ટ્રમ્પ જાણે એમ કહેવા માગે છે કે જો તમે અમેરિકન નથી તો તમારા પોતાના વતનને, તમારા દેશની અર્થ વ્યવસ્થાને અમેરિકાને પૈસે ટેકો આપવા માટે તમારે પ્રીમિયમ ચૂકવવું પડશે.

ચિરંતના ભટ્ટ
યુ.એસ.એ.ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે નવી નીતિઓ ઘડવામાં કાં તો આંધળુકિયા કરે છે કાં તો લોકોમાં કંઇ અજીબ પ્રકારનો ખોફ ફેલાવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરે છે એમ લાગે. ઇમિગ્રેશન અને આર્થિક નીતિને મામલે જેટલી આક્રમકતા વધી છે એટલી જ અસ્પષ્ટતા પણ વધી છે. એમણે બે એવી બાબતો પર મંજૂરીની મહોર મારી છે કે ભારત અને ભારતીયો જે ત્યાં વસ્યા છે અથવા તો જે ત્યાં ભણવા ગયા છે – જવાના છે તેમને માથે ખતરાની ઘંટડીઓ વાગવા માંડી છે. એક છે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા અંગેના આકરા નિયમોનો ફટકો – જેની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓના ‘અમેરિકન ડ્રીમ’ પર પડે છે તો બીજો મુદ્દો છે ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ – જેમાં સમ ખાવા પૂરતું ય કંઇ બ્યુટીફુલ નથી કારણ કે અમેરિકન સરકારની નજર સીધી તમારા ગજવા પર છે. પહેલાં વાર્તાઓમાં પરદેશ ગયેલો દીકરો મા-બાપને પૈસા મોકલતો – એ પાત્ર આજની વાર્તાઓમાં જ્યારે ઘરે પૈસા મોકલે ત્યારે તેની પર તગડો કર લાદવામાં આવશે.
આ માત્ર વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ પર કે ભારતીય સપનાં પર યુ.એસ.એ.ની લગામ નથી પણ અબજો ડૉલર્સના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર એક મોટો બોજ છે. ટ્રમ્પના ટ્રમ્પેટના આ સૂર બેસૂરા અને બે ધારી તલવાર જેવા છે.
વિદેશ મંત્ર્યાલય અનુસાર 2023 સુધીમાં 1.8 મિલિયનથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ આંકડામાંથી 21 ટકા વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભણવા જનારા છે. પણ હવે 2025માં ઓવલ ઑફિસમાં પાછા ફરેલા ટ્રમ્પે નીતિઓમાં જે ફેરફાર કર્યા છે તેને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું અને ત્યાં ટકી રહેવું દોહ્યલું બન્યું છે. આ પરિવર્તનમાં અંતરંગી નિયમો પણ સામેલ છે. કોઈ નાના ઉલ્લંઘનો, કૉલેજમાં હાજરી અને કેમ્પસની બહારના કામ સહિત કોઈપણ નાની બાબતે વિદ્યાર્થીનો વિઝા રદ્દ થઈ શકે છે. OPT – એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેઇનિંગ – જે ભણતર પછીની રોજગારીને અસર કરતી બાબત છે તેની પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. યુનિવર્સિટીઝ પર પણ દબાણ કરાયું છે કે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિના ધ્યેયોને કેન્દ્ર સ્થાને રાખી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રાધાન્ય ન આપી વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા.
એક અહેવાલ મુજબ 2024માં યુ.એસ.એ.માં ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની નોંધણીમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. ઘણાં વિદ્યાર્થીઓ હવે જર્મની, ન્યુઝીલેન્ડ અને ફ્રાન્સને પસંદ કરી રહ્યા છે કારણ કે અહીં વિઝાને મામલે નીતિઓ આકરી નથી, ભણતર પછી કામની તકો સારી છે ફીઝ પણ ઓછી છે.
આ નીતિગત ફેરફાર ઓછા હોય તેમ વાણી-વિલાસને મામલે ટ્રમ્પ કોઈની સાડાબારી રાખતા નથી. તાજેતરમાં તેમના એક વાયરલ સંબોધનમાં તેમણે વિદેશીઓ, અમેરિકન કૉલેજોમાં જગ્યા લઇ રહ્યા હોવાની બાબતની ટીકા કરી અને લટકામાં ઉમેર્યું કે આ વિદેશી વિદ્યાર્થીઓ અહીં ભણીને તંત્ર સાથે રોજગારી માટે રમત કરી રહ્યાં છે.
આ સંજોગો ભારત અને અમેરિકા બન્ને માટે નુકસાનકારક છે. ભારતીય વિદ્યાર્થીઓ માત્ર ‘અમેરિકન ડ્રીમ’ લઈને ત્યાં પહોંચે છે એમ નથી. NAFSA (એસોસિએશન ઑફ ઇન્ટરનેશલન એજ્યુકેટર્સ) અનુસાર 2002માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુ.એસ.એ.ના અર્થતંત્રમાં 40.1 બિલિયન ડૉલર્સનું યોગદાન આપ્યું હતું જેમાં 7.6 બિલિયન ડૉલર્સ હિસ્સો ભારતીય વિદ્યાર્થીઓનો હતો. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી માત્ર યુનિવર્સિટીઝને અસર થશે એમ નથી (ઘણાં શૈક્ષણિક સંસ્થાનો રિસર્ચ અને ફેકલ્ટીઝ માટે આંતરરાષ્ટ્રીય ટ્યુશન ફંડ પર આધાર રાખે છે) પણ તેનો પ્રભાવ દ્વિપક્ષીય સંબંધો પર પણ પડશે. શિક્ષણ એક સોફ્ટ પાવર ટૂલ પણ છે. ભારતના શ્રેષ્ઠ, ધારદાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ સંજોગોમાં એવા રાષ્ટ્રો તરફ વળશે જેની સાથે ભારતને ભૌગોલિક રાજકારણની દૃષ્ટિએ બહેતર સંબધો હોય.
‘વન બિગ બ્યુટીફુલ બિલ’ની વાત કરીએ તો રેમિટન્સ ટેક્સ બોમ્બ બહુ મોટો વિસ્ફોટ છે. ટ્રમ્પે જેને સમર્થન આપવાની વાત કરી છે તે કાયદો જો પસાર થાય તો યુ.એસ.એ.માં કમાઈને પોતાના વતનમાં પૈસા મોકલનારા પર 3.5 ટકા કરવેરો ઝીંકાશે. તેની અસર ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, H1-B કામદારો અને અન્ય પ્રકારના વિઝા ધારકો પર થાય – સ્વાભાવિક છે તેમાં મોટા ભાગના NRIનો સમાવેશ થાય છે.
વર્લ્ડ બૅંકના મતે 2023માં ભારતને 125 બિલિયન ડૉલર્સથી વધુ રેમિટન્સ – ભરણાં મળ્યા હતા તેમાંથી 28 બિલિયન ડૉલર્સ માત્ર યુ.એસ.એ.માંથી આવ્યા હતા. આ કારણે યુ.એસ.એ. વિદેશી ચલણનો એક મોટો સ્રોત બન્યો. આ કર લદાય તો એમ ગણિત બેસે કે તમે જેટલા પૈસા તમારા વતનમાં મોકલો છે તેમાં પ્રતિ 1,000 ડૉલર પર NRI તરીકે તમે 35 ડૉલર્સનો કર ભરવાનો આવે. જે પરિવારો સ્વાસ્થ્ય કે શિક્ષણ જેવી જરૂરિયાત માટે આ વિદેશથી આવતા નાણાં પર, રેમિટન્સ પર આધાર રાખતા હોય તેમને માટે આ બહુ મોટો ફટકો સાબિત થાય. ઉપરછલ્લી રીતે નાણીએ તો આ બિલ આમ તો યુ.એસ.એ.ની સરકાર માટે રેવન્યુ જનરેશન એટલે કે આવક ઊભી કરવાનું સાધન છે. પરંતુ જરા ઊંડા ઉતરીએ તો સમજાય કે આ એક વૈચારિક ફેરફાર છે. ટ્રમ્પને બહુ પહેલેથી જ વિદેશી કર્મચારીઓ અને રેમિટન્સ સામે જાતભાતના વાંધા અને વહેમ છે. ટ્રમ્પને એમ જ લાગે છે કે યુ.એસ.એ.ની કમાણી ખર્ચાય છે બીજા દેશમાં એટલે પોતાના દેશને લાભ નથી મળતો. ટ્રમ્પને ત્યારે જ શાંતિ થશે જ્યારે યુ.એસ.એ.ની કમાણી યુ.એસ.એ.માં સમાણીનો ઘાટ ઘડાશે. ટૂંકમાં ટ્રમ્પ જાણે એમ કહેવા માગે છે કે જો તમે અમેરિકન નથી તો તમારા પોતાના વતનને, તમારા દેશની અર્થ વ્યવસ્થાને અમેરિકાને પૈસે ટેકો આપવા માટે તમારે પ્રીમિયમ ચૂકવવું પડશે.
ભારતીય-અમેરિકન સંગઠનોએ આ બિલને નબળું પાડવા માટેનું લોબિંગ તો શરૂ કરી જ દીધું છે. તેમની દલીલ એ છે કે કાયદાકીય રીતે અમેરિકન નાગરિક તરીકે રહેનારાઓ અને પ્રોફેશનલ્સને આ બિલની અસંતુલિત અને અપ્રમાણસર રીતે અસર થશે. કેટલાક NRI હવે આ નવા કરથી બચવા માટે ક્રિપ્ટો કરન્સી, બ્લોકચેન વૉલેટ્સ અથવા યુ.એસ.એ.ની બહાર હોય એવા થર્ડ પાર્ટી ફિન-ટૅક એપ્લિકેશન્સ (ફાઇનાન્શિયલ ટૅક્નોલૉજી) જેવા વૈકલ્પિક બૅંકિગના રસ્તા પણ શોધી રહ્યા છે. એક અન્ય વર્ગ કેનેડા અને UAE જેવા દેશોમાં રોકાણ કરવા અથવા સ્થળાંતર કરવાની દિશામાં વિચારી રહ્યા છે, જ્યાં રેમિટન્સ નીતિઓ હજી સુધી પ્રતિકૂળ નથી બની.
પણ અહીં એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે અમેરિકા જો કોઈ પગલું ભરે, આ બિલ ધારો કે પાસ થઈ જાય તો બીજા દેશો પણ એ પગલે ચાલવામાં કંઇ બહુ વાર નહીં કરે. ઐતિહાસિક રીતે અમેરિકા ઈમિગ્રેશન અને આર્થિક નીતિઓને મામલે ચીલો ચાતરનારો દેશ રહ્યો છે, એક ટ્રેન્ડ સેટરની માફક અમેરિકા જે કરે તેનું અનુકરણ અન્ય દેશો કરી જ શકે છે. જો ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પસાર થાય તો બીજા દેશો પણ પોતાના દેશના સ્વાર્થ માટે આ બ્યુટી શોધવાના રસ્તા અપનાવી શકે છે. ઉદાહરણ તરીકે યુનાઇટેડ કિંગ્ડમ તો અત્યારથી જ તેમના ઓવરસીઝ રેમિટન્સ બિલની સમીક્ષા કરે છે તો ઑસ્ટ્રેલિયાએ આઉટબાઉન્ડ ઇકોનોમિક વેલ્યુ ટેક્સ પર ચર્ચાપત્ર રજૂ કર્યું છે.
જો આવી પહેલ સામાન્ય બનશે તો રેમિટન્સ પર આધાર રાખતા ભારત, ફિલિપાઇન્સ અને નાઈજિરિયા જેવા દેશોમાં વિદેશી નાણાંકીય પ્રવાહ પર નોંધપાત્ર અને નાટ્યાત્મક ઘટાડો વર્તાશે એ ચોકક્સ. ભારત માટે, જ્યાં રેમિટન્સ એ વિદેશી હૂંડિયામણનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે (લગભગ કુલ FDI પ્રવાહ જેટલો જ), આ બેલેન્સ ઑફ પેમેન્ટ એટલે કે ચુકવણીના સંતુલન પર દબાણ મૂકશે અને રૂપિયો નબળો પડશે.
સમસ્યા સામે હોય ત્યારે સમાધાન પણ શોધવું પડે. વિદ્યાર્થીઓએ યુરોપ અને એશિયાની યુનિવર્સિટીઓ તરફ નજર દોડાવવી પડશે. OPTના બદલાતા નિયમો પર ધ્યાન આપો, આ ઉપરાંત વિઝાના નિયમો અંગે અપડેટેડ રહો એટલે અચાનક જ કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઝમાં ચાલતા હાઇબ્રીડ કોર્સિઝની તપાસ કરો. વ્યવસાયી સફળતા હંમેશાં બહુ ધાંસુ સંસ્થાનો પર આધાર રાખે છે એવું નથી હોતું. તમારી આવડત તમને કોઈ સાદી યુનિવર્સિટીમાંથી પણ સફળતાના શીખરે લઈ જઈ શકે છે. NRIઓએ શું કરવું? ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ તમારી કમાણીમાંથી બ્યુટી છીનવી ન લે તે માટે ટેક્સ એડવાઇઝર્સ અને કાયદાના નિષ્ણાતની સલાહ લો. ફિન-ટૅક પ્લેટફોર્મ વાપરો જે ગેરકાયદે ન હોય અને તે કરન્સી એક્સચેન્જ રેટ્સનું શ્રેષ્ઠ વળતર આપતા હોય અને જેના થકી નાણાંની ટ્રાન્સફરનો ખર્ચ ઓછો થતો હોય. પારિવારીક રોકાણો અથવા જોઇન્ટ એકાઉન્ટની દિશામાં વિચારો જેથી વારંવાર ટ્રાન્સફર કરવાની ભાંજગડ ન કરવી પડે.
ભારતે શૈક્ષણિક લેવડ-દેવડને મામલે રાજદ્વારી રસ્તાઓ મજબૂત બનાવવા પડશે. વિદેશી યુનિવર્સિટીઝ માટે ભારતમાં પોતાના કેમ્પસ અને સ્થાનિક યુનિવર્સિટીઝ સાથે જોડાણ કરવાના માર્ગ મોકળા કરવા જોઈએ. RBIને સાથે રાખીને રેમિટન્સ બફર નીતિ ઘડવાનો વખત પાક્યો છે જેથી વિદેશી હૂંડિયામણમાં આવનારા દેખીતા ઘટાડા માટે તૈયાર થઈ શકાય. ટ્રમ્પ અને તેના યુ.એસ.એ.ને માથે ચડાવવાને બદલે આપણે ચતુરાઈ પૂર્વક આ સંજોગોમાંથી રસ્તો કાઢવો પડે તે સ્વાભાવિક છે. ટ્રમ્પનું અમેરિકા ઇમિગ્રન્ટ્સ માટે તો અઘરું હતું જ પણ હવે તો વૈશ્વિક સ્તરે એકબીજા પર નિર્ભર રહેવાના આખા વિચારને ટ્રમ્પ બારીમાંથી બહાર ફગાવી દેવા માગે છે. ટ્રમ્પનો આ વહેવાર ટૂંકા ગાળાની જીતનું સાધન છે પણ આર્થિક હિત અને આતંરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને મામલે ટ્રમ્પ અને યુ.એસ.એ. પર મોટું જોખમ છે.
બાય ધી વેઃ
આપણે ટ્રમ્પના તિતાલી અભિગમ સામે ટકવા માટે નીતિગત પરિવર્તન કરવું પડશે. કોઈપણ એક દેશ પર વધુ પડતો આધાર રાખવાનો ગેરફાયદો શું હોઈ શકે તે આપણે સમજી શકીએ છીએ. ભારત અને અમેરિકાના સંબંધો આમ તો વ્યૂહાત્મક છે પણ છતાં ય તે નાગરિકોના સ્તરનું જોડાણ, વિદ્યાર્થીઓ, ટૅક્નોલૉજી પ્રોફેશનલ્સ અને પરિવારો જેવાં પાસાઓ પર ઘડાયેલો સંબંધ પણ છે. ટ્રમ્પની આ બન્ને નીતિ ઊંડા આઘાતજનક ઘા જેવી સાબિત થાય એમ છે. વડા પ્રધાન મોદીએ અત્યાર સુધી તો લેખાં-જોખાંને ધ્યાનમાં રાખીને સાવચેતી ભર્યો અભિગમ રાખ્યો છે, તે જાહેરમાં ટ્રમ્પની ટીકા નથી કરતા પણ ભારતીય અમેરિકન કાયદાના વિશેષજ્ઞો સાથેની ચર્ચામાં તેમણે ભવિષ્યમાં બદલાઈ શકે એવા સંજોગોની ચિંતા ચોક્કસ વ્યક્ત કરી છે. આપણા વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓ અને વ્યવસાયીઓ માટે નાણાંકીય વ્યવહારો અને ઇમિગ્રેશનને લગતી બાબતોમાં સાવધાની અને જાગૃતિ રાખવા સલાહ આપી છે. ટ્રમ્પની તુમાખી અને મનસ્વી વહેવારને કારણે વાતચીત કે વાટાઘાટોની શક્યતાઓ પાંખી પડી રહી છે. જો ભારત નક્કી કરશે કે તે સામે કર તગડા કરશે અથવા રોકાણને મામલે આકરા નિયમો લાદશે તો નાના પાયાનું આર્થિક નીતિઓનું યુદ્ધ છેડાવાનાં કારણો પેદા થશે. આપણે આગળ વધું હોય ત્યારે અવરોધો તો વેઠવા પડે પણ આપણને એક દેશ તરીકે બહુ બધા મોરચે એક સાથે ખડા રહેવાનું આવે તો તે સહેલું નહીં હોય. વળી હાર્વડ નહીં અને ઑક્સફોર્ડ વિચારીએ એવું માનતા હો તો ખરેખર તો એમાં ય બહુ ભલીવાર નથી. વિદેશમાં ભણવું એટલે ગજવામાં કાણાં કરી, ઠંડુ ખાઈને અઠવાડિયે લોન્ડ્રી કરવાના દિવસો જેનું પરિણામ તગડી કમાણી હંમેશાં તો નથી જ હોતું. ધારો કે તમે કમાઇ પણ લો તો ય પેલું વન બિગ બ્યુટીફુલ બિલ કોઈ બીજા નામે, બીજા દેશમાં તમારા પાકીટને હળવું કરવા ખડું જ હશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 જૂન 2025