Opinion Magazine
Number of visits: 10081236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસહમતિ વ્યક્ત કરવાની પણ એક રીત અને ગરિમા હોવી જોઈએ

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|10 October 2025

હિતેશ રાઠોડ

ભારતની સર્વોચ્ચ અદાલતમાં હમણાં એક ઘટના ઘટી ગઈ. ભારતના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ પર સિત્તેર વટાવી ગયેલ એક સિનિયર વકીલે જૂતું ફેંક્યું. આની પાછળનું કારણ જે પણ હોય, પરંતું આ પ્રકારની ઘટના સામાજિક સૌહાર્દ માટે ભયજનક સંકેત છે. ઉચ્ચ પદ પર બિરાજમાન એક વ્યક્તિના અભિપ્રાયનો વિરોધ કરવાનું આ વરવું સ્વરૂપ કોઈપણ સમાજ માટે શરમજનક છે. આ ઘટના પરથી એમ લાગે છે કે કોઈની વાતનો વિરોધ કરવા માટે વ્યક્તિ પાસે કોઈ શબ્દો ન હોય અથવા એની પાસે જે સમજણ છે તેને આધારે તે વિરોધ કરી શકવા સક્ષમ ન હોય ત્યારે તે આવી પાશવી હરકતોનો આશરો લે છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા મંચ પર આ પ્રકારની ઘટના ઘટવી એ ભારતની સભ્યતા અને સંસ્કારિતાની વાતો સામે પણ પ્રશ્નચિહ્ન લગાવે છે. આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો રાષ્ટ્રિય સ્તરે પડ્યા. આંતરરાષ્ટ્રિય સ્તરે શું અને કેવા પ્રત્યાઘાતો પડશે એ આગામી સમય કહેશે. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે લોકશાહીની દુહાઈ દેતા આપણે લોકશાહીના આધારસ્તંભને સુરક્ષા પણ પ્રદાન કરી શકતા નથી.   

આ પ્રકારની ઘટનાના સૂચિતાર્થો શું હોઈ શકે એના પર આપણે સૌએ વિચાર કરવાની તાતી જરૂર છે. આ ઘટનાથી કેટલાક સવાલો થાય છે : આ પ્રકારના કૃત્યો કરીને અથવા તેનું સમર્થન કરીને આપણે કેવા પ્રકારના સમાજનું નિર્માણ કરવા તરફ આગળ ધપી રહ્યા છીએ? આપણે કેવાં અને ક્યા પ્રકારનાં વૈચારિક અને સામાજિક મૂલ્યોનું સમર્થન કરી રહ્યા છીએ? કહેવા ખાતર વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાનું સમર્થન કરતા આપણે આવા કૃત્યો કરીને શું આપણે દંભ નથી આચરી રહ્યા? મનુષ્યની સાચી ઓળખ તેનાં કર્મો છે ત્યારે આ પ્રકારના કૃત્યોથી આપણે આપણી કેવી ઓળખ સાબિત કરવા માગીએ છીએ?  બહારથી ઉજળા અને રૂપાળા દેખાતા માનવની આવી કુંઠિત વિચારસરણી અને કૃત્ય વિશે આપણે શું કહીશું?  વિશ્વના દેશો ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા અને ધાર્મિક રૂઢિચુસ્તતાઓની સંકુચિત વિચારસરણીના જાળામાંથી બહાર નીકળી વૈશ્વિક મનુષ્ય કલ્યાણ અને માનવ સુખાકારીની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? આપણે આપણી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ માનવીય સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલની દિશામાં કરવાને બદલે સામાન્ય માણસની સમજથી પર એવી ધાર્મિક, સાંસ્કૃતિક, વંશીય, ભાષાકીય વગેરે જેવી બાબતોમાં કરીને શા માટે માનવ-શક્તિ અને સમયનો વ્યય કરી રહ્યા છીએ? આ આખી સમસ્યાના મૂળમાં કારણરૂપ ભગવાન વિષ્ણુ અને સનાતન ધર્મ તો મનુષ્ય કલ્યાણ અને મનુષ્ય સુખાકારીની વાત કરે છે, એમના નામ પર આપણે શું કરી રહ્યા છીએ? આ બધા પ્રશ્નોમાં ‘આપણે’ શબ્દનું પ્રયોજન કરવાનો આશય એટલો જ કે સમાજનો એક વર્ગ આ નિંદનીય કૃત્યનું સમર્થન કરી રહ્યો છે. આ ઘટના કોઈ એકલ વ્યક્તિનું એકાંકી કૃત્ય નથી, પરંતું આની પાછળ આ પ્રકારની વિચારસરણી ધરાવતા સમાજના એક બહોળા સમુદાયનું પીઠબળ હોઈ શકે છે.

આ ઘટના સંદર્ભે અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે, પણ મૂળ વાત છે સદીઓ પુરાણી આપણી સંકુચિત અને રૂઢિગત માનસિકતાની, જેની ચુંગાલમાંથી વકીલ જેવી સમાજની વિદ્વાન વ્યક્તિ પણ બાકાત નથી. મતલબ સાફ છે, આપણી શૈક્ષણિક પ્રણાલિ પણ આપણી સંકુચિત અને રૂઢિચુસ્ત વિચારધારાને બદલવામાં નાકામ રહી છે. આર્થિક અને ભૌતિક વિકાસની રાહમાં આપણે બે ડગલાં આગળ વધ્યા હોઈશું એની ના નહિ, પણ સામાજિક અને વૈચારિક સમૃદ્ધિની બાબતમાં આપણે હજુ અનેક દાયકાઓ પાછળ છીએ અને એ જ વર્ષો જૂની ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. પ્રગતિશીલ વિચારધારા હજી પણ આપણાથી જોજનો દૂર છે. પ્રગતિશીલ સમાજનું નિર્માણ આપણી કલ્પનામાં પણ ક્યાં ય નથી. ધર્મ, વંશ, સમુદાય, પ્રાંત, જ્ઞાતિ, જાતિ અને ભાષાથી પર વ્યક્તિને એક વ્યક્તિ તરીકે ઓળખવાની દૃષ્ટિ આપણે હજી કેળવી શક્યા નથી. ધર્મ, ધર્માંધતા અને ધાર્મિકતાની આડમાં આપણે આપણી નૈસર્ગિક બુદ્ધિનો જરા પણ ઉપયોગ કરતા નથી. ઈશ્વર સત્ય છે અને અત્ર તત્ર સર્વત્ર છે એવી આપણી સમજણ છતાં ઈશ્વરને આપણે મંદિર, તીર્થ અને ધાર્મિક સ્થાનો સુધી સીમિત કરી દઈએ છીએ. ઈશ્વરને મૂર્તિ અને મંદિરમાં શોધવા અને જોવા પ્રયાસ કરી આપણે ઈશ્વરીય સર્જન એવા મનુષ્યની ધરાર અવગણના કરતા હોઈએ તો ઈશ્વર અને ધર્મ વિશેની આપણી સમજ, ધાર્મિક આસ્થા અને આપણી સામાન્ય સમજણ-શક્તિ પર આપણે પુન:વિચાર કરવાની જરૂર છે. ઈશ્વરની મૂર્તિને ભવ્ય આલિશાન મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા આપણે ભવ્યાતિભવ્ય આયોજન કરી એની આસપાસ વસતા દરિદ્ર મનુષ્યોને ઠેકાણે પાડી દઈ રાતોરાત એમને ઘર-વિહોણા કરી નાખતા હોઈએ તો મંદિરમાં બિરાજમાન ઈશ્વર એમાં કેવી રીતે રાજી રહી શકે! ધાર્મિક શ્રદ્ધાની આડમાં શીલ, સૌમ્યતા અને અનુકંપા ગુમાવી દઈ આપણે આવેશ અને હિંસક વૃત્તિનો શિકાર બની ગયા છીએ. આપણી ધાર્મિક શ્રદ્ધા અને આસ્થામાં શીલ, શિસ્ત, શાણપણ, સમજદારી, અનુકંપા, સહાનુભૂતિ અને લાગણી નથી પણ એક અવિચારી આવેશ અને ઝનૂન છે જેમાં સારાનરસાનો ભેદ પારખવાનો વિવેક નથી. ધર્મ અને ધાર્મિકતા તેમ જ મૂર્તિ અને મંદિર વચ્ચે આપણે માનવતા અને જીવંત મનુષ્યને ભૂલી ગયા છીએ અને એના આવેશમાં આવી જઈ આવા અવિચારી કૃત્યો કરતા જરા ય ખચકાતા નથી, અને હદ તો ત્યારે થાય છે જ્યારે આવા કૃત્યો કર્યા પછી આપણને એનો કોઈ પસ્તાવો, શરમ કે અફસોસ નથી થતા. વળી, જે લોકો આવા કૃત્યોનું સમર્થન કરે છે તેઓ પણ આવા કૃત્યમાં સરખા ભાગીદાર બને છે. આવા કૃત્યોને સમર્થન મળવાથી જ સમાજમાં વૈમનસ્ય ફેલાવતી આ પ્રકારની વિચારધારાને બળ મળે છે. ભારત એ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને વરેલો દેશ છે જેમાં સૌ વ્યક્તિ સમાન છે ત્યારે દેશમાં સામાજિક સૌહાર્દ ખોરવતી, લોકો વચ્ચે તિરસ્કાર, ઘૃણા અને વિખવાદ ફેલાવતી અને બીજાને ઉતારી પાડતી કોઈપણ વિચારધારાને ક્યારે ય કોઈ અવકાશ હોઈ શકે નહીં. કોઈના વિચારો કે અભિપ્રાય સાથે અસહમતિ હોઈ શકે એની ના નહિ પણ એ અસહમતિને આ રીતે વ્યક્ત કરવાની રીત માનવીય તો નથી જ નથી.

સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com

Loading

અમેરિકન પ્રમુખની મુલાકાત લીધી એક ગુજરાતી લેખકે

દીપક મહેતા|Opinion - Literature|10 October 2025

ગ્રંથયાત્રા – 16

અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં ગંગુ તેલી જેવો અમેરિકાનો પ્રમુખ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતીઓનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને!

પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં! એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : “શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઇ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : “એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.” તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? તો જવાબમાં કહેવાનું કે નામ ખબર નથી. કારણ ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : “એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’ લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? કહે છે ને કે મન હોય તો માળવે જવાય. અને બીજી કહેતી છે, પૂછતાં પંડિત નીપજે. મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે આ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહર હોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી.    

અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસ પોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઇ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઇ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવાય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો! 

આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં એક પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઇ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી. ૧૮૬૪માં છપાયેલા આ પુસ્તકની છાપેલી નકલ આજે સહેલાઈથી જોવા ન મળે. પણ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહામાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સી.ડી. પર ઇબુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. એટલે તે મેળવીને કોઈ પણ પુસ્તકપ્રેમી વાંચી શકે તેમ છે. ‘ગુજરાત સાહિત્ય અકાદમીએ’ આ જ પુસ્તકની ડો. અજયસિંહ ચૌહાણ સંપાદિત આવૃત્તિ મુદ્રિત રૂપે પ્રગટ કરી છે. 

e.mail : deepakbmehta@gmail.com

XXXXXX

10 ઑક્ટોબર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

ગાઝા માટે ‘શાંતિ’ની દરખાસ્ત ખરેખર શાંતિ લાવી શકશે? 

નેહા શાહ|Opinion - Opinion|10 October 2025

નેહા શાહ

બે વર્ષથી ગાઝા પટ્ટીમાં દ્દુનિયા મોત અને તબાહીનો તમાશો જોઈ રહી છે. હમાસે ઈઝરાઈલ પર આક્રમણ કરી આશરે ૧,૨૦૦ લોકોની હત્યા કરી એ ઘટનાને ૭મી ઓક્ટોબરે બે વર્ષ થયાં, અને ઈઝરાયેલને જાણે ‘લાઈસન્સ ટુ કીલ’ મળી ગયું. ગાઝામાં લગભગ ૬૭,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. ગાઝા અત્યારે લગભગ સંપૂર્ણ પણે તારાજ છે. આ વિસ્તારમાં જે થઇ રહ્યું છે એ હવે યુદ્ધની વ્યાખ્યામાં બેસતું નથી, એને માનવ સંહાર જ કહી શકાય. શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. બોમ્બથી મરનારના આંકડાની સાથે ભૂખમરાનો આંકડો પણ વધતો જાય છે. અનાજ, પાણી, કે દવા જેવી કોઈ માનવીય મદદ પણ ગાઝા સુધી પહોંચે નહિ એની તકેદારી ઇઝરાયેલી સેના લઇ રહી છે. ૪૪ દેશોમાંથી ૫૦૦ નાગરિકોનો ‘સુમુદ ફ્લોટીલા’ નામે કાફલો ૪૦ વહાણ લઇ દરિયાઈ માર્ગે ગાઝા પહોંચવા નીકળ્યો, જેને આંતરવામાં આવ્યો, તેના સભ્યોની ધરપકડ થઇ અને તેમની સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, જાણે તેઓ આતંકવાદી હોય. આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ હવે એમને છોડી પણ દેવાયા. 

આ બધાની વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરી, વીસ મુદ્દાની શાંતિની દરખાસ્ત રજૂ કરી છે જેમાં ગાઝાના પુન:ર્નિર્માણ અને આર્થિક પરિવર્તન માટેની દરખાસ્ત છે. યુરોપના દેશો અને આરબ દેશો તરફથી એને વ્યાપક આવકાર મળ્યો છે. વડા પ્રધાન મોદીએ પણ પ્લાનને આવકારતા ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કર્યાં છે. હમાસે બધા બંધકોને મુક્ત કરવાનું તો સ્વીકાર્યું છે, પણ પ્લાનની બધી શરતો સ્વીકારી નથી. માત્ર હમાસ જ નહિ, પણ પેલ્સ્તીનના રાજકારણનું નજીકથી નિરીક્ષણ કરનારા પત્રકારો, એક્ટિવીસ્ટો, અને સંશોધકોએ પણ આ પ્લાન સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પ્લાન પ્રમાણે શાસનની પ્રક્રિયામાં જેમની જમીન પર સંહાર થઇ રહ્યો છે, જેમના કલ્યાણ માટે શાંતિની જરૂર છે એવા પેલેસ્તાઈનના લોકોનું કોઈ પ્રતિનિધત્વ જ નથી ! હમાસના ગુનાઓને ઝાંખા પાડે એટલા અનેક અત્યાચાર કરી ગુનાઓની બધી સીમા વટાવી ચુકેલા ઇઝરાયેલ માટે ઠપકાના બે શબ્દો પણ નથી ! વક્રોક્તિ તો ત્યાં છે જ્યારે ટ્રમ્પની યોજના પ્રમાણે પેલેસ્ટાઈનવાસીઓને દેશ છોડવા માટે મજબૂર કરવામાં આવશે નહીં ! અરે ભાઈ, આ એમનો દેશ છે. એ લોકો તો અહીં જ રહેવાના છે. દેખીતી રીતે દ્વિ-રાષ્ટ્રીય દરખાસ્તને સદંતર અવગણવામાં આવી છે !

પ્લાનનો પહેલો મુદ્દો ગાઝાને કટ્ટરપન્થીઓથી મુક્ત કરવાનો છે. આ પ્રદેશની અશાંતિ માટે ઈઝરાઈલ પણ તો જવાબદાર છે જે અંગે પ્લાનમાં કોઈ ઉલ્લેખ નથી. યદ્ધ વિરામના પ્રયત્નો ઈઝરાઈલી હુમલાઓને કારણે પડી ભાંગ્યા છે એ હકીકત કેમ ભૂલાય? ઈઝરાઈલી સૈન્ય ગાઝામાંથી પાછા વળવા અંગે ત્રણ તબ્ક્ક્કા નક્કી કરવામાં આવ્યા છે. પણ તેની શરતો પણ ધૂંધળી છે તેમ જ કોઈ ચોક્કસ સમય રેખા પણ નથી. આ ઉપરાંત, યુદ્ધ ગાઝામાં ચાલે છે એ બહાને છેલ્લાં બે વર્ષમાં વેસ્ટબેંક વિસ્તારના હજારથી પણ વધુ નાગરિકોને ઈઝરાઈલી દળોએ મારી નાખ્યા છે. જમીન કબજે કરવાના  મિશનની ઝડપ વધી ગઈ છે. પેલેસ્તીનની જમીન પચાવી ત્યાં રહેવા ઈઝરાયેલીઓને સબસીડી આપવાની નીતિ અશાંતિના બીજ રોપતી આવી છે એ અંગે ટ્રમ્પની શાંતિ દરખાસ્તને કશું કહેવાનું નથી. 

પ્લાનમાં થયેલી દરખાસ્ત મુજબ પેલેસ્ટિનિયન સત્તા હાથમાં લે ત્યાં સુધી “બોર્ડ ઓફ પીસ” નામની વચગાળાની સંસ્થાની દેખરેખ હેઠળ શાસન ચાલશે. આ બોર્ડનું સંચાલન ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરશે. ટોચની સમિતિમાં કોઈ પેલેસ્તીની નાગરિકનો ઉલ્લેખ નથી. એમના ભાગે માત્ર પ્લાનનું પાલન કરવવાનું છે. ટોચની સમિતિમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરનું નામ પણ છે, જેમની સામે મધ્ય-એશિયામાં થયેલા યુદ્ધના ગુનાઓમાં સામેલ હોવાનો આક્ષેપ હતા. સલાહકાર બોર્ડમાં એમની હાજરી પર આ વિસ્તારના નેતાઓને સ્વાભાવિક રીતે વિશ્વાસ પડે એમ નથી. વળી, “બોર્ડ ઓફ પીસ”ના હાથમાં ક્યાં સુધી સંચાલન રહેશે અને ક્યારે પેલેસ્ટિનિયન લોકોને સત્તા સોંપવામાં આવશે એની કોઈ ચોક્કસ સમયરેખા નથી. 

સંસ્થાનવાદી વૃત્તિ જગતમાંથી ગઈ નથી. દુનિયાના શક્તિશાળી દેશોને હજુ પણ લાગે છે કે તેઓ બધી રીતે ચડિયાતા છે અને દુનિયાના અન્ય ખૂણાની સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક બાબતોમાં તેમની દખલથી સૌનું ભલું થશે. વર્તમાન ખૂન-ખરાબાના મૂળમાં પણ સંસ્થાનવાદી ઇતિહાસ જ છે. જ્યારે શક્તિશાળી દેશોએ ભેગા થઇને નક્કી કરી લીધું કે યહૂદીઓ માટે અલગ દેશ હશે અને સ્થાનિક લોકોને પૂછ્યા વગર દુનિયાભરમાંથી યહૂદીઓને લાવી ઈઝરાઈલમાં વસાવ્યા. 

આજની તારીખમાં પેલેસ્તીની લોકો માટે કોઈ પણ પ્રકારે શાંતિ સ્થપાય એ જરૂરી છે, મોતનો આ ખેલ તાત્કાલિક અટકાવવો જરૂરી છે. પણ, આવા કોઈ પ્લાનથી શાંતિ આવશે એવી ભ્રામક આશા સેવવામાંથી બચવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે સમુદાય માટે તેમની ગરિમા જળવાય એ ખૂબ જરૂરી છે. જગત જમાદારો જો સત્તાનો કબજો પોતાના હાથમાંથી છોડશે નહિ તો ફરીથી લોકોનો વિદ્રોહ એક યા બીજા પ્રકારે ઊભો થઇ શકે છે. હમાસ માત્ર થોડા કટ્ટરપંથી લોકોનો સમૂહ નથી, એ એક વિચાર છે જે બીજા સ્વરૂપે ફરી ઊગી શકે છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...225226227228...240250260...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved