Opinion Magazine
Number of visits: 10,228,721
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તાનો પાયો અને શારીરિક હિંસા

ટૉલ્સ્ટૉય|Gandhiana|18 March 2020

સત્યાગ્રહવિશેષ

સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) — નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ(NRC)નાં વિરોધ-પ્રદર્શનો મહદ્દ અંશે અહિંસક રીતે થઈ રહ્યાં છે; ક્યાંક છૂટીછવાઈ હિંસા પણ તેમાં જોવા મળી. શાસન સામે વિરોધ દર્શાવવાનું એક આખું શાસ્ત્ર ગાંધીજી આપી ગયા છે. સત્યાગ્રહ રૂપે આ શાસ્ત્ર ગાંધીજી આજીવન શાસન સામે યોજતા રહ્યા; તે સતત વિકસતું શાસ્ત્ર છે. તે વિશે ગાંધીજીએ કહ્યું છે : “મેં કલ્પેલો સત્યાગ્રહ એ એક ઘડાઈ રહેલું શાસ્ત્ર છે.” અને એટલે ગાંધીજીના નિર્વાણ બાદ જૂન, ૧૯૪૮માં કાલેલકર સત્યાગ્રહની મીમાંસા કરે છે ત્યારે સ્પષ્ટપણે લખે છે : “સત્યાગ્રહના શાસ્ત્રનો યથાર્થ જાણકાર કોઈ દેખાતો નથી.” આ કિસ્સામાં સત્યાગ્રહ આદરવો હોય તો ગાંધીજીની મૂળ વિભાવના તરફ પાછા ફરવું પડે.

દેશના હાલના માહોલને અનુલક્ષીને સત્યાગ્રહની આસપાસનું એક ચિત્ર મળી રહે તે ઉદ્દેશથી અહીંયાં પ્રસ્તુત લેખો મૂક્યા છે. કાકાસાહેબ કાલેલકરે રજૂ કરેલી સત્યાગ્રહની મીમાંસા મૂકી આપી છે. લોકશાહીમાં સત્યાગ્રહની વિભાવના શી હોઈ શકે અને તેને અમલી કેવી રીતે બનાવી શકાય તે માટે ગાંધીજીના વિચારોને રજૂ કર્યા છે. આચાર્ય કૃપાલાનીએ સત્યાગ્રહનું પૂરું શાસ્ત્ર સમજાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણે આંદોલનને અમલી બનાવવાનું હાર્દ સમજાવ્યું છે, જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સમજવા જેવું છે. અંતે ટૉલ્સ્ટૉયનો લેખ છે, જેમાં રાજ્યવ્યવસ્થા દબાણ હેઠળ આવે ત્યારે કેવી રીતે વર્તે તેનું આલેખન છે. સત્યાગ્રહ અને તેની આસપાસના મુદ્દાઓ આ લેખોમાં રજૂ થાય છે. ગાંધીજીના સત્યાગ્રહ સંબંધે તે સમજવા ઉપયોગી થાય એમ છે.

•••

[મૂળ શીર્ષક : આજનો જમાનો]

સદાચારના સિદ્ધાંતની અસરથી માણસની વાસનાઓમાં પરિવર્તન થાય છે, તેથી તે પોતાનું કર્તવ્ય સ્વેચ્છાએ પાળે છે, જે શ્રેય છે તેને જ પ્રેયરૂપ માને છે. જે માણસ સદાચારના સિદ્ધાંતની અસરને વશ થાય છે તેને સદાચારના નિયમોને અનુસરીને ચાલવામાં મજા પડે છે. બીજી બાજુ સત્તા — તેના રૂઢ અર્થમાં — એ બળજબરીનું એક સાધન છે, અને તેના વડે માણસને તેની ઇચ્છાથી ઊલટી રીતે વર્તવાની ફરજ પાડી શકાય છે. જે માણસ સત્તાને વશ થાય છે તે મનમાં આવે તેમ વર્તતો નથી, ને જોરજુલમની આગળ શિર ઝુકાવે છે. માણસને જે કામનો અણગમો હોય તે તેની પાસે પરાણે કરાવવા માટે શારીરિક હિંસાની ધમકી આપવી જોઈએ, અથવા હિંસા વાપરવી જોઈએ — તેની સ્વતંત્રતા છીનવી લેવી જોઈએ, તેને ફટકા મારવા જોઈએ, તેનાં અંગ છેદવાં જોઈએ, અથવા તો તેને આ સજાઓની ધમકી આપવી જોઈએ. સત્તાનું આવું સ્વરૂપ પૂર્વે હતું ને આજે પણ છે.

આ હકીકતો છુપાવવાને અને સત્તાનો અર્થ આથી જુદો છે એમ બતાવવાને, રાજ્યકર્તાઓ તરફથી તનતોડ ને અવિરત પ્રયાસો થાય છે. છતાં સત્તાનો અર્થ આટલો જ છે — માણસને જેના વડે બાંધીને ઘસડવામાં આવે છે તે દોરડું ને સાંકળ; જેના વડે તેને ફટકારવામાં આવે છે તે ચાબખો; જેના વડે તેનાં હાથપગ, નાક, કાન ને માથું કાપી નાખવામાં આવે છે તે છરો કે કુહાડી; સત્તા એટલે આ બધાં કામો અથવા તેની ધમકી. એ પ્રથા નિરો ને ચંગીઝખાનના સમયમાં ચાલુ હતી, અને ફ્રાન્સ ને અમેરિકાનાં પ્રજાસત્તાક રાજ્યો જેવી અતિશય ઉદારતાવાળી સરકારોમાં હજુ પણ ચાલુ છે. માણસો સત્તાને તાબે થાય છે તેનું કારણ એટલું જ છે કે તેમને બીક હોય છે કે જો આપણે સામે થઈશું તો આપણા પર ત્રાસ ગુજરશે. કરનાં ભરણાં અને સાર્વજનિક કર્તવ્યોના પાલન જેવા રાજ્યના તમામ લાગાઓ, દેશનિકાલ, દંડ વગેરેની સજાઓ — જેને માણસ સ્વેચ્છાએ તાબે થતો દેખાય છે — તેનો અમલ હંમેશાં શારીરિક સજાની ધમકી આપીને અથવા તેવી સજા ખરેખાત કરીને કરવામાં આવે છે.

શારીરિક હિંસા એ સત્તાનો મૂળ પાયો છે.

રાજ્યની સત્તા જેટલી જૂની થતી જાય છે તેટલા પ્રમાણમાં તેનું સામર્થ્ય વધતું જાય છે. તેમ તેમ રાજ્યની સત્તા, ભલે આંતરિક હિંસાને નાબૂદ કરતી હોય, પણ જીવનમાં બીજા અને નવા પ્રકારની હિંસા દાખલ કરે છે, ને તે હિંસાની ઉગ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે. સમાજની અંગભૂત વ્યક્તિઓ એકબીજા સામે જે હિંસા કરે છે તેના કરતાં રાજ્યસત્તાની હિંસા ઓછી દેખીતી ને ઓછી ચોંકાવનારી હોય છે એ ખરું; અને એ હિંસાનું મુખ્ય પ્રગટ રૂપ તે કલહ નથી પણ જુલમ છે એ પણ સાચું; છતાં તે હિંસા મોટામાં મોટા પ્રમાણમાં હસ્તી ધરાવે છે એ વિશે કશો જ સંદેહ નથી.

એથી ઊલટું હોઈ શકે પણ નહીં, કેમ કે હાથમાં સત્તા આવવાથી માણસો બગડે છે, એટલું જ નહીં પણ રાજ્યકર્તાઓ પોતાની રૈયતને વધારેમાં વધારે નબળી બનાવી મૂકવા હંમેશાં મહેનત કરે છે — કેમ કે રૈયત જેટલી નબળી તેટલી તેને તાબે રાખવાની મહેનત ઓછી.

તેથી પીડિત પ્રજાની સામે વપરાયેલી હિંસાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડવામાં આવે છે; સોનાનાં ઈંડાં મૂકનારી મરઘીને જાનથી મારવાનું બાકી રાખવામાં આવે છે એટલું જ. પણ અમેરિકાના રેડ ઇન્ડિયનો, ફીજી દ્વીપવાસીઓ કે હબસીઓની પેઠે જો એ મરઘી ઈંડાં મૂકતી બંધ થઈ ગઈ હોય તો તેને મારી નાખવામાં આવે છે; એ ક્રિયાની સામે પરગજુ લોકો સાચી લાગણીથી ગમે તેટલા વિરોધો કે ધમપછાડા કરે તેની કશી પરવા કરવામાં આવતી નથી.

આ કથનની સૌથી સચોટ સાબિતી અત્યારે મજૂરવર્ગની સ્થિતિમાંથી મળી રહે છે. એ લોકો ખરેખાત જિતાયેલા ને પરાધીન માણસો છે.

એમની સ્થિતિ હળવી બનાવવાના પ્રયત્નો કરવાનો ગમે તેટલો ડોળ ઉપલા વર્ગો કરતા હોય, છતાં જગતના તમામ મજૂરો પર જરાયે ચસે નહીં એવું જબરદસ્ત જુલમી શાસન ચાલે છે. એ શાસન કહે છે કે તેમની કાયા માંડ ટકી રહે એટલી જ મજૂરી તેમને અપાય, જેથી તેમને ગરજના માર્યા સારું ખાધા વિના વૈતરું કરવું પડે; અને એ વૈતરાનાં ફળ તેમના માલિકો, બીજા શબ્દમાં કહીએ તો તેમના વિજેતાઓ ભોગવશે.

હંમેશાં એમ બનતું આવ્યું છે કે સત્તા લાંબો વખત ચાલુ રહ્યા ને વધ્યા પછી, તેને તાબે થયેલા લોકોને મળવા ઘટતા લાભ મળતા નથી, પણ ઊલટા તેમને થતા ગેરલાભ વધતા જાય છે.

પણ હજુ હમણાં સુધી એ લોકોને આ વાતની ખબર ન હતી, ને તેઓ તો મોટે ભાગે ભોળપણમાં માનતા કે સરકારો તેમના લાભને માટે ને તેમને વિનાશમાંથી બચાવવા માટે રચાયેલી છે. માણસો સરકારો વિના રહી શકે એ વિચાર સેવવામાં પાર વિનાનો અધર્મ રહેલો છે; અને એ વિચારમાંથી તો અરાજકતા જ પેદા થાય ને પારાવાર દુ:ખો નીપજે.

અત્યાર લગી સર્વ રાષ્ટ્રોએ વિકાસ પામતાં પામતાં સરકારનું રૂપ ધારણ કર્યું છે, એટલા માટે માનવજાતિનો વિકાસ સદાકાળ એ જ રસ્તે થઈ શકશે, બીજે રસ્તે નહીં — આ વિચાર લોકો ધરાવતા હતા; અને એ વિચાર પર તેઓને અઢળક આસ્થા હતી.

અને એ પ્રમાણે સેંકડો જ નહીં પણ હજારો વરસથી ચાલતું આવ્યું છે; અને સરકારોએ એટલે કે, તેમના પ્રતિનિધિઓએ, લોકોમાં આ ભ્રમ ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે ને હજુ કરે છે.

લોકો માને છે કે સરકારો બીજાં રાષ્ટ્રો સામે બચાવ કરવાના સાધન તરીકે લશ્કરો વધારે છે; તેઓ ભૂલી જાય છે કે સરકારને લશ્કરની જરૂર પડે છે તે મુખ્યત્વે પોતાની ગુલામ બનાવેલી રૈયતની સામે ખુદ પોતાનું રક્ષણ કરવા માટે.

આ જરૂર હંમેશાં પડેલી છે, અને કેળવણી ફેલાતી ગઈ ને જુદી જુદી પ્રજાઓ વચ્ચે વહેવાર વધતો ગયો તેમ એ જરૂર પણ વધતી ગઈ છે; અને અત્યારે, સામ્યવાદી, સમાજવાદી, અરાજકતાવાદી ને મજૂરોની હિલચાલો ચાલી રહી છે એટલા માટે, એ જરૂર અગાઉના કરતાં ઘણી વધી ગઈ છે ને ઘણી વધારે તાત્કાલિક થઈ પડી છે. સરકારો આ વાત સમજે છે, અને પોતાના બચાવનું મુખ્ય સાધન જે લશ્કર તેમાં ઉમેરો કરે છે.

મજૂરની પાસે જમીન નથી, દરેક માણસને જન્મસિદ્ધ હક છે તે — એટલે કે, જમીનમાંથી પોતાને અને પોતાના કુટુંબને માટે આજીવિકાનું સાધન પ્રાપ્ત કરવાનો હક — ભોગવવાની છૂટ તેને નથી, તેનું કારણ એ નથી કે લોકો તેનો વિરોધ કરે છે; તેનું કારણ તો એ છે કે આ હક મજૂરોને આપવાનો કે તેમની પાસેથી છીનવી લેવાનો અધિકાર અમુક વ્યક્તિઓને —એટલે કે, જમીનદારોને — અપાયેલો હોય છે. અને આ અકુદરતી વ્યવસ્થા લશ્કરને જોરે ટકાવી રાખવામાં આવે છે. મજૂરોએ રળેલી ને બચાવેલી અઢળક ધનસંપત્તિને સાર્વજનિક મિલકત ન ગણતાં અમુક મુઠ્ઠીભર માણસોના ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે; અમુક માણસોને મજૂરો પાસેથી કર ઉઘરાવવાની સત્તા અને એ પૈસાનો મનમાન્યો ઉપયોગ કરવાનો હક આપવામાં આવેલો છે; મજૂરોની હડતાળોને દબાવી દેવામાં આવે છે, ને મૂડીવાળાઓનાં સંગઠનોને ઉત્તેજન આપવામાં આવે છે; અમુક માણસોને ધર્મના ને સાહિત્યના શિક્ષણની બાબતમાં અને બાળકેળવણીના વિષયમાં પસંદગી કરવાની છૂટ અપાયેલી છે; અમુક બીજાઓને માણસમાત્રને માનવા પડે એવા કાયદા ઘડવાનો હક અપાયેલો છે, અને તેઓ માણસોનાં જાનમાલ પર પ્રભુત્વ ભોગવે છે — એ બધાંનું કારણ એ નથી કે લોકો એ પ્રમાણે ઇચ્છે છે કે એ બધું નૈસર્ગિક ક્રમે એ પ્રમાણે બનવા પામ્યું છે. એનું કારણ તો એ છે કે સરકારો પોતાના તથા રાજ્યકર્તા વર્ગોના લાભને ખાતર એવી વ્યવસ્થા કરવા ઇચ્છે છે; અને આ બધું શારીરિક હિંસાની મદદ વડે કરવામાં આવે છે.

દરેક માણસને જો આ વાતની ખબર નહીં હોય, તો જ્યારે ચાલુ વ્યવસ્થા બદલવાના પ્રયાસો થશે ત્યારે તેને ખબર પડી રહેશે.

તેથી સર્વ સરકારો અને રાજ્યકર્તા વર્ગોને સૌથી વધારે જરૂર લશ્કરની રહે છે. તેનો હેતુ જે જીવનવ્યવસ્થા ટકાવી રાખવાનો હોય છે તે વ્યવસ્થા લોકોની જરૂરિયાતો જોઈને નથી રચવામાં આવી, એટલું જ નહીં પણ ઘણી વાર તેમને હાનિકારક હોય છે, અને તેમાંથી લાભ તો ફક્ત સરકારને અને રાજ્યકર્તા વર્ગોને જ મળે છે. …

આપણને કહેવામાં આવે છે કે રાજ્ય આવશ્યક છે તેનાં આટલાં કારણો છે : પહેલું એ કે જો રાજ્ય ન હોય તો હિંસા અને દુર્જનોના હુમલામાંથી કોઈ સુરક્ષિત ન રહે; બીજું એ કે રાજ્ય વિના આપણે જંગલી રહી જઈએ, અને આપણી પાસે ધર્મ, નીતિ, કેળવણી, શિક્ષણ, વેપાર, અવરજવરનાં સાધનો એમાંનું કશું, અથવા બીજી કોઈ પણ સામાજિક સંસ્થા ન હોય; અને ત્રીજું એ કે રાજ્ય ન હોય તો પડોશની પ્રજાઓ આપણા પર ચડાઈ કરે એ દહેશત હંમેશાં રહે.

આપણને કહેવામાં આવે છે કે, “જો રાજ્ય ન હોત તો આપણે સ્વદેશમાં વસતા દુર્જનોનાં હિંસા અને હુમલાના ભોગ થઈ પડત.”

પણ જેમનાં હિંસા અને હુમલાઓમાંથી આપણને સરકાર અને લશ્કર બચાવે છે તે આ દુર્જનો કોણ છે? ત્રણ કે ચાર સૈકા પર, જ્યારે માણસો પોતાનાં યુદ્ધકળા ને બાહુબળ માટે ગર્વ ધરાવતા, જ્યારે માણસ પોતાના માનવબંધુઓને મારીને પોતાનું શૂરાતન સિદ્ધ કરતો ત્યારે, કદાચ આવા દુર્જનો હસ્તીમાં હશે. તો પણ એવા કોઈ અત્યારે આપણને દેખાતા નથી. આપણા જમાનાના માણસો હથિયારો વાપરતા નથી તેમ ફેરવતા નથી; અને પડોશીઓ પ્રત્યે હેત અને દયા રાખવાની શાસ્ત્રાજ્ઞા પર આસ્થા રાખીને તેઓ આપણા પોતાના જેટલા જ શાંતિ માટે ને શાંત જીવન માટે તલસે છે. તેથી જે ડાકુઓના આ અસાધારણ વર્ગની સામે આપણે રાજ્યનું રક્ષણ ખોળીએ છીએ તે વર્ગ જ હવે હસ્તી ધરાવતો નથી.

ખરું જોતાં તો આજકાલ એથી ઊલટી જ વાત કહી શકાય, કેમ કે જુનવાણી ને નિર્દય સજાની રીતો, તેમનાં કેદખાનાં, શૂળીઓ ને વધસ્તંભોને લીધે સરકારોની પ્રવૃત્તિ નીતિની અત્યારે પ્રવર્તતી સામાન્ય કક્ષાથી ઘણી હેઠી ઊતરેલી હોઈ, તેનાથી માણસોનું નીતિનું ધોરણ ઊંચું ચડવાને બદલે નીચું ઊતરવાની વકી રહે છે, અને તેથી એને લીધે ગુનેગારોની સંખ્યા ઘટવાને બદલે વધવાનો સંભવ રહે છે.

એમ કહેવામાં આવે છે કે “રાજ્ય વિના કેળવણી, નીતિ, ધર્મ, આંતરરાષ્ટ્રીય વહેવાર એ કશાને લગતી એક પણ સંસ્થા હસ્તીમાં ન હોત; અવરજવરનાં ને માલ લઈ જવા લાવવાનાં સાધનો પણ ન હોત. રાજ્ય ન હોત તો આપણને સહુને જરૂરી એવાં તંત્રો વિના આપણે ચલાવવું પડત.”

આ જાતની દલીલ સૈકાઓ પહેલાં જ પાયાદાર ગણી શકાત. દુનિયામાં દેશ દેશ વચ્ચે એટલો ઓછો વહેવાર ને એટલાં ઓછાં અવરજવરનાં સાધનો હતાં, અથવા તેઓ વિચારોની ચર્ચા કે આપલે કરવાને એટલા ઓછા ટેવાયેલા હતા કે રાજ્યની મદદ વિના વેપાર, ઉદ્યોગ, આર્થિક વહેવાર જેવી સહુના હિતને લગતી બાબતોમાં સહમત થઈ શકતા નહોતા—એવો સમય ક્યારે ય પણ હશે તોયે અત્યારે તો એવી સ્થિતિ નથી. બહોળો ફેલાવો પામેલાં અવરજવરનાં, લેવડદેવડનાં ને વિચારવિનિમયનાં સાધનોએ આ પરિણામ નિપજાવ્યું છે કે જ્યારે સમાજો, સંમેલનો, સંસ્થાઓ, પરિષદો, વૈજ્ઞાનિક, આર્થિક કે રાજકીય સભાસમિતિઓ સ્થાપવાની માણસને ઇચ્છા થાય ત્યારે તે સરકારોની મદદ વિના સહેજે ચલાવી શકે છે, એટલું જ નહીં પણ મોટા ભાગના દાખલામાં સરકારો એવા ઉદ્દેશોની સિદ્ધિમાં સહાયક કરતાં વિઘ્નકર્તા જ વધારે નીવડે છે.

ગયા સૈકાના અંત પછી માનવજાતિએ ઉપાડેલી લગભગ દરેક પ્રગતિશીલ હિલચાલ પર સરકારે ટાઢું પાણી રેડ્યું છે, એટલું જ નહીં પણ તેમાં અચૂક આડખીલીઓ નાખી છે. શારીરિક સજા, યાતના અને ગુલામીની પ્રથાઓ નાબૂદ કરવાના પ્રયત્નો એ આ જાતનો દાખલો છે. વર્તમાનપત્રોની સ્વતંત્રતા અને સભાઓ ભરવાની છૂટ મેળવવાના પ્રયત્નો એ બીજો દાખલો છે. વળી રાજ્યની સત્તાઓ અને સરકારો આજકાલ એમાં સહકાર ન આપીને અટકાતી નથી; માણસો જે પ્રવૃત્તિ વડે જીવનના નવા પ્રકારો રચવા મથે છે તે પ્રવૃત્તિમાં તેઓ સીધી રીતે અંતરાયો નાખે છે. મજૂરી ને જમીનના પ્રશ્નોના, રાજકીય અને ધાર્મિક સવાલોના ઉકેલને સરકારી સત્તા ઉત્તેજન તો નથી જ આપતી, પણ ઊલટી છડેચોક તેનો વિરોધ કરે છે.

“રાજ્ય અને સરકારની સત્તા ન હોત તો રાષ્ટ્રોને તેમના પડોશીઓ જીતીને તાબે કરી લેત.”

આ છેલ્લી દલીલનો જવાબ આપવા જેવો છે. એ પોતે જ પોતાનો રદિયો આપી દે છે.

આપણને કહેવામાં આવે છે કે પડોશી રાજ્યો કદાચ આપણને જીતીને તાબે કરે તેની સામે આપણા બચાવને સારુ સરકાર અને તેનું લશ્કર જરૂરનાં છે. પણ બધી સરકારો એકબીજાને વિશે એ જ વાત કહે છે; અને છતાં આપણે જાણીએ છીએ કે યુરોપનું દરેક રાષ્ટ્ર સ્વતંત્રતા ને ભ્રાતૃત્વના એકસરખા સિદ્ધાંતો માનવાનો દાવો કરે છે, અને તેથી કોઈ પણ રાષ્ટ્રને તેના પડોશીની સામે પોતાનો બચાવ કરવાની જરૂર પડવાની નથી. પણ જંગલી લોકો સામે બચાવ કરવો પડે એમ જો કહેવામાં આવે, તો અત્યારે શસ્ત્રસજ્જ છે તેટલા લશ્કરનો સોમો ભાગ એ કામને માટે પૂરતો છે. શસ્ત્રસજ્જ સૈન્યનો વધારો આપણને આપણા પડોશીઓના આક્રમણના ભયમાંથી બચાવી નથી શકતો, એટલું જ નહીં પણ જે આક્રમણને તે વખોડે છે તે આક્રમણ કરવાને માટે તે ઊલટી પેલા રાષ્ટ્રને ઉશ્કેરણી કરી આપે છે.

તેથી જે રાજ્યને નામે માણસને તેની શાંતિ, તેની સલામતી ને તેની જિંદગીનો ભોગ આપવાનું કહેવામાં આવે છે તે રાજ્યનું સ્વરૂપ ને તેનો અર્થ કેવાં છે એનો વિચાર કરી જોનાર કોઈ પણ માણસને એમ માન્યા વિના છૂટકો જ ન થાય કે એવા ભોગ આપવા માટે કશું જ વાજબી કારણ હવે રહ્યું નથી. …

(‘ચૂપ નહીં રહેવાય’માંથી સંપાદિત)



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 20-23

Loading

મહાત્મા ગાંધી કીર્તિમંદિર

નાનજી કાલિદાસ મહેતા|Opinion - Opinion|18 March 2020

પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન — કીર્તિમંદિર — ની જાળવણી અને તેને મેમોરિયલ તરીકે નિર્માણ કરવાનું શ્રેય નાનજી કાલિદાસ મહેતાને જાય છે. ગાંધીજીની હયાતીમાં તેમને આ વિચાર આવ્યો અને ૧૯૫૦ના અરસામાં તેને સાકાર કર્યો. નાનજી કાલિદાસ મહેતાની ઓળખ ઉદ્યોગસાહસિક તરીકેની, પણ તેમની સખાવતથી નિર્માણ પામેલી સંસ્થાઓ આજે પણ ભારતમાં અને પૂર્વ આફ્રિકી દેશોમાં કાર્યરત છે. વેપાર સાથે શિક્ષણ ક્ષેત્રે કરેલું તેમનું કાર્ય અદ્વિતીય છે, જેનો લાભ યુગાન્ડા-કેન્યાનાં બાળકોને મળી રહ્યો છે. પૂર્વ આફ્રિકામાં ઓગણસમી સદીના આરંભે તેમણે વિસ્તારેલા ઉદ્યોગની ઘટના અપૂર્વ છે. તે કાળે ત્યાં સંજોગ-સ્થિતિ વિકટ હતાં અને તેમાંથી નાનજીભાઈ માર્ગ કાઢતા રહ્યા. આ સાહસિક જીવનને જ્યારે પોતાની કલમે શબ્દબદ્ધ કરવાનું નાનજીભાઈને કહેવામાં આવ્યું ત્યારે તેમનો ઉત્તર હતો : “જગત આવ્યું ને જાય છે. જે ધણીને ઘેરથી આવ્યા, ત્યાં જવાનું છે. એમાં જ સમાઈ જવાની વૃત્તિ રાખવી.” આમ કશું ય ન લખવાની વૃત્તિ ધરાવનારા નાનજીભાઈએ મિત્રો-સંબંધીઓના આગ્રહથી ‘મારી અનુભવકથા’ નામે આત્મકથા લખી છે, તેમાં વિસ્તારથી કીર્તિમંદિરના નિર્માણકાર્ય વિશે લખ્યું છે. ગાંધીજીના નિર્વાણદિન બાદ આરંભાયેલા આ કાર્યની વિગત નાનજીભાઈએ વિગતે આત્મકથામાં આલેખી છે. ગાંધીનિર્વાણ માસમાં કીર્તિમંદિરના નિર્માણની વાત અહીં પ્રસ્તુત છે. એટલું નોંધવું રહ્યું કે આ કાર્યમાં તેમની સાથે પોરબંદર રાજ્યના તત્કાલીન મહારાજા નટવરસિંઘ ભાવસિંઘ પણ હતા.

•••

પૂ. બાપુનાં પ્રથમ દર્શન સને ૧૯૧૫માં મને થયેલાં; એવું સ્મરણ છે. મુંબઈમાં લૉર્ડ સિંહાના પ્રમુખપદે કૉંગ્રેસ મળી હતી. તે વખતનો પૂ. બાપુનો પોશાક-ધોતિયું, અંગરખું, ખેસ, પાઘડી, હાથમાં લાકડી, એવો અસલ કાઠિયાવાડી પહેરવેશ હતો. સને ૧૯૨૦-૨૧માં કલકત્તા કૉંગ્રેસ તથા શાંતિનિકેતનમાં, સને ૧૯૨૨માં, અમદાવાદ કૉંગ્રેસ અને સાબરમતીમાં દર્શન કરેલાં. તેઓશ્રીના સહવાસનો લાંબા સમયનો લાભ મળ્યો ન હતો. આફ્રિકામાં સ્વરાજની લડતના સમાચાર હું વાંચ્યા કરતો, અવારનવાર ફાળામાં મદદ કરતો.

સને ૧૯૩૫માં હું દેશમાં આવેલો. ત્યારે પૂ. બાપુને મળવા સેવાગ્રામ ગયો હતો. મારાં ધર્મપત્ની પણ સાથે હતાં. અમે શેઠ શ્રી જમનાલાલજીને ઘેર ઊતરેલાં. તે વખતે પૂ. વિજયાલક્ષ્મી પંડિત પણ ત્યાં હતાં. અમે પૂ. બાપુનાં દર્શન કરવા સેવાગ્રામ ગયાં. બાપુજી ફરવા નીકળતા ત્યારે સામાન્ય મુલાકાતો થતી. અમે મળવા ગયાં, તે દિવસે બાપુને મૌન હતું. પ્રણામ કરી બેઠાં. બાપુએ ચિઠ્ઠીમાં લખ્યું, ‘રોકાશો ને?’ મેં ‘હા’ પાડી કહ્યું : ‘અમે આપનાં દર્શને આવ્યાં છીએ.’ બાપુ હસ્યા. રોજ સાંજે પ્રાર્થના થતી. એમાં અમે જતાં. મારાં પત્ની રસોડામાં બાને મદદ કરતાં. અમારા એ, દિવસો જીવનમાં યાદગાર બન્યા.

ત્યાર બાદ, મારે દક્ષિણ આફ્રિકા જવાનું થયું. ત્યારે ત્યાં લૉર્ડ હૉફમેયરની મુલાકાત મને થયેલી. તેઓ સેટલમેન્ટ માટે હિંદ આવેલા. ત્યારે નામદાર મહારાણા સાહેબના આગ્રહથી પોરબંદરમાં પૂ. બાપુનું જન્મસ્થાન જોઈ, તેમને હર્ષ અને શોક બંને થયાં. જગતના એક અવતારી પુરુષની જન્મભૂમિ જોઈને આનંદ થયો; પણ અંધારો ઓરડો, અંધારી ગલી અને આસપાસની દુર્ગંધ જોઈને તેમને પારાવાર દુઃખ થયું, તેમણે કહ્યું : “તમને આ મહાપુરુષની મહત્તાની કિંમત નથી. બીજો કોઈ દેશ હોય, તો અહીં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય; તમારા દેશને એમણે શું આપ્યું છે અને શું આપી રહ્યા છે, તેની કિંમત નથી. આ સ્થળે સુંદર ચિરંજીવ સ્મારક થવું જોઈએ.” આ સાંભળી મારા મનમાં બહુ લાગી આવ્યું. આ પહેલાં પણ મારા મનમાં જન્મસ્થાને સ્મારક કરવાના મનોરથ ઊંડે ઊંડે ઊઠતા હતા. આ વિચારથી તેને બળ મળ્યું. મેં મનમાં નિશ્ચય કર્યો કે બાપુજી રજા આપે, તો સ્મારક કરવું. ફરીથી હું સેવાગ્રામ ગયો. ત્યારે પૂ. બાપુને વાત કરી : “હું દક્ષિણ આફ્રિકા જઈ આવ્યો. ત્યાં આપનો ફિનિક્સ આશ્રમ જોયો. લૉર્ડ હૉફમેયરની મુલાકાત થઈ; તેમણે આપને સલામ કહેવરાવ્યા છે. તેઓ પોરબંદર પધારેલા ત્યારે, ‘આપના જન્મસ્થાને કંઈક સ્મારક થવાની જરૂર છે’ એમ કહેલું. ત્યાં ગંદકી પણ બહુ રહે છે. એ મકાનો મળે, તો અમે કંઈક કરીએ.” પૂ. બાપુએ એટલું કહ્યું કે, “ત્યાં ગંદકી થાય છે એ વાત ખરી; પણ એ મકાનો મારાં કુટુંબીઓના હાથમાં છે. હાલ કોણ સાચવે છે, એની પણ મને પૂરી ખબર નથી. વિચાર કરશું.” આમ એ વાત ત્યાં અટકી.

સને ૧૯૪૫માં બદરીકેદારની યાત્રાએ ગયેલો. “એ વખતે પૂ. બાપુ આગાખાન મહેલમાંથી છૂટીને, મહાબળેશ્વર જવાના છે. ત્યાંથી પંચગની બે માસ હવાફેર માટે આવશે.” એવા સમાચાર જોશીમઠમાં મને મળ્યા.

પંચગનીમાં મારા પુત્રો ભણતા હતા. તેમને અભ્યાસમાં મદદ કરવા એક શિક્ષક રાખેલાં; એમને માટેનું ત્યાં એક મકાન ભાડે હતું. એ મકાન જૂન માસમાં પૂ. બાપુ માટે ખાલી કરાવ્યું. તેઓશ્રી પોતાની મંડળી સાથે આવી પહોંચ્યા. એ વખતે અમને બાપુની સેવાનો અણમૂલો લાભ મળ્યો. પંચગનીમાં પૂ. બાપુ ખુશખુશાલ રહેતા; આનંદના ફુવારા ઊડતા. વહેલી સવારે ચાલીને ફરવા જતા. સવારસાંજ પ્રાર્થનામાં તેઓશ્રીનાં પ્રવચન સાંભળવા મળતાં. આપણા દેશમાં જેમ પર્વતરાજ હિમાલય છે, તે જગતમાં અજોડ છે, એવી જ રીતે આપણા મહાપુરુષો પણ અજોડ છે. પૂ. બાપુને મળવા માટે દેશનેતાઓ આવતા; તેમની વાતો સાંભળતા; તેમનાં દર્શનનો અપૂર્વ લાભ મળતો. પંચગનીમાં કીર્તિમંદિર વિશે પણ થોડી વાત થઈ. તેઓશ્રીએ ‘કુટુંબીઓ હા પાડે તો પોતાને વાંધો નથી’ તેમ કહ્યું. દોઢ માસ રહીને પૂ. બાપુ પંચગનીથી વિદાય થયા અને અમે પાછાં પોરબંદર આવ્યાં.

કીર્તિમંદિરના ઉદ્દઘાટન પછી સરદાર પટેલ સાથે પોરબંદર શહેરના અગ્રણીઓ

નામદાર મહારાણા સાહેબને કીર્તિમંદિર વિશે મેં વાત કરી. નામદાર મહારાણા સાહેબના પ્રમુખપદે, પોરબંદરના આગેવાન શહેરીઓની એક સભા મળી. તેમાં આ પ્રશ્ન રજૂ થયો. જન્મસ્થાન પાસે સ્વચ્છતા રહે, એક બાગ બને, અને ત્યાં રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલે; એવી યોજના સૌએ વિચારી. સને ૧૯૪૫-૪૭માં એ વાત ચાલુ રહી. એ ઘરમાં શ્રી માણેકલાલ ગાંધી વગેરે ઓગણત્રીસ હકદારો છે. આજુબાજુમાં આવેલાં મકાનના માલિકોને પણ વાંધો હતો. ધીમે ધીમે બધા વાંધાઓ પત્યા. બદલામાં બધાંને આશરે રૂપિયા પંચોતેર હજાર આપ્યા.

સને ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું. છ મહિના પછી સૌરાષ્ટ્રનું એકમ થયું; એટલે કીર્તિમંદિરની વાતને ફરી વેગ મળ્યો અને સૌરાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ પૂ. દરબાર શ્રી ગોપાળદાસભાઈના હાથે શિલારોપણવિધિ કરાવી.

સને ૧૯૪૭ના ડિસેમ્બરમાં પૂ. બાપુને મળવા હું દિલ્હી ગયો. હિંદીઓને પૂર્વ આફ્રિકામાં આવતા બંધ કરવાનો કાયદો ત્યાંની ધારાસભામાં આવ્યો હતો. તેને અંગે મારે પૂ. બાપુ સાથે વાતચીત કરવાની હતી. હું પૂ. બાપુ તથા સરદાર શ્રી વલ્લભભાઈને મળ્યો; પૂ. પંડિત જવાહરલાલજીને જાણ કરી. તેઓના પ્રયત્નથી છ માસ સુધી બિલ મુલતવી રહ્યું; પણ આખરે કાયદો પસાર થયો. હિંદીઓને ઈસ્ટ આફ્રિકામાં આવવાની મનાઈ થઈ. આપણા દેશમાં ગરીબાઈ વધતી જાય છે; પ્રજા વધતી જાય છે; કેનેડા, પશ્ચિમ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ બધા દેશોમાં પુષ્કળ જગ્યા છે; પરંતુ હિંદીઓ માટે, એશિયાવાસીઓ માટે, દ્વાર બંધ છે. ગોરાઓએ એક હજાર વર્ષ સુધીની ગણતરી કરીને એ દેશોમાં જગ્યા અનામત રાખી છે.

ઑસ્ટ્રેલિયામાં માત્ર એક કરોડની વસતિ છે. ત્યાં પચાસ કરોડનો સમાવેશ થાય, એવડો દેશ અનામત રાખ્યો છે. તેઓ માત્ર કિનારે વસ્યા છે; છતાં કોઈને આવવા દેતા નથી. ઑસ્ટ્રેલિયા એશિયાનો ભાગ છે. આ પ્રશ્ન વિકટ છે. ભારતની પ્રજા જ્યાં જ્યાં વસે છે, ત્યાં ત્યાંથી તેને કાઢવાના પ્રયત્નો થાય છે. બર્મા ને સિલોન જેવા પાડોશી દેશોમાં પણ એ સ્થિતિ થતી જાય છે.

આ પ્રશ્ન પૂ. બાપુ પાસે રજૂ કરવા હું ખાસ દિલ્હી ગયેલો; પરંતુ પૂ. બાપુ, પૂ. સરદાર સાહેબ, પૂ. પંડિતજી દેશના આંતરિક પ્રશ્નોમાં ખૂબ ગૂંથાયેલા હતા. દેશના ભાગલા પડવાથી ચોમેર ભારે અશાંતિ હતી; છતાં તેઓશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી અને પંડિતજીને ભલામણ પણ કરી.

સને ૧૯૪૫માં બાપુ પંચગની સવા માસ એ જ મકાનમાં રહેલા; પછી સને ૧૯૪૬માં પધાર્યા. પંચગનીમાં પૂ. બાપુ ખૂબ આનંદમાં રહેતા; આનંદના ફુવારા ઊડતા; તેમના ખડખડાટ હાસ્યથી ઓરડા ગાજી ઊઠતા; જ્યારે દિલ્હીમાં ૧૯૪૭માં તેઓશ્રીના ચહેરા પર નિરાશા, મૂંઝવણ અને વેદના દેખાતાં હતાં. પંચગનીમાં વારંવાર કહેતા, “હું ૧૨૫ વર્ષ જીવવાનો છું. મારે દેશમાં રામરાજ્ય કરીને જવું છે.”

દેશના ભાગલા પડ્યા પછી એ વસ્તુ ચાલી ગઈ. દિલ્હીમાં કહેલું, “હવે મને જીવવું ગમતું નથી.” ડિસેમ્બર માસમાં હું દિલ્હી ગયેલો. ત્યાં ઠંડીને લીધે મારા હાથમાં કળતર થવા લાગી, તેથી સારવાર લેવા કલકત્તા ગયો. ત્યાં થોડો વખત રોકાયો. સારવાર લીધી; કંઈક આરામ જણાયો. કલકત્તાથી પાછા ફરતાં મુંબઈ થઈ દેશમાં આવ્યો. પોરબંદર પહોંચ્યો, તેને બીજે જ દિવસે બાપુના મૃત્યુના દુઃખદ બનાવ બન્યાના સમાચાર સાંભળ્યા.

આ વખતે મારાં ધર્મપત્ની જિંજામાં હતાં. પૂ. બાપુના શ્રાદ્ધદિને હિંદીઓ, આફ્રિકનો, યુરોપિયનો અને અન્ય એશિયાવાસીઓ, સૌ નાઈલ નદીને કિનારે ગયા. હજારોની મેદની મળી. નાઈલ નદીનાં પવિત્ર જળમાં પૂ. બાપુના અવશેષો મારાં પત્નીએ પધરાવ્યાં. એ દિવસ યુગાન્ડાના સામાજિક જીવનમાં અપૂર્વ હતો.

પૂ. બાપુનો દેહાન્ત થતાં કીર્તિમંદિરનો વિચાર પાછો આગળ વધ્યો. મકાનો મળી ગયાં હતાં. તેનો પ્લાન બનાવ્યો. પૂ. સરદાર સાહેબે પાસ કર્યો. પોરબંદરના જૂના અનુભવી મિસ્ત્રી પુરુષોત્તમભાઈએ તેની રચના કરી. ઝડપભેર કામ ઉપાડ્યું. બાપુ જેટલાં વર્ષ જીવ્યા તેટલા (૭૯) ફૂટ ઊંચું શિખર બાંધ્યું. પૂ.   બાપુને પ્રિય એવી રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ શકે એવી યોજના કરી. પૂ. સરદાર સાહેબ એના ઉદ્ઘાટન માટે, નાદુરસ્ત તબિયત હોવા છતાં, સૌરાષ્ટ્ર પધાર્યા. નામદાર મહારાણા સાહેબ, નામદાર રાજપ્રમુખ, માનનીય વડા પ્રધાન શ્રી ઢેબરભાઈ, અન્ય પ્રધાનો અને સૌરાષ્ટ્રના સંભાવિત નાગરિકો એ પ્રસંગે હાજર રહ્યા. હજારોની માનવમેદની સમક્ષ પૂ. સરદાર સાહેબે કીર્તિમંદિરનું ઉદ્ઘાટન કર્યું.

એક બાજુ હવેલી, બીજી બાજુ રઘુનાથજીનું મંદિર, સામે કેદારનાથજી; ત્રણે ધર્મસ્થાનોની વચ્ચે દીવાન સાહેબ કબા ગાંધી રહેતા. રઘુનાથજીના મંદિરમાં કથા સાંભળતા. એ મંદિર સુધારી કાયમ રાખ્યું. પૂ.  બાપુને એ સ્થળે ધાર્મિક સંસ્કારો મળેલા. તે નજદીક કીર્તિમંદિરની રચના થઈ. આજે સુદામાપુરીની પેઠે, ભારતવર્ષનાં હજારો નરનારીઓ કીર્તિમંદિરની યાત્રાએ આવે છે અને ભાવપૂર્વક પૂ. બાપુ તથા બાનાં દર્શન કરે છે.

પૂર્વ આફ્રિકામાં પૂ. બાપુના એક સ્મારક રૂપે ગાંધી કૉલેજો બાંધવી એવો વિચાર પૂ. બાપુના દુઃખદ અવસાન વખતે આવ્યો. પૂર્વ આફ્રિકાના હિંદી એજન્ટ પૂ. આપા સાહેબ પંતની પાસે બધી વાત કરી. તેઓ ખુશી થયા અને બધી મદદ કરી. તે કામ માટે બે-ત્રણ વાર આફ્રિકાની સફર કરી. પ્રિ. રમણલાલભાઈ યાજ્ઞિકને ખાસ એ કામ માટે રોક્યા. હિંદી સરકારના શિક્ષણ ખાતાના ઉપમંત્રી હુમાયૂન કબીર પણ ત્યાં જઈ આવ્યા. ત્યાં ગાંધી વિદ્યાપીઠ સ્થાપવી એવી યોજના કરવામાં આવી અને એમાં પાંચ લાખ પાઉન્ડનો ફાળો થયો. તેમાં નાના-મોટા સૌએ મદદ કરી. પૂ. બાપુ માટે હિંદી અને આફ્રિકનોને સરખું માન છે. આ કાર્ય માટે કુલ પાંચ લાખ પાઉન્ડ એકઠા કરવાના છે; જે લગભગ થઈ જવા આવ્યા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સ્મારકનિધિમાંથી પંદર લાખ રૂપિયા મળ્યા છે. ઇસ્ટ આફ્રિકા ગવર્નમેન્ટ રૉયલ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ કાઢેલ. તેની સાથે મહાત્મા ગાંધીજીનું નામ જોડાયું છે. તેમાં ત્રણ કૉલેજો (આર્ટ્સ, સાયન્સ ને કૉમર્સ) આપણા તરફથી ચાલે, તેમ લગભગ નક્કી થયું છે. બાકીની ગવર્નમેન્ટ ચલાવશે. બહારના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો બંધાશે. કોઈ પણ પ્રકારના વર્ણ, ધર્મ કે જાતિના ભેદ વિના તેમાં સૌ કોઈ દાખલ થઈ શકશે.

જ્યારે મુસ્લિમ ભાઈઓ — ‘ઓન્લી ફૉર-એશિયન મુસ્લિમ’ માટે પોતાની જુદી કૉલેજ ચલાવે છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધી કીર્તિમંદિરનાં દર્શને આપણા રાષ્ટ્રપતિ પૂ. રાજેન્દ્રબાબુ તથા ભારતના લાડીલા નેતા અને હૃદસમ્રાટ પૂ. પંડિત જવાહરલાલજી પધાર્યા હતા. ઉપરાંત પૂ. બાપુના અનેક ભક્તો અને દેશ-પરદેશના મહાન પુરુષો કીર્તિમંદિરનાં દર્શને પધારતા. તેમનાં દર્શનનો અને પ્રવચનનો અમૂલ્ય લાભ પોરબંદરની જનતાને અને અમને મળે છે.

પોરબંદરમાં મહાત્મા ગાંધી માર્ગ ઉપર સ્ટેશનથી શહેરમાં પ્રવેશ કરતા પાંચ રસ્તા ભેગા થાય છે ત્યાં કન્યા વિદ્યાલય, બાલમંદિર અને પ્રસૂતિગૃહનાં સુંદર મકાનો આવેલાં છે. એ જગ્યાએ રસ્તાને કાંઠે એક તળાવ હતું. તેમાં પાણીની નિકાસ ન થતી હોવાથી જીવજંતુથી દુર્ગંધ ફેલાતી. એ તળાવ પુરાવી નાખીને, ત્યાં સ્ત્રીઓ તથા બાળકો માટે એક બગીચો બનાવવામાં આવ્યો અને પૂ. બાપુજી, પૂ. સરદાર સાહેબ, તથા પૂ. પંડિતજી ત્રણેનાં બાવલા મૂકવામાં આવ્યાં છે. એની ઉદ્ઘાટનક્રિયા નામદાર મહારાણા સાહેબના હસ્તે કરવામાં આવી. બાગમાં બાળકોને રમવા માટે હીંચકા છે તથા વિશ્રામ માટે વૃક્ષો વાવવામાં આવ્યાં છે. શહેરના રાજમાર્ગ ઉપર આવેલાં આ ‘રાજ્યમાતા રૂપાળીબા બાગ’ નગરની શોભામાં વધારો કરે છે.

[નાનજી કાલિદાસ મહેતા લિખિત ‘મારી જીવનકથા’માંથી]



સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, જાન્યુઆરી 2020; પૃ. 25-28 

Loading

મથુર મહારથી બન્યો

યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|17 March 2020

ઓત્તારી, દે તાળી !

એક ખેપાની છોકરો હતો. કૉલેજકાળથી જ ભણવા સિવાયની ઘણી બધી બાબતોમાં તેને રસ હતો. ગુરુજનો વિશે કોઈ આદરભાવ હોવાના ખાસ કોઈ કારણ તેની પાસે ન હતા. વિદ્યા વિનયથી શોભે છે એવા સુવિચાર સાથે તેને કોઈ જાતની લેવાદેવા ન હતી, છતાં આવા સુવિચારોથી શાળા-મહાશાળાની દીવાલોને સુશોભિત કરવાની વ્યવસ્થા તેને હાથવગી હતી. ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ તે સારી રીતે ગોઠવી શકતો. તેની સાથે ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓ લાયકાત મુજબ સારી સારી નોકરીએ ગોઠવાઈ ગયા. જે કોઈ રહી ગયા તે રાબેતા મુજબ નિરાશ થયા. આપણો આ ખેપાની એક રાજકીય પક્ષમાં યુવાનીમાં જ ભળી ગયો. દિવસે ન વધે તેટલી રાત્રે પ્રગતિ થઈ. પાકા પાયે પ્રગતિ થઈ. સમયને જતાં ક્યાં વાર લાગે છે. આખરે પ્રધાન થયો. આજુબાજુ જેમને કાર્યકરો તરીકે ઓળખવાનો રિવાજ છે એવા બેરોજગાર યુવાનોનો જમાવડો થયો. હાથીને મણ અને કીડીને કણ તો કુદરત આપી જ દે છે. દરેકને તેની જરૂરિયાત મુજબ સાચવી લેવાની તેનામાં કળા હતી. જુવાનિયાઓનું તેની પાસે જૂથ હતું. વાંકદેખા માણસો આ જૂથને ગૅંગ ગણતા હતા. પોસ્ટર, રેલી, ગાડીઓ, જમીનો, સ્કીમ, ભૂમિપૂજન, ઉદ્‌ઘાટન, બદલી, નિમણૂક, વહીવટ, ગોઠવાઈ ગયું છે, વાત થઈ ગઈ છે, જેવાં વાક્યોનું રટણ હરિનામની જેમ થવા લાગ્યું. નાનપણમાં પોતે મહાજન દ્વારા ચાલતી નિશાળમાં મફતમાં ભણેલો અને જ્ઞાતિ-સમાજના મેળાવડામાં ચોપડા-નોટબુક-કંપાસ-દફતર ઈનામમાં મળેલાં તે વાતનું વિસ્મરણ થવા લાગ્યું. ધીમે-ધીમે બધું ભૂલી ગયો. નાનપણનો મથુર મોટપણે મહારથી બની ગયો.

આજે આ મહારથીની એક નહિ અનેક નિશાળ ચાલે છે. સેલ્ફ ફાઈનાન્સ, ઈજનેરી, મેડિકલ, નર્સિંગ, ડેન્ટલ કૉલેજો ખોલી નાખી છે. વિદ્યાર્થીઓએ ભણવામાં ખૂબ ધ્યાન આપવું જોઈએ જેથી જીવનમાં આગળ વધી શકાય એવું પોતાની સંસ્થાઓના વાર્ષિક મહોત્સવમાં બિન્દાસ બોલી શકે છે. ખૂબ ભણેલા વિદ્વાન શિક્ષકો અને અધ્યાપકો શ્રી મથુર ઉર્ફે મહારથીને કેળવણીકાર ગણે છે. શિક્ષણના વિકાસમાં તેમણે આપેલા યોગદાનની ગાથાઓ સેંકડો-હજારો વિદ્યાર્થીઓને મોઢે છે. સરકારમાં હોદ્દા ઉપર હોઈએ ત્યાં સુધી મોટા-મોટા દાન ઉઘરાવી શકાય એવી મથુરને પાકી ખબર છે. મથુરને ક્યારે ય ભ્રષ્ટાચાર કે આર્થિક કૌભાંડો કરવાની જરૂર પડી જ નથી. મથુર મિ. ક્લિન છે. તેની જમીનોના ભાવ વધે એ રીતે તેણે વિકાસ કાર્યો કર્યા છે. રિંગરોડ ટચ જમીન અગાઉથી જ ખરીદી લેવાની કુશળતા એ મથુરની ખાસિયત છે. એન.એ. અને એન.ઓ.સી. જેવાં કામો માટે મથુરે ખાસ માણસો રાખ્યા છે.

મથુર બાળપણમાં બાની આંગળીએ મેળે જતો ત્યારે દસ પૈસાના શીંગદાળિયા ખાતો. હવે મથુર કાજુ-બદામ ખાય છે. પોતાની ઑફિસમાં કયા મહાનુભાવની તસવીર લગાડવી તેની મથુરને પાકી સૂઝ છે. પોતાના પિતા અને રાષ્ટ્રપિતાની તસવીર રિનોવેશન કરાવ્યું ત્યારે જ હટાવી નથી પણ ખસેડી લીધી છે. સ્થાપન ઉત્થાપનમાં તે કાબેલ છે. મથુર હવે વર્ષે એક વાર યોગશિબિરમાં પણ જાય છે. વચ્ચે તો દસ દિવસ વિપશ્યનામાં ગયો હતો એવા પણ વાવડ હતા. જ્યાં જવા જેવું લાગે ત્યાં બધે મથુર જાય છે. ન જવા જેવું હોય ત્યાં જાય તો તેની જાણ કોઈને ના થાય તે વાતે મથુર સાબદો છે. મથુર ટ્રેક શુટ, સ્પોર્ટ શૂઝ પણ પહેરે છે, અને ખાદીની તો નવાઈ નથી, કોઈના લગ્નમાં જાય તો લિનનનાં વસ્ત્રો પહેરે છે. સમયે તેને બધુ શિખવાડી દીધું છે. આપણે પૂછીએ કે આ બધું કેમ અને કઈ રીતે કરે છે? તે નિખાલસતાથી જવાબ આપે છે કે આપણે ક્યાં સત્યના પ્રયોગો લખવાના છે. સત્યના પ્રયોગો લખનારની હવે જરૂર નથી એમ જણાવવાની મથુરને આવડત છે.

મથુર ભલે સત્યના પ્રયોગો ના લખે પણ તેણે પ્રયોગો ઘણા કર્યા છે. હવે તો એક-બે મોટા ધર્મસ્થાનકોમાં તે ટ્રસ્ટી પણ છે. જુદી જુદી જાત-ભાતની કમિટિમાં આવી શકાય તે માટે મથુર ઘણું યોગદાન આપે છે. મોટી મોટી કથાઓમાં યજમાન પણ બને છે. સેવા કૅમ્પના આયોજનથી સંસદ સુધી જઈ શકાય એવા આધુનિક સંશોધનો મથુરનું આગવું પ્રદાન છે. જાહેરજીવનમાં ઘણા લોકો પૈસા ખાય છે પણ મથુર તો પૈસા કમાય છે. પોતે કમાય છે અને સહુને કમાવા દે છે. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટૉસ ઉછાળવા માટે, સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા માટે, જ્યાં બોલાવે ત્યાં આવવા માટે મથુર તૈયાર છે.

મથુર ભૂખ્યો નથી, મથુર તરસ્યો નથી. મથુર સંસદની પાળ, મથુર હેલિકોપ્ટરની ડાળ. મથુર માણસ તરીકે સાવ ખોટો નથી પણ મોટો અવશ્ય છે. મથુર મોટો માણસ છે એમાં એનો કોઈ દોષ નથી. છેવટે તો મથુર છે તો બધુ છે. હે વાચક! તું તારા વિસ્તારમાં વસવાટ કરતા મથુરને વહેલી તકે ઓળખી લે. સંઘરેલો સાપ પણ કામ આવે છે જ્યારે આ તો મહારથી મથુર છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 16 

Loading

...102030...2,6832,6842,6852,686...2,6902,7002,710...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved