Opinion Magazine
Number of visits: 10081238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 September 2025

મૂડીવાદી જમણેરી રાજકારણીઓને ખબર છે કે ઇમિગ્રન્ટ્સ અર્થતંત્ર માટે જરૂરી છે પણ તેમનો વિરોધ આ રાજકારણીઓને નેરેટિવ ઘડવા માટે જરૂરી છે

ચિરંતના ભટ્ટ

એક વખત હતો જ્યારે અંગ્રેજોને હકાલી કાઢવા માટે આપણે એટલે કે આપણા સ્વાતંત્ર સંગ્રામીઓએ સાઇમન ગો બૅકના નારા બોલાવ્યા હતા અને હવે માળું ત્યાં આપણને – સીધી રીતે તો નહીં પણ આડકતરી રીતે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. અત્યારે લંડન, બર્લિન કે ડબલિનની શેરીઓમાં જનારા કોઈને પણ એક પરિવર્તનનો અહેસાસ થશે. ઇમિગ્રેશન – જે એક સમયે અર્થશાસ્ત્ર અને માનવતાવાદી ફરજના માળખામાં ચર્ચાનો વિષય હતો – તે હવે પશ્ચિમના રાજકારણનો મુખ્ય મુદ્દો બની ગયો છે. યુરોપના અંતિમવાદી જમણેરી પક્ષોએ ભલે સરકારો પર સંપૂર્ણપણે કબ્જો ન કર્યો હોય, પણ તેમણે નેરેટિવ પર તો પર કબ્જો કરી લીધો છે. હવે તો મધ્યમમાર્ગી – કેન્દ્રવાદી નેતાઓ પણ અવરોધ, દેશનિકાલ અને “કડક કાર્યવાહી”ની ભાષા બોલી રહ્યા છે.

વિદેશમાં વસતા ભારતીયો માટે આ પરિવર્તન માત્ર એક અમૂર્ત ખ્યાલ નથી. અહીં બે પ્રશ્નો ઊભા થાય છે જે સીધા ભૂ-રાજકારણ એટલે કે જિઓ-પૉલિટીક્સને સ્પર્શે છે : ભારતીયો આ પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે? અને જો યજમાન દેશો ઇમિગ્રન્ટ્સ પ્રત્યે પ્રતિકૂળ બને તો શું તેઓ પોતાની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડશે?

યુરોપનો કઠોર વળાંક

2024ની યુરોપિયન સંસદની ચૂંટણીઓ અંતિમવાદી-જમણેરી પક્ષો માટે ભલે જંગી જીત ન હતી, પણ આ રણે એક બારીક ફેરફાર તો વર્તાયો: કડક ઇમિગ્રેશન નીતિઓનું મુખ્ય પ્રવાહમાં લાગુ થઇ. જર્મનીના AfD પક્ષે તાજેતરમાં સ્થાનિક ચૂંટણીઓમાં જોરદાર ઉછાળો જોયો, જ્યારે ઇટાલી આશ્રય શોધનારાઓને ઑફશોર પ્રોસેસિંગ માટે દબાણ કરે છે. યુ.કે. – લેબર પાર્ટી હેઠળ પણ – અવરોધક નીતિને જીવંત રાખી છે, અને ફ્રાન્સ સાથે “વન-ઇન, વન-આઉટ” દેશનિકાલ કરાર શરૂ કર્યો છે. રિમૂવલની પહેલી ફ્લાઇટમાં, એક ભારતીય નાગરિક હતો.

સમગ્ર કોન્ટિનેન્ટમાં, ઇમિગ્રેશનની નીતિનું નવું વ્યાકરણ અટકાવવાની નીતિને આસાપસ ઘડાઇ રહ્યું છે તેમ લાગે છે. યુરોપમાં ઇમિગ્રન્ટ્સ માટેની કરુણા જરા બાજુમાં મુકવામાં આવી છે અને ઝ઼ડપી વાપસી, આશ્રય આપતા પહેલાં કડક ચકાસણી, વધુ ઑફશોર ડીલ્સ એ 2025નું યુરોપ છે. 

અમેરિકાની બેવડી ફ્રેમ

એટલાન્ટિકની પેલે પાર, પરિસ્થિતિ વધુ વિવાદાસ્પદ છે. એક તરફ, યુ.એસ.ને હજી પણ ઇમિગ્રન્ટ્સની જરૂર છે – અને ભારતીયો તે યાદીમાં ટોચ પર છે. ત્યાં 2.7 મિલિયનથી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે, જેઓ ટૅક, મેડિસીન અને આંત્રપ્રિન્યોરશીપમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય અમેરિકનો યુ.એસ.માં સૌથી ધનિક ઇમિગ્રન્ટ સમૂહ છે. ત્યાંની કંપનીઝમાં સી.ઈ.ઓ. અને ફાઉન્ડર્સની યાદીમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ વધુ છે. એક અબજ ડોલરથી વધુના કિંમતના લગભગ ચારમાંથી એક અમેરિકન સ્ટાર્ટ-અપમાં ભારતીય સ્થાપક છે. ભારતીયો વિના, સિલિકોન વેલી આજે જે છે તે સિલિકોન વેલી ન હોત એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

અને છતાં, શંકા યથાવત છે. તાજેતરના વર્ષોમાં દક્ષિણ એશિયાઈ અને હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઇમ્સ વધ્યા છે. FBI ડેટા અનુસાર એશિયન વિરોધી નફરત હજી પણ કોવિડ કોરોનાવાઇરસના પહેલાના સમયથી ઘણું ઊંચા સ્તરે છે. દરમિયાન, યુ.એસ.નું રાજકારણ ઇમિગ્રેશનને સરહદી કાફલાઓ અને “આક્રમણ” સુધી ઘટાડી દે છે. રિપબ્લિકન દીવાલોની માંગ કરે છે, ડેમોક્રેટ્સ કરુણા અને નિયંત્રણ વચ્ચે ઝોલા ખાય છે, પરંતુ બંને પક્ષોએ ઇમિગ્રન્ટ્સને અનિશ્ચિતતાના વાતાવરણમાં છોડી દીધાં છે.

ભારતીયની કેવી છાપ?

જ્યારે આપણે ઇતિહાસ જોઈએ છીએ, ત્યારે આ તણાવ વાહિયાત લાગે છે. ભારતીયો હંમેશાં જે દેશમાં ગયા છે તે તમામે દેશોને તેમણે સમૃદ્ધ બનાવ્યા છે. પૂર્વ આફ્રિકામાં, ભારતીયોએ રેલવે અને વાણિજ્યનું નિર્માણ કર્યું. ગલ્ફમાં, ભારતીયોએ લેબર પર ચાલતી અર્થવ્યવસ્થાઓને ટકાવી રાખી છે. બ્રિટનમાં, ભારતીયોએ નાકે કે ચાર રસ્તે દુકાનો શરૂથી માંડીને અબજ પાઉન્ડના વ્યવસાયો સુધી બધું જ બનાવ્યું. અમેરિકામાં, ભારતીયો માત્ર હેલ્થકેર સિસ્ટમને શક્તિ પૂરી પાડે છે તેમ નથી પણ આવતીકાલને આકાર આપતી ટૅક કંપનીઓ પણ ચલાવે છે.

ટોની રોબિન્સન જેવા બ્રિટિશ રાજકારણીઓ જ્યારે પણ ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરે છે ત્યારે શીખો અને ભારતીયોની અનિવાર્યતા પર ભાર મૂકે છે – તેમના મતે આ અગત્યની લઘુમતીઓ છે જે શાંતિથી પોતાનું કામ કરે રાખે છે. આ રાજકારણીઓને ખબર છે કે આ ભારતીયો ત્યાં જે રીતે કામ કરે છે તેમાં અર્થતંત્રને ટેકો મળે છે, તેમાં ગુણાકાર થાય છે (ડ્રેન ઑફ વેલ્થ વાળું તો અંગ્રેજો કરતા હતા – આપણી એવી ફિતરત નથી)– તેઓ કોઇ નુકસાન નથી કરતા. ત્યાંના લીડર્સ આ આખી વાત સ્વીકારે છે પણ તેમના સ્વીકારનો અવાજ કાને પડે એવો નથી, જાહેરમાં તો તેઓ ઇમિગ્રન્ટ્સને મેનેજ કરવું પડે એવા જોખમમાં ખપાવે છે.

આ રોષ કેમ?

જો અર્થતંત્રમાં ઇમિગ્રન્ટ્સ નડતાં નથી તો પછી આ રોષ શા માટે? સીધો જવાબ છે રાજકારણ. અત્યારના જમણેરી પક્ષો અજ્ઞાની નથી. તેઓ મૂડીવાદી છે, તેઓ જાણે છે કે ઇમિગ્રન્ટ્સ અર્થંતંત્રની વૃદ્ધિમાં ફાળો આપે છે. પરંતુ રાજકારણીઓને પોતાનું નેરેટિવ ચલાવવા કંઇક તો જોઇએ. આ કિસ્સામાં તેમને માટે લટકવાનું આ દોરડું ઇમિગ્રન્ટ્સ બની જાય છે. તેઓ પોતાના મુદ્દાઓમાં મતદારોની નોકરીઓ, ફુગાવો અને સાંસ્કૃતિક પરિવર્તન અંગેની ચિંતાઓ માટે એક લાગણીશીલ શૉર્ટહેન્ડ તરીકે ઇમિગ્રેશનના નેરેટિવનો ઉપયોગ કરે છે.

ઇંગ્લિશ ચેનલમાં મુઠ્ઠીભર હોડકાં, અથવા ઓવરસ્ટેયર્સનો વધારો જેવી બાબતોને એક એક “રાષ્ટ્રીય કટોકટી” તરીકે તેનું કદ વધારીને મતદારો સામે રજુ કરાય છે. રાજકારણને આંકડાઓ સાથે કંઇ લેવાદેવા નથી – રાજકારણ પ્રતીકોનો ખેલ છે. અને આ પ્રતીકાત્મક યુદ્ધમાં, કામઢા, કૌશલ્ય ધરાવતા એવા ભારતીયો પણ, જેઓ ભાગ્યે જ ગેરકાયદેસર ક્રોસિંગમાં જોવા મળે છે, તેઓ કોલેટરલ બની શકે છે. જો કે ગમે કે ન ગમે આપણે એ યાદ રાખવું જોઇએ કે આપણે ત્યાંથી ખોટા કાગળિયા કરી ત્યાં પહોંચી જનારા અથવા તો ત્યાં જવા માટે છેતરાઇ જનારા ભારતીયો પણ છે. સમસ્યા છે ખરી પણ જોખમ કહી શકાય એવી નથી. તમે જાણો જ છો ખોટી રીતે વિદેશ પહોંચી ગયેલા ભારતીયો ત્યાં કેવી જિંદગી જીવતા હોય છે? તેમને ચૂપચાપ કામ કરી – જે મજૂરી પ્રકારનુ હોય છે – પૈસા ભેગાં કરીને પોતાને ગામ મોકલવામાં જ વ્યસ્ત હોય છે.

પશ્ચિમ માટે જોખમો

અહીં વાસ્તવિક વિરોધાભાસ છે: જો પશ્ચિમ શત્રુતામાં વધુ ઝુકે, તો આ દેશો પોતાની સમૃદ્ધિને નબળી પાડવાનું જોખમ ઉઠાવે છે. વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂકવાથી સંસદમાં તાળીઓ પડી શકે છે, પરંતુ તે યુનિવર્સિટીઓને અબજોની ફીસથી વંચિત રાખે છે. હાઇલી પ્રોફેશનલ કામદારોને દૂર કરવાથી એવાં ક્ષેત્રો નબળા પડે છે જેમાં પહેલેથી જ શ્રમની અછત છે. ઇમિગ્રન્ટ સમુદાયોને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહેવાથી બ્રેઇન ડ્રેઇન થાય છે, કારણ કે પછી આ લોકો કેનેડા, ઑસ્ટ્રેલિયા અથવા સિંગાપોર જેવા દેશો તરફ નજર કરવાનું શરૂ કરે છે.

ટ્રમ્પ-યુગના H-1B વિઝા પરના કડક નિયંત્રણો દરમિયાન આપણે જોયું કે ભારતીય ઇજનેરોએ કેનેડાની વધુ મૈત્રીપૂર્ણ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ પસંદ કરવાનું શરૂ કર્યું. બ્રિટને પણ શોધી કાઢ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે આશ્રિતો પર અંકુશ મૂકશે તો તેઓ એવી પ્રતિભા ગુમાવશે જેને જેની તેમને કદર છે તેવું તેઓ કહી ચૂક્યાં છે. જે અર્થવ્યવસ્થાઓ ઇમિગ્રન્ટ્સ માટે દરવાજા બંધ કરશે તેઓ પોતાના ભવિષ્યના દરવાજા પણ બંધ કરી રહી છે એ સ્પષ્ટ છે.

ભારતનો હિસ્સો

નવી દિલ્હી માટે, આ હવે માત્ર કોન્સ્યુલર કાર્યવાહી નથી – આ એક વ્યૂહરચના છે. જ્યારે ભારતીય ડાયસ્પોરાને મંદિરની તોડફોડ, હેટ ક્રાઇમ્સ, અથવા વિઝા માટેની પ્રતિકૂળતાનો સામનો કરવો પડે ત્યારે ભારત સરકાર મૌન ન સેવી શકે. કોન્સ્યુલેટો ઇનિશ્યલ વૉર્નિંગ સિસ્ટમ તરીકે સેવા આપવી જોઈએ, ફક્ત ઔપચારિક ચોકીઓ તરીકે નહીં. હોટલાઇન, મંદિરની સુરક્ષા, અને પ્રી-ડિપાર્ચર બ્રિફિંગ્સ ઘટનાઓ ઘટી જાય તે પછી વિચારવાની બાબતો ન હોઇ શકે; આ તમામ માધ્યમો ઢાલ છે.

કારણ કે જ્યારે વિદેશમાં વસતા ભારતીયો અસુરક્ષિત અનુભવે છે, ત્યારે એ સ્થિતિ માત્ર તેમની સમસ્યા નથી – તે ભારતની સૉફ્ટ પાવરની સમસ્યા છે. જ્યારે ડાયસ્પોરા અસુરક્ષાનો અનુભવ થાય છે ત્યારે તે ભારત અને બાકીના વિશ્વ વચ્ચેના સેતુની ભૂમિકામાં વિશ્વાસ ખોઇ બેસે છે.

આગળનો રસ્તો

ઇમિગ્રન્ટ વિરોધી ભાવના અચાનક નથી ઊભી થઇ અને તે અચાનક અદૃશ્ય થઇ જશે એવું પણ નથી થવાનું. ઇમિગ્રન્ટ વિરોધી નેરેટિવ્ઝ આગામી વર્ષોમાં સમગ્ર યુરોપ અને અમેરિકામાં ચૂંટણીઓ, શેરી વિરોધ અને નીતિના યુ-ટર્ન્સને બળ આપશે. આ વિરોધોમાં ભારતીયો ટાર્ગેટ નથી, પરંતુ તેઓ આ વિરોધી વલણથી મુક્ત પણ નથી.

આ સ્થિતિમાં કોણે શું કરવું?

યજમાન દેશો એ આ બાબતોની કાળજી લેવી જોઇએ: બોર્ડર કન્ટ્રોલને એકીકરણ સાથે જોડો. લઘુમતીઓને સુરક્ષિત કરો, હેટ ક્રાઇમ્સ પર કાર્યવાહી કરો, અને તેમણે એ યાદ રાખવાની જરૂર છે કે ઇમિગ્રન્ટ્સ વિના તેમની અર્થવ્યવસ્થાઓ નબળી પડી શકે છે. ભારત વિદેશ નીતિના ભાગ રૂપે ડાયસ્પોરાની સલામતીમાં રોકાણ કરીને યોગ્ય નિર્ણય લઇ શકે છે. વિદેશમાં વસતા ભારતીયોએ સતર્ક રહેવું, ઘટનાઓ નોંધવી અને ત્યાંના સ્થાનિક સમુદાયોમાં સારી રીતે જોડાયેલા રહેવું.

બાય ધી વેઃ 

અત્યારે પશ્ચિમી રાષ્ટ્રો સામે પસંદગીનો પ્રશ્ન છે. તેઓ ધારે તો ચૂંટણી જીતવા માટે ઇમિગ્રન્ટ્સને હથિયાર બનાવી શકે છે – અથવા ભવિષ્યને હાથવગું રાખવા જીતવા માટે ઇમિગ્રન્ટ્સને કારી શકે છે. જમણેરી નેતાઓ પ્રતિકૂળતાના આર્થિક જોખમો જાણે છે, છતાં મતદારોને આંકડાઓમાં નહીં પણ નેરેટિવમાં રસ પડે છે – એ જ રીતે તેમના ઝુકવાને બદલી શકાય છે તેવું આ રાજકારણીઓ જાણે છે. વિદેશમાં વસતા ભારતીયોએ પણ એ સંદેશ સ્પષ્ટ કરવો જોઇએ કે તેઓ જ્યાં રહ્યા છે એ દેશને તેમણે સમૃદ્ધ બનાવ્યો છે.:  આફ્રિકામાં રેલવેથી માંડીને સિલિકોન વેલીના ઇનોવેશન કોરિડોર સુધી ભારતીયોએ ઘણું કર્યું છે અને એ નક્કર પુરાવાઓની વિરુદ્ધ જવું એ ટૂંકી દૃષ્ટિનો દ્રોહ સાબિત થશે અને અન્ય રાષ્ટ્રો માટે આત્મ વિનાશક સાબિત થશે ઇમિગ્રેશન કટોકટી નથી. વાસ્તવિક કટોકટી ત્યારે આવશે જ્યારે રાષ્ટ્રો ભૂલી જશે કે ઇમિગ્રન્ટ્સને કાઢી મૂકવા એમના પોતાના દેશની વૃદ્ધિ અટકાવવાનો માર્ગ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 સપ્ટેમ્બર 2025

Loading

ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

સુમન શાહ|Opinion - Opinion|21 September 2025

સુમન શાહ

ગુજરાતી ભાષા અન્તર્નિહિત (in-built અથવા જન્મજાત) સર્જકતા વિશે મેં અગાઉ કેટલીક વાતો કરેલી. એવી કે એ પ્રકારની વાતો આપણા સૌના સહભાગી વિચારવિમર્શ માટે ઉપકારક ગણાય.

દરેક વ્યક્તિ પોતાના ભાષિક સામર્થ્ય – competence – અનુસાર, રજૂઆત – performance – કરતી હોય છે. સામર્થ્ય અને રજૂઆત એકબીજાનાં પૂરક છે, એકબીજામાં સુધારાવધારા કરી આપે.

તદનુસાર, આપણાં વર્તન ઘડાય છે, આપણાં સાહિત્યસર્જન કે લેખન પણ. એ વિશેની જાગૃતિ વધે અને સઘળાં વર્તન સાવધાનીથી થાય એ આ લેખમાળા પાછળનો આશય છે. 

અહીં મિત્રો પાસે ચર્ચાની અપેક્ષા છે. ભાષાવિજ્ઞાનની રીતે વાત કરવા એનું જ્ઞાન જોઈશે. પરન્તુ સાદી સમજની ભૂમિકાએ સામાન્ય ચર્ચા તો કરી જ શકાય.

૧

ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ શબ્દો અને કહેવતો કે રૂઢિપ્રયોગોનાં મૂળ જ્ઞાનેન્દ્રિયો અને શરીરનાં અંગાંગ સાથે જોડાયેલાં છે. સાર્થ જોડણીકોશમાં, કાન આંખ નાક જીભ મૉં હાથ કે પગ અધિકરણો જુઓ, એ દરેકની સંખ્યા ગણો; ચૉંકી જવાશે. અને તે પછી વિચારો કે માતૃભાષાની આ જન્મજાત સમ્પદાનો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ.  

૨

કોઈ બે જણ વચ્ચે થયેલા ઝઘડાની ચર્ચામાં જોડાયા પછી તમે એમ કહી દો છો કે 

– એ જાણે ને એ જાણે! 

— ત્યારે તમે એ બે-માંથી પહેલી વાર કયા ‘એ’ને ‘એ’ કહો છો અને બીજી વાર કયા ‘એ’ને ‘એ’ કહો છો?

— તમને આ પ્રયોગ બરાબર લાગે છે? કે અસરકારક? 

૩

રમણ ભાગી ગયો. રમણ જતો રહ્યો. 

એ બે-માંનું દરેક વાક્ય કેવાક સંજોગોમાં પ્રયોજી શકાય? 

— વિચારો અને થોડાક શબ્દોમાં એ સંજોગ વર્ણવો. 

૪

ભાત સારા થયા છે, જીરાને કારણે વધારે સ્વાદિષ્ટ લાગે છે. 

સાડીની આ ભાત મને ન ગમી. 

જીભમાં ભાત પડી છે એટલે બોલતાં નથી ફાવતું. 

વિદેશમાં લોકો ભાત ભાતના જોવા મળે છે. 

— ‘ભાત’ સાથેના અન્ય પ્રયોગો જણાવો.

૫

ભુલાઈ જઈ રહ્યું છે. 

— આ વાક્યમાં દર્શાવાયેલી ક્રિયાનું દાખલો આપીને વર્ણન કરો. 

= = =

(210925A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 September 2025

ખાલી કપ …

એક સફળ ડોકટર તેની વ્યસ્તતાથી થાકી ગયો. તે સતત દબાવ અને સ્ટ્રેસમાં કામ કરતો હતો. તેની ઊર્જા ઓછી થઇ રહી હતી. લાંબા કલાકો કામ કરીને તેનું ઊંઘવાનું અને ખાવા-પીવાનું અનિયમિત થઇ ગયું હતું. થાકી હારીને તે એક ઝેન ગુરુ પાસે ગયો.

તેણે ગુરુને તેની સિદ્ધિઓ અને જવાબદારીઓ વિશે વાત કરી અને કહ્યું કે તેની રાહત મહેસૂસ નથી કરતો. 

ગુરુએ શાંતિથી તેની વાતો સાંભળી અને પૂછ્યું કે ચા પીશો? ડોકટરે હા પાડી એટલે ગુરુએ જાતે ચા તૈયાર કરીને કપમાં રેડવાની શરૂ કરી. ડોકટર તાજ્જુબ બનીને ગુરુની હરકત જોતો રહ્યો. તેણે જોયું કે કપ ભરાઈ ગયો હતો, પણ ગુરુનું એમાં ધ્યાન નહોતું.

‘અરે! ઊભા રહો, કપ છલકાઈ ગયો,’ તેણે કહ્યું.

ગુરુએ શાંતિથી તેની સામે જોયું અને કહ્યું, ‘એ જ તો વાત છે. તું પણ આ કપ જેવો છે. એકદમ ભરાઈ ગયેલો – સતત કામમાં, વિચારોમાં, આયોજનોમાં વ્યસ્ત … આરામ, આનંદ કે જીવન માટે જગ્યા જ નથી. તારા કપને ખાલી કર.’

—————————————————

રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં, મોનિકા ચૌધરી નામની એક 29 વર્ષીય આંત્રપ્રિન્યોરે ઇન્સ્ટાગ્રામ પર તેની કેફિયત બયાન કરીને તહેલકો મચાવી દીધો હતો કે કામના લાંબા કલાકો, સ્ટ્રેસ અને બર્નઆઉટના પગલે તેની તંદુરસ્ત જીવનશૈલી ખરાબે ચઢી ગઈ હતી અને અંતત: તે ચોથા સ્ટેજના કોલોન (આંતરડાના) કેન્સરનો ભોગ બની હતી. 

સંશોધન કહે છે કે નિયમિત સ્ટ્રેસ અને બર્નઆઉટથી શરીરમાં હોર્મોનલ સંતુલન ખોરવાય છે અને ઇન્ફલેમેશન વધે છે, જેનાથી હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ અને હવે કેન્સરની સંભાવનાઓ વધી જાય છે.

‘મારા સ્વાસ્થ્યનો સવાલ છે ત્યાં સુધી,’ મોનિકાએ લખ્યું હતું, ‘હું બહુ ચીવટવાળી હતી. હું તંદુરસ્ત આહાર લેતી હતી અને ડાયટનું ધ્યાન રાખતી હતી. હું તળેલું કે તેલવાળું ખાતી નહોતી. મેં જ્યારે મારી વેબસાઈટ માટે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને ખ્યાલ નહીં આવ્યો કે તેમાં કેટલી બધી બાબતોનો ભોગ લેવાશે. એમાં નસીબનો વાંક નહોતો. એ લાંબા સમય સુધીના સ્ટ્રેસ, બર્નઆઉટ અને શરીરની સંપૂર્ણ ઉપેક્ષાનું પરિણામ હતું.’

મોનિકાએ એક શબ્દ વાપર્યો હતો; બર્ન-આઉટ. ઓક્સફર્ડ શબ્દકોશ અનુસાર, બર્નઆઉટ એટલે કામ કરીને શારીરિક અને માનસિક રીતે થાકી જવું. આવું દરેક વ્યક્તિ સાથે કોઈને કોઈ તબક્કે થાય છે. અમુક લોકોને એક અથવા થોડા દિવસ માટે આવો અનુભવ થાય છે, બીજા લોકોને વર્ષો સુધી થાય છે. 

આપણે કામ કરવાની, લોકોને મદદ કરવાની, પરિવારની સંભાળ રાખવાની, સંબંધો ટકાવી રાખવાની, પોતાની અને બીજાઓની લાગણીઓનો સામનો કરવાની રોજિંદી જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આરામ, રાહત કે જાતનું ધ્યાન રાખવાનું નકારતા જઈએ છીએ. ત્યારે જ “બર્નઆઉટ” થવાનું શરૂ થાય છે.

મોનિકાના કિસ્સામાં બન્યું હતું તેમ બર્નઆઉટની સ્થિતિ સ્ટ્રેસના કારણે આવી શકે, પરંતુ એ બંને એક નથી. સ્ટ્રેસ વધુ પડતા માનસિક અને શારીરિક દબાણ અને તમારા સમય અને શક્તિના વધુ પડતા વ્યયના પરિણામે થાય છે. બર્નઆઉટ વાસ્તવમાં અભાવનું પરિણામ છે; લાગણીનો અભાવ, મોટિવેશનનો અભાવ, દરકારનો અભાવ વગરે. સ્ટ્રેસ તમને વ્યાકુળ કરી નાખે, બર્નઆઉટ તમને ખાલી કરી નાખે.

બર્નઆઉટ મોટાભાગે ધંધા-રોજગાર-વ્યવસાય સંબંધી હોય છે, પરંતુ તેની અસર અંગત જીવન, જેમ કે પરિવાર સાથેના સંબંધો પર પણ પડે છે. ઘણીવાર અંગત જીવનની મુશ્કેલીઓ પણ કામમાં બર્નઆઉટની સ્થિતિને જન્મ આપે છે. આ બધું ભેગું થઈને વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તીને અસર કરે છે.

સામાન્ય રીતે, માણસ શારીરિક અને માનસિક રીતે ઘણો દૃઢ હોય છે. તે સંઘર્ષોથી પાછો નથી પડતો. ભારતમાં એવા લાખો લોકો છે જે બે ટંક ભેગી કરવા માટે રાતદિવસ કાળી મજદૂરી કરે છે. તેમને ન તો સ્ટ્રેસ નડે છે કે ન તો ડિપ્રેશન. તેનું કારણ એ છે કે તેમના સંઘર્ષમાં એક હેતુ છે, પ્રયોજન છે, અર્થ છે. તમારી મહેનતમાં તમને કોઈ અર્થ નજર આવે ત્યારે તે તમારા માટે ‘રમત’ બની જાય છે. 

જેમ કે બાળકને જન્મ આપવો અને તેને મોટું કરવું તે એક સ્ત્રી માટે શારીરિક અને માનસિક રીતે થકવી નાખે તેવી જવાબદારી છે, પરંતુ તેમાં તેને એક સાર્થકતાનો અહેસાસ થાય છે, અને એટલે જ તે સ્ટ્રેસ કે બર્નઆઉટ મહેસૂસ નથી કરતી.

કોઇપણ કામ અથવા જવાબદારીમાં બર્નઆઉટ ત્યારે શરૂ થાય જ્યારે તે નિરર્થક લાગવા માંડે. વર્ષોથી સરકારી નોકરી કરતા એક મિત્રએ એકવાર પૂછ્યું હતું, ‘કેરિયર, નોકરી, ધંધો એક તબક્કે આવીને નિરર્થક કેમ લાગે? સફળતા કે પ્રમોશન માટેનો સંઘર્ષ અર્થહીન કેમ લાગે? કશું મળી ગયા પછી કેમ એવું લાગે કે એ ખાસ અગત્યનું નહોતું?’

આ બર્નઆઉટનાં લક્ષણ છે. કામકાજમાં દીર્ઘકાલીન સ્ટ્રેસના પગલે ત્રણ ચીજો ઘટે છે : થકાવટ (કામ કરવાનો ઉત્સાહ ન હોય), ભાવશૂન્યતા (કામ સાથે લગાવ ન હોય) અને અક્ષમતા (વ્યવસાયિક ક્ષમતામાં ઘટાડાનો અહેસાસ). 

તેના માટે જોબ બર્નઆઉટ શબ્દ છે. 1974માં, હર્બટ ફ્રોડેનબર્ગર નામના જર્મન-અમેરિકન મનોવિજ્ઞાનીએ, Burnout: The High Cost of High Achievement નામના પુસ્તકમાં પહેલીવાર આ શબ્દ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કામ કર્યા પછી મળતા વળતર, સન્માન અને વિશ્રામની સરખામણીમાં કામનું ભારણ, ડેડલાઈન, કામના કલાકો અને સ્ટ્રેસ વધી જાય ત્યારે બર્નઆઉટ થવાય. 

તમને કોઈ વ્યક્તિને જાણતા હોવ પણ નામ યાદ આવતું ન હોય તેવું બન્યું છે? અથવા તમને કોઈ ફિલ્મના જાણીતા ગીતના શબ્દો સૂઝતા ન હોય? અથવા કોઈ જગ્યાએ તમે ગયેલા હોવ પણ એનું નામ જીભ પર આવતું ન હોય? તેને હૈયે છે પણ હોઠે ન આવવું કહે છે.

ફ્રોડેનબર્ગર તેમની પાસે આવતા લોકોની સમસ્યાને આ રીતે સમજતા હતા. એ લોકો તેમના જીવનમાં ‘કશું’ શોધી રહ્યા હતા. ‘શું’ તે ખબર નહોતી. તેમને લાગતું હતું કે તેઓ એક ઔર સિદ્ધિ કે સફળતા હાંસલ કરશે, તો તેઓ જે શોધી રહ્યા છે તે મળી જશે. પરંતુ સિદ્ધિનું દરેક પગથિયું સર કર્યા પછી પણ એ ‘કશાક’ની ખોટ સાલતી રહેતી હતી.

આધુનિક વર્ક કલ્ચરની સમસ્યા એ છે કે એ તમને કશું હાંસલ કર્યાંનો ક્ષણિક સંતોષ આપે છે, પરંતુ લાંબા ગાળે તમને થકવી નાખે છે. 1936માં, ચાર્લી ચેપ્લિનની એક ફિલ્મ, મોડર્ન ટાઈમ્સ, આવી હતી. ઔધોગિક ક્રાંતિએ પ્રોડકશનની એક એવી તોતિંગ ચક્કી ઊભી કરી હતી કે તેમાં કામ કરતા માણસો મશીનનો જ એક હિસ્સો બની ગયા હતા. ફિલ્મમાં ચેપ્લિને એક એવા કામદારનો કિરદાર કર્યો હતો, જે રાક્ષસી મશીનમાં કામ કરીને પાગલ થઈ જાય છે. મશીન યુગ પર આ ફિલ્મ એક સટિક વ્યંગ્યાત્મક કૉમેન્ટ હતી.

એ સાચું કે શોખ જ વ્યવસાય બની જાય તેનાથી ઉત્તમ જીવન બીજું ન હોય, પરંતુ મોટાભાગના લોકો બોરિંગ કામમાં વ્યસ્ત હોય છે, કારણ કે ભૌતિક સુખ-સુવિધા આપણો નંબર વન હેતુ છે. આપણે દેખાદેખીથી જીવીએ છીએ. આપણે સરખામણીમાં જીવીએ છીએ. ખૂબ બધા પૈસા કમાવાના પ્રેશરમાં આપણે, ચેપ્લિનની જેમ, રોજ એક મશીન જેવા રૂટિનમાં જીવીએ છે.

ભારતની ખબર નથી, પણ 43 ટકા અમેરિકનો અને 87 ટકા ઓસ્ટ્રેલિયન મેનેજરો ફરિયાદ કરે છે કે તેમના કર્મચારીઓ કામથી કંટાળેલા છે. 63 ટકા અમેરિકનો તેમના અંગત જીવનમાં બોરડમનો અનુભવ કરે છે. યુનિવર્સિટી ઓફ લેંકેશાયરનો સર્વે કહે છે કે ઇંગ્લેન્ડમાં વર્કપ્લેસ પર બોરડમ બીજા નંબરની સોથી વધુ વ્યક્ત થતી લાગણી છે. પહેલા નંબરે ગુસ્સો છે.

દરેક વ્યક્તિ સમય-સમય પર કંટાળી જતી હોય છે. એવું કેમ થાય છે તે સમજવા માટે વ્યક્તિએ ખુદની અંદર ઝાંખવું જોઈએ. અલગ-અલગ કારણોસર વ્યક્તિ ગમતા કામમાં મગ્ન ન થઈ શકે અથવા કામને ગમતું ન કરી શકે.

1. સ્ટ્રેસ અને એન્ગઝાઈટીને હેન્ડલ કરતાં ન આવડે તો કામ પર અસર પડે. વ્યક્તિની પારિવારિક, આર્થિક, ભાવનાત્મક પરિસ્થિતિ સ્ટ્રેસ અને એન્ગઝાઈટી માટે કારણભૂત હોય શકે. સ્ટ્રેસ-ફ્રી જીવન વધુ પ્રોડક્ટિવ અને ક્રિએટિવ હોય છે.

2. આત્મ-સન્માનની સમસ્યા હોય. ઘણીવાર વ્યક્તિ આજુબાજુના લોકોમાં ફિટ-ઇન ન થઈ શકતી હોય તો તેના આત્મવિશ્વાસ પર અસર પડે અને તે વળતામાં કામને અસર કરે. કામ આત્મસન્માનનો સોર્સ બનવું જોઈએ.

3. બોરિંગ રૂટિન હોય. માણસોને ઉત્તેજનાની બહુ જરૂર હોય છે. એનું જીવન જો ઘાંચીના બળદની જેમ એકધાર્યું થઈ ગયું હોય, નોવેલ્ટીનો અભાવ હોય, પડકારની ગેરહાજરી હોય તો પણ ઝડપથી કંટાળો આવે.

4. ઘણીવાર જે કામ કરતા હોઈએ તે ક્ષમતા, સ્કિલ અને ઇન્ટરેસ્ટ કરતાં ઉતરતું હોય. આપણું કામ અને આપણું લક્ષ્ય આપણા કરતાં મોટું હોવું જોઈએ.

5. વધારે પડતો ફ્રી ટાઈમ હોય. માણસે પ્રોડક્ટિવ રહેવા માટે વ્યસ્ત રહેવું પડે, ડેડલાઈનમાં કામ કરવું પડે, કામની ગુણવત્તાને લઈને અસલામતી અને ડર હોવો જોઈએ. બધું જ જો સરળતાથી મળતું હોય તો માણસ તેનું બેસ્ટ ન આપી શકે.

6. ફિઝિકલ ફિટનેસનો પ્રભાવ આપણા વિચારો, લાગણીઓ અને મનોભાવો પર પડે છે. ઘણા લોકોને ખબર નથી કે ફિઝિકલ ફિટનેસ અને મૂડસને ઘેરો સંબંધ છે. શરીરમાં સ્ફૂર્તિ ન હોય, શરીરમાં પરેશાનીઓઓ હોય તો મન પણ તેજ ન રહી શકે.

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 29 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...245246247248...260270280...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved