Opinion Magazine
Number of visits: 10,226,841
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પગડી સંભાલ જટ્ટા …

ભરત મહેતા|Opinion - Opinion|16 December 2020

પરથમીનો પોઠી કહેવાતો, રાજાઓનો રાજા, જનતાનો તાત અત્યારે રાજધાનીની બહાર દ્વાર ખખડાવતો ઊભો છે. એને પ્રવેશવાની પરવાનગી નથી! બારડોલીના ખેડૂત-આંદોલનથી વલ્લભભાઈમાંથી સરદાર બનેલા સરદારથી, ચંપારણથી મહાત્મા બનેલા ગાંધીજીથી, એમના માર્ગથી અદાણી-અંબાણીના શ્રવણકુમાર કેટલા દૂર છે એ આ ઘટનાથી સમજાય છે. ૫મી જૂને વટહુકમથી લાવેલા આ ત્રણ કાયદાઓ વિશે મેં ઑગસ્ટના ‘નિરીક્ષક’માં લખેલું, તેથી હું પુનરાવર્તન કરવા માંગતો નથી. એ વખતે ચિંતા એટલી જ હતી કે કૃષિક્ષેત્રનું કૉર્પોરેટીકરણ થઈ જતાં હવે શું થશે? પણ કોઠાસૂઝથી ખેડૂતો આ વાત સમજ્યા અને કુંભકર્ણ જેવી સરકારની ઊંઘ હરામ કરી નાંખી છે. કોરાના કાળમાં દેશનું લીલામ કરવાની અને મજૂરવિરોધી કાયદાઓની મોસમ હતી, જેના વિશે પણ મેં લખેલું. આ આંદોલન આઝાદીના સત્યાગ્રહ આંદોલનની યાદ આપતું આશ્વાસન છે. કાળા અંગ્રેજ સામે હિન્દુસ્તાનનો ખેડૂત પ્રતિરોધ કરે છે.

દિલ્હીથી આવતા તમામ રસ્તાઓ પર દિવસોથી લાખેક ખેડૂત બેઠા છે. થવા આવ્યા છે. બિલ વટહુકમથી પસાર કર્યા બાદ સપ્ટેમ્બરમાં રબરસ્ટૅમ્પ રાષ્ટ્રપતિએ મત્તું ય મારી દીધું! જૂનથી જ આંદોલન ચાલે છે, પણ નાક-કાન વિનાની સરકારે ગણકાર્યું નહીં. જંગી કહો કે જંગલી બહુમતીના તોરમાં, તાનમાં સરકાર છે. ચોર કોટવાળને દંડે એમ બેશરમ રાજનેતાઓને આ આંદોલનમાં ખાલિસ્તાનીઓ પણ દેખાઈ ગયા! ૪૦ કિસાનસભાઓ, ડાબેરી સંગઠનો પ્રારંભે હતાં ૮મીએ પાંચસો ખેડૂત-સંગઠનોએ ટેકો આપી આંદોલનને ભારતવ્યાપી બનાવ્યું. સરકારે ન સાંભળ્યું, તેથી એ દિલ્હી પહોંચ્યા, ઘરબાર, ખેતી જનાવર રેઢાં મૂકીને વિપક્ષ તો ઠીક, પક્ષને ય ગણકાર્યા વિના કામ કરવાની મોદીનીતિનો આ વધુ એક નાદર નમૂનો છે. નોટબંધી, જી.એસ.ટી. કે લૉકડાઉનની જેમ ‘એકાએક’ ઝિંકાયેલો નિર્ણય છે. વિપક્ષ અને ખેડૂત-સંગઠનોને સામેલ કર્યા વિના, વટહુકમથી લાવેલા આ ત્રણ કાયદા લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ છે.

સરકારના જડ વલણ સામે અન્નદાતા નીકળી પડ્યો છે. ફકીરોની જેમ ઊઠવાના કોઈ ઇરાદાવગર તંબૂ તણાઈ ગયા છે, લંગરમાંથી અવિરત ખાવા-પીવાની સુવિધાઓ મળે છે. આંદોલનકારીઓને પીવાનું પાણી પહોંચાડવાની સરકારે દરકાર નથી કરી પણ વૉટરકેનનથી પાણી મારવામાં બાકી રહ્યું છે. મારનાર પોલીસકર્મીઓને આંદોલનકારીઓ જમાડી રહ્યા છે ! ક્રાંતિગીતો ગવાઈ રહ્યાં છે. કાતિલ ઠંડીમાં કેટલાંક મોત થયાં છતાં આ ખેડૂતો ડગ્યા નથી.

આંદોલનકારીઓને સાથ આપવા અનેક લોકોએ પોતાના ઍવૉર્ડ પાછાં આપ્યા છે! આપણે જાણીએ છીએ કે પંજાબનું પ્રદાન રમતગમતમાં વિશેષ છે. અર્જુન ઍવૉર્ડ, દ્રોણાચાર્ય ઍવૉર્ડ અને ધ્યાનચંદ ઍવૉર્ડ વિજેતાઓ પોતાના ઍવૉર્ડ રાષ્ટ્રપતિને પરત કરી રહ્યા છે. એશિયન ગેમ્સમાં બે વાર સુવર્ણચંદ્રક જીતનાર કરતારસિંહ, બાસ્કેટબૉલનો અર્જુન એવૉર્ડ મેળવનાર સજ્જનસિંહ સીમા, વેઇટલિફટર વિજેતા તારા, હૉકીના ઑલમ્પિક ખેલાડી મુખબૈનસિંહ, ગુરમેલસિંહ, રાજબીર કૌર, બૉક્સિંગના દ્રોણાચાર્ય ઍવૉર્ડ અને અન્યનો સમાવેશ થાય છે. પ્રકાશસિંહ બાદલે પોતાનો પદ્મવિભૂષણ પુરસ્કાર સરકારને પરત કર્યો છે. પંજાબ-હરિયાણાના ત્રણ હાઈકોર્ટ ન્યાયાધીશોએ ખેડૂતોનું સમર્થન કર્યું છે. બ્રિટનની સંસ્થા ‘ખાલસા એડ’ દ્વારા મોટી આર્થિક સહાય મળી છે. મહિલાઓ માટે પચાસ પૉર્ટેબલ શૌચાલયો ઊભાં કરવામાં આવ્યાં છે. A.I.M.T.C.(ટ્રાન્સપોર્ટ સંગઠન)ના અધ્યક્ષ કુલતારનસિંહ અટવાલે ટેકો જાહેર કર્યો છે. દિલજિત જેવા અભિનેતાએ એક કરોડની આર્થિક સહાય આપી અને આંદોલનકારીઓ સાથે આવીને રોકાયા, સંબોધન કર્યું. આને સત્યાગ્રહ ન કહેવાય તો શું કહેવાય?

વડીલો, વૃદ્ધો, બહેનો અને બાળકો, પૂરા પરિવારો અહીં મૌજુદ છે. સંઘપરિવારવાળાઓને આ પરિવારોની ચિંતા નથી. આશ્ચર્યની વાત એ છે કે કેટલાંક યુગલો તો નવપરિણીત છે. હજુ હાથમાં મહેંદી નથી સુકાઈ. વિકલાંગો પણ છે. ચોમેરથી મદદનો ધોધ વહે છે. લોકઆંદોલનનું આ નવું સ્વરૂપ છે. દૂધ, દહીં, લસ્સી, શાકભાજી, રોટી આવ્યાં જ કરે છે. જાણે ભગતસિંહની સમાધિ પર મેળો ભરાયો હોય એવું દૃશ્ય છે, રાષ્ટ્રીય રાજમાર્ગ જી.ટી. રોડ અત્યારે એક સડક નહીં, પરંતુ જીવતુંજાગતું હિન્દુસ્તાન લાગે છે! મહેનત કરો, નામ જપો અને વહેંચીને ખાવ એવી નાનકવાણી ચોમેર સંભળાય છે. સ્વયં નાનકદેવે ધર્મપ્રચારની સાથોસાથ કરતારપુરમાં વરસો સુધી ખેતી જ કરી હતી. આંદોલનની છબી મરડી નાંખવામાં આ સરકાર માહિર છે. નમસ્તે ટ્રમ્પવાળી સરકાર કોરોના માટે તબલિગીને જવાબદાર ગણતી હતી. NRCમાં દેશદ્રોહીઓ જ છે એવું માનતી હતી. સડકો તોડી નાંખતી, રસ્તા ખોદી નાખતી સરકાર ખેડૂતોને દિલ્હી આવતા રોકી રહી છે. રાષ્ટ્રીય માર્ગ તોડી નાંખવો એ ગુનો ગણાય. શું કોર્ટ સરકારને ગુનાહિત ગણી સજા કરશે? આંદોલનના સ્થળે જૅમર લગાવ્યા છે તેથી ઇન્ટરનેટ બંધ, મોબાઇલ નેટવર્ક બંધ. મદદમાં આવેલ ડૉક્ટર્સ પરેશાન છે.

શૂરા સો પહેચાનિયે જો લડે દીન કે હેત,
પૂર્જા-પૂર્જા કટ મરે પર કભીના છોડે ખેત.

ગુરુ ગોવિંદસિંહની આવી વાણીથી આ આંદોલનકારીઓ પ્રેરિત છે. ઈ. ૧૯૦૭માં ભગતસિંહના કાકા અજિતસિંહની આગેવાનીમાં ‘પગડી સંભાલ જટ્ટા’ આંદોલનની શરૂઆત થઈ હતી. પંજાબની આ પરંપરાનો રણકો આ આંદોલનમાં સાંભળવાના બદલે વડા પ્રધાન નીરોની માફક બનારસમાં સંગીતની ધૂન પર ઝૂમી રહ્યા હતા. ખેડૂતોની જિંદગીમાં અંધકાર પાથરી, બનારસમાં પંદર લાખ દીવાનો ઝગમગાટ બીભત્સ લાગે છે! મદહોશ સરકારે સમજી લેવું જોઈએ કે આ આંદોલન હવે માત્ર MSP સુધી સીમિત નહીં રહે. ભારતની કૃષિવ્યવસ્થાને ત્રણ કાળા કાયદા દ્વારા ઔદ્યોગિક ગૃહોને સમર્પિત કરતી સરકાર સામેનો આ સત્યાગ્રહ છે. ખેડૂતોએ હવે એને જીવનમરણનો સવાલ બનાવી દીધો છે. ધીમે-ધીમે અન્ય ક્ષેત્રોના ખેડૂતો રાજસ્થાનની જેમ ત્યાં પહોંચી રહ્યા છે. હંમેશાં કોઈ પણ વાતમાં હિન્દુ-મુસ્લિમ લઈ આવતી સંઘ સરકારના હાથ અહીં હેઠાં પડ્યાં છે. બન્યું છે એવું કે હવે માત્ર ખેડૂતો જ નહીં, એની સાથે સમાજના વિવિધ વર્ગો જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત વિદેશી રાજનેતાઓએ પણ આ વિરોધનું  સમર્થન કર્યું છે. વિદેશી ભારતીયોએ પણ ઠેર-ઠેર સમર્થનમાં દેખાવો અને ધરણાં કર્યાં છે. ગાંધી ગ્લોબલ ફૅમિલી અને અન્ય ગાંધીવાદી સંસ્થાઓએ પણ સમર્થનમાં અપીલ પણ કરી છે. દલિત લેખકસંઘ, ભારતીય દલિત લેખિકામંચ, પ્રગતિશીલ લેખકસંઘ, ઇપ્ટા જેવાં સંગઠનોએ પોતાનો ટેકો જાહેર કર્યો છે. આ સંગઠનોએ કેન્દ્ર સરકારને આવેદનપત્ર પણ આપ્યું છે, જેમાં કહેવાયું છે કે આવા વટહુકમો કહેવાતા ‘નવા ભારત’માં પ્રસરી રહેલી સરમુખત્યારશાહી દર્શાવે છે.

હવે જરૂરી એ છે કે સરકારે સંસદનું સત્ર બોલાવી, પક્ષ-વિપક્ષ મળીને આ વટહુકમની ચર્ચા રાખવી જોઈએ. જેમાં કિસાન-પ્રતિનિધિઓના આ કાળા કાયદા હટાવવાના દૃષ્ટિકોણનો આદર સાથે વિચાર થવો જોઈએ. બીજું, જે રીતે આંદોલનકારીઓને ભા.જ.પ.ના નેતાઓએ ખાલિસ્તાનીઓ ગણાવ્યા છે. તે બદલ ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ માફી માંગવી જોઈએ. દેશમાં જ્યારે શિક્ષિતો લોકવિરોધી સરકાર સામે ઠંડાગાર છે, ત્યારે અન્નદાતાએ સરકારનું લોકવિરોધી સ્વરૂપ પર્દાફાશ કર્યું છે, જે આ આંદોલનની સિદ્ધિ ગણાય. બીજું શાહીનબાગથી હું જોઈ શકું છું કે સ્ત્રીઓ હવે જાહેર મુદ્દામાં પ્રતિરોધ કરવા ખુલ્લેઆમ મેદાને પડી છે, જેમાં વૃદ્ધ દાદીઓમાંથી માંડી નાની દીકરીઓ પણ આવી છે, જે સારો સંકેત છે. વિગત દસ વર્ષમાં લાખો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ઈ. ૨૦૧૯માં NCRBના રિપોર્ટ મુજબ ૧૦,૨૮૧ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આમાં મજૂરોની સંખ્યા મૂકો તો આંકડો ખૂબ મોટો થાય.

સામંતી સમજ મુજબ આત્મહત્યા કરી જીવન સંકેલી લેવાના બદલે હવે ખેડૂત લડીને ન્યાય મેળવવા માંગે છે. આ નવી રાજકીય ચેતના છે. ચાર મહિનાથી ચાલતું આ આંદોલન રાજધાનીએ પહોંચતાં ગોદીમીડિયાએ નાછૂટકે ઝીલવું પડ્યું. ભારતના ખેડૂતોના આંદોલનમાં, આઝાદી પછી તેલંગણાના ખેડૂત-આંદોલન બાદ કરતાં આવું આંદોલન નથી થયું. મહુવાના કનુભાઈ કલસરિયા નિરમાને ગૌચર જમીન અપાતાં પોતે ભા.જ.પ.ના ધારાસભ્ય હોવા છતાં બારમાથાંળા યાદ મોદી સામે ૨૦,૦૦૦ ખેડૂતોને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા એ આપણને આવે. મોદી સરકારે એ વખતે પોતાના ધારાસભ્યને પણ જેલમાં નાંખી દીધા હતા ! નજીકનું આ ઉદાહરણ અત્યારે મને યાદ આવે છે. તેથી આ આંદોલન ભારતના ખેડૂત-આંદોલનમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ બની રહેશે. ૮મીની હડતાળ પછી સરકારે વટહુકમ પાછો નહીં ખેંચાય એ નિર્ણય કરી દીધો છે ત્યારે ભારતભરમાંથી આ ખેડૂતો સાથે સહુએ જોડાઈને ઊભી થયેલી સંભાવનાને દૃઢ બનાવવી પડશે.

ડિસેમ્બર ૧૧, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 03 તેમ જ 07

Loading

એક અમર પ્રેમકથા

હિમાંશી શેલત|Opinion - Opinion|16 December 2020

તિર્યકી

અમે અમને ખૂબ ચાહીએ છીએ. મહામારીના સમયમાં અમારી ખુદ માટેની ચાહના બેહદ વધી ગઈ છે. ધીરેધીરે પ્યાર કો બઢાના હૈ … હદ સે ગુઝર જાના હૈ … આ ગીત અમે રોજ સવારે ગાઈએ છીએ. દિવસરાત એક જ ધૂન છે, શું કરીએ તો અમે અમારા માટેનો પ્રેમ પ્રગટ કરી શકીએ. લાંબા વિચારને અંતે અમે વિચારતી વખતે માસ્ક પહેરવાનું માંડી વાળ્યું છે. એમાં વૈચારિક અવરોધ ઊભો થાય છે, શ્વાસને મોકળાશ ન મળતી હોવાથી વિચારો પર પાબંધી આવી જાય છે. આથી અમે વિચારવાનું ન હોય ત્યારે જ માસ્ક પહેરીએ છીએ.

જાત માટેનો પ્રેમ દર્શાવવાનો ઉત્તમ માર્ગ વર્ષગાંઠ ઊજવવાનો છે; અને એ સમજાતાં અમે એ અપનાવ્યો છે. એમાં કયો અપરાધ થયો? હા, જાહેરમાર્ગ પર કેક કાપવી અને લોકોને એ ખવડાવવી (એમણે પહેરેલાં માસ્ક ખસેડીને) એ કદાચ યોગ્ય નહીં હોય, અને કેટલાક ડાહ્યાઓએ અમારી ટીકા સુધ્ધાં કરી પણ અમે કંઈ એવું બધું માની લઈએ એવા કાચા નથી. દેશમાં લોકશાહી છે, પ્રજા સ્વતંત્ર છે, (કોઈ શક?) તો વર્ષગાંઠનો ઉત્સવ મનાવ્યો, જરા નાચગાન થયાં, ભેટંભેટી થઈ, તો શો વાંધો પડી ગયો? બધાં માંદા પડીને મરી પરવાર્યાં? અમને અમે ખૂબ પસંદ છીએ, તો એ અમારાથી બતાવી ન શકાય? એટલી સ્વતંત્રતા પણ અમારી નહીં?

– તો સારે પ્રસંગે અમે અમારા પ્રશંસકોને જરાક બોલાવ્યા, અમને કોઈ મોટો હોદ્દો મળ્યો હોય ત્યારે લોકો શું હારતોરાયે ન પહેરાવે? હવે હાર કંઈ વેગળેથી ફેંકાય? દો ગજ દૂરીમાં માનો કે હાર ફેંક્યો, અને અમારી ગરદનને બદલે કોઈ અન્યની ગરદનમાં પડ્યો તો? અને મીઠાઈ તો નજીક આવીને જ ખવડાવાયને ? કંઈ એમ થોડું કહેવાય, કે ‘ચલો, આ … કરો જોઉં’ અને એમ બોલીને કાજુકતરી નિશાન તાકી ફેંકાય? અમારી ટીકા થાય છે, કે સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. તે સોશિયલ થયા, નામ થયું, હોદ્દા મળ્યા, સેવામેવાની તક મળી, પછી વળી ડિસ્ટન્સ કેવું? આ સઘળું અમે નામદાર કોર્ટને સમજાવી નથી શક્યા એ અમારી ખામી ગણાય. હકીકતમાં અમારી રજૂઆત એટલી અસરકારક હોવી જોઈતી હતી કે કોઈને કશું કહેવાપણું ન રહે.

– અને અમે અમને ખૂબ ગમીએ, એટલે અમે અમને સુંદર કપડાં પહેરાવ્યાં, પ્રસંગને અનુરૂપ. ખેસબેસ પણ સરસ નવા નક્કોર ઠઠાડ્યાં, અને શાનદાર ઢબે બહાર પડ્યા. કેટલું તેજ અમારી આસપાસ દેખાતું હશે, ત્યાર વિના કંઈ ટોળાં અમારા અભિવાદન માટે, ભેટવા માટે, હાર પહેરાવવા માટે દોડ્યાં હશે? તમે જ કહો, એ ક્ષણે અમે મોં સંતાડીએ તો અમારા જેવા નપાવટ કોણ? અમે હિંમતભેર ઊભા રહ્યા, અચલ, મનોહર સ્મિત સાથે, માસ્ક એટલે જ નીચે સરકાવ્યો, જેથી અમારું હાસ્ય સહુને પ્રસાદ રૂપે મળે. પ્રજાના સેવક છીએ, પ્રજાનું મન રાખવું એ અમારો ધર્મ છે. અમે પ્રજા માટે જ નાચ્યા, એમને માટે જ મોટી-મોટી કેક બનાવડાવી, એમને માટે જ તો ગળું રૂંધાઈ જાય એવડા વજનદાર હાર પહેરી લીધા અને તમે અમારો જ વાંક કાઢો? અન્યાય! ઘોર અન્યાય!

– તોયે અમે અમને બહુ વહાલા, ઘણા પસંદ, અમે અમારા મોટા ચાહક, પ્રશંસક, પ્રેમી, હિતરક્ષક, શુભેચ્છક, સર્વસ્વ. તમે જ કહો, અમે જે કર્યું એનાથી અલગ અમે કશું કરી શકીએ એમ લાગે છે તમને? દિલ ફાડીને અમે અમારી જાતને ચાહી છે, ચાહીએ છીએ અને ચાહીશું. બોલો, હવે? કોરોના-બોરોના આવે એટલે અમે બદલાઈ જઈએ ? હોતું હશે એવું ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 16

Loading

નિષ્ક્રિયતાના નેરેટિવનાં થોડાં ગાબડાં વિશે

ભરત મહેતા|Opinion - Opinion|16 December 2020

‘નિરીક્ષક’ના છેલ્લા બે અંકમાં હવે ગુજરાતી સાહિત્ય પરિષદે શું કરવું જોઈએ, આ ચૂંટણી તો પાંખી બહુમતીથી જીતી છે, તો આવડો શો શોરબકોર, હર્ષદ ત્રિવેદી પણ સ્વાયત્તતાના પક્ષે જ હતા. એમની પહેલી પ્રચારપત્રિકામાં તો સ્વાયત્તતાના મામલે જ રાજીનામું આપેલું એમ પણ કહેવાયું હતું. પરિષદ નરી નિષ્ક્રિય થઈ ચૂકી છે, એવી ફરિયાદો આદરણીય શેખસાહેબ, પલાણસાહેબ અને સોનીસાહેબે વ્યક્ત કરી છે.

ત્રણેય મહાનુભાવો મારા માટે અત્યંત આદરણીય છે. છતાં એક મંત્રી તરીકે, વ્યક્તિ તરીકે મારે કંઈક કહેવું છે. પ્રકાશભાઈ, જીત્યાનો હરખ શેખસાહેબને થવો જોઈતો હતો. બીજું, એમણે જેમને સમર્થન આપ્યું હતું, એ હર્ષદ ત્રિવેદીએ બેઉ સંસ્થામાંથી આક્ષેપો થતાં રાજીનામું આપ્યું હતું. લડાઈ અધૂરી છોડી, રણ છોડી પલાયન કરેલું. ‘આક્ષેપો’ કરનારાઓનો સબળ મુકાબલો ન કર્યો જ્યારે પ્રકાશભાઈ પરિષદની અંદર અને બહાર હરહંમેશાં રણમોઝાર જ રહ્યા છે એ બધા જાણીએ છીએ. સામા પક્ષે હું પ્રવીણ પંડ્યાની એ વાતમાં સંમત નથી કે હર્ષદ ત્રિવેદી ‘રાજસત્તાના પીઠબળથી ઊભેલા’ ઉમેદવાર હતા. છતાં એટલું ઉમેરું શેખસાહેબ કે પ્રકાશભાઇ અને હર્ષદભાઈમાં તમારો ઝુકાવ હર્ષદભાઈ તરફી હોય એ મારા ગળે ક્યારે ય ઊતરી શકશે નહીં. જરાક સ્ટુડિયોની બહાર આવીને જુઓ, તો તમને સમજાશે કે આપણને પ્રકાશભાઈની આજે કેટકેટલી જરૂર છે! ભોગીલાલ ગાંધીની એ જીવંત પરંપરા છે. ‘હૂ હૂ’ નવલકથા લખ્યા પછી પણ પલાણસાહેબ તો સમયાંતરે ‘નિરીક્ષક’ને લાભાન્વિત કરતા રહે છે, તેથી એ પ્રકાશભાઈ તરફી ન હોય એ તો દીવા જેવું સ્પષ્ટ છે.

શેખસાહેબે પ્રેરિત બે વ્યાખ્યાનમાળાની ફરિયાદ બિલકુલ સરમાથા પર તેમ છતાં આખેઆખી પરિષદને એટલા માત્રથી નિષ્ક્રિય ન ગણાય તેમ જ પ્રકાશભાઈ પરથી પસંદગી બીજે ઢોળી ન દેવાય. ગયા તબક્કામાં પ્રકાશભાઈ કેવળ ને કેવળ મધ્યસ્થ સમિતિના સભ્ય હતા. ત્રણ દાયકાની સેવાનો બદલો ટપલીદાવથી લેવાનો? સોશિયલ મીડિયામાં તો ‘નિરંજન ડોહાની લાશ પરિષદમાંથી નીકળી હતી, હવે પ્રકાશ ડોહાની નીકળશે’, એવું લખવામાં આવ્યું! કેમ મહામંત્રી, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો અને મધ્યસ્થ સમિતિને કોઈ પૂછતું નથી? હજુ તો પ્રમુખ અને મધ્યસ્થનાં પરિણામો જાહેર થયાં, ત્યાં તો આપણા સાલસ કવિમિત્ર અને સરસ નવલકથાકાર અશોકપુરી ગોસ્વામીએ લખ્યું -‘પરિષદમાં નકારાત્મક જૂથ ચૂંટાઈ આવ્યું છે.’ અભિપ્રાયમાં આવી ઉતાવળ? કોણ નકારાત્મક છે જણાવોને ! મહામંત્રીએ તો જાહેરમાં થતાં આક્ષેપો સામે મૌનવ્રત ધારણ કર્યું છે, એટલે એ પ્રફુલ્લ જ રહેશે.

મારે થોડી પેટછૂટી વાત કરવી છે, જાંઘદર્શન કરાવવું છે. પરિષદ જેટલી રઘુવીર ચૌધરીના મંત્રીકાળમાં, પ્રકાશ ન.શાહના મંત્રીકાળમાં સક્રિય હતી, એટલી ક્યારે ય ન હતી. તેમ છતાં ચંદ્રકાન્ત ટોપીવાળાના ગાળામાં જે સંમેલન/જ્ઞાનસત્રો અને સિતાંશુભાઈના ગાળામાં જે સંમેલનો/ જ્ઞાનસત્રો થયાં એનું સ્તર કેટલું ઉન્નત હતું, એ આ મહાનુભાવોને કહેવાનું ન હોય. આ ગાળામાં ડર. પારુલ દેસાઈએ તૈયાર કરેલાં ઇતિહાસગ્રંથો, સ્વાધ્યાયપીઠ દ્વારા સંપાદિત થયેલી ચાર રચનાઓ, પરીક્ષિત જોશીએ કરેલી અઢળક ગ્રંથાલય-પ્રવૃત્તિ-આ કામ નથી? ‘પરબ’ રાબેતા-મુજબ જ નીકળતું રહે છે. સોનીસાહેબને જણાવવાનું કે એમાં ‘શબ્દસૃષ્ટિ’ના લેખકો પણ લખે છે. હું કોરોનાપૂર્વે થોડીક વ્યાખ્યાનમાળાઓ યોજી શક્યો.

શેખસાહેબ પ્રેરિત બેઉ વ્યાખ્યાનમાળાઓ એમની સહાયથી સરસ જ ચાલતી હતી. એ વ્યાખ્યાનમાળામાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓ જ આવતી હોય છે. આ વખતે ઈ-મેઇલ પર ઈ-મેઇલ કરવા છતાં જવાબ ન આવ્યા. ત્યાર પછી મેં અશોક ભૌમિકનું નામ સૂચવ્યું એમણે સ્વીકાર્યું. બે વ્યાખ્યાનો માળાના ત્રણ વક્તા સર્વશ્રી  સુનિલ કોઠારી, શિરીષ પંચાલ અને અશોક ભૌમિક છે. ભૌમિકજી ઑનલાઇન વ્યાખ્યાન આપવા તૈયાર જ નથી, સુનિલ કોઠારીએ વ્યાખ્યાનની પ્રત આપી છે, પણ વ્યાખ્યાન કોરોનાનું પતવા દો પછી એમ કહે છે. શિરીષભાઈ સાથે મેં વાત કરી રાખી છે. ઑનલાઇનમાં ગરિમા જળવાતી જ નથી. હું અને પીયૂષ ઠક્કર મળીને બેઉ વ્યાખ્યાનમાળાઓ ગરિમાપૂર્ણ રીતે કરીશું, એની ખાતરી આપું છું.

ગયા વખતની ચૂંટણીમાં સિતાંશુભાઈ અને બળવંતભાઈ સામસામે હતા. ત્યારે બેઉ સામે મારો એક જ સવાલ હતો કે તમને આ ઉંમરે પરિષદ એકાએક કેમ સાંભરી? આ વખતે બળવંત જાની, શેખસાહેબ અને શિરીષ પંચાલ સમર્થિત હર્ષદ ત્રિવેદી સાથે હતા! ગયા વખતે હર્ષદ ત્રિવેદી સિતાંશુભાઈના સમર્થનમાં હતા! એ વખતે મારું સમર્થન બેમાંથી એકેય ઉમેદવારને ન હતું. પરિષદ સાથેના લગાવને લઈને મને પ્રશ્નો હતા. સિતાંશુભાઈ માટે પત્રિકાથી માંડી સમર્થન લગી. રમણ સોની, જયદેવભાઈ, શિરીષ પંચાલ બધા જ હતા. સિતાંશુભાઇ પ્રમુખ બન્યા પછી હું લગભગ ખડેપગે એમની સાથે રહ્યો છું. જરૂર પડી છે, ત્યારે એમને પ્રશ્નો પૂછ્યા જ છે. આજે પણ દિલથી કહું છું કે જે પણ જીત્યા હોત, એમની સાથે એટલી જ સારી રીતે કામ કરત. પરિષદ આપણી અગ્રિમતા હોવી જોઈએ, અંગત રાગદ્વેષ નહીં.

મૂળ વાત મારી એ છે કે પરિષદનું કે પ્રકાશભાઈનું ચુસ્ત અમ્પાયરિંગ કરતાં મિત્રો અકાદમીની વાત આવે, ત્યારે વિકેટકીપિંગ કરતાં હોય છે! પલાણસાહેબ સ્વાયત્તતામાં માને જ છે. તેમ છતાં અકાદમીના કાર્યક્રમોમાં ઘણી વાર શોભામાં અભિવૃદ્ધિ કરતાં રહ્યા. મને આશ્ચર્ય એ થતું હતું કે પલાણસાહેબ, મધુ રાય, આશા ગોહિલ જો અકાદમીના કાર્યક્રમોમાં જતાં હોય, તો એ એમનો અધિકાર છે પણ જ્યાં લગી ‘નારાયણ દેસાઈ ઠરાવ’, સામાન્યસભામાં પસાર કરાયેલ ઊભો હતો, ત્યાં લગી એ પરિષદના કાર્યક્રમોમાં શા માટે ? એ સવાલ મેં સિતાંશુભાઈને પૂછ્યો જ છે. બીજી તરફ મેં અજય રાવલનું નામ વડાલી કૉૅલેજમાં એક વ્યાખ્યાન સંદર્ભે મૂક્યું અને નિમંત્રણ છપાયાં પછી મહામંત્રીએ ન થવા દીધું! મોટાને સહુ માફ જેવું આ ગણાય. પરિષદના ઠરાવની આમન્યા ન જાળવીને ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સભ્યો અકાદમીના કાર્યક્રમોમાં જવા માંડ્યા કે પુરસ્કાર સ્વીકારવા માંડ્યા. સ્વાયત્તતાના સંમેલનમાં મંત્રીઓ પણ ઉપસ્થિત ન હોય, બૅનર ન હોય, પ્રેસનોટ ન હોય, તો આ ચૂક ન ગણાય?

વધુ વિગતમાં જેમને રસ હોય એમને નિષ્ક્રિયતાનું નેરેટિવ કેવી રીતે ઊભું થયું એ જણાવીશ. એક વર્ષ પહેલાં સોંપાયેલાં સંપાદનોની વિગત આજ લગી સંપાદકોને મળી નથી! આમાં પ્રમુખનો જ માત્ર વાંક? મારી પ્રતીતિ એ રહી છે કે વિદેશ હતા ત્યારે પણ સિતાંશુભાઈ સતત સક્રિય હતા. વસ્તુતઃ પ્રમુખ મોટે ભાગે નીતિનિર્દેશક હોય. ખરું કામ બે ઉપપ્રમુખો, કારોબારી સભ્યો, મધ્યસ્થ સમિતિ અને મંત્રીઓએ કરવાનું હોય. નિષ્ક્રિયતાનો સવાલ પૂછવો હોય, તો આ સહુને પૂછવો પડે. મને યાદ નથી કે કોઈના ય કામમાં પ્રમુખ તરીકે સિતાંશુભાઈએ દખલ કરી હોય. એનાથી ઊલટું એમણે આનંદની ઉજાણી કે ‘ઇ’ મૅગેઝિન શરૂ કર્યું હોંશથી, તો એ હોંશ જોવાના બદલે ઘણા મિત્રોએ કહ્યું કે કારોબારીની સંમતિ લેવી જોઈએ! સિતાંશુભાઈ સિવાયના મેં ઘણા પ્રમુખો જોયા છે એ શું અતિ સક્રિય હતા ?

મારી સહુ મિત્રોને વિનંતી છે કે પરિષદમાં સહુ સક્રિય બનો. બહારથી, ‘પ્રેક્ષાગાર’માંથી કિકિયારીઓ ન પાડો. શરીફાબહેન, નરેશભાઈ, પલાણસાહેબ સહુ આવો. પોતે સહુ સ્વાયત્તતામાં માને છે, તો પોતાની સંસ્થામાંથી ગુજરાત સરકારને સ્વાયત્તતા અંગે આવેદનપત્ર મોકલો.

કનુભાઈ સૂચકે બરાબર સૂચવ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો ઠેકો કેવળ પ્રકાશભાઈ જ શા માટે ઉપાડે ? અન્ય મિત્રો ઉપાડે. હર્ષદભાઈ પ્રમાણમાં યુવાન છે, આ આંદોલન સક્રિય બનાવી ભાવિ પ્રમુખ બની જ શકે. પલાણસાહેબની આગેવાનીમાં પણ હું લડવૈયા તરીકે જોડાવા તૈયાર છું.

‘૮૩માં બારમું ધોરણ પાસ કરી મેં પરિષદમાં પગ મૂકેલો, આજે હું જે કાંઈ છું, એ પરિષદને આભારી છે. મેં મારી પહેલી ચોપડી જ પરિષદના ગ્રંથપાલ સ્વ. પ્રકાશ વેગડને અર્પણ કરેલી. ‘ગ્રંથાલયધારાના પ્રચંડ હિમાયતી સૂચિપુરુષને ….’ માતૃસંસ્થાની ચિંતામાં બે શબ્દો વધુ લખાઈ ગયા હોય, તો મિત્રો માઠું ન લગાડે એવી હૃદયથી વિનંતી છે. મુનશી, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, સિતાંશુભાઈની પરંપરા આપણે આગળ વધારીએ એવી આશા સાથે.

ડિસેમ્બર ૫, ૨૦૨૦.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 15

Loading

...102030...2,2282,2292,2302,231...2,2402,2502,260...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved