Opinion Magazine
Number of visits: 9456391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેડમ કામા અને સ્ટુટગાર્ટ મિલનનો મહિમા!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 March 2025

સ્ટુટગાર્ટ મિલનમાં જ જર્મન માર્ક્સવાદી ક્લેરા ઝેટકિને સમાજવાદી પરિષદની સાથોસાથ, સમાજવાદી સંસ્કૃતિના બહોળા પટ પર સ્ત્રી સંગઠનની પણ હિમાયત કરી હતી

પ્રકાશ ન. શાહ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આસપાસ સ્પંદિત માહોલમાં કંઈક લખવા ધારું છું તો આઝાદ હિંદમાં ગુજરાતને મળેલા એકના એક આંદોલનપુરુષ ઇન્દુલાલ યાજ્ઞિક સ્મરણમાં દડી આવે છે. 1971માં અમદાવાદથી ચોથી વાર ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા છે : યુરોપીય સમાજવાદી આંદોલનમાં, એમાં પણ ખાસ તો ફ્રાન્સમાં સમાજવાદની ભૂમિકામાં સ્ત્રીઓની આઝાદી ને પ્રેમની મુક્તિની ભાવના ભળેલી હતી એ વધુ વાંચતાં ગુજરાતમાં સ્ત્રી કેળવણી ને મહિલા જાગૃતિ સાથેનાં આરંભકાળનાં સંભારણાં આળસ મરડી ફેરજાગૃત થયાં છે.

વાંચન અને વિચારવિનિમય સર એ દ્વારે દ્વારે ભમે ભટકે છે, ને ત્યાં દિલ્હીમાં ડેનિયલ લતીફીને ઘરે જઈ પહોંચે છે – કેમ કે લતીફીનાં પત્ની સ્ત્રી સ્વાતંત્ર્યવાદી છે અને નારીમુક્તિ ક્ષેત્રે નવચિંતનના પ્રવાહોમાં રમેલાં છે.

રહો, આ લતીફી કોણ તે વિશે ઉતાવળે બે શબ્દો કહું. 1985માં ખાસા ગાજેલા ને છેવટે રાજીવ ગાંધીની સરકારને લઈ ચાલેલા શાહબાનુ ચુકાદાની સિદ્ધિ ધારાશાસ્ત્રી લતીફીને નામે ઇતિહાસજમે છે. કાઁગ્રેસના સ્થાપક સભ્ય અને ત્રીજા અધિવેશનના પ્રમુખ બદરુદ્દીન તૈયબજીના એ પૌત્ર. એમણે ક્રિમિનલ પ્રોસીજર કોડને અન્વયે શાહબાનુને ફારગતી બાદ મળવામાત્ર પતિસહાય વાસ્તે યશસ્વી અદાલતી લડત લડી જાણી હતી. (લતીફી-દંપતીને ઇન્દુલાલ મળ્યા ત્યાર પછીનાં બારતેર વરસની આ ઘટના છે.)

હવે પાછા એપ્રિલ 1972ની એ રાત ભણી જ્યારે શ્રી અને શ્રીમતી લતીફી સાથે ઇન્દુલાલ બરાબરના જામ્યા છે. નારીચળવળ સંબંધે એમની સમૃદ્ધ લાઈબ્રેરી મન ભરીને જોઈ છે, અને એ પૈકી એક પુસ્તક, ‘ફેમિનિન મિસ્ટિક’ ચહીને લાવ્યા છે ને રાતવરત વાંચવા મંડી પડ્યા છે. વળતે અઠવાડિયે (11-4-72ના રોજ) એમની ડાયરીનોંધ બોલે છે : ‘મારા મનમાં એક વિચાર ઊપસ્યો છે કે જેમ ‘ફેમિનિન મિસ્ટિક’ની લેખિકાએ ઘણી સ્ત્રીઓને પૂછીને, મુલાકાત લઈને તેને આધારે પુસ્તક લખ્યું તેમ હું પણ સ્ત્રીઓના જીવન વિશે પ્રશ્નપત્રો તૈયાર કરી તેના જવાબ નાની-મોટી સ્ત્રીઓ પાસેથી મેળવું અને તે પરથી પુસ્તિકા લખું.’

આ લેખિકા તે બેટી ફ્રીડાન. 1963માં તેઓ ‘મિસ્ટિક’ લઈને આવ્યાં. મનોવિજ્ઞાનના અભ્યાસ સાથે એ પત્રકારિતામાં હશે તે દરમ્યાન એમને આ પ્રકલ્પ સૂઝેલો અને સંખ્યાબંધ સ્ત્રીઓ સાથે મુલાકાત બાદ તે એ તારણ પર પહોંચેલાં કે સ્ત્રીઓ લગ્ન સાથે બાળઉછેર અને ઘરકામને એ હદે અગ્રતા આપતી થઈ જાય છે કે એમની ઘણી હોંશ અતૃપ્ત રહે છે. એમની સામે ઊપસાવાતું આદર્શ રોલ મોડેલ પણ ગૃહિણી તરેહનું હોય છે. આ પુસ્તકનું પ્રકાશન અમેરિકાનાં સેકન્ડ વેવ ફેમિનિઝમ તરીકે ઊંચકાયું. સ્ત્રી મતાધિકારનાં પચાસ વરસ નિમિત્તે 1970ના વિરાટ આયોજન પાછળ પણ ‘મિસ્ટિક’કાર ફ્રીડાનની ઠંડી તાકાત હતી.

એમ કરતાં, 1975ના આંતરરાષ્ટ્રીય મહિલા વરસ સાથે યુનાઈટેડ નેશન્સે 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો : આજે 2025નું વરસ બરાબર એની પચાસીનું વરસ છે. આ જોગાનુજોગ સંભારીએ ત્યારે એંશી લગોલગના ઇન્દુલાલ કેવા ને કેટલા તરોતાજા હશે, એનો અંદાજે અહેસાસ આવે છે.

હશે, પણ આઠમી માર્ચ જ કેમ : 1907થી 1917 સુધીનો યુરોપ-અમેરિકાનો દસકો આખો એની પાછળ ભાગ ભજવી ગયો છે. 1907માં સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી મંડળી (સેકન્ડ ઈન્ટરનેશનલ) મળી હતી. ગુર્જર ભારતવાસી તરીકે 1907ના સ્ટુટગાર્ટ મિલનનો મહિમા આપણે સારુ અમથોયે અગાઉથી મેડમ કામાએ ત્યાં સ્વતંત્ર હિંદનો પહેલો ધ્વજ લહેરાવ્યો હતો એ વાતે છે સ્તો. આ સ્ટુટગાર્ટ મિલનમાં જ જર્મન માર્ક્સવાદી ક્લેરા ઝેટકિને સમાજવાદી પરિષદની સાથોસાથ, સમાજવાદી સંસ્કૃતિના બહોળા પટ પર સ્ત્રી સંગઠનની પણ હિમાયત કરી હતી. ક્રાંતિકારી રાષ્ટ્રવાદી તરીકે ઓળખાતાં મેડમ કામા અને માર્ક્સવાદી ક્લેરા ઝેટકિન … એકમંચ ને એકસ્વર! સમજાય છે કંઈ? રાષ્ટ્રવાદના હાલના વિશેષ વાર્તિકથી ઉફરાટે કામાબાઈનો રાષ્ટ્રવાદ મુદ્દલ સંકીર્ણ નહોતો. વ્યાપક આંતરરાષ્ટ્રીય પરિમાણ સમેત ન્યાયી સમાજનો મુદ્દો એની બુનિયાદમાં હતો.

1908માં આવા જ કંઈક સમાજવાદી રુઝાનથી ન્યૂયોર્કમાં વિરાટ મહિલા રેલી નીકળી હતી, જેમાં કામદાર યુનિયનની રચનાનો અને મતાધિકારનો મુદ્દો પ્રધાન હતો. એ તારીખ આઠમી માર્ચ હતી. 1917માં રશિયામાં પણ એક અનોખી આઠમી માર્ચ ઊજવાઈ હતી : પેટ્રોગાડ(લેનિનગ્રાડ / સેન્ટ પીટ્સબર્ગ)ની કામદાર મહિલાઓ શાંતિ અને રોટીના સાદ સાથે રસ્તાઓ પર આવી, ફેક્ટરીઓ બંધ રહી, બગાવતનો દાવાનળ ભભૂકી ઊઠ્યો. આગળ ચાલતાં, 1923માં, લેનિને આઠમી માર્ચને મહિલા દિવસનો દરજ્જો જાહેર કર્યો. 1907થી 1917ની આ બધી મથામણ (કહો કે ફર્સ્ટ ફેમિનિસ્ટ વેવ) 1975 પહોંચતે પહોંચતે યુનાઈટેડ નેશન્સ થકી જગત તખતે આઠમી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લેખે સુપ્રતિષ્ઠ થઈ.

અલબત્ત, ગુજરાત છેડે ઇન્દુલાલના કેમિયો પ્રવેશ ઉપરાંત પણ નિરાંતે ને વિગતે વાત કરવી રહે છે. ઘણું જોવું, સમજવું, તપાસવું રહે છે. એક પા અખિલ હિંદ મહિલા પરિષદ જેવા ઉન્મેષો તો બીજી પા આગળ ચાલતાં જ્યોતિસંઘ, સેવા, અવાજ સરખી રચનાત્મક પહેલ – અનેક રીતે, બહુધા, આ બધું જાણવાજોગ છે.

નમૂના દાખલ બે ઇલાબહેનો(ઇલા ભટ્ટ, ઇલા પાઠક)ની ઉભડક જિકર કરું. જોગાનુજોગ, વાયકા તો એવીયે ખરી કે બેઉનાં નામ ચંદ્રવદન મહેતાને આભારી છે. ઉપલા મધ્યમ વર્ગની (કહો કે કંઈક ભદ્ર વર્ગની) મહિલા પ્રવૃત્તિને મોટે પટે સેવા અને કેટલેક અંશે અવાજ શ્રમજીવી મહિલા લગી ગઈ ગયાં. એક બાજુ જો સ્ત્રીની કેવળ કુટુંબગત ઓળખને બદલે સ્વતંત્ર ઓળખનો સવાલ હતો તો બીજી બાજુ મહિલા પ્રવૃત્તિ સમાજ નવરચનાના વ્યાપક અભિગમથી અળગી પડીને ન ચાલે એનો પણ સવાલ હતો ને છે. મેં નમૂના દાખલ ‘સેવા’ ને ‘અવાજ’ બે નામ લીધાં, પણ ગુજરાતમાં નાને પાયે એકાધિક મહિલા પ્રવૃત્તિ કેન્દ્રો છે જેને વિશેય ધોરણસરની નોંધને અવકાશ છે.

અહીં તો માત્ર, આરંભે જ કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પચાસીએ સ્પંદિત માહોલમાં ચપટીક નિરીક્ષા ને લગરીક નુક્તેચીનીનો ખયાલ છે, એટલું જ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 માર્ચ 2025

Loading

ભાષામાં સ્ત્રી-વિરોધીતા; ત્રિયા, નાર, બૈરું, ઔરત, બાઈ અને લુગાઈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 March 2025

રાજ ગોસ્વામી

શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો. તે નિમિત્તે થોડા આમતેમ વિચારો. સ્ત્રી પુરુષ પ્રધાન સામાજિક વ્યવસ્થાની શિકાર છે, એટલું જ નહીં, તે ભાષાની પણ શિકાર છે. ભાષાએ પણ સ્ત્રીને ઘણો અન્યાય કર્યો છે. ખુદ સ્ત્રી શબ્દમાં પણ એક પ્રકારની નકારાત્મકતા આવી ગઈ છે.

સંસ્કૃતમાં મહિલા માટે સ્ત્રી અને ત્રિયા બંને શબ્દ છે. આપણી  લોકબોલીમાં ત્રિયા વપરાય છે. આમાં સંસ્કૃત શ્લોક ત્રિયા ચરિત્રમ્‌…ની  ભૂમિકા મોટી છે, કારણ કે સ્ત્રીથી બનેલી ત્રિયામાં નારી ક્રિયાકલાપનો નકારાત્મક પ્રશ્ન ઉજાગર થાય છે. ત્રિયા ચરિતર, ત્રિયા હઠ જેવા શબ્દોમાં આ સ્પષ્ટ છે. 

ગુજરાતી સમાજમાં મહિલાનું સ્થાન શું હતું, એ આપણી કહેવતોમાં ઉજાગર થાય છે : દીકરી અને ગાય દોરે ત્યાં જાય, દીકરી સાપનો ભારો, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેટલી, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, લાડી અને પાડીના નિવડ્યે વખાણ, મળે ચાર ચોટલા તો ભાંગે ઓટલા, ધોકે નાર પાંસરી – ધોકે ડોબું દોહવા દે અને ધોકે જાર પાંસરી વગેરે. આપણી ગુજરાતી ગાળો પણ સ્ત્રીલક્ષી છે.

સ્ત્રી શબ્દના મૂળમાં સંસ્કૃત સત્યૈ ધાતુ છે. આ સમૂહવાચી શબ્દ છે, જેમાં ઘણુંબધું, સંચય, ઘનીભૂત, સ્થૂળ વગેરે ભાવ છે. એમાં કોમળ, મૃદુ, સ્નિગ્ધ વગેરે ભાવ પણ છે. સ્ત્રી માનવજીવન ધારણ કરે છે. એનો સંચય કરે છે. નર અને નારીમાંથી માત્ર નારીમાં જ એ કોષ છે જ્યાં જીવનનું સૃજન થાય છે. કોખ શબ્દ આ કોશ પરથી આવે છે. ગર્ભમાં સૃષ્ટિ સૃજનનું સ્વરૂપ સ્નિગ્ધ, મૃદુ અને કોમળ હોય છે. 

‘સત્યૈ’ પરથી બનેલા સ્ત્રી શબ્દમાં પણ બધા જ ભાવ છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ ઋગ્વેદકાલીન આર્યો અને ફિનિશિયનો (હાલના લેબેનોન, સીરિયા અને ઉત્તરીય ઈઝરાયેલના સમુદ્ર કાંઠે આવેલી પૌરાણિક સંસ્કૃતિ) વચ્ચે  ભાષાયી-સામાજિક સંબંધ જોડે છે અને કહે છે કે ફિનિશિયનોની પ્રમુખ દેવી ઈશ્તરનો સંબંધ સંસ્કૃત સ્ત્રી સાથે છે. આનું કોઈ પ્રમાણ નથી, પરંતુ ઈશ્તરનું ભારતીય દેવીઓ સાથે સામ્ય જરૂર છે. દેવી દુર્ગાની જેમ એનું વાહન પણ સિંહ છે. ઈશ્તર શૌર્ય, યુદ્ધ અને કામની દેવી છે. દેવી લક્ષ્મીની જેમ એની સાથે પણ ઉલક અથવા ઉલ્લુ નજરે ચઢે છે.

સ્ત્રી માટેનો સર્વાધિક પ્રચલિત શબ્દ મહિલા સંસ્કૃત મહ ધાતુ પરથી આવે છે. મહિલા શબ્દ સકારાત્મક છે, કારણ કે મહ ધાતુમાં મહિમાનો ભાવ છે. મહિલા શબ્દ એ પુરાણકાલીન સમાજનો શબ્દ છે જ્યારે આપણે માતૃસત્તાત્મક વ્યવસ્થા અમલમાં હતી. 

આ એક એવી વ્યવસ્થા હતી, જેમાં મહિલાઓ બહુપતિત્વનું આચરણ કરતી હતી, લગ્નવ્યવસ્થા ન હતી, યૌન ક્રિયા સંબંધોની મર્યાદામાં ન હતી અને સમાજમાં પુરુષ કરતાં સ્ત્રીને શ્રેષ્ઠ માનવામાં આવતી હતી. મહાનતા, મહાન, મહા, મયત્તર જેવા પ્રધાનતા સ્થાપિત કરતા શબ્દો મહ ધાતુ પરથી આવ્યા છે અને મહિલા પણ અહીંથી જ આવે છે. મહિલા શબ્દમાં સન્માન અને મહત્તાનો ભાવ છે.

હિન્દી ભાષાના આપ્ટે કોશમાં મહિલાનો અર્થ વિલાસિની, મદમત્ત સ્ત્રી અપાયો છે. એ ત્યારની માતૃસત્તાક વ્યવસ્થાનું પ્રતીક છે, જ્યાં સ્ત્રી એના યૌન સંબંધ ખુદ નક્કી કરતી હતી. એ કાળમાં સમાજ નાનાં નાનાં જૂથોમાં વહેંચાયેલો હતો. અને એની સરદાર મહિલા રહેતી હતી. ત્યારે સંબંધોની  વ્યવસ્થા ન હતી અને પોતાના કબીલાને વિસ્તૃત કરવા સ્ત્રી એકથી વધુ પુરુષો  સાથે રહેતી હતી. 

સમયાંતરે વધુ સામાજિક શક્તિ પ્રાપ્ત કરી ચૂકેલા પુરુષોને કદાચ આ માતૃસત્તાક વ્યવસ્થા ખૂંચતી હશે એટલે આપણા મનીષીઓએ મહિલા શબ્દને વિલાસીનતા સાથે  જોડ્યો હશે.

મહિલા શબ્દ પુરુષના ડરનું પ્રતીક છે. કેટલાક બબૂચકો મહિલા શબ્દનો અર્થ મહેલમાં રહેતી હોય એવો કરે છે. મહેલ ઉર્દૂ શબ્દ છે. પરંતુ ઉર્દૂમાં મહિલા શબ્દ ક્યાં ય નથી. લોકબોલીનો બીજો એક શબ્દ છે લુગાઈ જે હિન્દી, રાજસ્થાની અવધી અને ભોજપુરીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે પત્નીને લુગાઈ કહે છે, પરંતુ મૂળ અર્થમાં એ સ્ત્રી, ઔરત, નારી માટે જ વપરાતો હતો. 

લોકોનું સ્ત્રીવાચક એટલે લુગાઈ. લોક (હિન્દીમાં લોગ) પુલ્લિંગ છે. હિન્દી લોગ સંસ્કૃત લોક પરથી આવ્યો છે, જેનો મતલબ છે નજર નાંખવી, જોવું અથવા પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું. (અંગ્રેજી લૂક આ લોક પરથી આવે છે) એટલે લોકનો મતલબ દુનિયા, સંસાર.

લોક એટલે મનુષ્ય સંસાર. પુલ્લિંગ હોવા છતાં લોક શબ્દમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી. પરંતુ લોકભાષાઓ સૂક્ષ્મ અભિવ્યક્તિ માટે નવા નવા  શબ્દો રચતી રહે છે. એટલે લોગનું સ્ત્રીવાચક લુગાઈ આવ્યું. હવે જો સ્ત્રી-પુરુષ બંનેનો ઉલ્લેખ કરવો હોય તો હિન્દીમાં લોગ-લુગાઈ શબ્દ પણ છે.  

નરનું સ્ત્રીવાચક નારી છે, એવી પ્રચલિત માન્યતા ખોટી છે. સંસ્કૃત ધાતુ નૃનો અર્થ માનવ અને મનુષ્ય થાય છે. નૃમાં સ્ત્રી – પુરુષનો ભેદ નથી. નૃમાં જ સિંહ, પાલ અથવા પતિ જેવા શબ્દોની સંધિથી નૃસિંહ, નૃપાલ અને નૃપતિ જેવા શબ્દો બને છે. આ ત્રણેયનો અર્થ પ્રભુ, રાજા અથવા અધિપતિ થાય છે. 

નૃપશુનો અર્થ નરપશુ થાય છે. એમાંથી બનેલા નર પશુમાં પુરુષના પશુત્વનો આભાસ થાય છે તે ગલત છે. સ્ત્રીને પણ નરપશુની ઉપમા આપી શકાય છે. આ તર્ક પ્રમાણે નૃમેઘ એટલે મનુષ્યો માટે કરવામાં આવતો યજ્ઞા.  

સ્ત્રી માટે ઔરત શબ્દ વપરાય છે જેને નારીવાદી લોકો અપમાનજનક માને છે. ગુજરાતીમાં આપણે ત્યાં બૈરું શબ્દ પણ અપમાનજનક છે. એવું મનાય છે કે પુરુષ સાથે જીસ્માની સંબંધો બાંધી ચૂકેલી સ્ત્રી માટે ઔરત શબ્દ વપરાય છે. 

ઔરત મૂળ ફારસી અરબી શબ્દ છે. અરબીમાં એનો બીજો શબ્દ ઔરાહ છે. જેનો મતલબ થાય છે ગુપ્તાંગને ઢાંકવું. ઈસ્લામી નજરથી ઔરાહ માત્ર સ્ત્રી માટે નથી, કારણ કે ગુપ્તાંગ ઢાંકવાની ક્રિયામાં પુરુષનો પણ સમાવેશ થાય છે.

ઔરત શબ્દ પુરુષોની ઈજાદ છે. બાઈ શબ્દ સન્માનજનક છે. મરાઠીમાં પત્નીને બાઈકો કહે છે જે અંગ્રેજી વાઈફ સાથે મળતો આવે છે. ઉત્તર ભારતમાં બાઈને હીન મનાય છે, પરંતુ માળવીમાં મોટી બહેનને બાઈ કહે છે. મરાઠીમાં ભાભીને વહિની કહે છે જે ભગિની પરથી આવે છે. મરાઠીમાં મહિલા શિક્ષકને પણ બાઈ કહે છે. આપણે ગુજરાતીઓએ આ બાઈમાંથી બૈરું બનાવી દીધું. સાફસફાઈનું કામ કરે એને આપણે બાઈ કહીએ છીએ, પરંતુ નોકરાણી ફારસી શબ્દ છે. 

નોકર અથવા નોકરી ફારસી શબ્દ છે. એમાં આ પ્રત્યયથી નોકરાણી બને છે. એક શબ્દ મહેતરાણી પણ છે, અર્થ થાય છે ‘જે હલકું’ કામ કરતી હોય તે.’ રાણી શબ્દ રાજી પરથી આવે છે. રાજા પણ ત્યાંથી જ આવે છે. રાજાની પત્ની એટલે રાણી, રાજરાણી. ઠકુરાઈન પણ રાણી પરથી આવે છે.

સ્ત્રીઓનાં નામ પણ અપમાનજનક હોય છે. અનસૂયા એટલે સમાગમ માટે યોગ્ય એવો અર્થ ચંદ્રકાન્ત બક્ષીએ આપ્યો છે. અરુંધતી એટલે જે માર્ગ રૃંધે નહીં તેવી. મતલબ કે કામક્રીડામાં સહકાર આપે તેવી. સાલી શબ્દ અપમાનજનક છે. સુધીર મિશ્રાની ‘યે સાલી જિંદગી’માં સેન્સરે વાંધો ઉઠાવ્યો હતો. પણ ‘સાલા મેં તો સાહબ બન ગયા’ સામે ૧૯૯૦માં કોઈને વાંધો ન હતો.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 09 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાર્યસંસ્કૃતિ, કાર્યજીવનનું સંતુલન, કાર્યબોજ  અને કાર્યસપ્તાહ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 March 2025

ચંદુ મહેરિયા

જાપાનીઝ શબ્દ હારાકિરી(આત્મહત્યા)થી તો આપણે સુપરિચિત છીએ, પણ ‘કારોશી’  આપણા ભાવજગત અને વિચારજગતમાં શાયદ નવો શબ્દ છે. અત્યાધિક કાર્યબોજ તળે કામ દરમિયાન કે કામના કારણે થતું મોત એટલે કારોશી. જાપાનમાં વરસે દહાડે પચાસેક લોકોના મોત આ કારણે થાય છે. ભારતમાં જ્ઞાતિ કે આર્થિક વ્યવસ્થાના લીધે ગટર કામ, સફાઈ કામ અને હાથથી થતી મળ સફાઈનાં કામમાં જોતરાયેલા કામદારોના, કામના જોખમ અને સલામતીનાં સાધનોના અભાવે, દર વરસે હજારેક મોત થતાં હશે, પણ તેની ખાસ કોઈ નોંધ લેવાતી નથી કે તેમનાં કામને ટોક્સિક વર્ક અને તે કાર્યસંસ્કૃતિને વિષાક્ત કહેવામાં આવતી નથી. આપણે આ પ્રકારના કામો અને કાર્યબોજ અંગે એટલે પણ વિચારતા નથી કે કામ કરનારા બધા સમાજના કથિત નીચલા તબકાના અને નિર્ધન લોકો હોય છે. જો કે ભારે કામગરા જાપાનીઓ કારોશી મોતથી ચિંતિત છે અને તેમણે તેનો ઉકેલ પણ શોધ્યો છે. જાપાનની અનેક કંપનીઓએ વીકલી વર્કિંગ ડે ઘટાડીને ચાર કર્યા છે. 

ઈન્ટનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર ભારતમાં અડધાથી વધુ કર્મચારી અઠવાડિયે ૪૯ કલાકથી વધુ અને દૈનિક ૧૦ કલાક કામ કરે છે. દક્ષિણ એશિયાના દેશોમાં કામના અધિક કલાકોમાં ભારતનું સ્થાન ભૂતાન પછીના બીજા ક્રમે છે. આ સ્થિતિ હોવા છતાં અહીં કામના કલાકો વધારવાની ચર્ચા છે ત્યારે દુનિયાના બહુ બધા દેશોમાં સાપ્તાહિક કાર્ય દિવસો ઘટાડવાનો વાયરો વહી રહ્યો છે. ૨૦૨૪ના વરસથી સિંગાપોરમાં ફોર ડે વર્કિગ વીક અમલી બન્યુ છે. સિંગાપોર આ બાબતમાં એશિયાનો પ્રથમ દેશ છે. 

જાપાન સરકારના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશની ૮૫ ટકા કંપનીઓ અઠવાડિયે બે રજા અને આઠ ટકા કંપનીઓ અઠવાડિયામાં ત્રણ રજા આપે છે. ૨૦૨૧માં ફોર ડે વીક-નો વિચાર પહેલીવાર રજૂ થયો હતો અને હવે તો તેને સરકારનું પણ સમર્થન છે. સરકારના વર્ક સ્ટાઈલ રિફોર્મ અભિયાનમાં કામના કલાકો ઘટાડવા, સૌને અનુકૂળ આવે તેવો કાર્યસમય, મર્યાદિત ઓવરટાઈમ અને વાર્ષિક રજાઓમાં વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આરંભના નબળા પ્રતિસાદ પછી હવે આ પગલું લોકપ્રિય થઈ રહ્યું છે. વર્ક લાઈફ બેલેન્સમાં વધારા માટે સાપ્તાહિક કાર્ય દિવસો ચાર કરવાનું પગલું મોટું પરિવર્તન આણનારું બની શકે છે. 

જાપાન ઉપરાંત જર્મની, અમેરિકા, યુ.કે, સિંગાપોર, ચીન, સ્પેન, પોર્ટુગાલ, કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં પણ ચાર દિવસીય કાર્ય સપ્તાહ અંશત: અમલી બની રહ્યું છે. સાપ્તાહિક કામના દિવસોમાં ઘટાડો થવાના અનેક સારા પરિણામો જોવા મળી રહ્યા છે. કર્મચારીઓમાં જે કામનો થાક અને તાણ જોવા મળતા હતા તે ઘટ્યાં છે. વધુ આરામ અને ઊંઘ લઈ શકે છે. નવા અઠવાડિયે ઉત્સાહિત જણાય છે. વૃદ્ધ વસ્તીમાં વધારો અને ક્રિયાશીલ વસ્તીમાં ઘટાડાનો ઉકેલ મળી શક્યો છે. કર્મચારીના શારીરિક-માનસિક આરોગ્યમાં સુધારો જણાયો છે. બળતણની બચત થાય છે. પરિવારને વધુ સમય આપી શકે છે. ત્રણ રજાઓમાં ફેમિલી ટુર કે લાંબા સમયથી પડતર પારિવારિક કામો આટોપી શકાય છે. કાર્ય દિવસોમાં ઘટાડાથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. વળી આ પગલું ફુગાવો અને વેતન માટે સુરક્ષારૂપ બની શકે છે. નિયમિત કામદારો માટે તે બહેતર જીવન સંતુલન સાધી શકે છે તો અંશકાલીન કામદારોને વધુ કલાક રોજી આપી શકે છે. સાપ્તાહિક કાર્ય દિવસોમાં ઘટાડાને વિશ્વવ્યાપી બનાવવા માટે ‘ફોર ડે વીક ગ્લોબલ’ સંસ્થાની રચના પણ થઈ છે. 

કામકાજી અઠવાડિયાના દિવસો ઘટવાથી ખરાખોટા કારણોસર બીમારીની રજાઓ લેતા કર્મચારીઓની સંખ્યામાં ૬૫ ટકા ઘટાડો થયો છે. પરંતુ હજુ ય કશું ખૂટતું હોય તેમ ચીનની એક કંપની, જો કર્મચારીનું કામ પર જવાનું મન નથી, દિલ ઉદાસ છે, તણાવ મહેસૂસ થાય છે તો ભલે કામ પર ના આવો તે તમને અનહેપ્પી લીવ આપશે. વાર્ષિક ૧૦ વધારાની અનહેપ્પી લીવ આપતી આ કંપની આ રજાનો મેનેજમેન્ટ ઈન્કાર નહીં કરે તેવો પણ નિયમ ઘડે છે! જાપાનની આઈ.ટી. કંપનીએ ચાલુ નોકરીએ દારુ પીવાની છૂટ આપી છે અને જો દારુ ચડી જાય તો હેંગઓવર લીવની ઓફર કરી છે! ભારતમાં અસમની રાજ્ય સરકારે તેના સરકારી કર્મચારીઓને માતા-પિતા કે વિકલ્પે સાસુ-સસરા સાથે સમય વિતાવવા દર વરસે બે રજા આપવાનો નિર્ણય કર્યો છે. તેલંગણા અને આંધ્ર સરકારે તેના મુસ્લિમ કર્મચારીઓને રમજાનના મહિનામાં રોજ એક કલાક વહેલા કામ છોડવાની મંજૂરી આપી છે. 

કામદારો- કર્મચારીઓ પર સરકારો કે કંપનીઓ ઓવારી જાય છે કે તેમને અછોવાના કરે છે તેમ લાગે પણ તેનું કારણ તેમનો સ્વાર્થ છે અને આવાં પગલાં પાછળ તાજેતરની મહારાષ્ટ્ર્ની બે ઘટનાઓ જવાબદાર લાગે છે. બર્ન આઉટ કે થાકનો સામનો વિશ્વભરના કામદારો-કર્મચારીઓ કરી રહ્યા છે. છવ્વીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કામના અત્યાધિક બોજથી તંગ આવીને જીવનનો અંત આણ્યો હતો. પુણેની એક કંપનીના સેલ્સ એસોસિયેટે ટોક્સિક કહેતાં વિષાક્ત વર્ક પ્લેસ અને એથી પણ વધુ ઝેરીલા બોસથી તંગ આવીને નોકરી છોડી હતી. પરંતુ તેમની રાજીનામાની ઘટના એટલે પણ છાપરે કે છાપે ચડી હતી કે આ મહાશયે બોસની ઉપસ્થિતિમાં ઢોલ નગારાં સાથે વાજતેગાજતે કામને અલવિદા કરી હતી. કાશ! આવું આ દેશના બહુમતી અસંગઠિત ક્ષેત્રના કામદારો કરી શકે! 

ફોર ડે વર્કિગ વીક, વર્ક સ્ટાઈલ રિફોર્મ, ટોક્સિક વર્ક કલ્ચર, ટોક્સિક વર્ક, ટોક્સિક વર્ક પ્લેસ, બર્ન આઉટ, સર્વિસ ઓવર ટાઈમ, વર્કલોડ, વર્કફોર્સ, વર્ક લાઈફ બેલેન્સ, ઈમોશનલ સેલેરી ટ્રેન્ડ આ અને આવા બીજા માત્ર અંગ્રેજી ભાષાના નહીં નવા જમાનાના શબ્દો છે અને તે પ્રત્યેકની પાછળ આહ, આંસુ અને શોષણ સામેના સંઘર્ષનો દીર્ઘ ઇતિહાસ છે. હરિકથા અનંતાની જેમ આ કામપુરાણ પણ અનંત છે. પરંતુ અંતે એક વધુ નવી વાત. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે અમેરિકી કોમેડિયન ટ્રેવર નોઆનાના કાર્યક્રમ ‘વ્હોટ નાઉ?’માં ગંભીરતાથી કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામની આરામદાયક અને સંતુલિત સ્થિતિ ઊભી કરશે. તે લોકોની નોકરીઓ છીનવી લેશે નહીં. ભવિષ્યમાં કામના દિવસો ઘટીને ત્રણ જ રહેશે તેમ પણ ગેટસે કહ્યું હતું. તેમનું માનવું હતું કે માનવશ્રમ ઓછો થશે અને યંત્રો કામ કરશે. એ.આઈ. માનવી માટે ખાવાનું ય તૈયાર કરશે અને ઓફિસ કામ પણ કરશે. લાગે છે સ્વર્ગ ઢુકડું છે નહીં? 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...220221222223...230240250...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved