Opinion Magazine
Number of visits: 9965546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અચ્છે દિન’ના હિસ્સેદાર બનવા માગતા દલિતોને શું મળ્યું?

મનીષા પાંડેય|Opinion - Opinion|27 October 2020

ચાર વરસ પહેલાંની વાત છે. મેં સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બ્રાહ્મણોએ પોતાની સ્ત્રીઓને બરાબરીનો હક નથી આપ્યો. બ્રાહ્મણ પુરુષો ભલે ઊંચી જાતિના હોવાનો બિલ્લો લગાવીને ફરે, તેમની સ્ત્રીઓ માટે તો તે કોઈ ગૌરવની વાત નથી”. આ વાંચીને એક માણસે મને ઇન બૉક્સમાં આવીને ભૂંડી ગાળો દીધી. એનો પ્રોફાઇલ તપાસતાં હું એક એવા પેજ પર પહોંચી, જેમાં દેશના તમામ બ્રાહ્મણોને એક થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બ્રાહ્મણ એકતાનું આહ્વવાન એટલા માટે અપાયું હતું, કારણ કે તેમના પર કોઈ અદૃશ્ય આફત આવવાની હતી. જે ૪૦ લાખ લોકોએ આ પેજને લાઇક કર્યું હતું, તેમાં મારા પરિચિત ઘણા લોકો હતા.

આ પેજના કવર પર રામની તસવીર હતી. તેમના હાથમાં ધનુષ્ય હતું, બાણ ચઢાવેલું હતું, પ્રત્યંચા ખેંચેલી હતી અને આંખો ગુસ્સાથી લાલઘૂમ હતી. રામનું આ રૌદ્ર રૂપ ૧૯૯૨ પહેલાં આપણી ચેતન-અચેતન સ્મૃતિમાં ક્યાં ય ન હતું. રામની આંખોમાં મને એ જ લોહી ધસી આવેલું દેખાતું હતું, જે મૅસેજમાં મારા પર ગેંગરેપનું આહ્વવાન કરનારમાં હતું.

વિકાસથી હિંદુ રાષ્ટ્ર સુધી

૨૦૧૬માં રામમંદિર આંદોલનથી જાણીતા થયેલા પક્ષને સત્તામાં આવ્યે બે વરસ થઈ ગયાં હતાં. સત્તામાં આવવું હતું ત્યારે તે વિકાસનો વાયદો કરતા હતા, પણ તે જોતજોતામાં ક્યારે હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં ફેરવાઈ ગયો તેની ખબર જ ન પડી. વર્ષ ૨૦૧૪ પહેલાં બ્રાહ્મણવાદનો વિરોધ કરવા બદલ કોઈ આવી ગંદી ગાળોથી નવાજતું ન હતું. મોં મચકોડનારા ત્યારે પણ હતા. છતાં, સાચું લખી શકાતું હતું. ખોટું થતું હોય તો સવાલ કરી શકાતા હતા. કમ સે કમ, આપણે બ્રાહ્મણવાદને કેટલો નજદીકથી નિહાળ્યો છે તેના અનુભવ કહી શકતા હતા. કોઈ એમ તો નહોતું જ કહેતું કે તારા પર બળાત્કાર કરીશું.

૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના રાપરમાં ફેસબુક પર બ્રાહ્મણવાદનો વિરોધ કરનાર એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા કરી નાંખવામાં આવી. હત્યારો તેમના જ ગામનો બ્રાહ્મણ, ભરત રાવલ છે. દેવજીભાઈ ફેસબુક પર ‘બ્રાહ્મણોની વિરુદ્ધ’ લખે, તે વાતે તેને વાંકુ પડતું હતું. જો કે તેઓ લખતા તો હતા બ્રાહ્મણવાદના વિરોધમાં, પણ ભરત રાવલને લાગતું હતું કે તેઓ બ્રાહ્મણોની વિરુદ્ધ લખે છે. હત્યા પૂર્વેની મહેશ્વરીની છેલ્લે ફેસબુક પોસ્ટ ‘દલિતો હિંદુ નથી’ તેમ જણાવતી વામન મેશ્રામની એક વીડિયો હતી.

ભરત રાવલે ઘણી વાર દેવજીભાઈને બ્રાહ્મણો વિરુદ્ધ ન લખવા ચેતવ્યા હતા. પણ દેવજીભાઈએ તેની ચેતવણી ગણકારી નહીં અને કહેતા રહ્યા કે “તારાથી જે થાય તે કરજે.” એટલે રાવલે તેનું ધાર્યું કર્યું. તે મુંબઈના મલાડથી રાપર ગયો, દેવજીભાઈની ઓફિસમાં ઘૂસીને ચાકુના ઘા પર ઘા કરીને તેમને મારી નાખ્યા. પોલીસે રાવલની ધરપકડ કરીને તેના પર કાયદેસરની કડક કલમો પણ લગાવી છે. પરંતુ તેનાથી આ સરકારના રાજમાં રોજેરોજ જે સવાલો ઊઠે છે તેનો જવાબ ક્યાં છે ?

હાથરસમાં એક દલિત યુવતી પર બળાત્કાર અને હત્યા પછી જાતિનો સવાલ એક વખત મુખ્ય ધારાની ચર્ચામાં આવ્યો છે. હાથરસની આસપાસનાં બાર ગામોના કથિત ઊંચી જાતિના લોકોએ પંચાયત બોલાવીને બળાત્કારના અરોપીઓને સાથ આપવાનું અને તેમના સમર્થનમાં આંદોલન કરવાનું એલાન કર્યું છે. આરોપીઓના ઘરવાળાઓનું કહેવું છે કે, “તેઓ નીચી જાતિના લોકો છે. અમે તેમનું પાણી પણ ના પીએ, તો પછી તેમની છોકરીઓને કઈ રીતે અડકીએ.”

દલિત સમાજમાં સૌથી કમજોર અને શોષિત વર્ગ પહેલાં પણ હતો, અત્યાચારો પહેલાં પણ થતાં હતાં. પરંતુ આ વખતે જે આત્મવિશ્વાસ સાથે સવર્ણ સમાજ એકત્ર થયેલો જોવા મળે છે, એવું પહેલાં થતું નહોતું.

દલિતો પરના અત્યાચારોમાં વધારો

બે વરસ પહેલાંના, ૨૦૧૮ના, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ગયાં દસ વરસમાં દલિતો પરની હિંસામાં ૬૬ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં જ્યાં ભા.જ.પ.ની કે ભા.જ.પ.-સમર્થિત પક્ષોની સરકારો છે, તે રાજ્યોમાં દલિત અત્યાચારોના સૌથી વધુ બનાવો નોંધાયા છે. ચૂંટણીના આંકડા જોઈએ તો લાગે છે કે જ્યારે દલિતો ભા.જ.પ. ભણી ખેંચાયા ત્યારે તેમનો વિશ્વાસ અને આશા કંઈક જુદાં જ હતાં.

આઝાદ ભારતના ઇતિહાસમાં ૨૦૧૪ની ચૂંટણીઓ એવો પહેલો અવસર હતી, જ્યારે દલિતોએ સૌથી વધુ સંખ્યામાં કમળનું બટન દબાવ્યું હતું. લોકસભાની કુલ ૫૪૩માંથી દલિતો માટે ૮૪ અનામત બેઠકો હતી. તેમાંથી ૪૦ બેઠકો ભા.જ.પે. જીતી લીધી. આટલી મોટી સંખ્યામાં ભા.જ.પ.ના દલિત સાંસદો બન્યા, તે લોકતંત્રમાં પહેલીવાર બન્યું હતું. વિકાસ અને ‘અચ્છે દિન’નું સપનું એટલું તો સોનેરી હતું કે વિકાસમાં સૌથી તળિયે રહેલા દલિતો પણ તેમાં પોતાની હિસ્સેદારી માગવા માટે જોડાઈ ગયા.

પરંતુ તેમના હાથમાં આખરે શું આવ્યું ? જ્ઞાતિની શ્રેષ્ઠતાના અહંકારમાં ગળાડૂબ પાર્ટીની રાજનૈતિક વિચારધારા દિનબદિન મજબૂત થતી ગઈ. સમાજનો એક વર્ગ જે પહેલાં કાયદાના ડરથી દલિતો વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતાં ડરતો હતો, તે ખુલીને બોલતો થયો. ખૂબ જ ઝનૂનથી ગૌરી લંકેશ, ગોવિંદ પાનસરે અને કલબુર્ગી જેવાં લોકોની હત્યા કરવામાં આવી. મુંબઈમાં દલિત મહિલા ડોંક્ટરને કશા ડર કે ખચકાટ વિના કહેવામાં આવ્યું કે તે અનામતથી બનેલાં ડૉક્ટર છે, મૅરિટવાળાં નથી.” ગુજરાતના ઉનામાં ગૌહત્યાના ખોટા આળથી દલિતોની બર્બર મારઝૂડ જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. યુનિવર્સિટી કેમ્પસમાં રોહિત વેમુલાને આત્મહત્યા કરવા મજબૂર કરાયા હતા.

આ જે કંઈ બન્યું તે અંગે મારી  આસપાસના કોઈ  ભાગ્યે જ ચિંતા કરતા કે દુ:ખી થતાં જોવા મળે છે. મારા પરિવારના પંડિતજીઓ આજે પણ કાન પર જનોઈ ચઢાવી, પોતાની જાંઘો ખંજવાળતા ખંજવાળતા એમ જ કહેતા સંભળાય છે કે મોદીજી આવી ગયા છે. હવે અનામત પણ ગઈ સમજો. મારા નાતીલા બ્રાહ્મણોના મતે આ દેશમાં બે જ સમસ્યાઓ છે : અયોધ્યામાં રામમંદિર બની જાય અને કાયદાની કિતાબોમાંથી અનામતનું નામોનિશાન મિટાવી દેવાય.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આવેલું છે મારું ગામ. લગભગ ૩૦ વરસો પહેલાં ઘરથી પાંચસો ડગલાં દૂર, ખેતરની પેલે પાર એક વસ્તી હતી. મારી દાદી એને જે નામે ઓળખતાં, તે શબ્દ હવે ગેરકાયદે ગણાય છે. પણ દલિત કવિ નીરવ પટેલે તેમની એક કવિતામાં તેને ‘ફૂલવાડો’ કહ્યો છે. અમને ત્યાં જવાની સખત મનાઈ હતી. એમ તો ઘરનું આગણું છોડવાની પણ મનાઈ હતી જ ને? પણ ખેતરની પેલી મેર જવાની તો જરા ય મંજૂરી નહોતી.

ક્યારેક દલિતોની વસ્તીમાંથી કોઈ અમારે ત્યાં આવે તો હાથ જોડીને, શરીર સંકોરીને એક બાજુ જમીન પર બેસે. પંડિતજી ખાટલે બેસી હુક્કો ગગડાવે ને બાપડો દલિત ગભરાતો-ગભરાતો કંઈક બોલે. એક વાર કાકા ક્યાંક જતા હતા. એટલે હું એમની ભેળી ગઈ. જેવા અમે દલિત વસ્તીમાં ગયાં કે જે દલિતો ખાટલા પર  બેઠા હતા, તે ફટાફટ ઊભા થઈ ગયા. હું અને કાકા ખાટલે બેઠા અને બુઢ્ઢા દલિત જમીન પર. પંડિતજી માટે દલિત વસ્તીમાં પણ ખાટલો અનામત હતો. હું નાની બાળકી હતી, પણ શક્તિ અને અહંકારનું જે રૂપ મેં એ સમયે (ત્રણ દાયકા પહેલાં ) જોયું તે મને સારું નહોતું લાગ્યું.

અઢાર વરસ પછી ફરી એક વાર ગામ જવાનું થયું. ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. મંડલ કમિશનનો અમલ થઈ ચૂક્યો હતો. ઉત્તર પ્રદેશના રાજકારણમાં બ્રાહ્મણોનો દબદબો પહેલા જેવો નહોતો રહ્યો. ગામથી શહેર ભણવા ગયેલો દલિત યુવાન સરકારી નોકરી મેળવી ‘સાહેબ’ બનીને ગામમાં આવ્યો હતો. આ વખતે હું ચહીને દલિત વસ્તીમાં ગઈ. દલિત વસ્તીની સૂરત બદલાઈ ગઈ હતી. ઘર પાકાં ઈંટેરી બન્યાં હતાં. પરસાળમાં મોટરસાઇકલ પડી હતી. દસ ઘરની એ દલિત વસ્તીની વચ્ચોવચ્ચ એક છાપરા નીચે સૂટ પહેરેલા અને હાથમાં બંધારણ સાથેના ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા હતી. આ જ એ બદલાવ હતો, જે ગામના બ્રાહ્મણોને ખૂંચતો હતો. હવે બુઢા દલિત એમના માટે ખાટલા પરથી ઊભા થતા નહોતા. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા, એ વખતે વરસોથી અમેરિકામાં રહેતા મારા એક ઇન્ડિયન દોસ્તને એક ગોરા અમેરિકને પેટ્રોલ પંપ પર ખીજાઈને સંભળાવેલું, “ગેટ રેડી ટુ ગો બૅક” (બિસ્તરાપોટલાં બાંધવા માંડો અને તમારા દેશમાં જવાની તૈયારી કરો.)

ગામના બ્રાહ્મણો ત્યારથી એવા મોકાની રાહમાં છે કે ક્યારે તેઓ દલિતોને ‘ગો બેક’ કહી શકે. પણ શું ઘડિયાળના કાંટા ઊંધા ફેરવી શકાય?

(સૌજન્યઃ ‘ધ પ્રિન્ટ’-હિંદી, અનુવાદઃ ચંદુ મહેરિયા)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 11-13

Loading

આપણે વિકાસના નામે શાનો વિનાશ કરીએ છીએ?

લેખક : તુષાર ગાંધી • અનુવાદક : આશા બુચ|Opinion - Opinion|26 October 2020

“બાઇબલમાંનું એક સ્ત્રોત્ર, ‘વૃક્ષો પાસેથી શિક્ષા લો’ એ સહુના હૃદયમાં ઉતારવા યોગ્ય છે. વૃક્ષો સૂર્યનો આકરો તાપ સહન કરે છે અને આપણને શીતળતા આપે છે. પણ આપણે શું કરી છીએ?” 

— એમ.કે. ગાંધી

– બાપુકે આશીર્વાદ, 01 ડિસેમ્બર 1944

“વૃક્ષો આપણી માફક જ જીવંત સૃષ્ટિ છે. એ આપણી જેમ શ્વાસ લે છે, ખોરાક અને પાણી લે છે. આપણી માફક તેમને પણ ઊંઘની જરૂર પડે છે. એ જ્યારે રાત્રિના આરામ કરતાં હોય ત્યારે ઝાડનાં પાંદડાં તોડવાં એ હલકું કામ છે.” 

— એમ.કે. ગાંધી

‘યંગ ઇન્ડિયા’, 05 ડિસેમ્બર 1929

બહુ ઘણાં વર્ષોથી માનવ જાત સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહી છે. આખર આપણે પ્રકૃતિનું ઉત્તમ સર્જન છીએ એટલે બાકીની તમામ વસ્તુઓ આપણા ઉપભોગ માટે, તેનું શોષણ કરવા અને તેનો દુરુપયોગ કરવા માટે છે. આપણે દયાળુ હોવાનું ગૌરવ લઈએ છીએ, પણ એ દયા આપણી જાતના લોકો માટે, પોતાના સમૂહો માટે, આપણાં જેવાં સ્ત્રીઓ કે પુરુષો માટે અને ભારતીય હો તો પોતાની જ્ઞાતિના લોકો સુધી સીમિત હોય છે. બીજું કોઈ કે કશું મહત્ત્વનું નથી. આપણે પોતાની જાતને ખાતરી કરાવી દીધી છે કે આપણા સર્જનહારે આપણને સહુથી મોટા ગ્રાહક બનવા માટે જ નિર્માણ કર્રી છે અને બધી વસ્તુઓ આપણા વપરાશ અને આનંદ માટે જ છે. 

સદીઓથી આપણે આપણા કુદરતી સ્રોતોની લૂંટ ચલાવી અને જે નથી વાપરતા તેને ઝેરી બનાવી દીધું, ગંદુ કરી મેલ્યું અને વિચાર્યા વિના પ્રદૂષિત કરી મૂક્યું. સદા અતૃપ્ત રહેતી લોભવૃત્તિને પરિણામે પૃથ્વીના વાયુ મંડળ(ઓઝોન લેયર)માં મોટું કાણું પાડી દીધું.

આપણી વિકાસ વિશેની વિભાવના જ સ્વાર્થી છે. આપણે નક્કી જ કરી લીધું કે માત્ર માનવ જાતને જ વિકાસ કરવાનો અધિકાર છે અને તે પણ બીજી બધી જીવસૃષ્ટિના ભોગે. આપણા મહાનગરો કુદરતી ભૌગોલિક સમૃદ્ધિ અને અન્ય જીવો સાથેના જૈવિક સંબંધોના વિનાશ ઉપર જ રચાયાં છે. આવી કુદરતી સંપદાનું નિર્માણ થતાં યુગો થયા, પરંતુ તેનો નાશ થોડાં વર્ષોમાં થઇ ગયો. આપણે નાળાંઓને સુકવી દીધાં અને ખબોચિયાં પૂરી દીધાં. આપણે દરિયાના છીછરા ભાગ, અખાત, ખાડીઓ અને કળણો પૂરીને જમીન બનાવી કાઢી. આપણી અમર્યાદિત ભૂખને સંતોષવા એક જ પ્રકારનું અનાજ પેદા કરતાં ખેતરોને પાણી મળી રહે અને દિન બ દિન વધતી રહેતી અને કદી ન સંતોષતી એવી વીજળીની ભૂખને સંતોષવા આપણી નદીઓ પર બંધ બાંધીને તેને હાનિ પહોંચાડી. આપણે પેટાળમાંનાં પાણીના ભંડારને વાપરીને ખતમ કરી નાખ્યા તે આપણી તરસ છીપાવવા નહીં, પણ બે ગેલન પાણી વાપરતા ટોયલેટના ફ્લશ માટે.  

અશ્મિલ ઇંધણ(ફોસિલ ફ્યુઅલ)ની શોધની સાથે જ આપણે માત્ર આપણા કુદરતી સ્રોતોનો જથ્થો જ ન ઘટાડ્યો, પણ આપણી ધરતીના નઝારાની સુંદરતા નાશ પામી, જળાશયો અને ખુદ હવા પણ પ્રદૂષિત થયા. જ્યારે પણ આપણે વિકાસની દિશામાં એક કદમ આગળ વધ્યા, ત્યારે પ્રકૃતિ અને અન્ય જીવસૃષ્ટિનો ભોગ લેવાયો છે કે જેને આપણા જેટલો જ જીવવાનો અને ટકી રહેવાનો અધિકાર છે. પરંતુ આપણે તેની જરા પણ તમા નથી કરતાં. આપણે તો ઉત્તમ યોનિમાં જન્મ લીધો છે, સૃજનકર્તાનું ઉત્તમ સર્જન!

‘વિકાસ’ની કિંમત

આપણે જો માત્ર આપણા દેશ અને પોતાના શહેરની જ વાત કરવા જઈએ તો દૂર જોવાની જરૂર નથી. ‘વિકાસ’ એ છેલ્લા થોડા દયાકા દરમ્યાન ખૂબ જ લોકપ્રિય થયેલું સૂત્ર છે. જરા થોભી જઈને વિચારીએ કે આપણા ઝડપી વિકાસની લાલસાને પરિણામે આપણે આપણી પ્રકૃતિ માતાની ધરોહરની કેટલી કિંમત ચૂકવી છે અને તેનું મૂલ્ય બધા પ્રકારનાં અન્ય જીવોએ પણ ચૂકવવું પડ્યું છે.

પશ્ચિમ ઘાટ એક મહત્ત્વના સૃષ્ટિમંડળ તરીકે ઓળખાય છે, જ્યાં હજુ ઓળખવાના બાકી હોય તેવાં અસંખ્ય જીવો પોતાનું ઘર બનાવીને રહે છે. પણ આપણે તેમની સંભાળ લઈએ છીએ? આપણે રસ્તાઓ પહોળા કરવા છે, કેમ કે આપણને દૂર સુધી અને ઝડપથી સફર કરવી છે. આપણને વધુ ટ્રેઈન જોઈએ છે, એટલે પર્વતોને દારૂગોળાથી ઉડાવી દઈને એ જમીનને સપાટ કરવી જોઈશે, તેમાં સુરાખ પાડીને માર્ગ કાઢવો પડશે. કેટલીક જીવસૃષ્ટિ માટે એ પર્વતો અસ્તિત્વ ટકાવી રાખવાનું ઠેકાણું હોય તે આપણા માટે મહત્ત્વનું નથી. એ પર્વતોને જમીનદોસ્ત કરીને કેટલાંક જીવો અને વનસ્પતિઓનું નામ નિશાન ભૂંસી નાખીએ તેનો કશો વાંધો નહીં. મહત્ત્વનું એ છે કે મુંબઈ અને પણજી વચ્ચેની મુસાફરીનો સમય થોડા કલાક જેટલો ઓછો થાય.

હાલમાં આપણે આપણી વીજ શક્તિની પ્યાસને બુઝાવવા અણુ વીજ મથક અને ખનીજ તેલનાં કારખાના આ નાશ પામતા સૃષ્ટિમંડળમાં બાંધવા માંગીએ છીએ. જો સમુદ્રો ઝેરી બની જાય, જંગલો વસ્ત્રવિહીન થઇ જાય અને હજારો જીવસૃષ્ટિનાં જાન લેવાઈ જાય તો પણ ભલે. આપણે આપણા લૅપટૉપ અને સ્માર્ટ ફોન અને નવી ‘રિસ્પોન્સિબલ’ વીજળીથી ચાલતી કાર ચાર્જ કરવા છે.

શહેરીકરણનું સ્વપ્ન દુઃસ્વપ્નથી અગ્રક્રમે આવે છે

મારા શહેરને મેટ્રો રેલની જરૂર છે, તેથી હજારો વૃક્ષો કાપી નાખવાં બરાબર છે. એ કંઈ સામૂહિક હત્યા નથી, કેમ કે વૃક્ષો એ જીવિત સૃષ્ટિ છે તેમ હું નથી સ્વીકારતો. વૃક્ષો આ ધરતી પર હજારો વર્ષથી રહેતાં આવ્યાં હોય તો શું થયું? હવે મારે આ વિસ્તરની જરૂર છે જેથી મારા લોકો ઝડપી વાહનવ્યવહારની મજા માણી શકે. એ સૂક્ષ્મ જીવો, જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ કે જે એ જંગલને પોતાનું ઘર માનીને જીવતાં હતાં તેની કશી વિસાત નથી. એ ઝાડ-પાન, ફૂગ, શેવાળ, ઘાસ એ બધાનું કશું મહત્ત્વ નથી. એ મારા શહેરનાં ફેફસાં છે ખરાં, પણ મારી જમીન મેળવવાની લાલસા મારી પ્રાણવાયુ મેળવવાની જરૂરિયાત કરતાં વધુ મહત્ત્વની છે.

મારા શહેરમાં કારની માલિકી ધરાવનારાઓ વાહનોથી ચિક્કાર ભરાઈ ગયેલા રસ્તાઓથી પરેશાન થાય છે, અને તેમનો આવન-જાવનનો સમય વધતો જાય છે. એથી જ તો પરાંઓને જોડતી રેલ અને મેટ્રો નેટવર્ક બાંધું તો શું થઇ ગયું? ઉચ્ચ વર્ગ તરફ કૂચ કરતો મધ્યમ વર્ગ અને ધનિક લોકોને પોતાની અંગત કાર ચલાવવાની પણ જરૂરિયાત છે. મારે વધુ અને પહોળા રસ્તાઓની અને દરિયા કિનારે ફ્રીવેની પણ જરૂર છે.

સદીઓથી મારું શહેર માછીમારોથી વસેલું હતું, જેઓ આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પેદા થતી મચ્છીઓ પકડીને ગુજરાન ચલાવતા હતા, હવે મારે એમની પરાંપરાગત માલિકીની વિશાળ જમીન અને દરિયાનો પણ થોડો ભાગ સુંદર રસ્તાઓ બનાવવા માટે જોઈએ છે. આથી વધુ દરિયાનો ભાગ કબજે કરવો જ જોઈશે, વધુને વધુ કળણ વાળી જમીન સુકવી નાખવી જોઈશે, હજુ વધુ ઉષ્ણ કટિબંધની વનરાજીનો નાશ કરવો જોઈશે. આ ઉષ્ણ કટિબંધની વનરાજીમાં ઘણાં દરિયાઈ જીવો ઉછેરે છે અને તેનો નાશ થવાથી પુષ્કળ પ્રમાણમાં દરિયાઈ વનસ્પતિ અને જીવો સદંતર નાશ પામશે, પણ તેનો કશો વાંધો નહીં. પરંપરાથી આ કાંઠા વિસ્તારમાં રહેતા આવેલા લોકો વિસ્થાપિત થઇ જશે અને પોતાની આજીવિકાના સાધનો ગુમાવશે તેનું કોઈ મહત્ત્વ નથી. 

ઉષ્ણ કટિબંધની વનરાજીનાં જંગલો કાંઠા વિસ્તારને ધોવાઈ જતા અટકાવે છે, એ જાણતા હોવા છતાં તેનો નાશ થાય તો કંઈ વાંધો નહીં.  જો એમ બનશે તો હું દરિયામાં કદરૂપા સિમેન્ટ કોંક્રિટના સ્તંભો નાખીશ, પરંતુ આ ઉષ્ણ કટિબંધની વનરાજી તો નાશ કરી શકાય તેવી છે. જો જળસૃષ્ટિના કેટલાક વર્ગોનાં પ્રાણી, થોડા પરવાળાના ખડકો અને દરિયા કાંઠાના વિસ્તારમાં જીવતાં થોડાં હજાર સૂક્ષ્મ જીવાણુંઓ લુપ્ત થઇ જાય તો તેનું મહત્ત્વ નથી. માત્ર મારી મહત્તા છે. મહત્ત્વનું એ છે કે મારો બોરીવલીથી નરીમાન પોઇન્ટ સુધીની સફરનો સમય અર્ધા કલાક જેટલો ઓછો થાય.

આપણે આટલાં સ્વાર્થી થઇ ગયાં છીએ. આપણા લોભને સંતોષવા પાછળ આપણે પ્રકૃતિના આ નિયમને વિસરી ગયા છીએ : તમામ જીવો એકબીજાં સાથે સંકળાયેલાં છે, કશું જ તદ્દન સ્વતંત્ર નથી. ઉત્ક્રાંતિની પ્રક્રિયા સાબિત કરે છે કે આપણું અસ્તિત્વ એવા ઘટકો પર આધારિત છે જેમાં અન્ય જીવસૃષ્ટિનો ફાળો હોય. જ્યારે એ જીવો નાશ પામે ત્યારે પત્તાના મહેલની માફક બધાં જીવોના વિનાશની અસર આપણા ખુદના વિનાશ સુધી આવી પહોંચશે. આપણને એ પણ જાણ નથી કે આપણે એ પત્તાના મહેલમાં છેલ્લી હરોળમાં હશું કે ક્યાંક વચ્ચે ફસાયેલા હશું.

આપણા અહંકારે આપણા અસ્તિત્વનું સાતત્ય બીજાં તમામ જીવોની સુરક્ષા પર આધારિત છે એ હકીકત પણ તદ્દન ભુલાવી દીધી છે. બધાં પ્રકારનાં જીવોનું મહત્ત્વ છે કેમ કે આપણું મહત્ત્વ છે.

આપણે એક માત્ર એવાં જીવો છીએ જેને પોતાના વારસાની જાળવણી સાથે નિસબત છે. અને છતાં આપણું જીવન માત્ર વર્તમાન સાથે સંબંધ ધરાવે છે. આપણે આપણી  5,000 વર્ષ જૂની સભ્યતા પર ગૌરવ લઈએ છીએ, પરંતુ આપણો વારસો સાચવવાની કંઈ તમા નથી.

એવા સમાચાર મળ્યા છે કે વર્ધાથી સેવાગ્રામ – કે જ્યાં મહાત્મા ગાંધીનો આશ્રમ છે એ માર્ગમાં આવતાં 300થી વધુ વૃક્ષો કાપી નાખવામાં આવશે, જેથી એ રસ્તો પહોળો કરી શકાય. કારણ : આશ્રમ જોવા આવનારાઓ માટે સુગમતા વધે. સરકારને એ વાતની મહત્તા નથી સમજાઈ કે જે વૃક્ષો કાપી નાખવામાં આવે છે તે ખુદ ગાંધી અને એમના સાથીઓએ જ વાવ્યાં અને ઉછેર્યાં હતાં જેથી વર્ધાથી સેવાગ્રામ ચાલીને આવતા મુલાકાતીઓને તેની છાયામાં બેસી શકે. એ વિશ્રાંતિનું સ્થાન બને.

ગાંધીએ સેવાગ્રામ સુધીની મુસાફરીને આરામદાયી બનાવવા આ વૃક્ષોને કાપી નાખવાની અનુમતિ ક્યારે ય ન આપી હોત.

ગાંધીએ કહેલું, ઝાડ પરથી એક પાન પણ તોડવું એ ગુનો અને પાપ છે. પરંતુ આજે તેમણે જ વાવેલાં વૃક્ષો વિકાસનાં નામે કાપવામાં આવી રહ્યાં છે.

તુષાર ગાંધી : મહાત્મા ગાંધીના પ્રપૌત્ર. કર્મશીલ, લેખક અને ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ.

તસવીર સૌજન્ય : વિકિમીડિયા, પિકિસ્ટ 

e.mail : 71abuch@gmail.com

મૂળ અંગ્રેજી લેખની લિંક :

http://www.allindiansmatter.in/what-we-destroy-in-the-name-of-development/

Loading

સમાજ અને રાષ્ટ્રહિત-ચિંતક, સર્જક મોહનભાઈની વિદાય ….

રજની દવે|Opinion - Opinion|26 October 2020

મહાત્મા ગાંધીની ૧૯૩૦ની દાંડીકૂચથી વિશ્વવિખ્યાત થયેલ દાંડી ગામમાં દાંડીકૂચનાં બે વર્ષ પછી ૯/૧૧/૧૯૩૨ના રોજ મોહનભાઈ દાંડીકરનો જન્મ થયો. મોહનદાસ ગાંધીના મીઠાના સત્યાગ્રહનો ગુંજારવ હજી વાતાવરણમાં  ગુંજતો હતો, તેથી નામ પડ્યું મોહન.

૧૯૩૦ની દાંડીકૂચ પહેલાં હિંદુસ્તાનના નકશામાં દાંડીનું નામોનિશાન નહોતું ! માંડ ૪૬૦ લોકોની વસ્તીવાળું અભાવગ્રસ્ત ગામ. ગામમાં જવા ૧૦ માઈલ કાદવ ખૂંદીને જવું પડતું. આખા ગામ વચ્ચે એક જ કૂવો, તેમાંથી લોટે-લોટે પાણી ઉલેચવું પડે ! દાંડીકૂચ વખતે સત્યાગ્રહીઓ માટે ૧૬ કિલોમીટર દૂર નવસારીથી ગાડામાં પાણી લાવવું પડતું. ગામમાં જીવનજરૂરી વસ્તુઓ, શાકભાજી કે તાર-ટપાલની સગવડ નહીં, એટલે ગાંધીજી દાંડીમાં માત્ર ૧૧ દિવસ રહ્યા ને પછી એમની ધરપકડ થઈ ત્યાં સુધી ૨૨ દિવસ નજીકના કરાડી ગામે રહેલા. છતાં ગાંધીને મન દાંડી હરદ્વાર હતું ! ગાંધીજીએ દાંડીકૂચ કરીને આ ખોબા જેવડા દાંડીનું નામ જગવિખ્યાત કર્યું, તો મોહનભાઈએ દાંડીકર અટક ધારણ કરીને પોતાના સાહિત્યસર્જન થકી દાંડીનું નામ ઉજાળ્યું !

મોહનભાઈની જીવનઝરમર

મોહનભાઈના પિતાજી જમશેદપુરના કારખાનામાં કામ કરતા હતા તેથી તેમનું મોટાભાગનું બાળપણ મોસાળ સામાપુરમાં જ વીત્યું. અને ત્યાં જ તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તે પછી ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલન વખતે શાળા-કૉલેજો બંધ રહી એટલે ભણવાનું છૂટ્યું. ’૪૨ની લડતના એ માહોલમાં પ્રભાતફેરી, સભા-સરઘસમાં ગીતો-સૂત્રો પોકારવાનું, કાંતણપ્રવૃત્તિ અને કેટલોક સમય મોજમસ્તીમાં વીત્યો. ’૪૨ની લડત આટોપાતાં શાળાઓ ફરી શરૂ થઈ. પણ શાળાએ જવાનું ગમે નહીં, એટલે પિતાજી જમશેદપુર લઈ ગયા. ત્યાં તેમણે નવમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ છેલ્લા વર્ષમાં નાપાસ થતાં ફરી ભણવાનું અટક્યું.

તેવામાં એમના શિક્ષક ચુનીભાઈએ આપેલ ‘હરિજનબંધુ’ના અંકમાં ગ્રામસેવક વિદ્યાલય, વેડછીની જાહેરાત જોઈ અને ૧૯૫૦માં વેડછીના ગ્રામસેવક વિદ્યાલયમાં એક વર્ષની તાલીમ લઈ વેડછીના વડલાસમા જુગતરામકાકાની દોરવણી હેઠળ નજીકના દેવગઢ ગામે એક વર્ષ ગ્રામસેવકનું કામ કર્યું. પણ આગળ અભ્યાસનું ખેંચાણ પણ એટલું જ હતું એટલે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ગયા. ત્યાં હિંદી કાર્યાલયમાં ક્લાર્ક તરીકેની કામગીરી સાથે ૧૯૫૪માં એસ.એસ.સી. સમકક્ષ ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. પછી ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં જોડાયા.

પણ કંઈ ગોઠ્યું નહીં એટલે હિંદી કાર્યાલયના વડા નરેન્દ્રભાઈ અંજારિયાના સૂચનથી ૧૯૫૪માં લોકભારતી, સણોસરા ગયા. ત્યાં નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ જેવા વત્સલ ગુરુજનોના હાથે દીક્ષિત થયા. ૧૯૫૭માં લોકભારતીમાંથી સ્નાતક થઈને ૧૯૫૯માં રાજપીપળામાં ડી.એડ. (ડિપ્લોમા ઈન એજ્યુકેશન) કર્યું. ૧૯૫૯માં જ લોકભારતીનાં સ્નાતિકા ધીરજબહેન અવરાણી સાથે એમનાં લગ્ન થયાં. તે પછી ૧૯૬૫માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ. કર્યું. ત્યારે એમના નિબંધનો વિષય હતો, ‘નાનાભાઈ ભટ્ટનું શૈક્ષણિક પ્રદાન.’

શિક્ષણ-લોકશિક્ષણ સેવા

મોહનભાઈ ૨૩ વર્ષ સુધી શિક્ષક-અધ્યાપક તરીકે અને ૧૦ વર્ષ આચાર્ય-સંચાલક તરીકે વિવિધ શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત રહ્યા. તેમણે વેડછી, વાપી, જામનગર, સાવરકુંડલા અને બોરખડી (જિ. સુરત)ના અધ્યાપનમંદિરમાં દસ વર્ષ તેમ જ લોકશાળા, માલપરા (જિ. ભાવનગર), અને સાવરકુંડલામાં શિક્ષક તરીકે અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ખરવાણ (જિ. સુરત) તેમ જ અગાસી (જિ. વલસાડ)માં આચાર્ય તરીકે કાર્ય કર્યું.

લોકકેળવણી અને લોકજાગરણના માધ્યમ તરીકે તેમણે આ વિવિધ સ્થળે અભ્યાસવર્તુળ, નાટ્યસ્પર્ધા, વ્યાખ્યાનમાળા જેવી પ્રવૃત્તિઓ કરી અને ખરવાણ જેવા ઊંડાણના આદિવાસી ગામમાં તો ૧૯૭૧માં દ.ગુજરાતના ઉત્તર બુનિયાદી વિદ્યાલયોનો ‘સાહિત્ય શિબિર’ પણ યોજ્યો. સાવરકુંડલામાં ઘેલાણી કેળવણી ટ્રસ્ટના માનદ્દ મંત્રી તરીકે સેવા આપી અને કુંડલા તાલુકાની પૂનમ-સભાની માસિક પત્રિકા ‘લોકશક્તિ’નું લેખન-સંપાદન પણ સંભાળ્યું. તેઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના હિંદી વિષયના પરામર્શક અને લેખક-સંપાદક રૂપે પણ કાર્યરત રહ્યા.

સાહિત્યસર્જન સેવા

મોહનભાઈ ૧૯૯૧માં શિક્ષણસેવામાંથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમની ૨૨ જેટલી કૃતિઓ પ્રગટ થઈ હતી. તે પછી શેષ ૨૯ વર્ષમાં તેમનાં ૫૫ જેટલાં પુસ્તક-પુસ્તિકા પ્રગટ થયાં. પાંચ પુસ્તકો ટૂંક સમયમાં પ્રગટ થશે અને બીજાં લગભગ ૭-૮ પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરી છે. આમ તેમના દ્વારા બધું મળીને ૯૦ જેટલાં પુસ્તક-પુસ્તિકાઓનું સર્જન-કાર્ય થયું.

વર્ષો પહેલાં આંખનો મોતિયો ઊતરાવતાં તેમની એક આંખ કામ કરતી બંધ થઈ હતી અને બીજી આંખમાં ત્રણ વાર કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેમ છતાં એ એક આંખનાં ચશ્માંના જાડા કાચના સહારે તેમણે લેખનનો સાતત્યયોગ છેવટ સુધી ચાલુ રાખ્યો.

મહાદેવ દેસાઈની અંતિમ ક્ષણોમાં ગાંધીજી બોલી ઊઠ્યા હતા, “મહાદેવ ! ઊઠો ! મહાદેવ ! ગાંધીજીને વિશ્વાસ હતો કે એમના શબ્દો જો મહાદેવના કાને પડ્યા હોત તો એ મૉતનો સામનો કરીને ઊભા થઈ ગયા હોત ! મોહનભાઈ માટે પણ એવું વિચારવાનું મન થાય કે, જો કોઈએ તેમને છેલ્લી પળોમાં એમ કહ્યું હોત કે, આ ૧,૦૦૦ પાનાંનું એક સરસ, નવું પુસ્તક આવ્યું છે અને તેનો અનુવાદ કરીને ગુજરાતી વાચકોના હાથમાં જલદીમાં જલદી મૂકવાનું છે, તો કદાચ તેમના બંધ થયેલા શ્વાસ ચાલુ થઈ ગયા હોત, બ્લોક થયેલી રક્તવાહિનીઓ ખૂલી ગઈ હોત અને હૃદય ફરીથી ધબકવા માંડ્યું હોત.

મોહનભાઈની લેખનયાત્રાની વિસ્તરતી ક્ષિતિજો

મોહનભાઈની લેખનયાત્રા ૧૯૫૨થી શરૂ થઈ અને છેલ્લે ૨૦૨૦માં હિંદીનાં જાણીતાં લેખિકા નાસિરા શર્માની નવલકથા ‘કૂઈંયાજાન’ના અનુવાદનું કામ કરીને લગભગ ૬૮ વર્ષે અટકી. તેમની અનુદિત ૨૨૫ જેટલી વાર્તાઓ અને લેખો ‘આરામ’, ‘ચાંદની’, ‘સંસાર’, ‘જીવનમાધુરી’, ‘નવનીત-સમર્પણ’, ‘અખંડ આનંદ’, ‘વિશ્વમાનવ’, ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ', ‘કોડિયું’ જેવાં સામયિકોમાં છપાતાં રહ્યાં. તેમનું પ્રથમ પુસ્તક ‘સાહિત્ય સર્જન’ નામે ૧૯૬૮માં પ્રગટ થયું હતું.

તેમની કલમની ક્ષિતિજો વતન દાંડીના પોતાના ફળિયાના, ન્યુઝીલેન્ડની ટીમના ક્રિકેટર અંગેની પુસ્તિકા ‘સ્પિન ડોક્ટર દિપક પટેલ’ના લેખનથી માંડી, દાંડીના મીઠાના સત્યાગ્રહ અંગેની પરિચય પુસ્તિકા ‘ચપટી મીઠાનો ચમત્કાર’થી આગળ વધી, નવસારી તાલુકાનાં ‘સ્વાતંત્ર્ય સંગ્રામનાં સંસ્મરણો’થી વિસ્તરીને આગળ વધતાં, ગુજરાત રાજ્ય અને દેશનાં અન્ય રાજ્યોના સાહિત્યને પોતાના મનોજગતમાં સમાવતાં સમાવતાં ‘વિશ્વ વાર્તા સૌરભ’ પુસ્તક સુધી વિસ્તરતી રહી.

મોહનભાઈની મૌલિક કૃતિ હોય કે અનુવાદ-સંપાદનની કૃતિ હોય, તેમાં તેમની સંવેદનાના તારોનું સ્પંદન ઝીલાયેલું દેખાય છે. તેમનાં પુસ્તકોમાં ‘દાંડીની વાતો’થી લઈને લોકભારતી, સાવરકુંડલાની ‘ધરતીની સુગંધ’ અને ‘પારિજાતની સુગંધ’ પણ છે. તેમણે ‘ખુલ્લા પગે યાત્રા’ કરતી ‘ખાનાબદોશ’ એવી નારીહૃદયની વ્યથાકથા અને આંતરપ્રવાહો રજૂ કરતાં પુસ્તકોનો અનુવાદ ગુજરાતી વાચકવર્ગને હાથવગા કર્યા છે.

દેશના ભાગલા વખતે પોતાની ૧૪-૧૫ વર્ષની વયે મોહનભાઈએ તે વખતનાં બિહાર જમશેદપુરનાં કોમી હુલ્લડો નજરોનજર જોયાં હતાં. ત્યારે તો તેઓ હજુ લેખક નહોતા પણ ભાગલાની એ કરુણ દાસ્તાને તેમના દિલને હચમચાવી મૂક્યું હતું ! તે પછી પણ બાબરી ધ્વંસ કે ૨૦૦૨માં કોમવાદ કે ધાર્મિક ઝનૂનની પરાકાષ્ઠા જોવા મળી હતી. તેના પરિણામ-સ્વરૂપે મોહનભાઈની સર્જનયાત્રા તેમને કમલેશ્વરના ‘કિતને પાકિસ્તાન’થી સરૂપ ધ્રુવના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકના અનુવાદ સુધી લઈ જઈને ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ પણ બતાવે છે.

વર્ષો સુધી ધૂળધોયાનું કામ કરનાર મોહનભાઈ

નવી પેઢીને ‘ધૂળધોયો’ શબ્દ કદાચ ન સમજાય. એક જમાનામાં સોનીબજારના રસ્તા પરની રેતી-માટીને પાણીમાં ધોઈને, નીતારીને તગારાં ભરીને આવી રેતી-માટીમાંથી સોના-ચાંદીની કરચ શોધવાનું કામ તે ‘ધૂળધોયા’નું કામ કહેવાતું. આ કામ ખૂબ જ મહેનત અને ધીરજનું છે. મોહનભાઈએ પણ એવી જ ધીરજ અને ખંતપૂર્વક તેમની નજર સારા એવા પ્રમાણમાં હિંદી સાહિત્ય તરફ નાંખી છે. તેઓ ‘ધર્મયુગ’, ‘સારિકા', ‘નઈ કહાનિયાઁ’ જેવાં સામયિકો ઉપરાંત હિંદીમાં પ્રગટ થતાં કે થયેલાં વાર્તાસંગ્રહ, નવલકથા, આત્મકથા, જીવનચરિત્રનું બહોળું વાંચન કરતા.

તેમને જે રચના કે પુસ્તક ગમી જાય એટલે તે ક્યારે ગુજરાતી વાચકના હાથમાં પહોંચાડું અને ‘ગમતાંનો કરીએ ગુલાલ’ એવી તેમને તીવ્ર ઇચ્છા જાગે પછી તો એ કામ પાછળ તેઓ મચી જ પડતા ! ગિરિરાજ કિશોરની ૯૦૦ પાનની હિંદી નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ મોહનભાઈના હાથમાં આવી અને દોઢેક વર્ષમાં તો તેનો અનુવાદ તૈયાર કરી દીધો, જેને ૨૦૦૭ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.

આમ તો મોહનભાઈની સાહિત્યસેવામાં લેખન, સંપાદન અને અનુવાદના વિવિધ આયામો ગણાવી શકાય. તેમ છતાં તેમનાં અડધો અડધ પુસ્તકો અનુવાદનાં છે.

પોતાના અનુવાદકાર્ય અંગે વાત કરતાં મોહનભાઈ કહેતા, ‘અસલ તે અસલ અને અનુવાદ તે અનુવાદ. આટલી મર્યાદા સમજવા છતાં પણ મેં દિલથી અનુવાદનું કામ કર્યું છે.’ વાર્તાઓના અનુવાદકાર્ય અંગે તેઓ કહે છે, ‘વાર્તાનો આત્મા જળવાઈ રહે, એની સુવાસ જળવાઈ રહે, લેખકને જે અભિપ્રેત છે તેને જફા ન પહોંચે, તેમાં ક્યાં ય ગોબો ન પડે તેટલી કાળજી રાખીને મેં અનુવાદ કરવાનું કામ કર્યું છે.’

મોહનભાઈના આ અનુવાદકાર્યને પોંખતાં રતિલાલ બોરીસાગર નોંધે છે કે, “અનુવાદના ક્ષેત્રને દાંડીકરનું અર્પણ એમને ગુજરાતી ભાષાની સમગ્ર અનુવાદપ્રવૃત્તિમાં માનભર્યું સ્થાન અપાવે તેવું છે. એમણે જીવનભર હિંદી ભાષાનું શિક્ષણકાર્ય કર્યું છે. હિંદી ભાષા-સાહિત્યનું એમનું વાચન પણ ઘણું બહોળું છે. આ કારણે એમના અનુવાદોમાં મૂળ ભાષાની ખૂબીઓ યથાતથ ઊતરી છે. એમના અનુવાદો તજ્જ્ઞો દ્વારા અનુસર્જનો તરીકે આવકાર પામ્યા છે. ‘મૂળનો પરિમલ જળવાયો છે, ને છતાં ગુજરાતી ભાષાની સ્ફૂર્તિ પણ લીલીછમ છે.’ એવું દાંડીકરના અનુવાદિત પુસ્તક ‘શ્રેષ્ઠ ઉર્દૂ વાર્તાઓ’ વિશેનું મોહનભાઈ શં. પટેલનું કથન એમના બધા અનુવાદો માટે સાચું ઠરે એવું છે.

મોહનભાઈને “પહેલો ગિરમીટિયો’ના અનુવાદ માટે ભારતીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું તે અંગે અકાદમી નોંધે છે કે, ‘યહ કૃતિ અપની પઠનીયતા ઔર પ્રવાહમય ભાષાશૈલી કે કારણ ઉલ્લેખનીય હૈ. યદ્યપિ યહ એક અનુવાદકાર્ય હૈ, તથાપિ ઐસા લાગતા હૈ કિ યહ મૂલત: ગુજરાતી મેં લિખા ગયા ઉપન્યાસ હો. ઈસ કૃતિ કે ગુજરાતી અનુવાદ કો ભારતીય સાહિત્ય કા એક મહત્ત્વપૂર્ણ યોગદાન માના ગયા હૈ.

મોહનભાઈની કૃતિઓ અંગે થોડું વિગતે

કોઈપણ લેખકની કૃતિઓને જડબેસલાક ખાનાઓમાં વિભાગીકરણ કરવાનું કામ અઘરું પણ છે અને લેખકને અન્યાય કરનારું પણ છે. તેમ છતાં પ્રાથમિક સમજ પ્રાપ્ત કરવા માટે તેમની કૃતિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય.

ગાંધી અને ગાંધીદર્શન આસપાસનું સર્જન

નારીની વ્યથાકથા, સંઘર્ષ અને આંતરપ્રવાહોની રજૂઆત

દેશના ભાગલા પછી સર્જાયેલાં નફરત-હિંસાના વમળોને રજૂ કરતું તેમ જ આ આંધી સામે ભારતની ગંગા-જમનીની સંસ્કૃતિને ઉજાગર કરતું સાહિત્ય.

ભારતના પ્રગતિશીલ સ્કૂલના લેખકોની, કંઈક અંશે ડાબેરી વિચારધારાને રજૂ કરતું સાહિત્ય.સ્વને અભિવ્યક્ત કરતું, પોતાના જીવનની વાતો રજૂ કરતું સાહિત્ય.

વ્યાપક લોકશિક્ષણ માટે પરિચય પુસ્તિકા જેવું સાહિત્ય.

મોહનભાઈ વિષે પ્રકાશભાઈ ન. શાહ ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ની પ્રસ્તાવનામાં જે કંઈ કહે છે તે ધ્યાનથી નજર નાંખવા જેવું છે –

“સર્વોદય સંસ્કાર અને રાષ્ટ્રીય ચળવળનાં મૂલ્યોમાં રમેલા મોહનભાઈને સૌ એક સમર્પિત શિક્ષક અને સંવેદનશીલ લેખક તરીકે પિછાણે છે. બલકે, સહૃદય લેખનકારી થકી એમનું શિક્ષણ વર્ષોથી વર્ગખંડના સીમાડાને ઓળાંડી ગયું છે. એક પા દર્શક આદિની ગાંધી સ્કૂલના હેવાયા પ્રેમીજન, તો બીજી પા કમલેશ્વર જેવાની પ્રગતિશીલ સ્કૂલના પણ એવા જ અનુરાગી મોહનભાઈનો એક વિશેષ એ રહ્યો છે કે ધર્મતત્ત્વને પ્રીછતે છતે અને ધર્મભાવનાને પ્રમાણતે છતે એ ધર્મવશ એવા કોઈ વ્યામોહમાં વમળાયા નથી.

મોહનભાઈ આવા કોઈ વ્યામોહમાં વમળાયા નથી, પરંતુ પોતાની જાતને મોટાં ને મોટાં વલયોમાં સમાવતા ગયા.”

ગાંધી અને ગાંધીદર્શન આસપાસનું સર્જન

આ વિભાગમાં આપણે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર આધારિત નવલકથા – ‘પહેલો ગિરમીટિયો’ને (લેખક : ગિરિરાજ કિશોર, અનુવાદ : મોહન દાંડીકર) સૌ પ્રથમ મૂકવી પડે. ત્યારબાદ ‘મનીષીની વિચારયાત્રા’ (દર્શકનાં કેટલાંક વ્યાખ્યાનો – સંપાદન : મોહન દાંડીકર) મૂકી શકાય. આ ઉપરાંત ‘દર્શક : જેવા મેં જોયા-જાણ્યા’, ‘નાનાભાઈનું જીવનદર્શન’, ‘ગુરુવંદના’, ‘બાપુ’ (અનુવાદ) લેખક : ઘનશ્યામદાસ બિરલા, ‘લોકશક્તિના ઉપાસક શ્રી લલ્લુભાઈ શેઠ’, ‘લોકનાયક જયપ્રકાશ’, ‘ગાંધી : માનવમાંથી મહામાનવ’, ‘અમુલખ વસ્તુ જડી’ (સંપાદન) તેમ જ ‘જેમણે મૉતને મીઠું કર્યું’ જેવાં અન્ય પુસ્તકોનો સમાવેશ કરી શકાય.

નારી વ્યથાકથા, સંઘર્ષ અને આંતરપ્રવાહોની રજૂઆત

આ વિભાગમાં અમૃતા પ્રીતમ પછીની પેઢીની પંજાબી લેખિકાઓ અજિત કૌર અને દલિપ કૌર ટિવાણાની મોહનભાઈએ અનુવાદ કરેલી કૃતિઓનો સમાવેશ કરી શકાય.

અજિત કૌરની આત્મકથા ‘ખાનાબદોશ’ અને ‘મારી કરમકથા’ તેમ જ તેમના જીવનની આસપાસ ગુંથાયેલી વાતોનો સંગ્રહ ‘અંત:સલિલા’ વાંચવા જેવાં છે. ‘ખાનાબદોશ’ના પ્રકરણ-૪ની શરૂઆતમાં અજિતકૌર લખે છે –

“મિત્રો, સૌથી પહેલાં હું તમને એક અત્યંત નિર્દોષ વાત સંભળાવું છું. નિર્દોષ અને સામાન્ય, પણ ચિત્રાત્મક …

“ગુનો નં. એક – સ્ત્રી હોવું તે.

“ગુનો નં. બે – એકલાં હોવું તે.

“ગુનો નં. ત્રણ – એકલી અને પોતાનો રોટલો પોતે કમાઈ લેતી સ્ત્રી હોવું તે.

“ગુનો નં. ચાર – પોતાનો રોટલો પોતે જ કમાતી પણ સ્વમાન-પ્રિય અને બુદ્ધિશાળી એકલી સ્ત્રીએ આ દેવતાઓના દેશ હિંદુસ્તાનમાં હોવું તે.

“એટલે દોસ્તો, સૌથી પ્રથમ તો આ ચારે સંગીન ગુનાઓને હું મારું સદ્ભાગ્ય સમજું છું.

‘ખુલ્લા પગે યાત્રા’ દલિપ કૌર ટિવાણાની આત્મકથા છે અને ‘અગ્નિપથનાં યાત્રી – દલિપ કૌર’ તેમની જીવનકથા છે. આ ઉપરાંત સરસ્વતી સન્માન પ્રાપ્ત, બે ભાગમાં લખાયેલી દલિપ કૌરની નવલકથા ‘કથા કહો ઉર્વશી’માં દલિપ કૌર નવલકથાની ચરિત્રનાયિકા કુલદીપ બને છે. આ નવલકથામાં આત્મતત્ત્વની શોધ, બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ માટેની ઝંખનાનું વિસ્તારથી ચિત્રણ થયું છે. મોહનભાઈએ દલિપ કૌરની, સ્ત્રીજીવનના આંતરપ્રવાહોને રજૂ કરતી લઘુવનવલ ‘ગોરજટાણે’ અને ‘ફિનિક્સ પંખી’નો અનુવાદ પણ કર્યો છે.

આ વિભાગમાં રાજેન્દ્રસિંહ બેદીની મોહનભાઈએ અનુવાદ કરેલ નવલકથા ‘એક ચાદર મેલી’નો પણ સમાવેશ કરી શકાય. આ નવલકથામાં પંજાબી લોકજીવનની ઝિંદાદીલીની સાથેસાથે એનાં સુખ-દુ:ખ, રીત-રિવાજોની ઝલક જોવા મળે છે. રાનો વિધવા થતાં પોતાનાથી ૧૦-૧૨ વર્ષ નાનો દિયર, જેને તેણે નાની વયે દીકરાની જેમ ઉછેર્યો હતો તેની સાથે કરવા પડતા દિયરવટાની મથામણ લેખકે બહુ બારિકાઈથી ઉજાગર કરી છે.

બીજું એક પુસ્તક ‘પંજાબી વાર્તા વૈભવ’માં ૧૭ પંજાબી વાર્તાઓનો અનુવાદ છે. આ પુસ્તકમાં અજિત કૌરની ૧૯૮૪માં દિલ્હીમાં થયેલ કત્લેઆમની કરુણ કથની વાંચતાં રૂંવાડાં ઊભાં થઈ જશે.

દેશના ભાગલા પછી સર્જાયેલ નફરત-હિંસાનાં વમળોને રજૂ કરતું તેમ જ આ આંધી સામે ભારતની ગંગા-જમની સંસ્કૃતિને ઉજાગર કરતું સાહિત્ય

આ પુસ્તકોમાં મોહનભાઈએ અનુવાદ કરેલ કમલેશ્વરનું ‘કેટલા પાકિસ્તાન’, નિરંજન તસ્નીમનું ‘ખોવાયેલા અર્થો’, નાસિરા શર્માનું ‘રાષ્ટ્ર અને મુસલમાન’, ‘એક બીજી કુંતી’ (વિભાજન વિષયક વાર્તાઓ), ‘મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’, સરૂપ ધ્રુવનું ‘અણસાર ક્યાંક આશાનો’ તેમ જ ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ જેવાં પુસ્તકો ગણાવી શકાય.

દેશના ભાગલા વખતે, ઇંદિરા ગાંધીની હત્યા પછી થયેલ શીખોની કત્લેઆમ વખતે, બાબરી મસ્જિદના પ્રશ્નને કે ગુજરાત-૨૦૦૨નાં તોફાનો વખતે ફેલાયેલી નફરતથી સમાજમાં ઉદ્ભવેલાં વમળોની વાત તેમ જ તે સમયે ફેલાયેલી વ્યાપક હિંસાને કારણે ઉદ્ભવેલા સમાજના દર્દને આ પુસ્તકો વાચા આપે છે. તો કેટલાંક પુસ્તકોમાં ભારતમાં વર્ષોથી એક મીલી-ઝૂલી, ગંગા-જમની સંસ્કૃતિ પનપી રહી છે તેની પણ વાત છે.

અહીં ‘આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો’ પુસ્તકમાંથી કમલેશ્વરના લેખ ‘ખોલો જુબાં, ચૂપ ન રહો’માંથી એક નોંધ પર નજર નાંખીએ –

“આ એવો સમય છે જ્યારે વિશ્વભરમાં નિરંકુશ, ધર્માંધ અને વસાહતવાદી શક્તિઓએ પોતાનો એજન્ડા લાગુ કર્યો છે. એવે સમયે શબ્દો દ્વારા મૂલ્યો, સંવેદનશીલ મન, સમજણ અને વિવેક સાથે સાહિત્ય-સર્જન કરનારા આપણે પોતાને ધર્મસંકટમાં મુકાયેલા જોઈએ છીએ. તે એટલા માટે નહીં કે આપણે ખોટા પડ્યા છીએ. પરંતુ તે એ કારણે કે નિરંકુશ શક્તિઓના શુદ્ર રાજકારણે પુરાણો અને દંતકથાઓને ઇતિહાસ અને આસ્થાનો પ્રશ્ન બનાવી દીધો છે. ધર્મને તેમણે ધર્મનો શિકાર બનાવી દીધો છે. અને જાતીયતાને તેમણે ધર્માંધતાની પ્રયોગશાળામાં વંશ, રક્ત અને ધર્મનું દેશીવિદેશી હોવાનું રસાયણ ભેળવીને એક રક્તપિપાસુ, આંધળા હથિયારમાં પરિવર્તિત કરી દીધેલ છે.

કમલેશ્વરે પ્રગતિશીલ લેખક સંઘના અધિવેશનમાં ૨૦૦૩માં કરેલ આ વાત પછી, આજે સ્થિતિ એનાથી પણ બદતર થતી જઈ રહી છે. ત્યારે એ નોંધવું રહ્યું કે મોહનભાઈનું ઘણું ખરું સાહિત્ય આ ‘ખોલો જુબાં, ચૂપ ન રહો’ના ભાવને ચરિતાર્થ કરતું જોવા મળે છે.

આઝાદી પછીની પ્રગતિશીલ સ્કૂલની ડાબેરી વિચારધારાને રજૂ કરતું સાહિત્ય.

અહીં મુખ્યત્વે બે લેખકોનાં નામ લેવાં પડે. એક મન્ટો અને બીજું કમલેશ્વરનું. મોહનભાઈએ તૈયાર કરેલ મન્ટોનાં પુસ્તકો છે – ‘મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘મન્ટોના કેમેરામાં ઝીલાયેલી છબીઓ,’ ‘મન્ટો-અમારો દોસ્ત’, ‘મન્ટો જીવે છે.’ (જીવનચરિત્ર, લે. નરેન્દ્ર મોહન), અને ‘સઆદત હસન મન્ટોની શ્રેષ્ઠ વાર્તાઓ’. જ્યારે કમલેશ્વરનાં ત્રણ પુસ્તકોનો અનુવાદ મોહનભાઈએ કર્યાં છે : ‘મારી સંઘર્ષકથા’ (આત્મકથા), ‘સળગતી નદી’ (આત્મકથા) અને ‘કેટલા પાકિસ્તાન’ નામે નવલકથાનો. આમાં એક ચોથા પુસ્તકને પણ ધ્યાન પર લેવા જેવું છે, જે કમલેશ્વરનાં જીવનસાથી ગાયત્રી કમલેશ્વરે લખ્યું છે – ‘કમલેશ્વર : મારા હમસફર.’

મન્ટો સ્થાપિત મૂલ્યો સામે બળવો કરનાર લેખક છે. કમલેશ્વર હિંદી સાહિત્ય જગતના પ્રથમ હરોળના મૂલ્યનિષ્ઠ, સત્તા સામે ન ઝૂકનારા લેખક છે.

કમલેશ્વરની આત્મકથા ‘સળગતી નદી’માંના (પાન નં. ૨૨૬) કમલેશ્વરના વર્ષો પહેલાંના શબ્દો આજે પણ એટલા જ બંધબેસતા લાગે છે. – “એક સમય એવો હતો જ્યારે કાનૂની કટોકટી ચાલુ હતી. આજે હવે સવર્ણ, સામંતી હિંદુ કટોકટી ચાલુ છે.”

પુસ્તકમાં બીજી એક જગ્યાએ કમલેશ્વર જયપ્રકાશ નારાયણ સામે નારાજગી વ્યક્ત કરતાં લખે છે – “લોકનાયક જયપ્રકાશ નારાયણે હિંદુત્વવાદી સાંપ્રદાયિક જનસંઘને બિનસાંપ્રદાયિક હોવાનું અવસરવાદી પ્રમાણપત્ર આપી દીધું હતું.”

કમલેશ્વર હંમેશાં દલિતો, પીડિતો, વંચિતોને પડખે રહ્યા. તેમણે સુધારાવાદી વહોરાઓના સામાજિક ન્યાય માટેના આંદોલનને પોતાનું આંદોલન ગણ્યું હતું. મુલ્લા-મૌલવીઓની માનસિકતા વિશે, કટ્ટરતા વિશે, અંધ-શ્રદ્ધામૂલક મનોવૃત્તિ વિશે કમલેશ્વરે હિંમતપૂર્વક લખ્યું છે.

આવા હિંદી સાહિત્યજગતને ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીને મોહનભાઈએ સારી સેવા બજાવી છે તેમ કહેવું પડે.

સ્વને અભિવ્યક્ત કરતું, પોતાના જીવનની વાતો રજૂ કરતું સાહિત્ય.

એક લેખક તરીકે પોતાના લખેલા કે સંપાદન-અનુવાદ કરેલ પુસ્તકની પ્રસ્તાવનામાં મોહનભાઈ અવારનવાર પોતાની વાત મૂકતા રહ્યા છે. જેમાં તેમનો ભાવ, સંવેદના, ચિંતા વ્યક્ત થતાં રહ્યાં છે. યજ્ઞ પ્રકાશનના ‘અણસાર ક્યાંક આશાનો’ પુસ્તકના પ્રાસ્તાવિકમાં તેઓ લખે છે –

“સરૂપબહેને ૨૦૦૨ના ગોધરાકાંડ પછી ગુજરાતમાં જે ઘટનાઓ બની, જે સંહારસત્ર ચાલ્યું, એક જ કોમને નજર સામે રાખીને જે બર્બરતા આચરવામાં આવી તેની વિગતો આપી છે. તે વાર્તાઓ વાંચીને રૂંવાડાં ઊભાં થઈ જાય છે … બેચેન બની જવાયું. એમ થયું કે અરે ! આટલું બધું બની ગયું છે, મારા ગુજરાતમાં ? સાવ નિર્દોષ માણસોને આ રીતે રહેંસી નાંખવાનાં ? ઘરબાર વિનાનાં કરી દેવાનાં ? કોઈ જ કારણ વિના ? એવો અધિકાર તેમને કોણે આપ્યો ? તમે અમુક કોમના છો, બહુમતીમાં છો, એટલે ? તો તો ‘એ લોકો’ જ્યાં જ્યાં બહુમતીમાં હશે ત્યાં ત્યાં આવા અત્યાચારો કરવા માંડશે તો ? થશે શું મારા દેશનું ?”

મોહનભાઈની આ નિસ્બત, ચિંતાને પ્રમાણતાં યશવન્તભાઈ શુકલએ મોહનભાઈને એક મૂલ્યનિષ્ઠ, રાષ્ટ્રહિતચિંતક અને સમાજના પ્રશ્નનો વિશે સદ્ભાવથી વિચારનારા જાગરૂક નાગરિક કહ્યા છે.

મોહનભાઈએ ૧૯૮૩માં, ૫૦ વર્ષની વયે પોતાના જીવન વિશેનું આત્મકથન ‘કેડી અને ચડાણ’ (લોકભારતી પ્રકાશન શ્રેણી) પુસ્તિકામાં કર્યું છે. આમાં તેમના વડવાઓની, વતન દાંડીની, મોસાળની, કિશોરા-વસ્થામાંના કાંતણપ્રેમની, પોતાના શિક્ષણકાળની તેમ જ વિવિધ સ્થળોએ રહીને શિક્ષકધર્મ બજાવ્યો તેની વાતો છે.

શિક્ષણ અંગેના તેમના વિચારો રજૂ કરતાં તેઓ ‘સમાજ-જીવનનાં બિંબ પ્રતિબિંબ’ પુસ્તકમાં લખે છે – ‘પરંપરાગત શિક્ષણની મર્યાદા તેમ જ અધ્યાપનકાર્ય માત્ર પાઠ્યપુસ્તકના ભણાવવામાં સમાપ્ત થતું નથી. તે સિવાયનું જગત પણ છે. તેનો પણ ખ્યાલ રાખવાનો છે. આજુબાજુ વિશાળ સમાજ પડેલો છે, એ સમાજના ભાત-ભાતના પ્રશ્નનો છે, મૂંઝવણો છે, મથામણો છે. અધ્યાપકે આ બધું સમજવાની સજ્જતા કેળવવાની છે. આનાથી શિક્ષણ ધારદાર અને અર્થપૂર્ણ બનશે. આ ખ્યાલમાં રાખીને આ પુસ્તકમાં તેમણે કેટલાક પોતાના લેખો સમાવ્યા છે.

૨૦૧૪માં તેમનાં અન્ય બે પુસ્તકો પ્રગટ થયાં – ‘ધરતીની સુગંધ’ અને ‘ગમતાંનો કરીએ ગુલાલ’. તેમાં તેઓ લખે છે, “આ મારી અનુભવકથા છે, મારી ઘડતરકથા છે. અંદરથી જે આવ્યું, ઊગ્યું તે લખ્યું છે …. સામાજિક અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જે વસ્તુ ગમી તે અહીં રજૂ કરી છે.”

મોહનભાઈ નાનાભાઈ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ, લલ્લુભાઈ શેઠ કે અમુલખભાઈ ખિમાણી વિષે કે તેમના અન્ય ગુરુજનો-વડીલો જુગતરામભાઈ, દિલખુશભાઈ દિવાનજી, લલ્લુભાઈ મકનજી કે પોતાના સાહિત્યિક ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર ઈશ્વર પેટલીકર કે યશવંતભાઈ શુકલ વિષે લખે ત્યારે તેમની સાથેના સંબંધોના તાણાવાણાની વાત પણ તેમાં ગુંથાતી જાય છે.

વ્યાપક લોકશિક્ષણ માટેનું પરિચય પુસ્તિકા જેવું સાહિત્ય

મોહનભાઈએ શરૂઆતનાં વર્ષોમાં પ્રૌઢશિક્ષણ માટેની ૯/૧૦ પુસ્તિકાઓ તૈયાર કરી. તે પછી તેમના આત્મકથનની ‘કેડી અને ચડાણ’ (લોકભારતી પ્રકાશન શ્રેણી), મહાદેવી વર્માની ‘સાવધાન ! દેશ આજે સંકટમાં છે !’, વિમલા ઠકારની ‘ગાંધી જીવન દર્શન’, ‘સ્પિન ડૉક્ટર દિપક પટેલ,’ ‘વ્યસન-મુક્તિ’, ‘સર્વધર્મ સમભાવ’, ‘ચપટી મીઠાનો ચમત્કાર’ (પરિચય પુસ્તિકા નં. ૧૧૮૧) જેવી બીજી આઠેક પુસ્તિકા તૈયાર કરી.

આ ઉપરાંત સાવરકુંડલામાં યોજાયેલ વ્યાખ્યાનમાળાની ૧૩ પુસ્તિકાઓ જેનું સંકલન પછીથી ‘અમૃતપર્વ’ નામે પ્રકાશિત થયું અને મનુભાઈ પંચોળીનાં વ્યાખ્યાનોની પાંચ પુસ્તિકા જે પણ પછીથી ‘મનીષીની વિચારયાત્રા’ પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ.

મોહનભાઈનાં પાંચ અનુવાદિત પુસ્તકો ટૂંક સમયમાં પ્રગટ થશે તેમાં ગિરિરાજ કિશોરની કસ્તૂરબા પરની નવલકથા ‘બા’, ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત, નાસિરા શર્માની નવલકથા ‘પારિજાત’, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર હકુ શાહનું કલા અને જીવન વિષયક પુસ્તક ‘માનુષ’, નાસિરા શર્માની જીવનકથા ‘એક ઝુઝારુ નારી’, અને સોપાન જોષીનું ‘જલ, થલ, મલ’.

મોહનભાઈની આગવી ઓળખ

મોહનભાઈએ પોતાની જાતને ઘડતાં ઘડતાં માતબર લેખનકાર્ય કર્યું, લોકશિક્ષણનું કામ પણ કર્યું. અને આ બધું કરતાં કરતાં પણ એમની જે આરત હતી તે તેમની એક ડાયરીના ઊઘડતા પાને તેમણે લખી છે:

અને પછી ત્રીજા પાને લખ્યું છે : ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’.

આમ તો દાંડીના દરિયાનાં ઊછળતાં મોજાં જેવા તેમના પ્રેમની છાલકો જેમણે માણી છે, તે તેમને સદાને માટે યાદ કરશે.

તેમનો નશ્વરદેહ ૨૧, ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ પંચમહાભૂતમાં ભળી ગયો પણ તેમનો અક્ષરદેહ તેમની યાદ સદાકાળ આપતો રહેશે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020

Loading

...102030...2,2272,2282,2292,230...2,2402,2502,260...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved