Opinion Magazine
Number of visits: 9965503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેલો સગો પાડોશી

હરનિશ જાની|Opinion - Opinion|25 October 2020

અમે ન્યુયૉર્ક શહેરમાં ઘર ખરીદ્યું અને ઇન્ડિયન તરીકે સારી છાપ પડે એ હેતુથી, અમે અમારા ઘરની આજુબાજુનાં બે ઘરો અને રસ્તાની સામેનાં બે ઘરોના પાડોશીઓને વાઈન અને ચીઝ માટે આમંત્ર્યા. આપણાં ચા–પાણી જ સમજોને! મારી પત્ની હંસાએ સાથે મોળાં સમોસાં અને પાતરાં પણ રાખ્યાં. તમે માનશો એ ચાર ઘરોના માલિકો વરસોથી ત્યાં રહેતા હતાં; પણ એકમેકના ઘરમાં કદી ગયા નહોતા. તેમને એકમેક સાથે બહારથી જ ‘હાય–હેલો’નો સંબંધ હતો. અમે તેમને એકમેક સાથે બોલતા કર્યા. પરંતુ પાડોશી સાથે બોલવાની ટેવ તો અમદાવાદથી જ ચાલુ થઈ હતી. જ્યારે પાડોશીની વાતો નીકળે છે ત્યારે મને મારા પહેલા પાડોશીઓ અચૂક યાદ આવે છે.

સારા પાડોશી મળવા એ નસીબની વાત છે. સુખી જીવનનો આધાર પાડોશ પર છે. ભલેને લાફીંગ ક્લબમાં જાવ કે યોગના આસનો કરો; પરંતુ પાડોશી જો સારો નહીં હોય તો સુખી થવાના બધા પ્રયત્નો વ્યર્થ જવાના અને એ માનસિક ત્રાસ તમને તંદુરસ્ત નહીં જ થવા દે. બધાને સારા પાડોશી મળે એમ બનતું નથી. એ લગ્ન જેવી વાત છે. લગ્નમાં તો છૂટા થવાય; પરંતુ સસ્તા ભાડાનું ઘર કાંઈ રસ્તામાં નથી પડ્યું. આમ જોઈએ તો પાડોશી તો બધા સારા જ હોય છે. જેવા આપણે તેવા આપણા પાડોશી. પરંતુ એમ ન પણ બને, જો  તમારો પાડોશી, તમારો મકાનમાલિક હોય, તો પછી આવી બન્યું. આવી પરિસ્થિતિમાં તો એકલા તમારે જ તમારા પાડોશીને ખુશ રાખવાની કસરત કરવી પડે. જ્યારે પાડોશીઓ મકાનમાલિક અને ભાડૂતના સંબંધે જોડાય છે, ત્યારે ભાડૂતે બીચારાએ ‘પાડોશીધર્મ’ ભૂલી જઈને ‘ભાડૂતધર્મ’ પાળવાનો.

અમે નવા પરણેલાં હતાં ત્યારે અમદાવાદમાં મણિનગરની એક સોસાયટીમાં પહેલું ઘર માંડ્યું હતું. આ એ જમાનાની વાત છે કે જ્યારે ફ્લેટ બધા મુંબઈમાં હતા અને સોસાયટીઓ બધી અમદાવાદમાં હતી. એક રિટાયર્ડ કાકા અને કાકીના ઘરમાં અમે અમારું નવું ઘર માંડ્યું હતું. એમના બંગલાના પાછળના ભાગમાં એમના એક રૂમમાં અમે દિવસે ‘દીવાનખાનું’ બનાવતા અને તે જ દીવાનખાનાને રાતે અમારો ‘બેડરૂમ’ બનાવતા. કોઈ મહેમાન આવ્યા હોય તો તે નીચે જમીન પરની પથારીમાં સૂએ. એટલે અમારા પલંગ પરથી નીચે જોઈએ તો ‘ગેસ્ટરૂમ’ દેખાય. કાકાના ‘બાથરૂમ’માં, અમે અમારું ‘કિચન’ બનાવ્યું હતું. જ્યારે નહાવું હોય ત્યારે કિચનને, બાથરૂમમાં ફેરવી નાખતા.

હવે આ મગનકાકા અને શાંતાકાકી અમારાં પાડોશી. એ પાછા અમારાં મકાનમાલિક. અમારા આ પાડોશીનાં પરાક્રમ ઓછાં નહોતાં. એમના મકાનમાં રહેવા ગયાને પહેલે જ અઠવાડિયે મેં મારી મિલમાં કામ કરતા એક પેપર વેચતા છોકરા પ્રવીણ પાસે પેપર ચાલુ કરાવ્યું. વહેલી સવારે પ્રવીણ ‘ગુજરાત સમાચાર’ અમારી બારીમાંથી નાખી જાય. સાત વાગ્યે ચા સાથે પેપર વાંચીને હું મિલમાં નોકરી પર જાઉં. આમ થોડો વખત ચાલ્યું. તેમાં એક દિવસે બારીમાંથી પેપર ન પડ્યું. પરંતુ જ્યારે ઊઠીને બહારનું બારણું ખોલ્યું, ત્યારે જોયું તો પેપર ત્યાં પડ્યું હતું. ઉપર પાણીના છાંટા પણ હતા. તે દિવસે તો હશે, કહીને વાત પતાવી. બીજે દિવસે પણ પેપર ત્યાં મળ્યું. તે દિવસે મારે પ્રવીણને કહેવું પડ્યું કે, ‘ભાઈ, પેપર બારીમાંથી નાખ. આવું ચૂંથાયેલું છાપું ન લાવ.’ પ્રવીણ કહે કે, ‘એ તો તમારા મકાનમાલિકે મને કહ્યું છે કે મારે છાપું પહેલાં તેમને ઘેર નાખવું.’ ‘અલ્યા, છાપું મારું અને પાડોશી તને ઓર્ડર કરે?  છાપું તો મારે ત્યાં જ નાખવાનું.’

બીજે દિવસે છાપું બારીમાંથી મારા રૂમમાં પડ્યું. હું એનો આનંદ અનુભવું, તે પહેલાં તો આગલા બારણામાંથી કાકા પ્રવેશ્યા. સાથે હતો પ્રવીણ. હું મારું આશ્ચર્ય વ્યકત કરું તે પહેલાં કાકાએ ચાલુ કર્યું, ‘આ બે પૈસાનો પેપરવાળો, મારે ત્યાં પેપર નાખવાની ના પાડે છે. મેં એને સમજાવ્યું કે હરનિશભાઈ પછી વાંચશે. મને પેપર પહેલાં આપવાનું. કેમ મારી વાત ખરી કે નહીં?’

હવે આ પ્રશ્નના જવાબનો ડાયલોગ જ હું ભૂલી ગયો. કાકાએ મને હુકમ કર્યો : ‘કહી દો આ છોકરાને, કે દલીલો કર્યા સિવાય પેપર મારે ત્યાં નાખે.”

મને ન ગમતું કામ મારી પાસે કાકાએ કરાવ્યું. પ્રવીણ મારી સામે દયા ભાવનાથી જોતો હતો અને દૂર ખૂણામાં પત્નીના મોઢા પર હાસ્ય હતું. પાછળથી મને ખબર પડી કે કાકા ટૉયલેટમાં મારું પેપર વાંચતાં ત્યારે તેમને ખુલાસો થતો. હવે મને પેપર પરના પાણીના છાંટાનું રહસ્ય પણ સમજાયું. થોડો વખત ગાડું બરાબર ચાલ્યું.

એક દિવસે સવારના પહોરમાં મેં બારણાં પાસે ‘ગુજરાત સમાચાર’ને બદલે ‘સંદેશ’ પેપર જોયું. આશ્ચર્ય તો થયું! પરંતુ ચલાવી લીધું. બીજે દિવસે પણ એ જ દશા. તે દિવસે મિલમાં પ્રવીણને મારે પૂછવું પડ્યું કે, ‘ગુજરાત સમાચારનું શું થયું?’

જવાબ મળ્યો. ‘કાકાને એ નથી ગમતું.’ તે દિવસે કાકા જ મારી પાસે આવ્યા. બોલ્યા કે,  ‘તમે બહારગામના, તમને પેપરમાં બહુ સમજ ન પડે. મારું માનો ‘સંદેશ’ રાખો. ‘સંદેશ’ વાંચો. તમને ટેવ પડી જશે.’ કહેવાનું મન તો થયું કે, પાડવી હોય તો કોઈ પણ ટેવ પડે. પણ ન બોલાયું. હવે કાકાની કૃપાથી, હું ‘સંદેશ’ વાંચતો થઈ ગયો.

વાત આટલેથી નહોતી અટકી. અમારી પાસે રેડિયો હતો. અમારા ઘરમાં વાગે તે એમના ઘરમાં સંભળાય. કારણ કે અમારું ‘ઘર’ એટલે એમનો બીજો ‘રૂમ’ હતો. કાકાએ એમના ઘરમાંથી બેઠા બેઠા ફરમાન કર્યું, ‘આ શું? આખો દિવસ સિનેમાના ગાયનો સાંભળો છો! અમદાવાદ– વડોદરા સ્ટેશન પર હસમુખ બારાડીના ન્યુઝ લો.’ ‘ના’ પાડવાની મારી હિંમત નહોતી. ઓછા ભાડાનાં ઘર મળવાં મુશ્કેલ હતાં. પછીથી કાકાના ન્યુઝના સમય પણ મેં સાચવવા માંડ્યા.

હવે આ ન્યુઝની મુસીબત એ હતી કે એ સાંભળવા કાકા અમારા ઘરમાં જ બેસી પડતા. અમારે બે હાથ જોડીને કહેવું પડતું કે અમે નવાં પરણેલાં છીએ. માબાપથી દૂર છીએ. અમારે ‘ભાડૂતી ઘર’ સાથે ‘ભાડૂતી માબાપ’ નથી જોઈતાં.

એક રવિવારે સવારના પહોરમાં કાકા આવ્યા. મને લાગ્યું કે જરૂર રેડિયો સાંભળવા આવ્યા છે. એમણે જ શરૂઆત કરી :

‘આજે શું કરો છો?’

મેં પાણી પહેલાં પાળ બાંધવા માંડી : ‘ઓહ, આજે અમે બહાર જઈએ છીએ.’

‘તો તો બહુ સારું. મારે તો રેડિયો સાંભળવો છે.’

હું કાંઈ બોલું તે પહેલાં કહે, ‘તમે રેડિયો લઈને થોડા જવાના છો? તમે મોટેથી મૂકી દેજો. હું આગલા રૂમમાં સાંભળીશ.’ હવે આ પાડોશીને તે કેમ પહોંચી વળાય?

બીજા પાડોશી તે પાછળના બંગલા માલિક એક કાકી અને તેમની વહુ. ઘરના પુરુષોની તો હાજરી પણ ન દેખાતી. બીચારાં નિરુપદ્રવી હતાં. કાકીને અમે બે વરસમાં ક્યાં ય જતાં નથી જોયાં. આખો દિવસ તેમના બંગલાની પાળી પાસે ઊભા રહીને પીળા દાંત પર છીંકણી ઘસ્યાં કરે અને છીંકણી ન ઘસતાં હોય તોય દાંત પીળા જ લાગે. કહેવાની જરૂર નથી કે છીંકણી ઘસતાં ઘસતાં થુંક્યા કરે. તેટલું ઓછું હોય તેમ છીંકણી ઘસતાં ઘસતાં આપણી સાથે વાતો ચાલુ કરી દેશે. તમારે સાંભળવી હોય કે નહીં. તે અગત્યનું નહોતું.

આ કાકી અમારાં માથાંની દવા હતાં. અમારે કૂતરાની જરૂર નહોતી પડી. અમારે પોપટની જરૂર નથી પડી. અમારા બારણાંથી તેમની પાળી માંડ દશ ફૂટ દૂર હતી. અમે સાંજે બારણું બંધ કરતાં હોય તો પહેલું પૂછે, ‘કેમ, બહાર જાઓ છો?’ આ સવાલ પાછળ એમનો ઉદ્દેશ તો એ હોય કે, તમે ક્યાં જાવ છો? આપણે કહીએ કે, ‘હા, જરા બહાર જઈએ છીએ.’ તો બીજો સવાલ એ આવે કે, ‘સિનેમા જોવા જતા હશો?’ આપણે કહીએ કે, ‘એક જગાએ જઈએ છીએ.’ તો પાછી ઇન્કવાયરી આવે કે, ‘સાસરે જતા હશો.’ તેમને ખબર હતી કે મારું સાસરું અમદાવાદમાં જ હતું. જો આપણે કહીએ કે સિનેમા જોવા જઈએ છીએ તો પછી જાણવા માંગશે કે, ‘કઈ ફિલ્મ જોવા જાવ છો?’

આમ ઓછું હોય તેમ એ સાસુ–વહુ અમારે ત્યાં આવતા–જતાની દેખભાળ રાખે. અમારા મહેમાનને હું આવજો કહેવા બહાર નીકળું અને મહેમાન માંડ પાંચ ડગલાં દૂર જાય કે તો તુરત જ સવાલ આવે કે, ‘તમારાં ભાઈ–ભાભી હતાં?’ આ તો આપણે હેન્ડલ કરી શકીએ. પરંતુ જ્યારે પત્ની ઘેર ન હોય અને કોઈ અમારે ઘેર આવ્યું હોય એનો રિર્પોટ એ માજી મારાં પત્નીને આપે એવો રિપોર્ટ તો કોઈ ‘રાજકારણી’ પણ ન આપી શકે.

‘પેલાં નિશાબહેનનો સ્વભાવ બહુ માયાળુ.”

‘કોણ નિશાબહેન?” પત્ની પૂછશે.

‘પેલાં, ગઈકાલે તમારે ઘરે આવ્યાં હતાં તે.”

‘ઓહ, ગઈ કાલે નિશા મારે ત્યાં આવી હતી?’

‘હા, જ્યારે તમે નહોતાં ત્યારે.’

‘હશે કાંઈ કામ, હરનિશ મને પછી કહેશે.’

હવે આ ડાયલોગ હું અંદરથી સાંભળતો હોઉં. એટલે મારે માજીને કહેવું પડે કે, ‘જ્યારે નિશા અને એનો પતિ હવે પછી અમારે ઘેર આવશે તો તમને પણ ચા પીવા બોલાવીશ.’ આ બધાંનું મૂળ જ ‘બે આંખોનું મિલન’ છે. બહાર જતી વખતે મને ખબર હોય કે કાકી બહાર ઊભાં છે, તો તેમને અવગણીને પત્ની અને હું ખોટી ખોટી ગુસપુસ ચાલુ રાખીને, એમના તરફ જોયા સિવાય નીકળી જઈએ. જેથી ઇન્ક્વાયરીમાંથી બચી જવાય.

નજરની વાત કરીએ તો જગતમાં ‘દરેક વાતની મ્હોંકાણ જ નજર’ છે. નજરની ભાષામાં જ પ્રેમ થયા છે અને પાણીપત પણ થયાં છે.

અતુલ પ્રોડક્ટ્સ(વલસાડ)માં કામ કરતો હતો ત્યારે હું બેચલર હતો. મારા પાડોશી ગુણવંત દેસાઈ. માણસ બહુ મીઠ્ઠા, નિરુપદ્રવી. પરંતુ એ નોકરી પરથી આવતા હોય અને મારા ખુલ્લાં બારણાંમાંથી, મને અંદર ખુરશી પર બેઠેલો જૂએ અને અમારાં નયનો મળે, કે પોતાના ઘરમાં ન જતાં; સીધા મારા ઘરમાં ઘૂસી જાય. પછી કલાક બે કલાક ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઈના પોલિટિક્સની વાત ઉપાડે. અને બે કલાક પછી જમીને જાય. મારે ત્યાં મારો નોકર અંબુ રાંધતો. એમની બેબી બીચારી, બેચાર વાર બોલાવવા આવે. એમને પત્ની નહોતી. મા હતાં. ગુણવંતભાઈએ મારા પર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો એ કે, એમને લીધે હું પોલિટિક્સને ધીક્કારતો થઈ ગયો. આમ, જીવનના કેટલા ય કલાકો નિરર્થક ચર્ચાઓમાંથી બચી ગયા, જે મેં ટેનિસ રમવામાં વાપર્યા. જો ગુણવંતભાઈ આવતા હોય અને એમને પહેલાં જો હું જોઈ જઉં, તો હાથમાં ન્યુઝ પેપર લઈને, ખોલીને, તેમાં મોં છુપાવી દઉં અને અંદરથી જોઉં તો ગુણવંતભાઈ મારા ઘર તરફ પાસે આવી, ઘર તરફ જોઈ સ્હેજ ઊભા રહે અને મારા તરફથી કાંઈ રિસ્પોન્સ ન મળતા ચાલ્યા જાય. પણ આ કાંઈ ઝાઝું ન ચાલ્યું. ગુણવંતભાઈને મારી વિકનેસ ખબર હતી. બપોરે હું નોકરી પર જાઉં, ત્યારે એક કૂતરું ઓટલા પર ચઢી આવે અને ઓટલા પર જ સૂઈ જાય. સાંજે આવું તો એ કૂતરાને પણ માનથી નીચે ઉતરવાનું કહેતો. ગુણવંતભાઈએ મને તેમ કરતાં જોયો હતો. હવે હું મારા પેપરમાંથી માથું ન કાઢું તો ય, ગુણવંતભાઈ સીધા મારા ઘરમાં ધસી આવે.

‘તમારાં ઇંદિરાજી, હવે કાકાને જંપવા દે તો સારું’થી ચાલુ કરી દે. ગુણવંતભાઈ મોરારજીની નાતના હતા. નસીબ જોગે હું ઇંદિરા ગાંધીની નાતનો નહોતો. નહીં તો અમારા મતભેદ રાજકીય બનવાને બદલે સામાજિક બનત. ગુણવંતભાઈ ઘરમાં ભલે ધસી આવે; પરંતુ એમના તરફ ન જોઉં. એમને અવગણું. તોયે એમનું બોલવાનું ચાલુ રાખે. મારી ધીરજની પરીક્ષા કરે. કલાક અડધા કલાકે હું બોલું કે, ‘ઓહ, તમે આવ્યા  છો?’ ઘણી વખતે હું કહું કે, ‘ગુણવંતભાઈ, તમારું ઘર બાજુમાં છે. અહીં નથી.’ આ રોજની રામાયણ થઈ ગઈ. કારણ એક જ હતું કે, અમારા બન્નેના ઘરમાં ‘સ્ત્રી’ નહોતી. એમનાં મા હતાં. પણ મા સ્ત્રી ન ગણાય.

મારા ઘરની બરાબર સામે ગોવિંદભાઈ કોંટ્રાક્ટર રહે. અને ગોવિંદભાઈને મારી દશા પર હસવું આવતું. એ મારો અને ગુણવંતભાઈનો ખેલ જુએ. મારી મશ્કરી કરે, ‘જાની, ગુણવંતભાઈ આવતા દેખાય છે. પેપર વાંચવા માંડો.’ હવે ઘણી વખતે ગુણવંતભાઈની સાથે સાથે ગોવિંદભાઈ પણ ઘરમાં ઘૂસી આવે. ગોવિંદભાઈને ‘દેશ’ના પોલિટિક્સ કરતાં ‘કંપની’ના પોલિટિક્સમાં રસ. ‘કેમ જાની, તમારી લૅબમાં તમારા બોસ, ભટ્ટ સાહેબ શું કરે છે? સાંભળ્યું છે કે કંપની તેમને અમેરિકા મોકલવાની છે?’ એ એમની વાત પૂરી કરે તે પહેલાં ગુણવંતભાઈ બોલે કે, ‘ભટ્ટને મારો ગોલી, મોરારજીકાકા વડાપ્રધાન બનવા જોઈએ.’ આમાં એક ખાનગી વાત એ હતી કે ગોવિંદભાઈને પીવાની આદત હતી. ગુણવંતભાઈને અને મને એ સમજાતું નહોતું કે નાનકડી ‘અતુલ કૉલોનીમાં એમને દારુ ક્યાંથી મળતો હશે!’ જે હોય તે; પણ ગોવિંદભાઈ કાયમ ‘રાજાપાઠ’માં આવી જાય. એટલે ગુણવંતભાઈ એમની સાથે કદી દલીલ ન કરે. તેમાં રાતે તો હું પણ તેમને છંછેડતો નહીં. ગોવિંદભાઈ, પોતાની પત્ની સાથે, આ પીવાની ટેવને કારણે કાયમ ઝઘડતા હોય અને ઘણી વખતે એ ઝઘડી, ઘર  છોડીને નીકળી જતા અને સીધા આવતા મારે ત્યાં. એમની હાલત, એટલી ખરાબ હોય કે સીધું ચલાય પણ નહીં. એ હાલતમાં ચાર કદમ દૂર મારું ઘર નજીક પડતું. સીધા મારા ઘરમાં ઘૂસી આવતા. જેવા ગોવિંદભાઈ મારા ઘરમાં આવે કે ગુણવંતભાઈ પણ ખેલ જોવા પાછળ આવી ચઢે. હવે માણસને જો ચઢી હોય તો ક્યાં તો તે હસે અથવા તો રડે. જો હસે તો ગાયનો ગાવા બેસી જાય અને જો રડે તો તે ફિલોસોફર બની જાય, પોતાની જાતને ધિક્કારે, પત્નીને ધિક્કારે. તે કાળે સામે જે કોઈ બેઠું હોય તો તે એનો મિત્ર બની જાય. તો તેને પોતે ‘હવેથી નહીં પીએ’ એવું વચન આપે. કહેવાય છે કે પીધેલો માણસ હંમેશાં સાચું જ બોલે. જે દિલમાં હોય તે તેની જીભ પર આવી જ જાય. તેમ છતાં  ગોવિંદભાઈના વચનનું, નશો ઉતરતામાં, બાષ્પીભવન થઈ જતું.

અમારો આ શિરસ્તો ચાર વરસ સુધી ચાલ્યો. આ બધાંનું કારણ સ્ત્રી હતી. ગુણવંતભાઈને સ્ત્રી નહોતી, એટલે સમય મારે ત્યાં ગાળતા. ગોવિંદભાઈને ત્યાં સ્ત્રી હતી, તેથી તે સમય મારે ઘેર ગાળતા હતા અને મારા ઘરમાં સ્ત્રી નહોતી એટલે આ બંધુઓ સાથે હું સમય ગાળતો. પાડોશીની વાત જવા દો. પરમાત્માને ભૂલી જાવ. ધ્યાનથી વિચારશો તો લાગશે કે જગત આખાનું નિયંત્રણ સ્ત્રી કરે છે.

•••••••

લંડનસ્થિત વિપુલ કલ્યાણી તે કાળે લંડનથી ‘ઓપિનિયન’ નામનું ગુજરાતી માસિક  પ્રકાશિત કરતા. તે ‘ઓપિનિયન’ના 5મી એપ્રિલ, 2008ના અંકમાં છપાયેલો આ લેખ, સ્વર્ગસ્થ હરનિશ જાનીના અને વિપુલ કલ્યાણીના સૌજન્યથી …  ..ઉ.મ..

(2009માં પ્રકાશિત થયેલા એમના બીજા હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુશીલા’માં આ જ લેખ, ‘મેરે સામનેવાલી ખીડકી મેં ..’ શીર્ષક હેઠળ છપાયો છે.  ..ઉ.મ..)

લેખક હવે સદેહે આપણી વચ્ચે નથી; પણ તેઓ વિપુલ હાસ્યસાહિત્ય સર્જી ગુજરાતી હાસ્યજગતને સમૃદ્ધ કરી ગયા છે.

હાલ સમ્પર્ક : હંસા જાની – 4 Pleasant Drive, YARDVILLE, NJ 08620, U.S.A.

અને છેલ્લી વાત :

એમનો પહેલો હાસ્યવાર્તા સંગ્રહ, ‘સુધન’, હવે ‘ઈ.બુક’ સ્વરૂપે, તમે મફત ડાઉનલોડ કરી તેમનું નિર્મળ હાસ્ય માણી શકો છો. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી ડાઉનલોડ કરો :

https://www.gujaratilexicon.com/ebooks/humour/sudhan/

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 464 – October 25, 2020

Loading

આ અમેરિકાનું શું થવા બેઠું છે?

નટવર ગાંધી|Opinion - Opinion|24 October 2020

અમેરિકાનો પત્ર —

છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં અમેરિકામાં છાપું ઉઘાડો કે ટી.વી. ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે! થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે! આ શું દેશના વળતાં પાણી છે? કરોના વાયરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું, એ વાત તો હવે જગજાહેર છે. જે કરોના વાયરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં લાવી શક્યા છે, તે અતિ સમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું, એ કેમ બન્યું? દુનિયાની માત્ર ચારેક ટકા વસ્તી અમેરિકામાં હોવા છતાં વાયરસને લીધે થયેલા મોતમાં એનો હિસ્સો જબરો વીસ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં લગભગ 2,00,000થી પણ વધુ અમરિકનો વાયરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ હજારને હિસાબે વધુ મરતા જાય છે! આ મોતનો આંકડો ક્યાં જઈને અટકશે? 

કરોના વાયરસને કારણે દેશનું અર્થકારણ પણ ખળભળી ગયું છે. એકાએક જ મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ.  જ્યાં જ્યાં લોકડાઉન થયું ત્યાં ત્યાં મોટા ભાગના લોકોને ઘરમાં ગોંધાઇને બેસી રહેવું પડ્યું, લોકો જો ઘરની બહાર જ નીકળતા હોય તો એરલાઇન્સ, ટ્રેન, બસ, વગેરે ક્યાંથી ચાલે? હોટેલો, રેસ્ટોરાં, સ્ટોર્સ વગેરે બંધ થવા મંડ્યાં, વેપાર ધંધા પડી ભાંગ્યા, પચીસ મિલિયન લોકો રાતોરાત બેકાર થઈ ગયા. જે દશા 1930ના ગ્રેટ ડિપ્રેશનમાં થઈ હતી તેનું જાણે પુનરાવર્તન થતું હોય એમ લાગ્યું. 

વધુમાં આ કરોનાની મહામારી ઓછી હોય એમ પશ્ચિમ અમેરિકાના જંગલોમાં ભયન્કર દાવાનળ થવા લાગ્યા છે. એમાં અત્યાર સુધી લગભગ ત્રણેક મિલિયન એકર બળી ગયાં છે. ચારેક હજાર ઘરો ખાખ થયાં છે અને અસંખ્ય લોકો ઘરબાર વગરના થઈ ગયા છે. આ જંગલોમાં આગ લાગવી એ કંઈ નવી નવાઈની વાત નથી, પણ આવા મોટા અને આટલા બધા દાવાનળ એક સાથે છેલ્લાં સો વરસમાં થયા નથી. કુદરત જાણે કે અમેરિકા ઉપર વિફરી હોય એમ લાગે લાગે છે. દક્ષિણમાં ભયાનક વાવાઝોડાં એક પછી એક આવવા મંડ્યા. જો કે આ વાવાઝોડાં દર વર્ષે આવે જ છે, પણ આ સમયે એની સંખ્યા વધી છે, અને સાથે સાથે એનાથી થતી હાનિ અને હોનારત પણ વધી છે. આ બધું ઓછું હોય એમ અહીંનો કાળા ધોળાનો વિખવાદ જેના ઊંડા મૂળ આજથી દોઢસોએક વરસ પહેલાં થયેલી સિવિલ વોરમાં નખાયેલાં છે તે વળી પાછો વિફર્યો છે. મોટાંમોટાં શહેરોમાં એ બાબતમાં હુલ્લડો પણ થયાં. વોશીંન્ગટન જેવા કેટલાંક મોટાં શહેરોમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા લશ્કર પણ બોલાવ્યું. આ મુસીબતો ઉપરાંત રંક તવન્ગર વચ્ચે વધતી જતી આર્થિક અસમાનતા, ગરીબોની અવદશા, મધ્યમવર્ગની વધતી જતી કઠણાઈ, કથળતી કુટુંબવ્યવસ્થા, હિંસક ગુનેગારી, અઢળક પૈસાથી કલુષિત રાજકારણ વગેરે અહીં લોકોને પજવે છે.

દયાપાત્ર અમેરિકા?

અમેરિકાની આવી કફોડી દશા જોઈ દુનિયાના લોકોને અમેરિકા માટે જે માન અને અહોભાવ હતા તે ઓછા થવા લાગ્યા છે. પાંચેક વરસ પહેલાં દુનિયાભરમાં અમેરિકા માટે સારી છાપ હતી તે હવે નથી રહી. જાણે કે લોકોને અમેરિકામાંથી શ્રદ્ધા ઊઠી ગઈ છે. ખુદ અમેરિકનોને જ થઈ ગયું છે, કે આ શું આપણો  દેશ છે? સામાન્ય રીતે એક પ્રજા તરીકે અમેરિકનોને ઘમંડ ઘણું. પોતે વિશિષ્ટ છે, અજોડ છે, એવું અમેરિકનો માને, પણ હવે તેમને પોતાની વિશિષ્ટતા માટે શંકા ઉપજી છે. જે દેશ એક વખત દુનિયાની મહાન સત્તા ગણાતો, જેણે બબ્બે વિશ્વયુદ્ધો લડીને યુરોપને ફાસિઝમ, નાઝીઝમ અને કોમ્યુનિઝમમાંથી બચાવ્યું, જે દેશની નેતાગીરી નીચે વર્લ્ડ બેન્ક, આઈ.એમ.એફ., યુનાઇટેડ નેશન્સ જેવી લાભદાયી સંસ્થાઓ ઊભી થઈ અને યુદ્ધો ન થાય તેવી વ્યવસ્થા થઇ, અને જેની મહાન કંપનીઓ દુનિયા આખીમાં વેપાર ધંધા કરે છે, તે આજે દયા પાત્ર બની ગયો છે એ માનવું મુશ્કેલ છે.  

અમેરિકાએ એના ત્રણસોએક વર્ષના ઇતિહાસમાં જે મહાન ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી પ્રજાને ઊંચું જીવન ધોરણ આપ્યું તેને કારણે એ ઈર્ષાપાત્ર જરૂર થયો છે. જે દેશે એની પંચરંગી પ્રજાને હાડકાં ભાંગતી ગરીબીમાંથી બચાવીને વ્યક્તિગત સ્વમાન જળવાય એવું મોકળાશનું જીવન જીવવાની તક આપી અને જ્યાં આવવા માટે હજી પણ દુનિયાના લોકો તલપાપડ થાય છે અને જ્યાં પહોંચવા જાતનું જોખમ વહેરે છે, તે દયાપાત્ર? દુનિયામાં જ્યાં ત્યાં જઈને બિનજરૂરી યુદ્ધો લડીને અમેરિકા મોટી હોનારત કરે છે અને હજારો અને લાખો લોકોની ખૂનામરકી કરે છે તે માટે એ જરૂર ધિક્કારપાત્ર થયો છે. પણ જે દેશ પોતાની અપ્રતિમ લશ્કરી સત્તા અને અસાધારણ આર્થિક સમૃદ્ધિને કારણે દુનિયા આખીને અભિભૂત કરે છે તેને શું દયાપાત્ર ગણવો?

અમેરિકાએ છેલ્લાં સોએક વરસોમાં નાનાં મોટાં કૈંક યુદ્ધો જોયા છે, કંઈક ચડતી પડતી જોઈ છે, કેટલા ય વેરી દેશો સામે સંગ્રામો ખેલ્યા છે, પણ આખરે આ બધામાંથી એ હેમખેમ બહાર આવ્યું છે. છતાં કરોના વાયરસની મહામારીમાં એ થાપ ખાઈ ગયું. આમ જુઓ તો અહીંની મહાન યુનિવર્સિટીઓમાં મેડિસિનમાં નોબેલ પ્રાઈઝ લેનારા કઈંક સંશોધકો અડ્ડો જમાવીને બેઠા છે અને એમની સંશોધનસિદ્ધિઓ વિશ્વપ્રસિદ્ધ છે. જ્યારે ક્યાં ય કોઈ મહામારી થઈ તો લોકો અહીંના વિશ્વવિખ્યાત સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન પાસેથી માર્ગદર્શન લેવા આવે. દેશની  પ્રસિદ્ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં કેન્સર જેવા અનેક કપરા રોગોને ટાળવા નિત્ય પ્રયત્ન થઈ રહ્યા છે. અહીંની હોસ્પિટલોમાં દુનિયા આખીના ખમતીધર લોકો, શ્રીમન્તો, વડા પ્રધાનો, રાજાઓ અને રાજકુમારો વગેરે અસાધ્ય માંદગીઓની સારવાર કરાવવા આવે છે. અને છતાં અમેરિકા આ કરોના વાયરસના કોયડાને ઉકેલી નથી શક્યું, એ કેમ બન્યું?

ટ્રમ્પની રેઢિયાળ નેતાગીરી

અમેરિકાની કરોનાને કાબૂમાં લાવવાની નિષ્ફ્ળતાના મૂળમાં હું એની અત્યારની રેઢિયાળ નેતાગીરી જોઉં છું. આ કસોટીમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ સર્વથા નિષ્ફ્ળ નીવડ્યા છે. એમને માટે અનેક અપમાનભર્યાં  વિશેષણો વપરાય છે :  ચરિત્રહીન, દુષ્ટ, સ્વાર્થી, નિષ્ઠુર, હલકટ, લમ્પટ, નિર્લજ્જ, ગુંડો, જુઠ્ઠો, વ્યભિચારી, વગેરે. એક દુરાચારી વ્યક્તિ તરીકે ટ્રમ્પનાં લક્ષણો આપણે બાજુમાં મૂકીને માત્ર એમની નેતાગીરીનો જ વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ સમજાય છે કે આ માણસ અધકચરો, અણઘડ, બિનઅનુભવી, બેજવાબદાર, અને અમેરિકા જેવા મહાન દેશનું સંચાલન કરવા માટે સર્વથા અસમર્થ છે. આવડા મોટા દેશને ચલાવવા માટે જે આવડતની જરૂરિયાત છે તેનો એનામાં અભાવ છે. છતાં આવો ના-લાયક માણસ પ્રમુખ તરીકે કેમ ચૂંટાયો તે અમેરિકન રાજકારણ અને એની વિચિત્ર ચૂંટણીપ્રથાનું એક મહાન રહસ્ય છે. બહારના લોકો માટે એ સમજવું મુશ્કેલ છે. 

અગત્યની વાત એ છે કે એક વાર ચૂંટાયા પછી પણ પ્રમુખના હોદ્દાની જવાબદારીઓ સ્વીકારવા એ તૈયાર નથી, એને માટે જે તૈયારી કરવી પડે — વાંચવું, વિચારવું, ચર્ચવુ પડે, વિરોધીઓ સાથે મસલત કરવી પડે — એ એને ગમતું નથી, અને આજુબાજુ હોશિયાર મદદનીશ સલાહકારો  રાખવા પણ એ તૈયાર નથી. એને કામ જ નથી કરવું, એને ગોલ્ફની રમત રમવી છે, એને ટી.વી. સામે બેસીને જોવું છે કે કોણ એનાં કેટલાં વખાણ કરે છે, કોણ એની ટીકા કરે છે, અને પછી એ મુજબ એના પચાસેક મિલિયન અનુયાયીઓને દિવસને રાત ટ્વીટ કરવી છે. આ ટ્વીટમાં હરીફરીને એક જ વાત હોય છે — પોતે મહાન છે, અમેરિકાને પોતાની જેવો મહાન પ્રમુખ હજુ મળ્યો નથી, ટી.વી. અને છાપાંવાળાઓ જે ટીકા કરે છે, તે બધા ખોટા છે. પોતાના વિરોધીઓને ઉતારી પાડવામાં એ પાછા પડતા નથી. પોતાના બણગાં ફૂંકવામાં એને કોઈ લાજ શરમ નથી કે જૂઠું બોલવામાં એને કોઈ સંકોચ નથી. અહીંના વિખ્યાત વર્તમાનપત્ર ‘વૉશિંટન પોસ્ટ’ની ગણતરી મુજબ ટ્રમ્પ રોજના પાંચ જૂઠાણા વહેતા મૂકે છે. આ ગણતરીએ છેલ્લા સાડા ત્રણ વરસમાં એણે હજારોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવ્યા છે!

કશો પણ નાનો મોટો પ્રશ્ન આવીને ઊભો રહે, અથવા કોઈ અગત્યના નિર્ણયની જરૂર પડી તો તે ઘડીએ એને જે સૂઝ્યું એ કરે છે.  પછી એ પ્રશ્ન દેશના અત્યન્ત સંકુલ સરંક્ષણનો હોય, કે અટપટા અર્થશાસ્ત્રનો હોય, કે કથળતી આબોહવાનો હોય, દાવાનળમાં ખાખ થઈ જતાં મોટાં જંગલોનો હોય, કે ભયંકર પૂર આવ્યાં હોય તેનો હોય — આવા આવા અનેક  જટિલ પ્રશ્નોના ઉકેલ કરવા માટે નિષ્ણાતોએ કરેલાં સલાહસૂચનોને અવગણી એ પોતાનો કક્કો સાચો કરે છે અને પોતાનું હંકારે જાય છે. ઊલટાનું એમ કહે છે કે નિષ્ણાતોને શું ખબર પડે? એ પોતે જ બધું જાણે છે, પોતે સ્થિર મેધાવી પુરુષ (stable genius) છે એમ માને છે!

આગળ જણાવ્યું તેમ અમેરિકા પાસે નિષ્ણાત ડોકટરો છે, ઉત્તમ અને અનુભવી સંશોધકો છે, સરંજામ, સાધનો, સંસ્થાકીય વ્યવસ્થા છે, છતાં છેલ્લાં સાડા ત્રણ વર્ષ ટ્રમ્પએ એ બધાને બાજુમાં રાખી પોતાનું તૂત ચલાવ્યું છે. વાયરસના નિષ્ણાતોની સલાહસૂચનો સ્પષ્ટ હતાં. એમનું કહેવું હતું કે જો તમારે કરોનાને કાબૂમાં લાવવો હોય તો લોકડાઉન કરી ઘરમાં બેસો, વારંવાર સાબુથી હાથ ધુઓ, લોકોને જો મળવાનું હોય તો જરૂર છ ફૂટ જેટલું અંતર રાખો, મંદિર, મસ્જિદ અને સભા સરઘસોમાં જવાનું ટાળો. ટ્રમ્પએ આ બધી સલાહ અવગણી. આ નવેમ્બરમાં અહીં પ્રમુખની ચૂંટણી થવાની છે. એમાં જો ટ્રમ્પ ફરી વાર ચૂંટાશે તો એની રેઢિયાળ નેતાગીરી નીચે દેશ તેમ જ દુનિયાને અકલ્પ્ય હાનિ થશે.  

અમેરિકન પ્રજાની ચૂંટણી અને રાજકારણ પ્રત્યેની જે ભયકંર બેદરકારી છે તેનાથી 2016માં ટ્રમ્પની ચૂંટણી થઈ, અને તે પણ સીધી બહુમતિ મતદાનથી નહીં, પણ અહીંની વિચિત્ર ઈલેક્ટોરલ કોલેજની અટપટી પ્રથાથી. અમેરિકનોને રમતગમત અને એના ખેલાડીઓમાં જેટલો રસ છે, તેટલો રસ તેમને દેશના રાજકારણમાં કે એમના કૉન્ગ્રેસમેન, સેનેટર, ગવર્નર કે પ્રમુખમાં નથી. અમેરિકનો પોતાના નેતાઓ વિષે આવી બેદરકારી કેમ રાખે છે એ અમેરિકન રાજકારણના વિદ્વાનો માટે એક મોટો કોયડો છે.

અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય

અમેરિકાની અત્યારની અવદશા જરૂર નિરાશાજનક છે, છતાં એના ભવિષ્ય માટે હતાશ થવાની જરૂર નથી. આ જ પ્રજાએ માત્ર બે જ સદીની હયાતીમાં વિશ્વની એક મહાસત્તા સમું રાષ્ટ્ર ઊભું કર્યું, સમૃદ્ધ અર્થકારણની રચના કરી, એક ઉત્તમ બંધારણ ઘડ્યું, અને બધા લોકોને ઈર્ષ્યા આવે એવી સધ્ધર લોકશાહી ઊભી કરી. વધુમાં અમેરિકાએ કટોકટીના ખરાબ દિવસો આ પહેલાં પણ જોયા છે અને એ બધી અગ્નિપરીક્ષાઓમાંથી એ ઉજ્જવળ થઈ ને બહાર નીકળ્યું છે. 1860ના દાયકામાં અહીં ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે ભયકંર સિવિલ વૉર થયેલી. 1930ના ગ્રેટ ડિપ્રેશનમાં તો અમેરિકા સાવ ખલાસ થઈ ગયેલું. 1940ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધમાં લડવા માટે એ પૂરતું તૈયાર પણ ન હતું. 1960ના દાયકામાં સિવિલ રાઇટ્સ અને વિયેટનામના યુદ્ધને કારણે અહીં મોટી ચળવળ થયેલી, પ્રેસિડેન્ટ કેનેડી અને માર્ટિન લ્યુથર કીન્ગની હત્યા થયેલી અને મોટાં શહેરોમાં ભયકંર હુલ્લડો થયેલાં. 

આવા બનાવો અહીં થતા જ રહે છે. છતાં અમેરિકા એ બધામાંથી વધુ સધ્ધર અને સબળ થઈને બહાર નીકળે છે એના મૂળમાં એક પ્રજા તરીકેની અમેરિકનોની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. સૌથી અગત્યની વાત એ છે કે અમેરિકનો એક નિરન્તર પરિવર્તનશીલ પ્રજા છે. જ્યારે જ્યારે અમેરિકા પાછું પડે છે ત્યારે ત્યારે એ અરીસામાં જુએ છે, જાતતપાસ શરૂ કરે છે, પોતાનામાં શી ખામી ખોટપ છે? કેવી રીતે આ થાપ ખાધી? આવી ભૂલો ફરી ન થાય તે માટે શું કરવું જોઈએ? હવે શું થશે એમ કહીને લમણે હાથ મૂકીને બેસી રહે એવી આ પ્રજા નથી. અત્યારે એને ખબર છે કે એ પેન્ડેમિકના સંકંજામાં સપડાઈ છે. એટલે એમાંથી કેમ બહાર નીકળવું તે માટે રાતદિન મથે છે.  વહેલી મોડી પણ કરોના વાયરસની વેક્સિન અહીં શોધાશે ને આ મહારોગને અહીં કાબૂમાં લવાશે.

આવી પરિવર્તનશીલતા કારણે અમેરિકનો નવા સંયોગો, નવી પરિસ્થિતિને અપનાવીને અનુકૂળ વર્તન અને વ્યવહાર કરે છે. રોજબરોજના વ્યવહારમાં, વાતચીતોમાં, અમેરિકન પ્રજા સમજુ, સજાગ અને વ્યવહારુ છે. એ જુએ કે શું કામ લાગશે, શું ચાલશે, અને એ પ્રમાણે નવી રીતભાત, નવી પદ્ધતિ અપનાવે છે. એમની પાસે લાંબો ઇતિહાસ નથી, પૂર્વજોની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો ભાર નથી એટલે એમને રૂઢિ અને રીતરિવાજો નડતા નથી. એ તો એ જુએ છે કે જે પ્રશ્ન છે તેનો નિકાલ કરવા માટે આજે અને અત્યારે શું કરવું જોઈએ અને તે મુજબ યોજના કરી કામે લાગી જાય છે. એ કામ કોણ કરે છે — અહીં જન્મેલો છે કે ગઈ કાલે આવેલો ઇમિગ્રન્ટ છે, કાળો છે કે ધોળો, સ્ત્રી છે કે પુરુષ — એવાં  ભેદભાવ કર્યા વગર જેની પાસે આવડત છે એની પાસેથી કામ લે છે. આનો અર્થ એ નથી કે અહીં ભેદભાવ નથી — છે જ, પરંતુ ધીમે ધીમે એને નાબૂદ કરવામાં અમેરિકનો નિત્ય પ્રવૃત્ત રહે છે. વ્યક્તિગત તેમ જ પ્રજા તરીકે સુધરવા માટે નિરન્તર મથામણ કર્યા કરવી, એ એમની એક પ્રશંસનીય વિશિષ્ટતા છે.

દેશનાં નાનાં મોટાં અસંખ્ય કામો વ્યવસ્થિત રીતે પૂરા પડે એ માટે અમેરિકાને અનેક પ્રકારના માણસોની જરૂર છે તો એ આખી દુનિયામાંથી લોકોને અહીં આવવા દે છે. અહીંની ઈમિગ્રેશન પોલીસીમાં પારકાને સ્વીકારવાની અને પોતાના કરવાની ઉદારતા જરૂર વ્યક્ત થાય છે, પરંતુ સાથે સાથે એમાં અમેરિકનોની વ્યવહારુતા પણ પ્રગટ થાય છે. સમાજના મોવડીઓને ખબર છે કે આ દેશનો વિકાસ જાળવી રાખવો હોય તો ઇમિગ્રન્ટ્સ ખૂબ ઉપયોગી નીવડવાના છે. યુનિવર્સિટીઓ, હોસ્પિટલો અને હાઈટેક કંપનીઓમાં પ્રોફેસરો, ડોકટરો, અને એંજિનિયરોની જરૂર છે, તેમ જ ખેતરો, ફેકટરીઓ, કતલખાનાઓમાં અને ઘરોમાં કામ કરવા માટે મજૂરો, ખેડૂતો, દાડિયાઓ, કામવાળાઓની પણ જરૂર છે. ઇમિગ્રેશનને ઓછું કરવાની અથવા તો સાવ બંધ કરવાની મોટી મોટી વાતો ભલે થાય અને એ બાબતના કાયદાઓ ભલે ઘડાય, છતાં અંતે તો ભણેલાગણેલા તેમ જ અભણ ઈમિગ્રન્ટ્સ અહીં કાયદેસર કે ગેરકાયદેસર લાખોની સંખ્યામાં આવ્યા જ કરે છે. દુનિયાભરથી આવી ચડતા આ ભાતભાતના ઈમિગ્રન્ટ્સ પેઢીએ પેઢીએ દેશમાં નવું લોહી રેડે છે. નવું જોમ આપી દેશને યુવાન રાખે છે. વધતા જતા વૃદ્ધ લોકો અને તેમની સંભાળ લેવાનો જે બહુ મોટો પ્રશ્ન યુરોપ કે જાપાનનો છે, અને જે ચીનને પણ આવી રહ્યો છે તે આ ઈમિગ્રેશનને કારણે અમેરિકાને નથી.  

કામઢા ઇમિગ્રન્ટ્સ આ દેશને કેટલા ઉપયોગી નીવડે છે તેનો એક દાખલો આપણા ભારતીય ઇમિગ્રન્ટ્સ પૂરો પાડે છે. ભણેલગણેલ અને વિવિધ કૌશલ્ય ધરાવતા ભારતીયો આવીને તરત કામે લાગી જાય છે અને દેશના આર્થિક વિકાસમાં ફાળો આપવા માંડે છે. સ્પેઈસ શટલ અને સોલર એનર્જીથી માંડીને હોટેલ, મોટેલ, ગ્રોસરી, ધોબી, ગેસ સ્ટેશન સુધીના અનેક ક્ષેત્રોમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે. જે ભારતીયો અહીં મેડિસીન કે એન્જીનિયરીંગ જેવી પ્રોફેશનલ ટ્રેનીંગ વગર આવે છે તે પણ પોતાના વ્યાપાર કૌશલ્ય અને ખંતથી નાનામોટા ધંધા રોજગાર શરૂ કરે છે. સંખ્યાની દૃષ્ટિએ ભારતીય ઈમિગ્રન્ટ્સ ભલે બહુ ઓછા હોય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

એકાઉન્ટીંગથી માંડીને ઝૂઓલોજી સુધીના કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હોસ્પિટલ હશે કે એમાં ભારતીય ડોક્ટરો કામ ન કરતા હોય કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રોફેસરો ન હોય. કરોના વાયરસનો ઉકેલ કેમ કરવો એ બાબતમાં દરરોજ થતાં ટી.વી. પ્રોગ્રામોમાં અચૂક નિષ્ણાત ભારતીય ડોક્ટરોની સલાહ લેવાય છે. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં અવશ્ય હોય જ. અમેરિકાની મહાન કંપનીઓ — આઈ.બી.એમ., માઈક્રોસોફ્ટ, ગૂગલ, અડોબી, હરમન, માસ્ટરકાર્ડ, વગેરેના ચીફ એકઝીકયુટીવ ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. અહીં વસતા ઇન્ડિયન અર્થશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રિય  કીર્તિ ધરાવે છે. આ ક્ષેત્રોમાં ભવિષ્યના ભારતીય નોબેલ પ્રાઈઝ વિજેતાઓ અમેરિકામાંથી નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે.  અત્યાર સુધીમાં હરગોવિંદ ખુરાના (1968), એસ. ચંદ્રશેખર (1983), અમર્ત્ય સેન (1998), વી. રામક્રિશ્નન (2009) અને અભિજીત બેનરજી(2019)ને નોબેલ પ્રાઈઝ મળી ચૂક્યાં છે.  

ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની જેમ આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને સંશોધકો અમેરિકાની મહાન યુનિવર્સિટીઓમાં અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં કામ કરવા તત્પર છે. અહીંના વૈજ્ઞાનિકોમાં લગભગ 40 ટકા ઇમિગ્રન્ટ્સ છે. છેલ્લા વીસ વરસમાં જે 85 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યા છે, તેમાં 33 ઇમિગ્રન્ટ્સ હતા. 2017 અને 2018માં જે 6 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યાં તે બધાં જ ઇમિગ્રન્ટ છે. એવી જ રીતે કુશળ ઇમિગ્રન્ટ્સ ઉદ્યોગપતિઓ અહીં આવીને નાની મોટી અસંખ્ય કંપનીઓ શરૂ કરે છે અને દેશને સમૃદ્ધ કરે છે. કહેવાનો આશય એટલો જ છે કે અમેરિકાને આખી દુનિયાની કુશળતા, ઉદ્યમ અને બુદ્ધિમતાનો લાભ મળતો રહે છે.

આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ ટી.વી. અને છાપાંઓની હેડલાઈન્સ જોતાં કોઈને પણ અમેરિકાના ભવિષ્ય માટે સહજ જ ચિંતા થાય. કરોના વાયરસને કાબૂમાં લાવવામાં અમેરિકાની સદન્તર નિષ્ફ્ળતા જોતાં આજે ભલે આપણને અમેરિકાનું ભવિષ્ય ધૂંધળું દેખાય, પણ એવું નિરાશાજનક નિદાન કરવું એ ઐતિહાસિક દૃષ્ટિએ અયોગ્ય અને ઉતાવળું છે. વિચિત્ર સંજોગોમાં અને વિવિધ કારણોસર મહાસત્તાઓ થાપ ખાઈ જાય એવા કંઈક દાખલાઓ ઇતિહાસમાં મળી રહે છે. અમેરિકાનું એવું જ કાંઈક થયું છે. છતાં ભૂતકાળની આવી અને આનાથી યે કપરી કસોટીમાંથી અમેરિકા વધુ બળવાન થઈને જ બહાર નીકળ્યું છે. અત્યારની કરોનાની દુર્દમ મહામારી અને ટ્રમ્પના ચાર કે આઠ વરસનાં પ્રમુખપદને હું અમેરિકાનાં ત્રણસોએક વરસના ભવ્ય ઇતિહાસમાં માત્ર એક ભૂંડા અને લાંછનભર્યા પ્રકરણથી વધુ ગણતો નથી. ઊલટાંનું અહીંની બળકટ પ્રજાની નિત્ય પરિવર્તનશીલતામાં અને દુનિયા આખીના ઇમિગ્રન્ટ્સને પોતાના કરવાની એની વ્યવહારુતામાં હું અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું.

(શબ્દ સંખ્યા 2381)

સપ્ટેમ્બર 28, 2020

4301 Military Road NW, #510 Washington, DC 20015

e.mail : natgandhi@yahoo.com

પ્રગટ : મહદ્દ અંશ : "ચિત્રલેખા", 02 નવેમ્બર 2020; પૃ. 20-23

Loading

વ્રજભાષા પાઠશાળા – વિદ્યાસંકુલ, ભુજ

કીર્તિ ખત્રી, કીર્તિ ખત્રી|Opinion - Opinion|24 October 2020

ગુજરાતી નહીં, કદાચ કચ્છીઓને પણ ખબર નહીં હોય કે અઢીસો વર્ષ પહેલાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વ્રજભાષા પાઠશાળા નામે એક વિદ્યાસંકુલ ભુજમાં હતું અને તેમાં કવિ બનવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને પિંગળ શાસ્ત્રનું વિધિસરનું શિક્ષણ નિષ્ણાતો દ્વારા અપાતું. એ જમાનામાં જેમ સંસ્કૃત માટે કાશી પ્રખ્યાત હતું તેમ કવિતા માટે કચ્છ જાણીતું હતું. આજ સુધીના ઇતિહાસમાં ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વભરમાં આ પ્રકારની એકમાત્ર કાવ્ય શાળા હતી. તેમાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ હતો અને તેના આધાર પર રાજાશાહી યુગમાં 'રાજકવિ'ની નિમણૂકો થતી. ગુજરાતના કવીશ્વર દલપતરામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કવિ બ્રહ્માનંદ સ્વામી સહિતના સંખ્યાબંધ કવિઓ અહીં કાવ્યશાસ્ત્ર પાઠ શીખ્યા હતા. આઝાદી પછી બંધ થયેલી આ પાઠશાળા અંગે 90ના દાયકામાં હિન્દીના પ્રાધ્યાપિકા નિર્મળા આસનાણીએ શોધનિબંધ લખીને ડોક્ટરેટની પદવી મેળવી હતી. ૧૯૯૬માં પુસ્તક રૂપે પ્રગટ થયા પછી ભાવનગર યુનિવર્સિટીએ તેને અભ્યાસક્રમ સુધ્ધામાં સ્થાન આપ્યું હતું.

આ મહાનિબંધ ઉપરાંત આ પાઠશાળાના છેલ્લા શિક્ષક રાજકવિ શંભુ દાનજી આયાચી અને અન્ય લોકસાહિત્યકારોએ લખેલા લેખોની માહિતીનું સંકલન કરીને ટૂંકમાં એના ઇતિહાસ પર નજર કરીએ તો 18મી સદીમાં વ્રજભાષા કેવળ વ્રજની જ બોલી ન રહેતાં વિશાળ ભૂખંડની કાવ્યભાષા બની ગઈ હતી. તેમાં રહેલા માધુર્યના સહજ ગુણને લીધે લોકોમાં એણે પોતાનું સ્થાન જમાવી લીધુ હતું. એ અરસામાં જ મહારાવ લખપતજી કચ્છની રાજગાદી પર આવ્યા. તેઓ જાતે કલા સાહિત્ય પ્રેમી અને સર્જક હતા. તેમણે છંદશાસ્ત્ર રસશાસ્ત્ર તથા પિંગળનો અભ્યાસ કર્યો હતો એટલે એમના દરબારમાં કોઈ વિખ્યાત રાજકવિઓ અને વિદ્યાગુરુઓ આવતા તે સૌ બહુમાન મેળવતા.

આવા જ એક પિંગળશાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય પૂજ્ય કનક કુશલજી મહારાવને કવિતાનો શોખ છે એ જાણીને ભુજ દરબારમાં આવ્યા. મહારાવને કવિતાથી પ્રસન્ન કર્યા તો લખપતિજીએ 'ભટાર્ક' પદવીથી નવાજ્યા. એ જ વખતે મહારાવે વ્રજભાષા પાઠશાળા ભુજમાં શરૂ કરવાની દરખાસ્ત કરી અને તેના આચાર્ય તરીકે કાર્યભાર સંભાળી લેવા પૂજ્ય કનકકૌશલજી મહારાજને વિનંતી કરી. કવિતા શાળાના આચાર્યની આજીવિકા માટે ભુજથી પાંચ ગાઉ દૂર આવેલું રેહા નામનું ગામ બક્ષીસમાં આપ્યું. આ ગામની આવકમાંથી પાઠશાળાનો નિભાવ ખર્ચ પણ મળી જાય એવી ગોઠવણ થઈ.

આમ ભુજના એક વિશાળ ભવનમાં કાવ્યપાઠશાળા શરૂ થઈ. શરૂઆતમાં તે નાની પોશાળ તરીકે ઓળખાતી. ઇતિહાસ અનુસાર લગભગ સવાસો વર્ષ સુધી જૈનાચાર્યના સંચાલન હેઠળ પાઠશાળા સારી પેઠે ચાલી. તે પછી જૈનેતર આચાર્યો આવ્યા. આ ફેરફાર સાથે પાઠશાળાનું ભવન પણ બદલાયું. ભુજમાં આશાપુરા મંદિરની પાસે બે માળના મકાનમાં શાળાનું સ્થળાંતર થયું. મહારાવ લખપતજીએ શરૂઆતથી જ કાઠિયાવાડ, રાજસ્થાન તેમ જ અન્ય હિન્દીભાષી પ્રદેશોમાં વસતા કવિ હૃદય(ભાટ ચારણો)ને ભુજ આવીને કાવ્યશાસ્ત્રની દિક્ષા પ્રાપ્ત કરવા ઈજન આપ્યું. દેશભરમાંથી એનો પ્રતિભાવ સાંપડ્યો. કવિ બનવાની ઈચ્છા સાથે આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ તેમ જ રહેવા-જમવા સહિતનો તમામ ખર્ચ કચ્છ રાજ્ય ભોગવતું. પાઠશાળામાં ઉચ્ચ કોટિનું સાહિત્ય ભણાવવામાં આવતું. હિન્દી સાહિત્યની તમામ પરંપરાઓ અને સ્વરૂપનો અભ્યાસ વિદ્યાર્થી કરતા. કાવ્યરચનાના દશે-દશ પાસા એટલે કે રસ, છંદ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાયિકાભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ અને શબ્દશક્તિનો ગંભીરતાથી અભ્યાસ કરાવાતો. બીજા અર્થમાં કહીએ તો હિન્દી કાવ્ય સાહિત્યના ઉત્કર્ષમાં પણ કચ્છની પાઠ શાળા એ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

આ પાઠશાળાના માધ્યમથી રાજકવિ બનેલા ૩૫૦ જેટલાના તો નામ સુધ્ધાં ડોક્ટર આસનાણીએ મેળવ્યા હતાં. જે મુજબ કવિપદ પ્રાપ્ત કરનાર કવિઓએ ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના નાના-મોટા રજવાડાઓમાં રાજકવિનું બહુમાન મેળવવાની સાથે સાથે યશ અને ધનપ્રાપ્તિ પણ કરી હતી.

1948માં આ અજોડ પાઠશાળા બંધ કરી દેવાઇ. આઝાદી પછી કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો ત્યારે તેને ભાટચારણોના રાજાશાહી શોખની પાઠશાળા માનીને બંધ કરી દેવાઇ. આ પગલાંનો વિરોધ થયો પણ કંઈ વળ્યું નહીં. કાગળો અને દફ્તરો સળગાવી દેવાયા અને 2001ના ભૂકંપ પછી મકાનનુંયે નામનિશાન રહ્યું નથી.

છેલ્લા આચાર્ય શંભુદાનજી ગઢવી(ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાનજીના પિતા)ની જન્મ શતાબ્દી ૨૦૧૦માં ઉજવાઇ ત્યારે ભુજમાં એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજર રહ્યા હતા. એ વખતે વ્રજભાષા પાઠશાળાને પુનઃજીવિત કરવાનો અનુરોધ જુદા જુદા વક્તાઓ દ્વારા થયો. આખરે ચર્ચા વિચારણાને અંતે 2012માં સરકારની ૨૫ લાખની ગ્રાન્ટ સહાયને સહારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'ઝવેરચંદ મેઘાણી લોકકલા સાહિત્ય કેન્દ્ર'નું મોરારિબાપુના હસ્તે ઉદ્દઘાટન થયું. યુનિવર્સિટીનું કેન્દ્ર ભુજ જેવી કાર્યશાળા નથી. હા, લોકસાહિત્ય અને ચારણીસાહિત્યને પ્રોત્સાહન મળે એ પ્રકારની પ્રવૃત્તિઓ જરૂર કરી છે. સાચું પૂછો તો આજે વ્રજભાષા પાઠશાળા જેવી સંસ્થા કવિઓને આર્થિક ક્ષેત્રે શું અપાવી શકે એ એક મોટો પ્રશ્ન છે. રાજાશાહીના જમાનામાં રાજકવિઓને માન ચાંદ અને ધન પણ મળતું. આજે કવિની પદવી મળ્યા પછી શું?

પ્રગટ : “દિવ્ય ભાસ્કર” દૈનિક, અમદાવાદ.

Loading

...102030...2,2302,2312,2322,233...2,2402,2502,260...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved