Opinion Magazine
Number of visits: 9965976
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાપી તેમાં ડૂબકી દઇને પુણ્‍યશાળી બને છે.

કમલેશ ઓઝા|Opinion - Opinion|12 September 2020

સંવેદનાની સફરમાં

મિ. વિવેક મિસ્‍ત્રી, તમારા પાલડી પરના આલીશાન ફ્લેટમાંથી તમે તમારી factory છત્રાલ જવા તમારી લકઝુરિયશ ઓડી ગાડીમાં દરરોજ માફક આજે પણ નીકળ્યા છો. આશ્રમ રોડ પર ધંધાકીય મુલાકાતો હોવાથી તમારા ડ્રાયવરને સૂચના આપો છો કે આશ્રમ રોડ પર Sales India પાસે ગાડી રોકજે, ત્‍યાં આપણે કોઇને મળવાનું છે

વિક્રમ ચેમ્‍બરમાં એડવોકેટ હરેશ માંડલિયાની તમારે કોઇ કાયદાકીય સલાહ લેવાની હોય છે અને દરરોજ માફક છાપામાં માથું નાખી Times of India વાંચો છો ત્‍યાં જ V.S. Hospital પાસેના રસ્‍તો પસાર થતાં તમે દરરોજ માફક, આજે પણ, બેબાકળા બની હોશમાં ન રહેતા ગભરાટ સાથે તમારા ડ્રાયવરને મોટે મોટેથી બૂમ પાડી કહો છો, જલદી ચલાવ ગાડી, રફીક, તું કેમ સમજતો નથી. આજ રસ્‍તે ગાડી કેમ ચલાવે છે ? રફીક જવાબ આપે છે, સાહેબ, આશ્રમ રોડ જવા માટે બીજે કયા રસ્‍તે લઉં. સવારના ટ્રાફીક સિગ્‍નલ પાસે તો મારે ઊભા રહેવું પડે ને, શેઠ ? તમારી અકલ્‍પનીય સ્‍થિતિમાં તમારા ગભરાટમા ને ગભરાટમાં તમારી સ્‍થિતિ બેબાકળી હોવાથી તમારી જાતને તમે તમારી પાછલી સીટ પર ફેંકી દઇ માથા પર હાથ મૂકી તીણી નજરે વી.એસ. હોસ્‍પિટલ રોડ અને એમ.જે. લાયબ્રેરી પસાર થઇ કે નહીં તે જોતાં જોતાં એચ.કે. આર્ટસ કોલેજ પરના રોડ આવી જાવો છો. ત્‍યારે સ્‍વસ્‍થ થતા થતા વિચારોના વમળમાં અટવાઇ જઇ, સેલ્‍સ ઇન્‍ડિયા અને વિક્રમ ચેમ્‍બર પરથી પસાર થઇ જાવ છો, જેનો તમોને ખ્‍યાલ રહેતો નથી.

મિ. વિવેક મિસ્‍ત્રી, તમારો ડ્રાયવર મિ. રફીક, તમારી અસમતોલ સ્‍થિતિના વિચારે ચડી જતાં વિદ્યાપીઠ ક્રોસ કરી, પસાર કરી ગાંધી આશ્રમ તરફ પસાર થઇ સાબરમતી ટોરન્‍ટ પાવર હાઉસ તરફ પ્રયાણ કરો છો. મિ. વિવેક મિસ્‍ત્રી, તમારી અને તમારા ખાસ આજ્ઞાંકિત ડ્રાઇવર મિ. રફીક બન્‍નેની સ્‍થિતિ વિમાસણવાળી હોય છે. તમારો ડ્રાયવર  સાબરમતી પાવર હાઉસ આવતાં પૂલ પર પસાર થતી તમારી ગાડીમાં તમારી અકલ્‍પનીય સ્‍થિતિ જોઇને કહે છે કે શેઠ કયાંક ચા-પાણી પીવા માટે ઊભા રહીએ ?  મિ. વિવેક મિસ્‍ત્રી, તમે શાંતિથી જવાબ આપતાં કહો છો કે હા, ભાઇ રફીક જરા કોઇ સારી રેસ્‍ટોરન્‍ટ હોય તો ચા પીએ. ગાડી રોકજે. સાબરમતી ટોરેન્‍ટ પાવર હાઉસથી થોડીક આગળ જતાં એક સરસ રેસ્‍ટોરન્‍ટમાં રફીક ગાડી રોકે છે અને તમે બન્‍ને રેસ્‍ટોરન્‍ટમાં પ્રવેશો છો. રફીકને દરરોજની માફક તમારી બિલકુલ સામે બેસાડી રફીકને મન ગમતી ચા – નાસ્‍તાનો ઓર્ડર આપવાનું સૂચન કરી, વેઇટરને ફુલ એ.સી ચાલુ કરવાનું કહો છો.

મિ. વિવેક મિસ્‍ત્રી તમારી બિલકુલ સામે બેઠેલો તમારો રફીક ખૂબ જ હિમ્‍મત એકઠી કરી તમને પૂછે છે કે શેઠ, માફ કરજો પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે અને પૂછવું છે વી.એસ. હોસ્‍પિટલ આવતા હર વખતની જેમ આજે પણ બન્‍યું એમ તમે બેબાકળા અને ગભરાટવાળી સ્‍થિતિમાં કેમ મૂકાઇ જાવ છો. અને તમારી સ્‍થિતિ લગભગ અસ્‍વસ્‍થ અને ચિતાંતુર કેમ બની જાય છે?

મિ. વિવેક મિસ્‍ત્રી, તમારો ખૂબ જ આજ્ઞાંકિત ડ્રાઇવર રફીકના, અણછાજતા, અણધાર્યા આ પ્રશ્‍ને લગભગ તમને રડમશ હાલતમાં મૂકી દીધા છે. અને તમારા આવેલ ડૂસકાને ગળી જઇ ધ્રુસ્‍કે ધુસ્‍કે રડી પડો છો. અને તમારી આ અસ્‍વસ્‍થ સ્‍થિતિ જોઇને ડ્રાઇવર તમને વોશરૂમમાં લઇ જઇ તમને મોઢું ધોવામાં મદદ કરે છે. અને તમે ધીરે ધીરે સ્‍વસ્‍થતા અનુભવતા ખૂબ જ સહજભાવે તમારા ૪૦ વર્ષ પહેલાંના ભૂતકાળમાં સરી પડો છો. ભાઇ રફીકને તમારો આપ્‍તજન ગણીને તમારી વાત શરૂ કરો છો અને કહો છો કે ભાઇ રફીક, વી.એસ. હોસ્‍પિટલ સાથે મારો કલંકિત ભૂતકાળ સમાયેલો છે. જે આજ સુધી હું ભૂલી શક્યો નથી. કોઇ વાર રાત્રે પણ એ બની ગયેલો બનાવ પણ મારી સામે આવે છે તો આખી આખી રાત હું સૂઇ શકતો નથી. એ બનાવ મારી હૃદયને કોરી ખાય છે. તો ભાઇ રફીક, ચાલ સાંભળ મારા ભૂતકાળની વાત તને કહું છું.

અને મિ. વિવેક મિસ્‍ત્રી તમે રફીકને કહો છો કે ભાઇ રફીક, મારું મૂળ નામ વિનુ છે અને તમે કહો છો કે વીસ વર્ષની યુવાનવયે તમે એચ.કે. આર્ટસ કોલેજની બી.એ.ની ડિગ્રી પાસ કરી તમારા હાથમાં માર્કશીટ સાથે આનંદમાં ગરકાવ થઇ, તમારા ઘરે જઇ તમારા માતુશ્રીનાં ચરણસ્‍પર્શ કરો છો. અને કહો છેા કે મા, આજે મેં ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી પાસ કરી અને એક આશાસ્‍પદ યુવાનોની યાદીમાં ગોઠવાઇ ગયો છું. મને કોઇપણ સરકારી કે પ્રાઇવેટ નોકરી મળી જશે એટલે મા, તારે હવે પારકાં કામ કરવા નહીં પડે. અને તારો આ વિનુ નોકરી કરતાં કરતાં આગળ ભણવાનું પણ ચાલુ રાખશે. ખૂબ જ તેજસ્‍વી કારકીર્દી બનાવી એક મોટો પ્રોફેસર બનશે અને અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપવાના ભગીરથ કાર્યમાં જોડાઇ જશે. પછી, મા, આપણા ઘરે સુખના દહાડા ઊગશે અને આપણે મા, એક સરસ મજાનો સંપૂર્ણ સુવિધાવાળો એક નાનકડો ફ્લેટ લઇશું. એક સરસ મજાનો એક નવું પેટીપેક સ્કૂટર લઇ તેના પર બેસાડી દરરોજ મંદિરે દર્શન કરવા લઇ જઇશ. મા, દુઃખના ડુંગરનો કાયમ માટે અંત આવશે, એમ કહી, મિ. વિવેક મિસ્‍ત્રી, તમે તમારી માને બિલકુલ બાજુમાં આવેલા શંકર ભગવાનના મંદિરે લઇ જઇ તમારી માના હાથે સરસ મજાના પૂજાપાઠ કરાવો છો.

પણ મિ. વિવેક મિસ્‍ત્રી, તમારો આનંદ, તમારી ધગશ, તમારો ઉત્‍સાહ બધાનો એક સાથે ભસ્મિભૂત થઇ જઇ, દુઃખના દિવસોમાં પાછા પ્રવેશો છો. એક બેકાર યુવાનોની યાદીમાં ગોઠવાઇ જઇ મેલાં ઘેલાં કપડાં, વધારેલી દાઢી અને તમારી અકલ્પ્‍ય હાલત અને તમારી મા એ જ પારકાં કામ કરવાની રફતાર તમને ચેનથી સૂવા દેતી નથી. લાગ લગાટ એક વર્ષ સુધી તમને કોઇ સરકારી નોકરી કે પ્રાયવેટ નોકરી ન મળતાં, અને પટાવાળાની નોકરી પણ ન મળતા મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, તમે નિઃસહાય સ્‍થિતિમાં બેકારીના ખપ્‍પરમાં હોમાઇ જાવો છો. તમે કઇ પણ સૂધ બૂધ સ્‍વસ્‍થતતા કદી પ્રાપ્‍ત ન થતાં, એ જ મેલાંઘેલાં કપડાંમાં એક દાઢીધારી બેકાર યુવાનની હાજરી સાથે તમારી પથારીમાં રાત દિવસ પડ્યા રહો છો, હા, પડ્યા રહો છો … બસ… શૂન્‍યમનસ્‍ક સ્‍થિતિમાં.

આવી શૂન્‍યમનસ્‍ક સ્‍થિતિમાં મિ. વિવેક મિસ્‍ત્રી, હા … શૂન્‍યમનસ્‍ક સ્‍થિતિમાં દિવસોના દિવસો બેકારીની હાલતમાં વિતાવો છો ! કે જેણે પોતાના બાપનું પણ મોઢું નથી જોયું એવા મિ. વિવેક મિસ્‍ત્રી, તમે એક નાસીપાસ યુવાનની યાદીમાં આવી મરવાના વાંકે જીવવાની સ્‍થિતિમાં બસ … સમય પસાર કરી દુઃખના ડુંગરમાં આળોટો છો. હા .. વિવેક મિસ્‍ત્રી, દુઃખના ડુંગરમાં આળોટો છો તમે. તમારી આ મૃતઃપાય સ્‍થિતિમાં તમે દિવસો પસાર કરો છો ત્‍યાં જ તમારા માતુશ્રી સવિતાબહેન ભયંકર બીમારીમાં સપડાય છે. શ્‍વાસ લેવાની પણ તકલીફ સાથે ખૂબ જ અશક્ત સ્‍થિતિમાં પથારીમાં પડ્યા પડ્યા ભયંકર બીમારીમાં પટકાય છે. આ જ સ્‍થિતિમાં તમે તાબડતોબ વી.એસ. હોસ્‍પિટલ લઇ જાવ છો અને ઇમરજન્‍સી વોર્ડમાં લાવો છો. તમારા ખિસ્‍સામાં એક પણ પૈસાની ગેરહાજરી સાથે, પણ તમારા મજબૂત વીલ પાવર સાથે તમારી માને બચાવવાના ર્ડોકટરોને હાથ જોડી વિનંતી કરો છો. ર્ડોકટરો તાત્‍કાલિક ઇમરજન્‍સી વોર્ડના ફરજ પરના ર્ડોકટરો તમારી માની  સેવામાં લાગી જાય છે. અને તપાસ કરી જીવન-મરણ વચ્‍ચે ઝોલાં ખાતી તમારી માને સ્‍ત્રીઓના સામાન્‍ય વોર્ડમાં દાખલ કરી દે છે. એ સાથે જ સેવાધારી ર્ડોકટરોએ તમારી માને બચાવવાના અથાગ પરિશ્રમ સાથે દવાઓનું લાંબું પ્રિસ્ક્રીપ્‍શન તમને હાથમાં પકડાવી દે છે. કહે છે કે દોસ્‍ત, આ દવા જલદી લઇ આવ. તારી માને બચાવવી હોય તો, જલદી કર. આ દવાથી તારી મા બચી જશે. તમે વી.એસ. હોસ્‍પિટલની બાજુમાં આવેલી દવાની દુકાન પર દોડીને પહોંચો છો, તમારા ખિસ્‍સામાં એક પણ પાઇની ગેરહાજરી સાથે.

મિ.વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, તમે દવાની દુકાનમાં અનેક ગ્રાહકોની હાજરી વચ્‍ચે જલદી જલદી દવાની ચિઠ્ઠી આપી, બધી દવા એકઠી કરાવો છો અને દવાવાળો તમને કોથળીમાં દવા પેક કરી આપી, બીજા ગ્રાહકની દવા અંદર શોધવા જાય છે, અને મિ. વિવેક મિસ્‍ત્રી, તમે દુકાનદારની નજર ચૂકવી તમારી પેક કરેલ દવાનું બંડલ લઇ તાબડતોબ દોડીને તમારી મા ને બીછાને આવો છો.  ર્ડોકટરને કહો છો કે લો સાહેબ, આ બધી દવાઓ લાવ્‍યો છું, મારી મા ને જલદી બેઠી કરો, સાહેબ, અને મારી માને પહેલાં જેવું જોમ લાવી દો, સાહેબ. ર્ડોકટરોના અથાગ પ્રયત્‍નો અને એકધારી સેવાથી તમારી મા બચી જાય છે, જીવી જાય છે. ધીરે ધીરે તબીયત સારી થતાં હોસ્‍પિટલમાંથી પાંચ-છ દિવસ પછી રજા આપતાં, તમારી માને લઇને તમારા તૂટેલા-ફૂટેલા ઘરમાં પ્રવેશ કરો છો. તબીયત સારી થતાં તમારી મા સ્‍વસ્‍થ થાય છે અને તમને તમારી માને બચાવવાનો આનંદ સમાતો નથી અને તમે આનંદથી ઝૂમી ઊઠો છો.

મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, તમે આવનારા સમયની ઘટનાઓની ઘટમાળમાં નવા જીવન તરફ પ્રયાણ કરો છો. બેકાર હાલત સાથે પણ તમારા હૃદયની અંદરના જોમ સાથે તમે પાછા એ જ નોકરીની શોધમાં છાપાઓ વાંચવા હંમેશની માફક એમ.જે. લાયબ્રેરીમાં પહોંચો છો. છાપાં વાંચતાં-વાંચતાં, ‘ગુજરાત સમાચાર’માં તમારી નજર પડતાં જાહેરાતમાં માણસો જોઇએ છે-વાળી કોલમમાં તમે વાંચો છો. બિલીમોરિયા એન્‍ડ સન્‍સ, નામવાળી કાળુપુર રેલવે સ્‍ટેશનવાળી દુકાનમાં તમે ઇન્‍ટરવ્‍યુ માટે પહોંચો છો. અને તમારા રિઝયુમ લાયકાત વગેરેના કવર સાથે ૮૦ વર્ષના એક પારસી સદ્દગૃહસ્‍થ તમારો ઇન્‍ટરવ્‍યુ લે છે. તેના તરફથી માત્ર બે જ પ્રશ્‍નોના ઉત્‍તરમાં જવાબ આપવામાં તમે સફળ થતા તમારી ઉત્‍કંઠા જોતાં તમારા જવાબમાં નિખાલસતા અને પારદર્શકતા જોતા તમને નોકરી મળી જાય છે. એ મુજબ તમે રૂ. ર૦૦૦/- પગારદાર સાથે નોકરી સહર્ષ સ્‍વીકારી કાળુપુર સ્‍ટેશનેથી ચાલતા પહોંચી શકાય એવી રીતે બિલીમોરિયા એન્‍ડ સન્‍સની દુકાને જવાનું શરૂ કરો છો. ૮૦ વર્ષના એ સદ્દગૃહસ્‍થ તમારા આપેલા એ જવાબથી ખુશ થયા હતા કે દોસ્‍ત, તું શું કામ કરી શકે ? ત્‍યારે તમે જવાબ આપેલો કે શેઠ તમે કોઇ પણ કામ આપશો એ માટે તૈયાર છું. કારણ કે મારી માને, બહારના પારકાં કામ ઠામ-વાસણ, કપડાં ધોવાનાં કામથી બહાર કાઢવી છે. વાત વાતમાં તમે બોલી ગયેલા કે શેઠ, હું મારી માનો એકનો એક પુત્ર છું, જેણે એના બાપનું મોઢું જોયું નથી. મારા જન્‍મ પહેલાં શેઠ, મારા બાપા ગુજરી ગયા છે.

મિ. વિવેક મિસ્‍ત્રી તમારી પરિસ્‍થિતિનો સચોટ નિર્દેશક કરતાં એ સદ્દગૃહસ્‍થે તમને તરત જ નોકરીમાં રાખી લીધા. અને નિયમીત સમયસર બિલીમોરિયા એન્‍ડ સન્‍સમાં કામ કરતાં આજ્ઞાંકિત  નોકરિયાતોની યાદીમાં આવી ગયા. શરૂઆતમાં તમને કોઇ કામ આપવામાં ન આવ્‍યું. તમને સતત બે-ત્રણ દિવસ સુધી બેસાડી રાખવામાં આવ્‍યા અને તમે ત્રીજે દિવસે જેવાં દુકાનમાં આવ્‍યા એવા શેઠને મળી અને કહો છો કે શેઠ આ રીતે સતત બેસી રહેવું મને ન ગમે. હું કામ વગર અણહક્કનો પગાર નહીં લઉ. ત્‍યારે શેઠે જવાબ આપ્‍યો કે છોકરા, વિનુ, આજે તું મારી પરીક્ષામાંથી ૧૦૦ ટકા માર્ક લઇને ઉર્તીણ થઇ ગયો હવે કાલથી તને કામ ચિંધીશ. બિલીમોરિયા શેઠે બે-ત્રણ દિવસ સુધી ભાઇ વિનુ તને કામ નહીં આપીને, તારી પરીક્ષા લઇ રહ્યા હતા કે છોકરો ખરેખર તરવળાટવાળો છે કે બેઠાડું છે.

મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, તમારી કામ કરવાની ધગશ, ઉત્‍કંઠા અને વફાદારી પર શેઠ ખુશ થઇ જતા, લાગલગાટ છ મહિના સુધી સતત કામ કરવાની તમારી સક્ષમતા અને જવાબદારીની સભાનતાથી બિલીમોરિયા શેઠે એક દિવસ બાજુમાં બેસાડીને કહ્યું કે ભાઇ, … વિનુ, તારે હવે આવતી કાલથી આપણી છત્રાલની ફેકટરી પર જવાનું છે. ત્‍યાં ઉત્‍પન્‍ન થતી મશીનરીના ડિસ્‍પેચમાં તારે ધ્‍યાન આપી દરરોજના કામની વિગત મને જણાવવાની છે. જોતજોતાંમાં તમારી છ મહિનાની છત્રાલની ફેકટરી પરની તમારી કામગીરીની ક્ષમતા કામગીરીમાં જવાબદારી નિભાવવાની, ઉત્‍કંઠા, નિયમિતતા અને ચોક્કસપણું વગેરેથી ભારે સંતોષ અનુભવી બિલીમોરિયા શેઠે એક દિવસ આખી ફેકટરીનું સંચાલન તમને સોંપી દીધું. અને કહ્યું કે બેટા વિનુ, અઠવાડિયામાં એક જ દિવસ ફેકટરીમાં આવીશ. બધો જ કારોબાર તને સોંપતા હું આનંદ અનુભવું છું.

જોતજોતાંમાં સમય પસાર થતો ગયો, અને તમે બિલીમોરિયાની અત્‍યંત વિશ્‍વાસુ માણસની યાદીમાં આવી ગયા. એટલું જ નહીં પણ તમારી કામ કરવાની ઉત્‍કંઠા અને જવાબદારી નિભાવવાની ક્ષમતા, ઓછું બોલી ચોખ્‍ખુંચટ પરફેક્ટ કામ કરવાની તમારી આવડતથી અંજાઇ જઇ બિલીમોરિયા શેઠે તમને એક દિવસ બાજુમાં બેસાડીને કહ્યું કે, ભાઇ વિનુ, તું મારો આખા જગતમાં માત્ર ને માત્ર એક વિશ્‍વાસુ માણસ છો. અને મારે કોઇ સગાં-વહાલાં કે કોઇ સંબંધી છે જ નહીં. તેથી આ ફેકટરીના કામકાજના સંતોષ સાથે દિન-પ્રતિ દિન મારી ઉંમર વધતી હોવાના સાથે હું એવા નિર્ણય પર આવ્‍યો છું, આ ફેકટરીનો સંપૂર્ણ સંચાલન તને સોપું છું. આજથી મેનેજીંગ ડિરેકટરની પોષ્‍ટ તારા હવાલે કરી, આ ફેકટરીનો ભાગીદાર બનાવી, તને આખી ફેકટરીનો કારોબાર સોંપી હું નિવૃત્ત થાઉં છું.

મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, બિલીમોરિયા શેઠના આ નિર્ણયથી મનોમન તમે ઝુમી ઊઠો છો અને તમારામાં આનંદનો કોઇ પાર નથી. જોતજોતાંમાં તમારા સફળ સંચાલનને તમારે ત્‍યાં બનતી મશીનરી એક્સપોર્ટ કરવામાં તમે આખા ગુજરાતમાં બેસ્‍ટ એક્ષપોર્ટરનો ખિતાબ મેળવો છો.  લગભગ આ ફેકટરીના માલિક તમે સર્વેસર્વા બની જઇ, દરરોજ તમે ઘરે જતાં પહેલાં બિલીમોરિયા શેઠને ફેકટરીનો રિપોર્ટ આપી, તમારા ઘરે પહોંચવાનો નિત્‍યક્રમ જાળવી રાખો છો.

આ બાજુ બિલીમોરિયા શેઠની તબીયત એક બાજુ દિન-પ્રતિદિન લથડતી જાય છે અને તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવા પડતા મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, તમે તેના એકના એક પુત્ર હોય તેવી રીતે શ્રવણના રૂપમાં જવાબદારી નિભાવો છો. બિલીમોરિયા શેઠનું કોઇ જ નજીકનું સગુંવહાલું ન હોઇ ને તેની પત્ની શિરીનની સલાહ લઇ, આખી ફેકટરી તેમ જ કાળુપુર સ્‍ટેશ્‍ન પાસેની દુકાન બધી જ સંપત્તિ તમારા નામે કરી નાખી બધાં જ ડોક્યુમેન્‍ટો તમને સોંપી છેલ્‍લા શ્વાસ છોડતા પહેલાં શિરીનનો હાથ તમારા હાથમાં સોંપી, કહે છે, ભાઇ વિનુ આજથી આ તારી મા છે. તેના છેલ્‍લા શ્વાસ સુધી તેનું ધ્‍યાન રાખી, બેટા, એક દીકરા તરીકેની ફરજ ચૂકતો નહીં. એમ કહી બિલીમોરિયા શેઠ છેલ્‍લો શ્વાસ છોડે છે અને હંમેશ માટે વિદાય લઇ પરલોક સિધાવે છે.

મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, તમે બિલીમોરિયા શેઠની અંતિમ વિધિ, દાનધર્મ વગેરે કરી, બિલીમોરિયા શેઠની ઇચ્‍છા મુજબ તમારી બીજી મા શિરીનને તમારી પોતાની મા સવિતાબહેનની જેટલી જ કાળજી લઇ, નવી જીવન યાત્રા તરફ પ્રયાણ કરો છો. સમય પૂરપાટ ઝડપે પસાર થતો જાય છે. એક વખત તમારી બીજી માતા શિરીન ગંભીર માંદગીમાં પટકાય છે. તમે હોસ્‍પિટલમાં દાખલ કરી તેને જીવાડવાના અથાત પ્રયોગ તો કરો છો. છતાં કામયાબ થતા નથી. અને છેલ્‍લા શ્વાસ છોડતાં છોડતાં શિરીન તમારા હાથમાં હાથ મૂકી કહે છે કે બેટા, તું  ખૂબ ખૂબ સુખી થાજે અને તારા શેઠ બિલીમોરિયા શેઠનું નામ ઉજાળજે. તમારી બીજી મા શિરીન છેલ્‍લો શ્‍વાસ છોડી પરલોક સિધાવે છે, અને તમે તેની અંતિમ વિધિ કરી તેનું રુણ ચૂકવો છો. અને પછી તમે નવી આવનારી ઘટનાઓની ઘટમાળમાં ગોઠવાઇ જાવ છો.

મિ. વિનુ ઉર્ફે વિવેક મિસ્‍ત્રી, તમે હવે ગુજરાતની અગ્રગણ્‍ય યાદીમાં આવી જાવ છો. આશરે ર૦૦ મજૂરોને રોજી આપતી તમારી ફેકટરીનું સંચાલન અને કાળુપુર પરની દુકાનનો સંચાલન સાથે અનેક નવયુવાનોને તેમની લાયકાત મુજબ એક નવો ટીમ સ્પિરીટ ઊભો કરી, એક પ્રાઇવેટ લિમિટેડવાળી કંપની બનાવી, બધા જ અગ્રગણ્‍ય સાથીદારોને કંપનીના શેર હોલ્‍ડર બનાવી, તમે એક ઉદ્યોગપતિ હોવાં છતાં, સમાજવાદી વિચાર સાથે સદ્દભાવ અને સમરસતાના ક્યારા ઊગાડી, દરેક સાથીદારને સરખા હિસ્‍સાના ભાગીદાર બનાવો છો. અને તે રીતે તમારી ફેકટરીનું સફળ સંચાલન કરતાં કરતાં અમદાવાદના તમારા રૂટિન કામ પતાવી, તમે તમારી ફેકટરી પર છત્રાલ તરફ જવાનો સિલસિલો ચાલુ રાખો છો.

એ જ રીતે આજે, તમે અમદાવાદથી છત્રાલ તરફ જતા ડ્રાઇવર રફીકને તમારો ભૂતકાળનો રોમાંચક ઇતિહાસ એ જ રેસ્‍ટોરન્‍ટમાં બેસીને તેને સંપૂર્ણપણે વાકેફ કરી થોડા હળવા થાવ છો. તમારો ડ્રાઇવર રફીક તમારી વાતથી પ્રભાવિત થઇ રોમાંચ અનુભવતા એક આપ્‍તજન હોવાના નાતે, તમારા જૂનાં સંસ્‍મરણો અને તમારી જીવનયાત્રાથી ખુશ થાય છે. અને તમને નમ્ર વિનંતી સાથે એક અપીલ કરે છે કે શેઠ, આ બધી વાત સાંભળી, હું ખરેખર રોમાંચ અનુભવું છું. પણ ૪૦ વર્ષ પહેલાં જીવન-મરણ વચ્‍ચે ઝોલાં ખાતી મા સારુ વી.એસ. હોસ્‍પિટલના સામે આવેલા સ્‍ટોર પર આપેલી દવાનું બીલ નહીં ચૂકવીને, તમારા કલંકિત ભૂતકાળને લઇને તમે સંજોગોના ગુલામ હતા, તે વાતથી તમે રાતોના રાતો સૂઇ શક્તા નહોતા, તે વાતને આપણે હંમેશને માટે કેમ ભૂંસાડી ન શકીએ, શેઠ ?

અને વિવેક મિસ્‍ત્રી તમે ડ્રાઇવરની વાતથી અંજાઇને તમારા ડ્રાઇવર રફીકને પૂછો છો કે ભાઇ .. રફીક, આપણે આ કલંકિત ઇતિહાસને ભૂંસાડવા શું કરવું જોઇએ ? રફીક તેને સલાહ આપે છે કે શેઠ, આપણે ફેકટરી પર જવાનું ભલે મોડું થતું, પણ આપણે અત્‍યારે જ વી.એસ. હોસ્‍પિટલ તરફ પાછા જઇ, એ જ મેડિકલ સ્‍ટોર્સમાં, જે ૪૦ વર્ષ પહેલાંના બાકી પૈસા જેટલા હોય એટલા રોકડા આપી, અને તમારા જેવાં અનેક જરૂરિયાતવાળા સંજોગોના ગુલામ કદી ન બને એવા અસંખ્‍ય લોકોને, શેઠ, તમારા તરફથી મફત દવા મળે તેવું લાંબાગાળાનું આયોજન કેમ ન કરી શકીએ, શેઠ? ડ્રાઇવરની આ વાતથી પ્રભાવિત થઇ સાબરમતીથી આશ્રમ રોડ તરફ, તમારી ઓડી ગાડીમાં બેસી તમે વી.એસ. હોસ્‍પિટલ તરફ પહોંચો છો. અને ૪૦ વર્ષ પહેલાંના કલંકિત ભૂતકાળને ભૂંસવા માટે એક હાથમાં રૂપિયા ૧,૫૦૦/-ની નોટ રાખી મેડિકલ સ્‍ટોર્સમાં પહોંચો છો. અને મેડિકલ સ્‍ટોર્સમાં ૪૦ વર્ષ પહેલાંનો તમારી માના દવાના બીલના પૈસા ન ચૂકવવવાની વાત, ત્‍યાં હાજર રહેલા મેડિકલ સ્‍ટોર્સના માલિક સાથે વાત કરો છો, અને ધ્રુસકે ધ્રુસકે રડો છો. મેડિકલ સ્‍ટોર્સ પરના બધા જ લોકોને આ બીનાથી અચરજ થાય છે. ૪૦ વર્ષ પહેલાંનું કોઇ જ માણસ હાજર નથી, અને બધા જ નવા માલિકો છે. બધા નવા માણસો છે. અને આવા અસંખ્‍ય જરૂરિયાતવાળાને મફત દવા મળે તેનું આયોજન કરી, તેમનો સહકાર માંગી તમારા બિલીમોરિયા શેઠના નામે નવો મેડિકલ સ્‍ટોર્સ ઊભો કરી, મફત દવા આપવાનું આયોજન કરી, એક દવાનું પરબ શરૂ કરવાનો આયોજન કરી તેમના હાથમાં એક કરોડના ચેક મૂકી, તેમનો સહકાર માંગવાની અપીલ કરો છો.

અને એક સહૃદયી મિટિંગ કરી અડધી કલાક બેસી દવાનું પરબ કરવાનો આયોજનના મંડાણ કરો છો. મેડિકલ સ્ટોર્સના માલિકોએ આ અંગે સંપૂર્ણ સહકારની ખાતરી આપતાં તમે ધન્‍ય ધન્‍ય અનુભવો છો. માનવતાના આ મહાયજ્ઞમાં તમે અમદાવાદના આંગણે એક નવું વાતાવરણ સર્જી અને દવાની પરબ સ્‍થાપવાનો વિક્રમ સ્‍થાપો છો. અને તમારી ફેકટરી પર છત્રાલ જતાં મેડિકલ સ્‍ટોર્સના માલિકને હજુ પણ કોઇ બીજા પૈસાની જરૂર હોય, તો વિના સંકોચે મારી પાસે માંગજો, હું ગમે તેટલા પૈસા આપવા તૈયાર છું, એમ કહી તમે તમારી ફેકટરીનું વિઝિટીંગ કાર્ડ, ટેલિફોન નંબર વગેરે મેડિકલ સ્‍ટોર્સના માલિકને સુપત્ર કરી, ફરી પાછા તમારા ડ્રાઇવર રફીક સાથે તમારી લકઝુરિયસ ઓડી ગાડીમાં છત્રાલ તરફ પ્રયાણ કરો છો. 

જોતજોતામાં, વી.એસ. હોસ્‍પિટલની બાજુમાં આવેલા ખુલ્‍લા પ્‍લોટમાં એક સરસ મજાનો મેડિકલ સ્‍ટોર્સ થાય છે, વીસ માણસોના સ્‍ટાફ સાથે દવાના પૂરા સ્‍ટોક સાથે સંપૂર્ણ સુવિધાવાળો મેડિકલ સ્‍ટોર્સ થાય છે જેના પર બિલીમોરિયા શેઠનું દવાનું પરબના લાગેલા બોર્ડ સાથે એની ઉદ્દઘાટન વિધિ થાય છે. વિવેક મિસ્‍ત્રી, મેડિકલ સ્‍ટોર્સના માલિકોના સહકાર સાથે તમારા ઉમદા દાન સાથે, એક દિવસ તમારે હાથેથી રીબન કાપી તેનું ઉદ્દઘાટન થાય છે.

અસંખ્‍ય જરૂરિયાતવાળા અમદાવાદના વસાહતીઓને મફત દવા મળવાનું માનવતાનો મહાયજ્ઞ શરૂ થાય છે. અને તે સાથે અમદાવાદના તમામ દૈનિક સમાચારોએ મોટા મથાળા સાથે અમદાવાદમાં માનવતાનો મહાયજ્ઞ બિલીમોરિયા શેઠના દવાનું પર બની હેડ લાઇન સાથે નોંધ લેવાય છે. અનેક જરૂરિયાવાળાને, અસંખ્‍ય જરૂરિયાતવાળાને મફત દવા મળવાનું પ્રારંભ થાય છે અને તમે મિ. વિવેક મિસ્‍ત્રી, આ દવાનું પરબ ચલાવવા જેટલા પૈસાની જરૂર હોય તેટલા પૈસાની ઓફર આ દવાનું પરબ ચલાવતા સંચાલકોને આપો છો. અમદાવાદના આંગણે મફત દવા મળવાના દવાના પરબ સ્‍થાપવાના કાર્યમાં યશભાગી બનો છો. તમને આ આયોજન પાછળનું સોનેરી સલાહ આપનાર ભાઇ રફીકને તમારી બિલકુલ બાજુમાં સંપૂર્ણ સુવિધાવાળો ફ્લેટ અપાવી ભાઇચારાનો એક નવો મિસાલ સ્‍થાપો છો. તમે તમારા આપ્‍તજન સમા રફીક સાથે દરરોજ તમારી એક ઓડી ગાડીમાં છત્રાલ ફેકટરી પર પહોંચવાનો નિત્‍યક્રમ ચાલુ રાખો છો. અને સાથેસાથે કાળુપુર સ્‍ટેશન પર ચાલતી દુકાન બિલીમોરિયા એન્‍ડ સન્‍સની પેઢીમાં ત્‍યાં કામ કરતાં બધા જ વફાદાર સાથીદારોને એ દુકાનનો વહીવટ સોંપી, કાયદેસર રીતે તેમાંથી તમારી જાતને અળગી કરી, આ દુકાનનો વહીવટ એ લોકોને હવાલે કરો છો. અને તમે એવી સૂચના આપીને તમે ત્‍યાંથી વિદાય લો છો કે દોસ્‍તો, આપણા બિલીમોરિયા શેઠનું નામ ઉજાળજો અને સફળ સંચાલન કરી બધા જ મિત્રો સરખા હિસ્‍સે નફો વેચવાનું ચાલુ રાખશો.

આજે આ દુકાનનો વહીવટ તમને સોંપી હું સંપૂર્ણપણે નિવૃત્ત થાઉં છું અને ક્યારે ય પણ મારી સલાહ સૂચનાની જરૂર હોય તો મને જરૂર મળજો, એવી શુભેચ્‍છાઓ આપી, તમે ઘર તરફ પ્રયાણ કરો છો. અમદાવાદને આંગણે થયેલા માનવતાના આ યજ્ઞમાં અમદાવાદની જીવનયાત્રામાં દવાનું પરબ કરી તમે એક નવું યશકલગીનું છોગું ઊગાડો છો. આ વિક્રમ સજર્ક બનાવતી, આખા અમદાવાદામાં એક માનવતાનો યજ્ઞનો સંચાર થતાં અમદાવાદમાં એક ઉષ્‍માભર્યા અજવાળાનો ઉદય થાય છે. મિ. વિવેક મિસ્‍ત્રી, તમારા કલંકિત ભૂતકાળને હંમેશને માટે મીટાવી દઇ, અસંખ્‍ય વિનુઓ સંજોગોવસાત દવાના વાંકે કલંકિત કારકિર્દી ન બનાવે, તેની વ્યવસ્થા કરી, એક ઉમદા કૃત્‍ય કરી ઊંચેરું સ્‍થાન મેળવી જાવ છો, મિ. વિવેક મિસ્‍ત્રી.

આ સાથે અમદાવાદની જીવનયાત્રામાં અગાઉ પાણી પરનાં પરબો અને પુસ્‍તકનાં પરબો અસંખ્‍ય હોવાના દાખલા સાથે આજે અમદાવાદમાં દવાના પરબની સ્‍થાપ્‍ના તમારા યોગદાનથી શરૂ થતાં અમદાવાદની જીવનયાત્રામાં એક અનેરા માનવતાના સફરનો સંચાર થાય છે.

મિ. વિવેક મિસ્‍ત્રી, સલામ …… તમારી પશ્ચાતાપરૂપે સર્જનાત્‍મક યોગદાન આપી માનવતાના યજ્ઞને દવાના પરબ થકી સ્‍થાપવા માટે, સલામ ….. મિ. વિવેક મિસ્‍ત્રી …. તમને સલામ…. અને મિ. વિવેક મિસ્‍ત્રી, સલામ તમારા પેલા આજ્ઞાંકિત આપ્‍તજન સમા ડ્રાઇવર રફીકને પણ સલામ. અને મિ. વિવેક મિસ્‍ત્રી, સલામ તમારી ત્‍યાગવૃતિ, નિખાલસતા અને પારદર્શકતાને સલામ. મિ. વિવેક મિસ્‍ત્રી, કાળુપુરની બિલીમોરિયા એન્‍ડ સન્‍સની પેઢીને, ત્‍યાં કામ કરતાં સાથીદારોને સોંપીને તમારી ત્‍યાગ ભાવનાને સલામ .. તમારી સમાજવાદી વિચારધારાને સલામ. મિ. વિવેક મિસ્‍ત્રી, તમારી જીવનયાત્રાને સલામ ..

હા ! પસ્‍તાવો વિપુલ ઝરણું, સ્‍વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઇને પુણ્‍યશાળી બને છે.

e.mail : koza7024@gmail.com

Loading

‘દીલની વાતો’

રસિક ઝવેરી|Opinion - Opinion|12 September 2020

ગયે અઠવાડિયે મળેલા એક પત્રનો અહીં જાહેર રીતે જવાબ આપવાનું મન થાય છે. વાચકમિત્ર યુવાન છે. કંઈક દુભાયેલા છે, અકળાયેલા છે. લખે છે : ‘તમારી વાતો વાંચીને લાગે છે કે તમે તૃપ્ત છો. સંતોષી છો. જિંદગીથી ખુશ છો. મને તો મારી આસપાસ બધે દુ:ખનું ધુમ્મસ છવાયેલું લાગે છે. આટલી નાની વયમાં જીવન કંટાળજનક લાગે છે. જિંદગી જીવવા જેવી નથી લાગતી. આમ કેમ થતું હશે?’

ઘણા જણને આવી વાતો કરતાં સાંભળું છું. મેં પોતે પણ જીવનમાં ઓછી અકળામણો નથી અનુભવી. વરસો પહેલાં ગોરખપુરમાં ‘નાથ સંપ્રદાય’ના એક સંત મળ્યા હતા. મારી એ વખતની અકળામણ જાણી કહે, ‘બેટા, આનંદનો ખજાનો તો આપણા દિલની સંદૂકમાં જ પડ્યો છે. એને ખોલવાની જીવનકૂંચી સાંપડે તો બસ, આનંદ આનંદ વરતાઈ રહે. દુનિયા આખી પોતાની પાસે જે નથી એનો વલોપાત કરે છે. સરવાળો કરવા જેવું જે ઘણું ઘણું હાથવગું છે એની સામે તો નજર સુધ્ધાં આપણે કરતા નથી. ઈશ્વરે આપણને બે સરસ આંખો, હાથ, પગ, મગજ, તંદુરસ્તી … કેટલું બધું આપ્યું છે! ઘણા અંધ છે, પંગુ છે, પાગલ છે, બીમાર છે. એ બધાને મુકાબલે આપણે કેવા સુખી છીએ. એ રીતે કદી તેં વિચાર્યું છે?’

એમના આ જીવનગણિતમાંથી મને એક નવી દૃષ્ટિ જાણે લાધી ગઈ. શરૂ કર્યો સરવાળાનો પાઠ અને એમણે ગણાવ્યા એવા આનંદના આંકડા ગોઠવવા માંડ્યા. ઘણી બધી અકળામણ ઓસરી ગઈ. આપણી પાસે જે છે, એની આપણને કદર નથી. હમણાંની જ વાત છે. થોડા દિવસ પહેલાં અચાનક મારા જમણા હાથનો અંગૂઠો પાક્યો. અપાર વેદના થાય. લખાય નહીં. મન બેચેન બેચેન. ત્યારે જ મને રોજના સાથી અંગૂઠાની કિંમત સમજાઈ.

1952-53માં ગામદેવી પર હું એક વ્યવસાયી લાયબ્રેરી ચલાવતો હતો. દુકાનમાં રિપેર કામ ચાલતું હતું. અચાનક કડિયાના હાથમાંથી તગારું છૂટી ગયું. ભીની રેતી-સિમેન્ટ ઊડી અને એક મોટું ચોસલું મારી આંખમાં અથડાયું. ડોળો આખો સિમેન્ટથી ભરાઈ ગયો. તરત દવાખાને ગયો. ડૉક્ટર જૂના મીત્ર. કહે, ‘આ તો સારું નથી લાગતું. આમાં મારું કામ નહીં.’ ટેક્સી કરી મને લઈ ગયા, આંખના નિષ્ણાત ડૉક્ટર ‘ડગન’ પાસે. એ ભલા અનુભવી પારસીએ મને ખૂબ હિંમત આપી. બંને આંખો દવાથી સાફ કરી ખૂબ ઝીણવટથી તપાસી. પછી મલમ લગાડી, બંને આંખો પર પાટો બાંધી દીધો. કહે, ‘દીકરા, ગભરાતો નહીં. અત્યારે કંઈ કહી શકતો નથી. ત્રણ દિવસ પછી પાટો ખોલીશું ત્યારે બરાબર સમજ પડશે કે કેટલું નુકસાન થયું છે. ત્રણ દિવસ આંખો બંધ રાખવાની. પાટો બિલકુલ ખોલવાનો નહીં.’

એ ત્રણ દિવસ અને ત્રણ રાત અંધાપામાં કાઢ્યાં. હજાર શંકાઓ મનમાં ઊઠતી, આંખો ખોઈ તો નહીં બેસું? એવો કારમો ભય રૂંવાડે રૂંવાડે છવાઈ ગયો. ત્રણ દિવસમાં તેર ભવનું જ્ઞાન થઈ ગયું. ઈશ્વરની અકળ ગતિનો અને પ્રાર્થના દ્વારા કેવી રાહત મળે છે એનો પરચો મળી ગયો. ચોથે દિવસે પાટો ખૂલ્યો અને પ્રભુકૃપાથી પાછી નરવી દૃષ્ટિ સાંપડી. જોવાની અને જીરવવાની બંને દૃષ્ટિ સાંપડી.

પેલા સંત પુરુષની વાત વધારે સ્પષ્ટ થતી ગઈ. જીવનનું તમામ દુ:ખ હાથમાંના બરફની પેઠે જાણે ઓગળી ગયું. થયું : ‘અરે, જિંદગી કેટલી બધી જીવવા જેવી છે!’ આજે કોઈ અંધને જોઉં છું અને અનુકંપાથી અંતર છલકાઈ જાય છે. એ ગમે તેવો મેલોઘેલો હોય છતાં સ્નેહથી અને સમભાવથી એનો હાથ પકડી એને રસ્તો પાર કરાવવાનું કદી ચૂકતો નથી. બીજાનું દુ:ખ અનુભવવાની આંતર-નજરમાંથી આપણાં નાનાં નાનાં સુખની કદર કરવાની વૃત્તિ કેળવાય છે. એ જ શું ખરી જીવનકૂંચી નથી? એમાંથી આપણાં દુભાયેલાં ભાંડુઓની દુવા સાંપડે છે. અને દુવાની મૂડી તો કેટલી મબલખ છે! એ મૂડી તો આપણને ન્યાલ કરી દે.

થોડા દિવસ પહેલાંની જ વાત છે. અમે થોડા સાહિત્યકાર મિત્રો ફૂટપાથ પર ઊભા વાતો કરતા હતા. ટૂંકી વાર્તા વિશે ચર્ચા ચાલતી હતી. એક ડોસીમા રસ્તો ઓળંગવાની મથામણ કરી રહ્યાં હતાં. જરા આગળ વધે અને મોટરનો અવાજ સાંભળી પાછાં હઠી જાય. ધ્રૂજતી જર્જર કાયા, મોં પર જીવનની યાતનાઓ જેવી અપરંપાર કરચલીઓ, ફાંટ્યાંતૂટ્યાં લૂગડાં ને મોટરની અપાર અવરજવરની અકળામણ. જાણે જીવતી જાગતી કરુણ વાર્તા જોઈ લ્યો. નજર પડી તોયે સૌ વાર્તાની ચર્ચામાં જ મસ્ત હતા! મારું અંતર વલોવાઈ ગયું ડોસીનો હાથ પકડી લીધો. કહ્યું, ‘ચાલ, મા! તને સામે પહોંચાડી દઉં.’ ખૂબ ભરોસાપૂર્વક એણે એની કંગાળ આંગળીઓ મારી હથેલીમાં સોંપી દીધી. રસ્તો પાર થઈ ગયો. એ કહે, ‘બેટા, ત્રણ દિવસથી ભૂખ્યા જેવી છું એટલે કાયા વારંવાર લથડી પડે છે.’ મેં પૂછ્યું, ‘કેટલા પૈસા જોઈએ છે ખાવા માટે?’ એ કહે, ‘પચીસ પૈસા. પંદર પૈસાની ચા અને દસ પૈસાની પાઉંરોટી. દાંત નથી. ચામાં ભીંજવી રોટી ખાઈ લઉં છું. ચા ના મળે તો પાણીથી ચલાવું.’ ખીસામાં હાથ નાખ્યો. હાથમાં અનાયાસ આવી ગઈ પાંચની નોટ. થયું, ડોસીના નસીબની હશે! આપી દીધી. કહ્યું, ‘માડી! વીસ દિવસ સુધી નિરાંતે ખાજે.’ બુઢિયા ગદ્ ગદ થઈ ગઈ. કદાચ કોઈએ એને આટલી રકમ એક સામટી નથી આપી. વાકાં વળી એણે મારા પગ પકડી લીધા. કહે, ‘આ તો પાંચની નોટ છે!’ મેં કહ્યું, ‘તારા નસીબની હશે. લઈ જા.’ એની આંખમાંથી આંસુની ધાર વહી ગઈ. કહે, ‘બેટા ! તેં મારી આંતરડી ઠારી. ઈશ્વર તને આનો અનેકગણો બદલો આપશે.’ મારે માથે દુવાનો હાથ ફેરવી, કપડાંને છેડે નોટ બાંધી એ ચાલી ગઈ. ખૂબ નાનો હતો ત્યારે માને ખોઈ બેઠો છું. જિંદગીભર એનો વસવસો રહ્યો છે. એક દુ:ખી સ્ત્રીએ ‘બેટા’ કહી માથે હાથ ફેરવ્યો ને જાણે પાંચ રૂપિયાના બદલામાં પાંચ કરોડ મળ્યા હોય એવો આનંદ અંતરને અજવાળી ગયો!

એક બીજો પ્રસંગ યાદ આવે છે. ચોપાટીની રેતીમાં ભેળપૂરીવાળા બેસે છે ત્યાં ફરતો હતો. ભીખમંગાની જમાતની એક નાની પાંચ—છ વરસની છોડી ગભરાટમાં રેતીમાં કંઈક ખોળ્યા કરે. ચોધાર આંસુએ રડે, કરગરે કે, ‘મારી આઠ આની પડી ગઈ છે. રેતીમાં જડતી નથી. મહેરબાની કરી કોઈ શોધવા લાગો. નહીં મળે તો મારી અમ્મા મને મારી નાખશે!’ કોઈ એની વાત કાને ના ધરે. કોઈ વળી મજાક કરે, ‘આ લોકો બડા બદમાશ હોય છે. જુઓ કેવો ઢોંગ કરે છે. આવડી અમથી છોડી!’ મને મારી પૌત્રી યાદ આવી ગઈ, એ સાચાંખોટાં આંસુ પાડે ને બે—પાંચ રૂપિયા પલકવારમાં વટાવાઈ જાય છે. છોકરીનાં આંસુ જોઈ મનમાં અજંપો થઈ આવ્યો. ખીસામાંથી આઠ આના કાઢી આપી દીધા. થયું, સાચું બોલે છે કે ઢોંગ કરે છે એનો ન્યાય નથી કરવો. પણ એ વખતે એની આંખમાં જે રાહતનો છૂટકારો દીઠો, આનંદની જે એક ઝલક દીઠી એથી મન તૃપ્ત થઈ ગયું. પાસે એક ભૈયાજી ઊભા હતા. કહે, ‘બાબુજી, તમે ખૂબ સારું કર્યું. છોકરીના નિ:સાસાને પંપાળીને સાચા ધરમનું કામ કર્યું. ભગવાનને ચોપડે એની નોંધ રહેશે.’

આવાં આવાં નાનાં નજીવાં, દિલનો અવાજ સાંભળીને કરેલાં કામો, કેવી શાંતિ બક્ષી જાય છે, આપણા મનને! એટલે પેલા વાચકમિત્રના પત્રના અનુસંધાનમાં લખવાનું થાય છે કે: ‘ભાઈ! જિંદગી ખૂબ જીવવા જેવી છે. દુ:ખનો અનુભવ તો પારસમણિ જેવો છે. એના સ્પર્શે જ તો સુખની કદર કરવાની સૂઝ આપણને સાંપડી શકે છે. દુ:ખ નહીં હોય, તો ઝઝુમશું શેની સામે! એવા ઝંઝાવાતોનો સામનો કરવા માટે દીનદુ:ખિયાની દુવા જેવું અમોઘ શસ્ત્ર બીજું એકેય નથી.’

અને ગોરખપુરના સંતના શબ્દો ફરી યાદ આવે છે : ‘આનંદનો ખજાનો તો આપણા દિલની સંદૂકમાં જ પડ્યો છે. એને ખોલવાની જીવનકૂંચી સાંપડે તો બસ, આનંદ જ આનંદ વરતાઈ રહે!’

(સ્વ. રસિક ઝવેરી લિખિત ‘દિલની વાતો’ ભાગ-1નાં પાનાં : 40થી 45 પરથી સાભાર..  ..ઉ.મ..)

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : સોળમું – અંક : 461- September 13, 2020

Loading

અલવિદા અગ્નિવેશ : ગ્રીન લેડી, સેફ્રોન મંક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 September 2020

તે દિવસે સ્વામી જે હસ્યા છે કંઈ! એ અમદાવાદ આવ્યા હતા અને મલ્લિકા સારાભાઈને ત્યાં (નટરાણીમાં) અમે વચગાળાનાં વરસોની સફર કરતાં ફુદીનાનું શરબત પી રહ્યા હતા. ખબર નહીં, મલ્લિકાબહેનની કે કોની કરામત, શરબતનું નામ પણ લગરીક ગળચટું તો કંઈક ખટમીઠું હતું – ગ્રીન લેડી. મેં કહ્યું, અહીં કોઈ તસવીર ઝડપે તો હું કૅપ્શન શું આપું, ખબર છે? ગ્રીન લેડી ઍન્ડ સેફ્રોન મંક!

હતું તો એમનું અખંડ વ્યક્તિત્વ પણ ઓળખાતા હતા તે આવા વિરોધાભાસોથી : ભગવામાં ખરા, પણ ભગવી રાજનીતિની સામે.

અલપઝલપ ખ્યાલ, દૂરનો સહેજસાજ પરિચય તો જેપી આંદોલનના દિવસોથી હશે. પણ પાકો પરિચય જેલમાંથી બહાર આવ્યા પછી તરતનાં વરસોમાં એકવાર હસમુખ પટેલ (વીરમપુર) અને હું એમની સાથે લાંબી મુલાકાત લેવા ગયા ત્યારથી થયો અને પછી તો ‘લોકસ્વરાજ’ અને એમની પત્રિકા – શું હતું એનું નામ – ‘જંગ જારી હૈ’ કે પછી ‘સંઘર્ષ જારી હૈ’ એવું કાંક, બેઉ વચ્ચે આપલેનો દોર પણ ઠીક ચાલ્યો. એકવાર એમણે અગ્રલેખ કરેલો – ઑનરેબલ ગુંડા મેમ્બર. અસામાજિક તત્ત્વો ગૃહમાં ચુંટાઈને બેસવા લાગ્યા એના પરની એ આકરી ટિપ્પણી હતી.

જેપીને જે રાજકારણ સોરવાતું નહોતું તેની સામે પ્રતિકારની અપીલને વશ વરતી રાજકારણમાં આવેલા અગ્નિવેશ આ જ ભાષામાં બોલે એ સ્વાભાવિક હતું. ગીતાકારે કહ્યું જ છે ને, જેને હું ચાહું છું એને ઉગ્ર બનાવું છું. હમણાં મેં ગીતાનો ઉલ્લેખ કર્યો પણ સ્વામી અગ્નિવેશ મૂળે તો આર્યસમાજ ઘરાનાના – આર્યસમાજના સુધાર આંદોલનમાંથી રાજનીતિમાં જવું એ ચોક્કસ જ એક વિરોધાભાસ હતો, પણ એ રીતે જો પરેલલ સંભારવો જ હોય તો – અગ્નિવેશ અલબત્ત ગાંધી નહોતા તે સ્વીકારતે છતે – દક્ષિણ આફ્રિકાના તરુણ બૅરિસ્ટર ગાંધીનો જ છે. જે રીતે ગાંધીને એમની ધર્મખોજે દક્ષિણ આફ્રિકામાં હિંદવાસીઓના હક્ક માટેની લડાઈમાં જોતરી નાગરિક બનાવ્યા, કંઈક અંશે  જ તરંગલંબાઈ પરની બીના આ પણ છે.

આવી પ્રતિભા રુટિન રાજકારણમાં ઝાઝું ટકી ન શકે, અને ટકવા જેવું લાગે ત્યારે પણ એને એ ગોઠે નહીં. શ્રીકાકુલમ(આંધ્ર)નું આ સંતાન કોલકાતાનાં થોડાં વરસો પછી હરિયાણામાં સ્થાયી થયું ન થયું અને કટોકટીકાળે ચૌદ માસના કારાવાસ પછી જનતા પક્ષમાં સક્રિય પણ બન્યું. ભજનલાલના પ્રધાનમંડળમાં એ શિક્ષણ મંત્રી પણ થયા. પણ ચારપાંચ મહિનામાં જ એમને પોતાની સરકાર સામે લડવાપણું લાગ્યું અને એ છૂટા થયા. મુદ્દો એ હતો કે ફરીદાબાદમાં પોલીસ ગોળીબારે સંખ્યાબંધ કામદારોનો ભોગ લીધો હતો. સ્વામીને આ અગરાજ હતું. એમની ભૂમિકા કંઈક એવી હતી જેવી પ્રજાસમાજવાદી પક્ષના ઉચ્ચ પદાધિકારી તરીકે એક કાળે લોહિયાએ લીધી હતી. પટ્ટમ થાણુ પિલ્લાઈના નેતૃત્વ હેઠળની કેરળ સરકાર હસ્તક ગોળીબાર થયો ત્યારે સ્વરાજની કોઈ સમાજવાદી નેતૃત્વની સરકાર આમ ગોળીબાર વાટે રાજ ન ચલાવી શકે એવો પક્ષના પ્રમુખ અધિકારી તરીકે લોહિયાનો અધીન મત હતો. લોહિયાએ આ સંદર્ભમાં પોતાની સરકારનું રાજીનામું માંગતા સંકોચ કર્યો નહોતો.

સરકારમાંથી છૂટા થયેલા અગ્નિવેશ, પછીથી બંધુઆ મુક્તિ મોરચા પ્રકારની પ્રવૃત્તિઓથી કોળ્યા અને વ્યાપક અર્થમાં માનવમુક્તિની ચળવળોના હામી બની રહ્યા. એક પા આર્યસમાજનો સંસ્કાર એમને રૂઢિદાસ્ય અને ધર્મપાખંડ સામે લડવા પ્રેરતો તો બીજી પા માનવમુક્તિની ચળવળો એમને આકર્ષતી. આ આકર્ષણે એમની કને એક બાજુએ જો ‘સતી’ના ચાલ સામે ઝુંબેશ ચલાવડાવી કે મંદિરોમાં દલિત પ્રવેશની અહાલેક જગાવડાવી તો બીજી બાજુએ ઈંટોના ભઠ્ઠાથી માંડી નાનામોટા ઔદ્યોગિક એકમોમાં વેઠિયાની નિયતિ વેઠતા મોટા સમુદાયોને મુક્ત કરવાનો સંઘર્ષ પ્રેર્યો. આંદોલનને એ કાનૂની મોરચે પણ લઈ જતા અને ‘ફાઇટ ટુ ફિનિશ’ને ધોરણે લડતા રહેતા. એમના આ સંઘર્ષે એમને વિશ્વસ્તરે નામના અપાવી અને ઑલ્ટરનેટિવ નોબેલ લેખે પંકાયેલ  રાઈટ લાઈવલી હુડ એવોર્ડ લગી લઈ ગઈ.

એક રીતે વિરોધાભાસ જેવા (ખરેખર જો કે એમ નહીં) એવા એેમનાં રાજકારણ અને જાહેરજીવનમાં સમજ ને નિસબતને ધોરણે રસ જગવતો એક મુદ્દો સેક્યુલરિઝમનો હતો. સાધારણપણે સેક્યુલરિઝમનું નામ લેતાં કેટલાંક વર્તુળોમાં ‘ડાબેરી’ એવું નાકટીચકું ચડતું જણાય છે. પણ કોમી એકતાને મુદ્દે એમની સાથેના સહયોગમાં એમને સંકોચ નહોતો. બીજી બાજુ, ડાબેરીઓ સાથે ચર્ચામાં એ ધર્મની માર્ક્‌સવાદી સમજથી ઉફરાટે ભૂમિકા પણ લઈ શકતા, અને તેમ કરતાં ‘સેક્યુલરિઝમ’ વિશે બે ટીકાવચનો પણ ઉચ્ચારી શકતા. મને યાદ છે, એક ચર્ચામાં મેં એમને કહ્યું કે તમે કોમી એકતાની વાત કરતાં કથિત નિધર્મી અભિગમની આલોચના કરો છો પણ આપણા રાજકારણમાં જે મુદ્દો છે તે જુદો છે. તમે કોમી ધોરણે વિચારો છો કે કેમ તે એક મુદ્દો છે, અને બીજો મુદ્દો જે અવિક્રેય (ઈનએલિયેનેબલ) અધિકારો સ્વતંત્રતા ને સમાનતાના ખ્યાલોએ પરિચાલિત છે તેનો છે. તમારો ‘ધર્મ’, આપણા સમયમાં આ ઇનએલિયેનેબલ વાનાંનો લિહાજ કરીને ચાલવા જેટલો સમજદાર છે કે નહીં તે પાયાનો સવાલ છે.

પ્રથમ પરિચય પછીનાં વીતતાં ચાલેલા વર્ષોમાં ગાંધી વિશેનું એમનું આકલન અને કદરબૂજ વધ્યાંની મારી છાપ છે. જંતરમંતરના એમના દફતરમાં એક જરી લાંબી બેઠકને અંતે મને એમનું પુસ્તક ભેટ આપતાં એમણે આ ગાંધીચર્ચાથી કેળવાયેલી સમજનો વિશેષો ઊલ્લેખ કર્યો હતો. દેખીતી રીતે જ, એમના જેવા પરિવર્તનવાંછુને પ્રતિલોમ ગાંધીની મોહનમૂર્તિનો વીંછુડો ડંખી ગયો હશે.

અણ્ણાના આંદોલન વખતે એ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે સભામાં એમનું લોકશિક્ષક તરીકેનું સ્વરૂપ સરસ ખીલ્યું હતું. સવારે નાગરિક બેઠકમાં અભ્યાસીઓએ ગુજરાતના વિકાસપ્રચારની વાસ્તવિકતાનો – ખયાલ આપતાં જે વક્તવ્યો રજૂ કર્યાં હતાં એના મુખ્ય મુખ્ય મુદ્દાઓનું એ ટાંચણ કરી લાવ્યા હતા અને જાહેર સભાના વિશાળ શ્રોતા સમુદાયને એ એકોએક મુદ્દો ખોલીને સમજાવતા હતા. પાખંડકારણ સામે મન્યુપૂર્વક આક્રમક તેવરથી પેશ આવતા સ્વામીનું એ એક જુદું જ રૂપ હતું.

પણ મૂળે પાખંડમર્દનની એમની દયાનંદ પરંપરાવશ કોઈક ભૂમિકાએ સભાને અંતે એમના પર અનપેક્ષિત હુમલાની પરિસ્થિતિ સરજી હતી. રાણા સંગને સારુ ઘા એ કોઈ નવાઈની બાબત ન જ હોય. તેમ છતાં આપણું જાહેર જીવન જે એક નરવી ગુંજાશ ગુમાવી રહ્યું છે એની એક નિશાની લેખે આવી ઘટનાઓ નિસાસો તો જગવે જ.

સરકાર અને લોક વચ્ચે છતી ચૂંટણીએ, છતાં પ્રતિનિધિત્વે કશુંક ખૂટે છે તે ખૂટે જ છે. કથિત માઓવાદીઓ સાથે મધ્યસ્થી તરીકે એમની સેવાઓ લેવાઈ રહી હતી એ જ ગાળામાં એક ‘માઓવાદી’ના પોલીસ એન્કાઉન્ટરે એમની મધ્યસ્થીની હવા કાઢી નાખી એટલું જ નહીં પણ એ વિશ્વસનીયતા ગુમાવી દે તે હદે એમનું ચારિત્ર્યખંડન કરાયું હતું એ સાંભરે છે. બૅંક વરસ પર ઝારખંડની મુલાકાત દરમ્યાન ‘પ્રો-નક્સલ’ના લેબલ તળે એ હુમલાનો ભોગ બન્યા તે પછી તબિયત પાછી ન વળી તે ન જ વળી.

એંશી વરસની સભર જિંદગી, છેવટ જતાં, વિષાદ જગવતી ગઈ એમ કહીને વાતનો બંધ વાળવો કે ધર્મની નવયુગી નાગરિકધર્મી બાષા હજુ ભોગ માગે છે એવી ઇતિહાસનિયતિનો ઘૂંટડો ગળે ઉતારવો, એ સમજાતું નથી.

[12 સપ્ટેમ્બર 2020]

e.mail : prakash.nireekshak@gmail.com

Loading

...102030...2,2952,2962,2972,298...2,3102,3202,330...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved