Opinion Magazine
Number of visits: 10081238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 September 2025

રવીન્દ્ર પારેખ

શિક્ષણને મામલે ઘણી બધી રીતે હવે ખોટાઉદેપુર થઈ ગયું છે. અગાઉ પણ એક પ્રાથમિક શાળામાં કલેકટરે સામાન્ય જ્ઞાનની તપાસ કરેલી ને તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ઘોર અજ્ઞાન પ્રગટ થતાં તેની જાણકારી શિક્ષણ વિભાગ સુધી પહોંચેલી. હવે ફરી એક વખત છોટાઉદેપુરને એસ.એફ. હાઈસ્કૂલના નવ શિક્ષકોએ ચર્ચામાં લાવી મૂક્યું છે.

સરકારની ગ્રાન્ટ પર નભતી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૨૭,૦૦૦ શિક્ષકોની ઘટ છે. તેમાંથી ૭,૫૦૦ જગ્યા ભરવા ટેટ-૧ અને ટેટ-૨ પાસની શિક્ષણ સહાયક તરીકે ભરતી કરીને તેમને જુદી જુદી શાળાઓમાં નિમણૂક આપવામાં આવી છે. અનેક તકલીફો વચ્ચે નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને કાયમી જગ્યાઓ પર પૂરા પગારે તો રખાતા નથી, પણ એવા શિક્ષકોની નોકરી હજી તો માંડ શરૂ થઈ છે, ત્યાં જે અનુભવો તેમને થઈ રહ્યા છે, તેનો એક નમૂનો છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કૂલે પૂરો પાડ્યો છે. નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઈસ્કૂલમાં એકાદ મહિના પર જ નોકરીએ હાજર થયેલા નવ શિક્ષણ સહાયકોએ પોલીસ સ્ટેશનથી લઈ રાજ્ય પોલીસ વડા-DGP સુધી લાંચ માંગ્યાની લેખિત અરજી પુરાવાઓ સાથે કરી છે. આ શિક્ષકોએ ગુરુવારે ગાંધીનગરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ખૂલીને પોતાની વાત મૂકી હતી.  

ફરિયાદ થતાં નગરપાલિકાના સત્તાધીશો સામે ૫ સભ્યોની તપાસ સમિતિ પણ મૂકવામાં આવી છે. લાંચ માંગવાના આક્ષેપો થતાં આચાર્યશ્રી માંદગીની રજા પર ઊતરી ગયા છે. જો કે, નગરપાલિકાના ઉપપ્રમુખે તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે ને એમને એ આપનું વિપક્ષી કાવતરું લાગ્યું છે. તપાસ સમિતિ સત્ય બહાર લાવે તો સાચુંખોટું ખબર પડે અથવા તો કંઇ જ ખબર ન પડે એમ બને, પણ જે વિગતો છે એને નિષ્પક્ષ રીતે જોઈએ તો સત્ય બહાર આવે કે ન આવે, સમજાય એવું તો છે.

DEOને મળેલી અરજી મુજબ શિક્ષકો પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવી હતી ને જો એ પૈસા ન આપે તો એમના પર ધાકધમકી કરીને કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખના કહેવા મુજબ જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે આમ આદમી પાર્ટીના નેતાના છે. પચીસ વર્ષ પછી પ્રથમ વાર ભા.જ.પ.નું બોર્ડ બન્યું છે, તેને બદનામ કરવા આવા આક્ષેપો કરવામાં આવ્યા છે એવું નગરપાલિકાનું માનવું છે.

૯ શિક્ષકોના કહેવા મુજબ ૧૫/૦૯/૨૦૨૫ને રોજ આચાર્યનો ફોન આવે છે, શાળા સમય પછી નગરપાલિકાના હોદ્દેદારો સાથે મીટિંગ છે – એની જાણ કરતો ! શિક્ષકો નગરપાલિકા પહોંચ્યા, તો પ્રમુખની ચેમ્બર પાસે તેમનો ફોન લઈ લેવામાં આવ્યો. મીટિંગ પહેલાં પણ આચાર્યે એક શિક્ષકને બોલાવીને કહ્યું હતું કે નગરપાલિકાને તમારી પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે. એ મીટિંગમાં પણ આચાર્યે શિક્ષકોને ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપવાની વાત દોહરાવી. જો પાંખડી નહીં અપાય તો નોકરી ગુમાવવાની તૈયારી રાખવાની ચીમકી પણ આપવામાં આવી. અગાઉ આ રીતે એક શિક્ષકે લાંચ આપવાની ના પાડી તો તેનું નામ દઈને એને છોકરીની છેડતી કે એટ્રોસિટી વગેરેમાં કેવી કેવી રીતે ફસાવી શકીશું ને એને એવો લાલ શેરો મારીશું કે બીજે નોકરી કરવાને લાયક નહીં રહે, એવો ધમકીભર્યો ચિતાર આ શિક્ષકોને આપવામાં આવ્યો.  

આ પાંખડી હજાર બે હજારની નહીં, પણ લાખોમાં આપવાની વાત હતી. તે એટલા પરથી ખબર પડે છે કે અગાઉ શિક્ષકો પાસેથી આ રીતે ૪૦થી ૪૫ લાખ લેવામાં આવ્યા હોવાની કબૂલાત પણ શાળાએ કરી છે. નિમણૂકો થઈ ચૂકી હતી, એટલે નોકરી જોઈતી હોય તો લાંચ આપો, એમ તો કહેવાય એમ નથી, પણ નોકરી ટકાવવી હોય તો લાખો રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું. આ રૂપિયા કેમ આપવાના હતા, તો કે અંગ્રેજી માધ્યમની શાળા બનાવવી છે ! અંગ્રેજી માધ્યમની સ્કૂલ ચાલુ કરવી હોય તો સરકાર એટલી ગરીબ નથી કે ગ્રાન્ટ ન આપી શકે, સરકાર એની ગ્રાન્ટ આપે છે ને આપે જ, પણ આ ભિક્ષુકો ગરીબ શિક્ષકો પાસેથી લાખોની ભીખ માંગે છે ! આ એવું તંત્ર છે જે શિક્ષકો પાસેથી ઉઘરાવેલી લાંચમાંથી શાળા બનાવવા માંગે છે. ધારો કે આ શિક્ષકો લોન લઈને લાંચ આપે તો પણ, સ્કૂલ બને જ એની કોઈ ગેરંટી નથી. એમનો હેતુ જ જુદો છે, કારણ એમને દાન નથી જોઈતું, લાંચ જોઈએ છે ને શિક્ષકો લાંચ ન આપે તો ખોટા કેસો કરાવીને તેમને સસ્પેન્ડ કરાવવાની ધમકી અપાઈ છે. એક સાહેબે તો એવી ધમકી પણ આપી કે આદિવાસી છોકરીઓ દ્વારા ખોટા કેસ ઊભા કરી ફસાવી દેવાશે.

શિક્ષણ સહાયક તરીકે માંડ નોકરી મેળવી શકેલા આ શિક્ષકો માલેતુજારોના દીકરાઓ નથી. તેમની આર્થિક સ્થિતિ એવી નથી કે આટલી મોટી ભીખ સ્કૂલને આપી શકે. બીજી તરફ માંડ મળેલી નોકરીને પડતી મૂકે એવી લક્ઝરી પણ એમને પોષાય એમ નથી. ત્રણસો-ચારસો કિલોમીટર દૂરથી તેઓ નોકરી કરવા આવ્યા છે ને તેમને માથે ઘરની જવાબદારીઓ છે. આવી હાલતમાં જેમ તેમ નોકરીમાં ગોઠવાયા હોય ને તેમને લાંચ આપવા ફરજ પાડવામાં આવે તો માથું ઊંચક્યા સિવાય બીજો રસ્તો નથી ને તે જ તેમણે કર્યું છે.

બીજી તરફ નગરપાલિકામાં ભા.જ.પ.નું બોર્ડ પહેલી વાર આવ્યું છે, એટલે જાત બચાવવા સામેથી આ શિક્ષકો સામે પડ્યું છે. પાલિકા ઉપપ્રમુખે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આ શિક્ષકો વિરુદ્ધ અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે શિક્ષકોએ પૈસા માંગવાની અને ધમકી આપવાની જે ફરિયાદ કરી છે તે ખોટી છે. ઉપપ્રમુખે એ વાતનો પણ છેદ ઉડાડ્યો કે શિક્ષકો સાથે તેમની કે અન્યની કોઈ મીટિંગ થઈ છે. એવી કોઈ મીટિંગ થઈ નથી, એટલું જ નહીં, આખો કારસો આમ આદમી પાર્ટી સાથે મળીને ભા.જ.પ. શાસિત પાલિકાની છાપ ખરડવા ગોઠવાયો છે. ઉપપ્રમુખના કહેવા મુજબ ખોટા આક્ષેપો કરીને શિક્ષકોએ તેમની પ્રતિષ્ઠા અને આબરૂને દાવપર લગાડી છે. આ શિક્ષકોએ જુદાં જુદાં કારણોસર રજા મૂકીને ગાંધીનગરમાં મીટિંગ કરી છે તેની પણ તપાસ થવી જોઈએ એવું કહેવાયું છે.

સામસામે ફરિયાદોમાં સાચું કોણ તે તો સમય જતાં ખબર પડશે, પણ શિક્ષકોની વાતમાં વજૂદ જણાય છે. માની લઈએ કે આપ પાર્ટી સાથે મળીને ભા.જ.પ.ની પાલિકાને બદનામ કરવા આયોજન થયું હોય, પણ દૂરથી આવેલા આ શિક્ષકોને નવી નવી નોકરી બહુ મુશ્કેલીઓ વેઠ્યા પછી મળી છે. એ લોકો એટલા અક્કલ વગરના ન હોય કે આપ સાથે મળીને ભા.જ.પ.ની છાપ ખરડવા માંડ મળેલી નોકરીને દાવ પર લગાવે. ભા.જ.પ.ની ઈમેજ ખરડવાથી એમને લાભ શો કે તેઓ એવું કરે? એને ખબર હોય જ કે આવા વેપલામાં નોકરી જાય ને એમને બીજી નોકરી સામે કરી રાખી નથી કે આ છૂટે તો તેની બહુ પડેલી ન હોય.

વધારે સાચું તો એ લાગે છે કે આચાર્ય અને નગરપાલિકાએ શિક્ષકો પાસેથી લાંચ માંગી હોય ને ધમકાવ્યા પણ હોય. શરમ જેવું તો હવે ક્યાં ય બચ્યું નથી એટલે પિસ્તાળીસ હજારનો પગાર ન હોય, તેની પાસેથી પિસ્તાળીસ લાખની લાંચ માંગ્યાનો સંકોચ ન થાય ! સૌથી દુ:ખદ એ છે કે સૌથી વધુ વિવેક અને શરમ જેમાં હોવાં જોઈએ તે શિક્ષણક્ષેત્ર આટલું ઉઘાડું અને નિર્લજ્જ થયું છે. એટલું સારું છે કે નોકરીનો ભય રાખ્યા વગર કે સંચાલકોની માંગને વશ થયા વગર આ નવ શિક્ષકો આવી ઉઘાડી લૂંટની સામે પડ્યા છે.

એ સ્કૂલનું નસીબ ફૂટેલું હશે તો જ તે આવા શિક્ષકો વગર રહેશે. આવા શિક્ષકો વગર બાળકોનું ભવિષ્ય અંધકારમય જ હશે. આ સંચાલકો કેવા વિદ્યાર્થીઓ પેદા કરવા માંગે છે? એમણે એમના જેવા જ ભ્રષ્ટ અને શોષણખોર વિદ્યાર્થીઓ પેદા ન કરવા હોય તો એ આવા સ્વમાની શિક્ષકોને એની ગરજે રાખશે. રાખવા જોઈએ. આજે સૌથી વધુ દાવ પર લાગ્યું હોય તો માણસનું સ્વમાન ! કોઈને સ્વમાન બચ્યું જ ન હોય એમ કરોડરજ્જુ વગરનાં માણસો ચોમેર જણાય છે. એ જીવે છે, કારણ એમના શ્વાસ ચાલે છે, બાકી એમની મરણતિથિ તો ક્યારની વીતી ચૂકેલી છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 સપ્ટેમ્બર 2025

Loading

લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|22 September 2025

હેમન્તકુમાર શાહ

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે રવિવારે યોજાયેલી એક માલધારી ચિંતન શિબિરમાં ભાષણ આપતાં જણાવેલા મુખ્ય મુદ્દા :

(૧) ૧૯૪૫ પછી દુનિયામાં લગભગ ૧૨૦ દેશો આઝાદ થયા. એમાંથી એક પણ દેશમાં  આઝાદ થતાંની સાથે લોકશાહી આવી નહોતી. માત્ર  ભારતમાં જ લોકશાહી આવી તેનું કારણ કાઁગ્રેસ છે. કાઁગ્રેસ કે જવાહરલાલ નેહરુને તાનાશાહી લાવતાં કોઈ રોકી શકે તેમ નહોતું. છતાં લોકશાહી આવી કારણ કે ગાંધી, નેહરુ, સરદાર અને આંબેડકર લોકશાહીમાં માનતા હતા. ભારતની લોકશાહી એ કાઁગ્રેસની દેણ છે, એને ટકાવવા માટે લડત આપવી એ આપણા સૌની ફરજ છે. 

(૨) બજાર એકદમ નિર્દય છે. જેની પાસે પૈસા હોય, બજાર એનો જ ભાવ પૂછે છે. ખિસ્સામાં પૈસા ન હોય તો બજાર તમને મારી નાખશે. તો શું જે “અમે ભારતના લોકો”એ આ ભારત બનાવ્યું છે એમાં ગરીબોએ મરી જવાનું? કે પછી સરકારે એમની કાળજી રાખવાની? સરકાર એમની દરકાર રાખે એને કોઈ ભેટ ન કહેવાય, એ તો સરકારની ફરજ છે. 

(૩) સરકારની આ ફરજ બંધારણમાં પ્રકરણ ચારમાં લખવામાં આવી છે. ગરીબો, વંચિતો, મહિલાઓ, વિકલાંગો, વૃદ્ધો, બાળકોની દરકાર સરકારે લેવાની છે એમ એ પ્રકરણમાં લખવામાં આવ્યું છે. 

(૪) એમાં એમ પણ લખવામાં આવ્યું છે કે બહુ થોડા લોકોના ખિસ્સામાં બહુ બધા પૈસા ભેગા થઈ જાય નહીં. માલેતુજાર લોકોનું ધનીપણું ઓછું કરવું એ સરકારનું કામ છે.

(૫) આપણા જે અધિકારો બંધારણમાં લખેલા છે તે સૌથી મહત્ત્વના છે. લોકમાન્ય તિલકના એ શબ્દો હંમેશાં યાદ રાખો કે “સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.” આ સ્વતંત્રતા બંધારણ આપતું નથી, આપણે જાતે ભારત નામનું રાજ્ય બનાવીને એના બંધારણમાં આપણી સ્વતંત્રતા લખી છે. આપણે મનુષ્યો છીએ માટે આપણને સ્વતંત્રતા છે જ, એ સરકારો છીનવી ન લે તેની આપણે નિરંતર કાળજી રાખીએ. 

(૬) સરકારને સવાલ પૂછવો અને જવાબ મેળવવો એ આપણો હક છે. લશ્કર પણ સરકારનો ભાગ છે. એટલે એને પણ સવાલ પૂછી શકાય. લશ્કર કંઈ પવિત્ર ગાય નથી. સરકારના ૫૦.૬૫ લાખ કરોડ રૂપિયાના બજેટમાં લશ્કરનું બજેટ ૬.૮૧ લાખ કરોડ રૂપિયાનું છે. સૌથી વધુ બજેટ એનું જ છે. એ મારા, તમારા, આપણા સૌના પૈસા છે. એટલે ઉરી, પુલવામા અને પહેલગામ જેવી ઘટનાઓ વિશે અને તેનો પ્રતિકાર કેવી રીતે કેટલો થયો એને વિશે સવાલો પૂછવાનો આપણને સૌને અધિકાર છે. 

(૭) ૧૯૯૯-૨૦૦૦માં ગુજરાતમાં ૨૬ લાખ પરિવારો ગરીબ હતા. અત્યારે સરકાર ૭૦ લાખ પરિવારોને દર મહિને  પાંચ કિલો મફત અનાજ આપે છે. ગરીબી કેટલી બધી વધી! શું આને વિકાસ કહેવાય? 

(૮) સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ લોકશાહીમાં સ્થાપવા માટે આપણે ભારત બનાવ્યું છે કે જેનો આજે જે નકશો છે તે તેના પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં કદી નહોતો. આ ભારત કંઈ આપણે ગુલાબજાંબુ ખાવા નથી બનાવ્યું!

તા.૨૨-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

દીપક મહેતા|Opinion - Literature|22 September 2025

ગ્રંથયાત્રા – 14

કવિ નાનાલાલ, નરસિંહરાવ દિવેટિયા, ઝવેરચંદ મેઘાણી, મંજુલાલ મજમુદાર જેવા ચાર ચાર અગ્રણી સાક્ષરોએ એક જ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય, અને તે પણ માત્ર ‘શુભેચ્છા’ દર્શાવતી, એક-બે પાનાંની નહિ, પણ પુસ્તકના વિષયની તલસ્પર્શી ચર્ચા કરતી, એવું બને? હા, એક પુસ્તકની બાબતમાં તો બન્યું જ છે. એ પુસ્તક તે શાંતિ ચૂનીલાલ બરફીવાળા સંપાદિત ‘રાસકુંજ.’ ગુજરાતના રાસ-ગરબાનો આટલો મોટો, આટલો વ્યાપક, આટલો વ્યવસ્થિત સંચય તેનાથી પહેલાં પ્રગટ થયો નહોતો અને તેના પછી પણ પ્રગટ થયો નથી. આ પુસ્તકના પહેલા ભાગની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ હતી, અને ત્રણે આવૃત્તિની પ્રસ્તાવના જુદા જુદા સાક્ષરોએ લખી હતી. રાસકુંજની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ હતી, અને એ જમાનામાં તેની ૨૦૦૦ નકલ છપાઈ હતી, જે માત્ર છ મહિનામાં વેચાઈ ગઈ હતી. તેમાં કુલ ૬૪ કવિઓની ૧૭૩ કૃતિઓ સમાવવામાં આવી હતી. આ સંપાદનની એક આગવી વિશિષ્ટતા છે તેમાં કરેલી કૃતિઓની ગોઠવણી. પહેલી પંક્તિ કે લેખકના નામના અકારાદિ ક્રમે નહિ, પણ જુદા જુદા ઢાળોના ગુચ્છ બનાવીને તેમાં કૃતિઓને ગોઠવી છે. જેમ કે ‘વહેલા આવજો હો લાલ’ એ ગીતના ઢાળની છ કૃતિઓ અહીં છે. આવા લગભગ ૭૫ જુદા જુદા ઢાળ સંપાદકે તારવ્યા છે. આ આવૃત્તિમાં સૌથી વધુ કૃતિઓ – ૨૮ – કવિ નાનાલાલની છે. પુસ્તકના આરંભે તેમનો ફોટો મૂક્યો છે. તેના મથાળે લખ્યું છે : ‘રાસયુગના અધિષ્ઠાતા’ અને નીચે લખ્યું છે : ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ.’ આ આવૃત્તિમાં લગભગ વીસ પાનાંની કવિ નાનાલાલની પ્રસ્તાવના છે. તેમાં કવિએ કહ્યું છે : “રાસ એટલે ગુજરાતણની સર્વોત્તમ રસકલા. રાસમાં તો ગુજરાતણનો સકલ રસાત્મા છે.” પછી તેમણે નરસિંહ મહેતાથી શરૂ કરી ૧૯૧૦માં પોતાનો પહેલો રાસ સંગ્રહ છપાયો ત્યાં સુધીના મુખ્ય મુખ્ય કવિઓના રાસની અછડતી ચર્ચા કરી છે. નાનાલાલ માટે સહજ નહિ એવી નમ્ર રીતે તેઓ કહે છે : “સુંદર મનોહારી રાસોનો ઉમંગ ઉછાળતો ઉપાડ એમાં નથી. મારા રાસથી મારી રસભાવના હજી તો પરિતર્પાઈ નથી.” ‘રાસકુંજ’ પહેલાં પ્રગટ થયેલા બીજા કેટલાક રાસસંગ્રહો વિષે પણ તેમણે લખ્યું છે. આ આવૃત્તિ માટે નાનાલાલે માત્ર પ્રસ્તાવના જ લખેલી એવું નહોતું. બીજી ઘણી રીતે પણ સંપાદકને તેઓ મદદરૂપ થયા હતા. પોતાની પ્રસ્તાવનામાં સંપાદક લખે છે : “શ્રી ન્હાનાલાલ કવિએ કરેલા ઉપકારો યોગ્ય શબ્દોમાં દર્શાવવા અશક્ય છે. પ્રસ્તાવના લખી રાસકુંજને અલંકૃત કરી છે એ મદદ તો સૌ કોઈ જાણે એવી છે. પણ રાસકુંજની હસ્તપ્રત બારીકાઈથી તપાસી જઈ છપાવવામાં કાળજીપૂર્વક અથઇતિ દેખરેખ રાખી, સંગ્રાહિકાની ખામીઓ ને તેની હઠીલાઈ ભણી દુર્લક્ષ કરી, નિઃસ્વાર્થ મદદ તેમણે આપી ન હોત તો જે સ્વરૂપે રાસકુંજ પ્રગટ થાય છે તે સ્વરૂપે એ કદાપિ પ્રગટ થાત નહિ.”

હવે જુઓ આ જ પુસ્તકના આ જ ભાગની ૧૯૩૪માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ. અહીં કવિ નાનાલાલની પ્રસ્તાવના તો નથી જ, પણ તેમની એક પણ કૃતિ પુસ્તકમાં જોવા મળતી નથી. સંપાદકે પ્રસ્તાવના ન છાપવા અંગે કશો ખુલાસો કર્યો નથી, પણ પહેલી આવૃત્તિમાં નાનાલાલની ૨૮ કૃતિઓ હતી અને આ બીજી આવૃત્તિમાં એક પણ કૃતિ નથી તે અંગે પ્રસ્તાવનામાં એક ફૂટનોટમાં આટલું જ કહ્યું છે : “મહાકવિ શ્રી ન્હાનાલાલના રાસો એમની રજા ન મળવાથી આ આવૃત્તિમાં લઈ શકાયા નથી.” (પા. ૫૧) 

૧૯૨૮થી ૧૯૩૪ વચ્ચેના છ વર્ષમાં એવું તે શું બન્યું હશે કે નાનાલાલ આ સંપાદકથી અને તેમની ‘રાસકુંજ’થી આટલી હદે વિમુખ થઈ ગયા હશે? ચોક્કસ જવાબ મળવો અઘરો છે, પણ એક અનુમાન થઈ શકે. રાસકુંજના સંપાદક શાન્તિબહેન અને તેમના પતિ ચૂનીલાલ બરફીવાળા બંને તે વખતની મુંબઈની કાઁગ્રેસની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતાં હતાં. (મુંબઈના અંધેરી પરામાં જે રસ્તા પર ‘બરફીવાળા લોજ’ નામના મકાનમાં તેઓ રહેતાં એ રસ્તાને પાછળથી ‘ચૂનીલાલ બરફીવાળા રોડ’ નામ અપાયું છે.) ૧૯૬૩માં પ્રગટ થયેલા રાસકુંજના બીજા ભાગની પ્રસ્તાવનામાં શાન્તિબહેન લખે છે : “રાસકુંજની બીજી આવૃત્તિ છેક ૧૯૩૪માં પ્રગટ થઈ શકી. કારણ કે રાષ્ટ્ર ચળવળમાં અંધેરીમાં અને પાર્લાની છાવણીમાં કૈંક આગળ પડતો ભાગ લીધો. તેની અસર તબિયત પર થઈ; વળી જેલયાત્રા કરી, તેથી તબિયત વધારે બગડી.” એટલે કે ૧૯૩૦ની ચળવળ વખતે શાન્તિબહેન ગાંધી રંગે પૂરેપૂરા રંગાઈ ગયાં હતાં. એ પહેલાં ગાંધીજી અને નાનાલાલ વચ્ચે ‘દૂઝણી ગાય’વાળો પ્રસંગ બની ગયો હતો અને નાનાલાલ માત્ર ગાંધીજીથી જ નહિ, ‘ગાંધીવાળાઓ’થી પણ વિમુખ થઈ ગયા હતા. એવી મનોદશામાં ગાંધી રંગે રંગાયેલાં શાંતિબહેનને પોતાનાં પ્રસ્તાવના અને કૃતિઓ છાપવા માટે નાનાલાલે પરવાનગી ન આપી હોય તેમ બને? આ સંદર્ભમાં બીજી એક વાત પણ સૂચક બને તેવી છે. રાસકુંજના પહેલા ભાગની બીજી આવૃત્તિની પ્રસ્તાવના લખવા માટે સંપાદકે પસંદગી કરી છે ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપેલું તે ઝવેરચંદ મેઘાણીની. ‘રાસકુંજ’ની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઈ તેની સાથે જ તેનું જોડિયું પુસ્તક ‘રાસકુંજની સરિગમ’ પણ પ્રગટ થયું હતું. તેમાં બધાં જ ગીતોનાં નોટેશન્સ આપવામાં આવેલાં. હવે, ‘રાસકુંજની સરિગમ’ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે નરસિંહરાવ દીવેટિયાએ. શાસ્ત્રીય સંગીતની તેમની જાણકારી જોતાં તેમની પસંદગી યોગ્ય જ ગણાય, પણ તેમાંના કેટલાક વિચારો નાનાલાલના વિચારોનો વિરોધ કરનારા છે. આ વાતથી નાનાલાલ નારાજ થયા હોય એમ બને? રાસકુંજની બીજી આવૃત્તિમાં મેઘાણીની પ્રસ્તાવના ઉપરાંત ‘આશીર્વાદ’ શીર્ષકથી નરસિંહરાવભાઈનું  લખાણ પણ છપાયું છે. તેમાં તો તેમણે નાનાલાલનો સ્પષ્ટ રીતે વિરોધ કર્યો છે. લખે છે : “ગુજરાતના ગરબાને ‘રાસ’ સંજ્ઞા કાંઇક અર્ધદર્શનથી જ અપાઈ છે, અને તે પણ ગુજરાતી સાહિત્યમાં તો પાછલાં થોડાં વર્ષોથી જ. રા. ન્હાનાલાલ કવિયે પોતાના ગરબીસંગ્રહ ‘ન્હાના ન્હાના રાસ’ એ સંજ્ઞાથી પ્રથમ છપાવ્યા તે પૂર્વે રાસગરબો અથવા ગરબી એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં જાણવામાં  આવ્યું નહોતું.” રાસકુંજના પહેલા ભાગની ૧૯૫૪મા પ્રગટ થયેલી ત્રીજી આવૃત્તિમાંથી મેઘાણીની પ્રસ્તાવના કાઢી નાખવામાં આવી છે, પણ તેમની દસ કૃતિઓ પુસ્તકમાં સમાવી છે. એ આવૃત્તિની પ્રસ્તાવના મંજુલાલ મજમુદારે લખી છે. ૧૯૬૩માં પ્રગટ થયેલા બીજા ભાગની પ્રસ્તાવના પણ તેમણે જ લખી છે. પુસ્તકના બંને ભાગમાં મળીને કુલ ૬૪૫ કૃતિઓ સમાવવામાં આવી છે. નાનાલાલ, નરસિંહરાવ, મેઘાણી જેવા સાક્ષરો તો આ પુસ્તકને આવકારે, પણ અગેય અને વિચારપ્રધાન કવિતાના પ્રખર પુરસ્કર્તા બલવન્તરાય ઠાકોરે પણ તેને આ શબ્દોમાં આવકાર આપ્યો હતો : ”સૌ. શાન્તિબહેન બરફીવાળાએ જે જાતની કવિતાઓ સંગ્રહી છે તે એ જાતમાંની ઉત્તમ કવિતાઓ. ભાગ્યે કોઈ એ જાતની ખરેખર સારી કવિતા રહી ગઈ હોય એટલો મોટો સંગ્રહ એમણે કર્યો છે.” 

પણ બીજા અનેકની બાબતમાં બન્યું છે તેમ શાંતિબહેન અને તેમનું રાસકુંજ પુસ્તક આજે તો સાવ ભૂલાઈ ગયાં છે. ‘નવ કરશો કોઈ શોક’, બીજું શું?

XXX XXX XXX

21 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...244245246247...250260270...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved