Opinion Magazine
Number of visits: 9843125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કશ્તી કે મુસાફિરને સમુંદર નહીં દેખા ! 

રમેશ સવાણી|Opinion - Opinion|19 August 2025

રમેશ સવાણી

ચૂંટણીપંચની ભારે બદનામી થયા બાદ 17 ઓગસ્ટ 2025ના રોજ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશકુમાર ગુપ્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી. 

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે : [1] ચૂંટણી પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા બરાબર ! [2] ચૂંટણી પંચના ખભા પર બંદૂક રાખી રાજનીતિ થઈ રહી છે. [3] ફરિયાદીએ પુરાવા આપવાના હોય છે. [4] આક્ષેપો અંગે સોગંદનામું આપે, નહીંતર દેશની માફી માંગે ! જે પ્રેઝેન્ટેશન (રાહુલ ગાંધીએ) આપ્યું તે ડેટા ચૂંટણી પંચનો નથી. 7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આક્ષેપો નિરાધાર માનવામાં આવશે ! [5] વોટ-ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ઉચિત નથી. [6] લોકોને ગેરમાર્ગે દોરવા તે લોકતંત્રનું અપમાન છે. [7] ખોટા આક્ષેપોથી ચૂંટણી પંચ ડરતું નથી. [8] મતદાર યાદીની ત્રુટિઓની જાણકારી રાજકીય પક્ષો આપે. [9] મતદાર યાદીનું વેરિફિકેશન થઈ રહ્યું છે. [10] SIR-Special Intensive Revisionના કારણે ડુપ્લિકેટ EPIC-Electors Photo Identity Card નંબર દૂર થઈ જશે.

શું ચૂંટણીપંચ તટસ્થ છે? વડા પ્રધાન મોદીજીએ અનેક વખત આચારસંહિતાનો ભંગ કરેલ છે. એક તરફ મતદાન ચાલુ હોય અને બીજી તરફ ચૂંટણી રેલી પણ ચાલુ હોય ! પ્રચારમાં  ધર્મ-મંદિરનો ઉપયોગ, મુસ્લિમ સમુદાયને વિલન ચીતરવો વગેરે અનેક પ્રસંગોએ ચૂંટણીપંચે આંખ / કાન / મોં બંધ રાખેલ છે. ચૂંટણી કમિશનરની નિમણૂક વડા પ્રધાન કરે છે. નિમણૂક કમિટીમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કાઢી મૂક્યા છે. એટલે ‘ઉત્તમ ચાપલૂસ’ની નિમણૂક થાય છે. તટસ્થતા જોવા મળતી નથી. ‘ચૂંટણી પંચ માટે કોઈ પક્ષ કે વિપક્ષ નથી. બધા બરાબર !’ આ દલીલ ગળે ઊતરી શકતી નથી. ખુદ ચૂંટણીપંચ સત્તાપક્ષનું ખેંચે છે એટલે વિપક્ષ ચૂંટણીપંચની મુદ્દા આધારિત આલોચના કરે છે, તેને ‘ખભા પર બંદૂક રાખી રાજનીતિ કરે છે’ તેમ કહી શકાય નહીં. ફરિયાદી પુરાવા ન આપે તો ચૂંટણી પંચે જાતે સુધારણા કરવાની હોય કે નહીં? રાહુલ ગાંધીએ જે ડેટાનો ઉપયોગ કરેલ છે તે ‘ડેટા ચૂંટણીપંચનો નથી’ એમ કહેતા શરમ પણ ન આવે? માની લઈએ કે રાહુલ ગાંધીએ તદ્દન ખોટા ડેટા આપેલ છે તો તેમની સામે ચૂંટણીપંચ કોગ્નિઝેબલ ગુનો કેમ દાખલ કરતું નથી? ‘7 દિવસમાં સોગંદનામું નહીં આપે તો આક્ષેપો નિરાધાર માનવામાં આવશે !’ આમે ય ચૂંટણીપંચ સત્ય સ્વીકારતું નથી એટલે જ રાહુલ ગાંધી વોટ-ચોરીનો મુદ્દો લોકો સમક્ષ લઈ ગયા છે. ‘લોકોને ગેરમાર્ગે દોરવા તે લોકતંત્રનું અપમાન છે’ સહમત. પરંતુ લોકોને ગેરમાર્ગે કોણ દોરે છે, રાહુલ ગાંધી કે ચૂંટણીપંચ? ‘ખોટા આક્ષેપોથી ચૂંટણી પંચ ડરતું નથી’ આવું કહેનાર બંધારણીય સંસ્થા છે કે રાજાશાહી સંસ્થા? જો ‘મતદાર યાદીની ત્રુટિઓની જાણકારી રાજકીય પક્ષો આપે’ તો ચૂંટણીપંચે શું મંજિરા વગાડવાના હોય છે? ‘મતદાર યાદીનું વેરિફિકેશન થઈ રહ્યું છે. SIR-Special Intensive Revision થઈ રહ્યું છે’ તે સારી બાબત છે પણ તેમાં પારદર્શકતા તો રાખો ! ચૂંટણી પંચે જીવતા લોકોને મરેલા ઘોષિત કેમ કરી દીધાં છે? ચૂંટણીપંચે મહાદેવપુરા બેઠકમાં 1 લાખ નકલી મતદારો અંગે કેમ કોઈ સ્પષ્ટતા કરી નથી? બિહારના બગાહામાં, 9 ઘરોમાં 100થી વધુ મતદારો રહે છે, જ્યારે એક ઘરમાં 248 નકલી મતદારો છે. પીપરાના બૂથ નંબર 310ના એક ઘરમાં, 509 મતદારો મળી આવ્યા છે !

ચૂંટણી પંચના જવાબો અને ઉપરછલ્લી હાસ્યાસ્પદ દલીલો પાછળ, તેમની પ્રવૃત્તિઓમાં મોટી વિસંગતતા અને શુદ્ધ અપ્રમાણિકતાના ફિંગરપ્રિન્ટ્સ સ્પષ્ટપણે જોવા મળે છે. ચૂંટણીપંચ માત્ર 90 કરોડ મતદારો અને 140 કરોડ લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે અને તેમની સામાન્ય બુદ્ધિની મજાક પણ ઉડાવી રહ્યું છે. ચૂંટણીપંચ આવી હિંમત એટલે કરી રહ્યું છે કે તેમને વડા પ્રધાન મોદીજીનું પીઠબળ છે. 

મુખ્ય ચૂંટણી કમિશનરે દલીલ કરી છે કે ‘પારદર્શક પ્રક્રિયામાં કોઈ ‘વોટ ચોરી’ કઈ રીતે કરી શકે?’ બરાબર, પણ ચૂંટણી પંચ પારદર્શક છે ખરું? જો ચૂંટણી પંચ પારદર્શક હોય તો ડિજિટલ, મશીન-રીડેબલ વોટર રોલ આપવામાં વાંધો શું છે? ચૂંટણી પંચ ફોર્મ 17 ડેટા(જે બૂથ પર પડેલા કુલ મતોનું પ્રમાણપત્ર છે)ની બૂથવાર માહિતી વેબસાઇટ પર અપલોડ કરવાનો અથવા જિલ્લા રિટર્નિંગ અધિકારીઓને હાર્ડ કોપી આપવાનો ઇનકાર કેમ કરે છે? EVMમાં પડેલા મતો અને EVM દ્વારા ગણતરી કરાયેલા મતો વચ્ચે તફાવત કેમ હોય છે? ચૂંટણીપંચ મતદારોના CCTV ફૂટેજ શેર કરવામાં કેમ ડરે છે? મુખ્ય ચૂંટણી કમિશનરની હાસ્યાસ્પદ દલીલ તો જૂઓ : “મતદાન કરતી માતાઓ અને બહેનોના CCTV ફૂટેજ મહિલાઓની ગોપનીયતાનું ઉલ્લંઘન છે !” અરે જ્ઞાનેશકુમારજી ! બૂથની બહાર લાઇનમાં કઈ ગોપનીયતા છે?

મતદાર યાદીની ખામી એટલે લોકશાહીની ખામી. આવી ખામીઓને દૂર કરવાની પ્રાથમિક જવાબદારી ચૂંટણીપંચની છે. ચૂંટણીપંચે આ કામ વહિવટીતત્ર પાસે કરાવવું જોઈએ. ચૂંટણીપંચ સત્ય સમજવાનો પ્રયાસ પણ કરતું નથી. જેમ કોઈ નાવિકે ફક્ત તેની હોડીમાંથી સમુદ્ર જૂએ છે, સમુદ્રની ઊંડાઈ કે વિશાળતાનો અનુભવ કરતો નથી. તેવી જ રીતે, ચૂંટણીપંચ ઉપરછલ્લી વાત કરે છે. ચૂંટણીપંચે વસ્તુઓને ફક્ત બાહ્ય રીતે ન જોવી જોઈએ, પરંતુ તેના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજાઓની લાગણીઓ, તેમના સત્યને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ચૂંટણીપંચની હરકત જોતાં કવિ બશીર બદ્ર યાદ આવે છે : 

आंखों में रहा दिल में उतर कर नहीं देखा, 

कश्ती के मुसाफ़िर ने समुंदर नहीं देखा !

18 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પંચની પંચાત

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 August 2025

ચૂંટણી પંચ આજકાલ ચર્ચામાં છે.

રવીન્દ્ર પારેખ

એક તરફ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીને વોટ ચોરીને મામલે સોગંદનામા પર વાત કરવાનું કહીને ચૂંટણી પંચ ભીડાવે છે, તો સુપ્રીમ કોર્ટ એ જ મામલે ચૂંટણી પંચને સાણસામાં લે છે. સુપ્રીમ ન ટકોરે ત્યાં સુધી વોટ ચોરીના મુદ્દાની ગંભીરતા આપણે હૈયે વસતી નથી, પણ હવે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીમાંથી 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવાનો આદેશ આપ્યો છે, સાથે જ રદ્દ કરાયેલા નામોની સામે તે રદ્દ કરવાનું કારણ પણ સૂચવવા જણાવ્યું છે. બિહારમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે સમગ્ર દેશમાં વિવાદ ચાલે છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ કામગીરીમાં નક્કર પારદર્શિતા રાખવા ચૂંટણી પંચને ચોક્કસ નિર્દેશો આપ્યા છે.

બન્યું એવું કે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં, સ્પેશિયલ વોટર લિસ્ટ રિવિઝન પછી, ચૂંટણી પંચે પહેલી ઓગસ્ટે પહેલો મુસદ્દો જાહેર કર્યો તો તેમાં 65 લાખ લોકોનાં નામ ન હતાં. પંચે એ ખુલાસો પણ કર્યો કે આ 65 લાખમાં 22 લાખ એવા હતા જેમનું મૃત્યુ થઇ ચૂક્યું હતું ને 36 લાખ મતદારો એવા હતા જે બીજે ચાલી ગયા હતા કે પછી સરનામાં પર મળતા ન હતા ને 7 લાખ મતદારો એવા હતા, જેમના નામ બે જગ્યાએ બોલતા હતા. બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પંચે હાથ ધરેલ SIR અભિયાનના વિરોધમાં કાઁગ્રેસ, રાજદ…ના વિપક્ષી નેતાઓએ સુપ્રીમમાં અરજી કરી ને તેની સુનાવણી ચાલે છે.

સુપ્રીમે ગુરુવારે ચૂંટણી પંચને વચગાળાનો આદેશ આપ્યો ને એ અંગેનો રિપોર્ટ પણ માંગ્યો છે. સુપ્રીમે તેના આદેશનું જિલ્લા સ્તરે પાલન થાય એનો આગ્રહ પણ રાખ્યો છે ને ઉમેર્યું છે કે આગામી શુક્રવારે આગળની સુનાવણી કરશે. સુપ્રીમે મતદાતાઓની યાદી બૂથ લેવલ ઓફિસર(BLO)થી માંડીને જિલ્લા અને પંચાયત સ્તરની ઓફિસોમાં લગાવવા કહ્યું છે. બેન્ચે, પંચને આ સંદર્ભે મીડિયામાં બહોળો પ્રચાર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે યાદી સંદર્ભે એવી સૂચના પણ આપી છે કે તે એવી હોવી જોઈએ કે મતદાતા તેનો વોટર આઈ.ડી. નંબર નાખીને પોતાનું નામ શોધી શકે.

સુપ્રીમની બેન્ચે જે મતદાતાનું નામ રદ્દ થયું હોય તે, આધાર કાર્ડ સાથે ચૂંટણી અધિકારીનો સંપર્ક કરી શકે એવી મંજૂરી પણ આપી છે. બેન્ચે આ અંગેની સુનાવણી 22 ઓગસ્ટ પર રાખી છે. સાથે જ ચૂંટણી પંચે નિર્દેશોની પૂર્તતા અંગેનો રિપોર્ટ ફાઈલ કરવા પણ જણાવ્યું છે. એ ઉપરાંત જે 65 લાખ લોકોનાં નામ રદ્દ થયાં છે તેની યાદી બિહારના મુખ્ય ચૂંટણી કમિશનર(CEO)ની સાઈટ પર અપલોડ કરવા પણ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને મામલે કોઈ ઢીલ રાખવાના મૂડમાં નથી. તેણે સ્પષ્ટ કર્યું છે કે 2003ની SIRની પ્રક્રિયામાં કયા દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તેની યાદી પણ પંચ આપે.

બીજી તરફ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર વોટચોરીના આક્ષેપો કર્યા છે. પંચ એ મામલે વ્યથિત છે ને તેણે આરોપો સોગંદનામા સાથે કરવાનું રાહુલને જણાવ્યું છે. જો કે, રાહુલ ગાંધીએ તો બિહારમાં ’વોટ અધિકાર યાત્રા’ ગઈ કાલથી સાસારામથી શરૂ કરી દીધી છે ને તેમાં લાલુપ્રસાદ યાદવ સહિત ઘણા નેતાઓ જોડાયા છે. એની સમાંતરે ચૂંટણી પંચે પણ પ્રેસ કોન્ફરન્સ કરી મતદાતા અને મતદાનનો મહિમા સમજાવ્યો ને સાથે જ વળતા પ્રહારો પણ કર્યા કે મતદાર યાદી તૈયાર કરતી વખતે તેમાં રહી જતી ભૂલો સુધારવા બાબતે રાજકીય પક્ષોને પૂરતો સમય આપવામાં આવે છે, પણ ત્યારે કંઇ થતું નથી ને સમય વીતી ગયા પછી કે ચૂંટણી પછી, મતદાર યાદીની ભૂલો સંદર્ભે સવાલો ખડા કરવામાં આવે છે. જો સમય પર પાર્ટીઓ ફરિયાદ કરતે ને એમાં તથ્ય હોત તો સંબંધિત એસ.ડી.એમ. કે ઈ.આર.ઓ. તે સુધારી પણ લેતે. તે ન કરતાં હવે વોટ ચોરીનો આરોપ મુકાય છે તે બંધારણના અપમાન બરાબર જ છે. પંચે ફરી એક વાર રાહુલ ગાંધીને સોગંદ પર વાત કરવા કહ્યું છે, પણ રાહુલનો અગાઉથી જવાબ સ્પષ્ટ છે કે તેમણે સંસદમાં ઓલરેડી સોગંદ લઇ લીધા છે.

આ દરમિયાન એક ઘટના સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી આવી કે તેણે ચૂંટણી પંચને બરાબરની લપડાક લગાવી છે. હરિયાણાના પાણીપત જિલ્લાનાં એક ગામ બૌના લાખુમાં બે નવેમ્બર, 2022માં સરપંચની ચૂંટણી યોજાયેલી, જેમાં કુલદીપ સિંહ વિજેતા જાહેર થયેલા ને પ્રતિસ્પર્ધી મોહિત કુમારનો પરાજય થયેલો. મોહિત કુમારે એ પરિણામને ઈલેકશન ટ્રિબ્યુનલમાં પડકાર્યું. તેમનો આરોપ હતો કે એક બુથ પર ઈ.વી.એમ. મતગણતરીમાં ગોબાચારી થઇ હતી. આ મામલો પછી હાઈકોર્ટમાં પણ પહોંચ્યો, તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ટ્રિબ્યુનલનો આદેશ રદ્દ કર્યો ને છેવટે મામલો સુપ્રીમમાં પહોચ્યો. સુપ્રીમ કોર્ટે 31 જુલાઈને રોજ આ મામલામાં ફેર મતગણતરીનો આદેશ આપ્યો અને તે પણ તમામ બૂથો પર !

6 ઓગસ્ટે સવારે 10 વાગે પાનીપત જિલ્લાના ચૂંટણી અધિકારીને તમામ ઈ.વી.એમ. સાથે સુપ્રીમના પરિસરમાં બોલાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારની દેખરેખ હેઠળ ફેર મત ગણતરી કરવામાં આવી ને તેણે ચૂંટણીનું પરિણામ બદલી કાઢ્યું. વિજેતા ઉમેદવાર હાર્યો ને હારેલો ઉમેદવાર વિજયી થયો. આ આખી ગણતરીની વીડિયોગ્રાફી કરવામાં આવી અને બન્ને ઉમેદવારોના હસ્તાક્ષર કરાવીને પરિણામ જાહેર કરવામાં આવ્યું. કુલ 3,767 મત પડ્યા, જેમાંથી મોહિત કુમારને 1,051 મત મળ્યા ને હરીફ કુલદીપ સિંહને 1,000 મત મળ્યા. બાકીના મત અન્ય ઉમેદવારોને મળ્યા. આ પરિણામ સ્વીકારીને સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટને રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કર્યો અને પાણીપતના ડેપ્યુટી કમિશનરને બે દિવસમાં એવું જાહેરનામું બહાર પાડવાનો આદેશ આપ્યો, જેમાં મોહિત કુમાર સરપંચ તરીકે વિધિવત વિજેતા જાહેર થયા હોય.

સાધારણ રીતે વિપક્ષો હારી જાય તો ફેર મતગણતરીની માંગ કરવા માટે પંકાયેલા છે, પણ બૌના લાખુનાં પરિણામે એ સિદ્ધ કરી દીધું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા તળિયાઝાટક ફેરફાર માંગે છે. વિપક્ષો વગોવવા માટે જ છે એ મામલો પણ ફેર વિચારણા માંગે છે. ચૂંટણી પંચ, પંચની પારદર્શિતાની દુહાઈ દેતાં થાકતું નથી, તો તેને પૂછી શકાય કે આ પરિણામ અંગે તેનું શું માનવું છે? એક વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે કે તેમ રહી શકે એવું વાતાવરણ નથી. તે વગર સુપ્રીમે આટલી દખલ કરવી પડે ને આટલા નિર્દેશો ચૂંટણી પંચને આપવા પડે એવું બને કઈ રીતે? એનાં ચોક્કસ કારણો હશે જ, પણ બિહારમાં 65 લાખ લોકોનાં નામ મતદાર યાદીમાંથી નીકળી જાય ને એ મામલે સુપ્રીમે, ચૂંટણી પંચને આટલા આદેશો આપવા પડે એ વાતને હળવાશથી લઇ શકાય નહીં.

જરા વિચારીએ કે બૌના લાખુ ગામની ફેર મતગણતરી થતાં પરિણામ બદલાયું, એ રીતે બધે જ ફેર મતગણતરી થાય તો કોઈ જ પરિણામ બદલાય નહીં એમ લાગે છે? કુલદીપ સિંહ બે વર્ષથી વધુ વખત સરપંચ રહ્યા ને તેમને લીધે જે વિજેતા હતા તે મોહિત કુમાર તેમના હકથી બેથી વધુ વર્ષ વંચિત રહ્યા. મત ગણતરી યોગ્ય રીતે ન થવાને લીધે મોહિત કુમાર બેથી વધુ વર્ષ સરપંચ ન રહી શક્યા એને માટે કોને જવાબદાર ગણીશું? આવું તો કેટલા ય કિસ્સાઓમાં બન્યું હશે, પણ બધે ફેર મતગણતરી થતી નથી એટલે યોગ્ય તે વ્યક્તિ જે તે સ્થાન પર હોતી નથી ને અયોગ્ય વ્યક્તિ અનધિકાર તે સ્થાન પર બિરાજે છે. તળિયાઝાટક તપાસ થાય ને તે પણ જરૂર પડ્યે સુપ્રીમની હાજરીમાં, તો ઘણા મંત્રી, સાંસદો, ધારાસભ્યો કે કોર્પોરેટરો ઘરભેગા થઈ શકે અને જેમને ઘર ભેગા કરવામાં આવ્યા હતા તે સત્તા સ્થાનો પર આવે એમ બને.

એમ લાગે છે તમામ ક્ષેત્રે પારદર્શિતા ખૂટે છે ……

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑગસ્ટ 2025

Loading

માંઝી જો નાવ ડૂબોયે તો ઉસે કૌન બચાયે?

રમેશ સવાણી|Opinion - Opinion|17 August 2025

અમેરિકામાં એક વૃદ્ધ માણસને $500 ઉધાર લેવાની જરૂર પડી, તેથી તે સ્થાનિક બેંકમાં ગયો. બેંકરે તેનું સ્વાગત કર્યું અને લોન અરજી ભરવાનું શરૂ કર્યું.

બેંકર : “તમે પૈસાનું શું કરવાના છો?”

વૃદ્ધ : “ચાંદી ખરીદીશ, ઘરેણાં બનાવીશ અને પછી તેને વેચીશ.”

બેંકર : “અને તમારી પાસે જામીનગીરી (Collateral – કોલેટરલ) માટે શું છે?”

વૃદ્ધ : “મને ખબર નથી કે જામીનગીરી (કોલેટરલ) શું છે?”

બેંકર : “જો તમે લોન ચૂકવી ન શકો તો કોલેટરલ એ મૂલ્યવાન વસ્તુ છે જે અમે રાખીએ છીએ. શું તમારી પાસે કોઈ વાહનો છે?”

વૃદ્ધ : “હા, 1979ની શૈવી પિકઅપ છે.”

બેંકર : “તે  નહીં ચાલે. પશુધન છે ?”

વૃદ્ધ : “મારી પાસે ઘોડો છે.”

બેંકર : “ઘોડો કેટલાં વર્ષનો છે?”

વૃદ્ધ : “ખબર નથી … તેને દાંત નથી.”

ઘણા બધા પ્રશ્નો પછી, બેંકરે લોન મંજૂર કરી.

થોડાં અઠવાડિયાં પછી, વૃદ્ધ પાછો આવ્યો અને તેણે બેંકરને $500 આપ્યા.

બેંકર : “ધંધો સારો હોવો જોઈએ ! બાકીના પૈસાનું તમે શું કરવાના છો?”

વૃદ્ધ : ” મારી પાસે રાખીશ.”

બેંકર: “તમે તેને બેંકમાં કેમ જમા (ડિપોઝિટ) નથી કરાવતા?”

વૃદ્ધ : “મને ખબર નથી કે ડિપોઝિટ શું છે?”

બેંકર : “તમે પૈસા અમારી બેંકમાં મૂકો છો, અમે તેનું ધ્યાન રાખીએ છીએ, અને જ્યારે પણ તમને તેની જરૂર હોય, ત્યારે તમે તેને ઉપાડી શકો છો.”

વૃદ્ધ : “તમારી પાસે જામીનગીરી (ડિપોઝિટ) માટે શું છે?”

pastedGraphic.png

બેન્કવાળા KYC – Know Your Customer(તમારા ગ્રાહકને જાણો)નો આગ્રહ રાખતા હોય છે. દર વખતે આપણી ઓળખના પુરાવા રજૂ કરવા પડે છે. મારી નોકરીની શરૂઆત થઈ ત્યારથી મેં બેન્કમાં સેલેરી એકાઉન્ટ ખોલાવ્યું હતું. હવે એમાં પેન્શન જમા થાય છે. છેલ્લાં 35 વર્ષથી ખાતું છે અને વારંવાર KYC કરાવવું પડે છે ! મની લોન્ડરિંગ, આતંકવાદી ધિરાણ, છેતરપિંડી અને identity theft – ઓળખ ચોરી જેવા નાણાકીય ગુનાઓને રોકવા માટે KYC જરૂરી છે, એવું બેંક કહે છે. KYCથી કેટલા માલિયા, જમાલિયા, મોદીયાઓ રોકાયા એ તો રામ જાણે ! 

આપણા જેવા સામાન્ય નાગરિકોને અકારણ હેરાન કરવામાં આવે છે અને કેટલાક માલિયા-મોદીયાઓ બેન્કને ચૂનો લગાડી ભાગી જાય છે અને બેન્ક KYCની રાહ જોઈને બેસી રહે છે !

મેં એક દિવસ બેન્ક મેનેજરને કહ્યું : “મારે તમારું KYC કરાવવું પડશે ! અમે તો 35 વર્ષથી એકધારું ખાતું ધરાવીએ છીએ. મેનેજરો તો આવે છે ને જાય છે ! નકલી યુગમાં અમારે અમારી સલામતી તો જોવી જ પડે ને ! માંઝી જો નાવ ડૂબોયે તો ઉસે કૌન બચાયે?”

એ બીચારો હસી પડ્યો ! 

[સૌજન્ય : નિલેશ થાનકી, 
16 ઓગસ્ટ 2025. 
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય / આર.કે. લક્ષ્મણ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...224225226227...230240250...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved