે, જવાહર ને હું — ત્યારથી હું તો શરીરે કોરાઈ ગયેલો છું અને ગમે ત્યારે ઢબી પડીશું. મારાથી ૧૪ વરસ નાના જવાહર પાસે એ સ્વાસ્થ્ય અને એ વર્ષો છે જે મારી પાસે નથી.

વલ્લભભાઈ ખરે જ વહેલા ગયા, ૧૯૫૦ના ડિસેમ્બરમાં. રિયાસતોના વિલીનીકરણપૂર્વક પ્રજાસત્તાક બંધારણ સમ્પન્ન કરીને. તે પૂર્વે ઇંદોરમાં એમણે કસ્તૂરબા ટ્રસ્ટના કાર્યક્રમમાં લગભગ છેલ્લાં ભાષણો પૈકી કહી શકાય એવું જે ભાષણ કર્યું એમાં કહ્યું કે બાપુ મને જ્યાં મૂકીને ગયા ત્યાં છું અને જવાબદારી નિભાવું છું. જવાહરલાલ આપણા નેતા છે એવું પણ એ પક્ષનાં વર્તુળોમાં અંદરબહાર તહેદિલ કહેતા. બાપુ સોંપી ગયા તે માત્ર બીજા ક્રમનો હોદ્દો નહોતો — પિતાએ મોટા ભાઈને નાના ભાઈની જે જવાબદારી ભળાવી હતી એ પણ હતી. પિતાની તરફનું ખેંચાણ અને નાના ભાઈ માટેનો વાસ્તવવત્સલ દાયિત્વબોધ! તમે જુઓ તો ખરા જાન્યુઆરી ૧૯૪૮ પછી પોતે એક વાર ગંભીર તબિયતે લગભગ ડેલીએ હાથ દઈ આવ્યા છે. પાછા ફરવાનું થયું ત્યારે દાક્તરજોગ પહેલો જ ઉદ્ગાર છે : હું બાપુ પાસે જતો’તો, ને તમે મને કેમ રોક્યો.

બાપુ પાસે જવું છે, પણ નાના ભાઈની ફિકર ઓછી તો નથી. ભાગલા પછી ચાલુ હિજરતદોર જોતાં નહેરુ-લિયાકત વાતચીત વાટે હલ જરૂરી હતો. લિયાકત, વલ્લભભાઈને મળવા આવ્યા એ વિશે મણિબહેનની ડાયરી બોલે છે  : બાપુએ (પિતા વલ્લભભાઈએ) લિયાકતને કહ્યું કે જવાહર તખતે છે ત્યારે સમાધાન કરી લો ને. (મારી પાસે તો વર્ષો નથી પણ જવાહર પછી જે આવશે તે આટલો શાંતિપ્રિય અને સમજશીલ ન પણ હોય.) આગળ ચાલતાં મણિબહેન ઉમેરે છે : વાત કરતાં કરતાં બાપુ(વલ્લભભાઈ)ની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં — મને થાય છે કે બાપુ(ગાંધીજી)નું થયું એવું તો જવાહરનું નહીં થાય ને — રાતે એની ચિંતામાં ઊંઘ ઊડી જાય છે.

અને હવે જુઓ. સમજૂતી થઈ. બંગાળમાં એ બાબતે અજંપો અને ઉદ્રેક, બલકે રોષની લાગણી પણ છે. મોટો ભાઈ નાનાને કહે છે : તારું કામ નહીં. મારી જે છાપ છે એને જોરે બંગાળને હું સમજાવી શકીશ. અને પોતે બાદલી તબિયતે કોલકાતા પહોંચી સમજૂતીની તરફેણમાં વાતાવરણ બનાવે છે. હાસ્તો, ત્રીસમી જાન્યુઆરીની સાંજે શાસન અને જાહેર જીવનમાંથી બાપુને મળેલ સૌથી છેલ્લા જણ પોતે હતા અને તારે જવાહર સાથે રહેવાનું છે એ બાપુના બોલે વીંધાયા એટલા જ પ્રોવાયા પણ હતા. નાનો ભાઈ વાયકા પ્રમાણે જરી બેકદર જણાતો હશે, પણ એની સમજ પાછી સહૃદય ને સાબૂત છે. સંસદના પરિસરમાં સરદાર વિશે કશુંક લખવાનું છે ને સૌ મૂંઝાય છે ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સોજ્જું શબ્દઝૂમખું સુઝાડે છે — લખો કે ‘એકતાના સ્થપતિ’.

ગમે તેમ પણ, સ્વરાજ સરકારના પ્રખર ટીકાકાર રહેલા લડાકુ સમાજવાદી મધુ લિમયે એક મુદ્દે ગાંધી પર વારી ગયેલ છે. અને તે એ કે આ માણસે જાહેર જીવનમાં પોતાની પછીની પેઢીની ખેવના અને બઢતીને અચ્છી અગ્રતા આપી જાણી. વારુ, કોણ છે આ નેહરુ? પૂછો ક્રાંતિવીર ભગતસિંહને. એમણે લખ્યું છે કે અમારી સામે (નવી, યુવા પેઢી સામે) વારે વારે આવતાં ને ઊભરતાં બે નામ જવાહર અને સુભાષનાં છે. ધારો કે એ બેમાંથી કોઈ ચોક્કસ પસંદગી કરવી હોય તો — રહો, તમે તરત સુભાષબાબુનું નામ લો એ પહેલાં ભગતસિંહને સાંભળો : સુભાષ નહીં પણ જવાહર; કેમ કે સુભાષ જેટલા ભાવાવેશી છે એટલું વિચારનારા નથી. જવાહર ભાવનાપ્રવણ જરૂર છે, પણ આર્થિક-સામાજિક વિચારણમાં અત્યંત સભાન ને સજ્જ છે. તો, ‘વંદે માતરમ્’ના ભાવનાપ્રવણ નારાથી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના (આર્થિક-સામાજિક ન્યાય અને સમતાલક્ષી ક્રાંતિ)ના નારા લગી ભગતસિંહ સાથે જે સંક્રાન્તિ થઈ એને બૂજનારા અને સમજનારા પૈકી કૉંગ્રેસ તરુણાઈમાં જવાહર છે.

જરા જુદી રીતે જોઈએ તો સ્વરાજ સાથે નેહરુ – પટેલ સરકારમાં પેઠા અને બેઠા છે. ગાંધી સરકારની બહાર છે, કેમ કે તે ગાંધી છે. ગાંધી લોકમોઝાર છે માટે સ્તો આઝાદીના જશન વેળાએ સુદૂર બંગાળમાં છે. ભાગલા સ્વીકારવાની અનિવાર્યતા વચગાળાની સરકાર દરમ્યાન સ્વાનુભવે સમજાતાં નેહરુપટેલ એક અર્થમાં ગાંધીને બાદ રાખીને આગળ ચાલ્યા છે. પણ બંનેનો પિંડ ગાંધીસંપર્કે બંધાયેલો હોઈ તે નકરા રાજવટીલા નથી પણ લોકમાંહેલા પણ છે.

આ લોકમાંહેલા હોવું તે શી વસ છે, સમજીએ જરી. ગાંધીએ દાંડીકૂચ વાટે નમકનાં જે ડંકાનિશાન વજડાવ્યાં — નાતજાતકોમવરણથી ઉફરાટે — લોકસમસ્તની જીવન જરૂરતનાં, એમાં દેશભક્તિના ગર્જનતર્જનની કે ભારતમાતા જેવાં કોઈ અમૂર્ત ખયાલાતવશ અંધાધૂંધ વર્તનને અવકાશ નહોતો. એમાં નરવાનક્કુર માનવ્યની વાત જરૂર હતી. છેક ૧૯૨૨માં ગુજરાતની પહેલી અંત્યજ પરિષદ મળી ત્યારે અતિથિવિશેષ વલ્લભભાઈએ પરિષદસ્થળે શું જોયું? જેમને સારુ, બલકે જેમની પરિષદ હતી તે વરણ આખી છેવાડે બેઠેલી હતી. વલ્લભભાઈ જેનું નામ, એમણે કથિત મંચ છોડી એમની વચ્ચે પોતાની બેઠક લીધી — અને એ સાથે પરિષદનું કેન્દ્ર ગુણાત્મક રીતે બદલાઈ ગયું. લોકશાહી રાજવટમાં સરદાર એ કોઈ મોરચા પરની અગર તો સરકારી પાયરી પરની ઓળખ હોય તો હોય, ન હોય તો ન હોય; પણ તમે ક્યાં છો, કોની સાથે છો એ તમારી વાસ્તવિક સરદારીનું દ્યોતક છે. ગાંધીસૂચવ્યા નેહરુપટેલ સ્વરાજનિર્માણની દૃષ્ટિએ આંબેડકરને બરકે છે. માઈસાહેબે (ડૉ. શારદા કબીર ઉર્ફે સવિતા આંબેડકરે) સંસ્મરણોમાં લખ્યું છે કે અમારાં લગ્ન પછી અમને કોઈ કૅબિનેટ પ્રધાને સર્વપ્રથમ જમવા બોલાવ્યા હોય તો તે સરદારે!) બારડોલીની લડતને તો હજુ વાર છે, પણ કોઈએ સરદારચરિત્ર લખવું હોય તો તે અંગે ખરેખરની કટ ઑફ લાઇન તમને વલ્લભભાઈના અંત્યજપ્રસંગમાંથી મળી રહે છે. સરદાર હોવું તે માત્ર રાજવટનો ને રાજદ્વારોનો મામલો નથી. લોકશાહીમાં સરદારીનાં મૂળિયાં લોકમોઝાર હોવાં જોઈએ.

જવાહર પણ તમે જુઓ. ૧૯૩૫ના બંધારણ પ્રમાણે પ્રાંતિક સ્વરાજ માટેની ચૂંટણીઝુંબેશ વેળા કોઈ ગામમાં રાતવરત પહોંચ્યા છે. લોક રાહ જોતું બેઠું છે; અને જેવા એ પૂગ્યા, ‘ભારતમાતા કી જય’ સાથે પડ જાગતું અને ગાજતું થઈ ગયેલ છે. જવાહર પૂછે છે, ભાઈ — આ ભારતમાતા શું છે. કોઈ નદીનાળાંનું, હિમાલય ને ગંગાનું નામ લે છે. કોઈ વળી ભૂગોળ આખી ચીતરવા જેવું કરે છે. ‘ભાઈ,’ જવાહર કહે છે, ‘જય તો લોકોની હોય. તમારા ચહેરા પરની મુસ્કાન તે ભારતમાતાનું સ્મિત; ને તમારી આંખમાં આંસુ તે ભારતમાતાનાં આંસુ.’

રાષ્ટ્ર નામની કોઈ અમૂર્ત ને નકરી ભાવાવેશી ખયાલાતથી હટીને મૂર્ત માનવ્યનો આ મહિમા ગાંધીને સેવનારા પંડિત અને કિસાન બેઉને, બૌદ્ધિક અને કર્મઠ બેઉને બરાબર છે અને એ એમની દેશભક્તિને ઝનૂની ચોકઠાની બહાર લોકકેન્દ્રી બનાવી રહે છે. સ્વરાજસંગ્રામ વેળા, એકદા, જવાહર લંડનમાં સભા સંબોધવાના છે ત્યારે એમની ઓળખ ‘હિંદનો અવાજ’ એમ અપાઈ છે. જવાહર બોલવા ઊભા થાય છે ને કહે છે, અવાજ હું હોઈશ, પણ હૃદય તો વર્ધા-(સેવાગ્રામ)માં છે.

જવાહરલાલના આ હૃદયબોલ એમને અને વલ્લભભાઈને મતભેદ છતાં લગભગ એક જ તરંગલંબાઈએ મૂકી આપે છે. એમના મતભેદો પત્રવ્યવહારમાંયે સચવાયા છે. એક પત્રમાં વલ્લભભાઈ લખે છે, ‘તમે આવું કેમ કહ્યું (કે કર્યું), બાપુને એથી કેટલું દુઃખ હશે તે તમે જાણતા નથી. જોયું તમે, મોટો ભાઈને નાના ભાઈ બંધુવત્સલ ઠપકો આપે છે કે બાપુને કેવું દુઃખ તારાથી પહોંચ્યું હશે એનો વિચાર તો કર.

તમે જોયેલો છેલ્લામાં છેલ્લો દીનહીન માણસ, એને કેન્દ્રમાં રાખીને કરવો જોઈતો જે તે નિર્ણય, આ ગાંધીનો મેનિફેસ્ટો. જવાહરલાલના સમાજવાદમાં સામ્યવાદ નહીં પણ લોકશાહી સમાજવાદમાં — ચાલના તો આ જ વિચારની. અને વલ્લભભાઈ ઉદ્યોગપતિઓના મિત્ર ખરા. પણ કેવા મિત્ર? અમદાવાદનું નગરસંચાલન સંભાળ્યું ત્યારે પાણીવેરા લેખે એમની પાસેથી વધુ રકમ વસૂલ કરી; કેમ કે ઘરવપરાશનું પાણી એક વાત છે અને ઔદ્યોગિક વપરાશનું પાણી બીજી વાત છે.

ગાંધીનેહરુપટેલની ચર્ચામાં આપણે ત્યાં, એમને સામસામે મૂકીને વિવાદ અને મુલવણીનો ચાલ છે. પણ, વિશ્લેષણની દૃષ્ટિએ એ ઠીક હોય તો પણ, સમજની રીતે એ ત્રણે ક્યાં ને કેવા એકત્ર મળે છે એ જોવું ઘટે છે. અને ત્યારે સમજાઈ રહે છે કે સ્વરાજનિર્માણના આરંભકાળે મળતાં મળે એવી એક સ્વરાજત્રિપુટી થકી કેવી નસીબવંતી પ્રજા આપણે છીએ.



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2019; પૃ. 399-402

Loading

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. મહાત્મા ગાંધીએ રોક્યાં હતાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 March 2020

કહે છે કે દિલ્હી કેટલી ય વખત ઉજ્જડ કરવામાં આવી અને કેટલી ય વખત ફરીથી વસાવવામાં આવી. દિલ્હીના મશહુર ગઝલકાર ગાલીબના સમકાલીન શાયર મીર તકી મીરને દિલ્હીથી ખૂબ પ્યાર હતો, પણ નાદિરશાહ અને અહેમદ શાહ અબ્દાલીના હાથે ઉજ્જડ થયેલી દિલ્હીમાંથી હિજરત કરીને લખનૌ જતો રહ્યો હતો. ત્યાં આ પરદેશીને જોઇને કોઈકે તેનો અત્તોપત્તો પૂછ્યો, તો મીરે કહ્યું,

દિલ્હી જો એક શહર થા આલમમેં ઈન્તિખાબ
રહતે થે મુંતખાબ હી જહાં રોજગાર કે
ઉસ કો ફલકને લૂંટ કે બરબાદ કર દિયા
હમ રહને વાલે હૈ ઉસી ઉજડે દયાર કે

અર્થાત્‌, દુનિયામાં એક ચુનંદું (ઈન્તિખાબ) શહેર દિલ્હી હતું, જ્યાં સંસાર(રોજગાર)ના ચુનંદા લોકો (મુંતખાબ) રહેતા હતા. તેને તખ્તા(ફલક)એ લૂંટીને બરબાદ કરી નાખ્યું, હું તે ઉજ્જડ પ્રદેશ(દયાર)નો રહેવાસી છું.

૨૦૦ વર્ષ પછી, ભારત-પાકિસ્તાનના વિભાજન પછી દિલ્હીમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં, ત્યારે મહાત્મા ગાંધી ૬ દિવસના ઉપવાસ પર ઊતરી ગયા હતા. ઉપવાસના પહેલા દિવસ પછી, તેમની ડાયરીમાં ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના પાના પર મહાત્મા લખે છે, “હું આ ઉપવાસ માટે કોઈ કોમને દોષ દેતો નથી. હું માનું છું કે જો હિંદુઓ અને શીખો મુસ્લિમોને દિલ્હીમાંથી તગેડી મુકવા માટે મચ્યા હોય, તો તેઓ ભારત અને ખુદના ધર્મનું અહિત કરી રહ્યા છે. મને આની પીડા છે. દિલ્હી જો ખરેખર શાંત થઇ જાય, તો હું ઉપવાસ છોડીશ. દિલ્હી દેશની રાજધાની છે. દિલ્હીનું પતન ભારત અને પાકિસ્તાનનું પતન કહેવાશે. હું દિલ્હીને મુસ્લિમો માટે સલામત જોવા ઈચ્છું છું. અસલી શાંતિ સ્થપાતાં વાર લાગે, તો ય વાંધો નહીં. એક દિવસ લાગે કે એક મહિનો, પણ હું અધવચ્ચે ઉપવાસ નહીં છોડું. મારું જીવન બચાવવું, એ ઉદેશ્ય ના હોવો જોઈએ. ઉદેશ્ય ભારત અને તેના સન્માનને બચાવવાનો હોવો જોઈએ. મારે યાદ નથી કરાવવી, પણ તાજેતરની ઘટનાઓની જેમ, ભારતનું નીચાજોણું નહીં થાય, ત્યારે જ હું ખુશ થઈશ અને ગૌરવ અનુભવીશ.”

બે અલગ-અલગ કાલખંડમાં, બે અલગ-અલગ સંદર્ભોમાં દિલ્હી ઉજ્જડ થઇ હતી, પણ બે માણસોનીઓ પીડા એક સરખી હતી. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૭૨ કલાક માટે દિલ્હી આવી જ રીતે ઘાયલ થઇ, ત્યારે દિલ્હી વતીથી રડવા માટે ન તો કોઈ મીર હતો, ન કોઈ મહાત્મા. ૭૨ કલાકનાં ખોફનાક કોમી દાવાનળમાં ૪૨ લોકોનાં મોત, લાખો રૂપિયાના નુકસાન અને અનેક જિંદગીઓની તબાહી પછી એક જ સવાલ સૌના મોઢે હતો; ના પોલીસ કે ના નેતા, ઇશાન દિલ્હીના ગરીબ, લાચાર અને નિર્દોષ લોકોને બચવવા માટે ૭૨ કલાક સુધી કોઈ કેમ ના આવ્યું?

ભોળા લોકો (ટી.વી. ચેનલો અને નેતાઓએ મગજમાં ફીટ કરેલો) એવો જવાબ આપે છે કે પોલીસ અને સરકાર અમેરિકન રાષ્ટ્રપતિની સરભરામાં વ્યસ્ત હતી, તેનો તોફાનીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. આ એક પ્રકારનું બચવાનામું છે. દિલ્હી ભારતની રાજધાની છે, દીવ-દમણ નથી. તેની પોલીસ દીવ-દમણની પોલીસ કરતાં હજાર ઘણી સક્ષમ છે. દિલ્હીની પોલીસ ૨૧મી સદીની છે. જેના આવતાં અને જતાં પહેલાં અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમનો વિસ્તાર તાળાબંધીમાં આવી જાય, તે અમેરિકન રાષ્ટ્રપતિ દિલ્હીમાં હોય, ત્યારે આખી ઇશાન દિલ્હી ત્રણ દિવસ સુધી ભડકે બળે, તે વાત જ કેટલી અજીબ છે.

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. ઈચ્છા શક્તિનો સવાલ છે. મહાત્મા ગાંધી તો પોલીસ પણ ન હતા, અને આજના નેતાઓની જેમ કમાન્ડોના ઘેરામાં ફરતા ન હતા, છતાં ઈચ્છાશક્તિથી પ્રેરાઈને જ તેમણે એ જ દિલ્હીમાં તોફાનો રોકવાનું બીડું ઉઠાવ્યું હતું, અને એમાં સફળ નીવડ્યા હતા. ભારતમાં આજે કોઈપણ બીમારી આવે છે, ત્યારે આપણે ‘સબ મર્જ કી એક દવા’ ગાંધી તરફ નજર નાખીએ છીએ (ઇશાન દિલ્હીનાં તોફાનો જોઇને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેર્રસે કહ્યું પણ ખરું કે મહાત્મા ગાંધીના સાહસને આજે જ ખરી જરૂર છે), તે કોઈ ઔપચારિકતા નહીં, પણ આપણી કમનસીબી છે, કારણ કે આપણી આજે કોઈ એવું સક્ષમ વ્યક્તિત્વ નથી, જે ઈલાજ કરી શકે.

ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાએ ગાંધીજીના એ મહાન ઉપવાસનું બયાન આપ્યું છે.

બંગાળમાં કલકત્તાનાં તોફાનો ખાળીને ગાંધીજી ૭મી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા હતા. એ દિલ્હીને સારી રીતે જાણતા હતા. દિલ્હીમાં વિભાજનના જખમ લોહિયાળ ના બને, તે માટે દિલ્હીમાં રહેવું જરૂરી હતું. સરદાર પટેલ તેમને સ્ટેશન પર લેવા ગયા હતા. દિલ્હી શરણાર્થીઓથી ઉભરાતું હતું, અને સરદાર એ ભીડ સામે એકલા પડી રહ્યા હતા. ભીડ પાસે હથિયારો હતાં, અને પલીતી ચંપાયેલો હતો. ગાંધી સાથે ના તો શ્યામા પ્રસાદ મુખર્જી હતા, જેનો અવાજ ઉગ્ર હિંદુઓ સાંભળે કે તો સોહરાવાર્દી જેવો મુસ્લિમ નેતા હતો. કૉન્ગ્રેસના નેતાઓ નવા દેશની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં વ્યસ્ત હતા.

ગાંધી તેમની પ્રાથના સભાઓમાં શાંતિ માટે અપીલ કરતા હતા, અને દેશમાં તોફાનોથી ભાગીને દિલ્હી આવેલા શરણાર્થીઓ ‘ગાંધી મુર્દાબાદ’ના નારા લગાવતા હતા. આખા દેશમાંથી લોહિયાળ તોફાનોના સમાચાર આવતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે ૫૫ કરોડ રૂપિયાનો વિવાદ ઘેરો બનતો હતો. દિલ્હીને ઉજ્જડ થઇ બચાવવી જરૂરી હતી. જાન્યુઆરી મહિનામાં, પાકિસ્તાનના ગુજરાત શહેરના સ્ટેશન પર ફ્રન્ટીયર મેલમાં હિંદુ-શીખ પ્રવાસીઓને શાક-ભાજીની જેમ કાપી નાખવામાં આવ્યા. મહાત્મા વ્યથિત થઇ ગયા. ૭૮ વર્ષના મહાત્મા તેમના જ આઝાદ દેશ સામે શું અંદોલન કરે? ૧૨૫ વર્ષ જીવવાની તેમની ઈચ્છા મરી પરવારી હતી.

૧૨ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મહાત્માએ આમરણ ઉપવાસની જાહેરાત કરી. આઝાદ ભારતમાં મહાત્માના એ પહેલા ઉપવાસ હતા. બિરલા હાઉસ બહાર શીખ શરણાર્થીઓની ભીડે કહ્યું, “ખૂનનો બદલો ખૂનથી … ગાંધીને મરવા દો.” આ સાંભળીને નહેરુ ચિલ્લાયા, “કોણ બોલ્યું આ? પહેલાં મારી લાશ પાડો.” ઉપવાસના બીજા દિવસે ગાંધીજીએ કહ્યું, “જો હિંદુઓનો સંહાર નહીં અટકે, તો દસ ગાંધી ભેગા થઈને પણ મુસ્લિમોને બચાવી નહીં શકે.” ત્રીજા દિવસે પાકિસ્તાનને ૫૫ કરોડ આપવાનો નિર્ણય લેવાયો. ચોથા દિવસે સરકારના પ્રધાનોએ શરણાર્થીઓ માટે તેમના નિવાસ્થાનોના દરવાજા ખોલી નાખ્યા.

મહાત્માની તબિયત હવે બગડતી હતી. કીડની ગડબડ કરતી હતી. પાંચમાં દિવસે, તમામ ધર્મોના લોકોએ દિલ્હીમાં દુકાનો બંધ રાખી. છઠ્ઠા દિવસે, ‘બાપુ ના ખાય, તો અમે પણ નહીં ખાઈએ’ કહીને હોટેલો, ઢાબાઓ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પીરસવાનું બંધ કર્યું. શરણાર્થી છાવણીઓમાંથી મહાત્મા પાસે લેખિત સંદેશા આવ્યા. બે લાખ લોકોએ શાંતિ-કરાર કર્યો, જેમાં લખ્યું હતું, “અમે હિંદુ, શીખ, ઈસાઈ અને અન્ય નાગરિકો જાહેર કરીએ છીએ કે ભારતના મુસ્લિમ નાગરિકો અમારી જેમ જ દિલ્હીમાં શાંતિ, સુરક્ષા અને સન્માનથી રહેવા માટે મુક્ત છે.”

મહાત્માએ ઉપવાસ છોડવાનો નિર્ણય કરીને કહ્યું, “જો દિલ્હી સ્વસ્થ થઇ જાય, તો હું પાકિસ્તાન જઈશ.” ૧૮મી તારીખે, હિદુ, મુસ્લિમ અને શીખ નેતાઓ રાજેન્દ્ર પ્રસાદના ઘરે ભેગા થયા અને ગાંધીજીની શરતો માન્ય રાખી. રૂમમાં ‘ગાંધીજી કી જય’નો નારો ગુંજ્યો, નહેરુના ચહેરા પર સ્મિત આવ્યું. બહાર, દિલ્હીમાં ખુશી ફેલાઈ ગઈ. દિલ્હીને કોમી પાગલપનમાંથી બચવવાના મહાત્માનો પ્રયાસ સફળ થયો હતો. વરસતા વરસાદમાં હજારો લોકો બિરલા હાઉસ પર ભેગા થઇ ગયા.

૧૯૧૩થી શરૂ કરીને મહાત્માનો આ ૧૭મો ઉપવાસ હતો. ૧૬મી તારીખે મહાત્માએ તેમના એક અનુયાયીને લખ્યું હતું કે આ તેમનો ‘મહાન ઉપવાસ’ હતો. એ છેલ્લો પણ ઉપવાસ હતો. ૩૦મી જાન્યુઆરીએ, શાંતિના આ ઉપાસકનું, એ જ દિલ્હીમાં હિંસક મોત થઇ ગયું. મહાત્માએ મીર તકી મીરના દિલ્હીને ફરી એકવાર ઉજ્જડ થતી બચાવી હતી. આ ૨૦૦ વર્ષ જૂની વાત નથી. ૧૯૪૮ની વાત છે. સમજી શકાય, તેટલી નજીકની વાત છે. જો સમજવું હોય તો.

પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020

Loading

...102030...2,6912,6922,6932,694...2,7002,7102,720...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved