Opinion Magazine
Number of visits: 10081238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બધા ધર્મોના લોકોને ગાંધીનો અહિંસક તમાચો! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|1 October 2025

વાયબ્રન્ટ ગુજરાતનું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનું અંકલેશ્વરથી આશરે ૭૦ કિલોમીટર દૂરનું થવા ગામ. થવા અને આજુબાજુનાં ચાલીસેક ગામોમાં વીજળી ગમે ત્યારે કલાકો સુધી અને અનેક વાર ડૂલ થઈ જાય. આ રોજનો ક્રમ. સરકારની બસ તો દિવસમાં બેત્રણ વખત જ આવે છે! 

આવા થવા ગામમાં  BRS, BEd અને MSW એમ ત્રણ કોલેજોમાં અને એક શાળામાં આશરે ૧,૧૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો સમક્ષ ગઈ કાલે અને આજે આપેલાં ત્રણ વ્યાખ્યાનોમાં જણાવેલા મુખ્ય મુદ્દા :

(૧) ગાંધીનો અર્થ સરકારે ઊંધા ચશ્માં કર્યો છે, માત્ર ઝાડૂ અને સફાઈ કરી નાખ્યો છે. ઊંધી સરકારનો આ ઊંધો અર્થ છે. ખરેખર તો, ગાંધી એટલે અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર, એટલે કે સત્યાગ્રહ. 

(૨) ગાંધીએ હિંસાને સ્થાને અહિંસાને પરિવર્તનનું સાધન બનાવવાની કોશિશ કરી. એના પ્રયોગો કરનારા તરીકે ગાંધી માનવજાતના પહેલા માણસ હતા. 

(૩) ગાંધીએ તોપબળ નહીં પણ તપબળને, અને દ્વેષધર્મને બદલે પ્રેમધર્મને પ્રયોજ્યાં. ગાંધી કહે છે કે હિંસા અસ્વાભાવિક ઘટના છે, અહિંસા જ સ્વાભાવિક ઘટના છે. જો એવું ન હોત તો માણસજાત ક્યારની ય મરી ગઈ હોત. અહિંસાને સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન માટે પ્રયોજવાની જરૂર છે. દુનિયામાં અત્યારે યુદ્ધો ચાલે છે ત્યારે ગાંધીની અહિંસા જ મહત્ત્વની બને છે. 

(૪) ગાંધી ભારે શ્રદ્ધાળુ હતા, રોજ સવારસાંજ પ્રાર્થના કરતા હતા. પણ કોઈ મંદિરમાં ગયા હોય એવું જાણમાં નથી આવતું. ગાંધીને ઇશ્વરમાં રસ હતો, ઈશ્વરનાં સ્થાનકોમાં નહીં, કર્મકાંડમાં નહીં. 

(૫) ગાંધીએ ઈશ્વરની વ્યાખ્યા બદલી નાખી. બધા ધર્મોવાળા તેમના ઇશ્વર, અલ્લાહ, ગોડ વગેરેને ભગવાન સમજીને લડતા રહ્યા છે. દરેકનો ભગવાન જુદો જુદો છે. બધા એને નામે લડે છે. ગાંધીએ કહ્યું કે ઇશ્વર સત્ય છે એમ નહીં, “સત્ય જ ઇશ્વર છે.” જો આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો ધર્મો વચ્ચેના બધા ઝઘડા મટી જાય. પોતાના જ ભગવાનનો અને પોતાના જ ધર્મનો કક્કો ખરો કરવા માગતા લોકોને ગાંધીએ મારેલો આ અહિંસક ઈશ્વરીય તમાચો છે. ગાંધીનો કોઈ ધર્મ નથી; સત્ય, અહિંસા અને અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર એટલે કે સત્યાગ્રહ એ જ ગાંધીધર્મ છે.

(૬) ગાંધીએ છેક ૧૯૦૯માં લખેલા પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં માત્ર દેશના સ્વરાજની વાત નથી કરી, માણસના સ્વરાજની વાત કરી છે. તેઓ કહે છે કે, “મુખ્ય મુદ્દો વ્યક્તિના સ્વરાજનો છે.” આવું સ્વરાજ એટલે ખરી લોકશાહી અને સત્તાનું વિકેન્દ્રીકરણ. એટલે તેઓ કહેતા હતા કે એકેએક ગામ પ્રજાસત્તાક બને. 

(૭) ગાંધી રાજ્યની, સમાજની, ધર્મની અને અર્થતંત્રની સત્તા સામે વિદ્રોહ પોકારે છે. તેઓ દરેક મનુષ્યને સત્તા આપવા માગે છે. તેઓ એવું પ્રજાસત્તાક ઇચ્છે છે કે જેમાં બધા જ મનુષ્યો સ્વતંત્ર હોય. દેશ આઝાદ હોય અને લોકો ગુલામ, એવી આઝાદી ગાંધીને નથી જોઈતી. ગાંધીને મન એ સ્વરાજ નથી. 

(૮) ગાંધીનું સ્વદેશી એ મનુષ્યના સ્વરાજ માટેનું સ્વદેશી છે, માત્ર વસ્તુઓના ઉત્પાદન અને રોજગારી માટેનું નહીં, અત્યારની આત્મનિર્ભરતા માટે નહીં. જો અત્યારે ૫,૪૦૦ વિદેશી કંપનીઓ દેશમાં ઉત્પાદન કરતી હોય અને ૧૧,૨૦૦ જેટલી વિદેશી કંપનીઓ શેરબજારમાં રોકાણ કરતી હોય તો એવું આત્મનિર્ભર ભારત ગાંધીના સ્વદેશીનું ભારત નથી.

(૯) ગાંધી સમાનતાનો, અહિંસાનો, ન્યાયનો અને સત્યનો, લોકશાહીનો માણસ છે. અને એટલે જ દુનિયાનાં ૮૦ દેશોમાં એનાં પૂતળાં છે. ભારતની દુનિયાને સૌથી મોટી કોઈ દેણ હોય તો તે મહાત્મા ગાંધી છે; રામ, કૃષ્ણ કે શંકર જેવા દેવ કે દેવાધિદેવ નહીં. એ બધાના હાથમાં બીજાને મારવાનું શસ્ત્ર છે. ગાંધીના હાથમાં રેંટિયો એટલે કે ઉત્પાદનનું શસ્ત્ર છે. ઉત્પાદન એટલે રોજગારી, આવક અને શાંતિ. એનો અહિંસક શસ્ત્ર તરીકે તેમણે આઝાદીના આંદોલનમાં વિનિયોગ કર્યો. શાશ્વત શાંતિનું નિર્માણ હિંસાથી ન થઈ શકે. અહિંસા જ એનું સાધન બની શકે. 

(૧૦) ૫૬૫ જેટલાં રજવાડાં એટલે કે દેશો ભેગા કરીને ભારતનો જે નકશો ૧૯૫૦માં બન્યો તે પણ ગાંધીની સર્વસમાવેશક અહિંસક વિચારધારાનું પરિણામ છે. એ નકશામાં નવું ઉમેરવાની વાત છોડો, જે છે તે બચી રહે તો પણ ભયો ભયો. 

તા.૩૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ કેમ કાયમી બની શકી નહીં?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 October 2025

ચંદુ મહેરિયા

લગભગ સવા નવ દાયકા પૂર્વેનો પૂના કરાર આજે ય ચર્ચાસ્પદ છે. ચોવીસમી સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ થયેલો પૂના કરાર દલિતોના વર્તમાન રાજકીય, શૈક્ષણિક અને વહીવટમાં પ્રતિનિધિત્વનો પાયાનો દસ્તાવેજ છે. પૂના કરારમાં કરવામાં આવેલી દલિતો માટેની શિક્ષણ, નોકરીઓ અને ચૂંટણીઓમાં ખાસ સવલતોની જોગવાઈઓ પછી ૧૯૩૫ના હિંદ સ્વાતંત્ર્યધારા અને સ્વતંત્ર ભારતના બંધારણમાં પણ સમાવવામાં આવી હતી. જો કે ડો. બાબાસાહેબ આંબેડકરની માંગણી દલિતો માટે અલગ મતાધિકારની હતી. પરંતુ તેની વિરુદ્ધના ગાંધીજીના આમરણ અનશનને કારણે તે પડતી મુકવી પડી હતી. એટલે પૂના કરાર દિનને દલિતોનો બહુમતી વર્ગ ધિક્કાર દિન કે વિરોધ દિન તરીકે મનાવે છે.

ભારતની ભાવિ રાજ્યવ્યવસ્થાની ચર્ચા માટે લંડનમાં ગોળમેજી પરિષદો યોજાઈ હતી. ડો. આંબેડકરે દલિતો માટે અલગ મતાધિકારની માંગણી કરી હતી. પરંતુ મુસ્લિમો અને બીજાઓના કોમી મતદારમંડળોની માંગણી સ્વીકારનાર કાઁગ્રેસ અને ગાંધીજી દલિતોની માંગણીના મુદ્દે નામકર ગયા હતા. દલિતો માટે અલગ મતદારમંડળને ગાંધીજી ‘હિંદુ સમાજનો નાશ કરે તેવું ઝેર’ માનતા હતા. જ્યારે ગોળમેજી પરિષદમાં આ મુદ્દે કોઈ નિર્ણય ન થઈ શક્યો ત્યારે  આખરી ફેંસલો કરવાનું તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન રામ્સે મેકડોનાલ્ડ પર છોડવામાં આવ્યું. તેમણે અલગ મતાધિકારને માન્ય રાખતાં ગાંધીજીએ તેના વિરોધમાં પૂનાની યરવડા જેલમાં આમરણ ઉપવાસની ઘોષણા કરી અને તેની જાણ બ્રિટિશ સરકારને કરી હતી. રામ્સે મેકડોનાલ્ડે  તેમના આઠમી સપ્ટેમ્બર ૧૯૩૨ના ઐતિહાસિક પત્રના અંતમાં લખ્યું હતું કે, ‘ભારતીય પ્રતિનિધિઓ પ્રતિનિધિત્વની બાબતમાં સર્વસંમતિ સાધી શક્યા નહીં એટલે બ્રિટિશ સરકારે અનિચ્છાએ આ બાબતે નિર્ણય કરવો પડ્યો છે.’ ‘અલગ મતદાર મંડળનો સરકારનો નિર્ણય અફર’ હોવાનું જણાવી તેમણે ‘જુદી જુદી કોમો વચ્ચે સમજૂતી થાય તો એ સમજૂતીનો અમલ કરવા સરકાર નિર્ણય બદલશે’ તેમ કહીને જવાબદારી ડો. આંબેડકરના શિરે મૂકી હતી.. 

આમરણ ઉપવાસમાંથી ગાંધીજીનો જીવ બચાવવાની કપરી જવાબદારીના બોજ તળે દબાયેલા બાબાસાહેબે અલગ મતાધિકારની માંગણી પડતી મૂકી અને રાજકીય અનામતોથી સંતોષ માન્યો. પૂના કરારની નવ જોગવાઈઓ પૈકીની ત્રીજી મહત્ત્વની જોગવાઈ  એ હતી કે પ્રાંતિક  અને કેન્દ્રિય ધારાસભાઓની અનામત બેઠકો પર મુખ્ય ચૂંટણી પહેલાં દલિત ઉમેદવારની પ્રાથમિક ચૂંટણી કરવામાં આવશે. એ જોગવાઈ મુજબ અનામત બેઠકોના દલિત મતદારો પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારો ચૂંટી કાઢશે. એ ઉમેદવારો મુખ્ય ચૂંટણીમાં ઉમેદવારી કરીને દલિત-બિનદલિત તમામ મતદારોના મત માગશે. એટલે કે ચાર ઉમેદવારોની પેનલ નક્કી કરવાનું સંબંધિત મતવિસ્તારોના દલિતોના હાથમાં હતું. પરંતુ તે ચારમાંથી મુખ્ય ચૂંટણીમાં કોણ જીતશે એ નક્કી કરવાનું કામ દલિત-બિનદલિત બંને મતદારોના હાથમાં હતું.

પૂના કરારની શરતો, ખાસ કરીને સંયુક્ત મતદાર મંડળની મતદાન પદ્ધતિ નક્કી કરવા બ્રિટિશ સરકારે ‘હેમન્ડ કમિટી’ની રચના કરી હતી. આ સમિતિમાં ચર્ચાયેલા મુદાઓમાં એક મુદ્દો પ્રાથમિક ચૂંટણી અંગેનો હતો. પૂના કરારમાં પ્રાથમિક ચૂંટણી દ્વારા ચાર દલિત ઉમેદવારની પેનલ ચૂંટી કાઢવાની વાત હતી. ચાર ઉમેદવારો એટલે ઓછામાં ઓછા ચાર કે વધુમાં વધુ ચાર, એ વિશે હેમન્ડ સમિતિ સમક્ષ વિવાદ થયો હતો. કોંગ્રેસ ઇચ્છતી હતી કે જે અનામત બેઠક પર  ચાર કરતાં ઓછા દલિત ઉમેદવારો હોય,  તે બેઠક ખાલી રહેવી જોઈએ. ડો. આંબેડકરના મતે, મુખ્ય આશય યોગ્ય દલિત પ્રતિનિધિત્વનો અને તે માત્રને માત્ર દલિતો જ નક્કી કરે તેનો હોવાથી પ્રાથમિક ચૂંટણીમાં ચાર ને બદલે ત્રણ, બે, કે એક દલિત જ ઉમેદવાર હોય તો પણ તે બેઠક ખાલી રાખવાની જરૂર નથી.  તેમને એવું લાગતું હતું કે પ્રાથમિક ચૂંટણીમાં દલિત મતદારો પોતાના સમાજમાંથી ચાર ઉમેદવારોને બદલે કોઈ એક ઉમેદવારને જ સર્વાનુમતે પસંદ કરે, તો એ ઉત્તમ કહેવાય. કાઁગ્રેસને તે મંજૂર નહોતું, કારણ કે દલિતો એકતા સાધીને ચારને બદલે એક જ ઉમેદવાર પસંદ કરે તો પોતાનો કહ્યાગરો દલિત ઉમેદવાર જીતાડવાની કાઁગ્રેસની ઈચ્છા પૂરી ન થાય. એકથી વધારે દલિત ઉમેદવારો હોય તો જ કાઁગ્રેસ તેમની વચ્ચેની હરીફાઈનો લાભ ઉઠાવીને, બિનદલિત મતોના જોરે પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારને જીતાડી શકે. હેમન્ડ સમિતિએ ડો. આંબેડકરની રજૂઆત સ્વીકારી હોવાનું ખુદ ડો. આંબેડકરે નોંધ્યું છે, પણ એ મુજબ મુખ્ય ચૂંટણી પહેલાં પ્રાથમિક ચૂંટણીઓની જોગવાઈનો અમલ થયો હોય એવું જણાતું નથી. 

૨૩મી એપ્રિલ ૧૯૩૩ના રોજ ડો. આંબેડકર ગાંધીજીને યરવડા જેલમાં મળ્યા ત્યારે પણ પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ અંગે ચર્ચા થઈ હતી. ડો. ધનજંય કીર બાબાસાહેબના જીવનંચરિત્રમાં આ સંદર્ભે લખે છે કે બાબાસાહેબે ગાંધીજીને કહેલું, ‘અસ્પૃશ્ય વર્ગના ઉમેદવારોને (પ્રાથમિક અને મુખ્ય, એમ) બે ચૂંટણીઓ લડવાનો ખર્ચ આકરો પડે છે. માટે, પ્રાથમિક ચૂંટણીને સામાન્ય ચૂંટણીમાં વિલિન કરવી જોઈએ. જે દલિત ઉમેદવારને સામાન્ય ચૂંટણી લડવી હોય તેણે પ્રાથમિક ચૂંટણીમાં ઓછામાં ઓછા પચીસ ટકા મત મેળવવા પડે, એવી શરત રાખવી જોઈએ.’ (ડો.આંબેડકર : જીવન અને કાર્ય,  ડો. ધનંજય કીર, પૃષ્ઠ- ૨૭૯) 

પૂના કરારના મુસદ્દાને આખરી ઓપ આપતા પહેલાં, બાબાસાહેબે પ્રાથમિક ચૂંટણીની શરત અંગે પોતાના સાથીદારો સાથે વિગતે ચર્ચા કરી હતી. ત્યાર પછી જ તેમણે પ્રાથમિક ચૂંટણીની શરત માન્ય રાખી હતી. પરંતુ પ્રાથમિક ચૂંટણીમાં દલિતોના મત મેળવવામાં મોખરે રહેતા ડો. આંબેડકરના પક્ષના ઉમેદવારો સામાન્ય કે મુખ્ય ચૂંટણીમાં બિનદલિત મતદારોના મતો મેળવવામાં પાછળ રહેતા હોઈ હારી જતા હતા. એટલે બાબાસાહેબ કહેતા હતા કે અમને મતો મળે છે પરંતુ બેઠકો મળતી નથી. કાઁગ્રેસની પોતાના કહ્યાગરા દલિત ઉમેદવારોને જ જિતાડવાની આ ચાલને કારણે દલિતોને લાયક પ્રતિનિધિત્વ મળી શક્યું નહીં. 

રાજકીય અનામત બેઠકોની વર્તમાન નીતિમાં દલિત હિતને બદલે પક્ષીય હિતને પ્રાધાન્ય આપતા દલિત ઉમેદવારો ચૂંટાય છે તે સ્થિતિમાં રાજકીય અનામત બેઠકોની નીતિને વધુ અસરકારક બનાવતી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને બાબાસાહેબે સૂચવેલા સુધારા સાથે કાયમી ધોરણે અમલી બનાવવાની સબળ માગ ઊઠાવવાની આવશ્યકતા છે. દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તેવી (અંશત: અલગ મતદાર મંડળની જોગવાઈ જેવી) આ શરત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા બનવો જોઈએ. 

પૂના કરારના ત્રાંણું વરસના અંતિમ દિવસે ગાંધીના ગુજરાતના દલિતો સંકલ્પ દિન(૨૩મી સપ્ટેમ્બર)ની ઉજવણીમાં રમમાણ છે. યુવાન આંબેડકરે વડોદરા રાજ્યમાં આભડછેટના કારણે ઘર ન મળતા નોકરી છોડવી પડી હતી. ૨૩મી સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ વડોદરા છોડતાં પહેલાં તેમણે સજળ આંખે નાતજાતના ભેદને તેના મૂળમાંથી ખેંચી કાઢવાનો સંકલ્પ કર્યો હતો. તેની સ્મૃતિમાં ઉજવાતા સંકલ્પ દિવસે દલિતો પૂના કરારની પાયાની પણ વિસારે પાડી દેવાયેલી પ્રાથમિક ચૂંટણીની જોગવાઈને નવા રૂપે અમલી બનાવી બાબાસાહેબના અલગ મતાધિકારના સંકલ્પને સાકાર કરવાનું પ્રણ લેશે કે? 

e.mail : maheriyachandu@gmail.com

Loading

સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|1 October 2025

ગાંધી અને આંબેડકર વચ્ચે મતભેદ હતા, પણ બન્નેનો હેતુ સમાજ સુધારવાનો જ હતો. પુના કરાર પછી પણ ગાંધીજી દલિતોના હક માટે સતત લડ્યા

પ્રકાશ ન. શાહ

સપ્ટેમ્બર 1932ના પુના કરારની પિછવાઈ પર ગાંધી જયંતીના પૂર્વ દિવસોમાં આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે આંબેડકરને દાપો દરમાયો આપી શકનાર સયાજીરાવ ગાયકવાડ ગામમાં ઘર અપાવી શક્યા નહોતા એ ઐતિહાસિક તથ્યને વામપંથીઓને ઉપજાવેલ કથાનક (નેરેટિવ) તરીકે ધરાર ઘટાવનાર મંડળી મુખપોથી પર મચી પડી છે.

ભાઈ, આંબેડકર વિશે ગાંધી તરફે અગર ગાંધી વિશે આંબેડકર તરફે કે પછી બંને બાબતે મૂલ્યાંકનભેદ જરૂર હોઈ શકે. પણ દલિત હોવું એ કેવી અમાનવીય અનવસ્થા હોઈ શકે એનું પ્રત્યક્ષ નિદર્શન જ્યારે એક દસ્તાવેજી હકીકત તરીકે આપણી સામે આવે ત્યારે એને વગર આધારે પડકારીએ તે કદાચ એવી માનસિકતા સૂચવે છે જેમાં ન્યાયી પરિવર્તન પરત્વે કશોક અંતરિયાળ અવરોધ હોઈ પણ શકે.

ગોપાલ ગુરુ જેવા અભ્યાસીને ગાંધીનો જે ગુણ વસ્યો છે તે તો એ કે આ એક એવો ઉજળિયાત નેતા નીકળ્યો જે દલિતો સાથેના ભેદભાવને ખોટો ગણવા ઉપરાંત તેમાં પોતાનું સામાજિક દાયિત્વ પણ જાણેસમજે છે અને એના સ્વીકારપૂર્વક પ્રાયશ્ચિતબુદ્ધિથી મંડી પડે છે.

મુદ્દે, ગોપાલ ગુરુના આ અવલોકનને એક પાયાની વિગત તરીકે સ્વીકારીએ તો જે એક બીજો પ્રશ્ન ઘણી વાર જોવા-અનુભવવા મળે છે એના કળણમાં ખૂંપવામાંથી ઊગરી શકીએ. ‘અમારા ગાંધી વિ. તમારા આંબેડકર’ કે ‘તમારા ગાંધી વિ. અમારા આંબેડકર’ આવી છાવણીઓ રાજકીય અગર બીજી સામસામી મોરચાબંધી વાસ્તે સગવડભરી હશે પણ સમાજ નવનિર્માણની દૃષ્ટિએ તે નથી દુરસ્ત, કે નથી તંદુરસ્ત.

‘અમારા ગાંધી’ સ્કૂલને કોણ યાદ અપાવશે એમની કચ્છયાત્રાના આ શતાબ્દી વર્ષમાં કે આંબેડકર સામે મોરચો ખોલવા ગાંધીને ખપમાં લેવાતા ભલે હોય – એમની કચ્છયાત્રામાં ડગલે ને પગલે એમની સાથે સલામત અંતરનો (કહો કે અસ્પૃશ્યવત વહેવાર કરતો) એક ઉજળિયાત તબકો ત્યારે હતો. અને, ‘અમારા આંબેડકર’ સ્કૂલને કોણ યાદ અપાવશે કે પ્રાયશ્ચિતબુદ્ધિથી તમારી તરફે ઝૂકવા સબબ ગાંધી કઈ હદે હડધૂત થઈ રહ્યા હતા.

પુના કરાર પછી નવેમ્બર 1933થી જુલાઈ 1934ના આશરે નવ મહિનાના ગાળા માટે ગાંધીએ બાર હજાર માઈલ કરતાં વધુ પ્રવાસ હરિજન યાત્રા નિમિત્તે ખેડ્યો હતો. આ ગાળા દરમ્યાન, પુનાની મુલાકાત વખતે એમના મિશનને લક્ષમાં લઈ જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. માત્ર હડધૂત થયે નહીં અટકતાં હત્યાનું નિશાન બનવું, એ કેમ જાણે ગાંધીની ઇતિહાસનિયતિ ન હોય!

આ જ માનસ 1944માં મહાબળેશ્વરમાં ગાંધી પર છૂરા સાથે હુમલાની કોશિશ વાટે પ્રગટ થયું હતું. અદ્વૈત, તત્ત્વજ્ઞાનનું અભિમાન પોકારતી પ્રજા દલિત ને મુસ્લિમ બાબતે આવી ને આટલી આળી કાં કે એક સર્વજન હિતેચ્છુ જીવનસાધકને મારવા લે. ગાંધીએ ત્યારે પણ હુમલાખોર(ગોડસે)ને કહ્યું હતું કે સેવાગ્રામ આવી મારી સાથે થોડા દિવસ રહો – આપણે એકબીજાને સમજીએ.

બિલકુલ આ જ વહેવાર હતો ગાંધીનો સુહરાવર્દી સાથે. જુલાઈ 1946ના ‘ડાઈરેક્ટ એક્શન’ના બંગાલ હીરોને ઓગસ્ટ-સપ્ટેમ્બર 1947માં ગાંધીએ કહ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન સારુ એ શરતે રોકાઉં કે તમે એક ફકીર પેઠે મારી સાથે જોડાઓ. શાંતિ સ્થપાઈ – માઉન્ટબેટનના શબ્દોમાં પંચાવન હજારનું દળ ન કરી શક્યું તે આ ‘વન મેન આર્મી’એ કર્યું! પંજાબની અશાંતિ સાદ દેતી હતી પણ ગાંધીએ ગાંઠ મારી હતી કે અહીં શાંતિ સ્થાપું તો ત્યાં જવુંયે ફળદાયી થઈ શકે.

સપ્ટેમ્બર 1947માં સ્વરાજી ભારતે ગાંધીના પ્રથમ અનશન જોયા. જેના યશસ્વી અંત પછી, શાંતિ મિશન સારુ દિલ્હી જવા ઉપડતા ગાંધીને સ્ટેશને વિદાય આપવા જનારાઓમાં એક સુહરાવર્દી પણ હતા, આંખમાં આંસુ સાથે.

મહાબળેશ્વરોત્તર ગોડસેમાં એવો કોઈ બદલાવ આવ્યો નહીં તે આપણે 1948ની 30મી જાન્યુઆરીએ જોયું જ્યારે માધવ રામાનુજના કવિબોલમાં કહીએ તો એક સાથે બબ્બે સૂરજ આથમ્યા હતા : સમજવાલાયક મુદ્દો અહીં કદાચ એ એક જ છે કે ભાગલાની જોગવાઈ મુજબ પાકિસ્તાનને આપવાની થતી રકમના અમલ માટેના આગ્રહને કારણે હું ગાંધીનો જાન લેવા પ્રેરાયો તે બહુ જાડું વિધાન છે. જે માનસિકતા હરિજનયાત્રા વખતે 33-34માં કે પછી મહાબળેશ્વરની ઘટનામાં (1944માં) કામ કરતી હતી 1948માં ‘આતતાયી વધ’ કરીને જ જંપી.

સપ્ટેમ્બર 1947માં કોલકાતા પ્રકરણ આટોપી ગાંધી દિલ્હી પહોંચ્યા ત્યારે સ્ટેશન પર એમને લેવા આવેલા સરદારે કહ્યું કે અશાંત બલકે તંગ પરિસ્થિતિવશ આ વખતે તમારો ઉતારો ભંગી કોલોનીને બદલે બીજે રાખવાની ફરજ પડી છે. જે દૃશ્યો ગાંધીએ દિલ્હીમાં જોયાંજાણ્યાં તેની અસર એમના હૃદયને કઈ હદે થઈ હશે? 

બીજી ઓક્ટોબરે એમના જન્મદિવસે મળવા માઉન્ટબેટન પહોંચ્યા ત્યારે ગાંધીએ કહ્યું કે પહેલાં હું સવાસો વરસ જીવવાની વાત કરતો હતો, હવે એવું નથી કહેતો.

અલબત્ત, એમનું જીવન હતું તો સ્વાર્પણ-સમર્પણ સાક્ષાત. એમના અંતિમ ઉપવાસ, જાન્યુઆરી 1948 અધવચ, વળી દિલ્હીની અશાંતિ શમાવનારા બની રહ્યા. પાકિસ્તાનને અગાઉથી મુકરર રકમ આપવાના વિધિવત નિર્ણય છતાં ગાંધીના અનશનનો અંત ત્યારે આવ્યો નહોતો એ અધોરેખિતપણે નોંધવું જોઈએ. એમણે એક વ્યાપક ભૂમિકા લીધી હતી: સરહદની બંને બાજુએ લઘુમતીની સંભાળ લેવાય. પાક પંજાબની પ્રતિનિધિ સભામાં મુખ્ય મંત્રીએ કહ્યું કે ગાંધીના ઉપવાસે અમને લઘુમતીની સંભાળ વાસ્તે ઝકઝોરી મૂક્યા છે.

વાતનો બંધ વાળવામાં છું ત્યાં જોઉં છું કે બીજી ઓક્ટોબરે જો ગાંધી જયંતી છે તો દશેરા પણ છે. સંઘને સો વરસ પૂરાં થશે. શાંતિની અપીલમાં ગાંધીજી સાથે સંયુક્તપણે જોડાવાની ગો‌ળવલકરે ના પાડી હતી : મારું સમર્થન છે તેમ તમે જરૂર કહી શકો – પણ સહીમાં નહીં જોડાઈ શકું … સંઘવિચાર ને ગાંધીવિચાર વિશે, લગીર રહીને- યથાપ્રસંગ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 ઑક્ટોબર  2025

Loading

...102030...235236237238...250260270...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved