
હેમંતકુમાર શાહ
ગુજરાતમાં આશરે ૯,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. તે સમયે ગુજરાત સરકારે સમરસ ગ્રામ પંચાયત નામની એક યોજના જાહેર કરેલી છે. આ યોજના નરેન્દ્ર મોદીએ ૨૦૦૧માં જાહેર કરેલી હતી. તે હાલ પણ ચાલુ છે. એમ કહેવામાં આવે છે કે ગામોમાં વાદવિવાદ ન થાય અને ઝઘડા કે વિખવાદ ન થાય માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને પંચાયતના સભ્યોની ચૂંટણી થાય જ નહિ અને બધા સર્વાનુમતે ચૂંટાય તો રાજ્ય સરકાર એવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે અને તેને વિકાસનાં કામો માટે નાણાં આપે છે. વરસોવરસ આ યોજના હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટની રકમ વધારવામાં આવી છે. અને સતત બે વખત કે ત્રણ વખત સમરસ ગ્રામ પંચાયત સમરસ થાય તો ગ્રાન્ટની રકમ વધતી જાય છે. આ આખી યોજના જ લોકશાહી વિરોધી યોજના છે. કેટલાક મુદ્દા જોઈએ :
(૧) ગુજરાતનાં ગામોમાં સામાજિક સમરસતા છે ક્યાં? દરેક ગામમાં દરેક જ્ઞાતિના વાસ જુદા જુદા હોય છે. અને દલિત વાસ તો મોટે ભાગે ગામની બહાર હોય. આખું ગામ જાણે કે જુદા જુદા દેશો જેવું હોય છે! એમાં રાજકીય નેતૃત્વમાં સમરસતા કેવી રીતે આવે?
(૨) સામાન્ય રીતે સમરસ ચૂંટણી કરવાને નામે જેઓ ચૂંટણી લડવા ઉમેદવારી કરવા માગે છે તેમને ધાકધમકી આપીને બેસાડી દેવામાં આવે છે. જે હિંસા દેખાતી નથી એવી હિંસા થાય છે જ. જેઓ ગરીબો કે સામાજિક રીતે નબળા વર્ગના છે એવા દલિતો વગેરેને જાહેરમાં બોલવા દેવામાં આવતા નથી અને ચૂંટણી ન થાય તો લોકશાહીમાં જે મતાધિકાર મળ્યો છે તેનો પણ તેઓ ઉપયોગ કરી શકતા નથી.
(૩) બધા ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે અને ચૂંટણી ન થાય તો વાદવિવાદ ન થાય એવી ધારણા આ યોજના પાછળ છે. બોગસ વાત છે આ. એક ગ્રામ પંચાયતમાં વસ્તી ૧૦૦૦ની હોય તો પણ ૭૦૦ મતદારો તો હોય જ. વધુ વસ્તી ત્યાં વધુ મતદારો. એ બધા ભેગા ક્યારે, ક્યાં થાય અને કરે કોણ. અને એમાં સર્વાનુમતે ઉમેદવાર નક્કી થાય કેવી રીતે? કોઈ પણ ગ્રામ પંચાયતમાં આવું બન્યું જ નથી એમ અભ્યાસો કહે છે. એટલે ધાકધમકીથી જ ઉમેદવાર બનવા માગતા નાગરિકોને બેસાડી દેવામાં આવે છે એ એક હકીકત છે. એટલે આમ જુઓ તો, ઘણી વાર ગામમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય તે પોતાની રીતે સામ, દામ, દંડ અને ભેદ વાપરીને દાદાગીરી કરીને સમરસ ઉમેદવાર નક્કી કરી નાખે છે. એમાં નથી બહુમતી હોતી કે નથી સર્વાનુમતિ. લોકશાહીનું ખૂન કરીને સામાજિક અને રાજકીય ‘દાદા’ઓને હવાલે પંચાયત કરવાનો આ ખેલ છે.
(૪) ચૂંટણી દ્વારા સત્તા પર આવેલી સરકાર પોતે જ ચૂંટણી ન થાય તેને માટે નાણાકીય પ્રોત્સાહન આપે તે કેવું? એ સરકાર સરમુખત્યારશાહીને પોષે છે એમ જ ન કહેવાય?
(૫) ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા તો થાય જ અને છતાં ચૂંટણી ન થાય એવી આ યોજના છે. એટલે ભ્રામક સર્વસંમતિ ઊભી થઈ હોય તેવી ગ્રામ પંચાયત માટે પણ ચૂંટણી પંચની બધી કાર્યવાહી તો થાય જ, જાહેરનામું બહાર પડે, ઉમેદવારી પત્રક ભરાય વગેરે વગેરે. એટલે ચૂંટણી થાય છે એવો આભાસ તો ઊભો કરવાનો જ. સાવ NONSENSE વાત છે આ.
(૬) સરકાર આ કહેવાતી સમરસ ગ્રામ પંચાયતને વિકાસ માટે નાણાં આપે છે. એટલે એવો ભ્રમ પણ ઊભો થાય છે કે ચૂંટણીઓ થાય છે એટલે વિકાસ નથી થતો અને ચૂંટણી ન થાય તો વિકાસ થાય છે. કેટલી ખતરનાક બાબત છે આ!
(૭) હદ તો ત્યાં થાય છે કે નેતાઓના આદેશથી કલેક્ટર, મામલતદાર, ટી.ડી.ઓ., ડી.ડી.ઓ. અને એવા બધા અધિકારીઓની ફોજ ગામડાંમાં સરકારી ખર્ચે નીકળી પડે છે સમરસ ગ્રામ પંચાયત ઊભી કરવા! સરકારી યોજનાને સફળ થયેલી તો દેખાડવી જ પડે. આ સરકારી અધિકારીઓનું કામ છે?
(૮) આ સમરસ ચૂંટણીનો ચાળો થોડા સમય પહેલાં ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં લાગેલો, જો યાદ હોય તો. અરે, ભલા માણસ, પ્રોફેસરોમાં સમરસતા આવે કેવી રીતે? પણ આવેલી! ભાગબટાઈ નક્કી કરીને. આવું જ ગ્રામ પંચાયતોમાં થાય છે!
(૯) મોદી છે આ તો, કાલે મોદી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે પણ સમરસ યોજના જાહેર કરીને એમ કહી પણ દે કે જ્યાં સમરસ થશે ત્યાં અનુક્રમે ૫૦૦ કરોડ ₹ અને ૫,૦૦૦ કરોડ ₹ નો વિકાસ માટે ખર્ચ થશે. મોદી હૈ તો મુમકિન હૈ! પણ આ નેહરુ, સરદાર, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, ક.મા. મુનશી વગેરે દ્વારા ઘડાયેલું બંધારણ જ વચ્ચે આવે છે! બાકી મોદીને તો દેશનો વિકાસ કરવો જ છે. લોકશાહી જાય જહન્નમાં! સમરસ યોજના એ તો સ્થાનિક લોકશાહીને ખતમ કરવાનું એક રૂડુંરૂપાળું નામ છે.
તા. ૩૧-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર